સંસ્પર્શ -૨૦

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

આપણાં વેદો,ઉપનિષદો,પુરાણો તેમજ મહાભારત,રામાયણ જેવા મહાકાવ્યોમાં આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો ઠસોઠસ ભરેલો છે.આપણે તેને પૂરેપૂરી રીતે અભ્યાસ કરી સમજીએ તો તેમાંથી આપણે ,ખરેખર આપણી સંસ્કૃતિની અદ્ભૂત વાતો જાણી શકીએ.ધ્રુવદાદાએ ‘પ્રતિશ્રુતિ’ નવલકથામાં મહાભારતનાં ઊંડાં અભ્યાસ સાથે મહાભારતનાં જાણીતા પાત્ર ભીષ્મપિતામહને રજૂ કરતી સુંદર નવલકથા લખી છે. ભીષ્મપિતામહ અંગેની સામાન્ય વાતો સૌ કોઈ જાણે છે.ભીષ્મપિતામહે પ્રતિજ્ઞા કરી હતી કે તે આખું જીવન કુંવારા રહેશે અને હસ્તીનાપુર અને તેની પ્રજાનું રક્ષણ કરશે.ભીષ્મપિતામહે પોતાના પિતાનાં લગ્ન સત્યવતી સાથે કરાવવા સત્યવતીનાં પિતાની ઈચ્છા મુજબ,સત્યવતીનો પુત્ર જ ભવિષ્યમાં હસ્તિનાપુરનો રાજગાદીનો વારસ બને તે શરત મંજૂર રાખી હતી. આ શરતનું પાલન કરવા તેઓ આજીવન કુંવારા રહ્યા અને આવી પ્રતિજ્ઞા પિતા માટે લેનાર દેવવ્રતમાંથી ભીષ્મ કહેવાયા. આ વાત તો સૌ કોઈ જાણે છે.

પરતું દેવવ્રતે ખરેખર આ પ્રતિજ્ઞા કેમ લીધી હતી ? તે કારણ તો કોઈ જાણતું નથી.આપણે સૌ ,આપણા શાસ્ત્રો,ગ્રંથો ,પુરાણો કે ઉપનિષદોની કહી સુની વાતો સાંભળીને આગળ વધી જઈએ છીએ. તેનો અભ્યાસ કે તે ઓરીજીનલ ગ્રંથને વાંચવાં કે સમજવા ક્યારેય કોશિશ કરતાં નથી. ધ્રુવદાદાએ પ્રતિશ્રુતિ નવલકથાની શરુઆતમાં જ .ભીષ્મ કોણ હતાં? તેમણે આ ભીષ્મ પ્રતિજ્ઞા કેમ લીધી ? તેનાં સૌ પૌરાણિક પરીમાણોની વાત કરી છે ,તે ખૂબ રસપ્રદ છે.

વસિષ્ઠ મુનિની પ્રિય કામધેનુ ગાય નંદિનીની ચોરી કરવા ઈન્દ્રનાં સાત વસુઓ જાય છે. અને દેવોના વસુ હોવા છતાં મનુષ્ય જેવું ચોરીનું કર્મ કરતા ,વસુઓને વસિષ્ઠ મુનિના શ્રાપના ભોગ બનવું પડે છે.તેમને પૃથ્વી પર મનુષ્ય યોનીમાં અવતરવું પડશે તેવો શ્રાપ મુનિ આપે છે..આ વસુઓને પૃથ્વી પર અવતરી મનુષ્યના કર્મો કરવા નહોતા ,તેથી તેઓ ત્રિપથગામિની ગંગા પાસે જાય છે. ગંગાને વિનંતી કરે છે કે ,”મા તું ,કોઈ રસ્તો બતાવ કે અમારે મનુષ્ય અવતાર લઈ પૃથ્વી પર જન્મ ન લેવો પડે.” ગંગાને વસુઓ કહે છે કે ‘અમે તારા પુત્ર થઈ જન્મ લઈએ અને તું જન્મતાની સાથે જ તારા પ્રવાહમાં અમને વહાવી દે.’ગંગા કહે છે ‘શ્રાપ વસિષ્ઠ મુનિએ આપ્યો છે ,તેનું નિવારણ હું ન કરી શકુ. ‘છેવટે વસુઓ કહે છે ,અમારા દરેકનો એક અંશ લઈને એક આઠમો વસુ આપનો પુત્ર બની જન્મ લેશે અને તે પૃથ્વી પર મનુષ્ય અવતારમાં જીવન જીવશે. અમારા સૌનો એકએક અંશ હોવાથી બધાંને લાગેલો શ્રાપ તે અંશ પણ ભોગવશે એટલે ઋષિ વસિષ્ઠ નો શ્રાપ પણ ભોગવ્યો ગણાય.

આ સાત વસુઓનાં અંશ સાથેનો ગંગાનો પુત્ર તે દેવવ્રત – ભીષ્મ. તેમણે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી કારણ તેમને વંશવેલો વધારી પૃથ્વી પર મનુષ્ય અવતારે ફરી અવતરવું નહતું.

નવલકથાની શરુઆતમાં જ દાદાએ ભીષ્મ જન્મની રહસ્યમય વાત ગંગા અને વસુઓના સંવાદમાં વણી લીધી છે.ગંગા અને વસુઓના સંવાદમાં “વત્સ,પ્રકૃતિનું સર્જન જીવન કાજે કરાયું છે,મૃત્યુ તો નવસર્જન અર્થે પ્રકૃતિએ મૂકવું પડ્યું છે”જેવા અનેક સુંદર સંવાદો રચી ,દાદાએ જીવનરહસ્યો ઉકેલ્યા છે તે સંવાદો વાંચવા અને પૌરાણિક માહિતી વિગતે જાણવા આ નવલકથા જ વાંચવી પડે.

આવા જ માણસોનાં રહસ્યો ઉકેલતું સુંદર ધ્રુવગીત લઈને પણ આવી છું.ચાલો સાંભળીએ.

માણસને જરા ખોતરો,ને ખજાનો નીકળે

સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે

જાણે કશે આખી જિંદગી જીવતી દટાએલી

થાય બેઠી,બસ એક જણ પોતાનો નીકળે

જરૂરી નથી કે સીધા દેખાતાં જ સારા હોય

કદી કોઈ અડીયલ પણ મજાનો નીકળે

ઘા બધે જ મળે છે ચાહે ગમે તેને ખોતરો

કદી બહાર કદી અંદર ,નિશાનો નીકળે

કંઈ જ નક્કી નહીં આ તો માણસ કહેવાય 

I બહારથી પોતાનો ,અંદરથી બીજાનો નીકળે

એક સીધા સાદા ગીતમાં દાદાએ મનુષ્યનાં સ્વભાવની સચ્ચાઈ રજૂ કરી દીધી છે. કોઈપણ માણસ સાથે તમે જરા હમદર્દી સાથે જીવનની ચર્ચા શરુ કરો કે તે તમને તેની આખી જીવન કથની સંભળાવી દેશે.તેના જીવનનાં કેટલાય દટાયેલ રહસ્યો સહેજ પ્રેમ કે સહાનુભૂતિ બતાવતાં જ છલકી જાય છે. તેને બસ ! પોતાનાપણાનો અનુભવ થવો જોઈએ.આગળ દાદા ખૂબ સરસ વાત કરે છે કેબધાં બહારથી સારા દેખાતા લોકો અંદરથી પણ સારા હોય તેવું હંમેશા નથી થતું.કોઈવાર બહારથી અડીયલ દેખાતો માણસ પણ ક્યારેક મજાનો નીકળતો હોય છે.અને છેલ્લે દાદા કહે છે માણસને ખોતરીએ ત્યારે ક્યાંક ઘાનાં ઉઝરડા બહાર ન દેખાતા હોય પણઅંદરથી ઘવાયેલો હોય!અને માણસનાં રહસ્યમય સ્વાર્થી સ્વભાવને વર્ણવતા દાદા કહે છે કે બહારથી તમને પોતાનો લાગતો માણસ ક્યારેક અંદરથી બીજાનો પણ નીકળે! આમ માણસના રહસ્યમય સ્વભાવ પર સરસ કટાક્ષ કરતું ગીત રમતું મૂક્યું છે.

જિગીષા દિલીપ

૧૫મી જૂન ૨૦૨૨

ઓશો દર્શન -15 રીટા જાની


‘મંઝિલનો રાહ લીધો, સહારા મળી ગયા;
મેં આદરી સફર ને કિનારા મળી ગયા.’

– હરીન્દ્ર દવે


અહીં તો કવિને સહારો પણ મળે છે અને કિનારો પણ. પરંતુ દરેક વ્યક્તિ શું એટલા ખુશનસીબ હોય છે કે જે રળિયામણું અને સોહામણું લાગે તેની પ્રાપ્તિ પણ થાય? મહિમા અલ્પવિરામનો નથી, પૂર્ણવિરામનો છે. આદરેલા કામો પુરા કરવાનાં છે, યત્નો થકી રત્નોને શોધવાના છે, પ્રયત્ન અને પુરુષાર્થની પાંખે પથ કાપવો છે, ગરુડની જેમ આકાશમાં ઊંચે ને ઊંચે ઊડી વાદળના વન વીંધવા છે. તેવામાં કોઈ પથ દર્શક મળી જાય તો કેવું? જી હા, આજે આપણે ઓશો દર્શનમાં વાત કરીશું પત્રોના સ્વરૂપે લખાયેલા ઓશોના પુસ્તક ‘પથ દર્શક’ ની, જે ખરેખર જીવનના રાહ પર જીવનનું સાર તત્વ પામવા માટે વિચાર-દીપ પ્રગટાવે છે.

જ્ઞાનની પહેલી આકાંક્ષા આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. માણસની સૌથી મોટી મુશ્કેલી છે પોતાના આત્માનું જ્ઞાન પામવા માટેનું અજ્ઞાન. જેમ દીવા તળે અંધારું હોય છે, તેમ માણસ પોતાના સત્ તત્વ પ્રત્યે અજ્ઞાનના અંધકારમાં હોય છે. માણસે પોતાને શું થવું છે તે વિચારતાં પહેલા એ જાણવું જરૂરી છે કે પોતે શું છે? આ આત્મ જાગૃતિ આવશે, તો જ જીવનની નૌકાને પૂર્ણતાનો કિનારો મળશે. માણસે પશુતાને પાછળ છોડવાની છે અને આગળ જતાં પ્રભુતાને પ્રાપ્ત કરવાની છે, માર્ગમાં રોકાવાનું નથી. અંધકાર એ પ્રકાશનો અભાવ છે માટે અંધકાર સામે લડવાનું નથી, પ્રકાશ પ્રગટાવવાનો છે. આ જ રીતે અશુભ, અનીતિ અને અધર્મનો નાશ કરવાનો નથી, પણ નીતિનો, શુભત્વનો અને ધર્મનો દીવો કરવાનો છે.

સત્ય, સંયમ અને સંગીત જીવનમાં સમતોલન લાવે છે. અતિની વચ્ચે મધ્યમ રહેવું તેનું નામ સંયમ. રાગ અને વૈરાગ્યની વચ્ચે સ્થિરતા પ્રાપ્ત કરીએ તો વિતરાગનો સંયમ મળે. સંસાર પ્રત્યે આસક્તિ અને વિરક્તિના વિકલ્પો વચ્ચે મધ્યમ માર્ગ શોધી સ્થિર થવાથી સંન્યાસનો સંયમ પ્રાપ્ત થાય. આવો સંયમ હોય, ત્યાં સંગીતની સુરાવલી ઊઠે છે. બધો જ કોલાહલ શાંત થતા અંતરમાં સહજ સંગીત સ્ફુરિત થાય છે. પોતાનું આ સંગીત જ નિર્વાણ છે, મોક્ષ છે, પરબ્રહ્મ છે.

ઓશો કહે છે મૃત્યુ તો એનું જ સુંદર હોઈ શકે જેનું જીવન પરમ સુંદર રહ્યું હોય. મૃત્યુ એ અફર સત્ય છે. મૃત્યુ એ જીવનની પરાકાષ્ઠા છે, એ તો અંતિમ સ્વર છે બંસીનો. એને મળવા માટે કોઈ આયોજન કરવાની જરૂર નથી. પરંતુ જેણે જીવનભર બંસીને સાધી હોય, સુરતાલમાં જેના છંદ મળ્યા હોય, એ જ મોતને ગાતા, નૃત્ય કરતા કરતા અંગીકાર કરી શકશે.

સૂર્ય સુધી પહોંચવા માટે પ્રકાશનું એક કિરણ મળે તે પણ પૂરતું છે. અને આ કિરણ બધાની પાસે ઉપલબ્ધ છે, ભલે આપણને તેની જાણ ન હોય. જે આ કિરણને શોધી લે છે તે સૂર્યને મેળવી છે. માણસના ભીતરમાં જે જીવન છે, તે અમૃતત્વનું કિરણ છે; જે જ્ઞાન છે તે બુદ્ધત્વનું બિંદુ છે અને જે આનંદ છે તે સચ્ચિદાનંદની ઝલક છે. જ્યારે અંતરયાત્રા શરૂ થાય છે ત્યારે નિજ તત્વ અને સત્વની ઓળખ થાય છે. માટે ભીતર જઇ ચિત્તની સફાઈ રોજ કરવી જરૂરી છે. તેના પર જીવનની નિર્મળતાનો આધાર છે.

પ્રાર્થના એટલે પ્રેમ અને સમર્પણ. તેની કોઈ રીત કે પદ્ધતિ હોતી નથી. જેવી રીતે પર્વત ઉપરથી કલકલ નાદે ઝરણું વહેતું હોય છે, તે રીતે પ્રેમપૂર્ણ હૃદયમાંથી પ્રાર્થનાનો સહજ આવિર્ભાવ થાય છે. પાણીની એક એક બુંદથી જ દરિયો બને છે. જે બિંદુને ઓળખે તે દરિયાને જાણી શકે છે. એ જ રીતે પળ પળથી જીવન બને છે. જે પળને ઓળખે તે જીવનને પામે છે. કોઈ એક પળનું મહત્વ બીજી પળ કરતાં વધુ પણ નથી અને ઓછું પણ નથી. માટે દરેક ક્ષણને આનંદમય બનાવીએ. પળમાં છુપાયેલા શાશ્વતને શોધીએ તો પરમ ઉપલબ્ધ થશે અને જીવન કૃતાર્થ બનશે.

