, રંગહીન આંસુ
Category Archives: રોહીત કાપડિયા
૧૮-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન
માતૃત્વની મહેક
અશેષ, પરંતુ
આપણાં લગ્નને ત્રણ વર્ષ પૂરા થયાં. આ ત્રણ વર્ષમાં તેં મને ઘણો પ્રેમ આપ્યો. રાજાની રાણી જેવું સુખ આપ્યું. એશ-આરામ અને સુખ સાહ્યબીના સાધનોમાં જ મારે જીવવાનું હતું. છતાં પણ મને ભીતરમાં કંઈક ઓછપ લાગતી હતી. શું ઓછપ હતી તે જણાવતાં પહેલાં થોડી મારી અતીતની વાતો કહીશ.
શ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હતો. એકનું એક સંતાન હોવાથી હું મમ્મી અને પપ્પા બંનેની ખૂબ જ લાડકી હતી. ખૂબ જ લાડકોડમાં મારૂં બાળપણ વિત્યું. પપ્પા તો મને દીકરી નહીં પણ દીકરો જ ગણતાં હતાં. પપ્પાએ મારા બધા જ શોખ પૂરાં કર્યાં હતાં. સંગીત મને અત્યંત પ્રિય હતું અને એની તાલીમ પણ મેં લીધી હતી. ખાવાનું બનાવવાનો પણ મને બહુ ગમતું. બધાં જ મને સ્વાદ સામ્રાજ્ઞી કહીને બોલાવતાં. ભણતરમાં પણ મેં એમ. એ ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. આ બધી પ્રવૃત્તિ સાથે પપ્પાએ અમારા કુટુંબ અને સમાજનો વિરોધ સહન કરીને પણ મને ઘોડેસવારી, ક્રિકેટ, ચેસ અને કરાટેની તાલીમ અપાવી હતી. વક્તૃત્વમાં પણ મને કોઈ પહોંચી શકે નહીં. ‘વુમન્સ ડે’ પર મેં સ્ત્રીની શક્તિ, સ્ત્રીની પહોંચ, સ્ત્રીની ખૂબીઓ અને સ્ત્રીની મહાનતાને સાંકળીને આપેલા વક્તવ્યમાં મને આંતર રાષ્ટ્રીય કોલેજ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું હતું. રૂપ, ગુણ અને સંસ્કારના ત્રિવેણી સંગમ જેવી મારી પ્રતિભા હતી. મારા બધા જ શોખ અને મારી બધી જ ઈચ્છા પૂરી કરી શકે એવા રાજકુમાર સાથે મને પરણાવવાની મારા પપ્પાને ઈચ્છા હતી. ખેર! વિધાતાને કંઈ જૂદુ જ મંજૂર હતું.
મારા પપ્પાને ધંધામાં અચાનક જ મોટી ખોટ સહન કરવી પડી. નુકસાન અકલ્પનીય હતું. તારા પપ્પાએ એટલે કે પપ્પાજીએ મારા પપ્પાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ તો લંબાવ્યો પણ સાથે મારા હાથની પણ તારાં માટે માંગણી કરી. મારા પપ્પા આ માંગણી સ્વીકારવા તૈયાર ન હતા. તમારૂં કુટુંબ ખાનદાન છે અને સમાજમાં તમારૂં નામ છે એ વાત પપ્પા જાણતાં હતાં પણ તેમને એ ખબર હતી કે તમારી વિચારસરણી જૂની છે. તમારી રૂઢિચુસ્તતાનાં કારણે મારાં બધાં જ શોખ પર જો આ સંબંધ માટે હા પાડવામાં આવે તો પૂર્ણવિરામ મૂકાઈ જાય એમ હતું. મારા પપ્પાને આ વાત મંજૂર ન હતી. મમ્મી પાસેથી જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મેં પપ્પાને કહ્યું કે જો તમે મને સાચા અર્થમાં દીકરો માનતા હો તો તમારી તકલીફનાં આ સમયે મને કામમાં આવવા દો. મને આ સંબંધ બાંધવામાં કોઈ જ વાંધો નથી. હું રાજીખુશીથી અને દિલથી આ બંધનમાં જોડાઈશ. હું ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરૂં. આમ પણ તમારા ભાવિ જમાઈના ભણતર અને સંસ્કારીતાની મને જાણ છે. એમના સાલસ સ્વભાવ સાથે હું મારા શોખને જૂદા સ્વરૂપમાં ઢાળી દઈશ.
