હાસ્ય સપ્તરંગી -(૩૬)સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે,
એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની,
સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

અડધો કચરો આગળવાળાને ત્યાં અને અડધો કચરો પાછળ,
પણ એમની પોતાની સૌથી ચકચકિત અગાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

કમ્પાઉન્ડમાં બોલ પડતા-વેંત જ જપ્ત કરી દે એ,
એમનાં કરતૂતોથી અમારી આખી ક્રિકેટ-ટીમ ત્રાસી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

“મોંઘા હૈ, થોડા વાજબી બોલો” “પોન્ચમેં દો, વરના હેંડો”;
હિન્દી તો એમ બોલે જાણે જન્મથી હિન્દીભાષી છે.
…એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે.

Thanks to-સાક્ષર હરીશભાઇ ઠક્કર-..http://saksharthakkar.wordpress.com/

 

 

 

હાસ્ય સ્પતરંગી-(૨૨)- લમણેશની લમણાઝીંક-સાક્ષર ઠક્કર

અંગ્રેજીમાં એક શબ્દ છે હાઈપોકોન્ડરીઆક

Hypochondriac – a person who is abnormally anxious about their health

(રોગનો ભ્રમ સેવનાર)

મારો મિત્ર લમણેશ ડિસોઝા (નામ, અટક, જ્ઞાતિ, જાતિ, મારી સાથેનો સંબંધમાંથી કેટલુક બદલેલ છે ) Hypochondriac નથી. Hypochondriacને રોગ ન હોય તો પણ એવો ભ્રમ રહ્યા કરે કે એને કોઈ રોગ છે.  લમણેશને ખરેખર અલગ અલગ વિચિત્ર જાતના રોગ થયા કરતા હોય છે અને એને દવા લેવાની નથી ગમતી. બે દિવસ પહેલા  લમણેશના ઘરે અમે જમવા ગયા હતા અને લમણેશ મેડીકલ સ્ટોરથી એની દવાઓ લેવા ગયો હતો ત્યારે એની પત્નીએ એની જે વ્યથા વર્ણવી તે તેમના જ શબ્દોમાં કંઈક નીચે મુજબ છે:

જવા દો ને બહુ તકલીફ છે.  બે અઠવાડિયા પહેલા જ એમને ખંજવાળની તકલીફ ઉપડી હતી, બે દિવસ સુધી જ્યારે બેસે ત્યારે પલાઠી વાળીને જ બેસે અને પગની પાનીઓને ખંજવાળ્યા કરે. હવે ઘરે છે ત્યાં સુધી ઠીક છે, પણ અમે રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંય પલાઠી વાળીને બેસી ગયા. એમ પાછા સ્વચ્છતાના આગ્રહીગંદા હાથ વડે ખવાય નહિ એટલે બધું ચમચીથી ખાધું. સૂપ સુધી તો બધું બરાબર હતું, પણ જેવો પાપડ આવ્યો, એને ચમચીથી ખાવામાં સ્ટીલની થાળીમાં એટલું બધું ટંગ ટંગ કરીને ખાધું, બધા ટેબલવાળા અમારી તરફ જોતા હતા. પછી ઘરે જઈને કહે કે આજે પાપડ ચમચીથી ખાધો એટલે બરાબર પાચન નથી થયું અને ઝાડા થઇ ગયા છે, તો ૧ કલાકમાં ૫થી ૬ વાર ટોયલેટ જઈ આવ્યા, અને આ બાજુ પગની પાનીએ ખંજવાળ તો ચાલુ ને ચાલુ જ એટલે અંદર જઈને દઈ જાણે શું ય કરતા હશે, જ્યારે જાય ૨-૩ મિનીટમાં ધડામ દઈને અવાજ આવે.

મેં બહારથી પૂછ્યું, “બધું બરાબર તો છે ને?”

તો કહે કે “હા સહેજ બેલેન્સ જતું રહ્યું હતું, Indian ઝાઝરૂ હોત તો હાલત વધારે ખરાબ થાત”.

આટલી બધી તકલીફ હતી તો મેં કીધું ઝાડાની હાલત થોડી સારી થાય તો ડોક્ટરને બતાવી આવો ખંજવાળ માટે,

તો કહે  કે “ખંજવાળ કંઈ જીવલેણ રોગ થોડો છે તો એમાં ડોક્ટરને બતાવાનું હોય”

પછી એમને કંઈક યાદ આવ્યું એટલે ગાદલાની નીચે મૂકી રાખેલા  “સહિયર”ના “દાદીનાં નુસખા”ના કટીંગ કાઢ્યા, એમાંથી એક કાગળિયાંમાંથી કંઈક વાંચીને, એક હાથમાં “સહિયર”ના કટિંગ અને બીજા હાથથી ડાબા પગની પાની ખંજવાળતા મને કહે કે “લાવ મને અખરોટ આપ, આમાં લખ્યું છે એક અખરોટનો ટુકડો ૯ વખત ચાવીને ખાવાથી ઝાડામાં તરત રાહત મળે છે”

હું અખરોટ અને ખાંડણી લઇને આવી, તો  “ખાંડણીની શું જરૂર છે! આ મારા મજબુત દાંત ક્યારે કામમાં આવશે?” એમ કહીહું કહું કે “અત્યારે ઝાડા થયા છે ને એમાં દાંતથી તોડવાનું risk નાં લેશો” એની પહેલા જ અખરોટ લઇ સીધી દાંતથી તોડવા લાગ્યા, અને એટલામાં જ એમને હેડકી આવી તો અખરોટ આખી મોઢાની અંદર જતી રહી. પછી કંઈક કેહવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ એમના મોઢામાં રહેલ અખરોટને કારણે મને બસ  “અ અ આં આં” જ સંભળાયું. એનો એમને ખ્યાલ આવતા ફોનની બાજુમાં પડેલ પેન લઇ અને સહિયરના “દાદીમાંના નુસખા”ના કટિંગમાંના દાદીમાના ક્લોસ-અપ ફોટોમાં, દાદીમાંના કપાળ પર કંઈક લખ્યું અને મને બતાવ્યું. ત્યાં દાદીમાંના કપાળ પર લખ્યું હતું, “પક્કડ લઇ આવ”

હું પક્કડ લઇ આવી, પછી પક્કડ લઇને એમણે જોરથી અખરોટ બહાર ખેંચી, અખરોટ બહાર નીકળીને દુર ફેંકાઈ ગઈ અને એ તરત ટોયલેટ તરફ દોડવા લાગ્યા, બારણું બંધ કરતા પહેલા મને કહ્યું, “ખંજવાળ મટી ગઈ”

દસેક મિનીટ પછી બારણું ખુલ્યું અને એ તરફથી બુમ આવી, “લમણીકા….. અહીંયા આવ કંઈક બતાવું”, મેં મારા કલ્પનાઓના ઘોડાઓને સહેજ પણ દોડાવ્યા વગર એ તરફ ગઈ તો એ ટોયલેટની બહાર અરીસા સામે મોં ખુલ્લું રાખી ને ઉભા હતા , “આ જો અહિયાં દાંત આગળ સોજો આવી ગયો હોય એવું લાગે છે?”

