એશલી -શૈલા મુન્શા

“આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ,ઊની ઊની રોટલીને કારેલાનુ શાક”!

બાળપણની આ એક વહાલી કવિતા એટલા માટે કે વરસતો વરસાદ મારી પ્રિય ઋતુ. વરસાદમા ભીંજાવુ એ નાનપણ મા જ નહિ, આજે વધતી જતી વયે પણ એટલું જ પ્રિય છે. મુંબઈનો વરસાદ અને જુહુનો દરિયા કિનારો એ આજે અમેરિકામા સ્થાયી થયા પછી પણ ભુલાતો નથી.
તમને થશે કે આજે આ વરસાદ પુરાણ લઈને શું વાત કરવા માંગુ છું, કારણ આ વરસાદે અમારી એશલીની દિનચર્યા ખેરવી નાખી ને એના ઉધામાને કેમ કાબુમા લેવો એ અમારે માટે જટિલ પ્રશ્ન બની રહ્યો. પહેલી વાર મને થયું બાપ !!! આ વરસાદ હવે  વરસવાનુ બંધ કરે તો સારુ!!!!
આજે વાત મારે એશલીની કરવી છે. ભારતમા મોટા બાળકોને ભણાવ્યા અને અહીં અમેરિકામા નાના બાળકો અને તે પણ સાવ અનોખા બાળકોને ભણાવુ છું. દુનિયાની નજરે આ બાળકોને માનસિક વિકલાંગ ગણવામા આવે છે, પણ અમારા માટે દરેક બાળક અનોખુ છે. એમની આવડત અને વર્તન હમેશ અમને અજાયબ કરી દે છે.
જે બાળક જીભના લોચા વળતા હોય એમ બોલતું હોય પણ જ્યારે એ જ બાળક મોટા સ્માર્ટ બોર્ડ પર એ, બી, સી, ડી અને  અક્ષરો સાથે જોડાયેલા શબ્દો બોલે તો એની ભાષા એકદમ સ્પષ્ટ અને સમજાય એવી હોય. આખો દિવસ ભલે લવારી કરતું હોય પણ કવિતા ગાય તો શબ્દો બરાબર બોલાય!
દરેક બાળકની ખાસિયત જુદી હોય અને એમા પણ “Autistic” બાળકોનુ વર્તન હમેશ અમારી સમજની બહાર હોય છે.
એશલી પણ એવી જ એક અતિ અસામાન્ય બાળકી છે. ચાર વર્ષની એશલી એની ઉંમરના પ્રમાણમા લાંબી છે સાથે વજન પણ સરખું છે. એની મરજી વગર એની જગ્યા પરથી તસુભાર ખસેડવી પણ ભારે પડે. એની દુનિયામા મસ્ત. આજ સુધી મે ઘણા “Autistic” બાળકો સાથે કામ કર્યું છે, પણ એશલી જેવી બાળકી હજી જોઈ નથી.
એની બુધ્ધિનો આંક જોઈએ તો  એની ઉંમરના સામાન્ય બાળકો કરતા ક્યાંય વધારે. બધ્ધું નિયમસર થવું જોઈએ. બાળકોને જુદાજુદા રંગના નામ શિખવાડવા અમે પ્લાસ્ટિકની નળાકાર બોટલો રાખી છે, અને જુદી જુદી બોટલોમા લાલ, પીળા, નારંગી, ભુરા લીલા એવા રંગના નાના રમકડા વગેરે ભરી બન્ને બાજુથી એ જ રંગના ઢાંકણાથી બંધ કરેલ છે. એક બાજુના ઢાંકણા પર એ રંગનુ નામ મોટા અક્ષરે લખેલું છે.
એશલીને જ્યારે એ બોટલો આપીએ તો એ બધી બોટલો નામ ઉપર વંચાય એ રીતે રાખે, સાથે સાથે નામનો સ્પેલિંગ એની તરફ રહે એમ એક લાઈનમા ગોઠવી આંગળી મુકી એકેએક નામ વાંચે. આટલી કાળજી તો મે સામાન્ય ચાર વર્ષના બાળકમા પણ નથી જોઈ.
આ વર્ષે અમે બાળકોની ખુરશી પર ઓશિકાના કવરની જેમ કવર ચઢાવ્યા છે અને પાછળની બાજુ મોટા ખિસ્સા જેવુ બનાવ્યુ છે, જેમા એમના લખવાના કાગળ વગેરે રહે અને સાથે એમનુ નામ લખેલું હોય. હવે! દરેક બાળકમા માલિકીપણાની ભાવના તો હોય જ, પણ અમારી એશલીની ખુરશી પર જો કોઈ બેસે તો એનુ આવી બને! જ્યાં જાય ત્યાં ઉચકીને પોતાની ખુરશી સાથે લેતી જાય. જે ટેબલ પાસે એની બેસવાની જગ્યા ત્યાં કોઈથી બેસાય નહિ.
સ્માર્ટબોર્ડ પર બાળકોને જ્યારે કંઈ કામ કરવા બોલાવીએ ત્યારે એશલીનો નંબર આવવા માટે બીજો હોય. જો દર વખતે પહેલા જતું બાળક હાજર ના હોય તો અમારે  બીજા કોઈ બાળકને  પહેલા મોકલી પછી જ એશલીને બોલાવી પડે નહિ તો એ બેન એની જગ્યાએ થી હલે જ નહિ!!
અમારો રોજનો નિયમ કે બાળકોને જમાડી અમે એમને સ્કુલના પાર્કમા લઈ જઈએ. લસરપટ્ટીને બીજા  રમવાના સાધનો હોય. બાળકોને તાજી હવા મળે, થોડો વ્યાયામ થાય અને રમીને થાકે તો કલાક ઉંઘે પણ ખરા!
હવે સતત વરસતા વરસાદમા એમને બહાર તો લઈ જવાય નહિ, પણ જેવા અમે કાફેટેરિઆની બહાર નીકળી બીજા રસ્તે ક્લાસ તરફ જવા વળ્યા કે લગભગ બધા બાળકોએ સમુહમા રાગ રૂદન છેડ્યો, પણ એશલી તો હાથ છોડાવી જમીન પર લાંબી જ થઈ ગઈ. બીજા ક્લાસના બાળકો જમવા જતા હોય, થોડા માબાપ પોતાનો પ્રેમ દર્શાવવા મેક્ડોનાલ્ડનુ તૈયાર બાળકોનુ લંચ લઈ પોતાના બાળકોને જમાડવા આવ્યા હોય એ બધા વચ્ચે એશલીને જમીન પરથી ઊભી કરવી અને બીજા અમારા રડતા બાળકોનુ ધ્યાન બીજે દોરી ક્લાસ તરફ લઈ જવા!!! કલ્પના કરો શું હાલત થઈ હશે?
અમારી દશા તો યુધ્ધના મેદાનમા ઊભેલા અર્જુન જેવી થઈ ગઈ, પોતાના જ સ્વજનો સાથે લડું કે ના લડું???? અમારી વહારે બેચાર શિક્ષકોને પ્રિન્સીપાલ બધા દોડી આવ્યા. અમે એશલીને એમના હવાલે કરી આગળ વધ્યા. અમને જતા જોઈ છેવટે રડતી રડતી અને સ્પેનિશમા કાંઈને કાંઈ બોલતી ડુસકાં ભરતી એશલી અમારી પાછળ ક્લાસમા તો આવી પણ એને રાજી કરવા એને ગમતો “ક્યુરિયસ જ્યોર્જ” એ કાર્ટુનની ડીવીડી તરત ચાલુ કરવી પડી ત્યારે એના ચહેરા પર માંડ માંડ મલકાટ દેખાયો અને બે પાંચ મિનીટ મા તો જ્યોર્જના અટકચાળા સાથે એશલી પણ નાચવા માંડી.
પળમા નારાજી અને પળમા રાજી!!! એ જ તો આ બાળકોની ખુશી છે જે અમને પણ પળમા રાજી થતાં શિખવી દે છે!
શૈલા મુન્શા  તા ૦૩/૦૨/૨૦૧૬