બીજ જ્યારે પોતાની જાતને જમીનમાં દટાઇ જવા દે છે, ત્યારે જ તે અંકુરિત થઈને વૃક્ષ બને છે અસ્તિત્વની ઓગાળવાની કિંમત ચૂકવ્યા વગર સત્ય તરફ ગતિ થશે નહીં. જે લોકો જીવનનો સાચો હેતુ સમજ્યા નથી તે એવા માળી છે, જેની પાસે ફૂલો છે, તેની માળા બનાવવી છે, પણ તેની પાસે એવો દોરો નથી જેમાં બધા ફૂલો પરોવાઈ જાય. તેનું જીવન પછી એવું વૃક્ષ બની જાય છે, જેમાં ફળ કે ફૂલ ઉગતાં નથી. જીવનના અનુભવોને એક લક્ષ્યના દોરામાં પરોવીને એક સાથે જોડીએ ત્યારે સાર્થકતા અને કૃતાર્થતા પામી શકાય.

મોટા બારણાં નાનાં મિજાગરા પર જ ઝૂલતા હોય છે. તે રીતે જીવનમાં મૂલ્યોનું સ્થાન ભલે નાનું લાગતું હોય પણ જીવન એ મૂલ્યો પર જ આધારિત છે. ચિત્તની પૂર્ણ સ્વતંત્રતા એ સત્યના આગમનની પૂર્વશરત છે. જિજ્ઞાસા શોધ તરફની ગતિ છે. તેના માધ્યમથી જ વિવેક જાગે છે અને ચેતના ઊર્ધ્વ બને છે. આ જિંદગી એક વિદ્યાલય છે. જેને શીખવાની તાલાવેલી હોય, પોતે જાગૃત હોય, આંખો ખુલ્લી હોય, તે દરેક વ્યક્તિ પાસેથી અને દરેક ઘટનામાંથી કંઈ ને કંઈ શીખે છે.

જાગૃત ચિત્તદશામાં પાપ ક્યારેય સંભવિત નથી. જાગૃત માણસ જેમ અગ્નિમાં હાથ નાખતો નથી, એ જ રીતે જે જાગૃત અવસ્થા મેળવી લે છે તેને સહજ રીતે જ ધર્મ મળી જાય છે. જે વિચારોના તરંગમાંથી મુક્ત થઈ શકે છે, તે જ્યાં પણ રહે ત્યાં મંદિર છે. તે જે કાર્ય કરે તે પ્રાર્થના, માળા અને જપ છે. જ્યાં હૃદયનો નિખાલસ પોકાર હશે, ત્યાં પ્રભુ સામેથી આવશે. જેના આંતરચક્ષુ ખુલી જાય છે, તેના જીવનની દિશા અને અર્થનું પરિવર્તન થઈ જાય છે. જાગૃત થાઓ તો બધો અંધકાર વિલીન થઇ જશે.

જીવનમાંથી અંધકારને હટાવી શકાતો નથી, પ્રકાશનું પ્રજ્વલન કરી શકાય છે. ઓશો કહે છે કે ફૂલોને માટે આખું જગત ફૂલસ્વરૂપ છે અને કાંટાને માટે કાંટારૂપ છે. સંસાર તો અરીસો છે. તમે બીજામાં જે જુઓ છો તે તમારી જ પ્રતિક્રિયા છે. જો તમારી દ્રષ્ટિ અને સમજણ સાચી હશે તો બીજામાં શિવ અને સુંદર જોઈ શકશો. આપણે પણ નિષેધાત્મક પલાયનવાદના અંધારા સામે લડવાનું છોડી દઈએ અને જીવનને સકારાત્મક દિશા આપે એવો દીવો પ્રગટાવી લઈએ. ‘પથ દર્શક’ના વધુ પ્રકાશમય રસ્તાની સફર કરીશું આવતા અંકે.,.

રીટા જાની
06/05/2022

ફરી…કલરવ અને કોલાહલ – 14

મધર્સ ડે!

દિના સવારથી ઉત્સાહમાં હતી. ઘણા વખત પછી તે ઈશા અને ફરાહને મળી રહી હતી. કોલેજકાળના અંતમાં ત્રણેવ ખાસ મૈત્રિણીઓએ નક્કી કર્યું હતું કે વર્ષમાં ત્રણ-ચાર વખત એક આખો દિવસ સાથે ભેગા થવું અને એક બીજા સાથે પોતાના જીવનની  સારી નરસી વાતોની આપ-લે કરવી. ઘર અને ઓફિસકામ બધું પતાવીને અથવા બાજુએ મૂકીને… આ ‘મી-ટાઈમ’ કે ‘અસ-ટાઈમ’ને કોઈ પણ સંજોગોમાં પ્રાધાન્ય આપશું. એટલે જ આ દિવસની ગોઠવણી થોડા અઠવાડિયાથી થઈ રહી હતી. ઈશા પ્રોફેશનલ ડાન્સર, ફરાહ આંતરરાષ્ટ્રીય કંપનીમાં  મોટા હોદ્દે કર્મચારી અને દિના બ્યુટી પાર્લર ચલાવે એટલે બધાની તારીખો મેળવવી પડે એમ હતી. દિના તેના પતિ, દિકરા અને સાસુ-સસરા સાથે એક સંયુક્ત કુટુંબમાં વર્ષોથી ઠરીઠામ થઈ ચૂકી હતી. ઈશા પણ સુખી લગ્નજીવન તેના પતિ અને દિકરી સહીત માણી રહી હતી. જ્યારે ફરાહ પોતાના માબાપની એકલી દિકરી હતી અને અવિવાહિત હતી.

સમય થતા બહેનપણીઓ મળ્યા અને વાતો ના દોર શરુ થયા. 

ઈશા બોલી “મારી દસ વર્ષની પરીએ પરમ દિવસે મને શૉમાં જતા પહેલા મધર્સ ડેનું કાર્ડ આપ્યું. I felt so special” કહી ઈશાની પાંપણ ભીની થઈ ગઈ. 

ફરાહે ઉમેર્યું ‘મેં પણ મારી મમ્મી માટે ડિનર અને શોપિંગ પ્લાન કર્યું હતું – We had an amazing time. દિના તમે બધાએ શું કર્યું – Any surprise for you?”

દિનાએ કહ્યું “આ વખતે અમે મધર્સ ડે જરા જુદી રીતે ઉજવ્યો – અમે તેને ‘Mother-in-law’s day’ બનાવ્યો. એટલે કે આખો દિવસ સમીર મારા મમ્મી સાથે અને મેં મારા સાસુ સાથે પસાર કર્યો. સાંજે અમે બધા એકત્ર થયા અને અમારા અનુભવો કહ્યા. મને તો મારા સાસુની પસંદગી ખબર હોય જ પણ સમીર માટે આ પ્રથમ અને એક અપ્રતિમ અનુભવ હતો.” 

ઈશા અને ફરાહ ને રસ જણાયો. બન્ને બોલ્યા: ” જરા વિસ્તાર થી કહે”

દિનાએ ચલાવ્યું “સમીરે મારી સાથે બેસીને મારી મમ્મી ઉપર ઘણું સંશોધન કર્યું – તેની ગમતી વાનગીઓ વાળી રેસ્ટોરન્ટ ગોતી, તેના શોખ પ્રમાણેની ખરીદીની જગ્યા નક્કી કરી. મમ્મીને ગુજરાતી નાટકમાં બહુ રુચિ એટલે મુંબઈના NCPA થિયેટરમાં બપોરનો શો બુક કરાવ્યો અને ખાસ બેક-સ્ટેજ કલાકારોને મળવા મમ્મીને લઈ ગયો. સાંજે મેં સમીરને તેના અનુભવ વિષે પૂછ્યું તો તેના માટે આ મમ્મીનો સાવ અનોખો પરિચય હતો અને ખાસ તો તે ગુજરાતી નાટ્યશાસ્ત્ર પર મમ્મીના જ્ઞાનથી તે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. સાથે સાથે તેને મમ્મીના સ્વભાવની  રમૂજી બાજુ પણ જાણવા મળી. પછી મમ્મીને પૂછ્યું તો મમ્મી તો એવી ખુશખુશાલ હતી કે મને કહે કે આજ સુધી તેના દિકરા-દિકરીઓએ આવી સરસ ઉજાણી નથી કરાવી જેવી જમાઈએ કરાવી છે…” કહેતા કહેતા દિના એના મિત્રો સાથે ખડખડાટ હસવા લાગ્યા. 

પણ પછી ક્ષણવારમાં જ દિનાનું હાસ્ય શમી ગયું અને એક શાંત ઉદાસીનતા તેની આંખોમાં ડોકાવા લાગી. “હવે તારી સાસુ સાથે તારો અનુભવ કેવો રહ્યો એ તો વાત કર! કેટલી સેવા કરાવી?” ફરાહ મસ્તીમાં અને જરા ગોસિપના મૂડમાં આવી ગઈ હતી. 

દિના ફિક્કું હસી અને બોલી “મારી સાસુ સાથેનો આ સમય મારા માટે જીવનની સૌથી કિંમતી ક્ષણો હતી. તમને મેં માંડીને વાત કરી નથી પણ મારા સાસુની  તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી નાદુરૂસ્ત રહે છે. તેમને દમ નો રોગ ઘણા વર્ષોથી છે અને ડોક્ટરો ઈલાજ કરવા કોશિશ કરી રહ્યા છે પણ જોઈએ એવો સુધાર નથી – ઉલ્ટાનું દિવસે દિવસે તબિયત લથડી રહી છે. પણ મારા સાસુ એકદમ શાંત અવસ્થામાં છે – જાણે રોગની એમના મન ઉપર કોઈ અસર જ ન હોઈ. હાલાતનો પૂર્ણ સ્વિકાર કરી  જવાની પૂર્ણ તૈયારીમાં હોય એવું ક્યારેક ભાસ થાય. મધર્સ ડે ના દિવસે મને કહે કે ચાલ આપણે લોનાવલા ડ્રાઈવ પર જઈએ – ત્યાં આપણી રહેવાની જગ્યા પણ છે  એટલે બપોરના આરામ પણ થઈ જશે. એટલે અમે ડ્રાઈવ પર જવા શરુ થયા. આખા રસ્તે મારા સાસુ મને ઘરની વાતો, વ્યવહારની વાતો કરતા ગયા અને સમજાવતા ગયા જાણે કેમ મને બધું સુપરત  કરી દેતા હોય. આખો દિવસ અમે ખુબ વાતોમાં અને આનંદમાં ગાળ્યો. જુના સંસ્મરણો યાદ કરીને, હસીને બેવડા વળી ગયા. એ દિવસ પૂરતા અમે સાસુ વહુ મટી, મા-દિકરી મટી, ફક્ત મિત્રો બની ગયા. તેમની વાતોમાં મારા પ્રત્યે કે ઘરના કોઈ વ્યક્તિ પ્રત્યે અપેક્ષા નહોતી. બસ પ્રેમથી રહેવાનો ભાવ હતો. મેં મારા સાસુને કહ્યું કે જ્યારથી હું પરણીને આવી છું ત્યારથી તેમણે મને જે રીતે તૈયાર કરી છે તે ટ્રેનિંગ મને મારા પિયરમાં પણ નહોતી મળી. અને આજે તેમની સ્થિતપ્રજ્ઞતા જોઈ હું પ્રભાવિત તો છું પણ સાથે સાથે આવા વ્યક્તિને હું નજીકના ભવિષ્યમાં ખોઈ દઈશ એની વ્યથામાં પણ છું.” કહી દિનાની આંખના અશ્રુઓ વહી પડ્યા. 

વિશ્વભરમાં મધર્સ ડે મનાવાય છે. પોતાની મા ને યાદ કરવી અને સાથે સમય વિતાવવો કોને ના ગમે? પણ સાથે જો સાસુમા સાથે પણ આટલીજ નિકટતા કેળવાય તો સોનામાં સુગંધ ભળે અને ખરા અર્થમાં મધર્સ ડે સર્વાંગપણે ઉજવાય. આવોજ એક દાખલો અમારા નિકટના પરિવારમાં જોવા મળ્યો જ્યાં અમારા જમાઈઓએ મળીને તેમના સાસુની (એટલે કે અમારા મામીની) ખૂબ દિલથી સેવા કરી. તેમની તબિયત વધારે ખરાબ થતી દેખાતા જમાઈઓ એ સાસુમાનું પોતાના ઘરે સ્થળાંતર કર્યું અને દિવસ રાત તબીબો સહીત સેવામાં હાજર રહ્યા. અને આજે અમારા મામાની પણ દેખરેખ રાખી રહ્યા છે. આ સબંધો લોહીના નહિ પણ લાગણીના બંધાયા છે.

નાનપણમાં જોસેફ મેકવાનની વાર્તા “હતી ત્યારે મારી ત્રણ ત્રણ મા હતી” (‘વ્યથાના વીતક’ વાર્તા સંગ્રહમાંથી) ખુબ રસથી વાંચી હતી. પોતાના જીવનચરિત્રમાં લેખક નાની વયે ગુમાવેલી મા વિશે, સાવકી મા વિશે અને ખાસ તો તેને ખૂબ પ્રેમ આપતી તેની લાડુભાભી વિશે લખે છે.

