સ્પંદન-6પ્રેમ વ્હાલ વરસાવી જાણે
અશ્રુ અમી છલકાવી જાણે
કરૂણામય સ્પર્શ છે જેના
સ્વર્ગનું સુખ ખોળે જેના
આશિષ માગું હરદમ તેના
ધન્ય જનેતા, ધન્ય માવડી.

વેલેન્ટાઈન  ડે ગયો ને સહુએ ખૂબ પ્રેમની વાતો કરી. ત્યારે આજે પ્રેમમાં શિરમોર, સંબંધોમાં ઉત્તમ અને અદ્વિતીય એવા પ્રેમની વાત કરવી છે. જી હા,બા, મા,માતા, જનની, જનેતા,માવડી, આઈ, અમ્મી, મમ્મી, મૉમ – એક એવો શબ્દ, જેનાથી સહુ કોઈ પરિચિત છે. પરિચયનું કારણ કદાચ દૂર નથી. આપણું ધબકતું હૈયું સાક્ષી છે કે જ્યારે તેણે પ્રથમ ધબકાર કર્યો ત્યારે આ સમગ્ર વિશ્વમાં કોઈ આપણી સાથે નહોતું સિવાય કે એક વ્યક્તિ – મા . મા શું છે? કોઈ બાળક જે કદાચ કોઈ પણ ભાષાથી અજ્ઞાત હશે, તેની આંખોમાં તેનો ઉત્તર મળશે કે મા શું નથી? બાળકની ભૂખ ને તરસની તેને વગર કહ્યે જ ખબર પડી જાય છે. એની આંખોમાં તમે આશીર્વાદ વાંચી શકો. સંતાનની ઇચ્છામાં જ પોતાની ઇચ્છાની ઇતિશ્રી જોતી ‘મા’ ઈશ્વરનો પૃથ્વી પરનો પ્રતિનિધિ છે.

જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે એક માતા જન્મે છે. બાળકના ધબકાર સાથે જ જન્મે છે માતાનું સ્પંદન. એ સ્પંદન જે તેના બાળને દુનિયાની દરેક કઠિન પરિસ્થિઓથી બચાવે છે, જે કંટકછાયા રસ્તા પર ફૂલ બિછાવે છે, જેનો પાલવ એવું છત્ર છે જે મુશ્કેલીરૂપી તમામ આંધી, તોફાન, વાવાઝોડાનો સામનો કરવા સક્ષમ છે. મા તેનો પ્રેમ અનરાધાર વરસાવે રાખે છે, તેના વ્હાલની ઝોળી હંમેશા છલકાતી રહેતી હોય છે, તેની આંખના અમી ક્યારેય સુકાતા નથી, તેનું દિલ કાયમ લાગણીની સુગંધથી મહેકતું હોય છે, તેનો કરુણાભર્યો હાથ સઘળો પરિતાપ અલોપ કરી શકે છે. જનનીના ખોળે માથું મૂકતાં તો સ્વર્ગનું સુખ પણ હાથવેંત લાગે છે. મા એટલે મમતા અને વાત્સલ્યની સાક્ષાત મૂરત,  ઉચ્ચતમ માનવીય પ્રેમનો સર્વોત્તમ સંબંધ, જે  પાપી- પુણ્યશાળી, ગુણી- દુર્ગુણી, ધનવાન –કંગાળ…સૌને માટે એકસરખો પ્રેમ રાખી છાતીએ ચાંપે ને દુનિયાભરનું દુ:ખ હળવું થઇ જાય. બોટાદકરે તેમની કવિતામાં સાચું જ કહ્યું છે – “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ… ગંગાના નીર વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એકસરખો જ રહે છે.”

કહેવાય છે કે એક માતા સો શિક્ષક બરાબર છે. શિક્ષણ એટલે માત્ર સાક્ષરતા કે અક્ષરજ્ઞાન જ નહીં, પણ ઉત્તમ માનવ બનાવતું તત્વ. આ શિક્ષણ એટલે સંસ્કાર. સંસ્કાર એટલે કયા સમયે કઈ વસ્તુ કરવી કે ન કરવી તેની સચોટ બુદ્ધિમતા કે નીતિશિક્ષણ. સંસ્કારહીન સમાજ કદાચ ભૌતિક રીતે વિકાસ પામે કે સાધન સમૃદ્ધિ વધે, પણ જો માનવીય ગુણો વગરનો હોય તો તે વિનાશ નોતરે છે. કદાચ ભારતીય સમાજ, જે પ્રત્યેક યુગે પડકારો સામે ઊભો રહી શક્યો છે તેનું કારણ પણ માતાના ઉચ્ચ આદર્શો હોઈ શકે. નજીકના ભૂતકાળનો ઈતિહાસ જોતાં જ આપણને છત્રપતિ શિવાજી મહારાજ અને માતા જીજાબાઇનું સ્મરણ થાય. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે જ આપણને પીઠ પર બાંધેલ કુંવરનું ચિત્ર દ્રષ્ટિમાં આવે જ. સંગ્રામ કોઈપણ હોય -સામાજિક કે રાજકીય – તો પણ માતા હંમેશા બાળકનું કવચ કે ઢાલ હોય છે. માતા બાળક માટે આશ્રય છે, હૂંફ છે, શરણ છે. આર્થિક સંગ્રામમાં પણ પેટે પાટા બાંધીને પણ સંતાનના શિક્ષણ માટે આકાશ પાતાળ એક કરતી માતા કેટલાંયે તેજસ્વી સંતાનોના વિકાસની સાક્ષી છે. માતા સ્નેહ છે, સંસ્કાર છે, વાત્સલ્ય છે, કડવા સંસારમાં મીઠાશનો ઘૂંટડો છે, ખારા સંસારસમુદ્રમાં મીઠા પાણીની વીરડી છે.

શારીરિક રીતે અબળા નારી, માતા તરીકે બાળકને બચાવવા કેવી બહાદુર બની જાય છે, તેની આ સત્ય ઘટના ગવાહી પૂરે છે. એક માતા ઘરના ચોગાનમાં ધોકો લઈને કપડાં ધોઈ રહી હતી. બાજુમાં તેનું બાળક રમી રહ્યું હતું. અચાનક એક દીપડાએ આવી બાળકને તરાપ મારી પકડ્યું. માતાએ ફક્ત ધોકાની મદદથી એ હિંસક પ્રાણીનો સામનો કર્યો એટલું જ નહીં પણ તેના બાળકને હેમખેમ બચાવી લીધું ને દીપડાને  એક રૂમમાં પુરીને ઝૂ સત્તાવાળાનો સંપર્ક કર્યો. માતાની આવી તો અનેક પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ વિશ્વભરમાં મળી આવે છે,જેમાં માતાએ અસામાન્ય હિમ્મત દર્શાવી પડકારોનો સામનો કર્યો હોય.


હેપી બર્થડેના અભિનંદન અને તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે  કેક કપાય ત્યારે, બુઝાતી મીણબત્તીની ધૂમ્રસેર વચ્ચે જો ક્યારેક કોઈ ચેહરો દેખાય તો તે ચોક્કસ માતાનો હશે જેણે માત્ર જન્મ જ નથી આપ્યો, પણ જન્મદિવસ અને સમગ્ર  જીવન ‘Happy’ બને તે માટે અથાક પરિશ્રમ કરી, રાત્રિના ઉજાગરા કરી,સંતાનની સુખાકારીને લક્ષ્યમાં રાખી પોતાની જાતને મીણબત્તીના ટપકતા મીણની જેમ પીગળાવી છે.  ત્યારે જો માતાના આશિષ સાથે શીશ ઝૂકી જાય તો માતાને થયેલું આ વંદન હશે જીવનનું શ્રેષ્ઠ સ્પંદન.

રીટા જાની

સ્પંદન -5.નજરથી નજર મળવાની વાત છે
હૃદય એક ધબકાર ચૂકયાની વાત છે
વાણી અવાચક થયાની વાત છે
ગાલે લાલી છવાયાની વાત છે
સમયનું ભાન ભૂલાયાની વાત છે
તડપની ભરતી ઉઠ્યાની વાત છે
સંગાથે શમણાં સજાવવાની વાત છે
હર દિલમાં પ્રફુલ્લ પ્રેમની પ્યાસ છે

કેવી છે આ પ્રફુલ્લ પ્રેમની પ્યાસ?  જાણે ચાતકને વર્ષાની પ્યાસ. વર્ષાના અમી છાંટણા થાય  અને ચાતકની તરસી આંખો ચમકી ઊઠે, કદાચ એ જ રીતે પ્રેમના છાંટણા થાય અને માનવ મન મહોરે, હ્રુદયમાં ઊઠે કલશોર અને મનડું થનગને.

ક્યારેક  એવું બને કે અજાણી નજરો સાથે નજર મળે અને તે જાણીતી બની જાય.
કયારેક …
નજરોથી નજરો મળે..
અને…દિલ પણ ધડકન ચૂકે..
અજાણી નજરો જાણીતી લાગે
કોઈની વાતો માનીતી લાગે..
અને …અંગે અંગ જો ઉમંગ લાગે
ઉરમાં જો વસંત ગાજે…
સપનાઓ શત રંગ લાગે..
તો..તે છે પ્રેમ.

પણ…
પ્રેમ એ જાણવાની ચીજ નથી, પણ માણવાની ચીજ છે. પ્રેમ એ એવી ઉષ્મા છે, જેમાં મન મીણબત્તીની જેમ પીગળે છે અને  પ્રેમીઓ ક્યારેક ફના થવાની તૈયારી સાથે જ તેમાં ઝંપલાવે છે. ત્યારે પ્રેમ એક ચમકાર બની આંખોમાં છવાય છે અને મૂકી જાય છે સ્નેહ, સમર્પણ અને સંગદિલીની ગાથા. ફેબ્રુઆરી મહિનો અને વેલેનટાઈન ડે આવે એટલે ચારે તરફ જાણે પ્રેમની લહેર દોડવા લાગે છે. પ્રેમ ઠાલા શબ્દોમાં નથી, પ્રેમ એ તો ભીની અનુભૂતિ છે. તેમાં કોઈ ગણતરી ન હોય, પ્રેમ હંમેશા નિર્દોષ હોય બાળક જેવો હોય. પ્રેમમાં હંમેશા આપવાનું હોય છે. પ્રેમ ભોગ માગે છે- સ્વયંનો, અહમનો. પ્રેમ પોતાની જાતને ઓગાળીને બીજાને સ્વીકારે…બીજાના દોષ ભૂલીને ગુણનું સ્મરણ કરે.


