૩૭ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આજે આપણે હથેળીમાં સમાઈ જતા નવી ટેક્નૉલોજિની દેન સમા મોબાઈલથી આખા વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ અને દેશ વિદેશ સુધી પ્રસરી શકીએ છીએ. થોડાક વર્ષો પહેલાં ક્યાં આ શક્ય હતું અને ત્યારે પણ અવિનાશ વ્યાસના ગીતો, ગરબા દેશ-વિદેશ સુધી પહોંચ્યા હતા. અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે નાનપણથી જ એમને ગાવાનો શોખ હતો. મુંબઈ એક એવું શહેર છે જ્યાં આગળ વધવાની અનન્ય તકો મળી રહે. અવિનાશ વ્યાસે પણ મુંબઈની નેશનલ ગ્રામોફોન કંપની સાથે એક ગીત રેકોર્ડ કર્યું. ત્યારપછી આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા માંડ્યા. અવિનાશ વ્યાસે મુંબઈમાં તેમના સૌ પ્રથમ નૃત્યરૂપક ‘જય સોમનાથ’નું સર્જન કર્યું. તેમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહમાં મેંદીના પાન (૧૯૪૭) દૂધગંગા, (૧૯૪૮) સથવારો(૧૯૫૨)વર્તુળ વગેરે મુખ્ય છે.

ક્યારેક અનાયાસે એવી કોઈ માહિતી મળે જેને દસ્તાવેજી પુરાવાની જેમ સાચવી રાખવાની હોય. કહે છે કે પૂજ્ય સંત શ્રી શાંત્વનદાસજી મહારાજને અવિનાશ વ્યાસે કેટલાક પત્રો લખેલા જેમાં એમની આંતરિક યાત્રાની સમૃદ્ધિ છે. એમાં એમણે જીવ અને સદાશીવ વચ્ચેનો સેતૂ સાધ્યો છે અને જયશંકર સુંદરીના પુત્ર ડૉ. દિનકર ભોજકે એનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં જુદા પ્રકારની છણાવટ કરવામાં આવી છે.

કહેવાય છે કે મા જગદંબા અને મા નર્મદા પર અવિનાશ વ્યાસની શ્રદ્ધા અખૂટ હતી. એનો ધ્વની આ એક પત્રમાં રજૂ થયો છે.

૧૧ /૭ / ૧૯૭૭નો પત્ર

પ્રેરણામૂર્તિ

ગુનેગાર  લખે એમ લખું છું, કેટલીકવાર દેનાર અને લેનાર એમ બંને દોષિત હોય છે. અત્યારે હું જે પુરેપુરો પ્રવૃત્તિમય બની રહ્યો છું એનો જશ જગદંબા કે મા નર્મદાને હોય પણ હવેલીના સાતમા માળે પહોંચવા જેમ સોપાનની જરૂર પડે એમ અને હવામાં ઉડવા એરક્રાફ્ટની જરૂર પડે એમ પરમેશ્વરીનું સાનિધ્ય સાધવા શાંત્વનજીની જરૂર પડે છે. એમનું માધ્યમ જ કારણ બની શકે . રામચંદ્રજીને નૈયાના નાવિકે કહ્યું ” હે રામ તમે તો ભવસાગર પાર કરાવનાર ભગંવત છો. હું તમને નદી પાર ઉતારું કે તમે મને ભવ પાર ઉતારો ? આ બધી મૂંઝવણ આ પ્રકારની છે. હું તો એક ઊંટ જેવો છું. ગમે ત્યાં ભવરણમાં ભટકું પણ  મ્હોં તો મારવાડ ભણી જ . મુંબઈ યાદ તો આવે જ. ગુંગળાઈ ગયો છું. અકળાઈ ગયો છું પણ ઘડપણને ભૂલવા પ્રવૃત્તિ જેવુ બીજું ઔષધ કયું હોઈ શકે . હવે જમીન પર ઉતરું? 

