પ્રેમ એક પરમતત્વ-વૈશાલી રાડિયા


પ્રણયમાં કોઈ શરતોથી તો બન્ને નહિ ફાવીએ

પરવડે તો છુટ્ટા હાથે લાગણીના બીજ વાવીએ

પ્રેમ તો એક પરમ તત્વ છે પ્રિય પ્રકૃતિનું

મળી જાય તો મત્તું મારજે સો ટકા સ્વીકૃતિનું

       પ્રેમ શબ્દમાં જ એક અજીબ સંવેદન છે, ચુંબકીય તત્વ છે. જન્મ પહેલાથી જ આત્મા પ્રેમથી જોડાઈ જાય છે. માતાના ગર્ભમાંથી જ બાળકને પ્રેમનો અહેસાસ થતો રહે છે અને પછી શરુ થાય છે માતાપિતા, ભાઈબહેન અને પરિવારનો પ્રેમ. જે કોઈ પણ સજીવને ધબકતું રાખે છે.

       સારસ-સારસી, ચક્રવાક બેલડી કે પછી કાગડી ઈંડાને સેવે ત્યારે એ કોઈ દહેશત વિના પરમ પ્રેમથી સેવે છે કે આ ઈંડા મારા જ છે! કેટલો અદ્ભુત વિશ્વાસ! પારધી અને હરણીના બચ્ચાની વાર્તા બચપણમાં મોટાભાગનાએ વાંચી હશે. કુદરતની કોઈ પણ ઘટનાની જાણકારી પ્રાણીઓને ઘણી વહેલી જાણ થઇ જાય છે. એમની ઇન્દ્રિયો માનવ કરતાં સતેજ હોવાનું કારણ શું એમની મૌન રહેવાની શક્તિના લીધે હોઈ શકે? પ્રેમ અને વફાદારી પણ માનવ કરતાં પ્રાણીઓમાં વધુ ઉચ્ચ કક્ષાની જોવા મળે છે, તેનું કારણ શું એવું હોઈ શકે કે માનવ વાચા દ્વારા બધું વ્યક્ત કરીને હૃદયથી ખાલી થઇ જતો હશે!

       માનવજીવની વાત કરીએ તો પરિવારમાંથી બહાર નીકળ્યા પછી એક વિશાળ વિશ્વ તેની સમક્ષ ખુલે છે, જેમાં શરૂઆત દોસ્તીના પ્રેમથી થાય છે. દોસ્તીમાં રહેલો પ્રેમ એક અલગ જ ભાવવિશ્વમાં ખીલે છે. દોસ્તીનું તત્વ સૌથી વધુ પ્રેમાળ ને અખંડ રહેવાની તાકાત ધરાવે છે તેમજ તેમાં બીજા પ્રેમ સંબંધો  કરતાં સ્વાર્થ ઓછો ને પ્રેમતત્વ અગ્રેસર હોય છે. યુવાન વયે તો એ ખૂબ મજબુત બને છે. દોસ્તીમાં કોઈ ઉંમર, સજાતીય, વિજાતીય એ બધું ગૌણ રહે છે, બસ પ્રેમતત્વ વધુ સાચું હોય છે.

જેને  જિંદગીમાં બે-ચાર પ્યારા મિત્રો ન મળે

એ માણસને જિંદગીમાં કોઈ ‘માણસ’  જ ન મળે!

       યુવાનીનો પ્રેમ એટલે અલ્લડતા, મોજ, મસ્તી, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું, ફોડી નાખું વાળું ધગધગતો લાવા અને ધગધગતો પ્રેમ! જેમાં કોઈ સરહદ કે સીમાડા આંબી જવાની ખેવના ને બધું જ કરી છૂટવાના સપના. જેમાં ‘તું’ ને ‘હું’ એટલી જ દુનિયા! સમગ્ર અસ્તિત્વ એક જ પાત્રમાં સમાઈ જાય એ પ્રેમતત્વ પાસે ‘પરમ’ પણ ટૂંકા પડે!

       દરેક અવસ્થામાં પ્રેમના સ્વરૂપ અલગ હોય છે. આત્માની અંત તરફની ગતિ વખતે એક હૂંફનો સ્પર્શ ને આંખોથી થતી વાતોમાં પ્રેમને સાબિત કરવાની જરૂર જ નથી હોતી એ અવસ્થાએ પહોંચેલ પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે.

શબ્દોની જરૂરત નથી રહી હવે આજ

આંખો જ કહે છે હું છું ને તારે કાજ

       વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાં પ્રેમ કામ કરી જાય છે. અસાધ્ય બીમારીમાં પણ પ્રેમનો મૃદુ સ્પર્શ કે પ્રેમની એક નજરથી જ બીમારીમાંથી એક તાકાતથી કોઈ ઉભું થાય એ તત્વ એક જ છે, પ્રેમ!