પછી તો આપણા લગ્ન થઈ ગયા. મધુરજનીથી પાછા આવ્યા બાદ બીજા જ દિવસે સવારે મમ્મીજીને પગે લાગીને મેં હોંશથી કહ્યું “મમ્મીજી આજે તો મારાં હાથે નવી જ વાનગી બનાવીને હું બધાને ખવડાવીશ.” પણ મારી વાતને વચ્ચેથી જ કાપતાં મમ્મીજીએ કહ્યું “આપણે ત્યાં એ બધી નવા જમાનાની વાનગીઓ નહીં ચાલે. તારે આ ઘરની પ્રણાલિકા મુજબનું ખાવાનું જ બનાવવાનું છે.” મેં મનને મનાવી લીધું. થોડા દિવસ પછી મેં સંગીતના વર્ગ ઘરે ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો પણ મમ્મીજીએ કહ્યું “આપણા કુટુંબમાં આવા બધા કામ ન શોભે”. મેં આ વાત પણ સ્વીકારી લીધી. મારા ભણતરનો ઉપયોગ થાય એ માટે મેં શાળામાં ભણાવવા જવા માટે પરવાનગી માંગી. મમ્મીજીએ તરત જ કહ્યું “આટલી દોમદોમ સાહ્યબી છે તો તારે પંતુજીની નોકરી કરવાની શી જરૂર છે?”.
આવા તો ત્રણ વર્ષમાં અનેક પ્રસંગ બન્યાં પણ મેં ક્યારેય તમને ફરિયાદ નથી કરી. તમને આ વાતો અંગે પહેલા નથી પૂછ્યું કારણ કે મને ખબર હતી કે મંજૂરીની મહોર તો મમ્મીજી જ મારી શકે. અલબત્ત, મમ્મીજી મને પ્રેમ જરૂર કરતાં હતાં.
બે મહિના પહેલા જ્યારે મને મા બનવા માટેનાં એંધાણ દેખાયા ત્યારે તો ઘરમાં બધા જ ખુશ થઈ ગયાં. મમ્મીજી તો મારૂં વિશેષ ધ્યાન રાખવા લાગ્યા. તે દિવસે મેં સહજભાવે કહ્યું કે મને તો પહેલી બેબી આવે તો બહુ ગમશે ને ત્યાં જ મમ્મીજી પ્રથમ વાર કંઈક ગુસ્સા સાથે બોલી ઉઠયાં” ખબરદાર, બેબીનો વિચાર પણ કરતી નહીં. પહેલો તો બાબો જ જોઈએ. ને હાં! હમણાં બહાર કોઈને આ વાત જાહેર કરતી નહીં. હું કહું તે પછી જ આ સમાચાર તું તારા ઘરે જણાવીશ.”ત્યારે તો હું કંઈ સમજી નહીં એટલે ચૂપ રહી પણ ગઈકાલે જ્યારે તમે કહ્યું “આશા, કાલે આપણે ડોક્ટર પાસે જવાનું છે. મમ્મી સાથે આવશે. ડોકટર મમ્મીની ખાસ બહેનપણી છે. આમ તો ગર્ભ પરિક્ષણની મનાઈ છે પણ આપણને ખાનગીમાં જાણવા મળી જશે. બાબો હશે તો તો સારૂં જ છે પણ જો બેબી હશે તો મમ્મીની ઈચ્છા છે કે ગર્ભપાત…” મેં તમને વચ્ચેથી જ અટકાવી દીધાં. ત્યારે તો હું ખામોશ રહી. મારૂં સ્ત્રી સ્વાતંત્ર્ય સોનાની બેડીમાં જકડાયેલું હતું તો યે તમારા પ્રેમમાં મેં ઘણું બધું મેળવી લીધું હતું. તમારા પ્રેમાળ સ્વભાવની ઓથમાં મને પિંજરાના સળિયાઓના બંધનમાં ઊડવાનું પણ મંજૂર હતું. ખેર! આજે જ્યારે મારા માતૃત્વ સામે પડકાર થયો છે ત્યારે હું ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે સોનોગ્રાફીમાં મને બેબી હોવાનું જ નિદાન આવે. હું એ બેબીને તમારા બધાની ઈચ્છા નહીં હોય તો પણ જન્મ આપીશ. ગઈકાલની વાતથી મને તમારા પ્રત્યે થોડી નફરત થઈ અને થોડી દયા પણ આવે છે. મમ્મીજીની જેમ તમને પણ બેબી નહીં જોઈતી હોય તો હું તમારા માર્ગમાંથી ખસી જવા તૈયાર છું. કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર હું રાજીખુશીથી તમને ફારગતિ આપીશ. તમારા બીજા લગ્ન જલ્દીથી થઈ જાય તે માટે હું પ્રાર્થના કરીશ. હા! હું મારા પિતા પર બોજ નહીં બનું. મારા ભણતરનો ઉપયોગ કરીને હું મારા બળ પર બેબીને મોટી કરીશ. તમારો ત્રણ વર્ષ સુધીનો પ્રેમ મારી જિંદગીની અમૂલ્ય સોગાદ બની રહેશે. આપની ઈચ્છા સાંજે ડોક્ટર પાસે જતાં પહેલાં જણાવશો. તમારી જ આશા.