હકીકત!-શૈલા મુન્શા.

હકીકત!

 વાવવાં જો હોય કોઈ સપના તો,

દિલ રાખવું પડે છે મજબુત!

ફસલ પાકશે કે નહિ,

એ બાહેંધરી સપના નહિ,

માનવીની ધગશ આપે છે.

મંઝિલ તો સામે જ છે, બસ!

પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે!

બેસીને કિનારે, જોતા તમાશો,

જિંદગી આખી વહી જાય છે,

હોય જો હામ, સામે વહેણ તરી જવાય છે!

કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,

ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!

શૈલા મુન્શા.  તા ૦૨/૦૫/૨૦૧૬

તમે તો એવા ને એવા જ રહ્યા!(8)શૈલા મુન્શા.

                આજે શનિવાર હતો, કામે જવાનુ કોઇ બંધન નહોતુ એટલે સુહાની જરા આરામ થી ઊઠી. એના નામની જેમ સવાર પણ સુહાની જ હતી. હજી ગરમી ની શરૂઆત થઈ નહોતી. બહાર આકાશ સ્વચ્છ હતું અને બારીના બ્લાઈન્ડમા થી દેખાતી ભુરાશ મન ને તાજગી નો અનુભવ કરાવી રહી હતી.સુહાની ને જાણે ઉઠવાનુ મન જ ન થયુ, આસાયેશ થી સુતા સુતા જ એ કુદરત નો નજારો માણતી રહી.

મનમા એ તાજગી ને ભરતી  સુહાની ફ્રેશ થઈ રસોડામા આવી. નિત્ય ક્રમ પ્રમાણે રસોડામા રાખેલા નાનકડા સી.ડી પ્લેયર પર સંસ્ક્રુત શ્લોક ની સી.ડી. ચાલુ કરી ગેસ પર કોફી બનાવવા તપેલી મુકી.

સરસ મજાની કોફી બનાવી સુહાની ડાઈનીંગ ટેબલ પર આવી અને ફોન હાથમા લીધો, વિચાર્યું કે મીતા અને નિલય ને ખાસ બીજો કોઈ કાર્યક્રમ ન હોય તો બધા ભેગા થઈ કોઈ સારૂં મુવી જોવા જઈએ. ફોન હાથમા લેતા જ સુહાની નો મુડ બદલાઈ ગયો. બધી સવારની મોહકતા અદ્રશ્ય થઈ ગઈ. ફોન ની બેટરી સાવ ડાઉન થઈ ગઈ હતી. યલો લાઈટ દેખાતી હતી એનો અર્થ માંડ વીસ ટકા બેટરી હતી.

સુહાની ની સમજમા ના આવ્યું કે રાતે ફુલ ચાર્જ કરેલા ફોનની બેટરી ડાઉન કેવી રીતે થઈ ગઈ? એકાએક એનુ ધ્યાન વોટસ અપ મેસેજ પર ગયુ. ત્રીસ જેટલા મેસેજ કેટલીય વિડિઓ.  ફેસબુક પર ના મેસેજ વધારાના. કોઈ નવાઈ નહોતી કે બેટરી ડાઉન થઈ જાય.

સુહાની વિચારી રહી સગવડ જેટલી વધે  એટલી જ અગવડ પણ એની સાથે વધે જ છે ને! ફોન મા જ  જાણે  આખું વિશ્વ સમાઈ ગયુ હોયએવી વાત બની ગઈ છે આજે, પણ એનો ઉપયોગ જરુરિયાત કરતાંય  વિશેષ એક ખોટા આડંબરની વસ્તુ બની ગઈ છે. જાતજાતના Apps down load કરી શકો અને એનો ખોટો ઉપયોગ પણ કરી શકો. વોટ્સ અપ એક રીતે બહુ ઉપયોગી છે, જ્યારે તમે કુટુંબના બધા એમા જોડાયેલા હો અને પરિવારમા કોઈ માંદુ પડે, કોઈને ત્યાં ખુશી સમાચાર હોય,  મામા માસી કાકા કાકી ફોઈ કોઈને ત્યાં, મિત્રોને ત્યાં કોઈ સારા કે માઠા સમાચાર હોય તો તાત્કાલિક આપ્ણને મળી જાય અને એક ગ્રુપ હોય તો તરત બધાને મળી જાય એ વસ્તુ ખુબ આવકારદયક છે. કોર્પોરેટ લેવલ પર જોબ કરતા યુવાનો મીટિંગમા હોય તો ફોન ના ઉપાડે પણ બે શબ્દોમા મેસેજ કરી શકે. આવા તો કેટલાય ફાયદા છે.

