૭-સદાબહાર સૂર- રાજુલ કૌશિક

 

હું અમદાવાદનો રિક્ષાવાળો,

નવસો નવ્વાણું નંબરવાળો,

અમદાવાદ….અમદાવાદ બતાવું ચાલો

એવી રિક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો.

એકવાર આ ગીત સાંભળો…સાવ જ પાંચ મિનિટમાં અમદાવાદની જે રીતે સાચુકલી ઓળખ ગીતકાર અવિનાશ વ્યાસે આપી છે. ને આ..હા..હા જાણે આખેઆખા અમદાવાદની સિકલ નજર સામે ઉભી થઈ ગઈ. રીચી રોડના અડ્ડા પર ગરમ ફાફડા જલેબીની સુગંધ ,રાતના સમયની માણેકચોકની વાનગીઓની જ્યાફત,  લવ ગાર્ડન કે લૉ ગાર્ડનમાં બેઠેલા છોરા-છોરીની ગુટર ગુ જેવી મસ્તીભર્યા અમદાવાદની વાત કરવાની સાથે ભદ્રકાળી અને સાબરમતીના પાણીની પરખ કરાવનારા બાપુને ય એમણે સ્મર્યા છે અને એમાંય આ ગીતની સાથે જ્યારે કિશોરકુમારનો રમતિયાળ, જરા તોફાની કહી શકાય એવો સ્વર જોડાય ને ત્યારે આપણે પણ એમની એ રીક્ષામાં ફરતાં હોઈએ એવું લાગવા માંડે.

બે દિવસ પછી ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદ દિન આવશે અને સૌને ફિલ્મ ‘ માબાપ’નું આ ગીત તો જરૂર યાદ આવશે જ… અને આ એક જ ગીત કેમ એના સાથે બીજું ય એટલું જ પ્રસિદ્ધ ગીત

“અમે અમદાવાદી, જેનું પાણી લાવ્યું ભારતની આઝાદી અમે અમદાવાદી”

પણ યાદ આવશે જ . આ ગીતમાં પણ અમદાવાદની તાસીર અને અમદાવાદીઓની ખુબીને સરસ રીતે વણી લીધી. ગીત સાંભળીએને નજર સામે અમદાવાદની મિલો માંડીને અમદાવાદની પોળ, શેરી, ગલી, ખડકી તરવરવા માંડે.

પણ આજે તો અવિનાશ વ્યાસની નજર સામે દ્રશ્ય ઉભુ કરતી કલમના જાદુની સાથે આજે એમના વ્યક્તિત્વના જાદુ વિશે વાત કરવી છે.

હું અમદાવાદનો રીક્ષાવાળો ગીત તો કિશોરકુમારે ગાયું જ છે પણ એ ઉપરાંત કિશોરકુમાર દ્વારા ગવાયેલા ફિલ્મ ‘લાખો ફુલાણી’ના  સૌ પ્રથમ ગુજરાતી ગીત

“ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે,

શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.”ની

આજે વાત કરવી છે. કિશોરકુમાર કેવા મુડી હતા એ તો સૌને ખબર જ છે. કદાચ ક્યારેક તો એમને સનકીની કક્ષાએ મુકી શકાય એવા મુડી હતા. બોલીવુડની ફિલ્મો માટે પણ એમની પાસે ગીત ગવડાવતા નવ નેજા પાણી ઉતરતા એવું સાંભળ્યું છે તો આ તો  કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની વાત હતી.  લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત એ તો…

અવિનાશ વ્યાસને કિશોરકુમાર સાથે ગાઢ પરિચય. હવે એ સમયે બનતી ગુજરાતી ફિલ્મના કૉમેડી ગીત માટે દિગંત ઓઝાને કિશોરકુમાર યાદ આવ્યા.  હિંદી ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોના ઓછા બજેટ પ્રમાણે એ તૈયાર થશે કે કેમ એ સૌથી પહેલો સવાલ. તેમ છતાં અવિનાશ વ્યાસ જેમનું નામ.. હાથમાં લીધેલું કામ પાર પાડવાની એમનામાં દ્રઢતા તો હતી. કિશોરકુમારનું રેકૉર્ડિંગ જ્યાં હતું ત્યાં ફિલ્મના પ્રોડ્યુસર દિગંત ઓઝા અને નિરંજન મહેતા સાથે પહોંચ્યા.

અહો આશ્ચર્યમ….. કિશોરકુમાર અવિનાશ વ્યાસને અત્યંત અહોભાવ અને લાગણીથી પગે લાગ્યા. એ જોઈને તો દિગંત ઓઝા અને નિરંજન મહેતા ય નવાઈ તો પામી જ ગયા. કિશોરકુમાર જેવા ભારતભરના લાડીલા ગાયક અને એક ગુજરાતીને પગે લાગે? હા, પણ એમણે જે જોયું એ હકિકત હતી. આ પ્રભાવ અવિનાશ વ્યાસનો હતો, એક અદની વ્યક્તિનો હતો.

જે જોયું એ સપના સમાન વાસ્તવિકતા હતી પણ સમસ્યા હવે આવતી હતી. કિશોરકુમારને ગુજરાતી તો આવડે નહીં. અવિનાશ વ્યાસના પુત્ર ગૌંરાગ વ્યાસ સૌ પ્રથમ સંગીતકાર તરીકે ઓળખ પામવાના હતા. આ વાત ને લઈને અવિનાશ વ્યાસે કિશોરકુમારને આગ્રહપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો. અવિનાશ વ્યાસના આગ્રહ અને સમજાવટના લીધે હવે કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા અને બીજા દિવસે ડીટેલમાં વાત કરવા ઘરે બોલાવ્યા.

બીજા દિવસે  સવારે દસ વાગ્યે કિશોરકુમારના ઘરે પહોંચ્યા તો ચોકીદાર થકી જાણવા મળ્યું કે કિશોરકુમાર તો સવારના બહાર નિકળી ગયા હતા. અવિનાશ વ્યાસની સાથે નિરંજન મહેતા,દિગંત ઓઝા,અરૂણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ હતા. ચોકીદારની વાત સાંભળીને સૌ નિરાશ તો થયા જ સાથે કિશોરકુમારના ધૂની સ્વભાવ વિશે જે જાણકારી હતી એમાં મત્તુ વાગી ગયું.  હવે કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની ઈચ્છા પુરી નહીં જ થાય એમ માનીને પાછા વળ્યા.  બીજા દિવસે અવિનાશ વ્યાસે કિશોરકુમારને ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ તો ઘરમાં જ હતા પણ બારીમાંથી અવિનાશ વ્યાસ સાથે અન્ય પાંચ જણને જોઈને એ થોડા મૂંઝાઈ અને ગભરાઈ ગયા હતા એટલે નીચે નહોતા આવ્યા.

અંતે અવિનાશ વ્યાસે કિશોરકુમારને સમજાવી જ લીધા અને કિશોરકુમાર દ્વારા ગવાયેલું ફિલ્મ ‘લાખો ફુલાણી’નું  સૌ પ્રથમ ગુજરાતી ગીત “ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.” રેકૉર્ડ થયું. કિશોરકુમારે ફિલ્મ ‘ સંતુ રંગીલી ના ‘લોકો તો કહે છે મુંબઈમાં છે બહુ કમાણી’ ગીત માટે પણ પોતાનો સ્વર આપ્યો છે. જો કે અવિનાશ વ્યાસે ૧૯૫૪માં ‘ અધિકાર’ ફિલ્મ માટે લખેલા ગીત માટે પણ કિશોરકુમાર-ગીતા દત્તે પોતાનો સ્વર આપ્યો હતો.  કહે છે કે ગીતા દત્તને પણ અવિનાશ વ્યાસ માટે અત્યંત માન હતું. કિશોરકુમારની જેમ  ગીતા દત્ત પોતે બંગાળી હોવા છતાં એમણે બંગાળી કરતાં ય ગુજરાતી ગીતો વધારે ગાયા છે.  

અરે ! એક ગુજરાતી ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ માટે સ્વરની દુનિયાના દિગ્ગજ કહેવાય એવા મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે તલત મહેમુદ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર પણ પોતાનો સ્વર આપી ચૂક્યા છે.

વાત ક્યાંથી ક્યાં પહોંચી નહીં? આવું જ થાય જુની યાદોની વાત કરીએને તો એમાં ય પોળ, એમાંથી ગલી અને ગલીમાંથી શેરી , ખડકી અને એના કોઈ ઝરૂખે બેસીને જોઈએ તો આવા કેટલાય કિસ્સાઓ મનમાં તાજા થાય.

અવિનાશ વ્યાસે તો અમદાવાદ ઉપરાંત બીજા અનેક શહેરોની વાતો પોતાના ગીતોમાં વણી છે. જેની વાત ફરી આજ-કાલ કે ભવિષ્યમાં કરીશું.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ.