Dentist એ આખી અખરોટ વાળી ઘટના સાંભળી અને હસવાનું રોકતા રોકતા કહ્યું, “સોજો તો આવ્યો છે પણ એ મોટી તકલીફ નથી, સોજો તો જાતે બેસી જશે… પણ તમારો પાછળનો એક દાંત સડી ગયો છે, અત્યારે તો એ આ સોજાને કારણે કાઢી નહિ શકાય, પણ ૨-૩ દિવસમાં સોજો બેસે એટલે મળવા આવી જજો”

ડોકટરે કીધું એમ સોજો તો બે દીવસમાં ઉતરી ગયો, પણ એ વખતે dentist પાસે ના ગયા, એના પછી ૧ અઠવાડિયા પછી બીજી નવી તકલીફ ચાલુ થઇ. “આંખની ભ્રમર (eyebrow)માં દુખાવો”

સવારે ઉઠીને જ મને કીધું કે “eyebrow દબાવી આપ”, માણસની ઉપર કોઈ ઘોડો બેસીને માણસની સવારી કરતો હોય એવું દ્રશ્ય ભાળીને કોઈ પણ માણસના જેવા હાવ-ભાવ હોય તેવા હાવ-ભાવ સાથે મેં પૂછ્યું, “હેં….???” તો કહે “બેરી થઇ ગઈ છે? Eyebrow દુખે છે, દબાવી આપ તો ભગવાન તારું ભલું કરશે”.

એમને શિયાળામાં ઠંડીને લીધે અમુક વાર માથાના વાળ તો દુખતા જ હોય છે એ વખતે કપડા સૂકવવાની કલીપ વાળ પર અડધો કલાક લગાવી દે અને એમને રાહત થતી હોય છે. આ eyebrow વાળો દુખાવો નવો હતો. પણ હું એમને ઓળખું એટલે બીજું કંઈ આગળ પૂછ્યા વગર મેં એમની જમણી eyebrow દબાવવાની ચાલુ કરી, તો મારો હાથ પકડીને કહે કે “ડાબી eyebrow દુખે છે, આ નહિ”

એટલે મેં ડાબી eyebrow દબાવવાનું ચાલુ કર્યું. આ કામનો પહેલા અનુભવ નહિ એટલે પહેલા ધીમા દબાણથી દબાવવાનું ચાલુ કર્યું, તો એમણે કહ્યું, હજુ જોરથી દબાવ, મેં થોડું જોર વધાર્યું તો “ઓ….” કરીને ચીસ પાડી. એમણે ચીસ પાડી એના લીધે મને એમના દાંત દેખાયા અને ખબર પડી કે જેમ કેરીના કોથળામાં એક બગડેલી કેરીને લીધે બીજી બધી કેરી બગડવા માંડે એમ એમના બીજા બે દાંત પણ સડી ગયા હતા. એમાંથી એક દાંત તો આગળનો વચ્ચે નો દાંત સડી ગયો હતો.

એના પછી બે દિવસ એમને સમજાવ્યા ત્યારે Dentist પાસે ગયા ત્યારે ડોકટરે કહ્યું, “થોડા વહેલા આવ્યા હોત તો દાંતને બચાવી શક્યા હોત, પણ અફસોસ હવે તો દાંતને કાઢવા પડશે.” આ સાંભળીને એનેસ્થેસિયા આપ્યા વગર એ જ વખતે એમના દાંત ખેંચી કાઢ્યા હોય એવું એમનું મોઢું થઇ ગયું. પછી તો… 

એટલામાં લમણેશ બારણાંની અંદર આવ્યો. દવાઓની કોથળી ટેબલ પર મૂકી, સોફા પર બેઠો. મેં પૂછ્યું, “શું ચાલે લમણેશ? તબિયત કેવી છે?” લમણેશે પલાઠી વાળી, બંને હાથથી એની બંને પગની પાની ખંજવાળતા ખંજવાળતા, નીચેના એક દાંત વગરનું સ્મિત આપી એ બોલ્યો,

બસ જલસા છે.”

સાક્ષર ઠક્કર

હાસ્ય સપ્તરંગી-(૧૩) સારું થયું-સાક્ષર ઠક્કર

લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત – 

(રાગ – મસ્ત હુઆ, બરબાદ હુઆ – અસરાર અલી)

સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

સારું થયું,

ઘણું સારું થયું,

તારું આ હૈયું, હવે મારું થયું…

પપ્પાની ચિંતા સઘળી ટળી ગઈ,

મમ્મીને વહુ મળી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી

જબરી તું જડી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી,

જ્યારે તું જડી ગઈ,

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

ભાઈબંધોને મળીશ હું જ્યારે મારીશ મોટા ફાકા,

“પૈણીશ ક્યારે?” પૂછશે નહિ હવે મામા માસી કાકા,

પંડિતોને કહી દો સારા ચોઘડિયાઓ આપો,

હોલ બુક કરો, ડીજે રોકો, કંકોતરીઓ છાપો.

કેમકે પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

લોકો કહે છે લગ્ન પછી થશે સુખનું પૂર્ણવિરામ,

આઝાદી છીનવાઈ જશે પોકારશો ત્રાહિમામ.

લોકોનું તો કામ છે એવું બધી જગાએ નડશે,

હું તો ખુશ છું મારી માટે જીવનસાથી મળશે.

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

સગપણ તારું મારું થયું…

– સાક્ષર ઠક્કર

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા (18)બ્લેક ફ્રાઈડે ડીલ-સાક્ષર ઠાકકર

બ્લેક ફ્રાઈડે ડીલ

આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બ્લેક ફ્રાઈડેની રાતના ૧૨ વાગે મારી ૧૨ કલાક પહેલા જ લીધેલી નવી  ગાડીના પાછળના તૂટેલા કાચ સામે, મારા હાથમાં મારા ૯ મહિનાના બાળક અને મારા મિત્ર સાથે પોલીસની સામે બેઠો હોઈશ.

“ભાભી, નેહા ઇન્ડિયાથી પાછી આવે ત્યારે એને આવો ગાજરનો હલવો બનાવતા શીખવાડી દેજો નહિતર હું તમને વારે ઘડીએ હેરાન કર્યા કરીશ” એની ખાલી થઇ ગયેલી વાટકીમાં ચોથી વાર ગાજરનો હલવો લેતા લેતા રવિ બોલ્યો.

“અરે રવિભાઈ, ખાઓ ને તમ તમારે. જ્યારે તમારે ઈચ્છા હોય ત્યારે મને કહેજો, સાક્ષર સાથે ઓફિસે મોકલાવી આપીશ” મનાલી એ કહ્યું.

“અરે કેટલી વખત આ સાક્ષરને કીધું કે કંઈક લઇને આવ, પણ આ પાક્કો અમેરિકન થઇ ગયો છે, આજે થેન્ક્સ ગીવીંગ છે એટલે જ જમવા બોલાવ્યો” થાળી લઇને સિંક તરફ જતા જતા કહ્યું.