સવારના ઓફિસે જતાં પહેલાં અશેષને આપેલા આ પત્રના જવાબમાં આશા ફોનની રાહ જોઇ રહી હતી. કંઈ કેટલી મંગળ અમંગળ કલ્પનામાં એ ઘેરાયેલી હતી. ત્યાં જ અશેષ અચાનક જ બપોરના ધરે આવી ગયો. દરવાજાથી પ્રવેશતાં જ એણે પ્રથમ વાર ઉંચા અવાજે કહ્યું “આશા, આજે તો તારા હાથની કોઇ નવી જ વાનગી ખાવી છે ને લે આ પરી જેવી બેબલીનાં ફોટા. આપણાં શયનખંડમાં ચારે બાજુ લગાવી દઈશું.” અશેષે બધાની વચ્ચે જ જાણે એમની ઈચ્છા દર્શાવી દીધી હતી. આશાને એનો જવાબ મળી ગયો. એની આંખો આંસુથી છલકાઈ ઉઠી. વાતાવરણમાં માતૃત્વની મહેક પ્રસરી ગઇ.
રોહિત કાપડિયા
વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢની મેઘલી રાત -૭-રોહિત કાપડિયા
વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -“અષાઢની મેઘલી રાત” -૬-વિજય શાહ
“આપણું નાનું આકાશ”.
રીના, ડોક્ટર ચિંતનની પરણિતા. લગ્ન પછી ભણવાનું ચાલુ હતુ. ભણતરનો ભાર એટલો બધો કે ખાસ રીના તરફ ઘ્યાન ન આપી શકેલ ચિંતન એકાંતોમાં કદી પોતાની જાતને ઠપકારતો.. આ કેવું લગ્નજીવન? ડોક્ટરને દેખાવડી રીનાનાં શરીરનું અકર્ષણ ઓછુ પણ લાગણીઓથી છલકતી આંખો તેને ખુબ જ ગમતી અને રીના આખી જિંદગી સાથેજ રહેવાની છે ને? આ ભણવાનું પતે પછી તેને ફરિયાદ કરવાની તક જ નહીં આપું વાળી વાતો મનમાંને મનમાં કરતો.
સંયુક્ત કુટુંબમાં પોતાની જાતને ગોઠવતી રીના ચિંતનની સામે જોતી ત્યારે ચિંતનની આંખોમાં લાગણીઓનો દરિયો ઘુઘવતો. આ લાગણીઓ જ તેને સાસરીઓનાં મેણા ટોણા સહીને લગ્ન જીવન ને ટકાવતી. એ સમજતી વેરા અને આંતરાનો વહેવાર. પણ હશે મારા તકદીરમાંથી તો કોઇ નહીં લઈ જાયને? અને પોતાનો ઉછેર ગામડાનો..પિયરીયે કોઇ જોનાર નહીં અને સાસરીયે મુંગો ધણી..તેને જાણે એક વિના પગારની કામ વાળી હોય તેમ લાગતું..પણ પછી એ મન મનાવતી આ મેડીકલનાં બે વર્ષ બાકી..પછી તો મારા દી’ ફરશેને?
“ભાભી? તમને ઉપમા બનાવતા નથી આવડતી?”
હું મનોમન બોલતી અમારા ગામડા ગામમાં તો રોટલા ટીપતા આવડે એટલે ભયો ભયો..
“ભાભી તમને બનાવતા શું આવડે છે? પોતૈયા?
“હું પાછી મનોમન બોલતી મને ચાર છ મહીના રહેવા દો અહીંનું બધુ શીખવા દો..પછી તમને બનાવતા આવડે તે બધું જ બનાવીશ
“ ભાભી તમે હવે ગામડામાં નથી રહેતા.. વડોદરા શહેરમાં રહો છો! જરા બધા સાથે હળો મળો. આ શું તમે અને તમારો રૂમ? સહેજ બની ઠની ને નીકળો તો લોકો પણ કહે મારા ભાઈને રૂપાળી અને કાબેલ છોકરી મળી છે”
તે બબડતી કોને દેખાડવા સજુ? મારો પિયુ તો ગયો પરદેશ?
“ ધોળા તો ગધેડાં પણ હોય” એ હેબતાઇ જ ગઈ. અને દુઃખ પણ અનુભવતી. જે છે તે જોતા નથી અને જે નથી તે શોધ શોધ કર્યા કરો છો?
સાંજે પપ્પાએ નાની નણદીને બહુ ખખડાવી. નાના મોટાનું માન રાખવા વિશે ખાસુ એવું લેક્ચર આપી માફી મંગાવડાવી. ભાભી ની જગ્યા મા પછી હોય છે. પપ્પા વિશે માન તો હતું પણ આ પ્રસંગ પછી તે બેવડાઇ ગયું
નાની નણદીઓની છાસ વારે આવતી કટાક્ષવાણી પીતા રીનાને ગુસ્સો આવતો અને ઘણી વાર તડ ફડ કરી નાખવાની ઈચ્છા થતી. પણ ચિંતન પ્રત્યેનો પ્રેમ તેને તેમ કરતા રોકતો.