મિત્રો  આજનું વાચિકમ પ્રસ્તુત છે.તમારા પ્રતિભાવ ગમશે.

શીર્ષક -તરફડતો પસ્તાવો પ્રસ્તુતકર્તા- નયનાબેન પટેલ -U.K.

 

 

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-6

અત્યાર સુધી આપણે કનૈયાલાલ મુનશીનો સામાન્ય પરિચય મેળવ્યો. તથા તેમની આત્મકથા પર આધારિત તેમના જન્મ, બાળપણ અને કોલેજકાળની વાતો જાણી અને માણી. પણ મને ખબર છે કે મારા વાચકો હવે અધીરા બન્યા હશે તેમના સહિત્યલેખનની વાતો જાણવા. તો વહાલા વાચકો, ચાલો પહોંચી જઈએ મુનશી રચિત સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવા. મુનશીજીએ આમ તો  સાહિત્યના  ઘણા પ્રકારો પર હાથ અજમાવ્યો છે, પણ તેમાં શિરમોર તો છે તેમની ઐતિહાસિક નવલકથાઓ.

મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કંઈ એ વિશે મતમતાંતર હોઇ શકે પણ વિવેચકોના મત પ્રમાણે ” ‘પૃથિવીવલ્લભ’ એમની શ્રેષ્ઠ નવલકથા છે.  એની પહેલી આવૃત્તિ 1921માં એટલે કે લગભગ એક શતાબ્દી પહેલાં પ્રગટ થઈ.  એની અનેક આવૃત્તિઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં પ્રગટ થઈ છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તો એ નાટ્ય સ્વરૂપે પણ રજૂ થઈ છે. જે તેની સરસતા અને સજીવતાનો પુરાવો છે. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 167 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. ‘પૃથિવીવલ્લભ’ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે અને નાટક પણ ભજવાયું છે. આ નવલકથા જ્યારે પ્રગટ થઈ ત્યારે જેટલી વખણાઈ એટલી વખોડાઈ પણ હતી.

ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’  વાંચી.  વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી ‘પૃથિવીવલ્લભ’નું શૉર્ટ ફૉર્મ ‘પ્ર. વ.’ એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ

ભાઈ મુનશી,

કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે ‘પૃથિવીવલ્લભ’ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. . ‘પ્ર. વ.’ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.

હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ ‘મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું.’ રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? ‘છૂંદો થઈ રહ્યું’ ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.

બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ

પૂજ્ય બાપુજીની સેવામાં,

‘પૃથિવીવલ્લભ’ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.
પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.

આપે ‘Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે ‘પૃ. વ.’ સૂચવ્યું હતું એમ કહેતા હતા.

આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ ‘માનવતાના આર્ષદર્શનો’ નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ‘ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિ’માં આવે છે.)

કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.

જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?

સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક ‘પૃ. વ.’ છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.

મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!

પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ

‘પૃથિવીવલ્લભ’ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા ‘વેરની વસૂલાત’ ગણે છે. એમાં ‘કર્મયોગ’ની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.

આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું ‘પૃ. વ.’ ને ‘બ્રહ્મચર્યાશ્રમ’ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.

લિ.

ક. મા. મુનશીના પ્રણામ

ગાંધીજીને ‘શરીરનો રોટલો થઈ ગયો’ શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ

‘તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.’

મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! 
આ નવલકથા વિશે વધુ આવતા અંકે…

રીટા જાની

૬ – मेरे तो गिरधर गोपाल …અલ્પા શાહ

રામ રાખે તેમ રહીએ…ઓધવજી… રામ રાખે તેમ રહીએ..

હમણાં હમણાં દુનિયા ના સમાચાર માં જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસ ના સમાચાર દેખાઈ રહ્યા છે. ચીન માં લગભગ ૭૫ હજાર થી વધુ લોકો આ વાયરસ ના લીધે બીમાર પડેલ છે અને લગભગ ૨ હજાર થી વધુ લોકો મૃત્યુ નામ મુખ માં હોમાઈ ગયા છે. નવજાત બાળકો પણ આમાંથી બાકાત નથી રહ્યા અને કોઈ વાંક ગુના વગર મુરઝાઈ ગયા છે .મને તો ત્યાંના ડોક્ટરો, નર્સો અને બીજા કાર્યકરો જે પોતાના જીવ ના જોખમે ફરજ બજાવી રહ્યા છે તેમના માટે ખુબ સહાનુભૂતિ છે. ક્યારેક એવો પણ વિચાર આવી જાય કે શા માટે કુદરત આવી આપત્તિ માનવજાત મોકલતા હશે? આવી કુદરતી આપત્તિઓ  જ્યારે  આવે ત્યારે મનુષ્ય કે જેને પોતાની તાકાત પર તેને આટલો અહં છે તે કેટલો વામણો લાગે છે? કુદરત જે સંજોગો માં આપણને રાખે તે સંજોગો માં મારે,તમારે અને આપણે સૌએ રહેવું જ રહ્યું.

મીરાંબાઈ એ પણ આવુજ કંઈક એમના આ પદ માં પણ લખ્યું છે 

રામ રાખે તેમ રહીએ…ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,ઓધવજી….
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,ઓધવજી….
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ, ઓધવજી….
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ, ઓધવજી….
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ, ઓધવજી….
રામ રાખે તેમ રહીએ…ઓધવજી… રામ રાખે તેમ રહીએ..

મીરાંબાઈ આ પદ માં કેટલા સરળ શબ્દો માં કેટલી ગૂઢ અને ગહન વાત કહી જાય છે. આ પદ માં મીરાંબાઈ પોતાના પ્રભુ નું, પોતાના સ્વામી નું આધિપત્ય નમ્રતા થી સ્વીકારીને આપણને જીવન માં સુખી થવાની અમૂલ્ય ચાવી આપતા ગયા છે. મીરાંબાઈએ માત્ર પદ માં જ નહિ, પોતાની જિંદગી માં પણ આજ શબ્દો ને આત્મસાત કરી ને જીવન પસાર કર્યું છે. She has walked the talk in her life.  જીવનની કોઈ પણ પરિસ્થિતિ માં મન ને સંયમ માં રાખી ને સંતોષ, આનંદ અને પ્રેમ થી આ સંસાર સાગર પાર કરવો એજ તો સંતપણા ની સાચી ઓળખ છે.જીવન માં આવતા સુખ અને દુઃખ બંને ને  હસતા મોઢે અપનાવી જાણે એજ તો સંત ની મહત્તા ની સાબિતી આપે છે. મીરાંબાઈ તો હતા એક રાજકુંવરી અને મેવાડ ના રાજરાણી. તેમને ક્યાં કશી ખોટ હતી. પોતાના ગિરિધર ગોપાલ ની પ્રીત ને ખાતર વિપરીત સંજોગો ને પણ પ્રભુ નો પ્રસાદ ગણી, પોતાના ધ્યેય માં અડગ રહી “મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ…..” કરતા કરતા વૃંદાવન ની કુંજ ગલીઓ માં જોગણ બની વિચરતા મીરાંબાઈ ઇતિહાસ માં પોતાના સંતત્વ ને સ્થાપિત કરતા ગયા. “ઈશ્વરેચ્છા બલિયસી” કે “ધાર્યું તો ધરણીધર નું જ થાય” –  ભાગ્યેજ કોઈ મનુષ્ય જોવા મળશે કે જે આ શબ્દો સાથે સહમત નહિ થાય. ગમે તેટલો નાસ્તિક માણસ હશે પણ તેને જીવન માં ક્યારેક તો આ વાત સ્વીકારવી જ પડે છે. આપણે તો ફક્ત નિષ્ઠાપૂર્વક ના કર્મ  કરી શકીએ છીએ કે હૃદયપૂર્વક ની પ્રાર્થના કરી શકીએ છીએ બાકી કર્મ નું ફળ તો પ્રભુ ના હાથ માંજ છે. કોઈ પણ પરિસ્થિતિ માં ધાર્યું તો ધરણીધર નું જ થાય છે.

