અજ્ઞાતવાસ-૨૭

દુ:ખી મન મેરે,સુન મેરા કહના,જહાં નહીં ચૈના ,વહાં નહીં રહેના.


મારી ત્રણ મહિનાની બિમારીનાં લીધે શરીર હજુ અશક્ત હતું. થોડી દોડાદોડ અને લગ્નની ધમાલ અને ઉજાગરો ,મારું શરીર ખમી ન શકયુ.અને નબળાઈને લીધે જરા પ્રેશર લો થઈ ગયું.અને હું થોડી મિનિટો માટે ભાન ગુમાવી બેઠો. મને સૌ સગાં સંબંધીએ ભેગા થઈ ઊંચકી રુમમાં લઈ જઈ સુવાડ્યો. પંખો નાંખી ,પાણી છાંટ્યું.હું ભાટિયા હોસ્પિટલમાં હતો ત્યારે જ મારા એક મિત્રની બહેન ,જે અમેરિકામાં ડોક્ટર હતી તેણે મને અમદાવાદનાં એક ડોક્ટરને બતાવવાનું સજેશન આપ્યું હતું. હું તેને લગ્નબાદ બતાવવાનો હતો ,તેની મારા કઝીનને ખબર હતી. તે મને સીધો ત્યાંજ એમ્બ્યુલન્સ બોલાવી લઈ ગયો. ડોક્ટરે મને દાખલ કરી ૧૦ દિવસ ટ્રીટમેન્ટ કરી.


ડોક્ટર એક દિવસ મને ડ્રેસિંગ કરતાં હતા.હું ને ડોક્ટર એકલા જ હતા. ડોક્ટર અમેરિકા ભણીને આવેલ, ખૂબ કાબેલ યુવાન હતા.મને ડોક્ટર કહે,” એક સાવ સાચી અને ચોખ્ખી વાત કહું ,નકુલ ,તને જો તારેા આ રોગ મટાડવો હોય તો અમેરિકા જ પાછો જતો રહે. તું ત્યાં જ તારો ઈલાજ કરાવ. રોગ અહીં વધી જશે તો તું હેરાન થઈ જઈશ.”મને પણ હું જે રીતે હેરાન થઈ રહ્યો હતો તેના પરથી એવુંજ લાગતું હતું. હિરેન માધવલાલ માસાની અને મારાં સૌ આજુબાજુનાં સગાસંબંધીઓની ટેક્ષટાઈલ મિલોનું સામ્રાજ્ય ખખડી રહ્યું હતું. બીજા કોઈ ધંધા,વગર પૈસે થાય તેમ નહતાં. આર્થિક અને શારિરીક બંને પરિસ્થિતિ વિકટ હતી.એટલે મેં ગમે તેમ કરી પાછા અમેરિકા જવાનો નિર્ણય કર્યો,જે માટે ભાઈ જરા પણ રાજી નહોતા.ભાઈ બેંગ્લોરનાં આશ્રમમાં હતાં.બહેન વગર,આર્થિક સંકડામણ સાથે અને મારી અને હર્ષાનાં જીવનની ચિંતાથી મુક્ત થવા તેમણે આશ્રમમાં રહી યોગા પર પી.એચ.ડી.કરવાનું ચાલુ કરી દીધું હતું.


મારે હવે ગમે તેમ કરી મારા રોગને ,કોઈપણ ભોગે,મટાડી સાજા થવું હતું. મુંબઈની બફારા સાથેની ભેજવાળી હવા અને A.C નાં બિલ ભરવાનાં પૈસા નહીં. સતત દદડતું લોહી સાથેનું સફેદ પ્રવાહી.મળોત્સર્ગ સમયે થતી અસહ્ય પીડા અને કોઈ સાદું ભોજન કરી આપનાર અને પ્રેમ,હુંફ કે મદદ આપનાર નજીકનાં વ્યક્તિના અભાવે- મેં ગમેતેમ કરી અમેરિકા પાછા જવાનો નિર્ણય કર્યો.બે ચાર નજીકનાં મિત્રો અને સગાંઓ પાસેથી પૈસા લઈ ટિકિટ કરાવી.


ભાઈને જણાવ્યા વગર જ પ્લેનની ટિકિટ કરાવી બેસી ગયો. સિંગાપુર એરલાઈન્સમાં મિત્રની ઓળખાણથી ટિકિટ થઈ હતી.પગ બરાબર ચાલતો નહતો.સામાન પણ પરાણે ભેગો કરેલો.પ્લેનમાં બેસી રહેતા પણ ખૂબ દુ:ખાવો થતો હતો. સિગરેટ અને દારુની આદતે પણ મને તેને વશ કરી દીધો હતો તે બળતામાં ઘી હોમવા જેવું હતું.સિંગાપુર એરપોર્ટ પર હોલ્ટ હતો. મને નાહીને કપડાં બદલવાની જરુર હતી. હું પ્લેનમાંથી બહાર આવી,સિંગાપુર એરપોર્ટ પર હોલ્ટ હતો એટલે મારી હેન્ડબેગ લઈ કાઉન્ટર પર ,એરપોર્ટની અંદર જવા આવ્યો અને સામાન સ્કેન કરવાની લાઈનમાં ઊભો રહી પાસપોર્ટ કાઢવાં ગયો તો પાસપોર્ટ મળે નહીં. બધે શોધ્યો પણ પાસપોર્ટ ન મળ્યો. પ્લેનમાં સીટ પર રહી ગયો હોય તેની તપાસ પણ ઓફીસરોને કહીને કરાવી પણ કોઈ પત્તો પડ્યો નહીં.


મને સિંગાપુર એરપોર્ટ પર કોર્ડન કરી એક રુમમાં બેસાડી પૂછપરછ કરવા ઓફીસરો આવી ગયાં.મારી તબિયતની ખરાબ હાલત,ભારતને છોડું છું તે નિર્ણય બરાબર છે કે નહીં?,અમેરિકા જઈને શું કરીશ?ભાઈને કે મારા નજીકનાં સગાંઓને જાણ કરી નહોતી – આવા અનેક વિચારોનાં વમળોથી મારું દિલ-દિમાગ સુન્ન થઈ ગયું હતું.પાસપોર્ટ વ્હીલચેરવાળાએ કે કોણે તફડાવી લીધો તે મને ખબર જ ન રહી!


બાર કલાક સુધી એરપોર્ટ પરનાં એક બંધ રુમમાં મને બેસાડી રાખ્યો.નસીબ જોગે મારી પાસે મારો પાસપોર્ટ નંબર,ગ્રીનકાર્ડ નંબર અને સોશ્યલ સિક્યોરિટી કાર્ડ હતું. અમેરિકન ગવર્મેન્ટ સાથે પૂરેપૂરી તપાસ કરી,હું કાયદાકીય રીતે અમેરિકાનો ગ્રીનકાર્ડ હોલ્ડર હતો એટલે મને બીજી ફ્લાઈટમાં અમેરિકા રવાના કર્યો.


અમેરિકામાં શિકાગો ઉતર્યો એટલે ફરીથી મને રુમમાં લઈ ગયા અને મારી ઉલટ પુલટ તપાસ કરવા ઓફીસર આવી ગયા. મારી હાલત ખૂબ ખરાબ હતી. લાંબાં વધેલાં વાળ અને દાઢી,દુ:ખ અને દર્દ ભૂલવા પીવાએલ દારુથી અને ચિંતાથી વગર ઊંઘે થયેલ લાલચોળ આંખો,મારાં રોગને લીધે કપડામાંથી સફેદપ્રવાહીની ગંદી વાસ મારતું શરીર. આ બધું ભેગું થઈ મેલોઘેલો લાગતો હું દેખાવે પણ ગુનાખોર જ લાગતો હતો.


હું ઘરમાં હોવ ત્યારે દિવસમાં ત્રણ વાર નહાતો કે પરફ્યુમ કે કોલનવોટરનાં ગરમ પાણીથી સ્પંચ કરતો અને ડાઘવાળા કપડાં તો ચારપાંચ વાર બદલતો.મુંબઈ એકદમ છોડવાનાં નિર્ણયે,છેલ્લી ઘડી સુધી અનેક કામોની દોડાદોડી તેમજ સિંગાપુરનાં વધારાનાં બાર કલાક -આમ ત્રણ દિવસનાં સતત ઉજાગરા ,નબળું રોગગ્રસ્ત શરીર વિગેરેથી હું સાવ નંખાઈ ગયેલી હાલતમાં હતો.


શિકાગોનાં એરપોર્ટ પર મને એક રુમમાં બેસાડી દીધો. એક પછી એક ઓફીસર આવીને મને પૂછપરછ કરવા લાગ્યા. મને મારી જાત પર પાસપોર્ટ નહીં સાચવવા બદલ ખૂબ ગુસ્સો આવતો હતો.મેં ઓફીસરને મારો પાસપોર્ટ નંબર,ગ્રીનકાર્ડ નંબર,સોશ્યલ સિક્યોરિટી કાર્ડ બધું આપ્યું તેમજ મારી તબિયત બહુ જ ખરાબ છે એમ જણાવ્યું.મારાથી બેસાતું નથી એમ ઓફીસરને કહી હું રુમની બેંચ પર જ સૂઈ ગયો. થાક,ચિંતા અને તેને લીધે થયેલ ઉજાગરા અને ભગંદરનાં રોગથી કમરનીઅસહ્ય પીડાથી હું કણસતો હતો. ઓફીસરો મારા સ્ટેટસની પૂરી તપાસ કરતાં હતાં ત્યારે મેં દવા અને પાણી સાથે કંઈ ખાવાનાની માંગણી કરી. ઓફીસરે એરપોર્ટ પરથી પીઝા ઓર્ડર કરવાનું કહ્યું. મેં ના પાડી.પીઝાનો મેંદો મારા કબજિયાતવાળા પેટમાં ચોંટી જતો હતો.મેં ઓરેંન્જ જ્યુસ અનેબિસ્કિટ મંગાવ્યા.થોડું ખાઈ હું ઓફીસરોનાં જવાબની રાહ જોતો ,ઝોકા ખાતો ,ત્યાંજ બેંચ પર ઘસઘસાટ ઊંધી ગયો.


જિગીષા દિલીપ

અજ્ઞાતવાસ-૨૬

સુખકે સબ સાથી દુ:ખમેં ન કોઈ


ભાઈ ના ફોનની વાત સાંભળી ,હું સાવ ભાંગી પડ્યો ,જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. બહેનનાં અચાનક હ્રદયનાં હુમલાથી થયેલ મોતનાં સમાચારે મારા પર વીજળી પડી હતી.બહેન ‘ફેક્ટરીનું દેવું મારો દીકરો કેવીરીતે ભરશે? ‘- તેની ચિંતા કરતી કરતી જ સાવ નાની ઉંમરે ૫૦ પણ વટાવ્યા પહેલાં મને આ દુનિયામાં સાવ એકલો છોડીને ચાલી ગઈ.ભાઈએ મને કહ્યું,”તેને પ્રેશર તો રહેતું જ હતું પણ તે દિવસે ખૂબ પ્રેશર હોવા છતાં ,ડોક્ટરે ઘેર જઈ આરામ કરવાનું કહ્યું તે સાંભળ્યા વગર ,સ્કુલે ગઈ અને કામ માટે ચાર દાદર ચઢી ઉપર ગઈ અને ત્યાં જ એટેક આવ્યો. હોસ્પીટલમાં જતાં રસ્તામાં જ તે પ્રભુનાં ધામમાં સિધાવી ગઈ.”ભાઈને પણ મળ્યા વગર સાવ આમ અચાનક….


મને બહેનનાં મોતનાં સમાચારે હચમચાવી નાંખ્યો હતો. હું બહેનનાં મોત માટે ફેક્ટરીનાં નુકસાનને કારણે ,અમને સૌને દોષિત માની ,મારી જાતને પણ માફ નહોતો કરી શકતો.મારે બહેનની ખૂબ જરુર હતી ત્યારે તે મારી પાસે નહોતી. હું જિંદગીથી ખૂબ હારી ગયો હતો.ભાઈ,મામાઓ,ભાઈનાં અને મારાં મિત્રો સૌ મને અમેરિકાની મારી બદતર જિંદગી છોડી ભારત પાછો બોલાવી રહ્યાં હતાં. હું અમેરિકા છોડું કે નહીં તેની દ્વિધામાં મારી જાત સાથે ,ભગવાન સાથે લડતો રહેતો હતો.બહેનનો સદાયે હસતો ચહેરો ચાદ આવતાં જ મન હૈયાફાટ રુદન કરી ,મને ,બેચેન,બેહાલ કરી મૂકતું હતું.


રુખીબા પછી અચાનક બહેનનાં મૃત્યુથી ભાઈ સાવ એકલા થઈ ગયાં હતાં.ઘર ચલાવવાની,રસોઈ માટે ગ્રોસરી લાવવાની કે જીવન જરુરિયાત માટેની રોજિંદી જિંદગીની જરુરિયાતો પૂરી કરવાની કોઈપણ આવડત કલાકાર,એક્ટર,લેખક,કાર્ટુનિસ્ટ ,હાસ્યકાર જયદેવભાઈમાં હતી નહીં. રુખીબા,બહેન,ચોવીસ કલાકનાં બાઈ અને શાંતાંરામથી ચાલતાં ઘરની જવાબદારી એકાએક તેમની પર આવી જતાં ,તેમજ છોકરાઓનું ફેક્ટરીમાં થયેલ નુકસાન અને હર્ષાનાં ભાંગી પડેલ જીવનની ચિંતાથી ભાઈ પણ અંદરથી સાવ ભાંગી પડ્યા હતાં. તેમાં તેમનાં પાર્ટનરોએ તેમને પાર્ટનરશીપમાંથી છૂટા કર્યા.ખાલી જગા સમાન થઈ ગયેલા જીવનને પૂરવા અને જીવનની સચ્ચાઈ સામે આવતાં તેને સહજતાથી સમજવા તેઓ બાબુલનાથ રોડ પર ,ખૂબ સુંદર જગ્યાએ આવેલ પ્રેમપુરી આશ્રમમાં જવા લાગ્યા, રોજ તેમનો સમય સ્વામી અખંડાનંદ સરસ્વતીની નિશ્રામાં વિતાવવા લાગ્યા.અખંડાનંદ સરસ્વતી બિરલાનાં પણ ગુરુ હતા.ઓફીસનાં અમારા માણસ વૈદ્ય સાહેબ બાબુલનાથ રહેતા ,ભાઈ તેમના ત્યાં જમતા અને આશ્રમમાં જતાં.સ્વામીએ તેમને સત્સંગ અને યોગથી ચિંતાથી મુક્ત કર્યા,ભાઈએ લાંબી દાઢી અને ભગવા વસ્ત્રો ધારણ કરી લીધાં હતાં.