એક ચિંતનની મમ્મી અને તેમની સહાનુભૂતી ભરી માવજતે તે ગામડા અને શહેરનાં ઉછેરની ખાઈ પુરતા હતા. અને વહાલથી કહેતા.” મારી દિકરીઓને સાસરે જશે ત્યારે ખબર પડશે..અહીયા “હીરો”ગીરી કરે છે પણ સાસરે જશે ત્યારે તેઓને પણ આવું બધું વેઠવું પડશે. એકડે એકથી નવું શીખવાનું હોય ત્યારે હીરો માંથી ઝીરો થવું પડે. તું તો સાસરે આવી છે અને નવું વાતાવરણ હોય તેમાં શીખવાની તૈયારી છે એ ઘણી ઉમદા વાત છે.
ચિંતન ઉપર પણ ગુસ્સો આવતો..પરણ્યા પછી પણ જુદાઇનું તપ? મને પણ લંડન સાથે લઈ જાને? દિવસે તું તારે ભણજે અને હું તારું બધું સાચવીશ. મને રાત્રે તો તું જોવા મળે…તારો વિરહ તો ના નડે ..પણ હાય રે ગામડું મને નડી ગયું.. ઉછેર જુદો છે પણ મને ટકોર ટકોર ના કરશો હું બધોજ વ્યવહાર ઝડપથી શીખી જઈશ..
મને ઈંગ્લીશ ના આવડે. ગુજરાતી મિશ્રીત અંગ્રેજી ના ચાલે. ત્યાં જુદુ એપાર્ટ્મેંટ લેવું પડે..તેનો ખર્ચો વધારે આવે અને તેનાથી પણ વધુ ચિંતનને ભણવામાં ખલેલ પડેને?
ચિંતન પણ મૌની બાબા.. સાંભળે સૌનું પણ મારો પ્રશ્ન અને મને જ ના પુછે. હૂં મોટે મોટેથી બુમો પાડીને કહું તમે મને પુછો તો ખરા? હું તેમની સાર સંભાળ લઈશ..પણ ના. તેમ કરે તો આ મુંગી કામવાળી જતી રહેને?
ક્યારેક ફોન આવે પણ મારા ભાગે “કેમ છે?” અને “સારું છે” તેથી વધુ વાત નહીં. સંયુક્ત કુટૂંબ એટલે સૌની સાથે વાત કરવાની અને મારો વારો આવે ત્યારે ફોન મોંઘો થઈ જાય. પાઉંડની મિનિટ છે… હું કહું પણ ખરી કે મને થાય છે તેટલા વાત કરવાનાં કોડ તને નથી થતા? પણ આવું એકાંત ભરેલા ઘરમાં ક્યાં મળે? એક વખત ફોન પર પહેલા હું મળી ગઈ ત્યારે કહે તું તો મારો કાચો હીરો છે.. તારા ઉપર ઘડતરનાં પાસ પડવાનાં જરુરી છે.
ત્યારથી હું કેળવાતી ગઈ. અંગ્રેજી બોલતા શીખતી ગઈ.પાસ્તા, પીઝા અને લઝાનીયા બનાવતા આવડી ગયું..”હેલો “અને “હાવ આર યુ?” કહેતા આવડી ગયું જુદા જુદા કપડા પહેરતા અને ઉંચી એડીનાં સેંડલ પહેરીને ચાલતા આવડી ગયું. કોંપ્યુટર અને ગાડી ચલાવતા શીખી ગઈ.ઓફીસ મેનેજ્મેંટનો કોર્સ અને પાંચસો થી વધુ દવાનાં નામ કડ્કડાટ થઇ ગયા.મમ્મીને લાગતું કે હવે તેના છોકરાને લાયક તે થઈ ગઈ હતી પણ મને તો એવું લાગતું કે જિંદગીનાં રોમાંટીક પાંચ વર્ષ નકામા રાહ જોવામાં નીકળી ગયા.
ચિંતન એફ આર સી એસ થઈ ગયો હતો.
તે અષાઢની મેઘલી રાતે ફોન આવ્યો. ઘરમાં કોઇજ નહોંતુ અને ચિંતન બોલ્યો “ હાય બકુડી કેમ છે?”
તેનું હૈયું ક્ષણ ભર માટે તો થંભી ગયું.
“ચિંતન..!”
“ હા. આજે બહું જ ખુશ છું અને તારી સાથે જ વાત કરવા અત્યારે ૫૦ પાઉંડ નું કાર્ડ ખરીદ્યું છે.”
“મારા તો ભાગ્ય ખુલી ગયા હા બોલો મારા મૌનીબાબા!”
“ મેં મૌન અકારણ નહોંતુ સ્વિકાર્યુ..પણ ભણવામાં તારી લાગણીઓ મને સ્પર્શે અને હું લક્ષ્યમાંથી ચળી જઉં એ મને નહોંતુ જોઇતું પણ તેનો અર્થ એ નહીં કે હું તારા તરફ બેદરકાર છું. મને ત્યાંની બધી જ વાતોનો રજે રજ અહેવાલ મમ્મી મોકલતા હતા. અને તારી માવજત અને ઓફીસ યોગ્ય બનાવવાનાં મારા સુઝાવો પ્રમાણે તને ભણાવતા હતા.”