મારી વાત કરુ તો ‘મારે હતી ત્યારે  બે બે મા હતી’ – એક જેણે મને જન્મ આપ્યો અને ખુબજ પ્રેમથી મોટો કર્યો – મારી જનેતા રંજન મમ્મી અને બીજી જેણે પોતાના જીવનની એક એક ક્ષણ અમારા પાલન પોષણમાં વાપરી નાખી – મારી મોટી મમ્મી – વિનોદિની. આજે વર્ષો થયા બંન્નેની  હયાતી નથી પણ તેમનું સ્મરણ કોઈ ને કોઈ પ્રસંગે આવે અને મન ફરી ભૂતકાળમાં બાળક બની તેમનો ખોળો ખૂંદવા ફાંફા મારે!

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (3-May-2022)

ફરી…કલરવ અને કોલાહલ – 13

ભલે પધાર્યા!

“સાંજે શું કરે છે, મિહિર?” સામે છેડેથી ધવલનો રણકતો અવાજ ફોન ઉપર સાંભળ્યો. ધવલ મારો નાનપણનો દોસ્ત અને અમે કૌટુંબિક મિત્રો એટલે સિંગાપુરથી હું જ્યારે મુંબઈ આવું એટલે ધવલ અને તેના પરિવાર સાથે મુલાકાત અચૂક થાય. તેના પરિવારના બધાજ પ્રેમાળ અને લાગણીસભર એટલે વારંવાર મળવાનું મન થાય અને એમાં ખાસ તો તેના માતાપિતા શશિકાન્તભાઈ અને મીનાબેન (અમારા માટે  શશિઅંકલ અને મીનાઆન્ટી)!

“તારા માટે નવરો જ છું, રાજા! બોલ ક્યાં લઈ જાય છે?” મેં ગમ્મત કરતા જવાબ આપ્યો.

“Be ready for a surprise! તને પાંચ વાગ્યે લેવા આવું છું” કહી ધવલે ફોન મુક્યો.

 આખી બપોર સાંજની આતુરતામાં પસાર થઈ. મને પ્રસંગની ખાતરી નહોતી તેથી મેં મારા સારામાં સારા કપડાં પહેર્યા. સાંજે ધવલ ગાડીમાં મને લેવા આવ્યો અને મને સુસજ્જ તૈયાર થયેલો જોઈ હસવા લાગ્યો. મેં કહ્યં “કેમ ભાઈ – શર્ટ ફાટેલું છે કે ખરાબ છે?” તે હસતા બોલ્યો “ના..ના .. પણ કદાચ ખરાબ થશે. આવ બેસ” કહી હસતા હસતા ગાડીનો દરવાજો ધવલે ખોલ્યો. હું માથું ખંજવાળતા ગાડીની સીટ પર ગોઠવાયો. ગાડી મુંબઈના નામાંકિત વિસ્તારમાં ફરી અને નવા ચણાયેલા વિશાળ બિલ્ડિંગમાં દાખલ થઈ.

” આ ક્યાં આવ્યા આપણે?” મેં ધવલને પૂછ્યું.

“આજ તો છે સરપ્રાઇસ. આપણે આ બિલ્ડિંગમાં ઘર નક્કી કર્યું અને એ દેખાડવા તને અહીં લઈ આવ્યો છું. હજી રૅનોવેશનનું (નવીનીકરણ) કામ ચાલે છે. ચાલ ઉપર” કહી ધવલે પ્રવેશ લોબી તરફ ઈશારો કર્યો.

હું ધવલને ભેટી પડ્યો અને ખુબ અભિનંદન આપ્યા. હું જાણતો હતો કે ધવલનો ઉછેર મધ્યમ વર્ગીય હતો પણ વિચારે તે ખુબ પ્રગતિશીલ હતો. ધવલ અને તેના ભાઈએ નાની વયથી ધંધાકિય સાહસ કર્યું અને નીતિથી ધંધો વિક્સાવ્યો સાથે શશિઅંકલનું સચોટ માર્ગદર્શન અને તેમની વ્યવહાર કુશળતા ભળી એટલે સારી સફળતા મળી. નાણાકીય અને પારિવારિક મુશ્કેલીઓ તો આવી પણ ખુબજ સ્થિરતાથી ગુંચવણ ઉકેલતા ગયા. તેમણે માણસાઈ ને પૈસા કરતા વધારે પ્રાધાન્ય આપ્યું અને એટલે મા શારદા અને લક્ષ્મી બન્નેની કૃપા રહી.

ધવલ એક પછી એક રૂમ દેખાડતો હતો. રૅનોવેશન કામ ચાલુ હતું. શશિઅંકલ પણ સાથે હતા. ઘરની એક અલગ જગ્યા તરફ આવી શશિઅંકલ બોલ્યા “આ જગ્યા અમે ખાસ મહેમાનો માટે રાખી છે. મને મિત્રોને ઘરે બોલાવી જમાડવા ગમે – સુખ દુઃખની વાત કરવી ગમે. એટલે છોકરાઓને ખલેલ ન થાય એ રીતે અહીં અમે અમારા મિત્રો સાથે હળી-મળી શકીયે અને બહારગામના મિત્રો અને સગાવહાલાઓ ને ઘરે ઉતારો પણ આપી શકે.”

આવા માણસ ભૂખ્યા લોકો હવે સંસારમાં ક્યાં જોવા મળે છે? ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવા મુંબઈમાં મિત્રો અને સ્વજનોનો માટે રોટલો અને ઓટલો ફાળવવો એ બહુ જૂજ જગ્યાએ બને. સવાલ ક્ષમતાનો નહિ પણ ભાવ અને હોંશનો છે. શશિઅંકલની વાત સાંભળતા મને મારા દાદા અને પિતાની વાત યાદ આવી ગયી. મારા દાદા કાપડ બજારના દલાલ હતા અને અને સ્વભાવે ખૂબ મળતાવડા એટલે તેમના ઘણા મિત્રો હતા. બજારમાંથી ઘરે પાછાં ફરતા ક્યારેક તેમની સાથે કોઈ મિત્ર જોડાયો હોય અને ઘરે આવતાજ મારા દાદી ને કહે “રંભા.. શિરો હલાવજો. આર-52 (ઉંચા પ્રકારના કાપડ ઉપરથી મિત્રનું કોડ નામ પડતું) સાથે આવ્યા છે”. આવો જ વારસો મારા પિતાજીએ કાયમ રાખ્યો. સાહિત્ય સમ્મેલનથી ઘરે પાછા વળતા તેમની સાથે સાહિત્યિક મિત્ર જમવામાં હોયજ, પછી તો ઉંમર જતા ઘરે પિતાજીને મળવા દરરોજ ઘણા લોકો આવતા. બધાને પિતાજી ચા નાશ્તો કરાવતા. કેટલાકને જમાડતા પણ. પિતાજી કહેતા કે શરુવાતના વર્ષોમાં તેમના અમદાવાદના સાહિત્યિક વર્તુળના મિત્રો મુંબઈ આવી ઘણો સમય સાથે રહેતા અને પિતાજી પણ અમદાવાદ તેમને ત્યાં જઈ રહેતા. સાહિત્ય સાથે એક બીજાના જીવનની નાની મોટી વાતો અને ઘટનાઓની આપ-લે થતી અને સબંધો વધારે ગાઢ બનતા અને વર્ષોના સંભારણા બની રહેતા. જ્યાં એકબાજુ પિતાજી તેમના મિત્રોને આવકારતા ત્યાં નાનપણથી મેં જોયું હતું કે મમ્મી ઘરે આવતા કામ વાળા બહેનો-ભાઈઓને જમાડ્યા વગર પાછા ન મોકલતી. ઘણીવાર તો તમને આગ્રહ કરીને જમાડતી – અમને જરા અજુગતું લાગતું. પણ મમ્મીનું માનવું હતું કે આપણે માણસોનું પેટ ઠારશું તો આપણું પેટ પણ ઠરશે. એમાંય જે બહેનો કચરા સાફ કરવા આવતા, દૂધ આપવા આવતા એનો તે ખાસ ખ્યાલ રાખતી. 

રહીમ સાહેબ કહે છે .. “રહિમન ઇસ સંસારમેં સબ સો મિલીઓ ધાય.. ના જાને કેહિ રૂપ મેં નારાયણ મિલિ જાય”. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છે અર્થાત્ અતિથિમાં દેવ જોવા. જ્યારે રહીમ સાહેબ કહે છે કે ખુદ દેવ અતિથિ નું રૂપ લઈ આવી પધારશે માટે કોઈની અવગણના ન કરો – ભલે આપવા માટે આપણી પાસે બોર હશે પણ દાનત જો શબરીની હશે તો રામ જરૂર આપણી કુટિયામાં પધારશે.

મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મહેમાનનો આવરો જાવરો પુષ્કળ હોય. ક્યારેક એટલો બધો હોય કે તેમનાથી ભાગી જવાનું મન થાય. એમ થાય કે અતિથિ તુમ કબ જાઓગે? એટલે કેટલાક રજામાં ખાસ બહારગામ નીકળી જાય. બાર વર્ષ પહેલા અમે મુંબઈ છોડી પરદેશ રહેવા આવ્યા, ત્યારે શરુવાતમાં ત્યાંની નવી જગ્યા જોવી અને માણસોને મળવું ખુબ ગમતું. પણ પછી અમે મહેમાનોને ‘મિસ’ કરવાનું શરૂ કર્યું (પોતાની ખરી પ્રકૃતિ ઓળખાઈ). હજી નવા મિત્રો એટલા બન્યા ન્હાતા એટલે યજમાનના હોંશ પુરા નહોતા થયા. ત્યાં ખબર આવ્યા કે મુંબઈથી અમારી ખાસ મિત્ર બિજલના માતાપિતા સિંગાપોર આવી રહ્યા હતા અને અમારી સાથે થોડા દિવસ રહેવાના હતા. અમે ખુબજ આનંદમાં આવી ગયા અને અમારા સિંગાપોરના પહેલા મહેમાનના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. ત્યારે અમારા મનમાં એક જ વાતનું રટણ હતું : “અતિથિ તુમ કબ આઓગે?”

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પહેલાના સંબંધો બહુ જ સહજ હતા – તેમાં ઔપચારિકતા ન હતી અને માણસ-માણસ વચ્ચે પ્રેમ અને લાગણીનું જોડાણ હતું. મને લાગે છે કે આજે પણ આ જોડાણ તો છે પણ તેના ઉપર ભૌતિક જીવનની પ્રાથમિકતાઓના આવરણ આવી ગયા છે અને એટલેજ તેનું અવમૂલ્યન થતું વર્તાય છે. આપણે આ આવરણો ખસેડી દઈએ તો અનુસંધાન પાછું સ્થાપિત થઈ જશે.

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (26-Apr-2022)

ફરી…કલરવ અને કોલાહલ – 12

સગપણ

સિંગાપુરની એક સાધારણ સાંજે મેં જોયું કે ઘર એકદમ શાંત છે. 

હોમ-મિનિસ્ટરને પૂછ્યું “કેમ, ખૂબી (અમારી દસ વર્ષની નાની દિકરી) ઘરમાં નથી?”. 

પત્નીશ્રી બોલ્યા: “આ બેઠી તેના રૂમમાં. મિત્ર સાથે લેપટોપ પર વાત કરે છે.” 

મેં તેના રૂમમાં જઈ જોયું તો તે તેની મુંબઈ સ્થિત મિત્ર માહી સાથે રૉબ્લોક્સ ગેમ (કોમ્પ્યુટર પર રમાતી રમત) રમી રહી હતી. મેં તેને કહ્યું “ખૂબી, તારા માટે એક સરપ્રાઇસ છે. અહીં આવ.” 

મારી સામે જોયા વગર, લેપટોપ સામે તાકતી ખૂબીનો ઉત્તર તૈયાર હતો “પપ્પા, don’t trick me to leave the laptop. મમ્મીએ મને રમવાની રજા આપી છે.” 

હું સમજ્યો. વધારે લાબું બોલવાને બદલે મેં ફક્ત એટલુંજ કહ્યું, “તારી રજાઓમાં મુંબઈ જવા માટે મેં આપણા બધા માટે ટિકિટ બુક કરાવી છે”. 

“What? Are you kidding me? (શું? તમે મારી મજાક કરી રહ્યા છો?)” ખૂબી ચોંકી અને મારી સામે જોતા બોલી. 

છેલ્લા બે વર્ષોથી કોવિડને કારણે સિંગાપુરની બાહર ગયા ન હતા. એમાં બહારગામ ફરવા જવાનું નામ આવે એટલે સૂકા રણમાં મીઠી વિરડી દીઠા સમાન મન પ્રફુલ્લિત થઈ ઉઠે. અને પાછું  ‘ઇન્ડિયા-મુંબઈ’ જવાનું નામ પડે એટલે ખૂબી તો ગાંડી-ઘેલી થઈ જાય. દસ વર્ષ પહેલા તેનો જન્મ મુંબઈમાં થયો પણ તરતજ અમે પાછા સિંગાપોર આવી ગયા એટલે તેનો ઉછેર ઘણો ખરો પરદેશમાં જ થયો. અમે મુંબઈ છોડ્યું પણ મુંબઈપણું હજી અકબંધ છે એટલે છાશવારે ફ્લાઈટ પકડી મુંબઈ પહોંચી જઈએ. જેમ ખૂબી મોટી થતી ગઈ તેમ તેની મુંબઈની સ્મૃતિઓ ગાઢ બનતી ગઈ. એના માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ ભારતની કોઈ પર્યટનની જગ્યા નહોતી – તેને આતુરતા રહેતી તેના સંબંધીઓ અને જૂજ મિત્રોને મળવાની – ખાસ કરીને તેના ‘કઝિન’ ભાઈ-બહેનોને. હા! સોશ્યિલ મિડિયા દ્વારા તે કઝિન્સ અને મિત્રોના સંપર્કમાં રહે એટલે પ્રત્યક્ષ મળવા માટે તેને તાલાવેલી જાગે. 