મને મિત્રો અને મામાઓ ભારત બોલાવતાં કે અહીં તું હિરેન માધવલાલ માસા કે કાકાઓની મદદથી કોઈ એજન્સી કે કામ કરી ને રહી શકીશ ,અમેરિકાની બદતર જિંદગી છોડી પાછો આવી જા. હું ખૂબ દ્વિધામાં હતો કે ભારત જઈને પણ હું શું કરીશ? જીવનની યુવાવસ્થામાં આવેલ ઉપરા ઉપરી આઘાત જનક મુશ્કેલીઓ,રુખીબા,રીશેલ્યુ ,ટીના,બહેનની પ્રેમ અને હૂંફ વગરની નિરાશ જિંદગી અને અમેરિકન આફ્રિકન એરિયાનાં ગુનાહીત વાતાવરણે મને પણ દારુ અને સિગરેટની લતે ચડાવી દીધો હતો. છેવટે બે ત્રણ મહિનામાં નાના મોટા કામ કરી ટિકિટનાં પૈસા ભેગા કરી હું ભારત પહોંચી ગયો. ભાઈ તો તેમના યોગ અને સત્સંગમાં ડૂબી ગયાં હતાં. તે યોગ પર પી.એચ.ડી. કરતાં હતાં. તેમણે તેમનું નામ પણ સ્વામી અભિનયાનંદજી કરી નાંખ્યું હતું.


હું ગયો એટલે ભાઈ સાથે થોડા દિવસ બ્રિજકેન્ડીનાં ઘરમાં બહેન અને રુખીબાની યાદોને વાગોળતાં કાઢ્યા.મારી વગર પૈસે અને નિરાશ થઈને પડેલી સતત સિગરેટ અને દારુનાં વ્યસનથી ભાઈ ખૂબ ચિંતિત અને દુ:ખી હતા.

એક દિવસ પછી યોગાની મોટી કોન્ફરન્સ બેંગ્લોરમાં હતી. અને આગલે દિવસે તેમણે મારા નાઈટ ડ્રેસમાં લોહીનાં ડાઘા જોયાં. મને કહે,”બેટા નકુલ,તને પાઈલ્સ થયાં લાગે છે.”બીજે જ દિવસે સવારે મને ભાટિયા હોસ્પિટલમાં તેમનાં મિત્ર ડોક્ટર ભરતભાઈ પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું,” કાલે સવારે જ તારું ઓપરેશન કરી નાંખીએ”. મેં ,”ના પાડી” તો ડોક્ટર કહે ,”૧૦ મિનિટનું ઓપરેશન અને ૩૦ મિનિટમાં તું ઊભો અને સાંજે ઘેર. હું તો રોજનાં દસ -બાર ઓપરેશન કરું છું.” ભાઈ એ ઓપરેશન કરવાની હા પાડી દીધી. બીજે દિવસે સવારે મારું ઓપરેશન થયું.


પરતું ઓપરેશન પહેલાં ,જે નર્સે મને ઘનુર(Titans)નું ઈંજેક્શન આપ્યું ,તે નર્સનો પહેલો જ દિવસ હોસ્પિટલમાં કામ કરવાનો હતો. તેણે ઈંજેક્શન આપવામાં ભૂલ કે શું?મને ખબર નથી પણ ઈંજેક્શન આપ્યું ત્યારે જ હું આખી હોસ્પિટલ સાંભળે એટલી જોરથી ચીસ પાડી ઊઠ્યો. પણ ઈંજેક્શન અપાઈ ગયું પછી ડોક્ટરે મારું ઓપરેશન કર્યું.ઓપરેશન કરીને ડોક્ટર જતાં રહ્યાં. સાંજે પાંચેક વાગે અમે ઘેર આવ્યા. ઓપરેશન નાનું હતું એટલે ભાઈ રાતની મોડી ટ્રેઈનમાં બેંગ્લોર ગયા. મેં જ તેમને કહ્યું ,”મને સારું છે હું આરામ કરીશ તમે જાઓ.“ ભાઈ ગયા પછી મને તાવ ચડવાનો શરુ થયો. રાત્રે બાર વાગતાં તો મારું શરીર ધગધગવા લાગ્યું.મેં ફોન કરીને ગુરખાને બોલાવ્યો. ગુરખાએ ઉપર આવીને જોયું તો હું ઠંડી ચડી હોય તેમ ધ્રૂજતો હતો અને તાવ ખૂબ હતો.મારાં બિલ્ડીંગમાં ઉપર ડો. માધુરીબહેન રહેતા હતા,મેં તેમને બોલાવ્યાં. તેમણે મને તપાસીને,એમ્બ્યુલન્સ બોલાવી ફરીથી ભાટિયા હોસ્પીટલમાં દાખલ કરાવ્યો.


ડો. ભરતભાઈ આવ્યાં નહીં ત્યાં સુધી હોસ્પીટલમાં મને જોઈએ તેવી ટ્રીટમેન્ટ મળી નહીં.
ઈંજેક્શન ખોટી જગ્યાએ આપ્યું કે ભારતની હોસ્પિટલમાં ઓપરેશનમાં સાધનો સ્ટરીલાઈઝ ન હતાં ,મને મારા શરીરની અંદર શું થયું ખબર નથી પણ ૧૨ થી ૧૬ કલાકમાં તો ઈન્ફેક્શન આખા શરીરમાં પ્રસરી ગયું. ભાઈ બેંગ્લોરથી પાછા આવ્યા. ડો ભરતભાઈ દવાઓ કરતાં જ રહ્યા ,કેટલીએ એન્ટીબાયોટીક દવા આપવા છતાં તાવ અને ઈન્ફેક્શન ખસવાનું નામ જ નહોતું લેતું.ધીરેધીરે તો મારો પગ અને અંગૂઠો પણ હું હલાવી શકતો નહોતો.બે ત્રણ મહિના સુધી હું હોસ્પિટલમાં જ રહ્યો.કોઈ એવા બેક્ટેરિયા શરીરમાં ઘૂસી ગયાં હતાં કે જે શરીરમાંથી ખસતાં જ નહોતા.


છેવટે ભાઈ તેમનાં ઓળખીતાં કોઈ વૈદ્યને લઈ આવ્યાં તેની દવા ,લેપ ,ઉકાળાથી મારા પગમાં હલનચલન ચાલુ થયું. હવે મેં ભાઈને કહ્યું,” મને હવે ઘેર જ પાછા જવું છે અને વૈદ્યની જ દવા કરવી છે.વૈદ્યની દવાથી હું ઘરમાં ચાલતો અને ફરતો થઈ ગયો. પરતું ભગંદર થયું હોય તેમ હજુ સફેદ પ્રવાહી નીકળતું જ રહેતું. ભાઈનો કોઈ ધંધો ચાલતો નહોતો. હું પૈસા કમાવવાનાં ફાંફાં મારતો,મામા ,માસાને મળતો રહ્યો પરતું વગર પૈસે ધંધો કેવીરીતે મળે? સગાવહાલાં અને મિત્રો પણ કેટલાં દિવસ તમને મદદ કરે?મારી હાલત શરીરથી અને પૈસા વગર સાવ કંગાલ અને દયાજનક થઈ ગઈ હતી.


તે દરમ્યાન મારાં સગા મામાનાં દીકરાનાં લગ્ન હતાં. મામા,માસીનાં ખૂબ આગ્રહ થકી હું થોડી નાદુરસ્ત તબિયત સાથે લગ્નમાં અમદાવાદ ગયો.લગ્ન ચાલુ હતા અને મને સખત્ત ચક્કર આવ્યા.હું ચક્કર ખાઈ એકદમ પડ્યો અને બેભાન થઈ ગયો.લગ્નમાં એકદમ હો હા થઈ ગઈ..


જિગીષા દિલીપ

અજ્ઞાતવાસ-૨૪

અને ફરી એક સંબંધ તૂટ્યો,નાતો છૂટ્યો અને હું હતો ત્યાંજ….


ર્ષાને સમજાવી શાંત રાખી.તેના પતિએ ડિવોર્સના પેપર મોકલ્યા હતાં એટલે તે ખૂબ અપસેટ થઈ રડતી હતી. તેનો પતિ ખૂબ સાલસ સ્વભાવનો, દેખાવડો,હસમુખ ,સજ્જન માણસ હતો. તેઓ બંને એકબીજાને ખરેખર ખૂબ પ્રેમ કરતાં હતા. પરતું બંનેની વિચારધારા એકદમ અલગ થઈ ગઈ હતી.તેમાં ખરાબ નસીબ અને સમય જે કહો તે ,કે હર્ષાનાં પતિએ ભારતમાં તેના મિત્રો સાથે મળી વિલાયતી ઈંટો બનાવવાનો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.એનું એન્જિનીયરીંગ કામ કરાવીને અને ફેક્ટરી સેટ કરી ,તે પાછો આવવાનો હતો. પછી તેના પાર્ટનર ફેક્ટરી સંભાળવાનાં હતાં.ફેક્ટરી માટે તે સૌએ મોટી લોન લીધી હતી,પોતાની બધી બચત પણ નાંખી દીધી હતી. ફેક્ટરી સેટ કરવા તેને આઠ મહિના ત્યાં રહેવાનું હતું. ભારતમાં કામ જલ્દી પતે નહીં એટલે ફેક્ટરી સેટ કરતાં દોઢ વરસ નીકળી ગયું. અને વરસાદ જૂનને બદલે એક મહિનો વહેલો મુશળધાર આવી ગયો અને બધી ઈંટોની માટી પલળી જતાં ,ફેક્ટરી થાય તે પહેલાં જ મોટું નુકસાન થઈ ગયું. ખૂબ નિરાશાની ગર્તામાં ડૂબેલ તે અમેરિકા આવીને આશ્રમમાં રહેવા જતો રહ્યો.

તે દરમ્યાન હર્ષા ન્યુયોર્કની આર્ટ સ્કુલ F.I.T. માં ભણતી હતી અને ત્યાંજ જોબ પણ કરતી હતી.હર્ષાની પોતાની ફેક્ટરીમાં મોટું નુકસાન થયું ત્યારે તેને ખરેખર તેનાં પતિના પ્રેમ અને હૂંફની જરુર હતી ત્યારે તેની ગેરહાજરી હતી.તેમાં આર્ટ સ્કુલનું એકદમ મોર્ડન વાતાવરણ જેમાં,ડ્રિકીંગ ,સ્મોકિંગ અને એકદમ આઝાદ થઈ જીવાતી હીપ્પી જેવી જિંદગી.

તેનો પતિ આશ્રમનાં સાત્વિક વાતાવરણમાં અને હર્ષા ડ્રિંકીંગ અને સ્મોકિંગનાં રવાડે.બંનેનાં ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનાં જુદા રસ્તા અને વિચારધારાએ તેમના લગ્નજીવનને તોડી નાંખ્યું. ભારત અને અમેરિકન સંસ્કૃતિના જુદા પડછાયા જાણે પડઘાયા.હર્ષાનો પતિ અને હર્ષા હંમેશા ખૂબ સારા દોસ્ત રહ્યાં તેનો ઉત્તમ દાખલો તો એ હતો કે તેના પતિએ આશ્રમમાં રહી તેના જેવી આશ્રમમાં રહેતી ગોરી અમેરિકન સાથે લગ્ન કર્યા ત્યારે તેનું પાનેતર ડિઝાઈન કરી,બનાવી હર્ષાએ તેને ગીફ્ટ કર્યું હતું. તેમજ હર્ષાના પતિ, ભાઈ મુંબઈ હોય કે અમેરિકા ,તેમની સાથે અને મારી સાથે અને હર્ષા સાથે પણ હંમેશા સારા નરસા પ્રસંગોએ ,કુટુંબીજનની જેમ પ્રેમ અને હૂંફથી વાત કરતા.હર્ષાને મેં સમજાવી ફોન મૂક્યો પણ હું પણ તેનાં લગ્ન તૂટવાથી ખૂબ દુ:ખી થઈ ગયો હતો.મને સમજાતું નહોતું કે જીવનસફરમાં હજુ કેટ કેટલાં દુ:ખો મારે સહેવાનાં હતાં!!!


શનિવાર હતો એટલે આઈસ્ક્રીમ ટ્રકમાં બાળકોની ભીડને કારણે થાકીને લોથપોથ થયેલો હતો.અડધી રાત થઈ ગઈ હતી પણ હર્ષાની ડિવોર્સની વાતે એક સરસ સંબંધ તૂટવાનાં અવાજે ઊંઘને રજા આપી દીધી હતી.હ્રદય સળગી રહ્યું હતું. ગરોળી જીવડાંને પકડવાં એકીટશે અપલક તેને જોઈ રહે,તેમ ,હું બારીમાંથી દેખાતાં ,ચાંદની રેલાવતાં ,પૂનમનાં ચંદ્રને જોઈ ,તેમાંથી ચાંદની ચૂસીને હ્રદયને શીતળતાં આપવા કોશિશ કરી રહ્યો હતો.ચંદ્રનાં ડાઘમાં બધાંને હરણ દેખાય પણ મને રીશેલ્યુ દેખાતો હતો. મારી ઉદાસીમાં જ્યારે હું એને ભેટું ત્યારે તે મને ભેટતાં જ સમજી જતો અને તેની આંખમાંથી પણ આંસું નીતરતાં . ચંદ્રમાં દેખાતાં મારાં રીશેલ્યુને તાકીને ,તેને ભેટીને ,તેની હૂંફ મારા બદનમાં ભરીને ,હું ને રીશેલ્યુ રડી રહ્યાં હતાં.આમ વિચારતાં વિચારતાં મળસ્કે આંખ મિંચાઈ ગઈ.
સવારે ઊઠીને ન્યુઝપેપર ફંફોસતો હતો ,ત્યાં એક એડવર્ટાઈઝ વાંચી.”Dunkin Donuts for sale & we finance .Total prize 80000$ & you have to come up with 12000$ and rest we finance.


તે સમયે ફાઈનાન્સીંગનું બહુ ચાલેલું.ટ્રમ્પે તે સમયે મેનહટ્ટનનું ‘ટ્રમ્પ ટાવર’જાપનીઝ બેંક,ચાઈનીઝ બેંક અને અમેરિકન બેંક સાથે નેગોશીએશન કરી ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરાવી લગભગ ૧૦૦ મિલીયનનું મોટું ટાવર ખરીધ્યું હતું. તેમાં ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરાવેલ.હું રોજ છાપું વાંચતો ,તેથી બધું જાણતો અને આમ પણ હું ફાઈનાન્સ અને માર્કેટીંગનો માણસ એટલે હું Dunkin Donuts લેવા પહોંચી ગયો.