       પ્રેમ શબ્દની વ્યાખ્યા આપણે ઘણીવાર સંકુંચિત મનથી અને સીમિત દ્રષ્ટિકોણથી કરી એ જ નજરથી માપી લઈએ છીએ. પરંતુ, પ્રેમ તો એક અહેસાસ છે જેને અનુભવ્યા વિના મૂલવવાનો કોઈને અધિકાર નથી. પ્રેમ એક એવું તત્વ છે જે અણુએ અણુમાં ફેલાય છે ત્યારે એને છુટ્ટું પાડવા કોઈ ઘટકોનો અભ્યાસ જરૂરી નથી. પ્રેમને રોમ-રોમમાં ઉતારી જીવંત રહી એની દિવ્ય અનુભૂતિથી જીવનને શાંત અને યોગ્ય દિશામાં ઉર્ધ્વ ગતિ તરફ જઈ શકવાની કેડી બનાવી શકાય છે.

       પ્રેમનો સાચો અર્થ સમજાય તો જીવનની દશા અને દિશા જ ફરી જાય. પ્રેમને ક્યારેય સ્થૂળ અર્થમાં ના બાંધતા વિશાળ દિલ અને ખુલ્લા મનથી એને સાચી રીતે સમજી એનો પૂરેપૂરો જીવનમાં ફેલાવીએ તો જીવંત રહી શકાશે અને જીવનનું લેવલ દિવ્ય ગતિ તરફ સરળ અને ઝડપી ગતિ કરશે એમાં બેમત નહિ હોય!

કોઈ છીછરા કે હલકા પ્રેમને આપણે પરમતત્વ જેવું રૂપાળું નામ ન આપી શકીએ. અને પરમતત્વ એટલે દુન્યવી પ્રેમથી પર એવું પણ નથી કહેવું. આ પૃથ્વી પર રહીને જ સાચો પ્રેમ પામવો ને કરવો એ જ તત્વ સાચું. એવું નથી કે સાચો પ્રેમ થાય ત્યાં સ્પર્શ ના હોય ત્યારે જ એ પવિત્ર. પ્રેમ એક એવું તત્વ છે, એવી દિવ્ય અનુભૂતિ છે કે એમાં બસ વહી જવાય ને ઓગળી જવાય કોઈ શરત વિના. ત્યારે થનાર સ્પર્શ પણ પવિત્ર જ હોય અને સંપૂર્ણ સંબંધ પણ પવિત્ર જ હોય. એ પ્રેમ જો શાંતિ અને સંતોષથી જીવન પસાર કરવામાં નિમિત બને તો એમાં કશું અપવિત્ર ના હોઈ શકે. એનો રસ્તો શાંત અને નિ:સ્વાર્થ હોવો જોઈએ. એ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ, એમના સંબંધોનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એમાં સ્પર્શ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, મળવું જરૂરી હોય પણ અને ન પણ હોય. પ્રેમને પરમ રીતે ભાગ્યે જ કોઈ મેળવી શકે અને જે મેળવે તેને માટે એ આત્મીય જોડાણ હોય છે, જેને દેખાવ કે આવડત કરતાં દિલથી, આત્માથી જોડાણ હોય છે, અને તે ક્યારેય તૂટતું નથી. શબ્દો કે સ્વાર્થ વિના જ જરૂર પડ્યે સેવા પણ કરી શકે ને અદ્વિતીય પ્રેમ પણ એ જ કરી શકે. એ અહેસાસ આપનાર વ્યક્તિ જીવનમાંથી કે ધરતી પરથી જતી રહે તો પણ એનું સ્મરણ શાંતિ ને આનંદ જ આપે ત્યારે એ પ્રેમ જીવંત વ્યક્તિને એક ઉર્ધ્વ ગતિ તરફ પરમ સંતોષથી જવા દઈ શકે તો એ સ્વીકારવું જોઈએ કે નહિ?

પ્રેમનું છે એક પરમ તત્વ

મળે તો પામી લેજો એ સત્વ

~ વૈશાલી રાડિયા

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૪-વૈશાલી રાડિયા

વિષય -અષાઢી મેઘલી રાત-પ્રથમ ઇનામ 

શીર્ષક: ‘કલમવાલી બાઈ’