મારા ભાઈની દિકરીઓ નિત્યા અને જશવી, બહેનનો દિકરો માહિર, સાળાના સંતાનો જૈનમ અને વિરમ અને સાળીના સંતાનો દર્શ અને દક્ષને મળવાનાં દિવસો જેમ નજીક આવતા ગયા તેમ ખૂબીના પ્રશ્નો વધતા ગયા “ફ્લાઈટ કેટલા વાગ્યે છે? ત્યાં બધા મળશે તો ખરા ને? આપણે કેટલા દિવસ રહેશું?…” છેવટે   ફ્લાઈટમાં બેઠા ત્યાં ખૂબીની બાજુની સિટ પર એક મોટી ઉંમરના અજાણ્યા પ્રવાસી બહેન આવી બેઠા. મેં તો મારુ મન ફિલ્મ જોવામાં પોરવ્યું અને થોડી વારે જોયું તો ખૂબી પેલા અજાણ્યા બહેન સાથે વાતોમાં મગ્ન હતી અને પછી હસી મજાક ચાલુ થયા. મેં હળવેકથી ખૂબીને પૂછ્યું “તું આંટીને ઓળખે છે?”. તેણે જવાબ આપ્યો “ના ડેડી. પણ તેનું નામ નિત્યા છે – મારી સિસ્ટરનું નામ. એટલે એ સ્ટ્રેન્જર (અજનબી) નથી.” હું અવાક થઈ તેનો તર્ક સાંભળતો રહ્યો અને વિચાર્યું કે તેના માનસ ઉપર કોઈ પ્રકારનો અભિપ્રાય નથી બંધાયો કે અજાણી વ્યક્તિ સાથે વાત ન કરાય. વ્યક્તિ ગમી અને અનુસંધાન સાધ્યું. માનવ સ્વભાવ મૂળભૂત કેટલો સરળ છે! મને થયું કે આજે જો હું તેને રોકિશ તો તેની આ સહજતા આજ પછી દબાઈ જશે. મારુ માનવું છે કે વ્યક્તિ પારખવાની કળા સંતાનોને જરૂર શીખવવી જોઈએ પણ તેમાં આપણા ડર અને પૂર્વગ્રહોનું રોપણ ન થાય એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. વિમાન લેન્ડ થવાનું હતું એટલે વાતો પુરી કરતા નિત્યાબેન અને ખૂબી ભેટી અલગ થયા. નિત્યાંબેન જતા જતા મને બોલ્યા ” તમારી દિકરીને વાતો કરવી ખુબ ગમે છે. ખાસ કરીને તેના ભાઈ-બહેનોની. મને બહુ ખુશી થઈ તેને મળી ને.”

મુંબઈમાં ખૂબીએ ભાઈ-બહેનો અને મિત્રો સાથે ખૂબ મજા કરી. છેલ્લે દિવસે જતા વખતે તે રડી અને વાયદો કર્યો કે જલ્દી તે પાછી આવશે. મારા સંબંધીએ આ જોતા પૂછ્યું “આ છોરીને આટલી બધી માયા ક્યાંથી લાગી? છે તે દસ વર્ષની જ અને મોટાભાગનો સમય તો કઝિન ભાઈ-બહેનોથી દૂર સિંગાપોર રહી છે.” ત્યાં પત્નીશ્રી હસતા બોલ્યા “આ તો લોહીનું ખેંચાણ છે. સગા ભલેને દૂર હોય પણ સગપણ ઓછું નરમ પડે? અને કદાચ આ ક્ષેત્ર અને તેના લોકો સાથે તેનું ઋણાનુબંધ હશે એટલે તેનું મન અહીં લાગે છે.” આ સાંભળી સંબંધી બોલ્યા: “સાચી વાત. પણ આના મૂળમાં દૂર રહેતા બાળકોને બહોળા પરિવાર સાથે જોડાવાનો જે પ્રયત્ન તમે કરો છો તે કાર્ય ઉગી નીકળે છે.” 

મુંબઈમાં અમારા ખાસ મિત્ર શ્રીઅનિલભાઈ ગોરડિયા સાથે મુલાકાત થઈ ત્યારે તેમનેપણ આવો એક રસપ્રદ કિસ્સો કહ્યો. તેમના પરિવારના ઘણા બધા સગાઓ અમેરિકામાં વર્ષો પહેલા ઠરીઠામ થયા હતા અને હવે તો બીજી પેઢીના સંતાનો પણ મોટા થવા લાગ્યા હતા. પરંતુ આ કઝિન ભાઈ-બહેનો એક બીજાના સંપર્કમાં નહોતા આવ્યા અને નજીકથી જાણતા પણ ન હતા. એટલે અનિલભાઈએ એક નુસખો કર્યો. થોડા વર્ષો પહેલા બધા કઝિન ભાઈ-બહેનોને ભારત બોલાવ્યા અને થોડા સમય બાદ એક સાથે ટૂર પર બધાને મોકલી દીધા. જ્યારે બધા પાછા આવ્યા ત્યારે તેમનામાં એક અલગ જ બોન્ડિંગ તેમણે જોયું. આજીવન ભાઈ-બહેનો વચ્ચેનનો સંબંધ-સેતુ મજબૂતીથી ચણાઈ ગયો હતો.

ભારતમાં વસતા પરિવારો માટે તેમના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ભણવા મોકલવા કંઈ નવી વાત નથી. પણ હવેનો ટ્રેન્ડ બાળકોને વિદેશી કોલેજમાં સ્નાતક (graduate) બનાવાનો છે. મારા ઘણા અંગત મિત્રોના સંતાનો સ્નાતક બનવા અમેરિકા-કેનેડા જવા તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યની ચિંતા રહે તે સ્વાભાવિક છે પણ મારા મિત્ર સુજયને જુદા સવાલો પજવતો હતો “સંતાનો ત્યાં ખરેખર શું કરે છે તે સત્ય કેમ કરી તેમની પાસે કઢાવવું? શું અંતરના કારણે સંતાનો આપણી માયાને ભૂલી જશે?” મને પૂછ્યું “તમારી મોટી દિકરી કેનેડા ભણે છે તો તમે શું ઉપાય કરો છો?”  મેં કહ્યું “આ દુવિધાનો સરળ રસ્તો છે. જીવનમાં શાંતિથી શ્વાસ લેવો હોય તો સંતાનોમાં પ્રથમ વિશ્વાસ મુકો. અમે રાશિ (મોટી દિકરી) સાથે બને ત્યાં સુધી એક મિત્રની જેમ વાત કરીયે અને તેને જ્યારે જરૂર હોય ત્યારે ફોનથી હાજર રહીયે. ક્યારેક તેનો ફોન ન આવે તો સામેથી ફોન કરીયે. રજાઓ દરમિયાન અમે સાથે રહેવાની યોજના બનાવીએ અને અમારા જીવનના તમામ મોટા નિર્ણયોમાં તેને સામેલ કરીયે. બસ આટલું જ! હજી આજે તેણે ફોન કરી અમને કહ્યું કે નાતાલની રાજાઓમાં તે મુંબઈ તેના સગાઓને મળવા આવવા માગે છે અને અમને પણ સિંગાપોરથી મુંબઈ તેને મળવા આવવા સૂચન કર્યું છે. તે માત્ર ભૌગોલિક રીતે જ દૂર છે અમારાથી.” કહી મેં મારી વાતને વિરામ આપ્યો. સુજયના ચહેરા પર જોયું તો સહેજ સ્મિત ફરક્યું અને કંઈક બોજો હળવો થયો હોય એવો અનુભવ થયો.

સગપણના છોડવાને નિયમિત રીતે જો સંપર્ક અને સંગાથનું પોષણ મળે તો તે સંબંધ-વૃક્ષ આજીવન હૂંફ અને પ્રેમનો છાંયડો આપતું રહેશે!

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (19-Apr-2022)

ઓશો દર્શન-12. રીટા જાની

wp-1644023900666કવિ અમૃત ‘ઘાયલ’ની સુંદર પંક્તિઓ છે….


કેમ ભૂલી ગયા? દટાયો છું;
આ ઈમારતનો હું ય પાયો છું…
આમ તો એક બિંદુ છું, કિન્તુ
સપ્તસિંધુથી સંકળાયો છું!


તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમારા જીવનની ઇમારતના પાયામાં શું છે? શું છે તેની બુનિયાદ? જ્યારે પાયાના મૂળભૂત ખ્યાલ વગર કોઈ ઇમારત ખડી કરી દેવામાં આવે, તેનો પાયો જ નબળો હોય તો એ ઇમારતને કડડભૂસ થતાં વાર નહિ લાગે. આવી પાયાની વાત લઈને ગત અંકથી આપણે વાત કરી રહ્યા છીએ ધમ્મપદ ઉપરના ઓશોના ચિંતનની.

જ્યાં તર્ક નિષ્ફળ જાય છે ત્યાં પ્રેમ સફળ થાય છે. જ્યાં ભાષા નિષ્ફળ જાય છે ત્યાં મૌન સફળ થાય છે. કેટલીકવાર મૌન સમજી શકાતું નથી માટે એને ભાષામાં રૂપાંતર કરવું પડે છે. પ્રાર્થના સંવાદ છે, જ્યારે ધ્યાન મૌન છે. અજ્ઞાતમાં પગલું ભરતાં ડર લાગે છે, પરંતુ અજ્ઞાતમાં જવાથી જ ડર અદ્રશ્ય થઈ જશે અને પછી આ ધર્મયાત્રાનો કોઈ અંત નથી. હંમેશા આગળ જનારી, કદી પુરી ન થનારી, શાશ્વત અખૂટ યાત્રા છે. ગમે તેટલા પવિત્ર શબ્દો વાંચીએ કે બોલીએ પણ જો તેનું પાલન ન કરીએ તો એ તમારું ભલું નહીં કરે માટે બને તેટલા ઓછા શબ્દો વાંચો અને એથી પણ ઓછા બોલો પણ નિયમનું પાલન કરો.

સત્ય કોઈ વિચાર કે તાર્કિક કારણ નથી સત્ય વાસ્તવિક અસ્તિત્વ છે. હૃદય ઇચ્છાને જાણતુ નથી, ભૂતકાળને પણ જાણતુ નથી કે નથી જાણતુ ભવિષ્યને. તે વર્તમાનમાં જીવે છે, હાલની ક્ષણમાં ધબકે છે, તેથી અત્યંત શુદ્ધ છે. બાળક હૃદયથી કામ કરે છે, જ્યારે આધુનિક શિક્ષણ મસ્તિષ્કથી કામ કરે છે. મસ્તિષ્ક સમસ્યા છે અને હૃદય નિવારણ છે. એ કરુણ હકીકત છે કે નિર્દોષ બાળકો ઉપર આપણા વિચારો થોપી તેમનું શોષણ આપણે કરીએ છીએ. તેમને સચેત, જાગૃત, વિચારશીલ, પારદર્શક અને શુદ્ધ બનાવવાને બદલે વિચારોથી ભરી દઈએ છીએ, તેમને લાચાર અને પરાવલંબી બનાવીએ છીએ. વધુ ને વધુ મહત્વાકાંક્ષા, સત્તા, પ્રસિદ્ધિ, સંપત્તિ માટેની તીવ્ર ઇચ્છાથી આપણી સંપૂર્ણપણે એ ભૂલી ગયા છીએ કે આપણામાં પણ એક હૃદય છે, જેનાથી આપણે ઈશ્વર સાથે જોડાયેલા છીએ. જ્યારે ઊર્જા હૃદયથી મસ્તિષ્ક તરફ જાય છે ત્યારે પ્રેમ કરતાં તર્ક વધુ અગત્યનો બને છે, સંવેદનશીલતા, ચાહવાની શક્તિ ઘટે છે, માનવીયતા મુશ્કેલીમાં આવે છે. માટે હૃદયને અને પ્રકૃતિને અનુસરો. એનો અર્થ એ છે તમે તમારાં પોતાનાં હૃદયને સાંભળો એટલા બહાદુર થાઓ. તમારી જાત સાથે વહો. તમે જ શાસ્ત્ર છો અને તમારી અંદર ઊંડે ઊંડે એક સ્થિર, નાનો અવાજ છે. જો તમે મૌન બનશો તો એ અવાજ તમને માર્ગદર્શન આપશે. ત્યારે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે જોઇ શકાશે. જેમ પાણીનો સ્વભાવ નીચે તરફ વહેવાનો છે અને આગનો ઉપર તરફ જવાનો, તમારી પ્રકૃતિ ઈશ્વર બનવાની છે અને એ જ પ્રબુદ્ધતા છે.

ધર્મ વિશે ઓશો કહે છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ હોવો જોઈએ કારણ કે દરેક વ્યક્તિ અનોખી છે. ધાર્મિક માણસ વિનમ્ર હોય. તે બાઇબલ પાસેથી શીખશે, વેદો પાસેથી શીખશે અને ધમ્મપદ પાસેથી પણ શીખશે. એ બુદ્ધને સાંભળશે, ઈશુ, જરથુષ્ટ્ર બધાને સાંભળશે, એ પોતાનું સ્વત્વ જાળવી રાખશે અને વિનમ્ર, સંનિષ્ઠ, અસલ રહેશે, બનાવટી નહીં બને. સત્યનું એ જ સૌંદર્ય છે તમારું સત્ય તમારું પોતાનું સત્ય હોવું જોઈએ, તમારો ધર્મ તમારો પોતાનો ધર્મ હોવો જોઈએ. ઈશ્વરનો બગીચો ખૂબ વિવિધતાથી ભરેલો છે, સમૃદ્ધ છે. તેમાં બધી જાતના ફૂલ છે – ગુલાબ છે કમળ છે, બીજા એક હજાર ને એક ફૂલ છે. માટે જા અને તારી પોતાની સુગંધ પસંદ કર, તો જ તું સમર્પિત રહી શકશે. જો મને ગુલાબ ગમતા હોય તો તમે મને એવું સમજાવવા પ્રયત્ન નથી કરતા કે મને ગલગોટા ગમવા જોઇએ અને જો તમને ગલગોટા ગમતા હોય તો એ પણ બરાબર છે. ધર્મમાં પણ આવું જ હોવું જોઈએ. તેમાં સંઘર્ષનો, દલીલો કે ઝઘડો કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. સાચા ધાર્મિક ક્યારેય ધર્મ માટે ઝઘડો નહીં કરે.