ત્યાં નાના મેનેજરને મળ્યો તે મને બધું સમજાવવા લાગ્યો કે તમે આટલી કોફી ,ડોનટ વિગેરે વેચો તો આટલો પ્રોફીટ થાય વિગેરે વિગેરે. પછી તેને એમકે હું પટેલ છું એટલે આ ડન્કીન ખરીદીશ એટલે મને કહે ,” બોલો ,તમારો શું વિચાર છે?”મેં કહ્યું ,હું આ ‘ડન્કીન ડોનટસ ‘ 80000$ માં નહીં પણ 92000$ માં લેવા માંગું છું. પેલો તો વિચારમાં પડી ગયો કે બીજા પટેલો આવે છે એ તો ભાવ ઓછો કરાવે છે અને આ વધારે પૈસા કેમ આપવા માંગે છે? એ કંઈ સમજ્યો નહીં! એ એનાથી મોટા મેઈન મેનેજરને બોલાવી લાવ્યો.તે પણ મારી વધારે પૈસા આપવાની વાત સાંભળી ,વાઈસ પ્રેસિડન્ટને બોલાવી આવ્યો.

વાઈસ પ્રેસિડન્ટ મારી આખી વાત સાંભળી કહે,” તમારી પાસે એક પણ ડોલર નથી અને તમે ડાઉન પેમેન્ટ પણ ફાઈનાન્સ કરવા માંગો છો ,એમજને?” મે કહ્યું ,” હા, ટ્રમ્પ જો લગભગ 100 મિલિયનનું ટાવર ૦ % ફાઈનાન્સથી ખરીદે તો આ તો માત્ર 92000 $ છે ,તો હું કેમ ન ખરીદી શકુ?” વાઈસ પ્રેસિડન્ટ અને ત્રણે જણાં પહેલાં તો મારી વાત સાંભળી જોર જોરથી હસવા લાગ્યા .પણ મારી વાત કરવાની અદા,સ્માર્ટનેસ અને મારા ફ્લુઅન્ટ ઈંગ્લીંશથી પ્રભાવિત થઈ મને વાઈસ પ્રેસિડન્ટે નવી જોબ ઓફર કરી. તેણે મને કહ્યું,” હું તને Dunkin તો નથી વેચતો ,પણ તને ગુજરાતી ,હિન્દી અને ઈંગ્લીં શ ત્રણે ભાષા સરસ રીતે બોલતા આવડે છે ,એટલે તું બધાં પટેલો કે ભારતીય,બાંગ્લાદેશી અને પાકિસ્તાની ગ્રાહકોને સમજાવી શકીશ . તને વાત પણ સરસ કરતાં આવડે છે ,એટલે અમે તને કંપનીની નવી ગાડી અને બીજા એલાઉન્સ આપીશું, તું અમારી Dunkin વેચવાનું કામ કર. એક Dunkin વેચીશ તેના આઠ ટકા એટલે લગભગ 6400$ તને મળશે.હું તો ખુશ થઈ ગયો અને મેં નવું કામ પૂર્ણ નિષ્ઠાથી ચાલુ કરી દીધું.

આ Dunkin ચેઈનનો માલિક જ્યુઈશ હતો. મેં તો એક દોઢ મહિનામાં Wisconsin,Maryland વિગેરે હાઈવે પર પટેલોને ચાર Dunkin વેચી નાંખી. હું તો એકદમ ખુશ હતો.ત્યાં મને એક દિવસ બોસે બોલાવ્યો.મેં તો ખૂબ સારો ધંધો કર્યો હતો એટલે ખુશ થતો બોસને મળવા ગયો કે હવે મારી જિંદગી સેટલ થઈ જશે પણ પણ બોસે શું કીધું ખબર છે??? ભાઈ ,તેં તો ભારે કરી એક -દોઢ મહિનામાં ૨૫૦૦૦ $ નું કામ?? You r too good !!!!, હવે તમે …….….. અને હું સાંભળીને અવાચક થઈ ગયો…….


જિગીષા દિલીપ

અજ્ઞાતવાસ -૨૩

મારો સપનાંનો મહેલ કડડડ ભૂસ થઈ ગયો.

પોસ્ટ ખોલીને વાંચી તો હું સાવ હતાશ થઈ ગયો.અમેરિકન લોકો તમાચો મારે તો પણ પહેલાં પંપાળે. તેમાં લખ્યું હતું કે હર્ષાનું ડિઝાઈનીંગ,કલર મેચીંગ,ફેબ્રીક બધું અદ્ભૂત છે પણ કસ્ટમરને ડ્રેસનું ફિટીંગ આવતું નથી. આટલા મોંઘો ડ્રેસ ખરીદે અને ફિટીંગ ન આવે તો અમે કેવીરીતે તમારા ડ્રેસ ખરીદી શકીએ? માફ કરજો,પણ અમે બધો માલ આ સાથે પાછો મોકલીએ છીએ.થોડો સમય એમજ બેસી રહ્યો,પછી હિંમત એકઠી કરી મેં જ મને કહ્યું ‘ એય જિંદગી ! તું મારે માટે દરેક પગલે નવો જ પડાવ લઈને આવે છે અને તેને મારે નવી ચેલેન્જ સમજી સ્વીકારી મારી જાતને વધુ મજબૂત કરી તેમાંથી બહાર આવવાનું છે.”


અમારી પેટર્નમેકર ખરે વખતે નોકરી છોડીને ચાલી ગઈ ,તેનું આ પરિણામ હતું. જીવનમાં આપણી સાથે કામ કરનાર દરેક વ્યક્તિનું કેટલું મહત્વ હોય છે,તે મને પસ્તાવા સાથે તે દિવસે સમજાયું. હું અને હર્ષા એકબીજાનો વાંક કાઢતાં રહ્યાં.મેં હર્ષાને કહ્યું ,”તેં પેટર્નમેકર સાથે શાંતિથી વાત કરી હોત તો આવું ન થાત! “હર્ષાએ પણ મને કહ્યું,” તું જાણતો જ હતો કે પેર્ટનમેકર વગર તકલીફ થશે જ ,તો તું એને ગમેતેમ કરીને પાછી કેમ ન લઈ આવ્યો ?કે બીજી વધુ હોંશિયાર પેર્ટનમેકર તે એડવર્ટાઈઝ આપીને કેમ હાયર ન કરી?”અમે બંને એકબીજા પર દોષારોપણ કરતાં રહ્યાં,પણ હવે જે થયું ,તે ન થયું તો થવાનું નહોતું. હવે શું રસ્તો કરવો તે હું વિચારતો હતો.


ત્યાં જ રમણભાઈને બધો માલ પાછો આવ્યાની ખબર પડી એટલે એમણે એમના વકીલ સાથે વાત કરી.તેમના
વકીલની સલાહ મુજબ તેમણે મને કંપનીનાં એમના ભાગનાં શેર લઈ લેવા કહ્યું અને સાથે તેમ પણ સમજાવ્યું કે હું તને પછી જરુર મદદ કરીશ.તેમણે Wellsfargo માં રોકેલા એક લાખ ડોલર પણ આ મોટા ઓર્ડરોમાં વપરાઈ ગયાં હતાં.તેમની પાસે મોટેલોનાં મોટા ધંધા હતા અને તેમણે અને તેમની સાથેનાં મોટેલનાં બીજા ભાગીદારોએ તો મને ખરેખર મદદ કરવા જ પૈસા રોક્યા હતાં તેમ સમજી મેં ઈમાનદારી પૂર્વક રમણભાઈનાં,બીજા ભાગીદારોનાં અને મારી બંને બહેનોનાં બધાં શેર ખરીદી લીધાં. એક શેર એક ડોલરનો હતો પ્રિમિયમ ૩૯ ડોલર તો ઊડી જ જાય,તેવી જ રીતે ,કેરલે ગોઠવણ કરી હતી. બધાંનાં શેર હું ખરીદી લઉં ,તે વાત કેરલને જરા પણ ગમી નહીં.મેં કેરલને કહ્યું ,”અમારી હિન્દુ સંસ્કૃતિમાં બહેનોને સાચવવાની જવાબદારી હંમેશા ભાઈઓની જ હોય,અને જેમણે મને ધંધામાં મદદ કરવા આટલા પૈસા રોક્યા હોય તેને મારે ઈમાનદાર તો રહેવું જ પડે ને!એ તને નહીં સમજાય!!”

હવે ફેક્ટરી ચાલે તો પણ તે કમાણી,દેવા આટલા વધી ગયા હોવાથી ભરપાઈ થાય તેમ નહતી.ફેક્ટરી બંધ કર્યા સિવાય કોઈ જ રસ્તો નહોતો. અમેરિકાનાં કાયદા પ્રમાણે ચેપ્ટર – ૧૩ મુજબ નાદારી નોંધાવી હાથ ઊંચા થાય ,અને ચેપ્ટર -૧૧ મુજબ reorganization કરાય.ચેપ્ટર ૧૧ મુજબ હું ભવિષ્યમાં કંઈ પૈસા કમાઉ તો લેણદારોને થોડા થોડા કરી પૈસા પાછા આપું. નાદારીમાં તો હાથ ઊંચા જ કરી દેવાના.


હવે તે જ સમયે મારી આશાને ઢંઢોળતી એક વાત બની.મારા ફેક્ટરીના કોરીઅન ફેબ્રિક સપ્લાયર પાસે ઇસ્ટમેન કોડાકની ફિલ્મનાં રોલની એજન્સી કોરીયા ખાતે હતી. તેની પાસે પોલિએસ્ટર યાર્નની પણ એજન્સી હતી.તે કોરીઅન મારો ખૂબ સારો મિત્ર હતો. તે મને પોલીઅસ્ટર યાર્ન હું ભારતમાં બધી માધવલાલ માસાની અને બીજી મિલોમાં સપ્લાય કરું તો તે આપવા તૈયાર હતો. ભાઈ બધી મિલોનાં પરચેઝ ઓફીસર અને માધવલાલમાસાને વાત કરી આવ્યા. મેં સેમ્પલ પણ મોકલી દીધાં. મિલોવાળા ઈસ્ટમેન કોડાકનો માલ લેવા તૈયાર જ હતા. એટલે હું ખૂબ ખુશ થઈ ગયો કે હવે જો આ ગોઠવાશે તો હું લેણદારોને ભવિષ્યમાં પૈસા પાછા આપી શકીશ.


પણ ત્યાં ફરી એકવાર મને નસીબે ઉપરથી નીચે પછાડ્યો.બસ …..એજ વખતે ધીરુભાઈ અંબાણીએ ઈન્દિરાજી સાથે મળીને ઈમ્પોર્ટ પોલીસીનો કાયદો બદલાવી નાંખ્યો. તેમના પાતાળગંગાનાં પ્લાન્ટમાં આ પોલિએસ્ટર યાર્ન બનતું તે જ બધી મિલોને લેવું પડે એટલે તેમણે ઈમ્પોર્ટ પોલીસી જ બદલાવી નાંખી અને જાણે મારાં મોંમાંથી કોળિયો ઝુંટવાઈ ગયો.મારો સપનાનો મહેલ ફરી કડડડ ભૂસ થઈ ગયો!

ફેક્ટરી મેં બંધ કરી દીધી.ન્યુયોર્કનાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર કાર્લ પનેરોએ પણ થોડી હિંમત બંધાવી કે “તેમના વકીલ આવશે અને કાર્યવાહી થશે પણ લાંબા ગાળે તે લોકો તને કંઈ કરી નહીં શકે. “સાથે તેઓ મારામાંથી ઘણાં પૈસા કમાયા પણ હતાં તેમ પણ કહ્યું જે મને દાઝ્યા પર મલમ જેવું લાગ્યું.મેં શેર રમણભાઈનાં લઈ લીધાં એટલે તેમના મોટા ધંધામાં કોઈ મારા તરફથી તકલીફ ન આવી.એ મોટી જવાબદારીમાંથી બચી ગયાં. Wellsfargo માં ગેરંટી રમણભાઈ અને તેમનાં મિત્રોએ આપી હતી.તે સિવાય કોઈપણ સરકારી તપાસમાંથી તેઓ બચી ગયાં.હવે અમેરિકન ગવર્મેન્ટનાં દેવાનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો જે ચેપ્ટર ૧૩ કે ચેપ્ટર ૧૧ -કોઈપણ કાયદા હેઠળ મારે દર બે મહિને કોર્ટમાં હાજર થઈ હું જે કમાતો હોય તેમાંથી ગવર્મેન્ટને થોડા થોડા પૈસા આપવા પડે અને મારી ક્રેડીટ હીસ્ટ્રીમાં પણ આ બધું નોંધાએલ જ હોય.અમેરિકા મને એટલે ગમે છે કે એક વખત નાદાર થયેલ આદમી પણ હિંમત રાખે તો પાછો ઊભો થઈ શકે છે.

હવે મારો કેસ કોર્ટમાં ગયો. મશીનોનાં,ફર્નિચરનાં,સોયદોરાવાળા એવા નાના બીજા ઘણાં લોકોના પૈસા બાકી હતાં. એ લોકોએ પણ કેસ કર્યા હતા. કોર્ટમાં જજ બહુ જ સારો હતો. તેણે મને પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં આટલું બધું દેવું કેવીરીતે થઈ ગયું? તું કેવીરીતે ભરીશ? અને નાદારી નોંધાવીશ તો પછી તું આગળ જીવનમાં કામ કેવીરીતે કરીશ? એ વખતે મારે મારા કોરીઅન મિત્ર સાથે પોલીએસ્ટર યાર્નની વાત ચાલતી હતી એટલે મેં જજને કહ્યું ,”હું આવું કંઈ પણ કામ કરીને બધાંને ધીમે ધીમે પૈસા આપવા માંગું જ છું.”જજે મારી વાત સાંભળી મારા પર સહાનુભૂતિ દાખવી ,સૌ લેણીયાતોને પૂછ્યું તમે બધાંએ આ નાના છોકરાને આટલા બધાં પૈસા આપ્યા કઈરીતે? ત્યારે બધાંએ કહ્યું,” અમે પૈસા તેના બધાં પાર્ટનરો અને તેની બે ખમતીધર બહેનો પણ સાથે હતી તે જોઈને આપ્યા છે. જજે બતાવ્યું કે,”લીગલી જૂઓ એ બધાં તો શેર નકુલને વેચીને કંપનીમાંથી નીકળી ગયાં છે.” હવે લેણદારો ભોંઠા પડી ગયા.


મારો જીવનનો ખરાબ સમય શરુ થઈ ગયો હતો. હર્ષા નવી જોબ લઈ ન્યુયોર્ક જતી રહી હતી. હું થોડો સમય નીનાને ત્યાં રહ્યો પણ આખો દિવસ લેણીયાતોનાં ફોન આવતા હોવાથી હું ખૂબ સંકોચ અનુભવતો હતો. હું મારા એક મિત્ર સાથે નાના એપાર્ટમેન્ટમાં રહેવા જતો રહ્યો. મેં હવે ઓડ જોબ કરવાની શરુ કરી દીધી. મેં Good humor icecreamની ટ્રક ચલાવીને ice-cream વેચવાનું શરુ કર્યું.મારો બેઝીક ખર્ચ અને ગવર્મેન્ટને દર બે મહિને આપવાના પૈસા નીકળે તેમ હું કામ કરવા લાગ્યો.