હેય્ય્ય્ય, હેય્ય્ય…., તારી તો…” રઘલાએ પૂર ઝડપે ચાલતી ટ્રકને બ્રેક મારતાં કીચૂડાટ થઇ પાણીની સેરું ટાયરના સરસરાટ સાથે ઊડી અને ટ્રક રોડ પરથી ઉતરી ગયો. એક તો અષાઢી મેઘલી રાત, વીજળીના કડાકા અને ભડાકા, આકાશ મન મૂકીને ધરતી માથે ઝળુંબી રહ્યું હતું. આવા સમયે એકલ દોકલ વાહન સિવાય કોણ નીકળે? એટલે રઘલો બાપનો રોડ હોય એમ આ ઠંડી રાતમાં થોડો ટલ્લી થઈને ગરમીમાં ટ્રક પૂરપાટ ચલાવતો હતો, ત્યાં સામે રોડ પર વચ્ચો વચ્ચ એક કાર ઊભેલી જોઈ રઘલાને અચાનક બ્રેક મારવી પડી. હજુ રોજની ટેવ મુજબ ટ્રક ચલાવી શકે એટલી જ બોટલ પેટમાં ગયેલ એટલે ટ્રક પર કાબુ આવી ગયો. ઠેક મારી રઘલો ટ્રકમાંથી ઊતર્યો અને કારચાલકને ગાળું ભાંડતો એ તરફ ચાલ્યો. ટ્રકની હેડલાઈટ ચાલુ હતી, પણ સામે કારની હેડલાઈટના લીધે અને અંધારી વરસાદી રાત એટલે ડ્રાઈવિંગ સીટ પર કોણ હશે એ દેખાતું ન’તું. એક ફેંટ ખેંચી લેવાના મુડમાં રઘલાએ “એય.. આમ કાર ઉભી રાખી સે તી રોડ તારા બાપનો સે?” કારના દરવાજા પર જોરથી હાથ ઠોકયો અને પાણીના રેલા વચ્ચે વીજના ચમકારામાં અંદર નજર જતાં એ ઘીસ ખાઈ ગયો! “ઓ તારી, આ તો બાઈ સે, એ પણ બેભાન લાગેસ. શું કરવું?” એમ બબડતાં એનાથી અનરાધાર વરસી રહેલા આકાશ સામે જોવાઈ ગયું. એનું થોડું ઘણું ટલ્લીપણું ક્યાંય જતું રહ્યું. આવી મેઘલી રાતમાં બાઈ માણહ આમ એકલી ક્યાં નીકરી હય્શે? ને આમ બેભાન પડીસે તી આવી ઉપાદી માથે લેવી કે પોતે પોતાના રસ્તે હાલતો થઇ જાય? એમ વિચારતા માણસાઈ જીતી ગઈ અને એણે કારને રોડ પર એક બાજુ પાર્ક કરી ચાવી ખિસ્સામાં નાખી ભોળો રઘલો ભગવાનનું નામ લઈને સ્ત્રીને ટ્રકમાં નાખી અને રસ્તે પડ્યો.

       બાઈના લૂગડાં પરથી તો સારા ઘરની દેખાય સે. સુ થ્યું હય્શે? મનમાં કેટલાય વિચારો કરતો રઘલો થોડીવારમાં પોતાના ઘરે પહોંચ્યો. રઘલાનું ઘર એટલે વસ્તીથી જરા છેવાડે એક ખોલી જેવડી રૂમ, જેમાં એક લોખંડનો કાટ ખાયેલો પલંગ અને બહાર ખુલ્લી ઓસરીમાં એની અસ્ક્યામત જેવો એક હીંચકો. સ્ત્રીને ઊંચકીને પલંગમાં સુવાડી ત્યાં એ મૂંઝાયો કે ઘરમાં કોઈ બાઈ માણહ નહિ અને આ બાઈનું શરીર તો ટાઢુંબોળ, એમાં ભીંજાયેલા લૂગડાં અને આવી ગાંડી મેઘલી અહાઢી રાત એમાં અત્યારે કયો દાકતર ગોતું? હવે મારો રામ કરે ઈ ખરું. એમ વિચારી મન મક્કમ કરી એણે સ્ત્રીના કપડાં દૂર કરી, એને કોરી કરી પોતાના ધોયેલા કુરતો ને લૂંગી પહેરાવ્યા. એના પગના ઠંડા પડેલાં તળિયા ઘસ્યા પછી પોતે બહાર જઈ ધોધમાર વરસાદ જોતો હીંચકે બેઠો પણ ચિંતા થઇ કે બાઈ બચી તો જશે ને? ફરી અંદર જઈને જોયું ત્યાં બાઈનું શરીર તો સાવ ઠંડુ પડતું જતું હતું. રઘલો બહુ ભણેલ ન’તો પણ ગણેલ હતો. ભલે ટ્રક ચલાવતો ક્યારેક દારૂ પણ પી લેતો પણ ભગવાનનો ડર રાખી જીવવાવાળો નિખાલસ માણસ હતો. મનમાં પોતાના દેવને યાદ કરી રઘલાએ બન્નેના કપડાં દૂર કરી એક નિર્ણય સાથે સ્ત્રીની બાજુમાં લંબાવ્યું અને ધાબળો ઓઢી સ્ત્રીની જાત સાથે ભીડાઈને એક અગનખેલમાં પોતાની જાતને પણ ડૂબાડી. એની પવિત્રતાની એક આકરી કસોટી હતી એ! ભોળાનો ભગવાન એ વાત સાચી પડતી હોય એમ થોડા કલાકો પછી શરીરની હૂંફ મળતાં સ્ત્રી સળવળી! એ પૂરી ભાનમાં આવે તે પહેલાં રઘલાએ એને કપડાં પહેરાવી પોતે પણ વ્યવસ્થિત થઇ પરસાળમાં હીંચકે જઈ ધોધમાર વરસાદ જોતો બેઠો. થોડીવારમાં જ તેણે ધાર્યું હતું એમજ અંદરથી એક બેબાકળી ચીસ બહાર આવી અને રઘલો ઓરડીમાં ગયો અને એને જોતાં જ એ સ્ત્રીએ ઠેક મારી રઘલાનો કોલર પકડી એને મારવા લાગી. “તું છે કોણ? મને કેમ અહી લાવ્યો છે? મારા કપડાં કોણે બદલ્યા? મારી કારનું તે શું કર્યું? તને કોણે રૂપિયા આપેલ મને કીડનેપ કરવાના? હું તને એનાથી વધુ રૂપિયા આપીશ, બોલ કેટલા જોઈએ તારે? તું મને ઓળખતો નથી. મારો એક ફોન જશે ત્યાં તું જેલમાં હોઈશ.” એકી શ્વાસે બોલતી અને રઘલાની છાતી પર મુક્કા મારતી એ સ્ત્રીને થોડીવારે સમજાયું કે ચૂપ ઉભેલો આ આદમી ધારે તો એની સાથે ગમે તે કરી શકે એમ છે અને પોતે જે ગુમાનથી બોલે છે, એમાં અત્યારે તો પોતાની પાસે ફોન પણ નથી અને બહારે સંભળાય છે -અષાઢી અંધારું ઓઢીને વરસી રહેલો વરસાદ, જેમાં ચીસો પાડે તો પણ કોઈ ના સાંભળે! અને એકદમ એક પળ માટે એની આંખોમાં નિ:સહાયતા તરવરી અને વરસાદના અવાજ સાથે એ પણ આંખો વરસાવતી ચૂપ થઇ રઘલા સામે જોઈ રહી.  એનો કોલર છોડી ધબ્બ કરતી એ પલંગ પર પછડાઈ.