માણસને સૌથી મોટો ભ્રમ એ છે કે એ જાગૃત છે, પછી જાગૃત થવા માટે પ્રયત્ન કરવાનો સવાલ જ રહેતો નથી. શા માટે તકલીફ લેવી? માનવી જ્યારે પોતાને જાગૃત માને છે ત્યારે પણ સુષુપ્ત છે, ગાઢ નિદ્રામાં છે. રોજબરોજ, ક્યારેક ખુલ્લી આંખે તો ક્યારેક બંધ આંખે સ્વપ્નો જ જોયા કરે છે, જે વાસ્તવિક નથી. આ નિદ્રા એટલી લાંબી છે કે તમારા અસ્તિત્વના કેન્દ્ર સુધી પહોંચી ગઈ છે. એટલે જ સચેત થવા માટે, ધ્યાનપૂર્ણ થવા માટે, જાગૃત થવા માટે, સાક્ષી થવા માટે ઘણા પ્રયત્નની જરૂર છે. જાગૃતિ એ ધ્યેય છે અને તમામ શિક્ષાનો સ્વાદ પણ છે. સમુદ્રને ઉત્તરમાં ચાખો કે દક્ષિણમાં, પૂર્વમાં ચાખો કે પશ્ચિમમાં – એનો સ્વાદ ખારો જ લાગશે. એ જ રીતે બુદ્ધત્વનો સ્વાદ જાગૃતિ છે. આપણી આસપાસ શું બની રહ્યું છે તેના વિશે બિલકુલ ધ્યાન આપ્યા વિના આપણે યાંત્રિક રીતે જીવીએ છીએ અને યંત્રમાનવની પેઠે કામ કરીએ છીએ, યંત્રવત્ ભોજન કરીએ છીએ. ગુર્જીયેફ લોકોને મશીનો કહેતા હતા અને એ સાચા હતા. સભાનપણે ખાધેલો દરેક કોળિયો એટલો સ્વાદિષ્ટ લાગે છે, એટલો સંતોષ આપે છે. પવન અને સૂર્યના કિરણોની સુગંધ માણો, એને સ્પર્શો, એમનો અનુભવ કરો. ચંદ્ર સામે જુઓ અને સભાનતાના એક શાંત પુલ બની જાઓ. તમારામાં ચંદ્રનું અત્યંત સૌંદર્યમય પ્રતિબિંબ પડશે.

હૃદય ધબકે છે, શ્વાસ લઈએ છીએ, લોહીનું પરિભ્રમણ થાય છે એટલે જ ફક્ત તમે જીવતા નથી. ચેતના એ જીવન છે, જાગૃતિ જીવનનો માર્ગ છે. તમે જેટલા જાગૃત છો તેટલા અંશે જીવિત છો. મૃત્યુ અને જીવન વચ્ચેનો તફાવત જાગૃતિ છે. આપણું અર્ધજાગૃત મન, જાગૃત મન કરતાં નવ ગણું મોટું છે. ઠીક ઠીક ગરમ પાણી બાષ્પીભૂત થઈ શકે નહીં. 100° પર જ્યારે પાણી ઉકળે, ત્યારે જ બાષ્પ બને. એ જ રીતે સજાગ થવાના ઠીક ઠીક પ્રયત્નો નિરર્થક છે. જ્યારે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે ત્યારે જ જાગૃતિ આવી શકે. ધ્યાન એટલે જાગૃતિ. ધ્યાન કરશો તો તમે સ્વાતંત્ર્ય અને પરમ સુખ મેળવશો. જ્યારે તમે વધુ શાંત, વધુ જાગૃત, વધુ ધ્યાનપૂર્ણ બનો છો ત્યારે પ્રકાશ તો એની મેળે પ્રગટશે. તમારી જાગૃતિ એક ટાપુ બની જાય છે, એક કિલ્લો, જેને કોઈ ઈચ્છા, લાલસા, લોભ, ક્રોધ કાબૂમાં કરી શકતા નથી અને તમે એક સંપૂર્ણ વ્યક્તિ બની જાવ છો. તમે માનવ બનો છો.અને વિશ્વને આજે ખાસ જરૂર છે આવા માનવીની.

દુનિયાનો આનંદ માણો પણ તેના પર માલિકી ધરાવવાનો પ્રયત્ન ન કરો કે એને પણ તમારા પર માલિકી ન જમાવવા દો. છોડ ઉગવા કે બદલવા માટે વિરોધ નથી કરતો, તેની સાથે રહે છે. માટે સહજ અને સરળ બનો. જાતજાતના ઉપદેશના અંધકારમાંથી તમારી જાતને ભવ્ય પ્રકાશમાં ઉચકાઇ જતી અનુભવો. આત્મા અને સત્યમાં પુનર્જન્મ પામી સાચી મુક્તિનો અર્થ જાણો.

રીટા જાની
15/04/2022

ફરી…કલરવ અને કોલાહલ – 11

હસ્તક્ષેપ

સૂરજ એક સુપ્રસિદ્ધ બેંકનો મેનેજર હતો. સ્માર્ટ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો એટલે નાની ઉંમરમાં જ મોટા હોદ્દા પર સારા પૈસા કમાતો થઈ ગયો . તેનું કામ બેંકની જટિલ બાબતોને સંભાળવાનું હતું કારણકે  એ હલ કરવામાં માહિર હતો. એક દિવસ તેના ટેબલ ઉપર એક લોન ડિફોલ્ટરની (બેંકના પૈસા જેણે ન  ચૂકવ્યા હોય તે)  ફાઈલ આવી. સુરક્ષા (security) માટે બેંક પાસે ડિફોલ્ટરનું ઘર ગીરવી હતું. છેલ્લા પાંચ વર્ષોથી વ્યાજ અને મુદ્દલ ચૂકવી ન શકવાને કારણે બેંકે ઘર તાબામાં લઈ, તેને વેંચી, પોતાના પૈસા વસુલ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તો સૂરજને આ કેસમાં કાંઈ અજુગતું ન લાગ્યું, પછી ધીરે રહી ડિફોલ્ટરનું નામ ફરી વાંચ્યું અને તે ચમક્યો! કેસ પેપરો પાછા વાંચી ગયો અને ડિફોલ્ટર વ્યક્તિની ખાતરી કરી. તે હકીકત સ્વીકારવા તૈયાર ન હતો. ઘડિયાળના કાંટા વિપરીત દિશામાં જાણે દોડવા માંડ્યા અને વિચાર-શૃષ્ટિમાં સૂરજ, એક મેનેજર મટી, પંદર વર્ષ પહેલાનો કોલેજનો વિદ્યાર્થી બની ગયો… 

પ્રા.નિપુન કાનાનીનું નામ પડતાજ કોમર્સના વિદ્યાર્થીઓની આંખ ચમકી ઉઠતી અને હોઠો પર સ્મિત આવી જતું હતું. તે મુંબઈની પ્રસિદ્ધ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક સાથે ખુબજ લોકપ્રિય શિક્ષક હતા. તેમના કલાસમાં બેસવા વિદ્યાર્થીઓ પડાપડી કરે. તેમની પાસે શીખવવા માટે માર્યાદિત સમય હોવાથી છેવટે એવો નિયમ કર્યોકે ‘A’ વર્ગના વિદ્યાર્થીઓજ એમના કલાસ લઈ શકે (આ ‘A’ વર્ગ એટલે મહાવિદ્યાલયના ટોચના વિદ્યાર્થીઓનો વર્ગ – જે ભણવામાં બધા કરતા આગળ હતા). સૂરજ એક સાધારણ પણ સમર્પિત વિદ્યાર્થી હતો. માર્ક્સ બહુ સારા ન હોવાથી તે ક્યારેય ‘A’ વિભાગમાં પ્રવેશી શક્યો ન હતો એટલે તેના માટે નિપુનસરના કલાસમાં ભણવું એક સપના જેવું હતું. પણ તેણે હિંમત ન હારી અને ‘A’ વર્ગના વિદ્યાર્થીઓ સાથે સરખી મિત્રતા કરી નિપુનસરનો શીખવેલો અભ્યાસક્રમ બરોબર અનુસર્યો. તેની નોટ્સ વાંચી ને, તૈયારી કરી અને સારા નંબરે પાસ થવા લાગ્યો. વધારે મહેનત કરી અંતે કોલેજના છેલ્લા વર્ષે તેણે ‘A’ વર્ગમાં પ્રવેશ મેળવ્યો.

   છેલ્લા વર્ષના પ્રથમ દિવસે હૃદયમાં ઉમંગ અને ચહેરા પર સ્મિત સાથે ‘A’ વર્ગના અર્થશાસ્ત્રના પિરિયડમાં જવા સૂરજ કોલેજ વહેલો પહોંચી ગયો. તેના પગ કંઈક કેટલા દાદરા એક સાથે ઓળંગીને પોતાના કલાસ તરફ જવા આગેકૂચ કરતા હતા – મન તો ક્યારનું નિપુનસરના કલાસમાં પહોંચી ગયું હતું. તેણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે નિપુનસરની ભણાવવાની છટા મંત્રમુગ્ધ કરી દે તેવી હતી પણ આજે તે પોતે જ તેનો અનુભવ કરવાનો હતો તે વિચાર માત્રથી તે ઉત્સાહિત થઈ ગયો હતો. સમય થતા નિપુનસર આવ્યા અને પોતાની આગવી શૈલીમાં ભણાવવાનું શરૂ કર્યું. નિપુનસરના ઉંચા કદ પર સૂટ અને ટાઈ શોભતા હતા. વિદ્યાર્થીઓમાં દલીલો થતી કે સરના કપડાં  મહિનામાં ક્યારેય રિપિટ ન થતા. સાથે નિપુનસર મોંઘુ પરફ્યુમ છાંટતા. જેવા વર્ગમાં પ્રવેશ કરે કે વિદ્યાર્થીઓ એક સાથે ઊંડો શ્વાસ ભરી અત્તરની સુગંધ લેતા. નિપુનસર ઘણીવાર આ જોઈ હસી પડતા. નિપુનસરને ‘કિન્સ સિદ્ધાંત’ (Keynes Theory) ખુબ પ્રિય અને રસપ્રદ રીતે શીખવાડે. તેનો સાર એ કે અર્થવ્યવસ્થાને ઝડપથી સ્થિર કરવી હોય તો સક્રિય હસ્તક્ષેપની (active intervention) જરૂર છે જે સરકાર કરી શકે કારણકે સરકાર ફાયદા માટે નહિ પણ લોકહિત માટે કામ કરે છે. સૂરજને જાણે વાગ્દેવીના ઉપાસક સાક્ષાત સામે ઉભા હોય એવો આભાસ થયો અને ધન્યતા અનુભવવા લાગ્યો. સમય જતા સૂરજે  કલાસમાં સહુથી આગળ રહી સરનું દિલ જીતી લીધું અને સારા માર્કસે પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. નિપુનસર સાથે આ છેલ્લા વર્ષનું સાન્નિધ્ય સૂરજ માટે આજીવન એક અપ્રતિમ અનુભવ બની રહ્યું. 

“આવા નિપુન કાનાની એકાએક બાકીદાર કઈ રીતે થઈ ગયા?” સૂરજ વર્તમાન પરિસ્થિતિ માં પાછો ફર્યો અને સાથે  તેની બુદ્ધિ તર્ક-વિતર્ક કરવા માંડી. “શું સટ્ટો કર્યો હશે? કે પછી ઉચ્ચ જીવનશૈલીમાં પૈસા ખર્ચી નાખ્યા? પણ નિપુનસર પોતે અર્થશાસ્ત્રના આચાર્ય હતા – તો કેવી રીતે આવા સંજોગોમાં અટવાયા?”. સૂરજ માટે આ સવાલોના જવાબો ખુબ જરૂરી હતા કારણકે જ્યારે આપણે કોઈને આસ્થાથી જીવનમાં ઉચ્ચ સ્થાનપર મૂકીએ છીએ અને તે જો ત્યાંથી નીચે પછડાય, ત્યારે તકલીફ આપણને વધારે થાય છે. હિમ્મત કરી સૂરજે નિપુનસરને મળવાનું નક્કી કર્યું. આમતો પોતાની ઓફિસે બોલાવી શકે પણ સૂરજ નિપુનસરના ઘરે જવાનું નક્કી કર્યું અને પહોંચી ગયો.

દહીંસરના સાધારણ વિસ્તારમાં નિપુનસરનો નાનો ફ્લેટ હતો. સૂરજે બારણું ખખડાવ્યું – બેલ હતી નહિ. થોડી વારે લોખંડના કટાયેલા અવાજ સાથે બારણું ખુલ્યું. સૂરજે જોયું તો સામે એક વૃદ્ધ માણસ સાદું પહેરણ અને પેન્ટ પહેરી ઉભો હતો. “નિપુનસર આવા થઈ ગયા?” સૂરજનું હૃદય ચિરાઈ ગયું. પત્તાનો મહેલ જેમ ભસ્મીભૂત થઈ પડી જાય તેમ આજનું સત્ય જોતા સૂરજના માનસપટ પર નિપુનસરની જૂની છબી જાણે વિખરાય ગઈ. આંખના આંસુ રોકી, સૂરજે ઔપચારિક પરિચય આપ્યો. નિપુનસર સમજી ગયા કે બેંકમાંથી પૈસા માટે આવ્યા છે. તેમને  ચોખવટ કરી “જો સાહેબ, મારી આગળ હમણાં પૈસા નથી પણ હું તમારી પાઈ પાઈ ચૂકવી દઈશ. હું માણસ ખરાબ નથી પણ મારો સમય ખરાબ ચાલી રહ્યો છે…” સૂરજે વચ્ચે વાત કાપી “શું થયું જરા વિસ્તારથી કહેશો? આપે આટલા બધા પૈસા બેંક પાસેથી લીધા એનું કર્યું શું?” 