તેમાં જ એક સવારે ફોનની રીંગ વાગી, મેં ફોન ઉપાડ્યો,” હા કોણ ?” હર્ષા? બોલ? શું થયું? બોલ બહેન? કેમ રડે છે આટલું બધું? શું થયું?અને હું એક નવી પછડાટનાં ભણકારાં સાંભળવાં મારી જાતને હિંમત આપી રહ્યો હતો…..

જિગીષા દિલીપ

અજ્ઞાતવાસ- ૨૨

ભીડમાં ભૂલ્યા પડ્યાની જેમ ખોવાઈ જાય કોઈ


મોટી મોટી કંપનીઓનાં બધાં ઓર્ડર મોકલવાનું કામ થઈ ગયું હતું. બધાં ઓર્ડર પૂરા કરતાં દરેક ઓર્ડરમાંથી વધેલાં કાપડને મિક્સ-મેચ કરી હર્ષા ક્રિએટીવ ડિઝાઈન ,રિટેઈલ શોરુમ માટે તૈયાર કરી રહી હતી. હું થોડા સમય માટે રિલેક્સ હતો. જોતજોતાંમાં ફેક્ટરી શરુ કરે એક વરસ થઈ ગયું હતું. હું એ દિવસે સાંજે મિશિગન લેક પર શિકાગોનાં ડાઉન ટાઉનમાં લટાર મારવા નીકળ્યો હતો. મને જેટલી મઝા મારાં મુંબઈનાં હાજી અલીનાં દરિયા કિનારે આવતી ,તેટલીજ મઝા શિકાગોનાં મિશિગન લેક પર પણ આવતી.અમેરિકાનાં બધાં જ ડાઉનટાઉનમાં મને શિકાગોનું ડાઉનટાઉન સૌથી વધુ રમણીય લાગતું. મિશિગન લેક પણ એટલું વિશાળ કે દરિયા જેવું જ લાગે.મેઘધનુષી રંગો સાંજની માદકતાને વધારી રહ્યા હતાં.મેં ટિકિટ ખરીદી magnificent mileની બે કલાકની ક્રુઝ લીધી.એક એકથી ચડે એવા ઓફિસ બિલ્ડિગોનાં જંગલમાંથી ક્રુઝ સડસડાટ પાણીને વિંધતી પસાર થઈ રહી હતી,તેની સાથે સાથે મારી યાદોની બારાત પણ મારા દિલો દિમાગમાંથી સડસડાટ વહેતી હતી.


હું જ્યારે જ્યારે પ્રકૃતિની નજીક હોઉં- દરિયો,પહાડ,ફૂલો,વરસાદ,ચંદ્રમા સાથેની તારાભરેલ રાત ,ટીનાની યાદ મારા અસ્તિત્વને ફંફોસી મને ભીતરથી તહસ નહસ કરી નાંખતી. કેટલુંય ભૂલવા મથતો પણ નાકામયાબ થઈ હારી જતો. મને અજ્ઞાત કવિની વાંચેલ કવિતા ‘કોઈ’ યાદ આવી કારણ એજ અહેસાસને હું અનુભવતો હતો……


સ્પર્શ કર્યા વગર અંદર સુધી અડી જાય કોઈ,

મળ્યા વગર પણ ભાસ થાય રોજ મળ્યાનો,

સ્વપ્નમાં આવી એમ રોજ હાજરી પુરાવી જાય કોઈ,

નથી કર્યો કાંકરીચાળો ,પણ મનને ડહોળી જાય કોઈ,

વાજિંત્રો વગર તનમનમાં સરગમ વગાડી જાય કોઈ,

વાયદો જનમભરનો સાથે રહેવાનો કર્યો હતો,

પછી ભીડમાં ભુલા પડ્યાની જેમ ખોવાઈ જાય કોઈ,


મારાં મનની ચાલને હું જ સમજી નહોતો શકતો.ફેક્ટરીનાં બધાં ઓર્ડર પૂરાં થઈ ગયાં હતાં. હવે આમ જ ચાલતું રહેશે તો મારી બિઝનેસમેન બનવાની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જશે,એમ વિચારી મારે તો આજે ખુશ થવાનું હતું.૫ણ જે યૌવનની મઝધારે હોય અને જેના મનમાં પ્રેમની રાખ ભરેલી કાલ ઘૂમરાતી હોય ,તે મોજ ભરેલી આજને પણ કેવીરીતે માણી શકે?શિકાગો ડાઉનટાઉનમાં ક્રુઝની સફર માણતો હતો ત્યાંજ મારાં લોસએંજલસથી શિકાગો આવેલ મિત્રનો ફોન આવ્યો. તે મને મળવા અને ફરવા આવ્યો હતો.હું તેને તેનાં સગાંને ઘેરથી મારે ઘેર લઈ આવ્યો. તેને મેં બે દિવસ શિકાગોમાં ફેરવ્યો.તેને ન્યુયોર્ક પણ જોવું હતું. તે કહે ‘ચાલને નકુલ ,તું પણ મારી સાથે.’ હું પણ તૈયાર થઈ ગયો. Carole ને ખબર પડી કે હું ન્યુયોર્ક જાઉં છું ,તો તે કહે ,’હું પણ આવું?’ મેં ગમે તે બહાનું કાઢી તેને અમારી સાથે ન આવવા મનાવી લીધી.


ન્યુયોર્ક જવાની વાત સાંભળી મારું મન રાત્રે ચકરાવે ચડ્યું. ન્યુયોર્ક જઉં તો ન્યુજર્સી જઈ એકવાર મારી ટીનાને મળી લઉં! એ પરણી તો ગઈ ,પણ સુખી તો હશેને? વ્યોમા તો કહેતી હતી કે ‘સાવ સુકલકડી અસ્થમાનો પેશન્ટ છે ટીનાનો પતિ.’એડિસનમાં ચાર પાંચ સ્ટોર અને ન્યુયોર્કમાં બે ત્રણ ગેસ સ્ટેશન છે એનાં .મેં મારાં મિત્રને કહ્યું નહીં,પણ મનથી તો નક્કી કર્યું કે ગમે તે થાય ન્યુયોર્ક જઉં છું તો ન્યુજર્સી જઈ ટીનાને એક નજર જોઈ તો લઉં.


અમે ડ્રાઈવ કરીને જ ન્યુયોર્ક ગયાં. મારા મિત્રને ન્યુયોર્કમાં ફેરવી ‘વતન’ રેસ્ટોરન્ટમાં જમાડ્યો.વતનમાં જમી દુધપાક,પુરી,બટાટાવડા,મસાલા ચા અને કલકત્તી પાનની સાથે વતનની સોડમ માણી. મારા મિત્રને તેની ગર્લફેન્ડ માટે ચણિયા ચોળી લેવા હતાં. બીજે દિવસે હું તેને એડિસન ,ભારતીય વસ્ત્રોની દુકાનોમાં લઈ ગયો. તે ખરીદી કરતો હતો ત્યાં સુધી મેં ટીનાનાં ઘરનું એડ્રેસ વ્યોમા પાસેથી લીધું હતું તે કેટલું દૂર છે તે કમ્પ્યુટર પર પ્રિન્ટ કરેલ નકશામાં જોયું.તે ખરીદી કરીને આવ્યો એટલે તેને મેં મારે ટીનાને મળવું છે,એની વાત કરી. તે મારા અને ટીના વિશે જાણતો હતો પણ તેના લગ્ન થઈ ગયાં છે તો હું તેને કેવીરીતે મળીશ? તે તેને સમજાયું નહીં. ટીના સાથે તો મારે વાત તેનાં એગેંજમેન્ટ થયા પછી થઈ જ નહોતી એટલે તે પણ મને મળવા માંગે છે કે નહીં કે તેના પતિ સાથે તે સુખી છે કે નહીં તે અંગે હું કંઈ જ જાણતો નહોતો.


અમે ટીનાનાં ઘરની સામે લગભગ સાંજનાં પાંચ વાગ્યાથી ઊભા રહ્યાં. મને એમ કે ક્યાંય કામ કરતી હોય તો પાંચ ,છ કે સાત વાગે ઘેર પાછી આવે તો મને મળી જાય.રાતનાં બાર વાગ્યા સુધી અમે તેના ઘરની સામે ઊભા રહ્યાં પણ ટીના જોવા ન મળી. મારાં મિત્રને મેં કહ્યું,” હવે આવ્યો છું તો ગમે તે થાય એકવાર તેને જોઈને જ જઈશ.” અમે આખી રાત ગાડીમાં જ સૂઈ ગયાં. સવારે છ વાગ્યાથી હું રાહ જોતો બેઠો હતો.

તો લગભગ દસ વાગે ટીના ઘરની બહાર ચાલતી ચાલતી આવી. તેને તો કંઈ જ ખબર નહીં. મેં હું કોલેજમાં તેનાં ઘર નીચે ઊભો રહી તેની અગાસીમાં સંભળાય તે સીટી મારતો હતો તેવી સીટી તેને જોઈને મારી. તે અચંબિત થઈને ગોળ ફરીને ચારે બાજુ જોવા લાગી. તે રહેતી હતી તે જગ્યા થોડી શાંત હતી. તે ગોળ ફરી તેની સાથે હું પણ સાવ નિરાશ થઈ ગયો. અને ગાડીને ટેકે ઊભો રહી ગયો. હવે ટીના મારી નહોતી તો મન હજુ તે મારી જ છે તેવો દાવો કેમ કરતું હતું?હું તો હજુ તેને એટલોજ પ્રેમ કરતો હતો. મેં તો મારું જીવન એને નામ જ કરી દીધું હતું જાણે…. એટલે જ Carole ના આટલાં પ્રયત્ન છતાં હું તેને પ્રેમ કરી શકતો નહોતો.પહેલા પ્રેમની ગહેરાઈના અહેસાસને હું કેમેય કરતાં ભૂલી નહોતો શકતો. ટીના ગોળ ફરી તો મેં જોયું કે ટીના પ્રેગ્નેંટ હતી. તેનું વધેલ શરીર ,પેટ અને તેની ચાલથી તે સ્પષ્ટ દેખાતું હતું.મને દૂરથી જોઈને તે પણ રસ્તા પરની બેંચ પર આગળ થોડું ચાલીને ફસડાઈને બેસી પડી. હું દૂરથી રોડની સામેની બાજુથી ટીનાને આંખો લૂછતો જોતો રહ્યો. બે મળેલાજીવ મૌન સાથે એકબીજાને દૂરથી જોઈ ડૂસકાં ભરતાં રહ્યાં.અડધો કલાક ત્યાં ઊભો રહી દૂરથી જ હાથ હલાવી ,હવામાં જ ચુંબન સાથે મારી સુંગંધ મોકલાવી તેની સુગંધ હ્રદયમાં ભરી ,ભારે હૈયે મનમાં કાળા ભમ્મર વરસાદી પાણી ભરેલા શોકનાં વાદળ સાથે લઈ ,મેં ગાડી ત્યાંથી મારી હોટલ તરફ ભગાવી.


મન પર ખૂબ ભાર હતો પરતું એવો ક્યાંય વિચાર નહોતો કે ટીનાનો મારા તરફનો પ્રેમ જરાપણ ઓછો થયો હશે.જીવનની ભાગતી રફતાર સાથે વાસ્તવિકતાને સ્વીકારીને તેને આગળ ચોક્કસ વધવું પડ્યું હશે.પણ જેને એકવાર દિલોજાનથી ચાહ્યું હોય તેને જીવનભર ચાહ્યાં વગર કોઈ રહી શકે ખરું? વગર બોલે,વગર મળે અમે રોજ વાત કરીએ છીએ આજે પણ….જીવનની માણેલ એ થોડીક ક્ષણો અમારાં આખા જીવનનો અનોખો આનંદ છે.એ સ્વર્ગનાં સુખની ક્ષણોને મારાં એકાંતમાં ચગળીને હું અનોખા સ્પંદન અનુભવી જીવનની વિપરીત પળોમાં પણ સુખ માણું છું. બીજા અનેક પાત્રો આવશે અને જશે પણ એનું સ્થાન હંમેશા અકબંધ રહેશે.મને સો ટકા ખાત્રી અને ભરોસો છે કે ટીના પણ મારાં જેવું જ વિચારતી હશે!


બસ હવે બે દિવસમાં મારાં મોકલેલ ડ્રેસનાં ચેક આવવાનાં હતાં. હું જલ્દી શિકાગો પહોંચી નવા કામ અને નવા ઓર્ડરોની તૈયારી અંગે વિચારી ,કામમાં મનને પરોવી જીવનની રફતારમાં ગોઠવાવાં પ્રયત્નશીલ બનતો હતો. મારી પોસ્ટ એક પછી એક ખોલી જોતો હતો. અને આ એક પોસ્ટ ખોલીને વાંચી તો મારા પગ નીચેથી ધરતી સરકવા લાગી…..


જિગીષા દિલીપ

અજ્ઞાતવાસ-૨૦

યે એશટ્રે પૂરી ભર ગયી હૈ

પત્ર ખોલ્યો તો ભાઈએ લખ્યું હતું કે”,રુખીબાને ખબર પડી કે નકુલને અને હર્ષાને અમેરિકામાં ગારમેન્ટ ફેક્ટરી કરવી છે અને હર્ષાના ડિઝાઈન કરેલ ડ્રેસીસ અમેરિકામાં ધૂમ મચાવી રહ્યાં છે.ગારમેન્ટ ફેક્ટરી કરવા પૈસાની જરુર છે તો તેમણે કીધું,જયદેવ, આપણો અમદાવાદનો સરદાર પટેલ કોલોનીનો બંગલો વેચીને પૈસા મોકલી દો.”અને પત્રમાં ભાઈએ બંગલો વેચી પૈસા ટ્રાન્સફર કરી દીધાં હતાં તેની વિગત લખી હતી.મારી મોટી બહેન નીનાએ પણ ફેક્ટરીમાં થોડા પૈસા રોકવાની તૈયારી બતાવી.


મારાં આનંદનો પાર નહોતો.દસ હજાર સ્ક્વેરફૂટની જગ્યા રેન્ટ કરી.મશીનો,ફર્નિચર માણસો ફેક્ટરી માટે રાખી લીધાં.મિ. ટી હર્ષાની જૂની કંપનીના ડાયર અને પેટર્ન મેકર મિસ. ટ્રીશીયા અને બીજા પણ ચાર પાંચ માણસ જૂની ફેક્ટરીનાં અમારી સાથે જોડાયા.હર્ષા હેન્ડ પેઈન્ટની માસ્ટર હતી. ખૂબ સરસ ફ્લોઈ મટિરિયલ પર હર્ષાનાં અદ્ભૂત કલર મેચિંગ સાથેની પીંછીંઓ ફરતી અને તે મટિરિયલ ડ્રાય થઈ મશીનમાંથી બહાર આવતું, તો તે આંખે ઊડીને ભલભલા ડ્રેસને ચાર ચાંદ લગાવી દેતું. આર્ટ,કલા,કલરમેચિંગ અને કપડાં પર હેન્ડપેન્ટિંગની તેની કારીગરી અતુલનીય હતી.તે ઉત્તમ કલાકાર હતી પણ પૈસા કમાવવા કે બિઝનેસ ચલાવવા તે કાપડની ક્વોલિટી કે મશીનની ક્વોલિટીમાં જરા પણ સમાધાન કરવા તૈયાર ન થતી.