“ હં તો મૌની બાબા..તે બધા કારસ્તાન તમારા હતા?”
“ જો તને લંડનમાં લાવતા પહેલા લંડન યોગ્ય બનાવવી જરુરી હતી..સાથે સાથે મને નોકરી મળે અને હું અહીં સારું કમાતો થઉં તોજ તને લાવી શકુંને? આજે પરિણામ આવી ગયું છે. મને એલ્ફિંસ્ટન હોસ્પીટલમાં સારા પગારની નોકરી અને રહેવાનું એપાર્ટમેંટ મળી ગયું છે. હવે આપણું ખરું લગ્ન જીવન શરુ થશે.. જ્યાં હું અને તું બે જ હશે..અને હશે આપણું ઝંખેલ “નાનકડું આકાશ”.
“ તને ક્યારે ખબર પડી કે હું “નાનકડું આકાશ” ઝંખું છું?”
“એ કંઇ કહેવાની વાત છે? તું એકલીજ ત્યાં ઝુરતી હતી તેવું થોડું હતું? હું પણ તને ચાહતો હતો..ઉન્માદનું તારું ઝરણ બોલકું હતું જ્યારે તેમાં હું ભીંજાતો અને ભચડાતો તારો ભરથાર મૌન હતો… એ મૌન હવે મિલનની ઘડીઓને માણવા તેટલાજ ઉન્માદથી અને ઉત્કટતાથી તને ચાહે છે.”
“ બોલ રાજા બોલ.. મારા પાંચ વર્ષની આ તપસ્યાનું ફળ છે.”
“હું આવતી કાલે નીકળી તને લેવા આવું છું.. આપણે હનીમૂન માટે માલીદ્વીપમાં જઈએ છીયે અને ત્યાંથી ૧૫ દિવસમાં પાછા લંડન આવીશું.”
ચિંતન હવે ખરેખર લાગે છે કે “રાજાકી આયેગી બારાત રંગીલી હોગી રાત મગન મેં નાચુંગી… અહી વરસાદ પડે છે. અષાઢી વરસાદ.. મારું મન ઢેલ બની તારા આગમનની પ્રતિક્ષા કરે છે.. ખબર નહીં તું આવીશ ત્યારે મારા શું હાલ હશે પણ આવ રાજા આવ.. ચાતકનો ચાંદ બનીને મારી તડપન સમાવ..રાજા આવ અને મને લઈજા મને ગમતું નથી. મારું ચાલે તો ઉડીને તારી પાસે આવી જઉં.”
“હજી એકાદ કલાક મને શોપીંગ માટે મળશે. તારી ગમતી કેડબરીઝ ચોકલેટ, રાતા બાર ગુલાબ અને મેક અપ સૅટ લેવાનો વિચાર છે પણ તું તો એવી સરસ હસતી મને અત્યારે દેખાય છે કે તને મેકઅપની જરૂર જ નથી. બોલ બકા બોલ તારે માટે શું લાવું?”
“તું જલ્દી આવ મને કંઈ જ નથી જોઈતુ. તારા ચહેરાને વહાલથી નિહાળવો છે. પ્રેમે તને ભેટવું છે. બસ તું જલ્દી આવ..આવ અને બસ આવ.”
પેલી ચકોરીની જેમ ચાતક્ને ઝંખે તેમ તને આ મેઘલી અષાઢની રાત્રે તને ઝંખુ છુ અને હજી કલાકોની વાત કરે છે..ચિંતન!જરા મારો તો વિચાર કર તને મળવાની આશમાં પાંચ વરસ તો કાઢ્યા પણ હવે આ ક્લાકો કાઢવા અઘરા છે. બસ આવ અને મને લઈ જા. હવે તો રહેવાતુ નથી
ફોન પર વાત ચાલુ હતી ત્યાં ડોર બેલ વાગે છે..
ડોર ખોલતા ચિંતન ને બારણે ઉભેલો જોઈ રીના સ્તબ્ધ થઇ ગઈ. ફોન પડી ગયો અને ગમતીલો હસતો ચહેરો આંસુઓથી ભરાઇ ગયો અને તે ભેટી પડી. તે બોલી “મને તૈયાર તો થવા દેવી હતી!”