પ્રેમ એ ક્યારેક વાણીને અવાચક કરી દે છે. જે પાત્રને મળવા માટે જાત જાતની યોજનાઓ ઘડી હોય, તે જો સન્મુખ થાય તો ક્યારેક વાચા હરાઈ જાય છે. આવી પળો પણ પ્રેમનો અહેસાસ તો કરાવે જ છે. પ્રેમી પાત્ર જાય પછી થાય કે ઓહ, આ તો કહેવાનું હતું પણ ન કહેવાયું.
શાયર નક્શ લાયલપુરીના શબ્દો યાદ કરીએ તો….
યું  મીલે કે મુલાકાત હો ના સકી
હોઠ કાંપે મગર બાત હો ના સકી…

તો ક્યારેક હોઠથી વાત ના થાય પણ આંખોથી બધુ જ કહેવાઈ જાય છે. પણ પ્રેમ એવી લાગણી છે, જે ક્યારેક લજ્જાની લાલી ચેહરા પર લાવે છે. કદાચ આનંદનો અનુભવ પણ તેનું કારણ હોઈ શકે. પ્રેમમાં દિવસ રાતનું પણ જ્ઞાન રહેતું નથી. હૈયે આનંદની એવી ભરતી ઊઠે છે કે માનવી સ્ત્રી હોય કે પુરુષ, પ્રેમમય બની જાય છે. ભવિષ્યના સપના સજાવવામાં પ્રેમીઓ ખોવાઈ જાય છે. એક નવી જ સૃષ્ટિ રચાય છે. પ્રેમની આ સૃષ્ટિ અદભુત છે, જે આનંદનો અનુભવ કરાવે છે. તેથી જ સાહિત્યનું લાલિત્ય કહો કે ગીત સંગીતનું માધુર્ય તેમાં પ્રેમગીત જ સર્વવ્યાપી છે. પ્રેમ પ્રાચીન પણ છે અને અર્વાચીન પણ છે. દેવદાનવની પૌરાણિક વાર્તામાં પણ દેવગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ અને દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની વચ્ચેના પ્રેમની વાત છે. કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા કઇ રીતે ભૂલાય? મોગલેઆઝમની અનારકલી અને શાહજાદા સલીમની પ્રેમકથા એ વાતની ગવાહી પુરે છે કે પ્રેમનું સામ્રાજ્ય મોગલ સામ્રાજ્યને પણ પડકાર ફેંકી શકે છે. પ્રેમ એવો મજબૂત તંતુ છે, જે શાહજહાં અને મુમતાજમહલના પ્રેમના પ્રતીક તરીકે આજે પણ તાજમહલને પ્રસ્તુત કરે છે.

પ્રેમ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું સાતત્ય છે. વર્તમાનમાં તો દરેક પ્રેમ એક કથા છે. વર્તમાન પ્રેમ કબૂતર જા …જા..ના યુગથી આગળ નીકળીને બની ગયો છે .હાઈ ટેક. હવે પ્રેમમાં પરાકાષ્ટા પહેલાં ઝડપ આવી ગઈ છે, વિરહ જેવી લાગણીઓનું વિસર્જન થઈ ગયું છે. મોબાઈલની આ ઝડપ વિરહની વેદનાને નામશેષ કરતી ચાલી છે. બધું જ ઇન્સ્ટન્ટ છે. પ્રેમની અભિવ્યકિત પણ સરળ છે. કદાચ એક ગુલાબનું ફૂલ અને વેલેનટાઇન ડે એ પ્રેમની અભિવ્યક્તિ છે.  અને પ્રેમ કે ગુલાબ…
………by any other name,it smells sweet ….

પ્રેમનો અહેસાસ, એતબાર અને એકરાર એક જ માળાના મણકા છે. પ્રેમમાં કાયમ ઝંખના, પ્રતીક્ષા હોય…પ્રેમ ઇંતેજાર, રાહ જોતાં શીખવે…ત્યારે રાધાકૃષ્ણના પ્રેમને કેમ ભૂલી શકાય? ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદનું માધુર્ય એ પ્રેમમય ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ એક સુખદ સપનું છે. પ્રેમમાં કોઈ મંઝિલ નથી, પ્રેમ તો પ્રવાસ છે, યાત્રા છે…. આવો, આપણે પણ ધરતી પરના આ જીવનપ્રવાસને પ્રેમમય બનાવીએ….

રીટા જાની

https://youtu.be/YbojAwM9ZEs

સ્પંદન – ૩ …..રીટા જાનીલહેરાયો તિરંગો, એ વતન!
ગર્વથી જેનું કર્યું છે જતન
વીરોએ સર પર બાંધી કફન
લીલી છે ધરા ને કેસરી  ગગન
શાંત ને ખુશહાલ છે ચમન
દેશપ્રેમની લાગી છે લગન.

26 જાન્યુઆરી … ગણતંત્ર દિન…
આંખોમાં છે દેશપ્રેમની ચમક…દ્રષ્ટિપટલ પર ઉભરાય છે દિલ્હીની પરેડ…સેનાની ટુકડીઓની સલામી…ઉત્સાહ અને આનંદ.. મુક્ત હવામાં લહેરાતો તિરંગો જોઈને એ નામી અનામી વીરોની યાદમાં શીશ ઝૂકી જાય છે, જેમણે વતનના ચરણે મુક્તિનો ગુલદસ્તો ધરવા પોતે જખ્મો ને કાંટાનો તાજ વહોરી લીધો. વાતાવરણમાં ગુંજે છે… એક નારો… જયહિન્દ. ત્યાં હાજર દરેકે દરેક વ્યક્તિ દેશભક્તિનું સ્પંદન અનુભવે છે. જયહિન્દ..આ એ નારો છે જે ક્યારેક દેશભક્તિથી છલકાતા સુભાષચંદ્ર બોઝ પાસેથી દેશપ્રેમીઓએ ઝીલી લીધેલો અને આઝાદ હિન્દ ફૌજની વીર ગાથાઓ રચાયેલી…આ એ નારો છે જે માઈનસ 52 ડિગ્રી સેલ્સિયસની ઠંડી વચ્ચે પણ સિયાચીનમાં ભારતીય સેનાના જોશમાં પ્રેરણા અને દેશપ્રેમની ઉષ્મા બને છે…આ એ નારો છે, જે લડાખ હોય કે અરુણાચલ કે પછી રાજસ્થાનનું રણ… જય હિન્દ છે ભારતીય સેનાનો રણટંકાર…હર ભારતીય દિલના દેશપ્રેમનો રણકાર .

દેશ…દેશપ્રેમ.. જે છે દરેક ભારતીય દિલનું સ્પંદન. દેશપ્રેમ એ ભારતની માટીની પહેચાન છે. દેશપ્રેમના મહાસાગરના મોજાં અવિરત આવતાં રહે છે અને ભારતમાતાનો ચરણસ્પર્શ કરે છે. દરેક સદીઓની તવારીખમાં દેશપ્રેમની ગાથાઓ ઉભરે છે…મહાનાયક એક નથી, અનેક છે…બલિદાન એક નથી, અનેક છે…દેશની ધરતી દેશભક્ત વીરોના રક્તથી લાલ બને છે, આંખોમાં ઉભરે છે વીરતાનો કેસરી રંગ. વીરતાની ગાથાઓ ઉભરી છે અને ઉભરતી રહી છે.

પ્રજાસત્તાક ભારતની પ્રજા બેજવાબદાર બની, પોતાની ફરજ ભૂલી ફક્ત હક પર ધ્યાન કેન્દ્રિત કરે તો એ દુઃખની વાત છે. લાગે છે કે આપણે દેશપ્રેમને નાનકડી ફ્રેમમાં કેદ કરી દીધો છે. ક્યારેક ધૈર્ય, વિવેક,સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યને પ્રાધાન્ય આપવાના બદલે અંગત હિતને પ્રાધાન્ય અપાય છે. ત્યારે પ્રત્યેક નાગરિક જવાબદાર બને એ માટે આ મુક્ત હવામાં જન્મેલા ને સ્વતંત્રતાના મીઠા ફળ માણતી આજની પેઢીને એ જાણવાની જરૂર છે કે તેઓ આ મીઠા ફળ માણે એ માટે પાયામાં કેટલાં બલિદાન પડ્યા છે.

આજે આવી એક કથાની વાત કરવી છે…1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં વીર બાબુ કુંવરસિંહની અંગ્રેજો સામેની લડાઈ અને બહાદુરીની વાત. મોતને મુઠ્ઠીમાં લઇને જે ફરે છે, તેવા જવાંમર્દની આજે વાત કરવી છે. જીવનનો પૈગામ છે – જવાંમર્દી અને વીરતા.

1857…પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ…અંગ્રેજ સત્તા સામે દેશભક્તિનો રંગ… સ્થળ છે બિહારનું જગદીશપુર. …વીર કુંવર સિંહ… ઉંમર વર્ષ 80… દેશભક્ત કુંવરસિંહના હૈયામાં દેશભક્તિની જ્વાળા છે. તેમનું ધ્યેય છે અંગ્રેજ સૈન્ય અને સત્તાને પરાસ્ત કરવાનું. આ યુદ્ધકુશળ દેશભક્ત ક્યારેક બિહાર તો ક્યારેક ઉત્તરપ્રદેશમાં દેશભક્તોને સંગઠિત કરતો લડતો રહે છે. દર વખતે જુદી જુદી રણનીતિ અપનાવી અંગ્રેજ ટુકડીઓને સાત સાત વાર હરાવે છે….80 વર્ષીય યુવાન (આને વૃદ્ધ નહી કહી શકાય) ઉંમરે પણ યુદ્ધકળા, નેતૃત્વ શક્તિ અને સંગઠન શક્તિથી છલકાતા આ વીરના યુદ્ધ કાફલા પર 22 એપ્રિલ 1858ના દિવસે જ્યારે તે સૈનિકો સાથે ગંગા પાર કરી જગદીશપુર આવતો હોય છે ત્યારે અંગ્રેજ સેના અંધારામાં હુમલો કરે છે. વીર કુંવરસિંહ મુકાબલો કરે છે પણ જમણા હાથના કાંડામાં વાગે છે ગોળી. કુંવરસિંહ પાસે છે નિશ્ચયનું બળ ..પોતાનામાં શ્રધ્ધા….પરિસ્થિતિને પરાજિત કરવાની તાકાત…માન્યતામાં અડીખમ…હૈયે હામ છે અને મનમાં છે દ્રઢ નિર્ધાર. બીજા હાથે તલવારથી પોતાનો હાથ કાપીને માતા ગંગાને કહે છે…હે માતા ગંગા, લે મારું આ સમર્પણ…હાથ પ્રવાહિત થાય છે અને આ ઘાયલ વીર દેશભક્ત વીરો સાથે જગદીશપુર પહોંચે છે. અંગ્રેજોને હરાવી જગદીશપુર મુક્ત કરે છે અને ઉગે છે 26 એપ્રિલની સવાર. ઘાયલ વીર કુંવરસિંહ પ્રાણ ત્યજી દે છે પણ રચાય છે અદભુત વીરગાથા – બેમિસાલ શૌર્ય અને સમર્પણની. સાગરની ગંભીરતા ને પર્વતની દૃઢતા સાથે જીવનનું પ્રયોજન સિદ્ધ કરીને જંપવાના સંકલ્પ સાથે જીવનને સાર્થક કર્યું. વીર કુંવરસિંહ અમર થઈ જાય છે…


 ભારત દેશ … માટીનો કણ કણ અને ઇતિહાસની ક્ષણ ક્ષણ ભરેલો છે…શૌર્ય , સમર્પણ અને બલિદાનોથી…હિંમત પ્રત્યેક ધબકારમાં છે… અહી ભૂતકાળ અને ભવિષ્યની આંખો મળે છે તો પ્રગટે છે હિંમતનો ધબકાર. આ એ ધબકાર છે જે પ્રત્યેક દેશવાસીના હૈયે ધબકે છે…આ એ શૌર્ય, આત્મવિશ્વાસ અને હિંમત છે, જે પ્રત્યેક બાળકની આંખમાં છલકે છે. આ પોતાનું એ પ્રતિબિંબ છે, જે રાજા દુષ્યંત રાજકુમાર ભરતની આંખોમાં નિહાળે છે. બાળક રાજકુમાર ભરત, સિંહને કહે છે -” મોઢું ખોલ હે સિંહ, મારે તારા દાંત ગણવા છે.”
આ વીરતા, હિંમત અને આત્મવિશ્વાસ જ્યારે દરેક ભારતીય બાળકની આંખમાં અનુભવાય છે…આંખોમાં આત્મસાત થાય છે… મનમાં ઉભરે છે તિરંગો અને પોકાર ઊઠે છે… “જય હિન્દ.”