નિપુનસરે ઉદાસ ચહેરે ટેબલ પર ફોટોફ્રેમ તરફ ઈશારો કર્યો અને બોલ્યા ” આ મારા પત્ની હતા. છેલ્લા દસ વર્ષથી તેમને કૅન્સરનો રોગ થયો.પહેલા તો શરૂઆતનો સ્ટેજ હતો એટલે આશા હતી કે સારું થઈ જશે. મેં મારી બધી બચત તેના ઈલાજ માટે ખર્ચી નાખી. મોટું ઘર વહેંચી આ નાના ઘરમાં રહેવા આવ્યા. છેલ્લે આ ઘર પણ બેંક પાસે મૂકીને ઈલાજ માટે પૈસા લીધા પણ તેને બચાવી શક્યો નહિ.” કહેતા નિપુનસર ચૂપ થઈ ગયા અને તેમની સૂકી આંખો ભીની થઈ ગઈ. તે આગળ બોલ્યા “અમારે કોઈ છોકરાઓ નથી. પરિવારમાં નાણાકીય રીતે કોઈ મદદ કરી શકે એમ છે નહિ. એટલે હું ટ્યૂશન કરી તમારા પૈસા ચૂકવી દઈશ. બસ આ એક જગ્યા રહેવા દ્યો તો મહેરબાની”. સૂરજ સ્તભ થઈ સાંભળતો રહ્યો. પોતાની તર્કશીલ બુદ્ધિ પર થોડી શરમ પણ આવી. પોતાના શબ્દો એકત્ર કરી સૂરજ બોલ્યો “નિપુનસર! તમે મને ન ઓળખ્યો. હું તમારો પંદર વર્ષ પહેલાનો વિદ્યાર્થી – સૂરજ શાહ. તમારા હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયા છે – હું પણ એમાં નો એક છું. શરૂઆતમાં ઓછા માર્ક્સને કારણે તમારા વર્ગમાં ન પહોંચી શક્યો એટલે તમારી નોટ્સ અને અભ્યાસક્રમ વાંચી ને આગળ આવ્યો. એકલવ્યની જેમ મેં તમારી પાસેથી પરોક્ષ શિક્ષા લીધી અને છેવટે કોલેજના છેલ્લા વર્ષે તમારા વર્ગમાં પ્રત્યક્ષ ભણવા કાબેલ બન્યો.” નિપુનસર આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા. જૂના સંસ્મરણો વાગોળતા તેમના નિસ્તેજ ચહેરા પર આનંદની લહેરખી આવી ગઈ. સૂરજે આગળ ચલાવ્યું “પણ સર, બેંકને તેનું કામ કરવું રહ્યું. આટલા વર્ષોનું દેવું છે એટલે બેંક પગલાં તો લેશે.” આ સાંભળી નિપુનસરનો ચહેરો સફેદ પડી ગયો. ત્યાં સૂરજ બોલ્યો ” પણ તમે ચિંતા ન કરો સર. મારી આગળ એક રસ્તો છે, જો તમે સહેમત હો તો! તમારું ઘર બેંક આગળથી હું ખરીદી તમારી લોન ચૂકવી દઈશ અને કોઈ પણ ભાડાની અપેક્ષા વિના તમને આજીવન રહેવા પાછું આપી દઈશ એટલે તમારે કોઈ તકલીફ નહિ.” નિપુનસર આ સાંભળી ગદગદ થઇ ગયા અને બોલ્યા “થેન્ક્સ. મને આ માનવામાં નથી આવતું પણ તમે આ બધું મારા જેવા માટે શું  કામ કરો છો?” સૂરજે જવાબ આપ્યો ” સર તમેજ અમને કિન્સ સિદ્ધાંત શીખવાડ્યો હતો કે સ્થિરતા લાવવા માટે હસ્તક્ષેપની જરૂર છે. છેલ્લા કેટલાય વર્ષોથી તમે તમારા જીવનમાં સ્થિરતા લાવવા જદ્દોજિહાદ કરી રહ્યા છો. હવે હું ઈચ્છું છું કે તમારૂ પાછલું જીવન શાંતિમય અને સુખમય વીતે. એટલે હું આ હસ્તક્ષેપ કરી રહ્યો છું. તમે આખી જિંદગી પોતાના ફાયદા માટે જ નહિ પણ અમારા હિત માટે જ્ઞાન પીરસ્યું અને કાબેલ બનાવ્યા. આજે આ ભણતરની ખરી પરીક્ષા છે ત્યારે શું હું ઉણો ઉતરું? તમે અહીં આ ઘરમાંજ રહો અને જે કરવું હોય તે નિઃસંકોચે કરો. હું બધું સાંભળી લઈશ”. કહી સૂરજ ઉભો થયો. નિપુનસર ઉભા થઈ સૂરજને ભેટી પડ્યા અને બોલ્યા  “મેં ભણાવ્યા ઘણાને પણ ગણતર માં તમે એકજ ખરા ઉતાર્યા.. તમે એકલવ્ય પણ ખરા અને અર્જુન પણ. God Bless You, Son.”

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (12-Apr-2022)

ફરી…કલરવ અને કોલાહલ – 10

જૂનું ઘર

વિમાનમાં પાઈલટની જાહેરાતે વિકાસને અચાનક તેની ગાઢ નિંદ્રામાંથી જગાડ્યો. ‘આય-માસ્ક’ (આંખની પટ્ટી) ખસેડી વિમાનની લંબગોળ બારીમાં તેણે ડોક્યું કર્યું. સેંકડો ફૂટ ઉંચાઈથી મુંબઈના ‘કોંક્રિટ જંગલ’ ની એક ઓર અરબી મહાસાગર  શાંત પડ્યો પાથર્યો દેખાય રહ્યો હતો. વિકાસને આ દ્રશ્ય બહુ ગમતું – જાણે કે કોઈ ચિત્રકારે રંગચિત્ર કર્યું હોય. “પણ ખરેખર આ મહાસાગર શું શાંત છે?” વિકાસ વિચારવા લાગ્યો. આ સમુદ્ર શાંત ફક્ત ઉપરથી જોતા લાગે છે – પણ પોતાના ભીતર કઈંક કેટલું સમાવી બેઠેલો અને પૃથ્વી પર પોતાની હુકુમત જમાવતો આ દરિયો સતત ઘૂઘવાતા મોજાઓ વડે સાદ આપ્યા કરે છે કે કોઈ તો તેની આપ-વિતી સમજે! વિકાસને અનુમાન થયું કે તેની સ્થિતિ સમુદ્રથી અલગ ન હતી અને આ અહેસાસ સાથે જ તેના શાંત ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી. વિમાન મુંબઈના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું પણ વિકાસના સંસ્મરણોની ફ્લાઈટ જાણે ‘ટેક-ઓફ’ કરી રહી હતી.

મુંબઈમાં ઉછરેલા વિકાસને પોતાનું દાદરનું ઘર બહુજ ગમતું. હતું તો તે ફક્ત ૨ બેડરૂમનું પણ તેમાં તેની નાનપણની યાદો ઠસી ઠસી ને ભરી હતી. પિતા સાધારણ નોકરી કરતા પણ ગાવાના શોખીન અને હાર્મોનિયમ પણ સારું વગાડતા  એટલે સાંજ પડે ને તેમના મિત્રો આવે ને ઘરમાં મહેફિલ જામે. વિકાસને પોતાના પિતાના અવાજમાં ગીતો સાંભળવા ગમતા. લોકોની આગતા-સ્વાગતાથી ક્યારેક થાકતી મમ્મીનો સહેજ અણગમો પણ વિકાસે અનુભવ્યો હતો પણ પછી પત્નીધર્મના સ્મિત પાછળ તે બધું ઢાંકી દેતી હતી. પોતાના અને બહેનના કેટલાય જન્મદિવસની પાર્ટીઓ ઘરમાં કરી હતી – બજેટ ઓછું એટલે હોટેલ ને બદલે મિત્રોને ઘરે બોલાવતા અને ઉજાણી કરતા. ઘરના ઓરડાના ડેકોરેશનનો (શણગાર) સામાન પુનઃઉપયોગ કરવા સાવચેતીથી વાપરવાની સૂચના ભાઈ-બહેનને બરોબર યાદ રહેતી. બહારથી ઠંડા પીણાંની મોંઘી બોટલોને બદલે મમ્મી ઘરમાં ‘રસના’ પાવડરથી શરબત બનાવતી જે ક્યારેક વિકાસને ન ગમતું પણ ચલાવી લેતો. મધ્યમ વર્ગીય ઉછેરમાં મા-બાપે ઘણીવાર બાંધછોડ કરી હશે પણ એક સામાન્ય અને આનંદમય બાળપણ આપવામાં તેમણે કોઈ કસર નહોતી છોડી, એવું વિકાસ દ્રઢપણે માનતો હતો.

વિકાસને નાનપણથી પરદેશમાં ભણવાનો શોખ હતો પણ ઘરના સંજોગોને કારણે પૂરો ન થયો. એવામાં તેણે વિદેશમાં નોકરી કરવાની તક મળી. લંડન જેવા ધનાઢ્ય અને અગ્રણીય શહેરમાં કામ કરવા-રહેવા મળે એની કિંમત તે સમજતો હતો. ઘરમાં મા-બાપ વૃદ્ધાવસ્થાને આરે ઉભા હતા. બહેન કોલેજમાં હતી અને માતા-પિતા સાથે જ રહેતી હતી. વિકાસ માટે પરિવારને મૂકી વિદેશ જવું સરળ ન હતું પણ તેને મન મક્કમ કર્યું અને આ તક ઝડપી લીધી. “વાણિયાના કુળમાં જન્મેલો વિકાસ, વહાણવટું કરે એમાં નવાઈ શી?” એમ વિચારી વિકાસના મા-બાપએ પણ, દિકરાના ભવિષ્યને ધ્યાનમાં રાખી, મન વાળ્યું. વિકાસ ઘર છોડી, પરિવાર છોડી, મુંબઈ છોડી, લંડન સ્થાયી થઈ ગયો. 

વર્ષો વીતવા લાગ્યા. જેમ ફિલ્મોની વચ્ચે જાહેરાતો આવતી જતી રહે, તેમ મા-બાપને મળવા વિકાસ મુંબઈ આવતો જતો રહેતો. તે જાણતો હતો કે તે મુંબઈ આવે ત્યારે મમ્મી-પપ્પાને બહુ ગમતું. પપ્પા હાર્મોનિયમ કાઢે અને વિકાસને ગીતો સંભળાવે.  દાદરના ફ્લેટમાં જાણે ફરી મહેફિલ જામે. વિકાસના મિત્રો આવે અને અંકલ સાથે ગપ્પા મારે. ઘર પાછું ગાજતું થઇ જાય.  અને જેમ જેમ વિકાસના જવાનો દિવસ આવે એટલે ઘરમાં વિષાદ વાતાવરણ ફરી વળે. વિકાસને હસતા મોઢે રૂખસત આપતા તેમના માતા-પિતા કેટલાય દિવસો પાછળથી દિકરાની યાદમાં ઉદાસીમાં વિતાવતા એ વિકાસથી છૂપું ન હતું. વિકાસે ઘણીવાર સાથે લંડન આવવા કહ્યું પણ પપ્પાનું મન ન માનતું. વિકાસ ને ખબર કે પપ્પાના દાદરના ફ્લેટની માયા તેમને ક્યાંય જવા જ નહિ દે. મમ્મી કદાચ માની જાય પણ તે પપ્પાને છોડીને ન આવે શકે. 

સમય જતા વિકાસના પિતાની તબિયત લથડી અને પછી એકાએક ખબર આવ્યા કે પપ્પાનો સ્વર્ગવાસ થયો. વિકાસને ઘણો આઘાત લાગ્યો – દૂર હોવાથી તેને ખુબ વલોપાત થયો કે ખરા સમયે પિતા માટે તે હાજર ન રહી શક્યો. ઘણા અંશે પોતાને જવાબદાર પણ માનતો કે પોતાની કારકિર્દી ને પ્રાધાન્ય આપી પુત્રધર્મને તેણે લજવ્યો. જેમ જેમ સમય પસાર થયો તેમ આવા વિચારોથી ઉત્પન્ન થતી પીડા હળવી બની. વિકાસ મમ્મીની પૂરતી કાળજી લેવા ઈચ્છતો હતો. વિકાસને એમ કે મમ્મી હવે સાથે લંડન આવવા માની જશે પણ મમ્મીને દાદરના ફ્લેટને છોડીને જવાની ઈચ્છા બિલકુલ ન હતી. તે વિકાસ ને કહેતી, “આ ઘરમાં મને તારા પપ્પાનો સહવાસ અનુભવાય છે.” પછી ભીંત પર હાથ ફેરવી પાલવના ખૂણેથી આંખ લૂછી લેતી. આવામાં એક બનાવ બન્યો. દાદરનું બિલ્ડિંગ, જેમાં વિકાસનો ફ્લેટ હતો, તે ખાસ્સું જૂનું થઈ ગયું હતું.  મુંબઈમાં ‘બિલ્ડિંગ રિ-ડેવેલોપમેન્ટ’ અર્થાત મકાન પુનઃનિર્માણનું વલણ ખુબ જોર શોરથી ચાલુ હતું. વિકાસના મકાનનું પણ પુનઃનિર્માણ કાર્ય નક્કી થયું અને ટૂંક સમયમાં બિલ્ડરને ફ્લેટ ખાલી કરી ને આપવાનો નિર્ણય સોસાયટીએ લઈ લીધો. વિકાસને હવે ખાતરી થઈ ગઈ કે મમ્મીને લંડન સાથે લઈ જવા માટે આનાથી સારો મોકો નહિ મળે. એટલેજ અત્યારે તે વિમાનમાં મુંબઈ ઘર સંકેલવા, અને મમ્મીને લઈ જવા આવ્યો હતો. 