“તો આ સરપાઈઝની મજા મરી ન જાત?” થોડા મૌન પછી ચિંતન બોલ્યો_
“તેં કહ્યુ હતુને કે મને લઈ જા..તો આવી ગયો હું. હવે ફક્ત આપણે બે અને “આપણું નાનું આકાશ”
પાછળ રેડીઓ ઉપર ગીત વાગતુ હતુ અને કહેતું હતું રીના નાં મન ની વાત
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી
– મેઘબિંદુ
બાળવાર્તા-(૧૦)ગટુ અને તેનો બડી -રોહિતભાઈ કાપડિયા

દાદા, આજે તો મોટી વાર્તા કરવાની છે.અને દાદાએ વાર્તા શરુ કરી’.એક હતો છોકરો.આમ તો એનું નામ રમેશ હતું પણ બધાં એને ગટુ કહીને બોલાવતાં.દસ વર્ષનોગટુ ચોથા ધોરણમાં ભણતો હતો.ગટુને પક્ષીઓ બહુ ગમે.એ કબુભાઈને અને ચકીબેનને રોજ ચણ નાખે.એક સફેદ કબુ તો એનાં હાથમાંથી દાણા ખાય અને ચકીઓ તો એનાં ખભા પર બેસી જાય.કોક વાર પોપટ આવે તો એ એને પણ મરચું ખવડાવે.જો કે એને કૂતરાનો ખૂબ ડર લાગે.કુતરાનું હાઉ-હાઉ સાંભળતા જ એનાં હાથ-પગ ધ્રુજવા માંડે.
એક વાર શાળામાં એને મોડું થઇ ગયું.તેથી એ ટૂંકા રસ્તે જલ્દી જલ્દીથી ઘરે જઈ રહ્યો હતો.ત્યાં જ તેનાં કાનમાં હાઉ-હાઉ નો અવાજ આવ્યો.ગટુ તો ગભરાઈ ગયો.આજુ બાજુ કોઈ હતું નહીં એટલે એણે ભાગવાનો વિચાર કર્યો.કોને ખબર કેમ પણ ગટુને લાગ્યું કે આ કુતરાના ભસવાનો નહીં પણ રડવાનો અવાજ લાગેછે.રામુએ હિંમત ભેગી કરીને આગળ જઈને જોયું તો એક ગલુડિયું ખાડામાં પડી ગયું હતું અને કોઈ એને બહાર કાઢે એ માટે રડતાં અવાજે ભસતું હતું ઉંડા ખાડામાંથી ગલુડિયાને કઈ રીતે બહાર કાઢવું એનો વિચાર કરતાં એણે પાટલૂનનો પટ્ટો કાઢી એની સાથે એનું દફતર બાંધીને ખાડામાં ઉતાર્યું.પેલાં ગલુંડીયાએ તો તરત દફતર પકડી લીધું અને પટ્ટાને પકડતું એ બહાર આવી ગયું.બહાર આવીને ગલુંડીયું તો રામુનાં પગ ચાટવા લાગ્યું.રામુ પણ ડર ભૂલીને ગલુડિયાંને પંપાળવા લાગ્યો.રામુને મોડું થતું હતું.એ તો દફતર લઈને ચાલવા લાગ્યો.પણ,આ શું? પેલું ગલુડિયું તો એની પાછળ પાછળ જ ચાલવા લાગ્યું.એ તો ગટુનાં ઘરની બહાર જ અડીંગો લગાવીને બેસી ગયું.પછી તો એ ગટુનું ખાસ દોસ્ત બની ગયું.ગટુ એ એનું નામ બડી પાડ્યું.ગટુની સાથે બડીબધે જ જાય.ગટુપણ બડી ની સાથે રમે.એને નવડાવે,ખવડાવે ને મસ્તી કરાવે.રાતે એ ગટુનાં ઘરની બહાર જ સૂઈ જાય.એક વાર તો ગટુનાં ઘરે ચોર ચોરી કરવાં આવ્યાં તો બડીએ ભસી ભસીને બધાંને જગાડી દીધાં અને ચોરોને ભગાડી દીધાં.હવે તો ગટુનું ઘરમાં પણ માન વધી ગયું.બડી પણ બહુ સમજુ.ગટુમુ ભણતો હોય ત્યારે એ ચૂપચાપ બેસી રહે.