રીટા જાની

સ્પંદન -2


રૂપ એનું સમજાય ના,
સૂર એનો કળાય ના,
પાર પણ તો પમાય ના,
ક્યાં મ્હોરે, ક્યાં ઝીલાય,
આ તો ઝાકળભર્યું ફૂલ
સ્પંદન એના રોમે રોમ.

2020 હોય કે 2021…સમય સરતો રહે છે. એ સમાન રીતે સરે છે તેથી જ કદાચ તેને સંસાર કહે છે. વિશ્વના કોઈ પણ ખૂણે પહોંચી જઈએ પણ બે વસ્તુ અફર છે. આપણી આજ અને ગઈ કાલ. આ આજ અને ગઈ કાલ વચ્ચેનો ભેદ એ હકીકતે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો ભેદ છે. કાલ અને આજ વચ્ચે સમય સરે છે …પૃથ્વી સરે છે …સૂર્ય અને ચંદ્ર સરે છે…ગ્રહો નક્ષત્રો અને સમગ્ર બ્રહ્માંડ સરે છે અને તેની વચ્ચે આપણું અસ્તિત્વ પણ સરે છે … ગઈ કાલ આજ અને આવતી કાલ…ભૂત , વર્તમાન અને ભવિષ્ય. આ અસ્તિત્વની લડાઈ લડી રહેલો માણસ સુખ શોધે છે. તેને જોઈએ છે સુખનું સાતત્ય. પણ સુખનું સાતત્ય શેમાં છે? ભૌતિક વિજ્ઞાન માને છે કે જે દેખાય અને અનુભવાય તે સત્ય છે. બુદ્ધિ કહો કે તર્ક, સુખની આ દોડમાં ક્યાંક તન તો ક્યાંક મન સંકળાયેલા છે. ભૌતિક સગવડો સુખનો એહસાસ ઉભો કરી શકે છે, પણ તે અનંત નથી. ભૌતિક યાત્રાનો અંત છે, પણ મનોયાત્રાનો અંત નથી. 2 G થી 5 G સુધી પહોંચેલી દુનિયા પણ જો G થી H ની ભાષા સમજી શકે તો કદાચ સુખનો સોનાનો સૂર્ય ઉગી શકે. H એટલે Human Heart ની ભાષા – હૃદયની ભાષા જે વિવિધ ખંડોમાં વહેંચાયેલા વિશ્વને અખંડતાનો અહેસાસ કરાવી શકે. આ ભાષા એટલે સ્પંદન – સ્પંદન એટલે દિલથી દિલની ભાષા – કંપન ખરું પણ ધ્રુજારી નહીં. અનુભૂતિ અને સહાનુભૂતિએ એના મૂળભૂત તત્વો .

સ્પંદનો જગાવનાર પ્રકૃતિને તો કોઈ કઈ રીતે ભૂલી જ શકે? ગ્રીષ્મ ઋતુમાં પણ કોયલનો ટહુકો કેવો લાગે એ અનુભૂતિનો વિષય છે, તો વર્ષાના વધામણાં કરતો મોર કળા કરીને મયુરનૃત્ય કરતો હોય તો આપણા સ્પંદનો જાગી ઊઠે છે. ગ્રીષ્મની ગરમીથી તપ્ત થયેલ ધરા પર વર્ષાની ઝરમર જો પ્રકૃતિને પણ પુલકિત કરી દેતી હોય તો માનવ મનની પુલકિત લાગણીઓ પણ જગાવી જ દે છે. આ લાગણી એ હૃદયના સ્ફુરણ છે, સ્પંદન છે. ઋતુઓનું વર્ણન થાય અને ઋતુરાજ વસંતને યાદ ના કરીએ તો કેમ ચાલે ? વસંતના વાયરા લઈ આવે છે પ્રણય કહાણીઓ. વાસંતી વૈભવને માણવામાં માત્ર માનવી જ નથી હોતો પણ પક્ષીઓ , મધમાખીઓ અને ભમરાઓનો પણ ગુંજારવ કાને પડતાં જ માનવીના સ્પંદનો સજીવ થઈ ઊઠે છે. પ્રકૃતિ અને માનવ સ્પંદનો એ એક જ સિક્કાની બે બાજુઓ છે.

પ્રકૃતિની પ્રેરણાના પ્રસાદ તરીકે જાગી ઊઠેલાં માનવસ્પંદનોનો એક બીજો આયામ એટલે માનવીય સંબંધો અને માનવીય ભૂમિકા પરના સંબંધો. સ્પંદનોની આ માનવીય ભૂમિકા શરૂ થાય છે બાળપણથી. બાળક તરીકેની સ્મૃતિઓ આપણા હૃદયમાં કેટલાં સ્પંદનો જગાવે છે. બાળપણના મિત્રો અને તેની યાદો કંઈ કેટલાયે દિલોમાં સ્પંદનો જગાવે છે. ‘વો કાગઝ કી કશ્તી વો બારિશ કા પાની’ સાંભળતાં જ કંઈ કેટલી યે આંખોમાંથી શ્રાવણ ભાદરવાના આંસુ વહે તે માનવ મનના સ્પંદનોનો જ ચમત્કાર છે.

સ્પંદનોની આ કથા માત્ર બાળપણ પૂરતી જ સીમિત નથી. કદાચ મુગ્ધાવસ્થામાં કે યુવાવસ્થામાં પણ સ્પંદનોની આ દુનિયા કંઈ કેટલીયે કોડભરી કન્યાઓની કહાણી કહેતી હોય છે. સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ પ્રેમકથાઓ સ્પંદનો વિનાની હોતી નથી…હોઈ શકે પણ નહિ. પ્રેમ એ પણ એક સ્પંદન જ છે. પ્રેમ એ કદાચ માત્ર ઉમર પર આધારિત હોય તેવું જરૂરી નથી. પ્રેમ એવું તત્વ છે જે કદાચ વ્યક્તિના મનમાં ડોકિયું કરતું હોય છે. તેથી જ પ્રેમી કે પ્રેમિકા એક બીજા માટે સમર્પિત હોય છે, એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. સમાજ કે તેના રીતરિવાજો પણ તેને રોકી શકતા નથી. પ્રેમીઓ માટે હર મોસમ એક વસંત હોય છે, હર ઘડી એક અગ્નિ પરીક્ષા. ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબ સાથે આપણે પણ પોકારી ઉઠીએ કે – “યે વો આતિશ હૈ જો લગાયે ન લગે ઔર બુઝાયે ના બને”. દરેક પ્રેમી માટે પ્રેમ એવું શક્તિશાળી સ્પંદન છે કે તે કંઈ પણ કરવા તૈયાર થાય છે. તેને માટે દરેક પળ – “એક આગ કા દરિયા હૈ ઔર ડૂબકે જાના હૈ”- ની યાદ અપાવતી હોય છે. ક્યારેક આવી રસપ્રદ પ્રેમકથાઓ પણ સ્પંદનથી જ શરૂ થઈ હોય છે. હીર રાંઝા કહો કે શિરિં ફરહાદ – તેમની પ્રેમની મજબૂતી એટલે જ સ્પંદન. પરંતુ માત્ર આ પ્રકારનો પ્રેમ જ સ્પંદન છે તેમ નથી.

મિત્રતા કે દોસ્તી એ પણ સ્પંદનની દુનિયામાં જ વસે છે. મિત્રની વાત થાય એટલે તરત જ યાદ આવે કૃષ્ણ અને સુદામા. એક દ્વારિકાધીશ અને બીજા અકિંચન બ્રાહ્મણ. પણ કૃષ્ણ સુદામાને જોઈ દોટ મૂકે છે અને સુદામાના તાંદુલ ખાય છે, એ વાત સાક્ષી પુરે છે કે મિત્રતાનું સ્પંદન પણ ક્યારેક દ્વારકાધીશના દિલને પણ સ્પંદિત કરી શકે છે. દોસ્તીની વાત આવતાં જ વર્ષો પહેલાંની ફિલ્મ દોસ્તી યાદ આવે છે. તેની વાર્તા પ્રમાણે એક દોસ્ત આંખે જોઈ શકતો નથી તો બીજો પગની તકલીફને લઇને ચાલી શકતો નથી. ગરીબી અને શારીરિક અશક્તિથી લડી રહેલા બંને દોસ્ત સંગીતના સહારે એકબીજાને મદદ રૂપ થાય છે અને પ્રગતિનો એક જુદો જ અધ્યાય શરૂ થાય છે. પણ સંગીતના સૂરની સાથે જ એક અદ્રશ્ય સંગીત રજૂ થાય છે તે છે દોસ્તીનું સ્પંદન. આ સ્પંદન આપણા દિલમાં પણ સ્પંદન જગાવે છે.

હૃદયનું સ્પંદન એ જ કદાચ ભક્ત અને ભગવાનના સંબંધોનું રહસ્ય પણ છે. ભક્તિ એ પણ સ્પંદન જ છે. ક્રૌંચ પક્ષીને વાગેલા તીરની વેદનાથી જ વાલ્મિકી રામાયણનો પ્રારંભ થાય છે, તો રામ શબરીના બોર ખાય છે તે પણ ભક્તિનું સ્પંદન જ છે ને? ભક્તિની શક્તિ પણ માનવ હૃદયના સ્પંદનથી પ્રેરિત છે.