           મીરાંબાઈ આ પદ માં સુખ અને દુઃખ જે આપણા જીવન માં મહેમાન ની જેમ આવે અને જાય છે તેની સામે સહનશીલતા થી ટકી રહેવું તેની પણ શીખ આપતા જાય છે. એક જગ્યા મેં વાંચ્યું હતું કે “સુખ એટલે શું ? સુખ એટલે દુઃખ નો અભાવ. અને દુઃખ એટલે શું? દુઃખ એટલે સુખ નો અભાવ”. સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવા છે. સુખ અને દુઃખ નું ચક્ર તો નિરંતર ચાલ્યા જ કરવાનું છે. જયારે દુઃખ આવે ત્યારે માનવ સ્વભાવ મુજબ આપણે સૌ અકળાઈ જઈએ છીએ, ક્યારેક પ્રભુ પ્રત્યે રીસ પણ ચઢી જાય છે અને ગુસ્સો પણ આવે છે. પણ ગૌતમ બુદ્ધ જેમ કહે છે તેમ Happiness follows sorrow, sorrow follows happiness, but when one no longer discriminates happiness and sorrow, a good deal and a bad deed, one is able to realize freedom. આપણે સુખ અને દુઃખ બંનેને હસતા મોઢે આવકારવાજ અને અપનાવવા જ રહ્યા. અને માત્ર આવકારવાજ જ નહિ પણ સાથે સાથે સુખ અને દુઃખ સામે સ્થિતપ્રજ્ઞતા  કેળવવી અને સમતા કેળવવી એટલી જ જરૂરી છે.

હું પણ હજુ એ કક્ષાએ પહોંચી નથી કે જ્યાં હું પણ સુખ દુઃખ સામે સંપૂર્ણ પણે સ્થિતપ્રજ્ઞ રહી શકું, પણ હા હું પ્રયત્ન તો જરૂર કરું છું ત્યાં પહોંચવાનો. તો ચાલો આપણે પણ “રામ રાખે તેમ રહીએ” એ દ્રઢતા ની સ્વીકારી   પોતાનું કર્મ નિષ્ટાપૂર્વક કરતા રહીએ. દિપાલી સોમૈયા ના મધુર સ્વર માં આ પદ સાંભળતા સાંભળતા, આપના પ્રતિભાવો અને માર્ગદર્શન ની અપેક્ષા સાથે મારી કલમ ને અત્યારે વિરામ આપું છું.

અલ્પા શાહ

હાં રે દોસ્તત હાલો અમારે દેશ-6) મેઘાણી અને ગાંધી પ્રભાવ !

મેઘાણી અને ગાંધી પ્રભાવ !

આજથી લગભગ સો વર્ષ પહેલાં બે દાયકા પરદેશમાં રહ્યાં પછી ‘એ હાલોને જઈએ સ્વદેશ’ એમ બિસ્તરા પોટલાં લઈને સ્વદેશાગમન કરનાર અને સમગ્ર દેશ અને દુનિયામાં છવાઈ જનાર મોહનદાસ કરમચંદ ગાંધી પણ આ જ અરસામાં સ્વદેશ આવ્યા હતા ,જયારે ઝવેરચંદ મેઘાણી હજુ કોલેજમાં હતા ! પણ ગાંધી પ્રભાવ ઝવેરચંદ પર પડી ચુક્યો હતો.
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર રાષ્ટ્ર પર એક વૈચારિક સુનામી આવી રહી હતી.. સદીઓથી ગુલામીમાં સબડતો દેશ , પહેલાં મુસલમાનોનું આક્રમણ અને પછી અંગ્રેજોના ભરડામાં ભિંસાઈ રહ્યો હતો .. ગરીબાઈ, અંધ શ્રદ્ધા અને અજ્ઞાન સાથે અશ્પ્રુશ્યતા અને ઉંચ નીચના વાડાઓથી દેશ પાયમાલ બની રહ્યો હતો .. અને આ બધું યુવાનીને ઉંબરે પહોંચેલો એ નવયુવાન ઝવેરચં અનુભવી રહ્યો હતો – પણ કાંઈક જુદી દ્રષ્ટિથી !

આમ તો છેલ્લાં બસ્સો વર્ષમાં કેટલાં બધાં સાહિત્યકારો થઇ ગયાં! પણ જે સમાજ અને સંજોગોએ મેઘાણીનું સાહિત્યકાર તરીકે વિશિષ્ટ રીતે ઘડતર કર્યું તે સમજવા આપણે અહીં પ્રયત્ન કરી રહ્યાં છીએ.
તદ્દન દૂરનાં ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ લઈને મેઘાણી ભાવનગર કોલેજમાં આવ્યા ત્યારે ગાંધીજીનો પ્રભાવ પડવા માંડ્યો હતો.
ગાંધીજી ૧૯૧૩માં આવ્યા તે પહેલાં પણ વારંવાર દેશ આવતા.ગાંધીજીના અનુયાયી ઠક્કરબાપાના ભત્રીજા સાથે ઝવેરચંદ મેઘાણીને મૈત્રી ભાવ ! તેઓ ભાવનગરમાં અસ્પૃશ્ય સમાજના અંત્યજ બાળકો માટેની શાળામાં કામ કરતા.તેમની શાળાના એક કાર્યક્રમમાં ભાવનગર કોલેજના વિદ્યાર્થીઓને આમન્ત્રણ આપેલ . મેઘાણી ત્યાં ગયા અને એ અંત્યજ બાળકોને હાથેથી અપાયેલ પાન ,( બીજા બધાં કોલેજિયનોએ ખાધું નહીં ) પણ એમણે પ્રેમથી પાન ખાધું ! પણ જાણે કે સત્યાનાશ થઇ ગયો !! અસ્પ્રુશ્યના હાથનું પાન??
આ એ જમાનો હતો કે જયારે આભડછેટ અને અસ્પૃશ્યતાએ માઝા મૂકી હતી. મેઘાણીને પુરા બે વર્ષ કોલેજની હોસ્ટેલમાં જમતી વખતે જુદા બેસવું પડેલું ! કારણકે એણે એક દલિત બાળકના હાથે અપાયેલ પાન ખાધું હતું !! મને અહીં લખતાં પણ ત્રાસ થાય છે કે બીજે વર્ષે મેઘાણી બીજી હોસ્ટેલમાં ગયા , ત્યાંયે આ સિલસિલો ચાલુ રહેલો !! કેવો હતો એ ભદ્ર સમાજ !
કહેવાની જરૂર નથી કે ઝવેરચં મેઘણીને અંતરથી જ આવા દબાયેલા, પીડિત સમાજ માટે પહેલેથી જ અનુકંપા અને લાગણી હતાં!
આગળ ઉપર આપણે જોઈશું કે લોક સાહિત્યમાં આ દબાયેલ તરછોડાયેલ ઉપેક્ષિત લોકોની સારી નરસી વાતો એમણે કેવી રીતે લખી છે ..

દલિત વર્ગ માટેનો પક્ષપાત એ એમનાં પાત્રો દ્વારા દર્શાવે છે.
એક વાર્તામાં એ લખે છે:
‘ ગામમાં કટક આવ્યું, દરબારે મિયાણાઓને ભગાડ્યા, પણ પાણી જવાના બાકામાંથી એ લોકો પાછા ઘુસ્યા. દરબારને બેભાન કરી દીધા. ત્યાં (દલિત )કાનિયો ઝાંપડો નીકળ્યો. દરબારની તલવાર લઇ લીધી અને બાકોરામાંથી જેવા મિયાણા આવવા પ્રયત્ન કરે કે તલવાર વીંઝે. કંઈક મિયાણા મરાયા, દલિત કાનિયો પણ મરી ગયો.
પછી ડાયરો ભરાયો !
ચારણે દરબારની બહાદ્દુરીની પ્રસંશા કરી, ત્યારે દરબાર કહે, ‘ હેં કવિ, આ તમારી સરસતી પણ અભડાતી હશે ને?’
‘ બાપુ , એમ કેમ કહો છો ?’
‘ તો તમારા આ ગીતોમાં મારો કાનિયો કેમ નથી આવતો ,કે જેના થકી મારો જીવ બચ્યો હતો ?”
ને પછી તો ચારણે કાનિયાનું ગીત જોડ્યું અને ગાયું!
કેવો સુંદર વાર્તાનો અંત !
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીના પ્રભાવમાં આવ્યા પછી લોકસાહિત્ય સંશોધનમાં જાણે કે બળ મળ્યું ! એમની પાસે બાળપણના અનુભવોનું ભાથું હતું અને કોલેજ જીવન દરમ્યાન લોક સાહિત્યનું મહત્વ પણ બીજા બધા દેશોના folklores લોક સાહિત્ય દ્વારા એમને સમજાયું હતું , પણ આ ઊંચ નીચ ને છૂટ અછુતનાં વાડાઓ ભેદવા કેવી રીતે ?
જે વાત એમને સુજ્ઞ સમાજને કરવી હતી તે ગાંધીજીના પ્રભાવ હેઠળ જોર શોરથી કહે છે

પ્રિય વાચક મિત્ર ,એ કાર્ય કેટલું કઠિન હતું તે સમજવા એ વખતના સાહિત્ય યુગ ઉપર નજર કરો
ગાંધી યુગ પહેલાંનો એ સાક્ષર યુગ હતો.
સાક્ષરયુગના સાહિત્યકાર નરસિંહરાવ દિવેટિયાએ ટીકા કરેલી કે, ‘ બોલચાલની ભાષામાં સાહિત્ય ના લખાય , કારણ કે બોલચાલની ભાષા તો બોલી છે, એ બોલનારા સંસ્કારી નથી ,અસંસ્કારી છે.’
સાહિત્યકાર નાનાલાલ કવિએ (મેઘાણીના લોકસાહિત્ય જુવાળ બાદ ) બહાર પડેલી
પન્નાલાલ પટેલની મળેલા જીવ નવલકથા માટે કહ્યું હતું, ‘ પટેલિયા અને ગાયંજાને ય સાહિત્યમાં મુકશો ? આ નવલકથાને બમ્બામાં નાખી દો!’
અને ગાંધી યુગના અગ્રેસર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પણ લોકસાહિત્યની અવગણના કરી હતી…
જો કે ઝવેરચંદ મેઘાણી તો કોઈ અલગ પ્રકૃતિના માનવી હતા. એમણે દુનિયા જોઈ હતી .એમની પાસે કલકત્તાના નિવાસ દરમ્યાનનું બંગાળી સાહિત્યનું જ્ઞાન પણ હતું.