ધીરે ધીરે એનો ઉપયોગ એક જાતની હરિફાઈ માટે થાય ત્યારે એની અગવડતા દેખાવા માંડે છે. સુહાની જોતી કે સવાર પડે અને જાતજાતના ગુડમોર્નિંગ ના ફોટા ફોનમા દેખાવા માંડે. એમા પણ જાણે શરત લાગી હોય  તેવી હરિફાઈ કે કોણ સારો ફોટો મોકલે છે, કોઇવાર રમુજી ટુચકા એ ફરી ફરીને દસ વાર તમારા ફોનમા જુદાજુદા લોકો દ્વારા આવે..કોઈ આરતી કોઈ ભજન કોઈ સ્તવન શ્રી નાથજી, મહાવીર કે ગણપતિ, દર્શન નો લાભ તમારે લેવો હોય કે નહિ પણ તમારા મોબાઈલ પર ઝળકે જ, અને પછી કોઈને કહેવું પડે કે મહેરબાની કરી ભગવાન ના ફોટા ના મોકલો. એને ડીલીટ કરવાનો જીવ નથી ચાલતો. સોમવારના દર્શન જુદા મંગળવાર ના જુદા એમ સાતે દિવસ માટે  ફોટા તૈયાર. શુભ રાત્રિ કે શુભ સવાર માટે રોજ જુદા ફોટા શોધવાનો સમય સહુને ક્યાંથી મળી રહે છે એજ એક અચંબાની વાત હતી સુહાની માટે.

સુહાની હમેશ વિચારતી કે  આ  ખરેખર ધરમ છે કે ફક્ત હોંસતોસી. સુહાની સર્વ ધર્મને પુરેપુરૂં માન આપતી. કોઈ ના પણ દિલ ને દુભવવાનો કે કોઈ નુ અપમાન કરવાનો એ સ્વપ્ને પણ વિચારી ના શકે,

એવું નહોતુ કે એને ભજન કે સ્તવન નહોતા ગમતા. એની પોતાની સવાર સુંદર સંસ્કૃત સ્તવન થી થતી. ભુલે બિસરે ગીતો ની કેસેટ કે રેડિયો પરથી વહેતા એ સાઈઠ કે સિત્તેરના દાયકાના મધુર સંગીત ને માણવુ એને ખુબ ગમતુ. ખાસ તો વરસાદી મોસમ મા રફી, મુકેશ કે કિશોરકુમાર ના ગીતો સાંભળવા અને હાથમા એકાદ સરસ પુસ્તક હોય  બસ એ મસ્તીમા ખોવાવું એને ખુબ ગમતુ. પણ એ જ ગીતો વારંવાર વોટ્સઅપ પર મોકલાતા રહે ત્યારે બીજા માટે એ કેટલું તકલીફ દાયક બની શકે એ વિચાર કદાચ કોઈને નહિ આવતો હોય કારણ  ફોનની મેમરી સ્પેસ તરત જ ભરાઈ જાય અને કદાચ કોઈ કામની વિડીયો કે ઓડિયો માટે જગા જ ના રહે.

ફેસ બુક પર પણ આ જ રામાયણ. લોકોને પોતાની અંગત વાતો કેમ ફેસબુક પર મુકવી ગમતી હશે એનો સુહાની ને કાંઈ અંદાજ જ નહોતો. અંગત વાતો એટલે કે આજે મારે વાળ કપાવવા જવાના છે. આજે મારે મેનીક્યોર અને પેડીક્યોર ( હાથ પગની મસાજ અને નખ રંગવા) માટે જવાનુ છે. આજે મે સ્લો કુકરમા આ વસ્તુ રાંધવા મુકી છે. ભલા માણસ તમે દિવસ દરમ્યાન કોઈનુ ભલુ કર્યુ? ભલુ નહિ તો કોઇ ને અવરોધરૂપ કે નડતર રુપ નથી બન્યા ને? એ અગત્ય નુ છે. તમે  વાળ કપાવવા ગયા કે નહિ તે જાણવામા કોઈને રસ નથી.

કામ વગરની વાતો અને પાછી એ બીજા સાથે શેર કરવાની. સુહાની વિચારી રહી કે  કોઈ જવાન ની દેશ માટેની કુરબાની કે કોઈ અનુપમ સિધ્ધી જેનાથી કદાચ કોઈને પ્રેરણા મળે એ વાત સહુ સાથે વહેંચીએ તે બરાબર છે, પણ ખોટી સહાનુભૂતિ મેળવવા કોઈની લાગણી સાથે ખિલવાડ કરીએ એનાથી કોઈ ફાયદો નથી થવાનો. ફેસબુક પર તો વાત ક્યાંની ક્યાં પહોંચી જાય. તમારા મિત્ર અને એના મિત્ર અને વળી પાછા એના મિત્ર જેને તમે ઓળખતા પણ ના હો, તે તમને કોમેન્ટ મોકલે. તમે કાંઈ લખાણ કે ફોટો કે વિચાર જે પણ કાંઇ ફેસબુક પર મુક્યું એને  કેટલા જણે જોયું કેટલા એ “લાઇક” બટન દબાવ્યુ એ જોઈ જોઈ  તમે પોરસાયા કરો. એમા તમારા કેટલા કિમતી કલાકો વ્યર્થ જતા રહે છે એનો કોઈ હિસાબ નહી.

જો કોઈની કોમેન્ટ ના આવે તો પાછો મનનો ધુંધવાટ! જોયું? આટલો સમય પણ મળતો નથી. જવાબ આપવાનો તો કોઈને સમય જ ક્યાં છે? અને પાછા એમના મિત્રો એ જ પોસ્ટ ને ફરી પોતાના ગ્રુપમા મોકલે. ત્યારે ફરી ફરીને એ જ વસ્તુ તમને વાંચવા મળે.

સુહાની ઘણીવાર તો વાંચ્યા વગર જ આ બધા ફોટા કે ટુચકા ડિલીટ કરી નાખતી એમા ક્યારેક કોઈ કામની માહિતી ડિલીટ થઈ જતી અને  બે ત્રણ દિવસે એ વ્યકતિ નો કાંતો ફોન આવતો અથવા મેસેજ આવતો કે મેં જે તને પુછાવ્યું હતુ, એનો  જવાબ કેમ આવ્યો નહિ? સુહાની મનોમન માફી માગીને કામનુ બહાનુ કાઢી કે ભુલાઈ ગયુ કહી વાત ટાળી દેતી.

કહેવત છે ને કે “સુકાં ભેગુ લીલુ પણ બળે” એવો ઘાટ થતો. જ્યારે પણ સુહાની ફોન હાથમા લે એટલે પહેલા નવા મેસેજ માટે જગા કરવાની અને જુના ને વિદાય કરવાના!

જોયું એક ફોનની બેટરી લો થઈ ગઈ એમા થી તો કેટલી રામાયણ સરજાઈ ગઈ. સુહાની ના મનમા આ બળાપો કેટલાય વખતથી ઘુમરાતો હતો. એને હમેશ થતું કે આપણે ભણેલા માણસો આધુનિક થવાની વાત કરીએ. બીજાની જીંદગીમા ખલેલ પાડવાની કોશિશ ન કરીએ.  ટેકનોલોજી ને સારી રીતે વાપરવાનો યત્ન કરીએ તો જીવન જીવ્યું લેખે લાગે.