પુષ્પોનો પમરાટ એટલે સ્પંદન , હ્રુદયનો ધબકાર એટલે સ્પંદન , પ્રેરણાનું પાવન ઝરણું એટલે સ્પંદન , માનવ સંબંધોની સરગમ એટલે સ્પંદન , જીવથી શિવ સુધીની યાત્રા એટલે સ્પંદન , લેખકની લેખિનીનું સામર્થ્ય એટલે સ્પંદન અને આવા સમર્થ સાહિત્યના સર્જનથી વાચકના મનના સંવેદન સુધીની આજની મારી યાત્રા એ પણ સ્પંદન…
માણો આજનો મારો…તમારો… સુંદર સંવાદ…
ના..ના…સ્પંદન.

રીટા જાની

“કલમના કસબી:કનૈયાલાલ મુનશી”-રીટા જાની

ગુજરાતી અસ્મિતાના સર્જક ઉત્કૃષ્ટ જાણીતા નવલકથાકાર,નાટ્યકાર,વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા માટે તો અઘરો વિષય.આવા અઘરા વિષયને રીટાબેને એક ફિલ્મ દિર્ગદર્શક પાત્ર કે પરિસ્થિતિ પકડી લે ,એમ રીટાબેને મુનશીને વાંચીને ઝીલ્યા અને માત્ર ઝીલ્યા નથી પણ આપણી સમક્ષ “કલમના કસબી:કનૈયાલાલ મુનશી”ના ૫૦ લેખમાળામાં એવી રીતે વહેતા કર્યા કે જાણે મુનશી હાજર હજૂર જ છે.
રીટાબેને એક જાજરમાન વ્યક્તિત્વના વાંચનનો આનંદ તો લીધો છે.પણ મુનશીને ૫૦ મણકામાં એવી રીતે પરોવી પ્રસ્તુત કર્યા અને  તેમના વિશે આપણે વિચારવા પ્રેરાયા.આજેય આંગળીને વેઢે ગણી શકાય એવાં ગુજરાતીના પ્રતિભાશાળી અને લોકપ્રિય સર્જકો વિશે પૂછવામાં આવે તો સ્વાભાવિક રીતે જ મુનશીનું નામ તેમાં અવશ્ય લેવાય.મુનશીની પ્રતિભામાં અને તેમના સાહિત્યમાં એવું તો કયું તત્ત્વ છે કે જેના બળે તેઓ આજના સમયમાં પણ કાળથી પર થઈને હયાત છે.આ વાત રીટાબેને પ્રસ્તુત કરી. ક્યારેક એમના પ્રવાસની તો ક્યારેક પાત્ર સ્વરૂપે મુનશીની ઓળખાણ કરાવી.એમની કલમ સામાન્ય કલમ નહોતી એવું પુરવાર કર્યું, તો તેની અંગત વાતો એવી રીતે મૂકી જાણે આપણા ઘરની વ્યક્તિ ન હોય!
આજની નવી પેઢીને મુનાશીમાં રસ પડશે? એવું લેખિકાએ વિચાર્યું નહિ પણ મુનશી વિષે નવી પઢી પણ વિચારશે,તેમના વિશે અને તેમના સર્જન વિશે જાણવા માટે વિચાર કરતા થશે એમ ધ્યાનમાં રાખી રીટાબેને સમગ્ર લેખમાળા લખી.મુનશીના દરેક સર્જનને આવરી લઇ મુનશી સાહિત્ય પીરસ્યું..બધું તો સમાવી ન શક્યા પણ લેખિકાએ મુનશીની સંવેદન અને સર્જનપ્રક્રિયાને ઝડપી ,આપણી સમક્ષ એવી રીતે મૂકી કે એમને વાંચવાનું મન થાય જ. અહી લેખિકાની સજ્જતા,વાંચન અને કોઠાસુઝને હું નવાજુ છું.
વાંચન દરમ્યાન ગમેલી પ્રત્યેક ક્ષણને એ ધબકારાને એમણે શબ્દોમાં એવી રીતે ઉતાર્યા કે આપણે સૌ એમના વાંચનના સહભાગી થયા.ઉત્તમ વાચક ક્યારેય એકાંગી નથી હોતો.પોતે જે અનુભવે છે તેને શબ્દોમાં અવતારી બીજા સાથે જરૂર વહેચે છે. માણસ માત્ર હકીકત અને વાસ્તવિકતાથી જીવતો હોય છે રીટાબેને મુનશીની વાસ્તવિકતાને જ પ્રગટ કરી.લેખિકાએ પોતે મુન્શીજીને  વાંચ્યા અનુભવ્યા પછી ઠાવકી રીતે પ્રસ્તુત કર્યા.આ લેખમાળા રીટાબેનની વાંચનયાત્રા ના પડઘાનું રૂપાંતર છે.
આપણે કનૈયાલાલ મુનશીને અસ્મિતાના ઉદ્-ઘોષક તરીકે ઓળખીએ છે. જેના અણુમાં વ્યાપેલ અસ્મિતાનો ઉદઘોષ અને ભાષાપ્રેમને, નિરૂપણ કરવાનું કામ લેખિકાએ આ લેખમાળામાં કર્યું છે. આ રીટાબેને પહેલીવાર લેખમાળા લખી પણ એમણે એક લયમાં ચીલાચાલુ ન લખતા વૈવિધ્ય પ્રસ્તુત કર્યું અને મુનશીની કલમને  અન્યાય ન થાય અને તેમનું  કોઈપણ સર્જન રહીં જાય તેમ લેખમાળા લખી.ત્યારે વાચકોની દ્રષ્ટિએ એક અનુભવી લેખિકા તરીકે  સ્થાપિત થઇ ગયા.જે લખવાનો પ્રયત્ન કરે છે તે જ પરિપક્વ બને છે. માત્ર લખવાની ઉત્કૃષ્ટતા હોવી જોઈએ. ઘણીવાર તબિયતને કારણે તેમનાથી ન પણ લખાયું પણ તેમ છતાં શ્રેણી પૂરી  કરી તેનો મને ગર્વ છે.એમની કલમ સદાય લીલીછમ રહે તે માટે ફરી તેમને શબ્દોના સર્જનના બ્લોગ પર લખવા આમંત્રણ આપું છું.

પ્રજ્ઞા દાદભાવાળા 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-50

મારા સાહિત્યપ્રેમી સાથીઓ,
કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે માણી રહ્યા છીએ. સાહિત્ય એ કળા છે તો કસબ શું છે? કસબ એ આગવી ઓળખ છે,  જે વિશિષ્ટ છે અને તેથી જ સાહિત્યના પુષ્પગુચ્છમાં રહેલાં પુષ્પો પોતાની વિશિષ્ટ સુવાસ પ્રસ્તુત કરે છે. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઈ ઇતિહાસને જીવંત કરવાનો કસબ એ મુનશીની વિશેષતા છે. સાહિત્યની પગથારના વિવિધ સોપાનો પર કદમ મૂકતાં અને સાહિત્યરસને માણતાં આપણે એક નવા કદમ પર છીએ. એ કદમ છે – આ લેખમાળાનું અંતિમ કદમ.

પુસ્તકની પ્રેરણાના પિયુષનું પંચામૃત પામેલા અને ગુર્જર સાહિત્યની ગૌરવગાથાના સહભાગી મારા સર્વ વાચકમિત્રોનું લેખમાળાના આ ગોલ્ડન જયુબિલી લેખમાં શાબ્દિક અભિવાદન કરતાં હું હર્ષ અનુભવું છું. આ લેખ ખાસ એ માટે છે કે આજે આપ સહુ સાહિત્યરસિકો સાથે એ ક્ષણોની વાત કરવી  છે કે જેને  પ્રસ્તુત કરતાં મેં અનુભવેલ હર્ષ અને રોમાંચ આજે તમારા સુધી પહોંચે. સુભગ સમન્વય પણ કેવો છે કે મુનશીજીની જન્મજયંતિ 30 ડિસેમ્બરે જ આ લેખમાળા તેના 50 હપ્તા પૂર્ણ કરી રહી છે.

પણ આજે  રોમાંચની આ ક્ષણનું કારણ ભૌતિક નહિ પણ સાહિત્ય અને સંસ્કારની સમૃદ્ધિ છે, જે આપણા સહુના આનંદનું કારણ છે. ગુજરાતની સંસ્કૃતિનું સાતત્ય રહ્યું છે ગુજરાતી સંસ્કાર સાથે અને સાહિત્યની સરવાણી વહાવી  છે સાહિત્યના સર્જક સહિત્ય સ્વામીઓએ. સાહિત્ય એ સંવેદનાઓનો શબ્દદેહ છે અને સાહિત્યસ્વામીઓ તેના સર્જક છે. સર્જનનો જે આનંદ તેમણે અનુભવ્યો તે શબ્દ સ્વરૂપે આપણા સુધી પહોંચે, તે છે પુસ્તક. આજે જ્યારે ‘બેઠક’ની પુસ્તક પરબ દ્વારા આપણે આ સાહિત્યરસને માણીએ છીએ ત્યારે આપણું આ કાર્ય એ આવા સ્વામીઓનું  તર્પણ પણ છે અને શબ્દોના પુષ્પગુચ્છનું સમર્પણ પણ છે. આવો પુષ્પગુચ્છ આજે અર્પણ કરવો છે સાહિત્યના અદભૂત સર્જક, કલમના કસબી , શબ્દના શિલ્પી, ગુજરાતની અસ્મિતાના આરાધક એવા કનૈયાલાલ માણેકલાલ મુનશીને .

મને થયું કે મારે કેમ મુનશીના જ સાહિત્યને કેન્દ્રબિંદુમાં કેમ રાખવું ? જેમ સંસ્કૃત સાહિત્યની વાત થાય અને કાલિદાસ યાદ ના આવે તો જ નવાઈ. મિત્રો, હજાર વર્ષ બાદ પણ સ્મૃતિમાં ઉદભવે છે કવિ કાલિદાસ કેમ કે સાહિત્યસ્વામીઓ યુગોથી પર હોય છે. તે જ રીતે ગુજરાતનું ગૌરવ અનુભવતા આપણે પણ કનૈયાલાલ મુનશીની ઇતિહાસની જીવંતતા ને કૌશલને અનુભવીએ છીએ .

મુનશી મારા પ્રિય લેખક. શાળાજીવન દરમ્યાન તેમને એક વખત નહિ પણ દરેક વેકેશનમાં વાંચતા. પણ આજે ફરીને એક નવી નજરે મુનશી વાંચવાનું શરૂ કર્યું. એ ઉંમરે, એ સમયખંડમાં એક વાચક તરીકે વાંચવું અને આજે, આ ઉંમરે, આ સમયખંડમાં એક લેખક તરીકે વાંચવું તેમાં આભ જમીનનો ફેર છે. આજે જ્યારે હું મુનશી વિષે લખું તો  હવે એક એવી દૃષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે આજના સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય, લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને રસ પડે. આજે  50મો હપ્તો લખતા એક વિશ્વાસ અને સંતોષ હું અનુભવી રહી છું.  એક ઝરણાંને જેમ માર્ગ મળી જાય વહેવાનો, એમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના માટે  વિશેષ જરૂરિયાત છે ફક્ત આત્મચિંતન અને આત્મમંથનની.