મુંબઈ ઘરે પહોંચતા જ વિકાસ મમ્મીને ભેંટી પડ્યો. વિકાસે જોયું કે મમ્મીના ચહેરા પર તેની ઉમર ઝડપથી ધસી રહી હતી. કદાચ પપ્પા ગયા પછીની એકલતા તેને કોરી ખાતી હશે. હોઠો પર તે પરાણે સ્મિત લાવતી પણ તેની આંખો તેના ઉદાસીન ચિત્તની ચાડી ખાતી. મમ્મીને મળી વિકાસ પપ્પાના રૂમમાં ગયો. પપ્પા ગયાબાદ વિકાસ જ્યારે પણ મુંબઈ ઘરે આવે ત્યારે તે કલાકો પપ્પાની રૂમમાં એકલો બેસી રહે. ત્યાં પપ્પાની ઘણી વસ્તુઓ હજી મમ્મીએ એમનેમ રાખી હતી – જાણે કે એક સંગ્રહાલય બનાવ્યો હોય! વિકાસે પપ્પાનું જૂનું હાર્મોનિયમ પડ્યું જોયું – તે પપ્પા પાસે વગાડતા શીખ્યો હતો એટલે એને ધમણથી હવા આપી ચાવીઓ પણ આંગળીઓ ફેરવી. વાજીંત્રમાંથી મધુર સુર રેલાયા અને મમ્મી ખેંચાયને બારણે આવી ઉભી સાંભળવા લાગી. ત્યારબાદ વિકાસે કબાટ ખોલ્યો, ત્યાં પપ્પાનું પહેરણ અને લેંઘો પડ્યો હતો અને સાથે સોનેરી ફ્રેમ વાળા ચશ્માં અને તેનું ‘નેત્રમ ઓપ્ટિશિયન’ નું બોક્સ હતું. બાજુમાં પપ્પાની કાંડા ઘડિયાળ હતી. ધ્યાનથી જોયું તો તે બંધ પડી ગઈ હતી. આ બધું જોઈ વિકાસના આંખ સામે પપ્પાનું અસ્તિત્વ ફરી ઉભરી આવ્યું. કબાટના એક ખાનામાં જુના ડેકોરેશનનો (શણગાર) સામાન પણ મળ્યો જે તેની જન્મદિવસની ઉજાણીમાં વપરાતો. વિકાસ મનોમન હસ્યો. દિવાલ પર પપ્પા-મમ્મીના લાગેલા ફોટા ફરી ફરી જોયા. પપ્પાના મિત્રોએ આપેલી નિવૃત્તિ વેળાનું માનપત્ર ટિંગાળેલુ વાંચ્યું. વિકાસનું હૃદય ભરાય ગયું. પછી મમ્મીને જોતા બોલ્યો “મમ્મી – ચાલો હવે આપણે આ બધું પેકિંગ શરુ કરીયે? બે દિવસમાં આ ઘર ખાલી કરવાનું છે.” મમ્મીએ કંઈ જવાબ ન આપ્યો અને બીજા રૂમમાં ચાલી ગઈ. વિકાસ મમ્મીની પીડા સમજતો હતો. પપ્પા પછી આ ઘર તેના માટે પપ્પા સાથેના ચાર દાયકાના દામ્પત્ય જીવનના સંસ્મરણોનું અનુસંધાન હતું અને હવે તે પણ છૂટી રહ્યું હતું. પણ જીવન થોભતું નથી. બદલાવ અટકતા નથી.  મમ્મીને ફરી વાત કરી, સાંત્વના આપી, મનાવીશ, એમ વિચારી વિકાસ આડો પડ્યો.

બીજા દિવસે જ્યારે વિકાસ જાગ્યો ત્યારે તેણે મમ્મીને રસોડામાં ન જોઈ.  બેડરૂમમાં તપાસ કરી તો જોયું હજી તે સૂતી હતી. વિકાસને થોડી નવાઈ લાગી – મમ્મી આટલું મોડે સુધી ન ઊંઘે. થોડો સમય જવા દઈ વિકાસ ફરી જોવા આવ્યો પણ મમ્મી સૂતી હતી. હવે તેને ફાળ પડી. નજીકથી જોયું તો વિકાસ ધ્રુજી  ઉઠ્યો – મમ્મીનો શ્વાસ બંધ થઈ ગયો હતો. ઊંઘમાં ને ઊંઘમાંજ તે પપ્પા પાસે ચાલી ગઈ. વિકાસ જૂના ઘરને સમેટવા અને મમ્મીને લેવા આવ્યો હતો. હવે ફક્ત યાદો લઈ ખાલી હાથે પાછા ફરવું પડશે એ વિચાર શૂળ ની જેમ વિકાસને ખૂંચવા લાગ્યો. ભારી હૃદયે જ્યાં પગ ઉપાડ્યા  ત્યાં નાનપણમાં ભણેલી  બાલમુકુન્દ દવેની સોનેટ રચના ‘જૂનું ઘર ખાલી કરતાં’ ની અંતિમ બે પંક્તિઓ વિકાસને યાદ આવી : “ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા! ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.”

આ પંક્તિમાં વિકાસના હૃદયમાં સર્જાતા લાગણીઓના જંજાવાતો જાણે સાર આવી ગયો. ફરી પાછી આંખોના કેમેરાથી ઘરના ખૂણા-ખૂણાને સ્મૃતિમાં કેદ કરી, તે મમ્મીની અંતિમ ક્રિયાની ગોઠવણીમાં લાગ્યો.

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (5-Apr-2022)

ફરી…કલરવ અને કોલાહલ – 9

સંવાદ

‘ગુડ નાઈટ’ અને ફ્લાઈંગ કીસીસના પ્રદર્શન સાથે પાર્ટીમાંથી રૂખસત લઈ સાહિલ અને નિશા પોતાની પૉશ ગાડીમાં બેઠા અને ઘર તરફ જવા રવાના થયા. નિશા માનતી કે ‘હાય સોસાયટી’ની મહેફિલમાં વાતો ઓછીને આડંબર વધારે જોવા મળે,એટલે એને આ બધું બહુ ગમતું નહિ. નિશાનો ઉછેર સામાન્ય મધ્યમ વર્ગનો હતો જ્યારે સાહિલ પહેલેથીજ આ જીવન શ્રેણી જોતો – જીવતો આવ્યો હતો એટલે એના માટે આ બધું નોર્મલ હતું.  ગાડીમાં બેસતાજ નિશાએ ટકોર કરી: “ફલકને મળીને તને તો મજા પડી હશે ને? …એને ઘણા વખતે મળ્યો ને?…કે પછી?” હમણાં છેલ્લા ઘણા વખતથી ફલકના ફોન સાહિલ પર આવતા હતા તે નિશાથી છૂપું ન હતું. ફલક એક તેજસ્વી ફોરવર્ડ સ્ત્રી હતી. એટલે નિશાના પ્રશ્નમાં પત્નીનો વહેમ, આક્રોશ અને હતાશા બધું મિશ્રિત હતું. સાહિલે ખુલાસો કર્યો : “પ્લીઝ નિશા, આપણા લગ્નને પંદર વર્ષ થવા આવ્યા. હવે ટોન્ટ મારવાનું બંધ કર. આ તો માત્ર એક સામાન્ય મુલાકાત હતી. આપણે ઘરે પહોંચી ને વાત કરશું.” નિશા કંઈ આગળ બોલી નહિ. ચાલતી ગાડીના કાચ પર જેમ પ્રતિબિંબો એક પછી એક પસાર થઈ રહ્યા હતા તેમ નિશાની આંખ સામે જુના સંસ્મરણોની એક ‘રીલ’ ફરી વળી. 

સાહિલ અને ફલક બન્ને કોલેજમાં સાથે ભણેલા. ખુબ સારા મિત્રો. નિશા જાણતી હતી કે સાહિલ સ્વભાવે થોડો રંગીલો હતો – તે કોલેજમાં ફ્લર્ટ કરતો અને એની ઘણી બધી બહેનપણીઓ હતી પરંતુ ક્યારે પણ કોઈની સાથે નજીકના સંબંધ ન હતા. સાહિલના મિત્રો તરફથી તેના ઘણા કોલેજના મસ્તીભર્યા કિસ્સાઓ નિશાએ સાંભળ્યા હતા જે ઘણા ખરા હસવામાં ઉડાવી દીધા હતા. સાહિલે તેની બહેનપણીઓ સાથે ના ગાઢ સંબંધો લગ્ન પછી પણ જાળવેલા હતા. લગ્નની શરૂઆતમાં નિશા માટે તે અજુગતું હતું પણ ધીરે ધીરે તેણે સાહિલનું આ વ્યક્તિત્વ સ્વીકાર્યું હતું. “લગ્નને આટલા વર્ષ વીતી ગયા, એક દિકરો થયો. હવે ક્યાં સુધી જૂની વાતોને પકડવાની?” એમ નિશા ઘણીવાર પોતાના મનને સમજાવતી અને વાળતી.  પરંતુ ફ્લેશબેકના પાત્રો આંખ સામે આવે એટલે પાછા મનમાં જૂની શંકાના વાદળાઓ ઘેરી વળે, અને શાંત લગ્ન જીવનમાં જાણે એક વમળ ઉઠે.

ઘરે આવી બેડરૂમમાં નિશાએ વાત કરવા મથી પણ સાહિલનો રસ ન હતો. છેવટે વધુ વિવાદ ન કરતા દંપતિ ચાદરમાં ભરાઈને પોઢી ગયા – એ અપેક્ષા સાથે કે ચાદરમાં પડેલી સળ અને સંબંધોમાં પડેલી કળ, પસાર થતી રાત સાથે વળી જશે. પણ સવારનો સુરજ કઈંક ભળતોજ ઉગ્યો! નિશા ઉધરસ ખાતી અચાનક ઊંધમાંથી ઉભી થઈ અને કપાળે હાથ મુક્યો તો તાવ જેવું લાગ્યું. તેને તરતજ અનુમાન થયું કે નક્કી પાર્ટીથી પકડેલ પેંડેમીકની અસર છે. કોવિડની ઘર-ટેસ્ટની કીટ હતી તેમાં તપાસી જોયું તો કોવિડ પોઝિટિવ પકડાયું. સ્થાનિક કાયદા મુજબ નિશાને અલગ રૂમમાં અલગ રાખવાની હતી. પતિ સાહિલ, દિકરો નિનાદ બધા સફાળા જાગ્યા અને કામે લાગ્યા. તબીબો અને આરોગ્ય વિભાગને જાણ કરી, સૅનેટાઇઝિંગ કર્યું, બેડરૂમ ખાલી કરી સાહિલ, નિનાદના રૂમમાં આવ્યો. ઘરના બધાને રસી આપવામાં આવી હતી તેથી તે ચિંતાજનક ન હતું છતાં શાંત ઘરમાં એકાએક અફરાતફરી મચી ગઈ હતી.

ગઈ કાલની પાર્ટીની વાત લગભગ ભુલાઈ ગઈ હતી. એક પળ માટે સાહિલને રાહતનો વિચાર આવ્યો કે નિશાના આઇસોલેશનને  કારણે તેના સવાલોનો સામનો હવે તેને કરવો પડશે નહીં. ત્યાં તો તબીબોએ ફોન કરી જણાવ્યું કે નજીકના સંપર્ક હોવાને કારણે સાહિલે પણ કોવિડ  ટેસ્ટ  લેવી પડશે અને ટેસ્ટમાં સાહિલ પણ પોઝિટિવ આવ્યો. અર્થાત બંન્ને પતિ-પત્ની બેડરૂમમાં સાથે આઇસોલેટ કરવામાં આવ્યા. નિયમ અનુસાર સાત દિવસ રૂમ માં એકલા રહેવાનું. ઘરનું કામ અને નીનાદની જવાબદારી ઘરની હેલ્પરએ ઉપાડી લીધી. અંદર રૂમમાંથી નિશા બધી સૂચનાઓ આપ્યા કરતી હતી અને ઘર ચાલ્યા કરતુ હતું, દિવસો વિત્યા, સાહિલ બધું જોતો રહ્યો. બંને વચ્ચે ખપ પૂરતી વાતો થાય. એક રૂમમાં રહેવા છતાં જાણે બે અજનબી બની જીવતા હતા. એક પણ વાર નિશાએ ફલકની વાત કાઢી નહિ કે પાર્ટી વિષે કે એના મિત્રો વિષે કંઈક ટીકા કરી નહિ. છેવટે સાહિલથી ન રહેવાયું અને બોલ્યો : ” નિશા – મારે તને વાત કરવી હતી ..ફલકની..”. નિશા ચૂપ રહી .. સાહિલે ચલાવ્યું ” હમણાં છેલ્લા કેટલાક સમયથી ફલક અને હું મળી રહ્યા છીએ.” નિશા ના મનમાં ફાળ પડી. શું આગળનું સત્ય સાંભળવા તે તૈયાર હતી? તેના હાથ કામ કરતા અટકી ગયા અને સાહિલની આંખમાં આંખ નાખીને જોયું… સાહિલ બોલ્યો: “તેનો બાર વર્ષનો દીકરો, આપણા નિનાદની ઉંમરનો. કમનસીબે તેને મોટર ન્યુરોન રોગ થયો છે અને તેને શહેરના ટોચના ડોક્ટરની સલાહ લેવા માટે મારી મદદની જરૂર છે. એટલા માટે હું તેની મારાથી બનતી સહાયતા કરી રહ્યો છું.”  નિશા આ સાંભળીને સ્તભ રહી ગઈ. એક મોટું મોજું જાત પર જાણે ફરી વળ્યું હોય એવો અનુભવ થયો. ફલકની પરિસ્થિતિથી તે દુઃખી થઈ પણ પોતાનું લગ્ન જીવન હેમખેમ છે તે જાણી તેને રાહત થઈ. સાથે સાથે પોતાના વિચાર પર અફસોસ પણ થયો. તેણે સાહિલનો હાથ પકડ્યો અને રડતા બોલી “I am sorry. લગ્નજીવનના આટલા વર્ષો પછી પણ હજી મારી તમારા પ્રત્યેની ધારણા બદલાતી નથી, આ મારી સંકુચિતવૃત્તિ નહિ તો બીજું શું?” સાહિલે કહ્યું: “મને હવે સમજાય છે કે વાંક મારો પણ છે. આટલા વર્ષોમાં જે આપણે લડ્યા-ઝગડયા તેના મૂળમાં આપણી નાસમજ અને વાતચીત કરવાની અક્ષમતા હતી. જો મેં મારા વિચારો તને સ્પષ્ટ રીતે રજુ કર્યા હોત તો તને ક્યારે પણ અસુરક્ષિતતા ન લાગત. ખરેખર તો દામ્પત્ય જીવનમાં એક બીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધારવા એક બીજા સાથે સંવાદ વધારવાની જરૂર છે અને હું એમ સમજતો કે મિત્રો, સમાજ અને પાર્ટીમાં સમય ગાળવાથી મારુ સફળ જીવન જઈ રહ્યું છે. ” સાહિલ લાગણીશીલ બની ગયો અને બોલ્યો :  “આ ગત દિવસોમાં તારી સાથે સમય પસાર કરીને મેં અનુભવ્યું કે મારે તને કેટલું બધું કહેવું હતું, પણ મેં મારી તારા પ્રત્યેની ભાવનાઓને ક્યારે વાચા જ ન આપી. આજે એક ઓરડામાં બેસીને તું આખું ઘર ચલાવી રહી છે અને છેલ્લા કેટલા વર્ષોથી તું આપણો સંસાર ચલાવે છે અને મેં આ બધા વર્ષો કાં તો તારી અવગણના કરી હશે કાં તો ક્યારેક તને ઉતારી પાડી હશે.”