“જા જા હવે, બે દિવસ પહેલા તો ઓફીસમાં ખીર લઇને આવ્યો તો અને ગયા અઠવાડિયે પણ બે દિવસ જમવા તો આવ્યો તો, અમેરિકન તો તું થઇ ગયો છે, બોલાવું ત્યારે જ આવવાનું એવું, બોલાવ્યા વગર ના અવાય?” મારી જમી લીધેલી થાળી રવિને પકડાવતા મેં કહ્યું.

“એ બધું છોડ, ચાલ વોલમાર્ટ જઈએ, બહુ મસ્ત બ્લેક ફ્રાઇડે ડીલ ચાલે છે ટીવીની, આ ૪૩ ઇંચનું ટીવી ક્યા સુધી વાપરીશ? મસ્ત નવું ૬૦ ઇંચનું લઇ લઈએ એક મારે લેવા નું છે અને એક તું લઇ લે” વરીયાળીનો ફાકો મારતા રવિ બોલ્યો.

“એ બધું કોઈ ડીલ વિલ કશું ના હોય ખાલી છેતરવાના ધંધા બ્લેક ફ્રાઈડેના નામે અને અત્યારે અડધો કલાક પછી ૧૦ વાગે તો એ લોકો સ્ટોર ખોલશે એટલે બહુ ભીડ હશે લોકો ૨ દિવસથી લાઈન લગાવીને બેસે છે, પાગલ લોકો! જવું હોય તો કાલે સવારે જઈશું” મેં કહ્યું.

“ઓહો, છેતરવાના ધંધા એમ, તો પછી તે આજે સવારે બ્લેક ફ્રાઈડે ડીલમાં નવી ગાડી કેમ લીધી?” રવિએ કહ્યું

“એ તો એમ પણ લેવાની જ હતી, બ્લેક ફ્રાઈડે સિવાય પણ આટલું ડિસ્કાઉન્ટ મળી જ જતું હોય છે” મેં ખુલાસો કર્યો.

પછી મનાલી સામે જોઈને ,” ચાલો ને ભાભી પછી ત્યાં બાજુમાં શોપિંગ મોલ પણ છે ત્યાં શોપિંગ પણ થઇ જશે તમારું”

“મારે તો કંઈ શોપિંગ નથી કરવું, સુઈ જવું છે, અને સમર્થ ઊંઘે છે એટલે કોઈકે તો ઘરે રહેવું પડશે ને” રવિના ઉમળકા પર પાણી ફેરવતા મનાલીએ કહ્યું.

“શું વાત કરો છો ભાભી! શોપિંગની સામેથી ના પાડો છો! ભગવાન તમારા જેવી પત્ની સૌ કોઈને આપે” રવિએ કહ્યું.

એટલામાં બેબી મોનીટરમાં થી સમર્થનો રડવાનો અવાજ આવ્યો. મનાલી ઉપરના રૂમમાં સમર્થને જોવા ગઈ.

“જો હવે સમર્થ પણ ઉઠી ગયો છે, એટલે ૨-૩ કલાક ઊંઘશે નહિ અને મનાલીને ઊંઘવું છે તો હું સમર્થ સાથે રમીશ” નહિ જવાનું મેં બીજું એક બહાનું કાઢ્યું.

“લે તો તો સારું જ છે, સમર્થને લઇ ને જઈએ ભાભી ને ય ઊંઘવા મળી રહેશે, અને સમર્થને પણ તારી નવી ગાડીમાં ફરવાની મજા આવશે” મારા બહાનાને નકારતા રવિ બોલ્યો.

એટલામાં સમર્થને નીચે લઇને મનાલી આવી.

મનાલી પાસેથી સમર્થને તેડીને રવિએ કહ્યું, “ભાભી, હું અને સાક્ષર સમર્થને લઇને જઈ આવીએ છે, ૨-૩ કલાકમાં તો આવી જઈશું, આવતા આવતા રસ્તામાં જ સમર્થ ઊંઘી જશે”

“હા લઇ જાઓ એને ખવડાવી દીધુ છે એટલે તમને હેરાન નહિ કરે” મનાલી એ કહ્યું.

“કોણ હેરાન નહિ કરે? સાક્ષર કે સમર્થ? “ રવિએ હસતા હસતા કહ્યું.

“બંને” મનાલી એ હસતા હસતા જવાબ આપ્યો.

“મને તો કોઈ પૂછો” મેં કહ્યું.

 

વોલમાર્ટનો પાર્કિંગ લોટ બિલકુલ ભરેલો હતો. એકદમ દુર અમને પાર્કિંગ મળ્યું. ગાડી પાર્ક કરી, સમર્થને એની કાર સીટમાંથી નીકળ્યો અને અમે લોકો વોલમાર્ટ તરફ ચાલવા લાગ્યા.

“આ બેગ શેના માટે લીધી?” મારા ખભે લટકાવેલી બેગ જોઈને રવિએ પૂછ્યું.

“સમર્થના સામાનની બેગ છે, એના ડાયપર, દૂધની બોટલ વગેરે વગેરે, ભલે ખાઈને નીકળ્યો છે, પણ ગમે ત્યારે ગમે તે જરૂર પડે, તારે બેબી આવશે એટલે તને ખબર પડશે” મેં કહ્યું.

અમે જેમ જેમ વોલમાર્ટની નજીક જવા લાગ્યા, ભીડનો અવાજ વધવા લાગ્યો. નજીક પહોંચ્યા તો મેં જેવું વિચાર્યું એવું જ દ્રશ્ય હતું, લગભગ ૩૦૦ થી ૪૦૦ જણની મોટી લાઈન હતી, લાઈનમાં આગળ ઉભેલા ૬-૭ લોકો પોતાના તંબુને સમેટતા હતા. સ્ટોર ખુલવાને ૧૫ મિનીટની વાર હતી, લોકોના ચહેરા પર અધીરાઈ અને ઉત્સાહ દેખાઈ રહ્યા હતા.

“ચાલો હવે પાછા જઈએ?” મેં રવિ સામે જોઈને કહ્યું.

“ઉભા તો રહે ૧૫ મિનીટ પછી સ્ટોર ખુલે એટલે આ બધી લાઈન વિખરાઈને ટોળું બની જશે, પછી ઘૂસ મારતા તો આપણને સરસ આવડે જ છે” રવિ કોલર ચડાવીને બોલ્યો.

“તું જઈ આવ, સમર્થની સાથે હું આવું રિસ્ક નથી લેવાનો” મેં કહ્યું.

રવિનું મોં પડી ગયું. પણ એની નિરાશા બે ક્ષણ માટે જ રહી અને એનું મોં ફરી ખીલી ઉઠ્યું અને એણે કહ્યું, “આ બેગમાં દૂધની બોટલ છે ને?”

“હા, કેમ?” મેં પૂછ્યું.

“તું એ બધું છોડને, બસ મને બોટલ આપ અને તું સમર્થ સાથે અહિયાં પેલા દરવાજા આગળ ઉભો રહે, હું સિક્યોરીટી ગાર્ડને મળીને આવું છુ”

હું એણે કહ્યું એ જગ્યા એ ઉભો રહ્યો અને જોયું તો રવિ સિક્યોરીટીવાળા માણસને બોટલ બતાવી ને કંઈક કહી રહ્યો હતો અને એ ગાર્ડ બીજા ગાર્ડ સાથે કંઈક વાત કરી અને રવિને કંઈ કહ્યું. રવિએ મારી તરફ ઈશારો કરી અને મને એ બાજુ બોલાવ્યો, હું ગયો અને સિક્યોરીટી ગાર્ડએ ત્યાં અડધા ખુલેલા શટરમાંથી અમને બંનેને અંદર જવા દીધા.