ક્યારેક…એવું બને કે મહાસાગર પાર કરવાની ઝંખના હોય અને એવામાં કોઈ નૌકા દેખાય ..અને થાય કે બસ હવે પાર ઉતરવું કોઈ મોટી વાત નથી …પણ ઝંખના અને ઉત્સાહને પણ જરૂર હોય છે કોઈ અનુભવી સુકાનીની …આ નૌકા મને ‘બેઠક’માં મળી પણ જે દિશાસૂચન , હૂંફ અને માર્ગદર્શન મને પ્રજ્ઞાબેનના સાથ , સહકાર અને કાબેલ નેતૃત્વમાં મળ્યાં તે વિના કદાચ આ રસાસ્વાદ આટલો મધુર ન રહ્યો હોત. 

પ્રવાસને યાદગાર બનાવવામાં સહપ્રવાસીઓનો ફાળો અમૂલ્ય હોય છે. બેઠકના સર્વ  સર્જકોનો  પ્રેમભર્યો  આવકાર મળ્યો. સાથે મારા સર્વ સહલેખકોનો સહકાર અને તેમાં યે રાજુલબેન અને જિગીષાબેનનો પ્રેમભર્યો સાથ સહકાર મને હર પળ યાદ આવશે …તેને આભાર કહું કે સાભાર કદાચ શબ્દો એ લાગણીને વર્ણવી નહીં શકે..

લેખક અને વાચક વચ્ચે એક અદૃશ્ય કડી હોય છે. તેનું જોડાણ લેખક માટે  આનંદનો વિષય છે. ત્યારે મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે સાવ અજાણ્યા લોકો તરફથી પ્રતિભાવ મળે તો વિશેષ આનંદ થાય છે. તમામના નામ લેવા તો શક્ય જ નથી. તેમ છતાં કેટલાક નામ લેવા જરુરી છે.  લગભગ દરેક લેખમાં સૌથી પહેલો  પ્રતિભાવ આપનાર જયશ્રીબેન પટેલ જેઓ મુનશીના કુટુંબથી પણ પરિચિત  છે અને અન્ય વાચકોમાં પ્રદીપ ત્રિવેદી, બીરેનભાઇ, રાજસી, પ્રીતિ ત્રિવેદી, જિગીષાબેન, ગીતાબેન, રાજુલબેન,કલ્પનાબેન, રાજેશભાઈ, દર્શના, માયાબેન, નીલમબેન, હિમાંશુ, પાયલ, ગોવિંદ મારુ, ગિરીશ ચિતલિયા, ઇલાબેન,  બીના શેઠ, નીતિન વ્યાસ, ભાવનાભાભી અને  હર્ષા આચાર્યનો ખાસ ઉલ્લેખ કરીશ.

કોઈપણ માર્ગ ક્યારેય સીધો નથી હોતો. તેમાં વળાંક, ચઢાણ અને ઉતરાણ પણ આવે જ. મારી લેખનની સફર પણ આવી જ હતી. ક્યાંક સામાજિક જવાબદારીઓ તો ક્યાંક બિમારી તો ક્યાંક ટેકનિકલ કારણસર આખો લેખ  ભૂલથી delete થઈ ગયો ને ફરી નવેસરથી લખ્યો . પણ આ બધાની વચ્ચે પણ  લેખનયાત્રા ચાલુ રહી એનો મને સંતોષ છે. આ દરમ્યાન ઘણું નવું શીખવા મળ્યું. પ્રજ્ઞાબેન અને રાજુલબેનનું મૂલ્યવાન ટેકનિકલ માર્ગદર્શન પણ મળ્યું. તો જીવનભર ખભે ખભા મિલાવીને ચાલનાર મારા જીવનસાથી દીપકનો પણ સક્રિય સહકાર મળ્યો.

આ સાહિત્યયાત્રાનો અંત નથી, ફક્ત એક મુકામ છે. મેઘધનુષી સાંજની શોભા અનેરી હોય છે. મેઘધનુષ ત્યારે જ શક્ય બને જ્યારે સૂર્ય પણ હોય અને વાતાવરણમાં આર્દ્રતા પણ હોય. સાહિત્યસ્વામીઓ સમાન સૂર્ય હોય અને વાચકોના રસ અને પ્રેમમય સાહિત્ય વિશ્વની આર્દ્રતા પણ હોય તો મેઘધનુષ રચાતાં જ રહેશે. ફરી મળીશું, એવી જ એક મેઘધનુષી સાંજે….અદભુત રંગોના આસમાનમાં …, મોરપિચ્છની કલમને સાહિત્યરસમાં ઝબોળી..
ફરી કોઈ  નવી રસ ગાથા સાથે…

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-49કનૈયાલાલ મુનશીની  લેખમાળા અંતર્ગત ગત બે અંકથી આપણે સહુ માણી રહ્યા છીએ મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ને. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે. કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક  પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ  રોચક બનાવે છે. 


કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે ? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હ્રુદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે. આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી  યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.

‘કૃષ્ણાવતાર’ ના પાંચમા ખંડ ‘સત્યભામાનું કથાનક’ માં વિવિધ પુરાણોમાં વર્ણવેલી સ્યમંતક મણિની ઘટના, જે શ્રીકૃષ્ણના જીવન સાથે અનેરી રીતે સંકળાયેલી છે, તે મુનશીએ ખૂબ જ રોચક અને પ્રતીતિકર રીતે રજૂ કરી છે. શ્રીકૃષ્ણના પરાક્રમો અને ચમત્કારની કથાઓ સાંભળી મનોમન કૃષ્ણ વાસુદેવને પતિ તરીકે મેળવવાની ઇચ્છા રાખતી સત્યાના પિતા સત્રાજીત કૃષ્ણને પસંદ કરતાં ન હતા. કારણ તેઓ માનતા કે યાદવોના તમામ કમભાગ્યના મૂળમાં કૃષ્ણ જ રહેલા છે. આવા સંજોગોમાં કૃષ્ણ પર સ્યમંતક મણિની ચોરીનું આળ આવે છે. ત્યારે સત્યા કઈ રીતે કૃષ્ણને મદદ કરે છે, કૃષ્ણ બહાદુરી અને કુનેહથી રીંછમાનવોના પ્રદેશમાં જાંબવાન પાસેથી મણિ પાછો મેળવે છે, જાંબવતી રોહિણી સાથે લગ્ન કરે છે, સત્રાજીતની યાદવો પર વર્ચસ્વ મેળવવાની મહત્વાકાંક્ષાના ચૂરેચૂરા કરે છે, સત્યભામા સાથે લગ્ન કરે છે તેની દિલધડક કથા વાચકોને જકડી રાખે છે.

‘કૃષ્ણાવતાર’નો છઠ્ઠો ખંડ છે –‘મહામુનિ વ્યાસ”. પુરાણ સાહિત્યમાં વ્યાસનો ઘણો મોટો હિસ્સો છે. મોટા ભાગનાં પુરાણો વ્યાસમુનિએ રચેલા કહેવાય છે. તેઓ વેદના સંસ્કર્તા અને ધર્મના અવતાર તરીકે દર્શન દે છે. મૂળ મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હોવાનું કહેવાય છે. તેમણે વેદની વિવિધ શાખાઓને વ્યવસ્થિત કરી અને શ્રુતિને પ્રમાણિત રૂપ આપ્યું. એ વ્યવસ્થા 3000 વર્ષ પછી પણ અકબંધ જળવાઈ રહી છે. વ્યાસ ધર્મની રક્ષા કરનાર પ્રચંડ વ્યક્તિત્વ ધરાવતા હતા. શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણ પોતાને વ્યાસ સાથે સરખાવે છે. ખંડના અંતે વ્યાસ કહે છે: “ દેવો મને પોતાની પાસે નહીં બોલાવી લે ત્યાં સુધી હું ધર્મ માટે જ જીવીશ….ભગવાન સૂર્ય મારાં પગલાંને ત્યાં સુધી દોરી જશે.”

‘કૃષ્ણાવતાર’ના સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક”માં શકુનિના પ્રપંચથી ધર્મરાજ યુધિષ્ઠિર દ્યુતમાં પરાભવ પામે છે તેની વાત છે.

‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. સાતમા ખાંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.

કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના. મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय: કૃષ્ણ ની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોરપિચ્છ સમાન વિવિધરંગી અને મોહક છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા ….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ , ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું ? કલમનું કૌવત, કૌશલ્ય , કળા કે કસબ ?

રીટા જાની

કલમના કસબી : કનૈયાલાલ મુનશી-48
કલમના કસબી કનૈયાલાલ મુનશી અંતર્ગત આપણે માણી રહ્યા છીએ – ‘કૃષ્ણાવતાર’ નો ખંડ -3 ‘ પાંચ પાંડવો’. અને પ્રસંગ છે દ્રૌપદીનો સ્વયંવર .

નવલકથા આગળ વધતાં આપણે હવે એવા વળાંક પર છીએ જ્યાં કૃષ્ણ દ્રૌપદીને વરવાનો દ્રુપદનો પ્રસ્તાવ સ્વીકારતા નથી. પરંતુ સૂચન કરે છે કે આર્ય પરંપરા અનુસાર સ્વયંવર રચવામાં આવે અને તેમાં દ્રૌપદી તેની ઇચ્છા પ્રમાણે શ્રેષ્ઠ ધનુર્ધરને વરમાળા પહેરાવી પોતાનો પતિ નિર્ધારિત કરે. દ્રુપદ તે અનુસાર બધા રાજાઓને આમંત્રિત કરે છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. પણ દ્રુપદ અને દ્રૌપદીને મૂંઝવણ થાય છે. દ્રુપદની મૂંઝવણ રાજાઓ વિષે છે તો દ્રૌપદીની મૂંઝવણ કંઇક આવી છે. તે કૃષ્ણ ને કહે છે કે સ્વયંવરના કારણે કદાચ દુર્યોધન કે અશ્વત્થામા જીતી જાય તો તેને હસ્તિનાપુર લઈ જાય તો ? કે જરાસંધ કસોટીમાં જીતે તો? હવે કૃષ્ણ આનો ઉત્તર કંઇક આ રીતે આપે છેઃ તમે મારામાં મુકેલી શ્રધ્ધાએ મને બળ આપ્યું હતું. પણ હવે તમારી અશ્રદ્ધા જોતાં લાગે છે કે હું નિષ્ફળ ગયો છું. તમને મારામાં શ્રદ્ધા નથી. જે લોકો શ્રદ્ધાનો ચમત્કાર જોઈ શકતા નથી કે શ્રદ્ધાનું સંગીત સાંભળી શકતા નથી તો હું કઈ રીતે ચમત્કાર કરી શકું ? કૃષ્ણ સમજાવે છે કે દ્રૌપદીનું પિતાના સન્માન માટેનું આત્મબલિદાન એ ધર્મ છે, પણ ધર્મ માત્ર અહંકાર કે દ્વેષનું સાધન ન હોય શકે. ધર્મ એ ભગવાનની ઈચ્છા છે – મંદિરમાં મૂર્તિરૂપે વસે એ ભગવાનની નહીં, પણ આપણા બધામાં પરમતત્ત્વ રૂપે વસે છે તે ભગવાન. અને કૃષ્ણ કહે કે આર્યાવર્તના રાજ્યોમાં ધર્મનું શાસન સ્થપાય તે તેમનું કાર્ય છે.