       પોતાની નાની ખોલીના એક ખૂણામાં રાખેલ ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવી બે કપ ભરી એ સ્ત્રી સામે જોતો બહાર ગયો અને થોડીવારમાં હીંચકાની બીજી તરફ હળવે પગલે બેસતું એક વજન વરતાતા એણે કપ લાંબો કર્યો અને લંબાવેલા હાથમાં કપ આપી ફરી વરસાદ જોતાં અને જૂની છતમાંથી પાણી જેવી ચામાં ટપકતા પાણીને પી રહ્યો!

       “આઈ એમ સોરી..” ધીમે અવાજે સ્ત્રી બોલી. રઘલાને સોરીમાં સમજ પડતી હતી એટલે એણે સ્મિત કર્યું. “હું એક લેખિકા છું. મારા પાંચ વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મુક્યો છે. ૬ વર્ષ પહેલા એક આવી જ એક મેઘલી રાતે હું મારા બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી અને વરસાદમાં નહાતાં-નહાતાં એકબીજાના પ્રેમના વરસાદમાં ક્યારે ભીંજાય ગયા ખબર જ ના રહી! એ મેઘલી રાત પછી એ ક્યાં ખોવાયો એ પણ ખબર જ ના રહી! પણ મારા દીકરાના અણસાર શરીરમાં ફરક્યા ત્યારે ખબર પડી. એ આવશે એ આશામાં ઘેલી હું રાહ જોતી રહી. અને મારા આ નિર્ણયથી મારા માતા-પિતા નારાજ થયા. હું એમની એક માત્ર દીકરી અને મારી આવી જિંદગી જોઈ એ ચિંતામાં ગયા વર્ષે વારાફરતી બન્ને ભગવાન પાસે પહોંચી ગયા અને આમ જયારે અષાઢી મેઘ ખાંગા થઈને વરસે ને ત્યારે એવું લાગે કે એની આંખો પણ વરસે છે! મારા દીકરાને મેં આ વર્ષે જ હોસ્ટેલમાં મૂક્યો. મારું કામ દેશ-વિદેશમાં ફરતાં રહેવાનું, લખવાનું અને સેમીનાર કરવાના. બહુ વ્યસ્ત જિંદગીમાં દીકરાને હોસ્ટેલમાં તો મૂક્યો પણ ત્યાર પછી થોડા-થોડા સમયે કોઈને કોઈ રીતે અજાણી ધમકી મળ્યા કરતી અને દીકરાને કોઈ લઇ જશે એ ભય સતત રહે. એમાં કાલે સાંજે હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને મળવા કોઈ અજાણ્યો આદમી વારે-વારે વિનવણી કરે છે અને સ્કુલબસ પાસે પણ ઘણીવાર એવી કોશિશમાં કોઈ આંટા મારતું હોય એમ લાગે છે. પહેલા તો ધ્યાને ના લીધેલ પણ ઉપરાઉપરી બે-ત્રણ વાર ધ્યાને આવતા મને જાણ કરી. આ સાંભળી હું રહી ના શકી અને આવા ધોધમાર વરસાદમાં નીકળી તો પડી પણ જ્યાં મારી કાર અટકી એ એ જ જગ્યા અને એ જ સમય હતો, જ્યાં હું મારા દીકરાના પપ્પા સાથે આવી જ મેઘલી રાતમાં નહાતી-નહાતી એનામાં તણાઈ ગયેલ! અને અચાનક શું થયું વિચારોમાં જ મને ચક્કર આવતાં કાર તો અટકાવી પણ ભાન ગુમાવી દીધું એ ખબર જ ના રહી. તમે કોણ છો એ નથી ખબર. મારા દીકરાને મારી પાસેથી ઝૂંટવવા કોઈ મને કેદ કરવા પ્લાન કરે છે, એમ વિચારી હું તમારા પર મારો અંદરનો ભય છૂપાવવા આક્રોશથી તૂટી પડી પણ તમારી આંખોમાં માણસાઈ જોતાં એ ભય દૂર થતાં મને યાદ આવ્યું કે હું જ ચક્કર ખાઈ ભાન ગુમાવી ચૂકેલ, તમે તો મને બચાવેલ હશે. કેમ બચાવેલ હશે એ પણ મારા આ કપડાં જોઈ સમજાઈ ગયું; કેમકે ઘરેથી નીકળી ત્યારે ઉતાવળમાં દોડતી હું રોડ પર નીકળી ગયેલ; જાણે દોડીને મારા દીકરા પાસે પહોંચી જવાની હોઉં તેમ! પછી યાદ આવતા પાછી વળી અને કોઈનો ભરોસો ના રહ્યો એટલે ડ્રાઈવરને પણ ના ઉઠાડ્યો અને ભીના કપડે જ નીકળી પડી. એક તો અષાઢ માસ એમાં પણ આ મેઘલી રાત અને પવન, વીજળી, તોફાન, ઠંડી પણ મને એ કશું દેખાતું ન’તું-હોસ્ટેલ સિવાય!” એક ખ્યાતનામ લેખિકા આજે એના લેવલથી ક્યાંય નીચલા લેવલના માણસ સામે દિલથી દિલ ખોલી રહી હતી. અત્યારે એ એક મા હતી, એક સ્ત્રી હતી અને એને બચાવનાર એના માટે ભગવાન સમાન દેવપુરુષ હતો. એથી વિશેષ એને કશું અત્યારે મહત્વ નહોતું.