“શું કહ્યું તે એમને”  મેં રવિ ને પૂછ્યું.

“કંઈ નહિ મેં કહ્યું બાળકને ભૂખ લાગી છે અને દૂધની બોટલ ગરમ કરવા માટે ગરમ પાણી જોઈએ છે.” રવિએ લુચ્ચું સ્મિત આપતા કહ્યું.

“તું નહિ સુધરે”

સિક્યોરીટી ગાર્ડએ દેખાડેલા પાણીના કુલર આગળ જઈને અમે ઉભા રહ્યા. આજુ બાજુ જોઈ અને રવિ એ કહ્યું, “બસ ૫ મિનીટ અહિયાં ઉભા રહીને ટાઈમ પાસ કરવાનો છે પછી ગેટ ખુલી જશે અને બધું ટોળું અંદર આવશે, ત્યારે આપણે ટીવી વાળા સેક્શનમાં પહોંચી જઈશું.”

અમે ત્યાં ઉભા ઉભા ગરમ પાણીનો નળ ચાલુ કરી પાણી દૂધની બોટલમાં ભર્યું, પછી ખાલી કર્યું ફરી પાછુ ભર્યું. એટલામાં એક શટર ખુલવાનો અવાજ આવ્યો અને એક સાથે મોટું ટોળું અંદર આવવાનું શરુ થઇ ગયું. અમે લોકો ટીવીના સેક્શનની નજીક માં જ હતા એટલે ત્યાં પહોચી ગયા, અને ટોળામાં સમાઈ ગયા અને ત્યાં ટીવીની લાઈનમાં ચોથા પાંચમાં નંબરે આવી ગયા.

૧૦ જ ટીવી હતા જે ડોર બસ્ટર  ડીલમાં હતા. અમારો નંબર આવ્યો ત્યારે અમે ૬૦ ઇંચના ૨ ટીવીની માંગણી કરી.  કાઉન્ટર પર બેસેલો માણસ અંદર જઈ અને કંઈક ચેક કરીને આવી અને અમને કહ્યું કે એક ટીવી બ્લેક ફ્રેમ વાળું છે અને એક ગ્રીન ફ્રેમ વાળું છું. રવિએ મને પૂછ્યા વગર એને બંને લાવવા માટે ઓર્ડર કરી દીધો અને પોતાનું ક્રેડીટ કાર્ડ આપી દીધું. મારી સામે જોઈને કહ્યું, “ફ્રેમ માં આપણને શું  ફરક પડે છે, આટલી સરસ ડીલ છે, કલર આપણે પછી નક્કી કરી દઈશું. અત્યારે તો બંને લઇ લઇએ. મને પૈસા પછી તું ટ્રાન્સફર કરી દેજે”

 

બે બોક્સ આવ્યા એ કાર્ટમાં લઇ અને અમે નીકળ્યા. મારી નવી SUVમાં પાછળનો દરવાજો ખોલી અને બે બોક્સ ગોઠવી દીધા અને હું ડ્રાઈવર સીટ તરફ જતો હતો અને મારો હાથ રોકી અને રવિ એ કહ્યું, “હવે એહી સુધી આવ્યા જ છે તો મોલ માં પણ જઈ આવીએ ને!”

“સમર્થ હવે ઊંઘમાં આવ્યો છે, રડવા લાગશે” મેં કહ્યું.

“એ રડે એટલે સીધા આપણે પાછા બસ. પ્રોમિસ.” સમર્થના માથે હાથ ફેરવતા રવિએ કહ્યું.

પાંચેક મિનીટ જેટલું ચાલીને શોપિંગ મોલના પ્રવેશ આગળ પહોંચ્યા ત્યાં જ સમર્થે રડવાનું ચાલુ કર્યું. રવિ કંઈક વિચારીને નવી યોજના બનાવે એની પહેલા મેં એને કહ્યું, “તે પ્રોમિસ કર્યું’તું, ચાલો હવે પાછા”

રવિએ કહ્યું, “ એકાદ પ્રયત્ન તો કરી જોઈએ” એમ કરીને મારી પાસે થી એણે સમર્થને તેડી લીધો, અને એની બેગમાં થી કાઢીને એના ૨-૩ રમકડા આપી જોયા પણ બધા જ પ્રયત્નો વ્યર્થ. પછી એને ગલી પચી કરી જોઈ, પણ એના લીધે સમર્થનું રડવાનું બમણું થઇ ગયું.

રવિએ સમર્થને મને પાછો આપી અને હતાશ થઇને કયું” “ઓકે ચાલો”

 

ગાડી જે લાઈનમાં પાર્ક કરી હતી ત્યાં પહોચ્યા તો દુરથી દેખાયું કે એક ગાડી રસ્તા વચ્ચે પડી હતી.

“આ કોણે આવી પાર્ક કરી છે, રોડની વચ્ચે? આપણી ગાડી ની સામે ના હોય તો સારું નહિ તો ગાડી કેવી રીતે કાઢીશું!” મેં રવિને કહ્યું.

થોડા નજીક ગયા તો દેખાયું કે એક જણ એક બોક્સ લઇને એ રસ્તા વચ્ચે ઉભેલી ગાડીમાં મૂકી રહ્યો હતો. મને અને રવિને લગભગ એક સાથે જ ખ્યાલ આવ્યો કે એ અમારી જ ગાડીમાં થી નીકાળેલુ ટીવીનું બોક્સ હતું અને અમે બંને સાથે ગાડી તરફ દોડ્યા.

અમને આવતા જોઈને પેલો માણસ તરત ગાડીમાં પસેન્જર સીટમાં બેસી ગયો અને એ ગાડી શરુ થઇને ત્યાંથી નીકળી ગઈ. અમે ગાડી નજીક પહોંચીએ અને નંબર જોવાનો પ્રયત્ન કરીએ એ પહેલા તો એ ગાડી ત્યાંથી ફરાર થઇ ગઈ હતી.

હું દોડ્યો ત્યારે અચાનક સમર્થ હસવા લાગ્યો હતો અને હવે એ સારા મુડમાં આવી ગયો હતો. મેં મારી નવી નકોર ગાડી તરફ જોયું તો પાછળનો કાચ તૂટેલો હતો અને એક ટીવીનું બોક્સ ગાયબ હતું. રવિ માથું પકડીને ત્યાં બેસી ગયો. મેં પોલીસને ૯૧૧ પર ફોન લગાવ્યો અને એક ટીવી ચોરી થયા વિષેની બધી વાત કહી.

ફોન લગાવ્યા પછી ૪ જ મિનીટમાં સાઈરન સાથે ત્યાં પોલીસ આવી પહોંચી.

 

આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બ્લેક ફ્રાઈડેની રાતના ૧૨ વાગે મારી ૧૨ કલાક પહેલા જ લીધેલી નવી  ગાડીના પાછળના તૂટેલા કાચ સામે, મારા હાથમાં મારા ૯ મહિનાના બાળક અને મારા મિત્ર સાથે પોલીસની સામે બેઠો હોઈશ.