ફેક્ટરી બરોબર ગોઠવાઈ ગઈ હતી. બહેન અને ભાઈ પણ ફેક્ટરી અમેરિકા આવી જોઈ ગયાં અને ખૂબ ખુશ થયાં હતાં.અમેરિકાનાં છાપાંઓમાં,ટી.વી. પર હર્ષાના ડિઝાઈનર તરીકેનાં અને અમારી ગારમેન્ટ ફેક્ટરીનાં સમાચાર અને ફોટાઓ આવવા લાગ્યા.ડ્રેસીસનાં શરુઆતમાં નાના અને પછી તો ખૂબ મોટા નામી બ્રાન્ડ નેમ કંપનીઓમાંથી મોટા ઓર્ડર આવવા લાગ્યાં.હવે હર્ષાની જૂની કંપની અમારી કમ્પેટિટર ગઈ હતી.


કામ એટલું વધી ગયું હતું કે હું કોલેજમાં ખાલી બિઝનેસનાં જ અમુક ક્લાસ ભરવા જતો. મને તો એમ કે ભણીને પણ બિઝનેસ જ કરવાનો હોય તો અત્યારે જ બિઝનેસમાં ધ્યાન ન આપું?હું તો બિઝનેસ કરીને ખૂબ આગળ વધી ,મારી મહેચ્છા મુજબ મોટો બિઝનેસમેન મારાં સૌ સગાંસંબંધીની જેમ બનવાની કલ્પના કરતો હતો.એકવાર બિઝનેસ સેટ થઈ જાય એટલે રુખીબાને મળવા અને ટીનાનાં હજુ વિવાહ જ થયાં હતાં તેથી તે લગ્ન કરે તે પહેલાં ઇન્ડિયા જઈ તેને પણ ભગાડી,અમેરિકા લઈ આવવાનાં સપનાં હું જોવા લાગ્યો હતો.


ઓર્ડર અમને ખૂબ મોટાં મોટાં મળવા લાગ્યાં પરતું. જે મૂડી અમારી પાસે હતી તે ફેક્ટરીની જગ્યાનાં ભાડામાં તેમજ તે જગ્યામાં ઈન્ટિરિઅર પાર્ટિશન વોલ કરી ,હર્ષાની અને મારી ઓફિસ,ડાઈંગ રુમ,સ્ટીમ રુમ,મિની શો રુમ,સીવવાનાં મશીનો જેવા અનેક જુદા જુદા રુમ બનાવવામાં,મશીનોનાં ડાઉન પેમેન્ટ કરવામાં ,ફર્નિચર અને કાપડની ખરીદી અને ડ્રેસ માટે જોઈતી નાની નાની વસ્તુઓમાં વપરાઈ ગયાં. હવે દર મહિને માણસોનો પગાર અને વર્કીગ કેપિટલની તૂટ ખૂબ પડવા લાગી.”એક કપડાંનો લોટ વેચાઈ ગયો હોય,એક બનવામાં હોય અને ત્રીજા લોટ માટે ખરીદી ચાલુ કરીએ તો જ રોટેશન ચાલુ રહે અને તમે સરળતાથી ધંધો કરી શકો.નહીંતો ધંધો આગળ ચલાવી ન શકાય “- આ વાત અમારા નજીકનાં સગાં ,ભારતવિજય મિલનાં માલિક દિનેશભાઈ ,ફેક્ટરીનાં વખાણ સાંભળી અમારી ગારમેન્ટ ફેક્ટરી જોવા આવ્યા ત્યારે તેમણે મને સમજાવી હતી.ફેક્ટરી તેમને ખૂબ ગમી પણ મને સમજાવ્યું હતું કે તું ફેક્ટરી અત્યારે જ બંધ કરી દે અને ફેક્ટરી વેચી નાંખ ,તો તને કોઈ લેનાર મળી જશે.પછી તો દેવું ,બેંકોનાં વ્યાજ વધી જશે અને તું તકલીફમાં મુકાઈશ.પણ મેં માન્યું નહીં.મેં વિચાર્યું આટલું સાહસ કર્યું છે તો કોઈક રસ્તો નીકળી જ જશે.

હર્ષાને તો ડિઝાઈનીંગ અને પ્રોડક્શન સિવાય માલ વેચવા કે બિઝનેસમાં કંઈ જ ખબર ન હતી.હું ડ્રેસની કિંમંત થોડી ઘટે તેના માટે કપડું સહેજ ઓછી ક્વોલિટીનું લેવાનું કહું તો પણ તે માનતી નહીં.ફેક્ટરી ચલાવવાની,બધાં જ માણસોને પગાર,કાપડનાં,તેમજ ભાડાનાં પૈસા આપવા ,બીજા નાના મોટા અનેક hidden ખર્ચાઓ સંભાળવા અને માલ વેચવાની બધીજ જવાબદારી મારી હતી.એક દિવસ ઈન્ડિયા ભાઈ સાથે વાત કરતાં ,હું ચિંતામાં છું તે જાણતાં ફોન રુખીબાએ લીધો. તે મારા એટલાં નજીક હતાં કે મારો જરા ઢીલો અવાજ સાંભળી મને ખૂબ ધીરજ રાખવા સમજાવવા લાગ્યાં.પરતું બીજે દિવસે ભાઈનો ફોન આવ્યો કે રુખીબા રાત્રે જ હાર્ટએટેકથી ઊંઘમાં જ ગુજરી ગયાં.રુખીબાનાં સમાચાર સાંભળી હું સાવ તૂટી ગયો હતો. 

મારી જિંદગી બનાવવા હું તેમને છોડીને આટલે દૂર આવ્યો અને તેમણે તો તેમની આખી જિંદગી જાણે મારા માટે જ ખર્ચી નાંખી હતી.અમદાવાદનો બંગલો વેચીને પૈસા પણ અમને આપી દીધાં અને મારી ચિંતા કરતાંજ મૃત્યુને ભેટ્યા.તેમની સાથે વિતાવેલી એક એક પળ મારાં આંખમાંથી અશ્રુધારા બનીને વહી રહી હતી. તેમની સાથે ગુજારેલ સમય જ જાણે હવે મારાં જીવનનો સહારો હતો.હું એકલો એકલો બબડતો હતો,”બા,મને તું આમ એકલો મૂકીને કોના સહારે છોડી ચાલી ગઈ???મારી ખ્વાહીશો તો પૂરી થશે પણ તારા વગર મારી જિંદગી અધૂરી થઈ ગઈ.બા તારી રુહને મેં માત્ર જોઈ નથી ,હંમેશા મારામાં ઓળઘોળ થતી મહેસુસ કરી છે. તારી કહેલી વાતો હજી મારાં કાનમાં ગુંજે છે.તારી કમી મને બહુ સતાવે છે તું મને હવે ક્યારેય જોવા નહીં મળે બા!હવે મારા સપનાંનો દરિયો જાણે સાવ સુકાઈ ગયો ….

મારા મિત્રોના ફોન રુખીબાનાં સમાચાર સાંભળી આવ્યા. વ્યોમાનો ફોન પણ આવ્યો અને બીજા આઘાત જનક સમાચાર તેણે આપ્યા કે “ટીનાનાં લગ્ન થઈ ગયાં હતાં અને તે પરણીને ન્યુજર્સી ગઈ હતી.”
ફેક્ટરીનું ટેન્શન અને મારા અંગત ખાસ લોકોનાં સમાચારથી હું મારી અંદર કોઈક અકથ્ય વેદનાથી ભિંસાઈ રહ્યો હતો.રુખીબાનાં મને આત્મવિશ્વાસ આપતાં છેલ્લાં સંવાદો મારા કાનમાં પડઘાઈ હિંમત આપી રહ્યાં હતાં.અને હું વિચારોનાં વંટોળમાં …..હવે ફેક્ટરી ચાલશે એટલે હું સેટલ થઈ જઈશ એટલે ટીનાને મારી સાથે અહીં લઈ આવીશ …..પણ પણ…..Man proposes but God disposes’ મારાં બધાં સપનાં ચૂરચૂર થઈ ગયા.હું પણ ગુલઝારની પેલી પંક્તિઓને યાદ કરતો બેઠો હતો..
..


જગહ નહીં હૈ ઔર ડાયરી મેં યે એશટ્રે પૂરી ભર ગયી હૈ
ભરી હુયી હૈ જલે -બુઝે અધ કહે ખયાલોં કી રાખો-બૂ સે
ખયાલ પૂરી તરહ સે જો કે જલે નહીં થે
મસલ દિયા યા દબા દિયા થા,બુઝે નહીં વો
કુછ ઉનકે ટુર્રે પડે હુએ હૈં
બસ એક-દો કશ હી લે કે કુછ મિસરે રહ ગએ થે
કુછ ઐસી નજ્મેં ,જો તોડકર ફેંક દીં થીં ઈસમેં ,ધુઆઁ ન નિકલે
કુછ ઐસે અશઆર જો મેરે બ્રાન્ડ કે નહીં થે
વો એક હી કશમેં ખાંસકર એશ ટ્રે મેં ઘિસકર બુઝા દિએ થે
ઈસ એશ ટ્રે મેં બ્લેડ સે કાટી રાત કી નબ્જ સે ટપકતે સિયાહ કતરે બુઝે હુએ હૈં
છિલે હુએ ચાંદ કી તરાશેં
જો રાત ભર છીલ છીલ કર ફેંકતા રહા હૂઁ
ગઢી હુઈ પેન્સિલોંકે છિલકે
ખયાલ કી શિદતોં સે જો ટૂટતી રહી હૈં
ઈસ એશ ટ્રે મેં હૈં તીલિયાઁ કુછ કટે હુએ નામોં,નંબરો કી
જલાઈ થી ચંદ નજ્મેં જિનસે ધુઆઁ અભી તક દિયાસલાઈ સે ઝડ રહા હૈ
ઉલટ પુલટ કે તમામ સફ્હોં મેં ઝાંકતા હૂં
કહીં કોઈ તુર્રા નજ્મ કા બચ ગયા હો તો ઉસકા કશ લગા લૂં
તલબ લગી હૈ ,તલબ લગી હૈ

યે એશટ્રે પૂરી ભર ગયી હૈ….

સૌજન્ય – ગુલઝાર સાહેબ

Nazam Written & Recited by Gulzar Sahab

જિગીષા દિલીપ
2nd June 2021

અજ્ઞાતવાસ-૧૯

જીવનમાં આવેલ વળાંક


મેં ગભરાટ સાથે પરેશનો પત્ર વાંચવાંનું શરુ કર્યું.મારી શંકા સાચી જ પડી હતી. સારા કે ખરાબ સમાચારનાં વાવડ જાણે આપણને મળી જ જતાં હોય છે! ટીનાની અનિચ્છાએ ,તેનું કંઈ જ સાંભળ્યાં વગર ટીનાનાં પપ્પાએ તેનાં વિવાહ ,અમેરિકાનાં ન્યુજર્સીથી આવેલા છ ગામનાં પટેલ ,શ્રીમંત છોકરા સાથે કરી નાંખ્યાં હતા.પરેશે લખ્યું હતું,” ટીનાનો તરવરાટ,ચુલબુલાહટ,અરે ! તેનું યૌવન જ જાણે લુંટાઈ ગયું છે.માતા-પિતાની સમાજમાં ઇજ્જત જાળવવા એણે વિવાહ કરી નાંખ્યો છે. અને આમ પણ તું અહીંયા નથી ,હમણાં તારા પાછા આવવાનાં પણ કોઈ વાવડ નથી. તો એ કરે પણ શું?” સાચીવાત હતી પરેશની.

હું પત્ર હાથમાં લઈ બેસહાય બની,સૂનમૂન બેસી રહ્યો હતો. બેબસ મન મારી જાતને જ કોસી રહ્યું હતું. વેદનાનો ડૂમો મારા ગળામાં ફસાઈ ગયો હતો.મારી અંદરની મુંઝવણ ,ભડભડતાં ભેંકાર મનનાં એકાંતમાં મને શેકી રહી હતી.દિલ માનવા જ તૈયાર નહોતું કે મારી ટીના ,મારી નહીં રહે! હું કંઈ જ કરી શકું તેમ નહતો.પરતું ટીનાંનાં પગલાંને અકબંધ મારી ભીતરમાં રાખી ,એક તાજમહેલ મેં કાયમ સજાયેલ રાખ્યો ,જ્યાં તેનાં પ્રેમની સુગંધ લઈ ,હું મહેંકતો રહું.કહું કે હું જીવતો રહું,તેની સાથે બેસીને હંમેશા વાત કરતો રહું.


અમેરિકામાં દૂરથી જેટલું દેખાય છે તેટલું રહેવાનું,ભણવાનું,વગર પૈસે સર્વાઈવ થવાનું કશું જ સહેલું નહોતું.હું જ મારું ગુજરાન પરાણે કરતો હતો.હજુ ભણવાનું પણ બાકી હતું.પ્રેમનાં સપનાં જોવા અને ખરેખર વાસ્તવિક જીવનમાં તે પૂરા કરવા બંનેમાં બહુ ફરક હતો.


માધવ રાજે મને થોડી સાંત્વના આપી અને જીવનનાં આજ રંગરૂપ હોય તે સમજાવ્યું.જીવન તેની ગતિ પકડી ચાલી રહ્યું હતું.હું હવે લોસએંજલસનાં Albrahmra માં હતો.ભક્તા ફેમિલીઓનો ખૂબ સપોર્ટ હતો.અમે ગુજરાતી છાપું ચાલું કર્યું.U.C.L.A.યુનિવર્સિટીમાં minority કમ્યુનિટિ પ્રિટિંગ પ્રેસમાં,ફ્રી પ્રિટિંગ થતું હતું.ઈન્ડીયાનાં છાપામાંથી કટ એન્ડ પેસ્ટ કરી અમે રાત્રે ત્રણ કલાક ઊભા રહી છાપું પ્રિન્ટ કરી,સવારમાં સબસ્ક્રાઈબરને છાપું પહોંચાડતા.કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં મારું ભણવાનું પણ ચાલું હતું.હું થોડી એડવર્ટાઈઝ પણ લઈ આવતો. પણ આમાં સૌથી રસપ્રદ વાત ભારતથી જે નેતા -અભિનેતા કે સેલિબ્રિટિ આવતાં તેમનો ઈન્ટરવ્યું માધવ રાજ લેતાં.મોરારજીભાઈ દેસાઈ,પીલુ મોદી જેવા નેતાઓનાં ઈન્ટરવ્યુ કરીને છાપામાં છાપતાં.