       બે ચોપડી પાસ, નાનપણમાં આવી જ એક મેઘલી વરસાદી રાતે ગામના ઘરમાં પૂર આવતાં મા-બાપ તણાઈ ગયા અને વેકેશનમાં દાદી પાસે શહેરમાં આવેલ રઘલાને દાદીએ પોતાની પાસે જ રાખી લીધો. દસ વર્ષનો હતો ત્યારે એને આ ઓરડીનો અને સ્વર્ગવાસી દાદાનો ટ્રક વારસામાં આપી દાદી પણ દાદા પાસે પહોંચી ગયા! સાથે ગરીબડી દાદીએ બીજો પણ એક વારસો આપેલ કે ટ્રકડ્રાઈવરની ખરાબ છાપ હોય પણ તું હંમેશા જિંદગી સાચી નીતિથી જીવજે. આવું વચન દાદીને આપેલ ભોળિયો રઘલો ભલે ક્યારેક બે ઘૂંટ લગાવી લે અને ભાષા થોડી રફ પણ દિલનો સાફ માણસ. આ સ્ત્રી શું બોલી એમાં એ ઘણું ના સમજ્યો પણ સમજવા જેવું ઘણું સમજી ગયો ને વિચારોમાં જ એ બોલી પડ્યો, “તારા દીકરા હુધી પોસાડવાની જવાબદારી મારી ને એને કોઈ આંગળીય અડાડે તો આ તારો ભાઈ રઘલો બેઠોસ. આ જળદેવતા અનરાધાર વરહે એ દેવના સોગન, એની સાખે તને કહું સુ કે તારા એક સાદે તારી મદદમાં આવી પૂગીશ. તારું નામ તો નથી પૂયસુ પણ તું ભણેલી ઘણું સો એ હમજ્યું કલમવાલી બાઈ.” અને ત્યાં તો એ ગંભીરતા ખંખેરી વરસાદ જેવું વહાલું હસી પડી, “આ કલમવાલી બાઈનું નામ સે….મેઘલ, પણ રઘલા તારા મોઢે તો કલમવાલી બાઈ હારું લાગેસ હાં.” કહેતી મેઘલ ભીની આંખ લૂછતાં ખડખડાટ હસી પડી અને લૂંગી સાચવતી બોલતાં-બોલતાં ઓરડી તરફ જવા લાગી, “હવે કોઈ ભય વિના જલ્દી તારા ભાણીયા પાસે જવું છે. ચાલ, હવે તૈયાર થા. અને દાદાનો ટ્રક ભલે સાચવ પણ હવેથી આ કલમવાલી બાઈ જ્યાં જશે ત્યાં ડ્રાઇવર પણ તું અને મારા ઘરનો મોભી પણ તું. દીકરો હોસ્ટેલથી ઘરે લઇ આવીએ. હવે એ ઘરે જ ભણશે અને રહેશે એના મામા સાથે. એની મા ગમે ત્યાં હોય એની સાથે એના આવા વહાલા મામાના વહાલનો વરસાદ આમ જ વરસશે, અષાઢી મેઘની જેમ!”