આવેલા બે માંથી એક ઓફિસરે એક નોટપેડ અને એક પેન કાઢી અને કંઈક લખવા નું ચાલુ કર્યું અને અમને બંને ને જોઈને પૂછ્યું કે ટીવી કોનું હતું?

મેં અને રવિએ એકબીજા સામે જોઈ અને હળવું સ્મિત કર્યું.

 

ચાંદીના ચમકીલા વાળ-(૪) સાક્ષર ઠક્કર

“સફેદ રંગ એ શાંતિનો રંગ છે”

આવું જેણે પહેલી વાર વિચાર્યું હશે એને એ વખતે સફેદ વાળ આવ્યા નહિ હોય, કારણ કે જ્યારે પહેલી વાર પહેલો સફેદ વાળ આવે છે ત્યારે જીવનમાં અશાંતિ થવાની ચાલુ થઇ જાય છે. જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાતી હતી એમ સફેદ વાળ આવ્યા પછી આપણે અરીસા સામે ઉભા હોઈએ તો આપણને આપણો એક માત્ર સફેદ વાળ જ દેખાય છે.

આપણા સમાજમાં સફેદ વાળ નાની ઉમરમાં હોવા એ બહુ શરમજનક કહેવાય છે. એ વાતનો ફાયદો વાળ કાળા કરી આપવાની પ્રોડક્ટવાળા સારી રીતે ઉઠાવે છે. મેં જોયેલી સૌથી પહેલી વાળ કાળા કરવાની જાહેરાત કંઈક આ પ્રમાણે હતી. દુરદર્શન પર ગોદરેજ ડાઈની જાહેરાત આવતી હતી, એમાં એક પાર્ટીમાં એક કાકા અને માસી જાય છે ત્યાં માસીને કોઈ બહેન કહીને બોલાવે છે અને કાકાને કાકા કહીને બોલાવે છે એટલે કાકા બગડે છે અને ઘરે જઈને ગોદરેજ ડાઈ લગાવીને કાળા વાળ વાળા થઇ જાય છે. આવી જાહેરાતો જોઈને પછી જ્યારે પણ સફેદ વાળ આવે ત્યારે એ વાળને સંતાડવાની અથવા કાળા કરવાની મથામણ ચાલુ થઇ જાય છે.

પહેલો સફેદ વાળ છુપાવવાની જટિલતા એ વાળના સ્થાન પર આધારિત છે. જો વાળ માથાની પાછળની બાજુ હોય તો તો વાળ ધારકના ધ્યાનમાં આવતા પણ વાર લાગે છે. જો વાળ આગળ હોય તો અમુક વાર અમુક રીતની પાંથી પાડવાથી એ સફેદ વાળ છુપાવી શકાતો હોય છે પણ જો આગળ રહેલા સફેદ વાળનું સ્થાન પાંથીની એકદમ નજીક હોય તો પાંથી પાડવાથી પણ સફેદ વાળ છુપાતો નથી અને પાંથી પાડ્યા પછી ટોળામાંથી કોઈ ઓળખીતો દેખાઈ આવે એમ કાળા વાળની વચ્ચે એ એક સફેદ વાળ દેખાઈ આવે છે.

આવી અલગ અલગ રીતથી વાળ સંતાડવાના પ્રત્યનો બાદ આપણે એક દિવસ ઘોર અપરાધ કરી બેસીએ છે: એ સફેદ વાળ ખેંચી નાખવાનો. પહેલો સફેદ વાળ ખેંચી નાખવાનો સંતોષ બસ થોડા દિવસ જ રહે છે જ્યાં સુધી બીજા ૩ નવા સફેદ વાળ નથી આવી જતા, અને પછી તો એક પછી એક જેમ પહેલા વરસાદ પછી દેડકા નીકળે એમ ઘણા બધા સફેદ વાળ આવવા માંડે છે.

અત્યારે મારા માથા પર અડધા વાળ કાળા છે અને અડધા ધોળા છે. ધોળા વાળના ટોળા એક પછી એક કાળા વાળને વટલાવી રહ્યા છે. અમુક ક્રાંતિકારી કાળા વાળ જ્યારે નીડર થઇને સામનો કરે છે ત્યારે ખરી પડે છે. એક દિવસ માથા પર ધોળા વાળનું સામ્રાજ્ય સ્થપાઈ જશે ત્યાં સુધી આ ત્રણ સમસ્યાઓ નડશે:

૧. વાળ ધોળા થશે

૨. વાળ ખરશે

૩. ધોળા વાળ નહિ ખરે

વાર્તા રે વાર્તા (12) સાક્ષર ઠક્કર

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી………..

અનીતા પણ મુંઝાણી હતી કારણ કે એ જે ફાઈનાન્સિયલ કંપનીમાં કામ કરતી હતી એ કંપનીને પણ ઈકોનોમીની અસર થઇ હતી. એ જ ક્ષેત્રની ૧૫૦ વર્ષ જૂની અને મોટી કંપની લેહમન બ્રધર્સે બેન્કરપ્સી ફાઈલ કર્યા બાદ અનીતાની કંપની કોસ્ટ કટિંગ માટેની યોજના બનાવી રહી હતી. આજે જ તેની કંપનીના સી.ઈ.ઓ. એ ઘોષણા કરી કે,  એમની કંપની ૧૫% કર્મચારીઓની છટણી કરવાની છે. અનીતા વધારે ડરી એટલે ગઈ હતી કારણ કે તેના કેફેટેરીઆમાં એણે તેના બે સહ કર્મચારીઓને વાત કરતા સાંભળ્યા હતા અને તેમની વાતનો સાર એમ હતો કે, છટણીમાં ઊંચા હોદ્દા પરના લોકોનો વારો પહેલા આવશે. હમણાં હમણાં જ કામ પર પ્રમોશન મળ્યું હતું એ હવે શ્રાપ જેવું લાગતું હતું.

આ બધા વિચારો કરતી કરતી જ એ ઘરે આવી, આખો દિવસ વિચારી વિચારીને એનું માથું દુખી ગયું હતું. કપડા બદલ્યા પહેલા જ સીધી રસોડામાં જઈને ચા બનાવવા મૂકી. ફરીથી ત્યાં ઉભા ઉભા એના વિચારોનું ચક્ર ચાલુ થઇ ગયું હતું, કે બંનેની નોકરી જતી રહશે પછી શું થશે? આ ઘર વેચવું પડશે, કોઈ નાના ઘરમાં જવું પડશે, એના લીધે બાળકોની સ્કુલ બદલાશે…. એટલામાં ઘરનો બેલ વાગ્યો.બારણું ખોલ્યું તો ઉદય ધસીને અંદર આવ્યો, ગુસ્સામાં પોતાની લેપટોપ બેગ સોફા પર ફેંકી અને પૂછ્યું,

“ફોન ક્યાં છે તારો?”