દ્રૌપદી પૂછે છે કે આ સમયે તેનો શો ધર્મ છે? કૃષ્ણ કહે છે કે શ્રધ્ધા સાથે સ્વયંવરમાં પ્રવેશ કરી આર્યાવર્તના શ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની બની તેણે ધર્મને અનુસરવું. તો તારા પિતાનો વિજય થશે અને દ્રોણનો પરાજય. કારણ કે રણક્ષેત્રમાંનો પરાજય જીવનને હણે છે, જ્યારે ધર્મક્ષેત્રમાંનો પરાજય અહંકાર , ક્રોધ અને દ્વેષને હણે છે. કૃષ્ણ તેને કહે છે કે તેણે કોઈ ભય વગર સ્વયંવરનો સામનો કરવો. કૃષ્ણ તેની પડખે જ છે. અને પરિણામે દ્રૌપદી અને દ્રુપદ ચિંતા મુક્ત બને છે.

દરમ્યાનમાં શિખંડી, યક્ષ સ્થૂલકર્ણની મુલાકાત કરાવી દ્રુપદને જણાવે છે કે લાક્ષાગૃહમાં દુર્યોધનના કાવતરાંના લીધે આગ લાગી હતી. જો દુર્યોધન ધનુર્વિદ્યાની કસોટી જીતી જશે તો રાજસભા સમક્ષ પાંડવોને બાળી મૂકવાનો આરોપ મૂકી તે
દરમ્યાનગીરી કરશે. દ્રુપદ કહે છે કે દુર્યોધન જેવા આતતાયીને પુત્રી વરે એ કરતાં તે ધર્મયુદ્ધમાં ઉતરશે. કૃષ્ણની મુલાકાતના લીધે જરાસંધ પણ દ્રૌપદીના અપહરણની યોજના રદ કરે છે.
પરંતુ …સ્વયંવરમાં શું થાય છે ?
સ્વયંવર મંડપ વચ્ચે એક જળાશય હતું. તેની ઉપર લક્ષ્ય ગોઠવવામાં આવ્યું હતું. તે હતું એક વર્તુળ આકારે ઘૂમતી માછલી. ધનુષ્ય વડે પાણીમાં પ્રતિબિંબ જોઈ તેને વીંધવાનું કાર્ય કરવા રાજસભા ઉપસ્થિત હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ અને બ્રાહ્મણો પણ હતા. એક પછી એક રાજાઓ નિષ્ફળ પ્રયત્ન કરે છે.
અને…
કૃષ્ણની દ્રષ્ટિ બ્રાહ્મણોના કક્ષમાં બેઠેલા પાંડવો પર સ્થિર થાય છે. તેમની આંખોમાં ચમક છે કેમ કે કૃષ્ણને હવે પૂર્ણ વિજય દેખાય છે. તે બલરામને આ કહે છે …ત્યાં તો દુર્યોધન દ્રૌપદીને વરવાના મનોરથ સાથે ધનુષની પણછ બાંધવા પ્રયત્ન કરે છે અને તેને સંભળાય છે ભીમનું અટ્ટહાસ્ય. તેનો આત્મવિશ્વાસ રહેતો નથી અને તે નિષ્ફળ જાય છે. કર્ણ પણ સારથિપુત્ર હોવાને લીધે તેને ધૃષ્ટદ્યુમ્ન ભાગ લેતો અટકાવે છે.
અને…
બ્રાહ્મણોના કક્ષમાંથી ઉભો થાય છે એક તરુણ. દ્રુપદ કહે છે સ્પર્ધા બ્રાહ્મણો માટે પણ ખુલ્લી છે.
હવે…
સમસ્ત સભા અધ્ધર શ્વાસે આ બ્રાહ્મણ તરુણને , તેની ચપળતાને , તેની કુશળતાને જોઈ રહી છે. દ્રૌપદી પણ આતુરતાથી આ વીરના પ્રયત્નને નીરખી રહી છે …દૃઢતાથી યુવક લક્ષ્યના પ્રતિબિંબને જોઈ તીર છોડે છે અને માછલીની આંખ વીંધાય છે.
…ઉત્તેજનાથી સભર આંખો વાળી દ્રૌપદી સલજ્જ વદને યુવકના કંઠમાં વરમાળા આરોપણ કરે છે…
એ છે અર્જુન.
કેટલાક રાજવીઓ શસ્ત્રો લઈ ઊભા થાય છે. રાજકન્યા બ્રાહ્મણને ન વરી શકે. સ્વયંવરમાં માત્ર ક્ષત્રિયો જ હોય .
…પણ ભીમ ભયંકર ગર્જના સાથે એક વૃક્ષ ઉખેડી નાખી બધાને રોકી દે છે .
સભાના હર્ષનાદ વચ્ચે..
કૃષ્ણ કહે છે : “કૌંતેય , તને મારા આશીર્વાદ છે.”
દ્રુપદને સત્ય સમજાય છે. દ્રૌપદીને વરનાર આર્યાવર્તનો શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન જ છે .
દ્રુપદ કહે છે..
વાસુદેવ તમે તમારો કોલ પાળ્યો ખરો .
અને પાંચાલરાજના ગાલ પર હર્ષના અશ્રુ વહી રહ્યાં…

દ્રૌપદીના સ્વયંવરનું આ શબ્દચિત્ર મહાભારતની એ ક્ષણોને સજીવ કરી દે છે. મુનશીનું આ શબ્દ આલેખન માણતા આપણે પણ કલ્પના સૃષ્ટિમાં સજીવ થઈએ છીએ ….આપણને પણ દેખાય છે વાસુદેવનું સ્મિત , એ સ્નેહાળ આંખો, એ ચાલાક છતાં મમતામય વ્યક્તિત્વ , ધર્મના સંસ્થાપન માટે ઝઝૂમતા કૃષ્ણ …આંખોની એ ચમત્કારીતા ..


‘કૃષ્ણાવતાર ‘ 3 માં દ્રૌપદીના સ્વયંવર અને કૃષ્ણનું અદભુત ચરિત્ર માણ્યા પછી આવે છે ભાગ 4માં ‘ભીમનું કથાનક’. દ્રૌપદીના સ્વયંવરના અનુસંધાનમાં મુનશીની કલમનો કસબ અહીં પણ જોવા મળે છે. પાંડવો દ્રુપદ પાસેથી હસ્તિનાપુર જવાની યોજના બનાવે છે કેમ કે પિતામહ તથા ધૃતરાષ્ટ્ર તેમનું સ્વાગત કરવા માગે છે. ભીમ દ્રુપદ સાથે તેની તૈયારી કરવા ચર્ચા કરે છે. તે દ્રુપદને કહે છે કે તમારા જમાઈઓ વિજેતાના ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં પ્રવેશે કે ધૃતરાષ્ટ્રના દીન , આધીન આશ્રિતો રૂપે? દ્રુપદ કહે છે કે તે જોઈએ તે હસતા મુખે આપશે . ભીમ ભાઈઓને આ વાત કરી સ્વાગત યાત્રાનો માર્ગ નક્કી કરે છે અને કહે છે કે તે મોખરે રહેશે અને કૃષ્ણ છેલ્લે જેથી લોકો તેને જ કૃષ્ણ સમજીને સ્વાગત કરે . કૃષ્ણ કહે છે કે ભીમ ડાહ્યો છે.

એ જ રીતે કાશીની રાજકુમારી અને દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન જાલંધરાના ભીમ સાથેના પ્રેમ પ્રકરણનું વર્ણન કરતાં મુનશીની રસાત્મક અને વિનોદી શૈલી જણાઈ આવે છે. કૃષ્ણ પણ અહીં વિનોદી પાત્ર તરીકે નજરે પડે છે. કૃષ્ણ અહીં વિનોદી વ્યક્તિત્વ તો છે જ પણ દુર્યોધનની પત્ની ભાનુમતીનો સંદેશ તેની બહેન દ્વારા મળતાં જ કૃષ્ણ દુર્યોધનની પરવા કર્યા વિના જ ભાનુમતીને મળવા જાય છે. પુત્રજન્મ બાદ બિમાર ભાનુમતી પોકાર કરે છે:” ગોવિંદ, તમે ક્યાં છો?” કૃષ્ણ ભાનુમતીનો હાથ આર્યપરંપરાથી વિપરીત, પરિણીત સ્ત્રીને સ્પર્શ ન કરવાની પ્રણાલિકા હોવા છતાં મરણોન્મુખ ભાનુમતીનો હાથ હાથમાં લઇ વચન આપે છે: “બહેન , હું હંમેશા તારી વહારે રહીશ”. ભાનુમતી દેહત્યાગ કરે છે. આપણી સજળ આંખોમાં પ્રસ્તુત થાય છે કૃષ્ણનું સ્નેહાળ , આર્દ્ર અને વાત્સલ્યમય સ્વરૂપ.

કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી, કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આ વાત્સલ્ય , આ પ્રેમ , આ સ્નેહ પ્રતીત થાય છે ‘કૃષ્ણાવતાર’માં. મહાભારતની પૃષ્ઠભૂમિ સાથે મુનશીની શબ્દયાત્રા આપણી પણ સ્નેહયાત્રા બને છે. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે … એ જ મોહિની …કૃષ્ણાવતાર…કૃષ્ણ એટલે જ મોહન… મનમોહન .

રીટા જાની

કલમનાકસબી: કનૈયાલાલ મુનશી- 47


કનૈયાલાલ મુનશીની રચનાઓ પર આધારિત આ લેખમાળા એક એવા પડાવે પહોંચી છે જ્યાં મુનશીની વિવિધ કૃતિઓના સાહિત્યરસનો આસ્વાદ આપણે માણી રહ્યા છીએ. પ્રસ્તુતિના પડઘમ પર આજે નાદ છે એવી કૃતિનો જે રસ જ નહી, પણ રસલ્હાણ છે, રસ ખાણ છે.