ઈન્દુકુમાર જાની( નયા માર્ગ – પાક્ષિકના તંત્રી ) લખે છે ; “ આ સાહિત્યકારોને જવાબ વાળતા હોય તેમ શરદબાબુના પુસ્તક ‘દેવદાસ’ની ટીકામાં તેઓએ લખેલું કે ;”એ ( ભદ્ર) સમાજમાં આબરૂનું ચલણ પ્રેમના ચલણ કરતાંય વધારે !! નહીં તો , પારૂને દેવદાસ પાસે પહોંચાડે કેમ નહીં ? અને દેવદાસ પારૂને મળ્યા વિના રહે કેમ ?” અને એમ કહીને સુજ્ઞ સમાજ પર પ્રહાર અને નીચલા વર્ગ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે .

અને ‘ રાષ્ટ્રીય શાયરનું’ ગૌરવવંતુ ઉપનામ ગાંધીજી જેવી મહાન વિભૂતિ શું એમ ને એમ જ તો ના આપે ને ?

‘ઝવેરચંદ મેઘાણી સાથે વાચન યાત્રા’ ( સંપાદન મહેન્દ્દ મેઘાણી,૨૦૦૫) ના પુંઠા ઉપર) મનુભાઈ પંચોળી દર્શક ‘ સેતુ બંધ’ માં લખે છે :
મહાત્મા ગાંધી બહુ તોળી તોળીને શબ્દો વાપરતા તે આપણે બધાં જાણીએ છીએ. તેમને મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા. તો રાષ્ટ્રીય શાયરનો અર્થ શો ? શું રાષ્ટ્રનાં રણશિંગા ફૂંકે એનું નામ રાષ્ટ્રીય શાયર?જો એવું હોય તો રાષ્ટ્રનાં ગીતો ગાનાર કોઈ કવિઓ નહોતા અને મેઘાણીએ ‘ સિંધૂડો’ વગેરે ગીતો ગાયાં એવું તો ગાંધીજીના મનમાં ના જ હોય.
ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રનાં જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર.
‘ હે જી ભેદયુંની ભીંત્યુંને આજ મારે ભાંગવી ,
મનડાની આખરી ઉમેદ !
આ જે ઉમેદ હતી તે ગાંધીજી પારખી ગયેલા. ગાંધી પ્રવાહ હેઠળ લોકો દલિત વર્ગ તરફ નજર કરતાં થયા ( ઉપર પાન ખાવાનો પ્રસંગ મેં લખ્યો છે ) પણ વિચાર અપનાવવો એક વસ્તુ છે અને વિચારને રંગ રૂપ દેહ આપી બોલતો કરવો એ જુદી વાત છે. (દલિત વર્ગ માટે શાળા શરૂ કરી એ એક સારું કામ ખરું પણ એ બાળકોને અપનાવવા એ જ મહત્વનું ખરું કામ )મેઘાણીએ મહાત્મા ગાંધીનું આ કામ કર્યું છે. ગાંધીજીએ ભણેલ સમાજને લોકાભિમુખ થવા પ્રેર્યા, મેઘાણીએ એ મડદાં જેવા તરછોડાયેલને સજીવન કર્યા.અને એટલે જ તો એમને ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૨૮ માં મળ્યો !

આ ગાંધી પ્રભાવ એમને એમના બીજા પત્ની ચિત્રદેવી સાથે કેવી રીતે મુલાકાત કરાવે છે એ વાત અને રાષ્ટ્રીય કવિની યશગાથા આવતે અંકે !