આજ કાલ ઉદય પણ સ્ટ્રેસમાં રહેવાને કારણે નાની નાની વાતોમાં ગુસ્સે થઇ જતો. એને જે VC પાસેથી ફંડીગ મળવાનું હતું એણે હાથ ઊંચા કરી દીધા હતા. સવાલ માત્ર startup નો ન હતો, એમાં એની સાથે કામ કરતા બીજા ૯ જણ ના ભવિષ્યનો હતો જે પોતાનો બધો દારોમદાર ઉદય પર રાખીને બેઠા હતા. ઉદયે ગઈકાલે ટીમ મીટીંગમાં બધાને ભરોસો પણ અપાવ્યો હતો કે, કોઈ પણ જાતનું software related કામ મળતું હોય અત્યારે આપણે લઇ લઈશું, એક વખત રીસેશનમાંથી બહાર આવીએ ત્યારે આપણા સ્ટાર્ટ અપના main idea, ઘરડાઓની સંભાળ લેતા રોબોટ પર કામ કરીશું….

“અહિયાં જ તો છે ફોન મારો…” સોફા પર સ્વીચ ઓફ પડેલા ફોનને ઉઠાવતા અનીતાએ કહ્યું , “ઓહ સ્વીચ ઓફ થઇ ગયો હતો…શું થયું?”

“તું પૂછે છે શું થયું? ઋષિ અને ઋજુતા ક્યાં છે?”

“હે ભગવાન”… સોફા પર માથું પકડીને અનીતા બેસી ગઈ. એને યાદ આવ્યું કે આજે એ ઓફીસથી એના છોકરાઓને સ્કુલેથી લઇ આવવાનું જ ભૂલી ગઈ છે…

“સ્કુલવાળાઓનો ફોન હતો…સ્કુલ બંધ થવાનો ટાઈમ હતો અને કોઈ લેવા આવ્યું નહી… હું ત્યાં પહોચ્યો ત્યારે ત્યાં કોઈ નહતું અને સ્કુલ પણ બંધ હતી… તને ખબર છે કેટલી important meetings cancel કરીને મારે નીકળવું પડ્યું, અને ખબર નહિ અત્યારે બાળકો ક્યાં હશે…”

આખા દિવસની ચિંતાની સાથે બાળકોની ચિંતા ભળી એટલે અનીતાની આંખોમાં પાણી આવી ગયું…

“I am really sorry ઉદય… મારું ધ્યાન જ ન રહ્યું… હવે એ લોકોને ક્યા શોધીશું, ક્યા હશે એ…”

ઘરનો બેલ વાગ્યો… અનીતા દોડીને બારણું ખોલવા ગઈ…. બારણું ખોલીને જોયું તો ઋષિ અને ઋજુતાને લઇને બારણા પર Matt  (ઋષિના દોસ્ત Tomના પપ્પા) ઉભો હતો…

“We waited for you at school for sometime but none of you came so I thought I’d just drop them off… here you go”  Matt એ કહ્યું.

“Thank you Matt. Why don’t you come in” ઉદયે Mattને અંદર આવવાના ઇશારા સાથે કયું.

“Some other time, I need to leave now, take care guys” કહીને Matt જતો રહ્યો.

બીજા દિવસે જ્યારે અનીતા ઊંઘમાંથી ઉઠી ત્યારે જોયું તો ઉદય અને છોકરાઓ બધા ઘરમાંથી કામ માટે અને skuk નીકળી ગયા હતા. એને ગઈ રાતનું બધું યાદ આવ્યું, Matt ના ગયા પછી ઉદય એની સાથે વાત કાર્ય વગર basement માં એની home office માં જતો રહ્યો….એ રડતી રહી.. ઋષિ અને ઋજુતા એને વારે ઘડીએ મનાવતા રહ્યા…

“મમ્મા રડ નહિ, અમને ઘરનો રસ્તો ખબર છે એટલે અમે આવી ગયા”

થોડી વાર રડવાનું બંધ કર્યા પછી જમવાનું બનાવી, બાળકોને જમાડી, ઊંઘાડી પોતે જ્યારે ઊંઘવા ગઈ ફરીથી બધા વિચારો કરીને રડવા લાગી. ઉદય ત્યાં સુધી બેડરૂમમાં આવ્યો ન હતો…અને રડતા રડતા જ એ સુઈ ગઈ…

હવે અનીતાએ વિચાર્યું કે હવે બહુ થઇ ગયું, ચિંતા કરીને કંઈ મળવાનું નથી, આ પરિસ્થિતિ બદલવા માટે મારે જ કંઈક નક્કર કદમો ઉઠાવવા પડશે નહીતર ચિંતા આ આખા પરિવારને ખાઈ જશે.

ઓફીસ પર પહોંચીને એણે સૌથી પહેલા એના મેનેજર Rogerની સાથે બીજા દિવસની meeting ગોઠવી દીધી, Meeting નો વિષય રાખ્યો “Best ways of cutting costs for our company” અને એણે એના presentation પર કામ ચાલુ કરી દીધું, તેની કંપની કયા કયા વિભાગમાં કેટલા ખર્ચ કરે છે અને ક્યાં બચાવી શકાય બધી જ બાબતોનું વિશ્લેષણ કરવાનું ચાલુ કરી દીધું. Gardening cost જેવી નાનામાં નાની બાબતોથી લઇને મોટા મોટા બીજી કંપની સાથેના contract બધું જ બારીકી થી સમજવા લાગ્યું, અને દરેક ખર્ચ માટે એક એક વિકલ્પ વિચારીને નોંધવા લાગ્યું.

ઓફીસથી નીકળી બાળકોને સ્કુલ પરથી pick up કરી ઘરે પહોંચી. આજે પણ ઉદય વહેલો આવી ગયો હતો પણ આજે પણ વાત કરવાના મુડમાં નહોતો. ઘરે આવીને પણ અનીતાએ રાતના ૩ વાગ્યા સુધી કામ કર્યું. છેવટે જ્યારે એના presentation થી સંતોષ થયો ત્યારે પોતાનું laptop બંધ કરીને ઊંઘવા ગઈ.

“Take a seat, Ms Anita” રોજરની કેબીનમાં અનીતા આવી ત્યારે રોજરે કહ્યું.

અનીતાએ બેસી અને લેપટોપને મોટી સ્ક્રીન સાથે જોડી અને પોતાનું presentation ચાલુ કર્યું. એના presentationમાં એણે cost cutting ના best 5 ઉપાયો ઉપયોગીતાના ચડતા ક્રમમાં બતાવ્યા. પહેલા ૪ ઉપાયોનું વિસ્તારપૂર્વક presentation પત્યું અને છેલ્લેથી બીજી slide આવી જેમાં રોજરને સૌથી વધારે રસ હતો. એ જોવા માંગતો તો કે સૌથી પહેલા ક્રમે શું આવે છે જેમાં cost cutting થી company ને ફાયદો થાય.