       મેઘલ ફરી વરસાદમાં નહાતી-મનમાં વિચારતી રઘલા સાથે નીકળી પડી કે ગમે એટલી મોટી લેખિકા બની અને અષાઢ એટલે કાલિદાસ, મેઘદૂત અને વિરહનો માસ બહુ વાંચ્યું અનુભવ્યું અને બહુ લખ્યું, પણ આજે આ કલમવાલી બાઈને સમજાયું કે અષાઢી મેઘલી રાત એટલે કોઈના મિલનની રાત પણ બની શકે! દીકરો ઘરે આવશે અને સાથે ભાઈ પણ મળ્યો!… અને ‘કલમવાલી બાઈ’ શબ્દ યાદ આવતાં એ હસી પડી. રઘલો ભોળા ભાવે પૂછી રહ્યો, “કેમ હસી તું કલમવાલી બાઈ?” અને મેઘલ હાઈ-ફાઈ ખ્યાતનામ લેખિકાનું સ્ટેટસ ભૂલી કપડાં ઊંચા ઝાલી વરસો બાદ ખુશીમાં ઝૂમતી અષાઢી મેઘલી રાતના વરસાદમાં છપાક-છપાક અવાજ સાથે ચહેરો આકાશ તરફ કરી વરસાદ ઝીલતી દોડતી ગણગણવા લાગી… “બરસો રે મેઘા મેઘા …બરસો રે મેઘા બરસો….”

 

 

               

તરુલતા વાર્તા સ્પર્ધા-(16) હેય… માય સન..! વૉટ્સઅપ?-વૈશાલી રાડિયા

 

મિત્રો બેઠકના નવા સર્જકને ઉમળકાભેર આવકારો.વૈશાલીબેન આપનું બેઠકમાં સ્વાગત છે.

હેય… માય સન..! વૉટ્સઅપ?

ચોમાસાની મેઘલી રાતના અંધકારને વધુ ડરામણો બનાવતો ઘરનો મુખ્ય દરવાજો ચરરર… અવાજ કરતો ખૂલ્યો. આર્યને બિલ્લીપગે ઘરમાં પ્રવેશી ઝાંખા પ્રકાશમાં હોલની ઘડિયાળમાં જોયું. રાતના બે ને દસ મિનિટનો સમય બતાવતી મોટા લોલકવાળી ઘડિયાળ ટક…ટક… અવાજથી ઘરની શાંતિ ભંગ કરતી હતી. ધીમેથી આર્યને ડગલું આગળ ભર્યું, ત્યાં લાઈટો ઝગમગી ઊઠી અને સામે તેના પિતા -એપલ ફેબ્રિક્સના માલિક સનાતન મલ્હોત્રા ઊભા હતા. નજરું ટકરાઈને છૂટી પડી અને પગના રસ્તા પણ પોતપોતાના બેડરૂમ તરફ ફંટાઈ ગયા!

પથારીમાં પડેલા સનાતન મલ્હોત્રાની આંખ સામે છત પર જાણે જિંદગીનું ચિત્રપટ ચાલતું થયું. મા વિનાના આર્યનને મા-બાપ બન્નેનો પ્રેમ આપીને ઉછેરેલો, છતાં બિઝનેસના અનિવાર્ય પ્રવાસો અને મિટિંગોના કારણે આર્યન એકલો રહી ગયો. નાની ઉંમરથી જ સ્ત્રીના પ્રેમ-સહવાસ માટે ઝંખતો આર્યન ક્યારે ઇન્ટરનેટ પરના સેક્સી વિડિયો, પોર્નોગ્રાફીની જાળમાં અટવાઈ ગયો અને બધી જાતના કુછંદે ચઢી ગયો, એ સનાતનને ધ્યાન જ ન રહ્યું. એક વાર તો સુરતની બદનામ ગલીઓમાં દોસ્તો સાથે રાત રંગીન કરવા ગયેલો આર્યન પોલીસની રેડમાં પકડાયો, પણ બાપના પૈસાના જોરે છૂટી ગયો. જોકે, એ રેડ સિવાયની તો છાનીછપની કંઈકેટલીય રાતો લાલ ગુલાબના મુલાયમ સહવાસમાં ‘રેડ’ કરેલી એ કોઈ શું જાણે?!આ ચક્કરમાંથી છોડાવવા સનાતને દીકરાને સલાહ આપવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધીમાં તો પાણી પાળ કૂદાવી ગયું હતું એટલે અવારનવાર આર્યનની આવારગી અને સનાતનનો સંતાપ નજરુંના મૌનમાં જ ટકરાઈને સમાઈ જતાં!