એમ કરતાં બે વર્ષ જતાં રહ્યા.ગટુછઠ્ઠા ધોરણમાં આવી ગયો.ગલુડિયું હવે સુંદર કુતરો બની ગયું.એ બંનેની દોસ્તી વધુ ને વધુ જામતી ગઈ.એક વાર ગટુશાળાની ટ્રીપમાં થોડે દૂર આવેલી જંગલની ગુફા જોવા ગયો હતો.શાળાની ટ્રીપ હતી એટલે ગટુ ને સાથે લીધો ન હતો.પણ બડી તો બહુ ઉસ્તાદ.ચૂપચાપ એ રામુની બસની પાછળ પાછળ ગુફા સુધી પહોંચી ગયો.કોઈને દેખાઈ નહીં એમ દૂર બેસી રહ્યો.ગુફાઓ જોઇને બધાં છોકરાઓ રમતે ચઢ્યા અને પછી ખાઈ કરીને થોડી વાર આરામ કરતા હતા.ગટુ પણ બસ પાછળ દોડીને થાકી ગયો હતો એટલે સૂઈ ગયો.ત્યાં જ ગટુએ એક સોનેરી પંખી જોયું.કીવી,કીવી,ક્વિક ક્વીક……ની તીણી સિસોટી જેવાં અવાજ કાઢતું એ એક ઝાડથી બીજા પર ઉડી રહ્યું હતું.ગટુ પણ એની પાછળ દોડતો હતો.દોડતાં દોડતાં એ એક ઢાળ પરથી લપસી ગયો.એણે બચાઓ…..બચાઓની બહુ બૂમ મારી પણ કોઈએ સાંભળી નહીં .એ એક ઝાડની છાલની સાથે નીચે લપસ્યો હતો એટલે બહુ વાગ્યું ન હતું.પણ આજુબાજુ કોઈ ન હતું એટલે ગભરાઈને રડવા લાગ્યો.આ બાજુ ગટુનાં દોસ્તો પણ બહુ વાર સુધી ગટુપાછો ન આવ્યો એટલે બૂમાબૂમ કરવા લાગ્યાં.આટલો બધો શોરબકોર સાંભળી દૂર રહેલો બડી ઉઠી ગયો.એ દોડતો ત્યાં આવી ગયો.ગટુનાં દોસ્તો તો બડીને જોઇને નવાઈ પામી ગયા.બડી બધું સમજી ગયો.રામુની ગંધને નાકથી પારખતાં એ પેલાં ઢાળ પાસે આવી ગયો.શામુ ને ખ્યાલ આવી ગયો કે ગટુ નીચે જ પડી ગયો છે.એક મિનિટનો પણ વિચાર કર્યા વગર શામુ પણ અથડાતો કૂટાતો એ ઢાળ પરથી નીચે આવી ગયો.એનાં પગમાં ઘણું વાગી ગયું હતું પણ એ તો બધું ભૂલીને ગટુની શોધમાં આગળ વધ્યું અને આખરે એણે રામુને શોધી જ કાઢ્યો.બડીને જોઇને ગટુ તો ગાંડો ગાંડો થઇ ગયો.બંને એકબીજાને ભેટી પડયાં.ગટુ તો બડીના ઘા ને પંપાળતો જ રહ્યો.પછી તો બડીની મદદથી ગટુએનાં દોસ્તો પાસે આવી ગયો અને બધાં સાથે ઘરે આવી ગયા.બોલ,બેટા વાર્તા ગમી ને ?હાં !આ વાર્તા પરથી શીખવાનું કે કૂતરાં બહુ જ વફાદાર પ્રાણી છે અને રમતમાં ગાંડાની જેમ દોડવાનું નહીં કે જેથી પાછળથી પસ્તાવું પડે.ચાલો,હવે આંખ બંધ………” દાદાની વાર્તા સાંભળતા સાંભળતા ગટુ તો ઘસઘસાટ સૂઈ ગયો.
રોહિત કાપડિયા
આભાર અહેસાસ કે ભાર (8) રોહિત કાપડિયા
માનનીય પ્રજ્ઞાબેન,
કુશળ હશો. આ સાથે ‘ અંતર્ગત એક લેખ મોકલું છું.
આભાર-અહેસાસ કે ભાર
————————————–
ટેક્ષીમાં એ એક અજાણ્યા દેશમાં એનાં પરિચિતને ત્યાં જઈ રહયા હતાં. શિયાળાની ખુશનુમા સવાર હતી. ડ્રાયવર મીઠું મીઠું ગીત ગણગણતાં ટેક્ષી હંકારી રહ્યો હતો.ત્યાં જ અચાનક એક કચરાની દુર્ગંધ મારતી ટ્રક એમની ગાડીને ખોટી રીતે ઓવરટેક કરીને જતી રહી. એને થયું કે ટેક્ષી ડ્રાયવર હમણાં બે ચાર ગાળો ભાંડશે,
એનાં બદલે એણે તો પાસે રહેલી પરફયુમની બાટલી ખોલીને ટેક્ષીમાં છાંટી દીધું. આગળ સિગ્નલ પર એ જ કચરાની ગાડી પાસેથી પસાર થતાં એણે ગાડીની બારીનો કાચ ખોલીને પેલાં ડ્રાયવરને કહ્યું “આભાર”.અને એ આગળ નીકળી ગયો.સહેજ આશ્ચર્ય સાથે પ્રવાસીએ પુંછ્યું “તમે ગુસ્સો કરવાને બદલે શા માટે આભાર વ્યક્ત કર્યો ?”એણે હસીને કહ્યું“સાહેબ, એનાં કારણે તો મને પરફયુમ છાંટવાનું યાદ આવ્યું આપણી ટેક્ષીને મહેંકતી કરવામાં સહાયરૂપ થવા બદલ મેં એનો આભાર માન્યો.”આ છે આભારની એક નવી પરિભાષા.આભાર વ્યક્ત કરીને ગુસ્સાને હાસ્યમાં ફેરવી શકાય. નકારાત્મકતાને હકારાત્મક્તામાં પલટાવી શકાય. ‘અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ ના બોર્ડના બદલે ‘અહીં ધુમ્રપાન ન કરવા બદલ આપનો આભાર’ કેટલી સુંદર અસર છોડી જાય છે.