પહેલા ક્રમે હતું IBM સાથેનો સોફ્ટવેર contract. અનીતાએ વધુ માહિતી આપતા કહ્યું કે IBM સાથે વાર્ષિક contract માટે તેમની કંપની $500,000 આપે છે….જે સોફ્ટવેર એ લોકો વાપરી રહ્યા છે એ છેલ્લા પાંચ વર્ષથી બદલાયું નથી અને જ્યારે પણ કોઈ issues આવે છે ત્યારે IBM મોટી કંપની હોવાને કારણે એટલો જલ્દીથી  પ્રતિભાવ પણ નથી આપતી. અનીતાએ સૂચવ્યું કે જો એની જગ્યાએ એ contract કોઈ startup companyને આપવામાં આવે તો એનાથી અડધા કરતા પણ ઓછી costમાં કામ પણ થઇ જાય અને સારો support પણ મળે. બે મહિનામાં IBM સાથેનો contract renew થવાનો છે એની પહેલા જો આપણી પાસે સારો વિકલ્પ તૈયાર થઇ જાય તો આ ક્ષેત્રમાં ઘણા પૈસા બચી શકે છે.

રોજરે પૂછ્યું કે એવી તો કઈ startup આપણને ૨ મહિનામાં કામ કરી આપશે?

અનીતાએ છેલ્લી slide ખોલી. એમાં લખ્યું હતું

“Uday Shah, CEO of Rise Software and Robotics”

અનીતાએ કહ્યું કે મારો પતિ એક સ્ટાર્ટઅપ ચલાવે છે અને મને પૂરે પૂરો ભરોસો છે કે ૨ મહિનામાં એ આપણા માટે નવું software બનાવી આપશે અને આપણે IBM સાથે contract renew નહિ કરવો પડે.

Worst case જો ૨ મહિનામાં આપણને સંતોષ કારક કામ થયેલું ન મળે તો આપણે IBM સાથે આવતા વર્ષ માટે પણ contract ચાલુ રાખીશું.

“Let me think over this. Thank you for the presentation.” રોજરે કહ્યું.

રોજરની કેબીનમાંથી બહાર નીકળતી વખતે ઉપર જોઈને અનીતા મનમાં બોલી, ” હે ભગવાન, સંભાળી લેજે”રોજરે એની સામે પડેલી ફાઈલમાંથી એક કાગળ કાઢ્યો. જેનું શીર્ષક હતું,

“List of people to lay off”

એમાં “Anita Shah” નામ પર ચોકડી મારી અને એના ડેસ્ક પરનો ફોન ઉઠાવી, એની સામેની સ્ક્રીન પરથી વાંચીને નંબર લગાવ્યો.

સામેથી જયારે કોઈએ ફોન ઉઠાવ્યો, તો રોજરે પૂછ્યું,

“Can I please speak with Mr Uday Shah? “

Thanks,
Sakshar

 

આ મહિનાનો “બેઠક”નો વિષય છે.

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે” 

 “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  ) 

 શ્રેઠ આસ્વાદ ના  લખાણ માટે નું ઇનામ મહિનાના અંતમાં  બેઠકમાં  જાહેર થશે  ઓછામાં ઓછા 800 થી હજાર શબ્દો હોવા જરૂરી છે. એમની રચનાઓ આપને અહી મળશે    http://layastaro.com/?cat=128 નહીતો ગુગલ ગુરુ ને પુછશો. 

       આજે વિખ્યાત કવિ શ્રી ચિનુભાઈ મોદી “ઈર્શાદ” ની એક સરસ રચના મમળાવીએ….

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?

ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,

મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

“તમે એવાને એવા જ રહ્યા ”(9)રશ્મિબેન જાગીરદાર

નિરવભાઈ ને કસ્ટમ ઓફિસર –class oneઓફિસર તરીકે હવે 2 જ વર્ષ બાકી હતા એમની નિષ્ઠાપૂર્વક ની પ્રમાણિક કામગીરી થી સંતુષ્ટ એવા ઉપરી અધિકારી ઓ એ એમને છેલ્લા 2 વર્ષો એમની ઈચ્છા પ્રમાણે ની પોસ્ટ આપવા માટે બોલાવ્યા હતા
ઉપરી અધિકારી —બોલો નીરવભાઈ ક્યાં જવું છે ?
નિરવભાઈ — sir મારા માટે કઈ પણ ચાલે પણ ઘર થોડું નજીક હોય તો ઘરના બધા રાજી રહે!
અધિકારી — નજીક માં તો વાપી જવાય તેવું છે બોલો કરી દઈએ?
નિરવભાઈ — બાપરે ! વાપી તો sir !hot પોઈન્ટ અધિકારીઓ માટે ત્યાંથી દમણ ન જીક એટલે દાણચોરો ના ગુલામ થઇ ને રહેવું પડે તેમની ટ્રકો ચેકપોસ્ટ પર થી પસાર થવા દેવી પડે ને તેમ ન કરીએ તો દાદાગીરી થી આપણને કે ઘર ના ને જાનમાલ નું નુકશાન કરે
અધિકારી — હા હા ભાઈ તમારા જેવા પ્રમાણિક નું ત્યાં કામ નહિ બાકી 2 વર્ષ નહિ ને ખાલી 2 મહિના જ ત્યાં રહો તો કરોડો કમાઈ લો
નીરવભાઈ — sir તમે તો જાણો છો મારી સૌ થી પહેલી પોસ્ટ પણ વાપી થયેલી પૂરી નોકરી પતવા આવી પણ એ વખત નો અનુભવ એવો ને એવો અકબંધ યાદ છે મને
અધિકારી કહે –સારું mr નિરવ don’t worry આપણે તમને અનુકુળ જ ગોઠવીશું
નિરવ — thank you sir
અધિકારી થી છુટા પડી ને નિ રવભાઈ નીકળ્યા પણ એમની આંખો સામે જોબ શરુ કરી એ દિવસો માં બનેલી ઘટનાઓ જાણે હમણા જ બનતી હોય તેમ દેખાવા લાગી
નિરવે તાજી માસ્ટર ડીગ્રી લઇ ને કાકા ની જેમ custom માં જોબ લીધી વાપી માં ત્યારે જ ખુબ મોટી લાંચ લઇ ને સજા પામેલા ઓફિસર ની જગા ખાલી હતી ત્યાજ એને પોસ્ટીંગ મળ્યું નિરવ ગ્રેજ્યુએટ થતાજ પરણી ગયેલો એને એક નાનો બાબો પણ હતો માતા પિતા ને પત્ની– બાબા સાથે જોબ મળતા જ એ વાપી આવી ગયો એકાદ week સામાન ગોઠવવામાં ગયો ત્યાર પછી તેઓ બધા દમણ જોવા માટે ઉપાડી ગયા દરિયા કિનારો ને શુદ્ધ હવા માં બધા ને મઝા પડી ગઈ પછી તેઓ શોપ માં ગયા એમની સાથે મિત્ર નું ફેમીલી પણ હતું બધા કઈ ને કઈ ખરીદી માં મશગુલ હતા એટલા માં ————— ઠપ ઠપ અવાજ આવ્યો જોયું તો બે જમાદાર જેવા માણસો દુકાન માં આવ્યા અને કહે —– એ ય દુકાન વાલે ભાઈ સુનો એ નયે ઓફિસર હેય ઉનકો જો ચાહિયે વો દે ના મગર પૈસે નહિ લેના વો હમારે સબ દેંગે
દુકાનદાર ઓળખાતો હતો એ દાણચોર ના માણસો હતા
એણે પૈસા લેવાની ના પાડી નીરવ કહે આ મારી પોતાની ખરીદી છે પૈસા હું જ આપીશ
પેલા બે માણસો કહે સાબ જાનતે નહિ હંમે, તુમ થો ડા સમજા દેના તો
ને એ બે ના ગયા પછી દુકાનદાર કહે— સાબ, સુનો આપ, વો જો કહે વો કરના હોગા, વો જો દે વો લેના હોગા, પૈસે દે ગા વો ભી બહોત સારે આપ અબ કુછ ભી લોગે તો બીલ વો હી ભરેગા ઓર ઉસકે બદલે મેં ઉસકા દાણચોરી કા માલ ચેક પોસ્ટ સે રોકના નહિ વરના—–
નિરવ — વારના ક્યાં?
દુકાનદાર —- વો કુછ ભી કર સકતા હે એક્ષિદન્ત ભી આપ કા યા બીબી– બચ્ચો કા
નિરવ સ્તબ્ધ થઇ જોઈ રહ્યો એ વિચારી રહ્યો —-હું માનવી માનવ થાઉં તો ઘણું આ વા ત જીવન માં ઉતારવા હું કેટલા પ્રયત્નો કરી રહ્યો છું પણ આ સ્થળે, આ સમયે શું તે શક્ય છે મારા કે કુટુંબ ના ભોગે તે કરવું યોગ્ય છે ?
અને તેણે વિનંતી કરીને વાપી થી ટ્રાન્સફર કરાવી લીધી હતી જીવન ના મુલ્યો ના ભોગે તેને કઈ જ નહોતું જોઈતું
વર્ષો પહેલાનું એ દ્રશ્ય તેની આંખ સામે આવી ને ઉભું
ઘરે જઈ ને તેણે પત્ની ને વાત કરી ને કહ્યું વાપી બદલી થાય તેમ છે પણ મેં ના પાડી હવે કદાચ દુર જવું પડે
પત્ની સાંભળી રહી પછી વ્હાલ થી કહે —– વર્ષો ના વ્હાણા વાયા પણ તમે તો એવા ને એવા જ રહ્યા
નીરવ પણ વ્હાલ થી ગાવા લાગ્યો ——હા ભાઈ હા — અમે એવા રે અમે એવા રે તમે કહો છો વળી તેવારે