૬ – સદાબહાર સૂર-રાજુલ કૌશિક

ચરર ચરર મારું ચકડોળ ચાલે
બિનાકા ગીતમાલા, ફૂલ ખિલે ગુલશન ગુલશન….. યાદ આવે છે આ બધા કાર્યક્રમો?  એક સમય હતો જ્યારે આ કાર્યક્રમોની બોલબાલા હતી અને તેમ છતાં રેડિયો સિલોન, ઓલ ઈન્ડીયા, વિવિધ ભારતીની સાથે આકાશવાણીના કાર્યક્રમો પણ એટલા જ લોકપ્રિય હતા. એ સમયે એવું નિશ્ચિત હતું કે આકાશવાણી રેડિયો સ્ટેશન પરથી ફિલ્મી ગીતોનું પ્રસારણ ન થવું જોઈએ એટલે આપણને ગુજરાતી ગીત-સંગીત સાંભળવાનો ય લ્હાવો મળવા માંડ્યો. એમાં આપણા પ્રિય ગીતકારોના ગીતો પ્રસારિત થતા અને અત્યંત લોકપ્રિય ગુજરાતી ગીતોની રમઝટ ચાલતી.
એ સિવાય ત્યારે શાણાભાઈ -શકરાભાઈ નામની કાલ્પનિક જોડી ખુબ લોકપ્રિય બની હતી. યાદ છે ભાઈ કોઈને?
પણ હવે રહી રહીને જ્યારે રેડિયોનું અસ્તિત્વ જ ઝાઝું રહ્યું નથી ત્યારે કેમ આટલા સમયે રેડિયો યાદ આવ્યો ખબર છે? હમણાં જ ૧૩મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિન હતો.
વિવિધભારતીના લોકપ્રિય કાર્યક્રમો તો આજે પણ હૈયાવગા છે. એ સમયે રેડિયો પર પ્રસારિત થતા ગીતો પહેલાં ફિલ્મના નામની સાથે એ ગીતના ગીતકાર, સંગીતકાર અને ગાયક-ગાયિકાનું નામ પણ લેવાતું. આજે જેમ ટી.વી પર રજૂ થતા ટેલેન્ટ હન્ટમાં અનેક કલાકારોને પ્લેટફોર્મ મળે છે એમ એ સમયે રેડિયો અને એના કાર્યક્રમોના લીધે તો અનેક ઉગતા નવા કલાકારોને તક મળતી.
હા, તો વાત જાણે એમ છે કે અવિનાશ વ્યાસની કારકિર્દીની શરૂઆત HMV સાથે યંગ ઈન્ડિયા હેઠળ થઈ હતી જ્યાં ૧૯૪૦માં અવિનાશ વ્યાસે તેમની સૌ પ્રથમ ગ્રામોફોન રેકર્ડ બહાર પાડી હતી. એવું કહેવાય છે કે અવિનાશ વ્યાસના ગીતો અને એમની વાતો સાંભળવા લોકો પથારીમાં પણ કાન પાસે રેડિયો મુકી રાખતા.
આજે એ રેડિયોની જાહોજલાલીના સમય અને એના પ્રત્યેના આકર્ષણની વાત કરવી છે…
એ સમયે મારા ઘરથી સાવ નજીક આકાશવાણી….શનિવારે સાંજે પાંચ વાગ્યે નાના બાળકોને આકાશવાણી કેન્દ્ર પર જવાની તક મળતી એટલે તો હું અને મારા જેવી મારી ઉત્સાહી મિત્રો પહોંચી જતા એ પણ આજે યાદ છે. દસ/ બાર વર્ષની ઉંમર હશે એ સમયે… હવે આકાશવાણી કેન્દ્ર પર જઈને કોઈ બાળવાર્તા કહે, કોઈ જોડકણા કહે અને થોડા ગીતો ગવાય તો વળી ક્યારેક અંતાક્ષરી રમાય.
હવે એ સમયે તો જે ગીતો ગાતા એ બધા તો યાદ નથી પણ મોટાભાગે એક તો રઘુપતિ રાઘવ રાજારામ હોય, જય જય ગરવી ગુજરાત હોય દીપે અરૂણું પ્રભાત, તો ક્યારેક જાગને જાદવા કે પછી વૈશ્નવ જન તો તેને રે કહીએ પણ હોય…પણ એ બધામાં અમારું સૌથી ગમતું ગીત કયું હતું ખબર છે?
ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડ ચું ચાકડ ચીંચીં તાલે
આજે રોકડાને ઉધાર કાલે….
ગુજરાતી ફિલ્મ ‘મળેલા જીવ’ માટે લખેલી, સ્વરબદ્ધ કરેલી મન્નાડી ગાયેલી સ્વ. અવિનાશ વ્યાસની  આ એવરગ્રીન અને અમર રચના એટલે તો જાણે લાઈફનું લાઈવ ટેલીકાસ્ટ અને ગુજરાતના મેળાઓનું જાણે રાષ્ટ્રીય ગીત…
હવે મારી વાત કરું તો એ સમયે તો આ ગીત ગાવાની ખુબ મઝા આવતી. કેમ તો એમાં પેલું ચાકડ ચું, ચીંચીં ચાકડ ચું ચીંચીં આવે ને એટલે …એ વખતે આ ગીતની સાથે ચકડોળ માટે એક નવો શબ્દ મળ્યો હતો, ફજેતફાળકો….
ત્યારે તો આ માત્ર ગાવાની મઝા આવે એવું ગીત હતું એની પાછળ શું કહેવા માંગે છે એનો તો વિચાર સુધ્ધા કર્યો નહોતો કારણકે એ સમયે તો જીવનમાં મસ્તી જ મસ્તી હતી. પણ આજે જેમ જેમ વિચારતા જઈએ એમ સમજાય છે કે આવા રમતિયાળ લાગતા ગીતોમાં ય કેટલાય વર્ષો પહેલાં એક સમજ મુકવામાં આવી હતી.
સમય અને સંજોગો તો આવે અને જાય, પળે પળનો ક્યાં આપણે હિસાબ રાખવા બેસીએ છીએ ? બીજો કોઈ હિસાબ ન રાખીએ ત્યાં સુધી વાંધો નહીં પણ ગીતકાર અવિનાશ વ્યાસ કહે છે એમ આપણી ઉદાસીને ઉધારના પાસામાં મુકીને આનંદ તો રોકડો જ કરી લેવો. આજની ક્ષણને આજે જ માણી લેવી. જીવતરના ચકડોળમાં ઉપર નીચે ચઢતા, પડતાં આપણું ભાગ્ય કેવી કરવટ લે એની ક્યાં ખબર હોય છે એટલે જ શક્ય હોય તો એ ચકડોળનું ચાકડ ચું ચીંચીં સાંભળવામાં સઘળા દુઃખ ભૂલીને એ ક્ષણે તો સુખમાં જ મહાલી લેવામાં મઝા છે .બહુ વર્ષો પહેલા કવિએ કહેલી વાત આજે કેટલી યથાર્થ લાગે છેનહીં?
અવિનાશ વ્યાસના આ ગીત અને ચકડોળમાંથી એમણે એક શીખ આપણને આપી કે આપણું પદ, પ્રતિષ્ઠા, પૈસો, પાવર, અભિમાન, માન-અપમાન, ઇર્ષ્યા , મોટાઈ, નાનમ, શરમ કે સંકોચને આપણા આનદ પર હાવી ના થવા દેવા જોઈએ અને એમણે પણ પોતાના જીવનકાળ દરમ્યાન એ પુરવાર કર્યું.
આ ગીતની મઝા તો એ છે કે અબાલ-વૃધ્ધ દરેકને એમાં પોતનો આનંદ મળી રહે છે. ગીતના શબ્દો ય એટલા જ રમતિયાળ છે ને? આવા ગીત લખતા ગીતકાર પોતે પણ એવું જ માનતા કે સંગીતમાં જેનો પ્રાણ છે એવા સંગીતક્રમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યતત્વ હોય જ એ જરૂરી નથી અને એટલે જ આવા ચાકડ ચું ચીંચીં જેવા ગીતોમાં પણ એટલી મઝા છે ને?
આજે મારા બાળપણની સાથે અવિનાશ વ્યાસના બાળપણ વિશે સાંભળેલી વાત પણ યાદ આવી.
ગુજરાતી સુગમ સંગીતના આ આદ્યપુરુષનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૨માં ખાડીયા-રાયપુરમાં આવેલી ગોટીની પોળમાં થયો હતો. આ આખી પોળ જ કલાપ્રેમી નગરોની.
બાળક અવિનાશ પોળના ઉપલા માળે ઉભા ઉભા નીચે માસીબા ને બૂમ મારે..” માસીબા પૈસો આપો છો કે પડુ? …પૈસો આપતા હો તો નીચે લેવા આવું. આવી બૂમરાણ મચાવતા બાળક્ના ભાવિ વિશે ત્યારે કોણ જાણતું હતું કે પૈસો આપો છો કે પડું કહેનારા આ બાળકના ગીત સંગીતથી ગૂંજતા થિયેટરમાં ક્યારેક સાચે જ પૈસા પડશે?
માતા—પિતાનું અવસાન થતાં બાળક અવિનાશનો ઉછેર મોસાળમાં મામી ઇન્દુમતી પાસે થયો. કહે છે કે અવિનાશ વ્યાસ બાળપણમાં અત્યંત તોફાની હતા અને થોડા જીદ્દી પણ ખરા. પોતાનું ધાર્યું જ કરાવે અને એટલે જ કદાચ કાર્યક્ષેત્રની બાબતમાં પણ એમની દ્રઢતા અકબંધ રહી. એ માનતા કે કોઈના વગર કોઈ કામ અટકી ન પડવું જોઈએ.
વળી નાનપણમાં એ ક્રિકેટના પણ શોખીન હતા. સમયની સાથે બાળપણ વિતતું ગયું. યુવાન વયે પહોંચ્યા ત્યારે આઝાદી અને એના માટે કુરબાનીનો રંગ ચારેકોર છવાયેલો હતો. યુવાન અવિનાશભાઈ પણ આ રંગે રંગાયા અને સ્વાતંત્ર્ય જંગમાં ઝંપલાવ્યું. સમય જતાં આ તમામ પ્રવૃત્તિને કોરાણે મુકીને ૧૯૪૦માં મુંબઈ આવ્યા. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી અને યંગ ઈંન્ડિયા કંપનીમાં વાદક તરીકે જોડાયા. અલ્લારખાં કુરેશી એટલે કે ઉસ્તાદ અલ્લારખાંના નામે ખ્યાત તબલાવાદક સાથે એમને પરિચય થયો.
ત્યારે અવિનાશ વ્યાસને સૌ પ્રથમ તક મળી ફિલ્મ “ મહાસતી અનસૂયા”માં  એ પછી “કૃષ્ણભક્ત બોડાણા”, “જીવનપલટો” જેવી ફિલ્મો માટે પણ ગીત-સંગીતની રચના કરવાની તક મળી પરંતુ એમાં ઝાઝી સફળતા તો ન મળી પરંતુ ૧૯૪૮માં “ ગુણસુંદરી’ નામની ફિલ્મથી અવિનાશ વ્યાસનો સિતારો બુલંદ થયો.
અવિનાશ વ્યાસ વિશે વાત કરીએ તો એમને ગાયક, ગીતકાર, સંગીતકાર તરીકે તો સૌ ઓળખે પણ એમને નાટક ગમતાં એટલે શરૂઆતના સમયમાં નાટકમાં પણ કામ કરેલું અને કેટલાક પ્રોડક્શન પણ કરેલા એની આપણામાંથી બહુ ઓછાને ખબર છે. એ રીતે જોવા જઈએ તો એમને નાટ્યકાર/ અભિનેતા પણ કહી શકાય.  આમ સર્વાંગીરૂપે જોવા જઈએ તો અવિનાશ વ્યાસ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા.
આવી એક નહીં અનેક વાતો આ બહુમુખી પ્રતિભા ધરાવતા અવિનાશ વ્યાસ વિશે કરવાની છે. આવા અનેક સંભારણા છે જે આપણે તાજા કરવાના છે.
પણ આજે તો સાંભળીએ આ બહું મઝાનું ચકડોળનું ચાકડ ચું ચીંચીં..
http://www.mavjibhai.com/MadhurGeeto/154_chakdol.htm Rajul Kaushik http://www.rajul54.wordpress.com

“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ,

મિત્રો 

 આજની વાર્લેતામાં લેખિકાએ જે સમયમાં જીવે છે  એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કર્યો છે.વાચિકમ પણ ખુબ સરસ રીતે કર્યું છે જે સાંભળી ને વિચાર કરતા થશો, એમાં કોઈ શક નથી.હું વધુ કહું તેના કરતા તમે સાંભળી જ લો…-પ્રજ્ઞા 

ખુલ્લી બારીએથી-નટવર કુબેરદાસ પંડ્યા-વાચક -હેમંત ઉપાધ્યાય

નટવર કુબેરદાસ પંડ્યા જેઓ તેમના ઉપનામ ઉશનસથી વધુ જાણીતા છે.
એ અમારા પાડોશી.વડોદરાનજીક સાવલી માં 28 મી સપ્ટેમ્બર્ 1920 ના રોજ જન્મેલ શ્રી નટવરલાલ પંડયા એટલે એક ચમકતો હીરો. ગુજરાતી સાહિત્યનો પ્રકાશિત સિતારો. આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના મનગમતા કવિ અને સાહિત્યકાર .. ખૂબ સરળ જીવન ..પ્રભાવ અને પ્રતિષ્ઠાથી દૂર પણ પોતાની સર્જનાત્મક રચના ઑથી સહુ ના દિલ માં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરનાર સાહિત્ય સર્જક ..
         