ભગવદ ગીતાના પ્રવકતા, બાળકોથી લઈને મોટાઓ સુધી સૌના હૃદયમાં જે વસ્યા છે, તે કૃષ્ણ આજના આધુનિક યુગમાં મેનેજમેંટના વર્ગોમાં અને કોર્પોરેટ દુનિયામાં પણ માનીતા છે. મુનશીએ ઘણું સાહિત્ય સર્જન કર્યું. અને જ્યારે આપણી લેખમાળા પણ અંત તરફ ગતિ કરી રહી છે ત્યારે મુનશીની અંતિમ કૃતિ “કૃષ્ણાવતાર” ની વાત કરવી છે. મુનશી કહે છે કે બાળપણથી જ કૃષ્ણ તેમની કલ્પનાસૃષ્ટિમાં મઢાઈ ગયા હતા. તેઓ નાના હતા ત્યારે તેમના પરાક્રમો સાંભળી દિંગ થઈ જતા. તેમના વિશેના કાવ્યો ને કથાઓ વાંચી, તેમના પદો ગાઈ કૃષ્ણનો સત્કાર કરતા. અનેક મંદિરોમાં પૂજા કરી જન્માષ્ટમીએ એમને અર્ઘ્ય આપતા. કૃષ્ણનો સંદેશ મુનશીના જીવનની પ્રબળ શક્તિ બની ગયો હતો. આથી મુનશીને કૃષ્ણના જીવન અને પરાક્રમની કથા રચવાની ઇચ્છા હતી. પણ આ કાર્ય તેમને અશક્ય લાગતું હતું. છતાં મુનશીએ પોતાની કલ્પના અને રચનાત્મક સર્જનશક્તિ વડે આઠ ખંડની ગ્રંથશ્રેણીની રચના કરી અને તેને ‘કૃષ્ણાવતાર’ નામ આપ્યું.

‘કૃષ્ણાવતાર’ ના પ્રથમ ખંડ “મોહક વાંસળી”માં શ્રીકૃષ્ણના બાળપણની વાતો છે. કૃષ્ણનું બાળપણ વાંસળી સાથે સંકળાયેલું છે. કૃષ્ણની વાંસળીની મોહિની અનેક કવિઓએ ગાઈ છે. આ વાંસળીએ માનવ હોય કે પશુ-પંખી, બધાં પર પોતાના કામણ કર્યા છે. કૃષ્ણની બાળલીલા, પરાક્રમો નાના બાળકો જ નહીં પણ મોટાઓનાં દિલ પણ હરી લે છે.

બીજો ખંડ ‘સમ્રાટનો પ્રકોપ’ માં મુખ્યત્વે મગધસમ્રાટ જરાસંધનો શ્રીકૃષ્ણ કઈ રીતે સફળ પ્રતિકાર કરે છે તેની વાત છે. આ ખંડ રુકમણી હરણ સાથે સમાપ્ત થાય છે.

ત્રીજો ખંડ છે – ‘ પાંચ પાંડવો ‘.
કૃષ્ણ અને પાંડવો એક સિક્કાની બે બાજુઓ છે. દ્વારિકાધીશ કૃષ્ણ હર હંમેશ પાંડવોના સખા , સાથી કે હિતચિંતક તરીકે આપણે જોયા છે. દ્રૌપદીના ચીરહરણના પ્રસંગે , મહાભારતના યુદ્ધ પ્રસંગે કે યુદ્ધ પૂરું થયા બાદ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર પ્રસંગે કૃષ્ણ પાંડવોની ઢાલ રહ્યા છે . પાર્થસારથી વિના પાર્થની કલ્પના અપૂર્ણ છે.

મુનશીના આલેખનને માણવા થોડી પશ્ચાદભૂ , જે આપણને તે સમયના આર્યાવર્ત કે ભારતની ઝલક આપે છે…
દ્રષ્ટિ સ્થિર થાય છે ઐતહાસિક આર્યાવર્તના યુગમાં…
આર્યો ભારતમાં આવ્યા પછી જુદા જુદા રાજાઓના સમૂહ તરીકે જુદાં જુદાં રાજ્યોમાં અસ્તિત્વમાં હતા. એક તરફ છે કુરુઓ … રાજધાની છે હસ્તિનાપુર…. મહારાજ શાંતનુના વંશમાં આજીવન અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા સાથે ભીષ્મ પિતામહ , અંધ રાજા ધૃતરાષ્ટ્ર , તેના પુત્રો એટલે કે કૌરવો અને પાંડુના પુત્રો એટલે કે પાંડવો … કૌરવોના માતા છે ગાંધારી અને પાંડવોના માતા છે કુંતા જે કૃષ્ણના પિતા વસુદેવના બહેન છે. પાંડુ શાપના કારણે મૃત્યુ પામે છે અને રાણી માદ્રી સતી થાય છે. પાંડવ પક્ષે માતા કુંતીના ત્રણ સંતાનો યુવરાજ યુધિષ્ઠિર , ભીમ , અર્જુન અને માદ્રીના પુત્રો સહદેવ અને નકુળ છે .

આર્યાવર્તની પશ્ચાદભૂમાં કૃષ્ણ…
કુરુઓના હરીફ તરીકે છે પાંચાલ નરેશ યજ્ઞસેન દ્રુપદ. દ્રુપદનું પાટનગર છે કાંપિલ્ય. દ્રુપદ હઠાગ્રહી છે અને પ્રબળ વેર વૃત્તિ ધરાવે છે દ્રોણ સામે. ગુરુના આશ્રમમાં બ્રાહ્મણ દ્રોણ અને રાજા દ્રુપદ મિત્રો છે અને દ્રુપદ દ્રોણને વચન આપે છે કે વિદ્યાભ્યાસ પૂરો થયા બાદ જે કંઈ શ્રી સંપત્તિ મળે તે બંને સરખે ભાગે વહેંચી લેશે. દ્રુપદ રાજા બને છે અને દ્રોણ તેને વચનની યાદ અપાવી અર્ધું રાજ્ય માગે છે. દ્રુપદ દ્રોણને તરછોડે છે અને દ્રોણ આ અપમાન બાદ કુરુઓના ગુરુપદે રહી કુરુ કુમારોને વિદ્યા શીખવે છે. તેનો પટ્ટશિષ્ય છે અર્જુન. અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરુ દ્રોણ ગુરુદક્ષિણા તરીકે અર્જુન પાસેથી દ્રુપદના અપમાનનો બદલો માગે છે. અર્જુન પાંચાલો પર હુમલો કરી દ્રુપદને બંદી બનાવી દ્રોણ સમક્ષ રજૂ કરે છે. દ્રોણ દ્રુપદ પાસે ક્ષમા મગાવે છે અને ગંગાની ઉત્તરે આવેલો પાંચાલોનો અડધો પ્રદેશ માગે છે. દ્રુપદ શરત સ્વીકારે છે પણ આ કડવી સ્મૃતિનો વેર અને વિષનો વારસો પોતાના સંતાનો ધૃષ્ટદ્યુમ્ન , સત્યજીત અને પુત્રી કૃષ્ણાને શૈશવથી જ આપે છે. પુત્રો વેર લેવા થનગને છે તો પુત્રી દ્રૌપદી નિશ્ચય કરે છે કે આર્યાવર્તમાં જે સૌથી પ્રતાપી હોય તેવા વીર સાથે લગ્ન કરવાં. વધતી ઉંમર વચ્ચે દ્રુપદની ચિંતા એ હતી કે હજુ આવો કોઈ પ્રતાપી વીર પ્રાપ્ય ન હતો તો બીજી તરફ જરાસંધ અને કુરુઓની વચ્ચે ભીંસાઈ ન જવાય તેની કાળજી રાખવી પણ પાંચાલ નરેશ માટે જરૂરી હતી .

આ ભૂમિકા સાથે દ્રુપદ, ઋષિ સાંદિપની સાથે કૃષ્ણને સંદેશ મોકલે છે અને કૃષ્ણ જ્યારે કાંપિલ્યમાં મહેમાન બને છે ત્યારે કહે છે કે કૃષ્ણએ કૃષ્ણા દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારવી .

પણ કૃષ્ણ ? તેમનું લક્ષ્ય કંઇક અલગ જ છે. તેમને સમાચાર મળે છે કે પાંડવો વારણાવતમાં લાક્ષાગૃહમાં આગ લાગવાથી મૃત્યુ પામ્યા છે. અને હસ્તિનાપુરની ગાદી પર હવે છે દુર્યોધન. આ પરિસ્થિતિમાં કૃષ્ણને દ્રુપદનો પ્રસ્તાવ મળે છે. કૃષ્ણ મિત્રતાનું વચન આપી કહે છે કે તે કૃષ્ણાને સ્વીકારી શકે તેમ નથી. વળી દ્રુપદ અને દ્રૌપદી બંનેનો હેતુ પ્રતાપી વીરને મેળવવાનો છે, જે કુરુઓ અને દ્રોણને હરાવી શકે. કૃષ્ણ આ માટે સહુથી પ્રતાપી વીરને શોધવા સ્વયંવર યોજવા કહે છે. જેના પરિણામે યોજાય છે દ્રૌપદીનો સ્વયંવર .

આ રીતે કૃષ્ણ દ્રુપદ અને દ્રૌપદીને સમજાવવામાં સફળ થાય છે. કૃષ્ણ અહીં સરળતાથી દ્રૌપદીને વરી શક્યા હોત, કારણ કે તે તો યાદવોના નેતા છે, દ્વારિકાધીશ છે, પરંતુ કૃષ્ણનું લક્ષ્ય કંઇક વિશેષ છે. કૃષ્ણનું લક્ષ્ય માત્ર યાદવોની સર્વોપરિતા સિદ્ધ કરવાનું નથી. કૃષ્ણ માત્ર નેતા નથી, તે છે યુગપુરુષ. યુગપુરુષ માત્ર અંગત લાભના મોહને ત્યજીને એક એવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સર્વનું કલ્યાણ હોય. કૃષ્ણને માત્ર યાદવોના હિતમાં રસ નથી, દ્રુપદ કે દ્રોણના વેરભાવમાં રસ નથી, કુરુઓ અને પાંચાલ નરેશની હરીફાઈમાં રસ નથી પણ આર્યાવર્તની મહત્તા અને એકતા સિદ્ધ કરી ધર્મની સંસ્થાપનામાં રસ છે. અહીં મુનશી કૃષ્ણના આંતરમનને પ્રસ્તુત કરે છે કે ધર્મ શું છે ?

કૃષ્ણનું આત્મનિરીક્ષણ…
કૃષ્ણનું મનોમંથન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે પોતે જેને માટે લડતા હતા તે ધર્મ ક્યો ?
શું વૃંદાવનમાં પોતાનું હ્રુદય જેને માનતા હતા તે રાધાને તજી દીધી એ ધર્મ હતો ?
શું મથુરામાં ત્રાસ ફેલાવનાર મામા કંસનો વધ એ ધર્મ હતો ?
શું જરાસંધ યાદવોનો વિનાશ કરી નાખે એ ડરથી મથુરાથી નાસી જવામાં ધર્મ હતો ?
શું જન્મથી માતાની અવહેલના પામી પુરૂષાર્થ વડે આગળ વધવા માગતા કર્ણના અવરોધ બનવામાં ધર્મ હતો ?