પીલુ મોદી ઈન્દીરાજીએ કરેલી ઈમર્જન્સીમાં જેલમાં હતાં અને જેલમાંથી બહાર આવીને,અમેરિકા આવ્યા હતાં. મારે એમની સાથે ખૂબ દોસ્તી થઈ ગઈ હતી.પીલુ મોદી સ્વતંત્ર પક્ષનાં ભારતનાં Cofounder હતાં.પીલુ મોદી,અમેરિકનને પરણ્યાં હતાં અને તે સાન ફ્રાન્સિસ્કો તેમના પત્નીનાં પપ્પા-મમ્મીનાં ઘેર હતાં. હું અને માધવ રાજ તેમને મળવા સાન ફ્રાન્સિસ્કો ગયા.તેમણે અમને સાન ફ્રાન્સિસ્કેા રેસ્ટોરન્ટ અને જુદીજુદી વાયનરીમાં ફેરવ્યા.તે બર્કલીમાં ભણેલાં અને તેમનો રુમ પાર્ટનર પાકિસ્તાનનાં પ્રેસિડન્ટ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો હતાં.પીલુ મોદીએ અમને ભુટ્ટોની વાતો કરી,તે ખૂબ રસપ્રદ હતી અને અમને પાકિસ્તાન ફોન કરાવી ભુટ્ટો સાથે વાત પણ કરાવી.ભક્તા ફેમિલીવાળાની મોટેલ દરેક રાજ્યમાં અમેરિકામાં હોય જ અને અમારી ઉપર તેમની મહેરબાની હતી એટલે સાનફાંન્સીસ્કો જેવી સુંદર જગ્યાએ મિત્રો સાથે ફરવાનું અને રહેવાનું અમેરિકા આવ્યા પછીનું પહેલું સારું વેકેશન હતું.વેકેશન પછી અમે પાછા લોસએન્જલસ ગયાં અને છાપાંનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં.


એવામાં બહેન અમને ત્રણે ભાઈબહેનને મળવાં અમેરિકા આવી અને હું હર્ષાને છોડીને લોસએન્જલસ મોટેલમાં રહેતો હતો,એટલે બૂમાબૂમ ,ફોન પર કરીને ,મને શિકાગો પાછો બોલાવી લીધો.મેં પાછું ચોથું સમેસ્ટર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં શરુ કર્યું.હું હંમેશા પ્રોફેસરોને કોલેજમાં એવું પૂછી પૂછીને હેરાન કરતો હતો કે મારે બિઝનેસ શરુ કરવો હોય તો કેવીરીતે કરાય ?તે શીખવો.મને ભણવા કરતાં બિઝનેસ કરવામાં જ રસ હતો.


મારી બહેન હર્ષા તેના ડિઝાઈનિંગનાં ક્ષેત્રમાં ખૂબ આગળ હતી.તે જે કંપની માટે કામ કરતી હતી તે કંપની તેની ડિઝાઈન કરેલ કપડાંને લીધે ખૂબ આગળ વધી રહી હતી. હર્ષાનાં ડિઝાઈન કરેલ કપડાં એટલાં વેચાતાં હતાં કે કંપની દિવસરાત ખૂબ મોટા નફા સાથે grow થતી જતી હતી.મેં હર્ષાને કીધું તારી ડિઝાઈન કરેલ ડ્રેસીસ આટલાં બધાં વેચાતાં હોય તો તારે કંપની પાસે કમીશન માંગવું જોઈએ.


હર્ષાએ કંપની પાસે કમીશન ૮ ટકા માંગ્યું જે કંપનીએ ૬ ટકા મંજૂર કર્યા. એની કંપનીમાં હર્ષાની ડિઝાઈન કરેલ કપડાંનું વેચાણ દર મહિને વધતું જ ગયું. હર્ષાનાં કમીશનનાં ચેક ૫૦૦૦ $ થી શરુ થઈ ૧૦,૦૦૦ $ પછી ૧૫૦૦૦$ એમ દર મહિને વધવાં લાગ્યો.અને એક દિવસ કંપનીનાં માલિકને આટલાં પૈસા આપવાનાં ખૂંચ્યાં એટલે એણે કીધું,” હું હવે કોન્ટ્રાકટ બ્રેક કરું છું,હું હવે કમીશન નહીં આપું.” અને એણે હર્ષાને કંપનીમાંથી ફાયર કરી દીધી. હર્ષા ખૂબ દુ:ખી થઈ ગઈ.હું પણ એકદમ અચંબિત થઈ ગયો હતો!!


પરતું મેં હર્ષાને સાંત્વનાં આપતાં કીધું,”તું જરાપણ ગભરાઈશ નહીં ,આપણે આપણો બિઝનેસ શરુ કરીએ.”હર્ષા કહે ,”શું??”.અને મેં પૂરા આત્મવિશ્વાસ સાથે કીધું,”આપણે આપણો પોતાનો ધંધો ચાલુ કરીએ.” મારાં મિત્રો અને જેની સાથે હું વાત કરતો તે બધાં મારી મજાક ઉડાવતાં હતાં.પણ મેં તો મારા બિઝનેસ પ્લાન કરવાનાં શરુ કરી દીધાં હતાં. લોસએંન્જલસનાં મોટેલનાં પટેલો અને ભક્તા ફેમિલીનાં મોટા મોટાં વડીલો જેમને હું હર્ષાનું કામ અને જૂની કંપનીની ફેક્ટરી બતાવવાં લઈ ગયો હતો તેમને મારાં નવા બિઝનેસ શરુ કરવા અંગેની વાત મેં અને ભાઈએ પણ કરી. મારે તો 100000 $ ની જરુર હતી. પટેલ અને ભક્તા કુટુંબ મળીને પાંચ વડીલો દસ,દસ હજાર ડોલર રોકવા તૈયાર થઈ ગયાં.હર્ષાની જુની કંપનીમાં તેના માલિકથી નારાજ બે મુખ્ય માણસો મિ.ટી.જાપનીઝ ડાયમેકર અને મિસ ટ્રીશીયા પેટર્ન મેકર પણ અમારી સાથે કામ કરવા તૈયાર થઈ ગયાં.મારે હજુ બીજા ૫૦,૦૦૦ ડોલરની જરુર હતી.ભાઈને મેં વાત કરી,બીજા પૈસાની સગવડ કેવીરીતે કરીશું? મેં ૧૦,૦૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા પણ જોઈ રાખી હતી.


હું મારા બિઝનેસ પ્લાન માટે ખૂબ હોમવર્ક કરી રહ્યો હતો પણ પૈસા વગર મુંઝાઈ રહ્યો હતો.ત્યાં એક દિવસ ઈન્ડીયાથી પત્ર આવ્યો અને વાંચ્યો તો…….


જિગીષા દિલીપ

૨૫ મેં ૨૦૨૧

અજ્ઞાતવાસ- ૧૮

તુમ ન જાને કિસ જહાઁ મેં ખો ગયે!

કેનેડાની બોર્ડર પર ,ઓફીસરે તો નરેશનું અને મારું અમેરિકન ગ્રીનકાર્ડ અને ડ્રાઈવીંગ લાયસન્સ ચેક કર્યું.,અમારી ગાડીમાં કોઈ બીજું નથી અને અમે બે કલાક માટે નાયગ્રાફોલ જોઈને જ પાછા આવ્યા છીએ તે જાણીને તેણે અમને જવા દીધાં. મારાં ધબકારાં હજુ જોરથી જ ધબકી રહ્યાં હતાં.નરેશે ગાડી ભગાવી અને થોડે દૂર જઈ એક ગલીમાં ગાડી ઊભી રાખી તેની પત્નીને ટ્રંકમાંથી બહાર કાઢી. બંને જણાં એકબીજાને ભેટીને દસ મિનિટ ઊભા રહ્યાં.તેની પત્ની ધ્રુસકે ધ્રુસકે ભાવુક થઈને નરેશને મળીને રડી રહી હતી.નરેશ પણ ભાવુક થઈ ગયો હતો.હું થાકેલો હતો,છતાં મેં તે બંનેને ગાડીમાં પાછળ બેસવાનું કીધું અને હવે રાત ક્યાં રહેવાનું છે તે નરેશને પૂછ્યું. નાયગ્રાફોલ્સની નજીકની જ એક મોટેલમાં અમે રાત રહ્યાં.


નરેશને તેની પત્ની ખૂબ ખુશ હતાં. હું પણ તેમને માટે ખૂબ ખુશ હતો .પણ મારું મન તો ચકરાવે ચડી ગયું હતુ્ં.મુંબઈ છોડ્યા પછીના એક એક દિવસ ,સ્વીત્ઝરલેન્ડ હોય કે ન્યુયોર્ક,શિકાગો કે કેનેડાનો નાયગ્રાફોલ,દરેક સમયે ટીનાની યાદ હંમેશા મારાં દિલોદિમાગ પર છવાએલ રહેતી.નરેશને તેની પત્નીને મળેલા જોઈ ,ટીનાની યાદમાં હું આખી રાત સૂઈ ન શક્યો.અમેરિકાની અતિ વ્યસ્ત જિંદગી,ભણવાનું,જોબ કરવાની તેમજ ઘરનાં પણ નાનામોટા કામ પણ જાતે કરવાનાં અને નવો દેશ,કાતિલ પવન સાથેની ઠંડીવાળુ શિકાગોનું, મુંબઈથી સાવ અલગ હવામાન,નવી સંસ્કૃતિ,નવી કોલેજ,જુદા મિત્રો – બધું જ સાવ અલગ હતું અને શરુઆતમાં ડોલર માટે પણ બીજા પર આધારિત,તેમાં જ હું મારી જાતને ગોઠવી રહ્યો હતો.ટીના સાથે વાત કરે કે તેના સમાચાર મળે પણ આઠ નવ મહિના થઈ ગયાં હતાં.ઈન્ટરનેશનલ સીધા ફોનની તો સગવડ જ તે સમયે દુર્લભ અને ખૂબ મોંઘી હતી .ભાઈ ને બહેન પણ મહિનામાં એક કે બે પત્ર લખીને જ અમારી ખબર લેતાં અને તેમનાં ખબર આપતાં.મનને શાતા આપે તેવા રીશેલ્યુને રેસકોર્સ પણ મારી પાસે નહોતાં.મારી બહેન તેનાં કામમાં ખૂબ વ્યસ્ત રહેતી.તેની પોતાની જિંદગી ગુંચવાએલ હતી.તેના પતિની હૂંફની તેને જરુર હતી ત્યારે દોઢ વર્ષથી તે ઈન્ડીયા હતા.તે જ ખૂબ દુ:ખી હતી.


મારી એ યુવાન અવસ્થામાં શાતા મેળવવા હું એક જ કામ કરતો .હું લગભગ રોજ ટીનાને પત્ર લખતો અને ટીના તેનો શું જવાબ આપત ,તે હું જ ટીના બનીને લખતો.અને એ મેં જ અરસપરસ લખેલા કાગળ જ મારા એકાંતવાસમાં મારા દિલને ચેન આપતા.પીઝાની ડીલીવરી કરવા જતાં ,ઝીણો રુ જેવો સ્નોફોલ થતો હોય,સ્નોની સફેદ ચાદર પથરાએલ હોય એનાં પર ચાંદની રેલાય અને એક ઠંડા પવનની લહેરખી આવીને ફરી વળે ત્યારે હું ટીના મને વિંટળાંઈ ગઈ હોય તેમ વિચારી ,ટીના મારી સાથે છે એમ માની પ્રેમની હૂંફમાં સેકાઈ મારી ઠંડી ઊડાડતો…..અને જાણે ટીના મારી બાજુમાં જ હોય તેમ બોલતી”,હેય ! કુલ હું તારી સાથે તો છું.જો હું તને છોડીને ક્યાંય જવાની નથી,હું હંમેશા જીવનભર તારી બાજુમાં જ રહેવાની છું સમજ્યો.”હું જેવો એકલો પડું કે ટીના મારી આંખોમાં આવીને બેસી જતી અને સાથે ગાળેલ ક્ષણોનાં દરિયામાં મને તે સેર કરાવતી.મારાં શ્વાસોમાં રમીને સિતાર વગાડતી તેની યાદોં….રોજ તેને લખેલ કાગળ અને ટીના બનીને મેં લખેલ જવાબની હું ફાઈલ કરતો…….મળીને છૂટા પડતી વખતનું તેનું બેતાબ નજરથી મારી સામે જોવું.મારું તેનાં મોં સામું જોઈને ત્યાંજ રોકાઈ જવું…અને ટીનાનું પાછા ફરીને મારી આગોશમાં સમાઈ જવું……એ હાજી અલીનાં દરિયા કિનારે ,ઝીણા વરસાદમાં એકબીજાનાં હાથ પકડીને મૌન સાથે કલાકો સુધી પ્રેમનો એકરાર કરતાં બેસી રહેવું ….હું પૂછું છું….”ટીના તું ક્યાં છું? તું કેમ છે?….. “મારી યંત્રવત્ જિંદગીમાં ટીના સાથે ગાળેલ પળોને મમળાવવી અને તેની સાથે વાત કરીને જ હું મારી યૌવનની વસંતને રંગીન રાખવા ,કોશિશ કરતો અને ગાતો

“લુંટકર મેરા જહાઁ છુપ ગયે હો તુમ કહાં??તુમ કહાં??તુમ કહાં….??
તુમ ન જાને કિસ જહાઁમેં ખો ગયે,હમ ભરી દુનિયામાં તન્હાઁ હો ગયે!”


સમય સરતો જતો હતો.એક દિવસ ભાઈનાં મિત્ર માધવ રાજનો ફોન આવ્યો.તે ખૂબ ઉંચા ગજાનાં ગુજરાતી લેખક હતા.તેમનાં અનુવાદિત નાટકોએ તખ્તા પર ધૂમ મચાવેલી.હવાઈ યુનિ.માં તે એક વર્ષ માટે સ્ટુડન્ટ તરીકે ભણવા આવેલા.તે એક વર્ષ ભણી રહે પછી બીજું એક વર્ષ રહી શકે.તેમનો વિઝા પૂરો થઈ જવામાં હતો પણ તેમને પાછા ભારત જવું નહોતું. તેમની પત્ની સોનાબહેન પણ ખૂબ ભણેલા અને ગુજરાત હાઈકોર્ટનાં જજનાં પુત્રી હતા. તેમણે existialismમાં પી.એચ.ડી. કરેલ. તે મને પૂછતાં,” નકુલ હું અહીં અમેરિકામાં ઈલીગલ ઓક્સિજન કેવીરીતે શ્વસી શકું?” તેમને અમેરિકામાં ઈલીગલ રહેવું નહોતું.તે તો ભારત પાછા જતાં રહ્યાં.માધવભાઈ પાછા ન ગયા કારણ તેમને સ્ટુડન્ટ લોનનાં પૈસા અહીં નોકરી કરીને ભરવા હતાં.મેં માધવભાઈને કહ્યું,” હું પીઝા ડીલવરીનું કામ કરું છું.તમે મારી સાથે રહો અને આપણે સાથે પીઝા ડીલીવરી કરીએ.હું ગાડીમાં બેસીશ અને તમે પીઝા દરેકને ઘરમાં જઈને આપી આવજો.ઠંડીમાં કામ કરવું કઠણ છે,પણ બે જણાં થઈને વધુ ડીલીવરી કરી શકાશે.આપણે પૈસા અડધા અડધા વહેંચી લઈશું.”અને મેં અને માધવભાઈએ સાથે કામ કરવાનું શરુ કર્યુ.માધવભાઈની હૂંફ અને પ્રેમે મને જીવનમાં થોડો રસ જગાવ્યો.