આપણને મુસીબતમાંથી બહાર કાઢનાર ,આપણી આર્થિક તકલીફને દૂર કરવામાં મદદરૂપ થનાર,આપણને નાની મોટી સહાય કરનાર, આપણા દુઃખમાં સહભાગી થનાર, આપણને સાચી રાહ દેખાડનાર કે જિંદગીની સફરમાં આપણને સાથ દેનાર એ બધાં ‘આભાર’ ના હકદાર છે.આભાર વ્યક્ત કરવાથી આપણે થોડો ભાર ઉતારી શકીએ છીએ.થોડાં હલકા,થોડાં હળવા થઇ શકીએ છીએ. અલબત,આભારનાં એ ઉદગાર માત્ર મુખેથી બોલાયેલાં શબ્દો નહીં પણ હૃદયથી પ્રગટેલો ભાવ હોવા જોઈએ.આ જિંદગી ભલે આપણી હોય એ જિંદગીને ધબકતી રાખવામાં કૈંક હજારો માનવી કારણભૂત હોય છે. કદાચ આપણને એનો ખ્યાલ સહજતાથી નથી આવતો,પણ જો જરાક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ડગલે ને પગલે આપણને આપણા પર ઉપકાર કરનાર વ્યક્તિ મળે. આપણને આ ધારા પર અવતરવામાં નિમિત બનનાર માં-બાપ,આ અવતરણને સફળ બનાવનાર ડોક્ટર,નર્સ,શિશુ અવસ્થામાં આપણું દયાન રાખનાર સ્વજનો,શિક્ષા આપનાર શિક્ષકો,અન્ન ઉગાડનાર ખેડૂત,આપણા કપડાં સીવનાર દરજી,આપણા પગરખાં સીવનાર મોચી, આપણું ઘર બનાવનાર શિલ્પીઓ,મજૂરો,આપણને એક સ્થળેથી બીજા સ્થળે સહી સલામત પહોંચાડનાર રીક્ષા,ટેક્ષી,ટ્રેન કે પ્લેનના ચાલક,આપણા આંગણને અને શહેરને સ્વચ્છ રાખનાર કર્મચારીઓ,આપણામાં ધર્મનાં સંસ્કાર સિંચનાર ગુરુઓ,આપણી જીવન જરૂરીયાતોને પૂરી કરનાર વિવિધ કળામાં પારંગત એ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ આ યાદીને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી શકાય.આ બધાનો આભાર જો શબ્દોથી ન વ્યક્ત કરી શકાય એમ હોય તો આપણું વર્તન,આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે ઉપકાર કરનારને સંતોષનો અનુભવ થાય.
આ ઉપરાંત વહેતી હવા,ફળ-ફૂલની ભેટ આપતાં વૃક્ષો,જીવન માટે અમૃત રૂપી જળને પૂરું પાડતી નદીઓ,અડીખમ ઉભા રહીને પ્રકૃતિનું સંતુલન જાળવતાં પર્વતો,પ્રકાશ પાથરતો સૂર્ય,શિતળતા આપતો ચંદ્ર,અને આ બધાથી ઉપર આખી સૃષ્ટિનો સંચાલક પરમેશ્વર એ સર્વનો હર પલ આભાર માનવો જોઈએ.એક શાયરે બહુ જ સરસ વાત કહી છે —એ હવા ! તારી સખાવતને સલામ, ક્યાય તારાં નામની તકતી નથી.આભાર માનવાથી અહં નીકળી જાય છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જેમ શ્વાન તાણે આ વાતનો ખ્યાલ આભાર માનવાની વૃતિથી આવે. ડગલે ને પગલે આભાર માનવાથી જીવનમાં સરળતા આવે છે.બોઝિલ જિંદગી હળવી બને છે.’આભાર’ના બે શબ્દો બોલવામાં ગુમાવવાનું કશું નથી પણ મેળવવાનું ગણું છે. વરસાદથી બચવા આપણે છત નીચે ઉભા હોઈએ ને કોઈક છત્રી લંબાવીને અંદર આવી જવા કહે ને આપણે આભાર માનતા અંદર ઘુસી જઈએ અને પછી છૂટા પડતા પણ આભાર માનીએ.આ ટૂંકી સફરમાં બંને થોડા થોડા ભીંજાય જતાં હોય છે ને તો પણ એકને મદદ કર્યાનો આનંદ હોય છે તો બીજાને થોડું ઓછું ભીંજાયાનો આનંદ હોય છે.આભાર એ આનંદની વહેંચણી છે.આભાર જો સાચા હૃદયથી માનવામાં આવે તો એ ભાર નહીં પણ એક એવો અહેસાસ બની રહે કે જેમાં ઋણમુક્ત થવાની ઝંખના પ્રબળ બને.
રોહિત કાપડિયા
સુખ એક મૃગજળ -રોહિત કાપડિયા –