વડોદરા ની એમ એસ યુનિવર્સિટિ માં થી 1942 માં બી. એ. સંસ્કૃત સાથે પાસ થયા . અને 1945 માં ગુજરાતી સાથે એમ.એ. કર્યું. તે જમાનામાં ગુજરાતી સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરનારા બહુ ઓછા, કારણ કે મેટ્રિક થતાંની સાથે લોકો ને નોકરી મળી જતી. તેમણે સૌ પ્રથમ રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી અને પછી નવસારીની ગાર્ડા કોલેજ માં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે જોડાયા. નોકરી ની સાથે સાથે તેઓ પોતાની કાવ્ય રચના ઑ માટે પણ સાહિત્ય જગત માં આદર પામતા ગયા . 1955 માં તેઓ નો પ્રથમ કાવ્ય સંગ્રહ “પ્રસૂન “ પ્રકાશિત થયો. ત્યાર પછી 1956 માં “નેપથ્ય “ અને 1959 માં “આદ્રા “
1959 માં તેઓને“ કુમાર ચંદ્રક “ એવાર્ડ થી સન્માન કરવમાં આવ્યું અને 1963 માં “નર્મદ સુવર્ણ ચંદ્રક “ તથા “ગુજરાત ગૌરવ “ એવાર્ડ થી બહુમાન કરવામાં આવ્યું . પછી તો “સ્પંદ અને છંદ “ “કિંકીણી “ ભારત દર્શન , અશ્વત્થ ,રૂપ ના લય , પૃથ્વી ને પશ્ચિમ ચહેરે , શિશું લોક , “વળાવી બા આવી” વગરે પ્રગટ થયાં .
તેઓ એ ત્રણ નાટક લખેલાં , જે ખૂબ પ્રચલિત થયેલાં.“ત્રણ નો ગ્રહ” “પંતૂજી” અને ડોશી ની વહુ “. ઉશનસ ને 1972 માં રણજિત રાય સુવર્ણ ચંદ્રક અને 1976 માં સાહિત્ય અકાદમી એવાર્ડ મળેલો .
1991 થી 93 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ રહેલા.નવસારીમાં અમે તેમના પાડોશી. બંને ઘર વચ્ચે એક જ દીવાલ. ઉમરમાં હું ખૂબ નાનો પણ મને એમની વાતો ગમતી. એમની એક નાની રચના મારા દિલ દિમાગ પર કાયમ અંકિત થયેલ છે.પતિ પત્ની ના ઝઘડા પછી પત્ની એ અબોલા લીધા અને બે ત્રણ દિવસ પછી પિયર જતી રહી . સંસ્કૃત માં શ્લોક છે .
“મુંકં કરોતી વાચાલં ,પંગુમ લંઘયતે ગિરિમ
યતકૃપા ત્વં હમ વંદે ,પરામાનંદમ માધવમ “
અર્થ -મૂંગા ને બોલતો કરે છે અને લંગડા ને પર્વત ચઢાવે છે
એવી કૃપા કરનાર પરમાત્મા ને હું વંદન કરું છું .
ઉશનસે આની સામે સુંદર લખેલું .
મૂંગા ને બોલતો કરે એમ શું નવાઈ ? અમારા અબોલા તોડાવે તો જાણું
લંગડા ને પર્વત ચઢાવે એ તો જાણે ઠીક , એને પિયર થી પાછી લાવે તો જાણું
ઉશનસ મારા દિલ માં વસ્યા છે અને સદા રહેશે અને બીજી રચના
વળાવી બા આવી
રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી ગયો વિરહ, બેસી પડી પગથિયે
ખુબ સંવેદનશીલ રચના અમારા જીવનની સાથે વણાઈ ગઈ ખરેખર તો અમે આ કવિતા જીવી છેઅને અમે આ કવિતા હજી પણ જીવીએ છીએ.કવિતાના હૃદયસ્વરૂપની સમજણ આજે પણ અનુભવીએ છીએ.
અમે ચાર ભાઈ અને એક બહેન- બહેન અપરિણીત છે.દિવાળીમાં ચારેય ભાઈઓ પોતાના પરિવાર સાથે આવે-પાંચ દિવસ આનંદ ઉત્સાહ અને કિલ્લોલમાં પુરા થાય અને પછી એક એક ભાઈનો પરિવાર જાય, છેલ્લો ભાઈ જાય ત્યારે આવજો કહી ને અમારી માં ઉંબરે બેસી પડતી,ઘરમાં આવવાની હિંમત ના રહેતી.અમારા પિતાજી ધીમે રહી ને હાથ પકડી અંદર લાવે અને રવેશી ના હિંચકે બેસી ને બોલ્યા વગર બંને અશ્રુ વહાવે. થોડા સમય પછી અમારા પિતાજી ચા બનાવે ત્યારે મારી માં બોલાતી
“પંખી ઓ ઉડી ગયા, રહ્યા આપણે માળાના રખવાળા”
માં ના વાત્સલ્યને, પ્રેમ ને શબ્દોમાં સમાવાય નહીં પણ તેને થયેલા વિરહ ની વેદનાની અનુભૂતિ પછી મારી બહેનને થતી,આજે એમના અવસાન ને ૨૮ વર્ષ થયા પણ એ પરંપરા ચાલુ જ છે. આજે તો અમારા છોકરાને ત્યાં પણ છોકરા છે. માં ગઈ ને બહેન આવી ..એનો હાથ પકડનાર કોઈ નથી છતાંય અશ્રુ ઓ તો એક જ વેદના પોકારે ચાહે તે માં ના હોઈ કે બહેનના .
-હેમંત ઉપાધ્યાય
(ઓમ માં ઓમ)

વિશેષ માહિતી -સંકલન
પાંચમા દાયકાથી આરંભાયેલું ઉશનસનું કાવ્યસર્જન અનુગાંધીયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાથે ગાંધીયુગીન ચિંતન-ભાવનાની કવિતાના લક્ષણો તેમ જ એની ય પૂર્વની બ.ક.ઠાકોરની સમાસઘન પદાવલિવાળી સોનેટ કવિતા પણ જોવા મળે છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃત્તિ, પ્રણય અને પ્રવાસ તેમના કાવ્યવિષયો છે. કવિતાને એમણે ચાહી કે કવિતાએ એમને ચાહ્યા એ કહેવું દોહ્યલું છે. વિપુલમાત્રામાં વિવિધતાસભર કાવ્યો એમણે આપ્યા. અન્ય યુગપુરુષ કવિઓની જેમ નવા યુગની કવિતા- ગઈ કાલ અને આજની વચ્ચે આવું અદભુત સમતુલન જાળવી શકનાર ગુજરાતી કવિ ભાગ્યે જ બીજો કોઈ થયો હશે…મનુષ્યચેતનાનાં ઊંડાણોમાં ઊતરી શકતી, પ્રબળ વેગવાળી સર્ગશક્તિને કારણે ઉશનસે ગુજરાતી ભાષાને ઉત્તમ કવિતા સંપડાવી છે. કવિ ઉપરાંત વિવેચક તરીકે ઉશનસનું નોંધપાત્ર પ્રદાન છે. સર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યવિચાર એમના વિવેચનોને આગવું બળ આપે છે. તેમની પાસેથી ચરિત્ર, નવલકથા, નાટક પણ મળે છે.

કલમના કસબી: કનૈયાલાલ મુનશી-5

આજે વેલેન્ટાઇન ડે. ચારે તરફ એની ચર્ચા, ઉજવણી. પ્રેમ એ જીવનનું રસાયણ છે. પ્રેમ એ હ્રુદયની તરસ છીપાવતું અમૃત છે. પ્રેમ વાતાવરણમાં છે. એક દૃષ્ટિ, એક સ્પર્શ, એક કાર્યમાં પ્રેમ છે. જરૂર છે સભાન બની તેને અનુભવવાની.  આજે જાણે અજાણે પણ પ્રેમની વાતો ને પોતે કેટલા ભાગ્યશાળી છે પ્રેમ પ્રાપ્ત કરવા માટે તેના લેખા-જોખા લેવાઈ જાય. આપણે જ્યારે મુનશીની વાત કરતાં હોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમના પ્રેમ ભરેલા પાત્રો વિશે ને કાક અને મંજરીના  પ્રણય સંબંધ વિશે. ત્યારે પ્રશ્ન એ થાય કે  મુનશી પોતે અંગત જીવનમાં પ્રેમ, પ્રેમિકા ને પત્ની માટે કેટલા નસીબદાર હતા. 