રશ્મિબેન જાગીરદાર

 

તસવીર બોલે છે.-(26) સાક્ષર ઠક્કર

80646

મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા. અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા. એટલામાં મારા દોસ્તની પણ આંખ ખુલી, આ જોઈને અમને ઘેરીને ઉભેલા લોકોમાંથી ૨-૩ લોકો ગભરાઈને એક કદમ પાછળ ગયા. એમાંના સૌથી મોટા વ્યક્તિએ કહ્યું, “કલોરોફોર્મ ક્યા છે? મુકેશ, તુ પકડીને લાવ્યો પછી બરાબર કલોરોફોર્મ સુન્ઘાડ્યું નથી લાગતું, હજુ તો અડધો કલાક પણ નથી થયો અને આ દેડકાઓ હોશમાં આવી ગયા છે.”

 

મેં અને મારા મિત્રએ કુદવાનો નિરર્થક પ્રયાસ કર્યો પણ અમે ડબ્બો ખોલી ન શક્યા. અમને પકડીને લાવ્યા પછી ઘેનની અસર હજુ પણ થોડી થોડી હતી, મારી આંખો ઘેરાઈ એટલામાં ત્યાં ઉભેલા લોકોમાં થી કોઈ બોલ્યું, “લાગે છે થોડી વાર માટે આંખો ઉઘડી હશે, કલોરોફોર્મની અસર પાછી આવી ગઈ છે હવે વાંધો નહિ આવે.”

 મને સમજાઈ ગયું કે આંખો ખોલવામાં કોઈ ફાયદો નથી, આંખો બંધ રાખવામાં જ ભલાઈ છે, મેં મારા મિત્રને પણ કહી દીધું કે આંખો બંધ જ રાખ. અમે આંખો બંધ કરી ત્યારે આ પ્રમાણેના સંવાદો સંભળાયા:

” શશશ… અવાજ ન કરશો, એકાદ મિનીટ રાહ જુઓ”

“હવે નહિ ઉઠે એવું લાગે છે”

“મુકેશ, સ્કાલપેલ લાવ તો… જુઓ છોકરાઓ આવું કોઈ પણ બાયોલોજીના ટ્યુશનમાં તમને નહિ શીખવા મળે, અને સ્કૂલોમાં તો દેડકોના dissection પર પ્રતિબંધ જ આવી ગયો છે”

અને ડબ્બો ખુલ્યો…બીજું કંઈ જ વિચાર્યા વગર મેં નજીકમાં રહેલી બારીની ગ્રીલ ઉપર કુદકો માર્યો. મારી પાછળ પાછળ મારા મિત્રએ પણ કુદકો માર્યો પણ એ ગ્રીલ સુધી પહોંચ્યો નહિ અને મારા પગ પર આવીને લટકી પડ્યો. એમ પણ મારો હાથ લપસતો હતો અને ઉપરથી પગ પર મારા મિત્રનો ભાર આવવાને કારણે મારા બંને હાથ લપસી પડ્યા અને અમે બંને પેલા ડબ્બાની બાજુમાં નીચે પડ્યા. પહેલા પકડાયા ત્યારે જેવી ગંધ આવી હતી એવી જ ગંધ આવવા લાગી અને પછી…

મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા.

સાક્ષર ઠક્કર

(7)થોડાં થાવ વરણાગી-સાક્ષર ઠક્કર

મિત્રો ,દર્શનાબેને ભાઈઓને સલાહ આપી કે અમેરિકા આવ્યા છો તો હવે તમને કપડા ધોવાનું ,લોન્ડ્રી કરવાનું અને વાસણ ધોવાનું  લાઇસન્સ મળી ગયું છે અને સુખી થવું હોય તો વરણાગી થઇ જાવ ,અને 
કલ્પનાબેને તેમની કવિતામાં ડોશી ને રજુ કર્યા તો 
 લ્યો।.. આજે સાક્ષર પણ કાકા ને સલાહ આપે છે કે  કાકી 

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું। ..પછી જોવો કેવી જોડી જામે છે. ​

 થોડાં થાવ વરણાગી……………

હવે થોડાં થોડાં, તમે થોડાં 

          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
          નવી ફેશનની ધૂન બધે લાગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
મહોમદ રફીને છોડો, હવે હની સિંગ બનો,
કાકીની સાથે જઈ થોડું શોપિંગ કરો,         
 
          તમારા બાબાના જીન્સ પહેરો માંગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
છાપું છોડીને કાકા ટેબ્લેટ વાંચો હવે,
છોડી શરમ તમે બિન્દાસ નાચો હવે.
          
          ભલે વર અને ઘોડો જાય ભાગી, 
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
ફેસબુક પર થોડા ઘણા સેલ્ફીઓ ચીપકાવો,
ચીન્ગમ ચાવો ને કાકા છોડી દો પાનમાવો;
 
પણ જોજો ના જાય કાકી ભાગી
એટલે બહુ નહિ,
પણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.
Thanks,

Sakshar- સાક્ષર ઠક્કર