ભાઈશાબ સુહાની ની આ રામાયણ કથા સાંભળી ગુસ્સે ના થતા હોં! એ કોઈ ની પણ મશ્કરી, મજાક કે દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતી.

આ  આટલો બળાપો વાંચી તમે કાંઈ સુધર્યા કે પછી ભાઈશાબ તમે તો એવા ને એવા જ રહ્યા?????????

અરે! રામ આ રામ કહાની સંભળાવતા મારા જ બાર વાગી જવાના છે! પતિદેવ આવીને જમવાનુ માગશે અને ભોજન નહિ મળે તો મારા નામના ભજનિયા ગાશે!!!!!!!

(કોઈ ને માઠુ લાગ્યુ હોય તો સુહાની વતી બે રોટલી વધારે ખાઈ લેજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવજો હોં ભાઈ)

શૈલા મુન્શા.  તા ૦૬/૦૯/૨૦૧૫

કયા  સંબંધે! (16) શૈલા મુન્શા

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય  મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમા ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે.

વાત આજે એ સંબંધની કરવી છે જેનુ કોઈ નામ નહોતુ અને ક્યારે એ સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતુ. મમ્મી સરસ તૈયાર થઈને હાથમા પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મી ની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામા સ્કુલના કેમ્પમા દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામા પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ  સ્કુલમા ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે બન્ને જણ આ કેમ્પમા ભાગ લઈ શક્યા હતા.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પુછવામા આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતુ તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતુ કે મારે એક ભાઈ હોય, મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતા બોલતા એની આંખો છલકાઈ ઊઠી”

રાકેશના દિલમા સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો.  એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે. કયા સંબંધે!!

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમા માને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પણ મમ્મી નાની બેન અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યુ કે શું રહ્યુ એની કોઈ હજી સમજ નહોતી એમનો સાથ હતો, અને રાકેશ અને જ્યોતિમાસીને માસાની હુંફ હતી. નાના, નાની ને મામા માસી સહુએ આર્થિક અને માનસિક સથવારો આપ્યો હતો.

જ્યારે મમ્મીનુ ચાર જ વર્ષમા એકસિડન્ટમા નિધન થયું ત્યારે સીમા સાવ નોંધારી બની ગઈ. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ સીમા જે માનસિક યાતના મા થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને વીસ વર્ષના રાકેશે.

નાના એ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત કોઈ સવાલ ન કરે, અને રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામા બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલી હવામા બહાર લઈ આવે, સોસાયટી ના બગીચામા થોડો સમય મૌન બની સાથે બેસે, નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે, જાણે કાંઈ ન કહેવા છતાં કેટલુંય કહી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત જીવનભર સીમાની સાથે રહ્યા છે.

કયા  સંબંધે!

શૈલા મુન્શા  તા.૦૫/૦૭/૨૦૧૫

મા ની આશિષ! શૈલા મુન્શા

unnamedમા ની આશિષ!

 ઝુરતી આંખો આજે પણ ને,

નીતરતા આંસુ આજે પણ!

.રહેતી જે છબી દિલના ખુણે,

હર પળ તુજને શ્વસુ આજે પણ!

 ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,

નથી પાસે તોય, શોધું આજે પણ.!

 હતી પાસે તો કરી ના માવજત,

શરમથી મુજને કોસું આજે પણ!

 પાલવે બાંધી તુજ વહાલની પોટલી

                                                           માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

 

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

તસ્વીર બોલે છે-(13)-શૈલા મુન્શા

શૈલાબેન મુન્શાના બે હાઇકુ તેજ ધારે સંપૂર્ણ અને ગમે તેવા રચાયા  છે.

80646

1- છે શું હિંમત?

જવા તો દઉં બીજે!

છોડ તો ખરો

2- પડું કે બચું

અવકાશ નથી બીજો,

શરણે તારે.

શૈલા મુન્શા

www.smunshaw.wordpress.com

પ્રેમ વિશે થોડા હાઈકુ.-શૈલા મુન્શા

પ્રેમ વિશે થોડા હાઈકુ.

૧ – પ્રેમનો માર્ગ,
વિના સાથી અધુરો
કેમ ખુટશે?

૨ – વેલેન્ટાઈન
તહેવાર પ્રેમનો
ક્યાં છે પ્રેમ?

૩ – મીરાનો પ્રેમ,
છે જગથી નિરાળો!
કનૈયા સંગ.

૪ – ચાંદની રાત,
બને અમાવસ શી!
દિલ તુટતાં.

૫ – ક્યાં માંગુ પ્રેમ?
દિલમા જગા થોડી,
એટલું બસ!

શૈલા મુન્શા

બીજાના નંબરે આવનાર હ્યુસ્ટન ના શૈલા મુન્શાની વાર્તા

મિત્રો આપ સૌની સૌની ઉત્સુકતાનો અંત આવી ગયો 
અને વાર્તા સ્પર્ધાપરિણામની જાહેરાત થઇ જે નીચે મુજબ છે. 
 
પ્રથમ વિજેતા ​સાક્ષર ઠક્કર (હિલ્સબોરો, ઓરેગોન)-$151
બીજાના નંબરે આવનાર હ્યુસ્ટન ના શૈલા મુન્શાની -$101
 ત્રીજા નંબરે ( સાન ડિયાગો ,કેલીફોર્નિયા) વિનોદભાઈ પટેલ​,-$75
 
આ સાથે બીજાના નંબરે આવનાર વિજેતા હ્યુસ્ટન ના શૈલા મુન્શાનીની વાર્તા હું બ્લોગ પર મુકું છું 

 હાશકારો

સ્વાતિ હાથમા ચા નો કપ લઈ સવાર નો કુમળો તડકો માણી રહી હતી. ચારે કોર શાંતિ હતી સ્વચ્છ તડકો વાતાવરણ ને વધુ હુંફાળુ બનાવી રહ્યો હતો. શિયાળો હમણા જ પત્યો અને વાસંતી વાયરા શરૂ થવાનો આ સમય સવારના એક ખુશનુમા વાતાવરણ સર્જી જતું. હવામા એક તાજગી નો અનુભવ થઈ રહ્યો હતો. સ્વાતિ એ તાજગી ને પોતાના શ્વાસો મા ભરી રહી.

રવિવારની સવાર એટલે લોકો હજી ગોદડામા થી બહાર નિકળ્યા નહોતા. સોસાયટીમા ખાસ કોઈ ચહલ પહલ નહોતી.