આગળ લખે છે કે——– 

આંખ અવાચક, જીભ આંધળી, કામ કોઈનું કોઈ કરે, આવ્યા સપના આંખ સંઘરે, ઓછું એ જીભથી નિસરે? આંખને જીભ નથી, આંખ અવાચક, બોલી શકતી નથી, જીભ આંધળી દેખી શકતી નથી, સપના આંખને આવે છે, ને વર્ણન કરે છે જીભ, કદાચ જો આંખ બોલી શકતી હોત તો કેવું સારું?  પ્રતીક્ષા પણ એક મનગમતી શિક્ષા છે. વિયોગ પછીનો સંયોગ એવો બીજો આનંદ કયો? 

કવિતા લખવાની એક મઝા છે , લખાતી કવિતાઓનું  એક સંગીત હોય છે જે કવિતાના શબ્દો કવિના કાલાઘેલા શબ્દોનું આસામી છે પરંતુ લખાઈ ગયા પછી કવિના શબ્દોમાં કાવ્ય પ્રગટે છે. એનું સંગીત કવિના લયમાં ખોવાઈ જાય છે પણ સાચા સંગીતકારને એ અનાયાસે જડી જાય છે.

આવા પુસ્તકો સમય જતાં દસ્તાવેજી પુરાવા બની રહે છે. આવો જ દસ્તાવેજી પુરાવા જેવો એક પત્ર શ્રી રજનીકુમાર પંડ્યાના સૌજન્યથી મળ્યો છે એ પ્રસ્તુત છે. આ પત્રમાં ‘દૂધગંગા’ પછી ‘સથવારો’ અંગે  અવિનાશ વ્યાસના ભીતરની વાત એમના શબ્દોમાં રજૂ થઈ છે.

પ્રસ્તુત છે અવિનાશ વ્યાસ લિખિત પત્ર..

“દૂધગંગા પછી મ્હારા નવનીત ગીત અને સંગીતકમનો ‘સથવારો’ લઈને દોડ્યો આવતો હતો, ત્યાં ઠેસ વાગી. યુરોપ જવાની ઉતાવળમાં, થોડાંક રહી ગયેલાં વધારે ગીત અને સ્વરદર્શનથી શણગારવો હતો એટલો ‘સથવારા’ને શણગારી શકાયો નથી. દૂધગંગાના પ્રકાશ પ્રસંગે ઝંખેલી “ઝંખના” પછી થોડાંક વર્ષોનો નાનકડો ગાળો ગુજરી ગયો. એ દરમ્યાન મારી ઝંખેલી ઝંખનાની ઝોળીમાં ઘણું પડ્યું છે અને ઘણું ઘણું નથી પડ્યું. મ્હારું મન કહે છે કે આછા પાતળા અંધકારમાંયે ગુજરાતને જરૂર કોઈ દિશા જડી છે.

ગુજરાત ગાવા માંડ્યું છે એવો ગર્વ આપણે નહીં અનુભવીએ તો યે ગુજરાત ગુંજવા માંડ્યુ છે એવો સંતોષ સર્વત્ર દેખાય છે ખરો. મણિપુરી, ભરતનાટ્યમ્ કથ્થક કે કથકલી, નોખી નોખી આ નૃત્યની નિશાળનું ગુજરાત નિષ્ણાત નહીં બન્યું હોય પણ જુદાં જુદાં ઝાંઝરનાં રણકારમાં કોનું કયું ઘરેણું છે, એનું પારખું ગુજરાતને જરૂર થતું જાય છે. કુંજનથી કલ્લોલતી કોયલ સરખી નવનીત કવિતાની કેડી ગુજરાતે લાધી છે.

પહોંચવા ધારેલું પેલું પૂર્ણવિરામ દૂર રહ્યું છે તો યે ગુજરાતને ગીત જડ્યું છે. આટલું ઓછું નથી, હોં.

