ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.
રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.
મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.
આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.
સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.
ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.
જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.
રીટા જાની
24/02/2023