જીવનસંગિની એ કોઈના પણ જીવનનો અતિ અગત્યનો હિસ્સો છે. મુનશીના સંસ્મરણોમાં છે કે તેમના માટે વહુની વરણી થતી હતી ને તેઓ સાંભળ્યા કરતાં, રસથી કે કેમ તે ખબર નહોતી. આખરે ચાર વર્ષની વહુ સાથે તેમના વિવાહ થયા ને લગ્ન સમયે તેની ઉંમર હતી આઠ વર્ષની. તે ગૃહસ્થ બન્યા, પાઘડી પહેરી ઘોડે ચડ્યા ને રડતી ધર્મપત્નીને પાછળ બેસાડીને લઈ આવ્યા.

બાપાજી સુરતની બાજુમાં આવેલા સચીનના દિવાન નિમાયા. ત્યાં એક આઠ-નવ વર્ષની ગૌરવવંતી, તેજસ્વી, હેતાળ અને તોફાની  છોકરી હતી. નાના છોકરાઓ રમે એમ તેઓ બંને રમતા, લડતાં, રડતાં ને તોફાન કરતાં. પણ બાલ મુનશીની કલ્પનાએ એની આસપાસ કંઈ કંઈ સૃષ્ટિઓ ઘડી ને ભાંગી. ૧૯૦૩ માં ફરી ચાર દિવસ એ બાળાને મળ્યા  વાસ્તવિક રીતે તો એ સામાન્ય પ્રસંગ હતો પણ એ બાળાએ તેમની કલ્પનાનો કબજો લીધો. દિવસે તેનું હાસ્ય સંભળાય ને રાતે તેને દેખ્યા કરે. સાત વર્ષ થયાં બંને એકબીજાને ઝંખતા હતા. મુનશી નોંધે છે કે “અમે બંને પરણવા સર્જાયા લો હતાં. હું એના વિના તરફડતો હતો. એ મારા વિના ઝૂરતી હતી.”એ સ્મરણોના સમૃધ્ધરંગી ચિત્રો મુનશીએ  “વેરની વસૂલાત” માં ચીતર્યા છે તો તેના કેટલાક પ્રકરણોની જીવંતતા વર્ષોના આંસુ સીંચીને તેમણે ઉછેરી છે.

એ વખતના શિષ્ટાચાર પ્રમાણે વહુ બાર વર્ષની થાય એટલે તેને સાસરે બોલાવી લેવાતી. અહીઁ વહુ શરીરમાં છેક નાની હતી ને એને ભણાવવાની કોઈ તસ્દી લેતું નહિ. સંસ્કારી સાસરિયામાં જે પ્રકારની રીતભાત જોઈએ તે કોઈ તેને શીખવતું નહિ. “ભાઈ” તો મોટી વિદ્વાન સ્ત્રીઓની વાતો કરતો ને તેનો વહુ તરફનો અણગમો વધતો હતો. “ભાઈ” ના વહુ વિશેના ખ્યાલ નાટકી હતા. એને તો સાથે ગાય, વગાડે ને અંગ્રેજીમાં વાતો કરે એવી વહુ જોઈએ. વહુ અભણ છે, મૂર્ખ છે, માટે હું એને નહિ બોલવું એવી વાત કરે ને ઘણીવાર તો “ભાઈ”  આંસુ પણ સારે. હેત અને કાળજીથી સાસુમા વહુ અતિલક્ષ્મીને ઘેર લાવ્યા ને તેના સંસ્કાર પરિવર્તનનું કામ માથે લીધું જે પત્થર ઘડવા કરતા પણ કઠિન હતું. જે છોકરીના જીવનનો આધાર પોતે હતા તેને દુઃખી કરવામાં પાપ દેખાતું. પણ એ પ્રતિજ્ઞા પાળતા તેમનો જીવ રહેસાઈ જતો.તેમને તો પ્રેમવિવાદકરી શકે, કેન્ટ અને સ્પેન્સર વાંચી શકે એવી સહચરીની ઝંખના હતી. તેમને મળી લક્ષ્મી…જે તદ્દન બાળક હતી – શરીરે ,બુદ્ધિમાં, વિકાસમાં. આથી હતાશ થઈ તે રડતાં રહેતા એટલું જ નહિ પણ તેમણે મરવાનો નિશ્ચય કર્યો. લક્ષ્મી નિર્દોષ, અજ્ઞાન ને શ્રદ્ધાળુ હતી.એની આંખોમાં સદાય ભક્તિ તરવરતી. એની સાથે ક્રૂર થઈ ન શકાય તેથી જાત પર ક્રૂર બન્યા. એકલા એકલા આક્રંદ કરીને ધગધગતા શબ્દોમાં પોતાનું દુઃખ વ્યક્ત કરતા. તેઓએ વેદનાને આ રીતે નોંધી-”  …વેદના ને જીવલેણ દુઃખ હું સતત અનુભવું છું. મારો અભ્યાસ, મારી ખાસિયતો અને  રંગભૂમિના મારા શોખે મને બગાડી મૂક્યો છે. મે બહુ ઊંચા આદર્શો સેવ્યા. મે સ્વપ્નાં જ જોયા કર્યા. તિલોત્તમા અને સાવિત્રી એ મારા આદર્શો. મે તો સુંદર વાત કરનારી ને સાથે ગંભીર, વિચારશીલ ને સમસંસ્કરી પત્ની ઝંખેલી; પણ એ આશા તો હંમેશ માટે કચડાઈ ગઈ…” છેવટે બીજા કોઈ નહિ તો બા માટે માટે જીવવું એવું નક્કી કર્યું.  તેમના સુખમય સંસાર પર અંધારું ફરી વળ્યુ તો રાત અને દિવસના  દારુણ દુઃખ ન શમતાં હૈયાભંગ થયો. આના કારણે તેમનું  મન અશાંત રહેવા લાગ્યું અને રાતની ઊંઘ ઊડી ગઈ. પરિણામે તેઓ વાંચ્યા કરતાં. તેમણે તત્વજ્ઞાનના વાંચન ઉપરાંત ફ્રાન્સના વિપ્લવનો વિસ્તૃત અભ્યાસ કર્યો. હ્યુગોની કૃતિઓ વાંચી. દુમાની એકએક કૃતિ એકથી વધુ વાર વાંચી.ઉપરાંત વડર્ઝવર્થ, બાયરન, શેલી અને ટેનીસન ના બધાં કાવ્યો વાંચી નાખ્યા.

‌1902માં કોલેજમાં જવું તે આજે વિલાયત ભણવા જવા કરતાં પણ વધારે મોટુ સાહસ ગણાતું હતું. ઇ.સ. 1902 થી 1906 સુધી તેમણે વડોદરા કોલેજમાં બોર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો. નાટક જોવાનો શોખ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજનું વાતાવરણ તેમણે “સ્વપ્નદૃષ્ટા” માં વર્ણવ્યું છે એટલું જ નહિ પણ તેમના મિત્ર” પી.કે.” અને પ્રો. શાહનું ચિત્ર પણ આપ્યું છે. તેમના સમયે કોલેજમાં અત્યંત પ્રભાવશાળી, વિદ્યાર્થીઓને પ્રેરણા આપી તેમના ભવિષ્યના જીવન પર સચોટ અને સ્થાયી અસર કરવાની શક્તિ ધરાવનાર બે શક્તિશાળી પ્રોફેસરો હતા. એક હતા તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાનના  પ્રોફેસર જગજીવન વલ્લભજી શાહ, જેમને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ પક્ષપાત હતો. તેઓ ધાર્મિક અને નૈતિક જીવનના ચુસ્ત હિમાયતી હતા અને વિદ્યાર્થીઓને આડકતરી રીતે ઉપદેશ આપી તેમની દૃષ્ટિ મર્યાદા વિશાળ બનાવતા હતા. બીજા હતા અંગ્રેજી અને ફ્રેંચના પ્રોફેસર અરવિંદ ઘોષ. ફ્રેન્ચ વિપ્લવ વખતના વિચારતરંગોથી મુગ્ધ બની તેઓ મિરાબો, દાંતાં ને નેપોલિયનના પરક્રમોનું મનન ને કીર્તન કર્યા કરતા. પહેલા જે ધર્મચુસ્ત હતા, હવે તેઓએ પાશ્ચાત્ય સંસ્કારોને વશ થઈ જનોઈ ને શિખા નો ત્યાગ કર્યો સાથે દેશ અને દેશબંધુ માટે કઈક ચિરંજીવ કરી જવાની ઈચ્છા જાગી.અરવિંદ ઘોષે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ઝુકાવ્યું ને “વંદેમાતરમ્” નું તંત્રીપદ લીધું. તેમના લેખો અને તેમના ભાષણની વિદ્યાર્થી મુનશી પર ગહેરી અસર હતી. તેમના કોલેજકાળની ઘણી વાતો તેમણે “સ્વપ્નદ્રષ્ટા ” માં વણી છે.