પાંપણો લૂછતી સ્મિત આપતી નિશા બોલી “ચાલો, કોવિડના આઇસોલેશનનો (અલગતાનો) કંઈક તો ફાયદો થયો. ભવની ભૂલ ભુલવણી નો તાગ મળ્યો. હવે છેવટે તો આપણે બેજ હોઈશું. પણ જેમ તમે આપણો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એમ નિનાદનો પણ  સોલ્વ કરવાનો છે.” “કેમ, નિનાદને શું થયું?”, સાહિલે ચિંતિત સ્વરે પૂછ્યું. નિશા બોલી “થયું કંઈ નથી. પણ હવે તે ટીનએજરના આરે આવી ઉભો છે. હવે તેને દબડાવવાથી કામ નહિ ચાલે – તેની સાથે એક મિત્ર બની સંવાદ સ્થાપવાની આદત નાખવી પડશે.” હજી સાહિલ વિચારતો હતો કે ભવિષ્યમાં તે કરવાની તક મળશે ત્યાં તો બહારથી નિનાદનો અવાજ આવ્યો .. “મમ્મી – પપ્પા, હું પણ કોવિડ પોઝિટિવ ટેસ્ટ થયો છું. કોઈ ખાસ સિમ્પ્ટમ (રોગનું લક્ષણ) નથી પણ હવે તમારા રૂમની અંદર આઇસોલેશનમાં આવી રહ્યો છું.” 

નિશા અને સાહિલ બન્નેની આંખો એકબીજાને જોઈ સ્મિત આપતી રહી અને દંપતિ દિકરાને રૂમમાં સંવાદ સાથે આવકારવાની તૈયારી કરવા લાગ્યા.

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (29-Mar-2022)

 

ફરી…કલરવ અને કોલાહલ – 8

હરીફાઈ

હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ વિદ્યાર્થીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આખરી વર્ષ પર્યન્ત બધા મિત્રો અલગ અલગ શહેરની યુનિવર્સિટીમાં ચાલ્યા જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ માતા-પિતા ભાઈ-બહેનથી દૂર, વર્ષો જુના મિત્રો થી પરે નવા અનુભવો અને નવા મિત્રો બનાવવા ઉત્સુક હોય છે, તો હો ઘણા ઉદાસ કે ડરતા પણ હોય છે. પરંતુ બધા જ વિદ્યાર્થીઓ, શાળાનું છેલ્લું વર્ષ એક અવિસ્મરણીય યાદ બની રહે, એવી કોશિશ અવશ્ય કરે છે. મારી મોટી દિકરી ‘રાશિ’ પણ આમા અપવાદ ન હતી. સિંગાપોરની જાણીતી શાળામાં તે ઘણા વર્ષોથી ભણતી હતી અને IB (International Baccalaureate) અભ્યાસક્રમના છેલ્લા વર્ષમાં આવી ત્યારે સ્કૂલમાં તેને એક સારી તક મળી. એક સાંજે તે ઘરે રુમઝુમ કરતી આવી અને બોલી “મમ્મી-પપ્પા, મને સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું છે કે આ વર્ષની હેડ ગર્લ (Head Girl – અર્થાત શાળાની સર્વ છોકરીઓના વડા)  માટે તારું નામ આગળ મુકવામાં આવ્યું છે.” આ સાંભળી અમે બધા ખુબજ ખુશ થઇ ગયા. રાશિને હું ભેટી પડ્યો. રાશિ ભણવામાં ગંભીર હતી પણ સાથે સાથે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતી હતી. તેના શિક્ષકોએ આ જોઈને તેની પસંદગી કરી હશે એમ અમને લાગ્યું. પણ સોડા બોટલ ખોલવા પછી જેમ સોડાનો ઉભરો તરતજ  બેસવા લાગે એમ અમારો  ઉત્સાહ પણ રાશિના ચહેરાને જોઈને શમવા લાગ્યો. મેં રાશિને પૂછ્યું “કેમ તું ખુશ નથી દેખાતી?”. રાશિએ ફોડ પડ્યો: “પપ્પા – હેડ ગર્લની પસંદગી ચૂંટણીથી થશે. હું એકલીજ ઉમેદવાર નથી. બીજા પણ ઉભા રહેશે. અને મને હમણાજ ખબર પડી કે ‘આકૃતિ’ પણ આ પદ માટે ચૂંટણીમાં ઉભી રહેવાની છે.” 

અમને હવે સમજાયું. રાશિ અને આકૃતિ ખાસ બહેનપણીઓ – નાનપણથી સાથે ભણતી. અમે પારિવારિક મિત્રો પણ બની ગયા હતા અને ક્યારેક સાથે હરવા ફરવા પણ જતા. એક સાથે શાળામાં બેસવું ખાવું પીવું મજા કરવી – એવા જીગરજાન મિત્ર સામે ચૂંટણીમાં કેમ ઉભા રહેવાય?

રાશિની આ અસમંજસ જોઈને મને મારા કોલેજનો એક પ્રસંગ યાદ આવી ગયો જે મેં તેને કહ્યો. હું પોદાર કોલેજમાં ભણતો હતો, ત્યારે દર વર્ષે વર્ગની ચૂંટણીમાં ભાગ લેતો હતો. કોલેજમાં ચૂંટણી લડતી બે મહત્વની પાર્ટીનો હતી – હું એક પાર્ટીમાં હતો અને મારા ઘણા ખરા મિત્રો બીજી પાર્ટીને ટેકો આપતા હતા. કદાચ તેમની વિચારધારા અલગ હતી. પણ કોલેજના બીજા વર્ષે વર્ગમાં મારા માટે દુવિધા સર્જાઈ. ચૂંટણીમાં મારી સામે મારો ખાસ મિત્ર મુકુલ ઉભો રહ્યો – (સાપેક્ષતાના સિદ્ધાંતે એમ પણ કહી શકો કે એની સામે હું ઉભો રહ્યો). 

ચૂંટણીએ જોર પકડયું હતું. એક વાર વર્ગના થોડા વિદ્યાર્થીઓ કોલેજની કંઈક ઘટનામાં મુકુલની સંડોવણી વિશે પૂછવા માટે આવ્યા. મને ગળા સુધી ખાતરી હતી કે મુકુલ જેવો સીધો સાદો અને પારદર્શી વ્યક્તિત્વવાળો માણસ આમાં ન પડે. પણ તે વખતે મુકુલ મારો હરીફ હતો. તેની પાત્રતાનું પ્રમાણપત્ર આપવાથી મારી જીતવાની તક ઘટાશે એવો સ્વાર્થી વિચાર મન પર હાવી કરી ગયો. મને મહાભારતનું યુધિષ્ઠિરે બોલેલું વાક્ય યાદ આવ્યું “ન રોવા કુંજ રોવા.. અશ્વથામા મૃતઃ” મેં વિધાર્થીઓને ગોળ ગોળ જવાબ આપ્યો જાણે મને કંઈ ખબર નથી. યુધિષ્ઠિરનો સત્ય-રથ, જે જમીનથી અધ્ધર ચાલતો હતો, તે જવાબ આપ્યા બાદ નીચે ફસડાયો, તેમ મારો ‘મિત્ર-રથ’ પણ સ્વાર્થના કાદવમાં ફસાયો.  થોડા દિવસો બાદ મુકુલને મારા જવાબની ખબર પડી. મને મળીને ફક્ત એટલુંજ કહ્યું “દોસ્ત, you too?”. તેના આ શબ્દો મારા હૃદયની આરપાર નીકળી ગયા. મને ભૂલનું ભાન થયું અને મેં તેની માફી માંગી. મુકુલ વિશાળ હૃદયવાળો એટલે તરતજ મને માફ કરી દીધો.

ત્રીસ વર્ષ પહેલાનો આ પ્રસંગ અને આજની ઘડી – મુકુલ અને એના પરિવાર સાથેનું અનુસંધાન મારા માટે અમૂલ્ય છે. મારા વ્યવસાયિક કે મિલકત સંબંધિત નિર્ણયમાં તેની સલાહનો મોટો ફાળો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી મુકુલ, આધ્યાત્મિક દ્રિષ્ટિએ પણ ચર્ચા કરે અને કપરા સંગોજોમાં પણ હકારાત્મક વલણ રાખવા મને પ્રોત્સાહન આપે. મારા પત્ની ‘અમી’ એ જ્યારે મારો સરપ્રાઈઝ જન્મદિવસ સિંગાપોરમાં ઉજવ્યો ત્યારે મુંબઈથી પોતાના ખર્ચે મને અભિનંદન આપવા બીજા મિત્રો સહીત મુકુલ ખાસ સિંગાપોર આવ્યો. દોસ્ત હો તો ઐસા! 

રાશિને મેં છેવટે કહ્યું “બેટા, ચૂંટણીનું શું પરિણામ આવશે એની ચિંતા ન કરતી. બસ મિત્રતા અને માણસાઈ ન ચુકી જવાય એનો ખ્યાલ રાખજે. કોઈની લાઈન નાની કેમ કરવી એ પ્રયત્ન ન કરતા પોતાની લાઈન મોટી કેમ થાય એવું સાહસ કરવું.” આ સાંભળીને રાશિના ચહેરાપર સ્મિત ફરક્યું. તેના મનને થોડું સમાધાન મળ્યું હોય એવું લાગ્યું અને તે અમને ભેંટીને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ વાતને આજે ચાર વર્ષ થવા આવ્યા. આજે પણ રાશિ અને આકૃતિની દોસ્તી એવીજ સક્ષમ છે. 

નાનપણથી આપણને સ્પર્ધાત્મક માનસિકતા રાખવાનું શીખવવામાં આવે છે કેમકે આપણા દેશમાં માણસો ઘણા છે અને તક ઓછી છે. તર્કની દ્રષ્ટિએ આ સાવ ખોટું નથી કારણકે જો સ્પર્ધા હશે તો જ વ્યક્તિ પોતાના ઉમદા ગુણો ને રજુ કરવા પ્રેરિત થશે. શ્રેષ્ઠ પ્રતિભાની છાંટણી બીજી કઈ રીતે કરાય? પરંતુ આ વિચારધારા સાથે વિવેક બુદ્ધિ જરૂરી છે (વિવેક એટલે સારા-નરસાની સમજ). નહી તો ઘણીવાર આપણી સરસાઈ કરવાની વૃત્તિ આપણી એકલતા અને દ્વેષનું કારણ બની જાય છે. 

તાજેતરમાં જાણીતા પૌરાણિક કથાશાસ્ત્રી શ્રી દેવદત્ત પટ્ટનાયક પાસેથી રામાયણમાં એક રસપ્રદ વાર્તા સાંભળી. જ્યારે મહર્ષિ વાલ્મીકિએ  રામાયણ કાવ્યની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું ત્યારે તે તેનાથી તે ખૂબ જ સંતુષ્ટ અને ખુશ હતા. ત્યાં નારદ મુનિએ તેમને કહ્યું કે હનુમાને પણ રામાયણ કાવ્યની રચના કરી હતી જે આનાથી ઉત્તમ હતી. વાલ્મીકિ તુરંત હનુમાન પાસે પહુંચી ગયા અને તેમની કાવ્ય રચના વાંચી. કાવ્ય ખુબજ સુંદર લખાયું હતું. વાલ્મીકિ સહેજ ઝાંખા પડી ગયા અને હનુમાનને કહ્યું “તમે આટલું સારું કાવ્ય લખ્યું છે તો મારું કાવ્ય હવે કોણ વાંચશે?” આ સાંભળી હનુમાને તરતજ સ્વરચિત રામાયણના કાવ્યનો નિકાલ કર્યો અને કહ્યું “ૠષિવર, આપ સાથે હરીફાઈ કરવાનો મારો કદાપિ ઈરાદો ન હતો. તમે રામાયણનું કાવ્ય જગતને આપવા માટે રચ્યું છે જ્યારે મેં તો પ્રભુ શ્રીરામની નિકટ રહેવા અને તેને યાદ કરવા રચ્યું. હવે મારુ કાવ્ય કોઈ ને જડશે નહિ. તમે નિઃસંકોચ પાછા જાવ. જગત ફક્ત મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણ યાદ રાખશે.” જ્યાં પ્રેમ છે, ભક્તિ છે, ત્યાં સ્પર્ધા નથી, કોઈ હરીફ પણ નથી. માત્ર જતું કરવાની ભાવના છે. 

આપણે હરીફાઈની નહિ પણ શરીફાઈની દોટમાં આગળ નીકળવું છે. 

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (22-Mar-2022)