મારી કોલેજમાં મારી એક ખૂબ સારી ચાઈનીઝ ફ્રેન્ડ હતી. તે બિઝનેસ સાથે ઈમીગ્રેશન લો ,પાર્ટ ટાઈમ ભણતી. મેં તેને માધવભાઈની વાત કરી અને તે અમને તેના બોસને મળવા લઈ ગઈ. તેનો બોસ ખૂબ હોંશિયાર હતો.તેણે માધવભાઈનાં પ્રોફાઈલ ,અને જ્ઞાન અંગે વાત કરી કીધું કે ,”જો તમે ગુજરાતી રાઈટર છો અને તમે ગુજરાતી છાપું બહાર પાડો અમેરિકામાં,તો હું તમને ગ્રીનકાર્ડ અપાવી શકું.શિકાગોમાં ગુજરાતી છાપું હતું એટલે માધવ રાજે કેલિફોર્નિયા જઈને છાપું શરુ કરવું પડે કારણ ત્યાં ગુજરાતી છાપું હતું નહીં.ભાઈ ૧૯૬૪માં અમેરિકામાં લોસએન્જલસ આવેલાં ત્યારે જે પટેલ અને ભક્તા ફેમિલીઓ મોટેલ બિઝનેસમેન હતાં તે ભાઈનાં ચાહક અને મિત્રો હતાં.તેમની સાથે અમે વાત કરી.સાહિત્યકાર માધવ રાજના પણ તેઓ ચાહક હતાં. તેમણે છાપું પ્રસિધ્ધ કરવા માધવ રાજને મદદ કરવાની સંમતિ આપી.માધવ રાજ લોસએન્જલસ ગયાં.

ત્યાં મહિનો રહ્યાં પછી મને ફોન કરીને તેમણે કહ્યું,” નકુલ કેલિફોર્નિયા તો ધરતી પરનું સ્વર્ગ છે.અહીં હવામાન ખૂબ સરસ છે.નજીકમાં દરિયો અને પ્રકૃતિની મહેર છે. તું અહીં આવી જા. રહેવાનું મોટેલમાં ફ્રી છે અને તું છાપાનાં કામમાં મદદ કરીશ તો તને આ લોકો પૈસા પણ આપશે. આપણે બંને ભેગા થઈ છાપું ચલાવીશું.


હું તો તૈયાર થઈ ગયો. શિકાગોની કારમી ઠંડીથી હું કંટાળ્યો હતો. મને માધવ રાજની સાહિત્યિક વિચારધારાવાળી ઈન્ટલીજન્ટ કંપનીમાં મઝા પણ આવતી હતી.

હર્ષાની ઈચ્છા નહતી પણ હું તો જવા તૈયાર થઈ ગયો. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી જેવી નહીં પણ પબ્લીક યુનિવર્સિટીમાં ત્રીજું સેમેસ્ટર લોસએંજલસમાં ભણવાનું મેં નક્કી કર્યું. આમ પણ મને ભણવા કરતાં કંઈ ધંધો કરી પૈસા કમાવવામાં જ રસ હતો.હું શિકાગોથી ગાડી લઈને ૩૦૦૦ માઈલની સફરે લોસએંજલસ જવા તૈયાર થયો. રસ્તામાં એક ગોરાઓનું ગામ આવ્યું.હું રેસ્ટોરન્ટમાં બીયર પીવા બેઠો. થોડીવારમાં ત્યાં બે ગોરા પોલીસ આવી મને પૂછવા લાગ્યાં ,તું કેમ અહીં આવ્યો છું? મે કહ્યું ,” હું તો કેલિફોર્નિયા જાઉં છું,રસ્તામાં આરામ કરવા અને બીયર પીવા ઊભો છું.મેં બીયર પી લીધો એટલે તેઓ મને એસ્કોર્ટ કરીને ગામની બહાર મૂકી ગયા. તે ગામનાં ગોરા લોકો બ્રાઉન ચામડીવાળા મને ,ભૂલમાં પણ તેમનાં ગામમાં રહેવા દેવા તૈયાર નહોતાં.ગાંધીજીની દક્ષિણ આફ્રીકાની ટ્રેનની વાત મને યાદ આવી ગઈ!

હવે હું ફૂલ સ્પીડમાં ગાડી ભગાવી રહ્યો હતો અને બે પોલીસવાને તેમની વાન રસ્તા વચ્ચે મને આગળ ઊભી રાખી અટકાવ્યો.મને કહે તમારી ગાડી ૧૯૦ની સ્પીડે ચાલે છે લો આ ટિકિટ.મેં કહ્યું ,”ના ,હું ,એટલી સ્પીડમાં નથી જતો. તમને કેવીરીતે ખબર કે હું ૧૯૦ ની સ્પીડથી જાઉં છું.”. તેમણે મને ઉપર જઈ રહેલું હેલિકોપ્ટર બતાવ્યું અને કહ્યું,” તમારી ઉપર આ હેલિકોપ્ટર ચાલે તેમાં મશીનમાં તમારી સ્પીડ નોંધાઈ જાય. હું વિસ્ફારિત આંખે જોઈ રહ્યો. અમેરિકાની ટેકનોલોજી પર ફિદા થતાં ,મેં ટિકિટ સ્વીકારી લીધી.

લોસએન્જલસ પહોંચ્યો , તો હર્ષાએ મારાં મિત્રનો પત્ર તેનાં ઘેર આવેલ તે મને અહીં મોકલ્યો હતો.મારા ખાસ મિત્ર પરેશનો પત્ર હતો. કેમ પરેશે પત્ર લખ્યો હશે? પરબિડીયું ખોલતાં ખોલતાં હું પરસેવે રેબઝેબ થઈ ગયો. મને થયું કે કોઈ ખાસ સમાચાર હોય તો જ મને પરેશ પત્ર લખે! મારાં સમાચાર ,તો તે બહેનને ફોનથી જ પૂછી બધાંને જણાવતો.શું સમાચાર ,પત્રમાં હશે ? તે જાણવા હું પત્ર ખોલવાં અધીરો બની ગયો !!! ચિંતાતુર પણ.

જિગીષા દિલીપ

૧૯ મેં ર૦૨૧

અજ્ઞાતવાસ -૧૭

નાયગ્રાફોલ્સની સફર


હું તો Macy’s ની ખરીદી કરનાર ઓફીસર સાથે ખુશ થતો થતો તેની ઓફીસમાં ગયો.ઓફીસરને સ્ટેપલર ઉપર જુદા જુદા પ્રાણીઓનાં ખૂબ સુંદર કોતરણી અને કળાનાં સંગમ સાથેનાં આર્ટિસ્ટીક ગીફ્ટ આર્ટિકલ બતાવ્યાં,જે તેને ખૂબ ગમી ગયા.તેમણે મને પૂછ્યું,” તમારું કાર્ડ છે?તમે પોતેજ મેન્યુફેક્ચરર છો? તમારી એક્સપોર્ટની ઓફીસ છે?”.મેં મારું ‘ દેશવિદેશ એક્સપોર્ટ કંપની’ નું કાર્ડ આપ્યું.પણ બીજા જવાબો આપતાં હું જરા થોથવાઈને ખોટું બોલ્યો કે હા,અમે જ આ ગીફ્ટ આર્ટિકલનાં મેન્યુફેકચરર છીએ અને અમારી ઓફીસ પણ છે.મને એમ કે એ લોકો ક્યાં જોવા જવાનાં છે ?અને એમને વસ્તુ તો હું ગમે તેમ કરી પહોંચાડી દઈશ.પણ નાસમજ મને, નાની ઉંમરે, એ ખબર ન પડી કે Masy’s જેવી કંપની બધી તપાસ કર્યા વગર મારી સાથે બિઝનેસ ન કરે!

મને બીજીવાર બોલાવી ઓફીસરે કહ્યું,”તમારી કોઈ ઓફીસ ભારતમાં છે નહીં અને કાર્ડમાં એડ્રેસ છે એ તો ભાઈખલ્લાનું ગોડાઉનનું છે.તમારા પીસ મને બહુ ગમ્યાં છે તેનાં પૈસા મને કહો તે આપી દઉં.હું મારા પોતાને માટે રાખી લઉં છું.” મેં પૈસા લઈ તેમને પીસ આપી દીધાં.આભાર માની હું ઊભો થયો.મને મારી ભૂલ સમજાઈ ગઈ.ન્યુયોર્કમાં મને ભાઈનાં મિત્રો અને મારા કઝીને થોડું ફેરવ્યો અને એક અઠવાડિયા પછી હું શિકાગો ગયો.

મોટીબહેનનાં ત્યાં થોડા દિવસ રહી,હું ,મારી નાની બહેન હર્ષા સાથે રહેવા ગયો.હર્ષા આર્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ શિકાગોમાં માસ્ટર્સ કરી રહી હતી.તેના પતિને ઇન્ડિયામાં ધંધાની ઓફર હતી એટલે તે થોડા સમય માટે ઈન્ડીયા રહેતા હતા.એટલે હું હર્ષા સાથે જ રહું તેવો બહેન અને ભાઈનો આગ્રહ હતો.
બંને બહેનોએ અને ભાઈએ મળી નોર્થવેસ્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણવા મારાં પહેલાં બે સમેસ્ટરનાં ફીનાં પૈસા ભરેલાં.પરતું હું કોલેજમાં મિત્રોને પૂછતો હતો કે તમને ફીનાં પૈસા કોણ આપે છે?સૌ મિત્રો સાથે વાત કરતાં મેં જાણ્યું કે તેઓ સૌ નાની મોટી નોકરી કરી પોતપોતાની ફીનાં પૈસા ભરતાં હતાં.મને પણ કંઈ કામ કરવું હતું.એક મિત્રએ પીઝા ડીલીવરીનું કામ અપાવ્યું.મને હર્ષાએ સેકન્ડહેન્ડ ગાડી લઈ આપી.મેં ભણવા સાથે સાથે પીઝા ડીલીવરીનું કામ શરુ કર્યું.શિકાગોની સૂસવાટા મારતા પવન સાથેની કાતિલ ઠંડી સહન કરવી મારા માટે મુશ્કેલ હતી.તેમાં સાંજનાં છ વાગ્યાથી રાતનાં બે વાગ્યા સુધી પીઝા ડીલીવરીનું કામ કરવું પડતું.

તેમાં એક એન્જિનીયર પણ ખૂબ ગરીબ ઘરનો ,નરેશ શાહ ,ભારતીય ,મારો મિત્ર થયો.તે સવારે એન્જિનયર તરીકેની જોબ કરે અને સાંજે પીઝા ડીલીવરી કરવાની.પીઝા ડીલીવરીનાં નોકરીનાં બધાં પૈસા તે ભારત મોકલી દેતો.હું તેનાં કુંટુંબ પ્રત્યેનાં પ્રેમથી ખુશ થઈ ગયો.તે મને પીઝા ડીલીવરી કરવા જવા એડ્રેસનાં નકક્ષા દોરી આપતો અને સમજાવતો.એ ૧૯૭૬નાં ગાળામાં ગુગલ કે નેવીગેટર હતાં નહીં.નરેશ મને મદદ કરતો એટલે હું પણ હંમેશ તેના તરફ મિત્રતાનાં આભાર અને માનની લાગણીથી તેને જોતો.


તેની પાસે Ford-torino મોટી ગાડી હતી.એક વીકએન્ડ તેણે મને કહ્યું,” હું કાલે નાયગ્રા ફોલ જોવા જાઉં છું ,તારે આવવું છે?”મેં તો તરત હા પાડી દીધી. આમ પણ ભણવાનું અને કામ સિવાય હું ક્યાંય બહાર ગયો નહોતો.હર્ષાને જણાવી ,અમે બીજે દિવસે સવારે નાયગ્રા જવા ડ્રાઈવ કરીને નીકળ્યા.વહેલી સવારે ચાર વાગે નીકળેલા અમે વારા ફરતી ડ્રાઈવ કરીને બાર કલાકે નાયગ્રા પહોંચ્યા.ડ્રાઈવ તો આઠ કલાકનું હતું પણ રસ્તામાં કોફી પીતાં,ગેસ ભરાવતાં થોડો થાક ખાતાં અને જમવા માટે ઊભા રહેતાં,વધારાનાં ચાર પાંચ કલાક થઈ ગયા.નરેશમાં તે દિવસે મને કંઈ નવો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો પણ મને કંઈ સમજાયું નહીં.

અમે વહેલી સવારે ચાર વાગે શિકાગોથી નીકળેલા. લાંબી મુસાફરી કરીને પણ નાયગ્રા ફોલ જોઈ હું ખૂબ ખુશ થઈ ગયો.ત્યાં હળવેા નાસ્તો કરી નરેશ કહે ,” આપણે કેનેડા બાજુથી પણ નાયગ્રાફોલ જોઈએ. મેં કહ્યું ,”આપણે અહીં જ મોટેલમાં રોકાઈ જઈએ.”પણ તે તો કહે ,”કેનેડા બાજુથી જ નાયગ્રા ફોલ જોવાની ખરી મઝા છે અને રાતની રંગબેરંગી લાઇટમાં તો તું જોજે ખુશ થઈ જઈશ.”અમારા બંને પાસે અમેરિકાનું ગ્રીનકાર્ડ હતું. એટલે વિઝાની ચિંતા નહતી.અમે બ્રિજ ક્રોસ કરી કેનેડા ગયા.કેનેડા બાજુ ,ખૂબ સરસ લાઇટો સાથેનો નાયગ્રા ફોલનો નજારો અદ્ભૂત હતો.હું ખૂબ થાકી ગયો હતો. મોડી રાત થઈ ગઈ હતી.રસ્તામાં આવતી મોટેલો જોઈ હું નરેશને કહી રહ્યો હતો કે ,”આપણે અહીં રોકાઈ જઈએ.”હું ગાડી ચલાવતો હતો અને તે કોઈ ખાસ મોટેલ શોધી રહ્યો હતો.અને અને બસ તેને તો તે જ મોટેલમાં જવું હતું.તે મને ગાઇડ કરતો હતો ત્યાં અમે જઈ રહ્યાં હતાં.અને ત્યાં તો બસ …આ …આ… આજ કહી એણે ગાડી ઊભી રાખવા કહ્યું.ગાડી એક મોટેલ પાસે ઊભી રહી.