પાંચ વર્ષનો કોલેજનું અભ્યાસ પૂર્ણ કરી ગ્રેજ્યુએટ થયા ને અંગ્રેજી માં “ઇલિયેટ” પારિતોષિક મળ્યું. શારીરિક દુર્બળતા એ મોટી મુશ્કેલી હતી. માંદગી દરમ્યાન યોગસૂત્ર સાથે ગીતા વાંચી . બંને ગ્રંથો સારી રીતે સમજવાની અશક્તિ છતાં સંયમ કેળવવાના પાંચ -છ શ્લોક અને બે -એક સૂત્રો તેમને સાંપડ્યા, જે સ્વસ્થતા જાળવવામાં ખૂબ ઉપયોગી થઈ પડ્યા. આ દરમ્યાન તેમણે ખૂબ વાંચ્યું અને નોંધપોથીમાં ઉતાર્યું.

મુનશીજીની  આત્મકથાને અડધે રસ્તે વિરામ આપીએ અને આવતા અંકે માણીએ તેમની શ્રેષ્ઠ નવલકથાની વાત…ત્યાં સુધી વિચારી લો તમારી મનપસંદ નવલકથા કઈ છે…

રીટા જાની

૫ – मेरे तो गिरधर गोपाल …અલ્પા શાહ

हे री मैं तो प्रेम-दिवानी मेरो दरद न जाणै कोय।

दरद की मारी बन बन डोलूं बैद मिल्यो नही कोई॥

घायल की गति घायल जाणै, जो कोई घायल होय।

जौहरि की गति जौहरी जाणै जो कोई जौहर होय॥

सूली ऊपर सेज हमारी, सोवण किस बिध होय।

गगन मंडल पर सेज पिया की, मिलणा किस बिध  होय॥

दरद की मारी बन-बन डोलूं बैद मिल्या नहिं कोय।

मीरा की प्रभु पीर मिटेगी जद बैद सांवरिया होय॥

મેં સાંભળેલા મીરાંબાઈ ના ભજનો માં આ મારુ સૌથી પ્રિય પદ છે. મીરાંબાઈ આ પદ માં શ્યામ ના પ્રેમ માં ગળાડૂબ એક પ્રિયતમા તરીકે ઉભરી આવે છે. આ પદ શ્યામ પ્રત્યે ના તેમના પ્રેમ ના ખુલ્લા એકરાર ની જાણે બાંગ પુકારે છે અને એથીયે એક ડગલું આગળ મીરાંબાઈ એ  પ્રેમ થકી અનુભવાતી જે અંતર ની પીડા છે તેને સહજ રીતે પ્રગટ કરેલ છે. મારા મતે મીરાંબાઈ ની શ્યામ પ્રત્યે ની પ્રીત  રાધાજી કરતા પણ ચડિયાતી હતી. રાધાજી ની દુનિયામાં શ્યામ પ્રત્યક્ષ હાજર હતા અને રાધાજી અને ગોપીઓ ની સંગે શ્યામસુંદરે અનેક લીલાઓ સદેહે કરી હતી. જયારે મીરાંબાઈ સાથે? મીરાંબાઈ સાથે શ્યામ “સદેહે” હાજર નહોતા અને ક્યારેય તેમની સાથે શ્યામસુંદરે લીલાઓ કરી હોય તેવું પણ નથી અને  તે છતાંયે મીરાંબાઈ એ જે ઉત્ક્ટતાં થી તેમના શ્યામ ને ચાહ્યો છે તેજ દર્શાવે છે કે મીરાંબાઈ એક ઉચ્ચકોટિ ના આત્મા હતા અને તેમનું શ્યામ સાથે નું જોડાણ એક આત્મા થી આત્મા નું જોડાણ હતું. મીરાંબાઈ માટે તેમનો કૃષ્ણપ્રેમ એક નશો હતો. મીરાંબાઈ એ પોતાની જાત ને શ્યામ ના પ્રેમ માં ઓગાળી દીધી હતી અને મોટાભાગ ના લોકો એ આ પ્રેમ નો વિરોધ કર્યો હતો અને પડકાર્યો હતો. પણ મીરાંબાઈ માટે શ્યામ પ્રત્યે નો તેમનો પ્રેમજ જીવવાનું ચાલક બળ હતો અને એટલેજ કદાચ મીરાંબાઈ પોતાની જાત ને “પ્રેમ દીવાની” તરીકે ઓળખાવે છે.

મીરાંબાઈ ના પદ ના શબ્દો ના ઊંડાણ માં જઈએ તો મને એવું લાગે છે કે મીરાંબાઈ એક સંત કવિયત્રી હોવાની સાથે સાથે એક ફિલસૂફ પણ હતા. જિંદગી ના જંજાવાતો સામે પણ અડગ રહીને અને સર્વ પ્રત્યે સમદ્રષ્ટિ રાખી, કોઈ પણ જાત નું મૂલ્યાંકન કર્યા વગર જિંદગી કેવી રીતે જીવવાની તે તો મીરાંબાઈ પાસે થીજ શીખવું રહ્યું. આ પદ માં નીચેની બે પંક્તિઓ વિષે મારે થોડું વધારે લખવું છે.

घायल की गति घायल जाणै, जो कोई घायल होय।

जौहरि की गति जौहरी जाणै जो कोई जौहर होय॥

મીરાંબાઈ કેટલા સરળ શબ્દો માં એક ખુબ ગંભીર અને ઊંડી વાત કહી ગયા છે. સામાન્ય રીતે આપણે સૌ જયારે કોઈના વિષે કોઈ અપ્રિય કે નકારાત્મક વાત વાંચીએ કે સાંભળીએ કે તેમની સાથે એ બાબતે વાત કરીએ તો મનોમન આપણે તેમના વિષે એક અભિપ્રાય બાંધી લઈએ છીએ. મનોમન આપણા પોતાના વિચારો અને અનુભવો ના આધારે તેમનું મહદંશે નકારાત્મક મૂલ્યાંકન કરી લઈએ છીએ. જેમ મીરાંબાઈ એ લખ્યું છે તેમ “ घायल की गति घायल जाणै, जो कोई घायल होय।”, આપણે પોતે સામેવાળી વ્યક્તિ ના સંજોગો માંથી પસાર થવાના નથી, આપણને પુરેપુરી વાત ની માહિતી પણ નથી તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે કોઈ પણ વ્યક્તિ ને નકારાત્મક દ્રષ્ટિ એ મૂલવીએ (એટલે કે judge કરીએ). કહેવાય છે કે “Not all pains are visible and not all wounds are physical”. શું ખબર સામે વાળી વ્યક્તિ કેટલા સંઘર્ષો નો સામનો કરી ને હસતું મોઢું રાખીને આપણી સામે ઉભી હોય અને શું ખબર એની જિંદગી માં હજુ કેટલા ઝંઝાવાતો આવવાના બાકી હોય. જિંદગી ની સાર્થકતા એમાં જ છે જયારે આપણે સૌને સમદ્રષ્ટિ સમભાવ રાખીને કોઈ પણ જાત ના મૂલ્યાંકન વગર આપણી જિંદગી માં આવકારીએ.

કાલે તો Valentine’s Day છે એટલે પ્રેમ નો એકરાર કરવાનો દિવસ, પ્રેમ માં સમર્પિત થવાનો દિવસ. ક્યારેક એવો સવાલ થાય કે આ અઢી અક્ષર નો શબ્દ “પ્રેમ” એટલે શું?

  પ્રેમ એટલે એક સ્નેહ ની સરવાણીની સરગમ રેલાવતું સ્તવન

  પ્રેમ એટલે છલકાયેલી લાગણીઓ નું આખેઆખું નંદનવન

  અઢી અક્ષર નો આ “પ્રેમ” બની રહ્યો છે મારી ધડકન

તો ચાલો આપણે પણ આપના પરમ પ્રિય એવા અંતર માં રહેલા શ્યામ ના પરમ પ્રેમ સુધી પહોંચવા ડગ માંડવાનું  ચાલુ કરી દઈએ અને સાથે સાથે આ પ્રેમ માં તરબોળ પદ ને શ્રી મૃદુલકૃષ્ણ શાસ્ત્રીજી ના મધુર સ્વર માં સાંભળતા સાંભળતા છુટા પડીએ

આપના પ્રતિભાવો અને માર્ગદર્શન ની અપેક્ષા સાથે વિરમું છું.

અલ્પા શાહ