આમ પણ અમદાવાદની જીંદગી આસાયેશ વાળી. હોતા હૈ ચલતા હૈ. લોકોને કોઈ કામની ઉતાવળ નહિ. રોજીંદા જીવનમા પણ મોટાભાગે વેપારી બપોરે ઘરે જમવા આવે અને બપોરિયું કરી ચાર વાગે પાછા દુકાને જાય. એવામા આ જતી ઠંડી ની સવારે કોઈ વહેલુ શા માટે ઊઠે?

હજી ગયા રવિવારે તો સ્વાતિ લંડન હતી. છ મહિના દિકરા વહુ અને પૌત્રી સાથે ભરપુર મજા કરી ત્રણ દિવસ પહેલા જ ભારત પાછી ફરી હતી. અમદાવાદ એરપોર્ટ ભાઈ લેવા આવ્યો હતો અને સીધો પોતાના ઘરે જ લઈ ગયો. છ મહિનાથી ઘર બંધ હતું, જો કે અવાર નવાર પંકજ જઈને સાફ સફાઈ કરાવતો. સ્વાતિની વર્ષો જુની બાઈને બોલાવી કામ પતાવતો. લક્ષ્મીબાઈ ઘરના સદસ્ય જેવી જ હતી. ઘરની એક ચાવી પણ એની પાસે રહેતી. સ્વાતિ ના આવતા પહેલા પણ પંકજ આગલે દિવસે જઈ ઘર ખોલાવી સફાઈ કરાવી અને રેફ્રીજરેટર શરૂ કરી આવ્યો. જરૂરી સામાન દુધ, થોડા શાકભાજી વગેરે જરૂરિયાતની વસ્તુ પણ ભરી દીધી. સ્વાતિ તો એરપોર્ટથી સીધી જ ઘરે જવા માંગતી હતી પણ પંકજ જીદ કરીને પોતાના ઘરે લઈ આવ્યો.

“બેના બે દિવસ તો આરામ કર, જરા થાક ઉતાર પછી ઘર તો છે જ ને.” ભાઈની જીદ સામે સ્વાતિ નુ કાંઈ ચાલ્યું નહિ. બે દિવસ રહી ગઈકાલે રાત્રે જ સ્વાતિ પોતાના ઘરે આવી. પોતાનુ ઘર અને પોતાની પથારી મળતા સ્વાતિ નિરાંતે ઊંઘી.

અત્યારે ચાની ચુસ્કી લેતા સ્વાતિની નજર અમિત ના ફોટા પર પડી. કેવા સપના અને કેવા અરમાન લઈ પોતે આ ઘરમા આવી હતી. જીંદગી એ પણ કેવા અવનવા ખેલ દેખાડ્યા. સ્વાતિ ભુતકાળની દુનિયામા સરી પડી.

વીસ વર્ષની ઉમર. હજી તો  હમણા જ B.A. ની ડીગ્રી મળી અને મમ્મી પપ્પા છોકરો શોધવા માંડ્યા. સ્વાતિ પછી બે ભાઈ બહેન એટલે સ્વાભાવિક જ મા બાપને દિકરી પરણાવવાની ઉતાવળ.

કોલેજના બીજા વર્ષે જ સ્વાતિ અમિતને મળી હતી. અમિત એનાથી એક વર્ષ આગળ અને કોમર્સ વિભાગમા. અમિત ખુબ જ દેખાવડો. રાજેશ ખન્ના ને મળતો એનો ચહેરો. આખી કોલેજની છોકરીઓ એની સાથે વાત કરવા તલપાપડ, પણ અમિત ખુબ શરમાળ. કોઈની સામે આંખ ઉઠાવીને પણ ના જુએ. એ ભલો અને એનુ ભણવાનુ. ક્યારેય કોઈ ક્લાસ બંક ના કરે. બીજા છોકરાઓની જેમ કોલેજની બહાર ટોળટપ્પાં કરતો તો ક્યારેય દેખાય નહિ.

બીજી છોકરીઓ ની જેમ સ્વાતિને પણ અમિત ખુબ ગમતો પણ એની સાથે વાત કેમ કરવી એ મોટો સવાલ હતો. અચાનક જાણે કુદરતે જ એનો રસ્તો કરી આપ્યો. અમિતની નાની બેન અને સ્વાતિની નાની બેન સ્કુલમા એક જ ક્લાસમા. બન્ને એસ.એસ.સી મા. મીતા સ્વાતીની બહેન સાથે વાંચવા એના ઘરે આવી અને રાતે મોડુ થયું એટલે અમિત પોતાની બેનને લેવા સ્વાતિના ઘરે આવ્યો.

ઘર નો ડોરબેલ વાગ્યો અને સ્વાતિએ બારણુ ખોલ્યું. ક્ષણભર તો એ આંખ ચોળતી રહી ગઈ. પોતે જાગે છે કે સપનામા એ જાણવા પોતાના હાથ પર જાતે જ ચુંટી ખણી બેઠી. અમિતના અવાજે ચોંકી ગઈ.

“મીતા છે? હું એનો ભાઈ છું, એને લેવા આવ્યો છું.” સ્વાતિના ગળામા થી માંડ અવાજ નીકળ્યો. “અંદર આવો ને, બસ મીતા નાસ્તો કરી રહી છે, હું બોલાવી લાવું. તમે બેસો પ્લીઝ.”

આ એમની પહેલી મુલાકાત. પછી તો કોલેજમા આમને સામને થાય ત્યારે સ્મિતની આપ લે થાય. શરમાળ અમિત સ્વાતિમા શું જોઈ ગયો તે રામ જાણે, પણ સ્વાતિની હાજરી એને ગમવા માંડી.

પરિચયમા થી પ્રેમ ક્યારે પાંગર્યો એની બે મા થી કોઈને સુધ રહી નહિ. મીતા અને રીમાના માધ્યમથી ચીઠ્ઠીની અદલા બદલી શરૂ થઈ, કોલેજમા ક્યારે ગુટલી મારી શુક્રવારે મેટિની શો મા પિક્ચર જોવાના શરૂ થયા એનો હિસાબ ના રહ્યો.

અમિત B.COM. થઈ બેંકમા નોકરીએ લાગ્યો, અને બીજા વર્ષે સ્વાતિ ની કોલેજ પણ પુરી થઈ. છોકરા જોવાની વાત આવી એટલે સ્વાતિ મુંઝાણી. અત્યાર સુધી તો ઘરના થી અમિતની વાત છુપાવી હતી. ફક્ત રીમા ને પોતે એ સિવાય કોઈને આ પ્રેમ પ્રકરણની જાણ નહોતી, પણ હવે વધુ વખત વાત છુપાવાય એમ નહોતી. સ્વાતિ કોઈપણ રીતે અમિતને ગુમાવવા નહોતી માંગતી.