પણ, નિયતિનું ચક્ર ફરતું રહે છે. એવામાં એક વખત સનાતનની તબિયત બગડતા, અગત્યની બિઝનેસ મિટિંગ માટે આર્યનને મુંબઈ જવાનું થયું. આર્યનને તો બિઝનેસ ટ્રિપની સાથે ‘ફન ટ્રિપ’ જોઇન્ટ જ હોય! દોસ્તોને પણ સાથે લીધા અને મર્સિડીઝ લઈને સુરત ટુ મુંબઈની સવારી ઉપડી.

******

અષાઢ-શ્રાવણના સરવડાથી લીલી ધરતી ને મહેનતુ ખેડુઓ – એમાં બે જીવ સોતી સમા બેસી ગયેલી જીવલીને ખેતરમાં કામ કરતી વેળા કેડ સમાણા ઘાસમાં ખબર નહીં ક્યારે સાપ ડસી ગયો અને તેણે ઓય… મા… કરતી’ક પછડાટ ખાધી. એની ચીસ સાંભળીને એની સાસુ રાજીડોશી બૂમ પાડતી દોડી. આસપાસના ખેતરમાં કામ કરતાં માણસો પણ બૂમ સાંભળીને દોડી આવ્યા. દેશી ઉપાયો ચાલું કરી દેવાયા. એક છોકરો ડાફુ દેતો વૈદબાપાને બોલાવી લાવ્યો. વૈદે સાપનું ઝેર તો ઉતાર્યું, પણ ડરના માર્યા ફફડી ગયેલી જીવલીના ગર્ભાશયનું મુખ ખૂલી ગયું. અધૂરામાં પૂરું ગામની એક માત્ર દાયણ ત્યારે બાજુના ગામમાં કાણે ગઈ’તી. એટલે જીવલી અને એના પેટમાંથી બહાર નીકળવા પાટું મારતા જીવને બચાવવા કોઈ ત્યાં હાજર નો’તું. વૈદબાપાએ કહી દીધું, ‘બાજુના શહેરમાં જો પુગાડી શકીએ, તો આ બાઈ ને એનું છોકરું બચે. બાકી તો રામ… રામ..!’ ને રાજીડોશીના પગ પાણી-પાણી થઈ ગયા. ભરજુવાનીમાં ધાવણો છોકરો ખોળામાં મેલીને ઘરવાળો સિધાવ્યો ને આજે એ દીકરો-જીવલીનો વર નંદુ છ મહિના પહેલાં જ ખેતરમાં કાળોતરો ડસતાં ઊકલી ગયો. કુટુંબના તારનારને વધાવવાની આશામાં બધું સહેવા છતાં ટટ્ટાર રહીને જીવલીને જોમ આપનાર આ ડોશી, વધતી રાતની સાથે, અચાનક જાણે ઉંમરના ભારથી ઝૂકી ગઈ, પણ થોડી પળોમાં જીવલીના ચહેરા સામે જોતાં કોણ જાણે કયા બળે એ ઊભી થઈ અને એકદમ સ્વસ્થતાથી બોલી, ‘હેંડો, જીવલીને નાખો ખાટલામાં. વે’લો ઊગે દિ ને ઝટ આવે શે’ર. ઘડીભરની વાટ જોવીય હવે નક્કામી.’ડોશીની હિંમત જોઈ રામલો, ભીખો, વસનજી, દગડુ એમ ચાર-પાંચ જુવાનિયા ખાટલો લઈ હાલી નીકળ્યા. ભળભાંખળું થવાને હજી વાર હતી, પણ અજવાળિયા હતા એટલે નીકળી તો પડ્યા, પણ વાહન મળશે કે કેમ એ ચિંતા હતી. તોપણ ગામડાના એ શ્રદ્ધાળુ લોકોભગવાનનું નામ લઈ મોટી ડાફુ ભરતા હાલી નીકળ્યા.

રસ્તા પર નીકળતાં એકલ-દોકલ વાહનને હાથ ઊંચા કરે, પણ એમ જ બે-ત્રણ ગાડીઓ જતી રહી. બીજી બાજુ, જીવલીને વારેવારે ચીસો પાડતી, વળ ખાઈને સૂધ ખોતી જોઈને ડોશીનો જીવ તાળવે ચોંટી જતો હતો. તેનાથી આકાશ સામે જોઈને બે હાથ જોડાઈ ગયા, આંખો ચૂવા લાગી કે, ‘આવડો તો અમારો કયો ગનો? હજી કસોટીયું?’

ને જાણે ભગવાને સાદ સાંભળી લીધો હોય એમ સડસડાટ દોડતીએક મર્સિડીઝ ઊભી રહી. જુવાનિયાઓએ કારના સવારોને વિનંતી કરી કે, બાજુના શહેરની હોસ્પિટલે પહોંચાડી દો, તો તમારા જેવો ભગવાનેય નહીં. મર્સિડીઝમાં બેઠેલી આર્યનટોળી જેને ભગવાન સાથે કોઈ નિસબત નહોતી, તેમનામાં પણ અચાનક માનવતાનું ઝરણું ફૂટ્યું અને સાસુ-વહુને લિફ્ટ આપી.

