વોલમાર્ટ માં જીવનનું એક દર્શન.
હજુ ગઈકાલની જ વાત છે. રોજના નિત્ય ક્રમ મુજબ હું વોલમાર્ટના આગળના દરવાજાની નજીક આવેલા બાંકડા પર બેઠો હતો. રોજ તો ચારેય દિવાલની જેટલા નજીક જવાય તેટલા જઈ; પૂરા ચાર આંટા મારવાનો નિત્યક્રમ બે એક મહિનાથી જળવાયો છે. મારી પત્ની શોપિંગ કરે અને હું આમ જાતે આપી દીધેલી, વિના પગારના વોચમેનની નોકરી કરું!
પણ ગઈકાલે સવારે કોઈક કારણસર પગમાં થોડોક ઝટકો આવ્યો હતો. આમે ય થોડોક નબળો એવો જમણો ઢીંચણ સહેજ દૂખતો હતો. આથી એક જ રાઉન્ડ માંડ માંડ પતાવી, દુખાવાને વધારે વકરતો અટકાવ્યો હતો. આટલી મોટી જગ્યામાં જ્યોતિને ખોળીને શી રીતે વહેલા પતાવવાની સૂચના આપવી? એટલે ‘ટાઈમ પાસ’ પ્રવૃત્તિ માટે મારી પાસે હમ્મેશ હાજર રહેતા બે કાગળમાંથી ઓરિગામીનાં મોડલ બનાવવામાં હું મશગૂલ હતો. એક કાગળમાંથી ખુરશી બનાવી દીધી હતી, અને બીજા કાગળમાંથી મારું મનપસંદ મોડલ ‘વાઇકિંગ હોડી’ બનાવી રહ્યો હતો.
એટલામાં મને આભાસ થયો કે, કોઈ મારી સામે ઊભું છે. મેં કાગળમાંથી ડોકું બહાર કાઢીને સામે જોયું તો એક સોળેક વર્ષનો, નખશીશ ગોરો છોકરો મને ધીમા અવાજે કાંઈક કહી રહ્યો છે.
મારા બન્ને કાન ઘણું ઓછું સાંભળી શકે છે, અને ધ્યાન ન હોય તો તો કશી જ સમજ ન પડે. વળી આ તો પૂરો ગોરો અમેરિકન. એમના ઉચ્ચાર સમજવામાં મને આમેય તકલીફ પડે છે.
મેં એને મારી નબળાઈ જણાવી. તેણે થોડાક મોટા અવાજે બોલવાનું ચાલુ કર્યું. તે મને કાંઈક મદદ કરવાનું જણાવી રહ્યો હતો. મને લાગ્યું કે, નક્કી કશીક નવી આફત આકાર લઈ રહી છે. મેં કહી દીધું , “ જો ભાઈ! હું તો રિટાયર્ડ માણસ છું. મારી પાસે કશી આવક કે હાજર રકમ નથી”
પણ તેણે તરત કહ્યું,” ના, ના, હું તમને શી મદદ કરી શકું?”
શંકા – કુશંકાઓથી ટેવાયેલા ઘરડા ખખ્ખ દિમાગમાં કોઈ નવી જ ચાલબાજી રમાઈ રહ્યાની આશંકા ઘેરાવા લાગી. મેં કહી દીધું “ જો ભાઈ! થાકીને હું અહીં બેઠો છું, પણ મારે કશી મદદની જરૂર નથી.”
પણ એ જવાનિયો મારો કેડો એમ મેલે એમ ન હતું. તેણે કહ્યું,” લાવો , તમારા પગ દબાવી આપું.”
મેં કહ્યું, “ના , ભાઈ તારા જેવડા જ મારા પૌત્રની પણ હું એવી મદદ લેતો નથી.”
તેણે કહ્યું,” મને તમારો પૌત્ર જ માની આટલી સેવા કરવા દો ને?”
હવે મને તેના રૂપાળા ચહેરા પાછળ છુપાયેલો માનવતા ભર્યો આતમરામ દેખાવા લાગ્યો. મારા અવાજમાં આત્મીયતા ઊભરાઈ આવી. મેં કહ્યું, “દીકરા! મારા જયની જેમ તું આમ મીઠા અવાજે બોલે છે, એનાથી જ મારો દુખાવો હળવો થઈ જાય છે. તારી ઉમર કેટલી, બેટા?”
તેણે કહ્યું, “ ઓગણીસ વર્ષ. તમારો જય કેટલી ઉમરનો છે?”
“બરાબર તારી જ ઉમરનો. એ પણ તારા જેવો જ મીઠડો છે.”
“તમારા પગ દબાવવા દીધા હોત તો મને બહુ આનંદ થાત.”
“લે! તારા આનંદ ખાતર હમણાં જ બનાવેલી આ ઓરિગામી ખુરશી તને મારા તરફથી ભેટ.”
એ ખુરશી જોઈ તે આનંદ વિભોર બની ગયો. મને કહ્યું,” મને મળેલી આ સર્વોત્તમ ભેટ છે. એમાંથી તમારો પ્રેમ નીતરી રહ્યો છે.” આમ કહીને નીચા વળીને તેણે મને પ્રણામ કર્યા.
અને …..
‘જીવન મને ગમે છે.’ એ વિચારમાં મારો વિશ્વાસ અનેક ગણો વધી ગયો.
સુરેશ જાની