છેવટે હિંમત કરી એણે પોતાની મમ્મીને વાત કરી. અમિતને ઘરમા સહુ મીતાના ભાઈ તરીકે ઓળખતા. છોકરો ડાહ્યો, ભણેલો અને કમાતો હતો. પરિવારમા એક મોટી અને એક નાની બેન અને મા. સ્વાતિના મમ્મી પપ્પને કોઈ વાંધો નહોતો.

અમિત અને સ્વાતિ એ અમિતની માની રજા મળે એની રાહ જોવાની હતી.

અમિતની માને પોતાના કુળનુ પોતાની નાતનુ બહુ અભિમાન. તેઓ સહેલાઈથી માને એમ નહોતું, પણ દિકરાની જીદ આગળ કાંઈ ચાલ્યુ નહિ અને કમને લગ્ન માટે હા પાડવી પડી.

શરૂઆતના વર્ષો આનંદમા ગયા. લગ્નના બીજા વર્ષે સ્વાતિએ દિકરાને જન્મ આપ્યો અને સાસુનુ વર્તન થોડું કુણુ પડ્યું. સ્વાતિના સ્વભાવે પણ એમા પુરો ભાગ ભજવ્યો. સાસુના આકરાં શબ્દોને કે આકરાં સ્વભાવને એણે શાંતિથી સહન કર્યો. ક્યારેય સામે જવાબ ન આપ્યો, અને પવન ના જન્મ પછી તો દાદીનો પ્રેમ પોતરા પર અનરાધાર વરસવા માંડ્યો.

અમિતે મોટીબેન ના લગ્ન પણ ધામધુમથી કર્યા. ગજા બહાર ખર્ચો કર્યો. બેનને પરણાવવાની હોંશમા થોડું દેવુ પણ માથે ચઢ્યું, પણ મનમા ગણતરી હતી કે વાંધો નહિ, હજી તો જીંદગી આખી પડી છે. થોડી મહેનત વધુ કરીશ અને વધુ કમાઈ લઈશ.

માનવી ભરે બે ડગલાં ને કુદરત ચાર. “વક્ત” ફિલ્મ નો સીન યાદ આવી ગયો. ચા નો કપ અને રકાબી. કોઈ અભિમાન કામનુ નથી. રકાબી હોઠે મંડાય એટલામા તકદીરનુ પાનુ પલટાઈ જાય.

સ્વાતિની નજર સામે પણ એ કાળઘડી એ દિવસ તાદૃશ્ય થઈ ગયો. એ ક્ષણ તો ક્યારેય લોપાઈ નથી પણ આજે એ યાદ ફરી ઊભરી આવી.

દિવાળી ના દિવસો. ચારે તરફ ઘરની સફાઈ ને પિત્તળના કળશ લોટા અભરાઈથી ઉતારી ચકચકાટ કરવાના. મઠિયા ને સુંવાળી, ઘૂઘરા મગશ ની સોડમથી ઘર ને મહોલ્લો મહેકી ઉઠે. આડોશ પાડોશના બૈરાં આજ મારે ત્યાં તો કાલ તારે ત્યાં એમ સહિયારા દિવાળિના નાસ્તા બનાવવા મંડી પડે.

દેવ ઊઠી એકાદશી નો દિવસ. સ્વાતિ ને એની સાસુ ને બે ચાર પાડોશણો મઠિયા વણતા હતા ને અચાનક અમિત બેંક થી ઘરે આવ્યો.

સ્વાતિ “અમિત કેમ આજે વહેલા આવ્યા? કાંઈ કામ હતુ કે રજા શરૂ થઈ ગઈ?

અમિત “સ્વાતિ જરા મારી સાથે દવાખાને ચાલને, જરા અસુખ લાગે છે, હમણા રોજ તળેલું ને પકવાન ખાવાના થાય છે તે ગેસ થઈ ગયો લાગે છે, બેચેની લાગે છે. પંડ્યા સાહેબ બે ગોળી આપશે ને એટલે ઠીક થઈ જાશે. કાલ થી તો પછી રજા જ છે.”

અમિત અને સ્વાતિ દવાખાને જવા નીકળ્યા. ડોક્ટરે તપાસી ગોળી અને દવાનો ડોઝ બોટલમા ભરી આપ્યો.

બહાર આવી અમિત સ્કુટર ને કીક મારવા ગયો અને ઢળી પડ્યો. માસિવ એટેક અને ક્ષણમા અમિતના પ્રાણ જતા રહ્યા. બુમાબુમ થઈ રહી “શું થયું, શું થયું” કોઈ જઈ ડોક્ટરને બોલાવી લાવ્યું, પણ ખેલ ખતમ. ક્ષણમા હલતો ચાલતો વ્યક્તિ નશ્વર બની ગયો. સ્વાતિ અવાક બની ગઈ, અમિતને હલબલાવી રહી.

“અમિત ઊઠો, શુ ચક્કર આવી ગયા? અરે! કોઈ પાણી લાવો, મો પર છાંટો, અમિત હમણા ઊઠશે.”

હસતો અમિત મૃત દેહ બની પાછો આવ્યો. આખા મહોલ્લાની દિવાળી માતમ મા બદલાઈ ગઈ. અમિત ક્યારેય ખતમ ના થાય એવી રજા પર ઊતરી ગયો.

કનકબેનના અસલી સ્વભાવનો પરચો સ્વાતિને થવા માંડ્યો. અમિત ના મોતની જવાબદાર સ્વાતિને ગણી. છપ્પરપગી ને છિનાળવી ને કાંઈ જાતજાતના શબ્દોના તીર એના માસુમ હૈયાને વિંધતા રહ્યા.

ઘરમા એકમાત્ર કમાનાર અમિતના ઓચિંતા અવસાને ઘરને તિતર બિતર કરી નાખ્યું. બાકી હતું તે બન્ને નણંદો એ પણ ભાભીને પજવવામા કાંઈ બાકી ન રાખ્યું. હદ તો ત્યારે થઈ કે ગુસ્સા ના આવેશમા કનકબેને ધક્કો મારી સ્વાતિને ઘરની બહાર કાઢી મુકી. અંધારી રાતે ચાર વર્ષના પવન ને લઈ સ્વાતિ ઓટલે બેસી રહી. પાડોશીએ સ્વાતિના માબાપને ફોન કર્યો. બિચારા દોડતા આવ્યા અને સ્વાતિને પોતાના ઘરે લઈ જવા કાલાવાલા કરવા માંડ્યા, પણ સ્વાતિ પોતાનુ ઘર છોડી જવા તૈયાર ના થઈ.