થોડે દૂર ગયા, ત્યાં જીવલીની પ્રસવપીડાએ વેગ પકડ્યો. બીજી તરફ, મર્સિડીઝના ટાયરમાં પંક્ચર થતાં બ્રેક લાગી અને કીચુડ…કીચુડ… કરતાંક ગાડી કાદવમાં ખોડાઈ ગઈ! ને જીવલીને રીબાતી જોઈને આર્યન અને તેના દોસ્તોને અચાનક પોર્નોગ્રાફી અને નેટ પર કરેલાં ખાંખાખોળાંનું જ્ઞાન તાજું થયું. સ્ત્રીના શરીરની તમામ રચનાથી વાકેફ આ જુવાનિયાઓનો આત્મા જાગ્યો અને એક જુદી જ દૃષ્ટિ જીવલી પર પડી. એ દૃષ્ટિમાં હવે ફક્ત કરુણા ને માનવતા જબચી હતી. કારમાં પડેલાં સાધનોમાંથી જે ફાવ્યું ને હાથ લાગ્યું તે લઈને તેમણે રાજીડોશીની મૂક સંમતિથી જ જીવલીની ડિલિવરીનું કામ શરૂ કરી દીધું. નેટ પર સર્ચ કરીને એક દોસ્ત જેવું તેવું માર્ગદર્શન આપતો ગયો! મેઘલી રાત ને ઘડી પહેલાં બનેલા અણઘડ ડૉક્ટરોના હાથમાં બાજી હોવા છતાં પણ રાજી ડોશી પાસે બે હાથ જોડી બંધમાં રમવા સિવાય કોઈ આરોઓવારો નહોતો!

ત્યાં અચાનક આર્યન ટોળી ગેલમાં આવી ગઈ. લાલ રક્તથી ભીંજાયેલો એક જીવ તેમના હાથમાં આવ્યો. એણે નાડ કાપી ત્યાં સૂમસામ રસ્તો ઉંવા… ઉંવા…ના રુદનથી ગાજી ઊઠ્યો ને રાજીડોશીના હાથમાં જીવલીનો બેટો ઝીલાઈ ગયો! એ રુદન સાથે રાજીડોશીની આંખના શ્રાવણ-ભાદરવા સાથે એના ભગવાને જવાબ આપ્યો હોય, એમ આકાશમાંથી ધીમે ધીમે ફોરાં વરસ્યાં, જાણે નવા જીવનું સ્વાગત ન કરતાં હોય! શરીરને ઢીલું મૂકતાં, જીવલીએ સુખની સુરખીમાં આર્યન ટોળી સામે જે સ્મિત કર્યું, એ સ્મિતમાં જાણે હજારો આશીર્વાદ અને સંતોષ ઝળકતા હતા, જે આ ફન-ટોળીને હચમચાવી ગયા. આજે એમણે સ્ત્રીશરીરને મા સ્વરૂપે જોયું હતું.રાજીડોશી અને જીવલીને વિદાય કરીને પછીનો રસ્તો એ ટોળીએ મૂંગા-મૂંગા એક અજબ ભાવના સાથે પસાર કર્યો. તેમની નજરોએ જ આંખોના માધ્યમથી ઘણી વાતો કરી લીધી કે સ્ત્રી એ માતા, બહેન,દીકરી, પત્ની ઘણું છે ફક્ત એક શરીર નથી. અને ‘મિસ’યુઝ ન થાય તો નેટ પણ ફક્ત ‘ફન’ નથી.

******

ઇન્ટરનેટના આ યુગમાં આવા સમાચારોને વાઇરલ થતા વાર શી?મુંબઈની બિઝનેસ ટ્રિપ સફળતાપૂર્વક પતાવી મોટી ડીલ ફાઇનલ કરીને એક જ રાતમાં છેલબટાઉને બદલે એક જવાબદાર યુવાન બની ગયેલા આર્યને જ્યારે સુરતના પોતાના બંગલામાં પગ મૂક્યો,ત્યારે દરવાજા પર જ મંદ સ્મિત અને અનેરા ગર્વ સાથે સનાતન મલ્હોત્રાને ઊભેલા જોયા. બાપ-દીકરાની નજર ટકરાઈ, પણ આજે તેમાં ટકરાવ કરતાં લાગણી અને સમજણનો મહાસાગર હતો અને તે દિવસે એ નજરો નીચી ન પડી, પણ બોલી ઊઠી. હાથ ફેલાવીને સનાતને આર્યનને આવકાર્યો ને છાતી સરસો ચાંપતા બોલી ઊઠ્યો કે, ‘હેય… માય સન..! વૉટ્સ અપ?

મોડી રાત્રે સનાતન મલ્હોત્રાએ પ્રથમ વખત ફેસબુક એકાઉન્ટ શરૂ કરીને તેના ડીપી તરીકે પિતા-પુત્રએ સાંજે લીધેલી સેલ્ફી ચમકી રહી હતી.

******

-વૈશાલી રાડિયા

+91 94288 63730