અને મનોમંથનના અંતે….
કૃષ્ણ પ્રગટ થાય છે, ધર્મની શ્રેષ્ઠ સમજ સાથે…
ધર્મની પ્રચલિત માન્યતાઓથી વિપરીત …
ધર્મ એ કેવળ આશા નથી, ક્રિયાકાંડ નથી, રોષ , લોભ કે ભયથી પ્રેરાઈને જે કંઈ થાય છે, એ પણ ધર્મ નથી. નિર્બળતાથી ઉપર ઊઠીને જાતને ઘડવાનો સંકલ્પ એ ધર્મ છે. અને એટલું જ બસ નથી. ધર્મ એ દર્શન , સંકલ્પ અને કર્તવ્ય છે.

ધર્મના તત્કાલીન દ્રશ્યોમાં …
ભીષ્મ અને દ્રોણનો ધર્મ, પાંડવોનો માતૃપ્રેમ અને ભ્રાતૃપ્રેમ અને વેદવ્યાસનો સ્નેહમય ધર્મ…પણ આ તો માત્ર પોતપોતાના ધર્મના આદર્શ રૂપો હતાં. ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ પ્રમાણે ધર્મની સીડીઓ હતી.
અને કૃષ્ણને પ્રતીત થાય છે …
સત્યમાંની આશા અને શ્રદ્ધા ટકાવી રાખવી એ ધર્મ છે…
…આપણને મુનશીનું કૌશલ્ય અનુભવાય છે… મહાભારતની સુવિદિત કથાના પરિપ્રેક્ષ્યમાં કૃષ્ણ ધર્મ શું છે તેની વિચારધારા સાથે પ્રગટ થાય છે પણ કથાકાર તરીકે નહી, પણ ચાલાક રાજનીતિજ્ઞ તરીકે , સર્વના કલ્યાણ માટે સ્નેહમય વિચારધારાના સ્વરૂપમાં અને પરિણામે યોજાય છે દ્રૌપદીનો સ્વયંવર.
સ્વયંવરમાં મળીશું આવતા અંકે…

રીટા જાની

કલમના કસબી: કનૈયાલાલ મુનશી- 46અર્વાચીન ગુજરાતી સાહિત્યના અતિ સમર્થ લેખક શ્રી. કનૈયાલાલ મુનશીની કલમનો કસબ આપણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં માણી રહ્યા છીએ. માત્ર કવિતા સિવાય સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે-નવલકથા, નાટક, નિબંધ, ચરિત્ર, આત્મકથા, સાહિત્યિક ઇતિહાસ…… એમણે મહત્વનું પ્રદાન કર્યું છે. ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એમણે ચિરંજીવ અને સીમાસ્તંભરૂપ પ્રદાન કર્યું છે. તેમની નવલકથાઓ નાટ્યતત્ત્વ અને નાટ્યાત્મક શૈલીથી રસસભર છે, તો તેમની પાસેથી સ્વભાવિક જ નાટકો મળે. મુનશીની પ્રતિભા એક સમર્થ
નાટયકાર તરીકેની પણ છે. નાટયકાર મુનશીએ સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક એમ ત્રણેય પ્રકારના નાટકો લખ્યાં છે. મુનશીના નાટકો ગુજરાતી નાટક અને રંગભૂમિના ક્ષેત્રે સીમાચિહ્નરૂપ છે. મુનશીએ બિનધંધાદારી ગુજરાતી નાટકમંડળીઓ માટે ઉત્કૃષ્ટ કૃતિઓ આપી રંગભૂમિ અને સાહિત્યિક નાટકો વચ્ચેના અંતરને ઓછું કર્યું. બોલાતી જીવંત ભાષાનો રણકાર મુનશીના નાટકોમાં સંભળાય છે.

મુનશીને રંગભૂમિ અને નાટકો પ્રત્યે બાળપણથી જ આકર્ષણ હતું. નાટકમંડળી જ્યારે ગામમાં આવે ત્યારે તેમના પિતા પોતાના ઘેર ઉતારતા. બાળમુનશી પર તેનો ઘણો પ્રભાવ પડતો. મુનશી જ્યારે કોલેજમાં હતા ત્યારે નાણાકીય ભીડમાં પણ નાટક જોવા માટે પૈસાનો બંદોબસ્ત કરી જ લેતા એવું તેમણે આત્મકથામાં નોંધ્યું છે. અને જ્યારે પત્ની ને પ્રેમિકા સાથે યુરોપ ગયા ત્યારે પણ તેમણે પાશ્ચાત્ય નાટકો જોયા. આમ તેમને નાટક પ્રતિ ઉત્કટ લગાવ હોવા છતાં નવલકથાની તુલનાએ નાટક ઓછાં લખ્યાં છે. ઐતિહાસિક નવલકથાના બેતાજ બાદશાહે કુલ પંદર નાટકોમાં ફક્ત એકજ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ આપ્યું છે. જ્યારે નાટકમાં એમને સામાજિક વિષયવસ્તુએ સફળતા અપાવી છે.

મુનશીનાં નાટકોમાં બિનજરૂરી લંબાણ નથી કારણ પહેલાં નાટકમાં ગીતોનો સમાવેશ થતો હતો. મુનશીના નાટકો સમય સાથે તાલ મિલાવતાં અને તત્કાલીન જનરૂચિને અનુકુળ હતાં. બાળપણથી જ રંગભૂમિના ચાહક હોવાથી ગુજરાતી ધંધાદારી રંગભૂમિની વિશેષતા અને મર્યાદાઓથી તેઓ વાકેફ હતા. ડૂમા, હ્યુગો, બર્નાર્ડ શો જેવા સર્જકોનો તેમના માનસ પર પ્રભાવ હતો. તેથી વ્યવસાયી રંગભૂમિનાં ઉત્તમ તત્વોનો અને પાશ્ર્ચાત્ય નાટ્યશૈલીનો સમન્વય સાધી તેમણે કલાત્મક સાહિત્યિક નાટકો આપ્યા.

મુનશીના સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં મુનશીએ શ્રીમંત વર્ગના દંભ અને અભિમાન હાસ્ય સ્વરૂપે દર્શાવ્યા છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ અને ‘બે ખરાબ જણ’ હાસ્યપ્રધાન અને વ્યંગપ્રધાન છે. ‘કાકાની શશી’ રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની હાંસી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’તેમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ.મધુરિકા’ સમાજમાં નારીના મુક્ત વિચારોના કારણે ઊભી થતી સમસ્યાઓની વાત છે. તો ‘છીએ તે જ ઠીક’ અને ‘વાહ રે વાહ !’ હાસ્યપ્રધાન છે.

‘કાકાની શશી’ એ ત્રિઅંકી પ્રહસન છે. આ નાટ્યકૃતિમાં મનુષ્યની વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના ઓઠા હેઠળ કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી લોકોની હાંસી કરાયેલી છે. નાટકનો અંત થોડો વિવાદાસ્પદ બનાવ્યો છે છતાં આ એક સફળ નાટ્યકૃતિ છે એટલું જ નહીં પણ નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની મહત્વની કડી છે.

આ ઉપરાંત ‘પુરંદર પરાજય’, ‘અવિભક્ત આત્મા’, ‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ જેવા આપણી સંસ્કૃતિના પાયાના પરિવેશને ઉજાગર કરતાં પૌરાણિક નાટકો પણ આપ્યા છે. સાથે આપણે લેખમાળાના ક્રમાંક-42માં જોયું એમ ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે. આ કૃતિઓને મુનશીએ ‘પૌરાણિક’ કહી છે. પરંતુ એ શબ્દશ: ‘પૌરાણિક’ નથી. કારણકે કેટલીકવાર પુરાણકાળ પહેલાંના વેદકાળમાં પણ તે વિસ્તરે છે.

‘તર્પણ’ અને ‘પુત્રસમોવડી’ બંને નાટક થોડે ઘણે અંશે મળતાં આવે છે. પિતાની માગણી અને હુકમ ખાતર કે પ્રભાવ હેઠળ સંતાનોનું બલિદાન છે. સ્વતંત્રતાનો મહિમા છે. ‘તર્પણ’માં સહસ્ત્રાર્જુને જમદગ્નિ માર્યા ત્યારથી તે સગર ગાદીએ બેઠાં ત્યાં સુધીની એક સતત વિપ્લવાત્મક વિગ્રહ ચાલી રહ્યો હતો એનો છેલ્લો પ્રસંગ આલેખાયો છે.


“અવિભક્ત આત્મા”ના અંતમાં અરુંધતી અને વસિષ્ઠના લગ્ન દ્વારા એમ કહેવું મુનશી એવું પ્રતિપાદિત કરે છે કે તપ અને પદ કરતાં સ્નેહનું મૂલ્ય વધારે છે. અરુંધતી સપ્તર્ષિ પદ પ્રાપ્ત કરવા તપ આદરે છે. એ જ અરુંધતી વસિષ્ઠને સપ્તર્ષિ પદ મળ્યા બાદ પોતાના હજાર શિષ્યોને ભૂલી જઇને એમની સાથે ચાલી નીકળે છે.

“પુત્રસમોવડી”ના કેન્દ્રમાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની છે. પુત્રતુલ્ય થવા મથતી દેવયાની શુક્રાચાર્યના પ્રભાવમાં જીવે છે. પ્રથમ પ્રેમી કચથી પિતાને ખાતર છૂટી પડે છે. યયાતિ સાથેના લગ્નમાં પણ ઇન્દ્રાસન પર વિજય મેળવવાની શરત મૂકે છે. દેવયાનીમાં તેજ છે પણ એ તેજ પ્રકાશ ફેલાવવાને બદલે અન્યોને દઝાડે છે. મુનશી નાટકોના પૌરાણિક પાત્રોમાં કાલ્પનિક બદલાવ લાવી એના તાર આજનાં સમય સાથે પણ જોડે છે.

શ્રી. વિનોદ અધ્વર્યુ ઐતિહાસિક નાટક ‘ધ્રુવસ્વામિનીદેવી’ના કથાનક વિષે કહે છે કે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત આ સમગ્ર કૃતિ મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે.

નાટકો અને અન્ય સાહિત્ય બંને લેખક કે નાટયકાર માટે અભિવ્યક્તિના પ્રકારો છે પરંતુ બંને વિચારશીલતા પ્રેરતા હોવા છતાં નાટક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાને કારણે તેનો સંદેશ વધુ સચોટ રીતે પહોંચે છે. જેમ નવલકથામાં મુનશી વિશિષ્ટ સ્થાન ધરાવે છે તે જ રીતે નાટકમાં પણ તે અજોડ છે તેમ લાગે છે.

રીટા જાની