છેવટે લોકલાજે કનકબેન ને સ્વાતિને ઘરમા લેવી પડી. સ્વાતિ એ કમર કસી. આમ રોદણા રડે જીંદગી ના જીવાય. પવનને ઉછેરવાની મારી જવાબદારી છે. ભણેલી છું. કાંઈક તો કામ મળી જશે. કોઈકે ભલામણ કરી, L.I.C. agent નુ કામ શરૂ કર. મોટુ પિયરયું છે. બધા તને મદદ કરવા તૈયાર છે. તારે ભીખ નથી માંગવાની. મહેનત કરી પૈસા કમાવાના છે.

સ્વાતિને ગળે વાત ઉતરી. જોઈતી તાલીમ લઈ કામ શરૂ કર્યું. શરૂઆતમા કનકબેન વાંધા વચકા કાઢતા.”તુ સમય કસમય બહાર જાય છે, પવનને મારે સાચવવાનો, લોકો શુ વાત કરશે, જુવાન વિધવા વહુ નો પગ કોઈ કુંડાળામા ના પડે” સ્વાતિ સામે જવાબ ના આપતી ને પોતાનુ કામ કરે જતી.

ધીરે ધીરે ઘરમા પૈસા આવવા માંડ્યા અને સ્વાતિનો સંયમ જોઈ કનકબેન કુણા પડ્યા.

બે વરસ પસાર થઈ ગયા. ત્રીસ વર્ષે વિધવા થયેલ સ્વાતિ સામે લાંબી જીંદગી પડી હતી. માબાપે બીજા લગ્ન કરી લેવાની વાત છેડી, પણ સ્વાતિનો એક જ જવાબ હતો, મારે પવન માટે બીજા પિતા કે મારા માટે બીજા પતિની જરૂર નથી.

સ્વાતિ ને જીવવાનુ બળ પવનને જોઈને મળતું. અમદાવાદની ગરમી ઠંડી નો વિચાર કર્યા વગર સ્કુટરની કીક મારી એ નીકળી પડતી. વર્ષો વિતતા ગયા. કનકબેન જીવલેણ બિમારીનો ભોગ બન્યા. સ્વાતિ એ ખડે પગે ચાકરી કરી. અંતરના આશિષ વરસાવતા કનકબેન પણ સ્વધામ પધાર્યા.

શાંતિથી વહેતી સ્વાતિની જીંદગીમા ફરી એક વળાંક આવ્યો.

પવન “મમ્મી ઘણા દિવસથી મારા મનમા એક વાત છે, તને પુછું કે નહિ એની અવઢવમા છું” “બેટા તારે કાંઈ પુછવાની જરૂર નથી. તારી મા છું, શું હું નથી જાણતી કે તારી ઈચ્છા વધુ અભ્યાસ માટે વિદેશ જવાની છે? તારા વિદેશ વસતા મિત્રો સાથેની તારી ફોન પર થતી વાતો, ઈન્ટરનેટ પર ભેગી કરતો માહિતી, બધાની મને જાણ છે. હું તો રાહ જોતી હતી કે ક્યારે તુ મને પુછશે?”

પવન એમબીએ કરવા અમેરિકા કે લંડન જવા માંગતો હતો પણ બે વાતની એને ચિંતા હતી કે મમ્મી એકલી પડી જશે અને આટલા બધા ફી માટેના પૈસાની જોગવાઈ ક્યાંથી થશે? સ્વાતિએ એની ચિંતાનો નિકાલ કરી દીધો.

પવનને અમેરિકા તો નહિ પણ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમા એડમિશન મળી ગયું. હસતા મોઢે પોતાના આંસુ દિલમા છુપાવી સ્વાતિએ પવનને લંડન વળાવ્યો. લોકોએ જાતજાતની શિખામણ આપી.

“સ્વાતિબેન તમે મોટી ભુલ કરો છો, દિકરો હાથમા થી જતો રહેશે. એકવાર વિદેશ ગયેલા બાળકો ક્યારેય પાછા નથી આવતા”

સ્વાતિને ક્યાં કોઈની પરવા હતી. પહેલા પણ સમાજ સામે ઝઝુમી હતી અને હવે પણ. દિકરાને પાંખો આપી છે ઉડવા માટે, નહિ કે એની ગતિ રોકવા માટે. સ્વાતિ એ પોતાનિ દુનિયાનુ નિર્માણ ખુદ કર્યું હતું. દિકરા પર એને વિશ્વાસ હતો, એ જે પણ પગલું ભરે એમા એ ખુશ હતી.

એમબીએ થઈ પવનને લંડનમા જ સારી નોકરીની ઓફર મળી અને સાથે કામ કરતી રિયા ના પ્રેમમા પડ્યો. રિયા પંજાબી હતી પણ સ્વભાવની ખુબ સારી હતી. સ્વાતિએ ખુબ ધામધુમથી દિકરાના લગ્ન કર્યા અને હસીખુશી દિકરા વહુને લંડન રવાના કર્યા.

પવનની ખુબ ઈચ્છા હતી કે મમ્મી લંડન એમની સાથે આવી રહે, પણ સ્વાતિએ સમજાવટથી કામ લીધું. દિકરાને બાહેંધરી આપી કે અવાર નવાર એ લંડન આવતી જતી રહેશે પણ હાલ તો ભારતની દુનિયા એને માટે વધુ અનુકૂળ છે.

સ્વાતિનુ L.I.C. નુ કામ તો હજુ ચાલુ જ હતું પણ કામનો બોજ ઓછો કરી નાખ્યો હતો. વાંચનનો જે શોખ હતો એ હવે એ પુરો કરી રહી હતી અને એટલું જ નહિ પણ અઠવાડિએ એકવાર પાસેના વૃધ્ધાશ્રમમા જઈ વૃધ્ધ લાચાર બહેનો ભાઈઓને મળી સારુ પુસ્તક વાંચી સંભળાવતી.

એક દિવસ સવારના પહોરે ફોનની ઘંટડી બજી. લંડનથી પવનનો ફોન હતો. “મમ્મી તુ દાદી બનવાની છે, થોડા સમયમા જ લંડન આવવાની તૈયારી કર. હું ટિકીટ મોકલાવું છું.”