નરેશ ઊતરીને મોટેલમાં ગયો. હું પણ તેની પાછળ પાછળ અંદર ગયો.ત્યાં ડેસ્ક પર જઈ એણે કહ્યું રુમ નંબર ૩૦૨ એટલે ડેસ્ક પરનાં માણસે કહ્યું તેમાં તો એક બહેન છે. તમને રુમ નંબર ૩૦૩ આપું?નરેશ તો “આવી ગઈ?” કહીને રુમ નંબર ૩૦૨ શોધતો,ડેસ્ક પરનાં માણસનું સાંભળ્યા વગર ભાગ્યો.હું તો આભો બની આ શું થઈ રહ્યું છે ?તે જોતો જ રહ્યો.મને તો કંઈ જ ખબર નહીં.નરેશની પત્ની રુમ નંબર ૩૦૨માં હતી.તે ભારતથી કેનેડા આવી હતી. તેને અમેરિકાનાં ગ્રીનકાર્ડ મેળવવામાં કોઈ ટેકનીકલ મુશ્કેલી હતી.તેની પત્ની સંપૂર્ણ ભારતીય પહેરવેશ સાડીમાં હતી.નરેશે તેને કપડાં બદલાવી નાંખ્યાં. હવે લગભગ અડધી રાત થઈ ગઈ હતી,નરેશ તેની પત્નીને લઈને બહાર આવ્યો.

મેં કહ્યું,” નરેશ,આપણે અહીં રોકાવું નથી ? ‘ના ‘,કહી તેણે મને ગાડીમાં બેસવાનું કહ્યું. તે એન્જિનીયર હતો.ગાડીની ડીકી એટલે કે એની ગાડીની ટ્રન્કમાં એણે પહેલેથી નાનું કાણું પાડી ,હવાની અવર જ્વર થાય તેની વ્યવસ્થા અને ગાદી પાથરીને તૈયાર રાખેલી.તેની દૂબળી પાતળી છોકરી જેવી પત્નીને તેણે ટ્રન્કમાં સુવાડી દીધી. તેની પત્ની પણ હિંમતવાળી અને માનસિક રીતે તૈયાર જ હતી. અમે કેનેડાની બોર્ડર પાસે આવ્યા. ટ્રંકમાં માત્ર બ્રિજ ક્રોસ કરી આગળ જઈએ તેટલું દસ કે પંદર મિનિટ જ રહેવાનું હતું.પણ નરેશની પત્ની ટ્રંકમાં હતી તેની જ મને તો ગભરામણ થતી હતી.ઓફીસરે મારું ,નરેશનું ડ્રાઈવીંગ લાયસન્સ,ગ્રીનકાર્ડ વગેરે જોયું.હું નર્વસ અને થોડો ઉંઘમાં હતો.ઓફીસરે નરેશને કંઈ પૂછ્યું.નરેશે ઓફીસરને કહ્યું,”અમે તો બે કલાક પહેલાં જ કેનેડા બાજુ જઈને નાયગ્રાફોલ જોઈને આવ્યા,હવે પાછા જઈએ છીએ.”હું ખૂબ થાકેલો અને ખૂબ નર્વસ હતો.હવે શું થશે? હમણાં ટ્રંક ખોલાવશે તો…..??


જિગીષા દિલીપ
૧૨ મેં ૨૦૨૧

અજ્ઞાતવાસ-૧૬

મેરા જાદુ ચલ ગયા 

Zurich એરપોર્ટ પર મારાં નામની ઉપરા ઉપરી અનાઉન્સમેન્ટ થઈ રહી હતી. મેં ઓફીસરોને સમજાવતાં કહ્યું ,” મેં મારાં વધારે વજનની ડ્યુટીનાં પૈસા ઈન્ડીયામાં ભર્યા છે.ખરેખર તો હું હવામાન ખરાબ હોવાનો લીધે ,Swiss-air માં ટ્રાવેલ કરીને કેટલો હેરાન થઈને અહીં પહોચ્યોં છું.Swiss-air મને સામાન ન્યુયોર્ક J.F.k. એરપોર્ટ પર જ આપવાની હતી.તમે પ્લીઝ મને જવાદેા મારી બેગો લઈ લો . મારા નામની એનાઉન્સમેન્ટ થાય છે.


ત્યાંજખિસ્સા ફંફોસતાં મને Over weight સામાનનાં પૈસા ભર્યા હતાં તેની ઇન્ડિયાની રીસીપ્ટ પણ મળી ગઈ. અમારી રકઝક સાંભળતાં મોટા ઓફીસરે કહ્યું”,એને જવા દો,એની વાત સાચી છે.તે ખોટો હેરાન થયો છે અને એની પાસે પૈસા ભર્યાની રીસીપ્ટ પણ છે.”મારી બેગો આપીને હું ભાગ્યો.ચડતાં શ્વાસે જ્યારે ફ્લાઈટમાં અંદર ગયો ,તો તે એ જ ફ્લાઈટ હતી ,હું જે Besel એરપોર્ટ છોડીને આવ્યો હતો ,તે જ હવામાન સારું થતાં ન્યુયોર્ક જઈ રહી હતી.તે જ પેસન્જરો હતાં. આ વખતે પણ મારા લીધે ફ્લાઈટ મોડી પડી રહી હતી ,એટલે મને આવેલો જોઈ બધાં એજ રીતે તાળીઓ પાડી ,મને વધાવી રહ્યાં હતાં અને હું બઘવાએલો!!!


થાકેલાં મેં Zurichથી ન્યુયોર્ક ફ્લાઈટમાં આરામ કર્યેા. J.F.k. એરપોર્ટ પર મારો કઝીન જે ૧૦ વર્ષ પહેલાં અમેરિકા આવેલો તે લેવા આવવાનો હતો.J.F.k.નાં આટલા મોટા એરપોર્ટ પર હું મારા કઝીનને કેવીરીતે ઓળખીશ તેની મને ચિંતા હતી કારણ અમે એકબીજાને દસ વર્ષ પહેલાં જોયેલાં.પરતું અઢાર વર્ષનો યુવાન ગુજરાતી જોઈ તે મને ઓળખી ગયાં.મને બેલબોટમ અને લાંબાં અમિતાભ બચ્ચન કટ વાળ અને યંગ હેન્ડસમ જોઈ તે એકદમ ખુશ થઈ મને ભેટી પડ્યા.અમે રસ્તામાં જમીને જ ઘેર પહોંચ્યા.થોડી દેશની અને મારી વાતો કરી થાકેલા મને આરામ કરવાનું કહી અમે સૂઈ ગયા.
મારો કઝીન ન્યુયોર્ક ક્વીન્સમાં રહેતો હતો.બીજે દિવસે સોમવારે સવારે મને તે રસોડામાં માઈક્રોવેવ અને જમવા માટેનું બધું બતાવી ,પોતે કામ પર જાય છે ,તો તું ઘેર આરામ કરજે અને ટી.વી જોજે તેમ કહેવા લાગ્યા.


મેં તો કહ્યું,” હું તો મેનહટ્ટન જઈશ.” એમણે પૂછુયું,” મેનહટ્ટન? કેવીરીતે?.”


મેં મારી હેન્ડબેગમાંથી મેનહટ્ટનનો ભાઈએ દોરી આપેલ નકક્ષો બતાવ્યો.ભાઈએ મને ,કેવીરીતે ક્વીન્સથી ટ્રેન લેવાની? તેમજ ‘પોર્ટ ઓથોરીટી ‘બસ સ્ટેન્ડ અંગે, તેમજ સબ વે કેવીરીતે લેવાની ?તેમજ સ્ટ્રીટ અને એવન્યુ કેવીરીતે આડા અને ઊભા સમજવાનાં ,બધી સમજ લખી અને દોરીને સમજાવ્યું હતું ,હું તે નકક્ષો લઈને આવ્યો હતો.એ ૧૯૭૫નાં ગાળામાં સેલફોન કે નેવીગેટર કંઈ હતું નહીં.મને ભાઈએ મેનહટ્ટનમાં કેવીરેતે ફરાય તે બરોબર સમજાવ્યું હતું તે મેં તેમને બતાવ્યું.મને મારા કઝીને ૧૦૦ ડોલર આપ્યા.મને થોડાં છુટ્ટા કોઈન પણ આપ્યા. મારું અંગ્રેજી સારું હતું એટલે મને કહ્યું,” તને કંઈ સમજ ન પડે તો કોઈને પૂછજે અને કંઈ કામ પડે તો મને તેમની ઓફીસનો નંબર આપી તેના પર ફોન કરવા કહ્યું.હું એકલો ફરવા જવાનો છું એ વાત પર તે મારા પર ખુશ થઈ ગયા.


થોડી સમજ તેમણે પણ આપી.તેમને તો એમ જ કે હું ફરવા જાઉં છું.હું તો મારા એક્સપોર્ટનાં સૌથી સારા સેમ્પલ લઈ ક્વીન્સથી મેનહટ્ટન બે સબ-વે બદલીને પહોંચી ગયો.પેન સ્ટેશનની સામે મોટા છ સાત માળનો Macy’s ના સ્ટોરનું બિલ્ડીંગ દેખાયું.સ્ટોરમાં અંદર જઈ ત્યાં મેં ઈન્ડીયાનાં સેલ્સમેનની જેમ Macy’s માં કામ કરતી એક સેલ્સગર્લને પૂછ્યું”,હું ઈન્ડીયાથી આવ્યો છું.મારે મારી કંઈ વસ્તુઓ વેચવી છે.મારે તમારા મેનેજરને મળવું છે”.તે છોકરીએ કહ્યું”,અમે અહીં વસ્તુ ખરીદતાં નથી અમે અહીં વેચીએ છીએ.” તેણે મને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ હું તો તેને મેનેજરને મારે મળવું જ છે.મને તેની પાસે લઈ જાઓ તેમ કહેતો રહ્યો.ત્યાં તો અમારી લાંબી જરા મોટા અવાજમાં વાતચીત સાંભળી,બીજી સાત આઠ સેલ્સગર્લ્સ શું વાત છે ?તે માટે મદદ માટે આવી ગઈ.હું મારી વાત પર અટકી ગયો હતો કે,” હું ઈન્ડીયાથી કંઈ સરસ સેમ્પલ લઈને આવ્યો છું.મારે તમારા ખરીદી કરનાર મેનેજરને તે બતાવવા છે.મારી પાસે અઠવાડિયું જ છે ,પછી હું શિકાગો જવાનો છું ,ત્યાંથી હું પાછો ન આવી શકું એટલે I want to meet him now…now…now. મને now now બોલતો સાંભળી એક છોકરી કહે ,”ભાઈ,અમારી ક્રિસમસની ખરીદી એક મહિના પહેલા થઈ ગઈ છે એટલે હવે તું આવતા ઓક્ટોબરમાં આવજે.”આ બધાં કોલાહલને જોઈ કોઈ મેનેજરને બોલાવી આવ્યું. 


મેનેજરને આવેલો જોઈ હું તો ખૂબ ખુશ થઈ ગયો. મેં તેને અત્યારે જ તેમની ઓફીસમાં મને લઈ જઈને પાંચ મિનિટ આપવા કહ્યું.મેનેજર હોંશિયાર હતો ,પહેલાં તેણે મારી બધી વાત સાંભળી.પછી મને કહે,જો ભાઈ અહીં ખાલી વેચવાનું કામ જ થાય છે.ખરીદી કરનાર ઓફીસ બીજી છે.આવો બહાર સામે તે બિલ્ડીંગ છે તે તમને બતાવું.” એમ કહી તે મને સ્ટોરની બહાર લઈ ગયો.મને બતાવ્યું,” જો સામે પેલું બિલ્ડીંગ દેખાય છે તેને ૨૮ મે માળ અમારી ખરીદી કરનારની ઓફીસ છે.તું ત્યાં જા.”આમ કહી તેણે મારાથી જાન છોડાવી.મેં પણ તેની પાસેથી ઓફીસનું બરોબર એડ્રેસ અને ઓફીસનું નામ લખાવી દીધું.


હું તો ચાલીને સામેની ઓફીસમાં થોડીવારમાં પહોંચી ગયો.ત્યાં જઈને મને લખી આપેલ ઓફીસનું નામ બતાવી ,મારે નામ લખેલ ઓફીસરને મળવું છે ,તેમ મેં કહ્યું.ડેસ્ક પરનાં માણસે કહ્યું”,એપોઈન્ટમેન્ટ છે તમારી પાસે?” મેં કહ્યું,”ના” એટલે એમણે કહ્યું,” એપોઈન્ટમેન્ટ વગર મેનેજર તમને ન મળે.” એમણે ઘણું ના પાડી પણ હું તો એક નો બે ન થયો. હું તો કોફી લઈને બહારનાં સોફા પર બેસી જ રહ્યો.


બે અઢી કલાક પછી મેનેજર ઓફીસમાંથી બહાર નીકળ્યો. હું તો બેગ લઈ એમની સાથે ચાલીને વાત જ કરવા લાગ્યો કે,”હું ઇન્ડિયાથી આવ્યો છું.મારી પાસે તમને બતાવવા માટે બહુજ સરસ ગીફટ આર્ટિકલ છે. તમે એકવાર બસ જોઈ લો. મેનેજરને કહ્યું,” ભાઈ અમે આવીરીતે ખરીદી કરતાં નથી. તેમજ અમારી ક્રિસમસ માટેની ખરીદીનો સમય પતી ગયો છે. તમે આવતા વર્ષે આવજો.મેં તો મારી રેકર્ડ ચાલુ જ રાખી કે ,”હું તો એક વીક માટે જ અહીં છું. પછી હું શિકાગો જતો રહીશ. ત્યાંથી હું પાછો આવી શકીશ કે નહીં મને ખબર નથી ,તો મહેરબાની કરીને તમે પાંચ મિનિટ મને આપો અને મારા સેમ્પલ જોઈ લો. એકવાર તમે જોશો પછી મને ખબર જ છે તમે મને ઓર્ડર આપવાનાં જ છો.”મેનેજરે મને ઘણી ના પાડી કે ,”અમારે અત્યારે ખરીદી નથી કરવાની .”પણ હું મને પાંચ મિનિટ આપો અને તમે બસ એકવાર મારાં સેમ્પલ જૂઓ તે વાત પર અટકી જ રહ્યો.મેનેજરનાં મનમાં રામ વસ્યાં કે મેં સેમ્પલનાં બહુ વખાણ કર્યા તો તેને જોઈ લેવાનું મન થયું તે મને કંઈ ખબર નથી પણ….


મને મેનેજર કહ્યું,” ચાલ ,તું મારી સાથે ઓફીસમાં,પાંચ મિનિટથી વધું હું તને નહીં આપું.તારા સેમ્પલ મને બતાવી દે. અમારી ખરીદીનો ટાઈમ તો પતી જ ગયો છે. પણ સેમ્પલ હું આવતા વર્ષ માટે જોઈ લઉં.”મે કહ્યું ,” હા,હા, સર!” હું ખૂબ ખુશ થતો તેની સાથે અંદર ઓફીસમાં ગયો.મને થયું”મેરા જાદુ ચલ ગયા.”


જિગીષા દિલીપ