સ્વાતિના હાથમા પવને નેહાને મુકી ને સ્વાતિ ભાવવિભોર બની ગઈ. પોતાના પવનની દિકરી, આબેહુબ પવનની જ પ્રતિકૃતિ. હા રંગ રિયાનો છે, ગોરો ગોરો, બાકી તો નાનો પવન જ જાણે ફરી મારા હાથમા.

છ મહિના પૌત્રીને રમાડવામા એને માલિશ કરી નવડાવવામા, રિયાનુ ધ્યાન રાખવામા, અને પવનને ભાવતી વાનગી બનાવી ખવડાવવામા ક્યાંય પુરા થઈ ગયા. ભારત પાછા જવાનો સમય થઈ ગયો. રિયાના મમ્મી હવે આવવાના હતા એટલે સ્વાતિને ચિંતા નહોતી. નેહા વરસની થઈ જાય પછી જોયું જશે.

રસ્તેથી પસાર થતી રિક્ષાના હોર્ને એને ભાવ સમાધિમાથી જાગૃત કરી. અંદર જઈ બેગમાથી નેહાનો હસતો ફ્રેમમા જડેલો ફોટો બહાર કાઢી અમિતના ફોટાની બાજુમા મુકતા અમિતને જાણે દેખાડી રહી, “ જુઓ તમારી પૌત્રી, તમારી જ કાર્બન કોપી છે ને, કારણ પવન પણ તો તમારી જ પ્રતિકૃતિ છે.”

સ્વાતિના ચહેરા પરનો પરમ શાંતિ અને હાશકારાનો ભાવ જીવનની તપસ્યાનુ સરવૈયું હતું.

શૈલા મુન્શા-હ્યુસ્ટન ટેક્ષ્સાસ.

www.smunshaw.wordpress.com

તા.  ૧૧/૨૮/૨૦૧૪

નાગર નંદજીના લાલ !….શૈલા મુન્શા

Picture1નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.,જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

આદિ કવિ નરસિંહ ના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે,આમ જોવા જઈએ તો નરસિંહની ભાભી ના કડવા મહેણા એ જગત ને અવિનાશી સાહિત્ય આપ્યું.નરસિંહ એ કૃષ્ણ રાધા ની અલૌકિક પ્રેમકથા ને વર્ણવતા ઘણા પદ રચ્યા પરંતુ નરસિંહ મહેતા નો આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો નાગર નંદાજીના લાલ-દરેક સ્ત્રી મુખે 650 વર્ષ પછી પણ  રમે છે.નરસિંહ જયારે પ્રભુને પ્રેમ કરતા ત્યારે પોતે સ્વંય રાધા બનતા. અહી નરસિંહ રાધા ફરિયાદ સ્વરૂપે કાના ને વિનંતી કરે છે કે તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. નથડી ખોવાયા નો આરોપ કાના પર મુકતા એ જરાયે અચકાતા નથી ને કહે છે,કાના ! જડી હોય તો આલ રાસ રમંતાં મારી નથડી ખોવાણી પોતાની નથ કેવી સુંદર અને કિમતી છે એનુ વર્ણન કરતા રાધા કાના ને કહે છે, ” કાના તને ખબર છે, મારી એ નાજુક નાનકડી નથણી તો હીરે જડેલ છે માટે તને તો મળવી જ જોઈએ.” રાધા કોઈપણ રીતે કાનાને રીઝવી પોતાની નથ પાછી મેળવવા માંગે છે એટલે જાતજાતના લાડ કરી કાના પાસે પોતાની વાત મનાવવા માંગે છે.કૃષ્ણ પોતાની બેન સુભદ્રા ને ખુબ પ્રેમ કરે છે એ રાધા ભલી ભાંતિ જાણે છે એટલે કાના ને સુભદ્રાના વીરા કહી બોલાવે છે. ક્યાંક “સુભદ્રા નાવીરા” સાંભળી કાના નુ મન પીગળે ને રાધાને પોતાની નથણી પાછી મળે.આ હીરે જડેલ નથણી પોતાના મુખે કેવી સોહાતી હતી એની વાત કરતાં રાધા કહે છે, “કાના જો મારી નથણી નહિ મળે અને બીજી નાની નથણી પહેરીશ તો મને જરાય શોભશે નહિ અને જો મોટી પહેરવા જઈશ તો મારા મુખ પર ઝુલતી રહેશે.” રાધા કોઈપણ રીતે કાના ને રીઝવવા માંગે છે.કૃષ્ણ ને પણ રાધા ને સતાવવામા મજા આવે છે. મનમોહક હાસ્ય કાના ના મુખ પર જોઈ રાધા છંછેડાય છે અને આખરે કાના પર ખુલ્લો આક્ષેપ કરે છે. “કાના ભલે તુ કબુલ કરે કે નહિ પણ આ વૃંદાવન ના મોરલા મને એમની ગહેક મા કહી રહ્યાં છે કે તુ જ મારી નથણી નો ચોર છે, માટે મને વધુ તડપાવ્યા સિવાય મારી નથણી મને આપી દે.”રાધા ની આ કૃષ્ણ ને ચીડવવાની અને એમ કરતાં કાના પ્રત્યે નો એનો પ્રેમ દર્શાવવાની મધુરી રીત કવિ નરસિંહ મહેતા એ બહુ સુંદર રીતે આ પદ મા રજુ કરી છે.રજુઆત કેટલી સુંદર છે કે રાસ રમતા. ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી અનુભૂતિ થાય  છે.નરસિંહ:આધ્યાત્મિક પદો આપણે સમજ્યાં નથી…નરસિંહ કહે છે જો નિર્ગુણ નિરાકારની વાત સિધેસિધી કરીશ તો અબુધ લોકો કઇં નહિં સમજે, અને જો રાધા-કૃષ્ણના પ્રેમનું પ્રતિક લઇને કરીશ લોકો જરૂર માણશે….અહી અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે.તારી સાથે રાસ રમતા મારી સુધબુધ ના રહી ને ક્યારે મારી નથડી ખોવાઈ એ મને ખબરે ના પડી. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે.. જયારે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ ત્યારે નથડી(અહમ ) ખોવાઈ જાય છે તેનું ભાન નથી રહેતું આવો અનુભવ આ ગરબામાં જોવામળે છે,બીજું નરસિંહ મહેતાએ  પોતા ના ગિરધાર ગોપાલ ને “નાગર” કહી ને સંબોધ્યા છે.”નાગર નંદજી ના લાલ”નાગર એટલે સુચિતા,સુઘડતા,સભ્યતા,સંસ્કારિતા,અને સંપનતા ની મૂર્તિ…આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ કે ગરબા  સ્હેજ પણ જૂનાં નથી લાગતાં-     (શૈલા મુન્શા )