છેલ્લી ઘડીયે / અવિનાશ વ્યાસ

તારીખ ૧૬ -૬- ૫૨

લંડન..

ગુજરાતને જડેલા આ ગીતોમાંથી બાર હજાર ગીતો તો માત્ર યુગપ્રવર્તક ગીતકાર-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસના છે. એમાનું એક ગીત આજે અહીં..

હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…

મેં તો લગામ દીધી હાથ હરિને,

હરિ ચાહે તો પાર ઉતારે..

દેવની ડેલી દૂર નથી, કઈ કરણી કરેલ કહી દે

ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈ દે

સતનામ જેવી કોઈ મૂડી નથી કે જે આવે હારે હારે….

હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૬ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,

પ્રાણ, પ્રકૃતિ, પરમતત્વ-પરમેશ્વર, પતિ-પત્ની, પ્રિયા-પ્રિયતમ…. જ્યાં જીવ છે, જ્યાં ચેતના છે અને જે ચેતનમય છે એવા દરેકને સૌ કવિઓએ, ગીતકારોએ પોતાના શબ્દોમાં વણ્યા છે, જાણે શબ્દો થકી સજાવ્યા છે પણ આ લાકડું? સજીવ સંબંધોને સૌએ સંગીતમાં સજાવ્યા છે ત્યારે એક સવાલ થાય કે જે ચેતનવંતુ છે એનામાં તો કદાચેય સંગીતનો સૂર સંભળાય પણ જે જડ છે એને શબ્દો થકી સજીવ કરી શકાય?

અવિનાશ વ્યાસે સાવ નિર્જીવ એવા પદાર્થને પણ એમના શબદથી શણગાર્યું છે. અહીં વાત છે લાકડાની એવા લાકડાની જે માનવ અસ્તિત્વના આદિથી એના અંત સુધી સતત એની સાથે જોડાયેલું છે અને તેમ છતાં ક્યારેય નોંધ સુદ્ધા આપણે નથી લેતા એવું આ લાકડું ક્યારેય કોઈનું લાડકું તો નથી જ બન્યું.

આજે આ આપણા જન્મથી માંડીને મરણ સુધીના સતત એવી સાથીદારને અવિનાશ વ્યાસે એમના શબ્દોમાં રજૂ કર્યા છે એની વાત કરવી છે.

માને ખોળે પડી આંખ ઉઘડી આંખ સામે જે ખડું,

પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું

આજના સમયની પેઢીને કદાચ આ ગીત, આ વાત જરા અસંગત લાગે કારણકે સમય બદલાયો એમ આપણી આસપાસનું વાતાવરણ, આસપાસની સગવડો બદલાઈ, સગવડો આપતા ઉપકરણો બદલાયા પણ જે સમયે આ ગીત લખાયું હશે ત્યારે આ લાકડું જાણે જીવનપર્યંતનું જોડીદાર હતું.

નવ મહિના માતાના ગર્ભમાં રહ્યા પછી બહારની દુનિયામાં માતાના ખોળા જેવી હૂંફ આપે એ લાકડાના ઘોડિયાના બે છેડાની જોડે બાંધેલા કપડાના ખોયામાં બાળક કેવું નિરાંત ભાવે ઉંઘતું હોય એ આપણી પેઢીએ તો જોયું છે અને એટલે જ અવિનાશ વ્યાસ એમના શબ્દોમાં એને શણગારે એ ઉચિત છે.

પેસિફાય.. એટલે જે શાંત કરે, સાંત્વન આપે એના પરથી આવ્યું પેસિફાયર…નાનકડું બાળક ભૂખ-તરસથી રડતું હોય ત્યારે એક પેસિફાયર કહો કે સકિંગ ટૉય એને આપે એ આજની પેઢીએ જોયું છે. સમય હતો ત્યારે બાળકને માતાની હાજરી ન હોય ત્યારે એની અવેજી-પ્રૉક્સિ તરીકે શાંત રાખવા આપવામાં આવે એ ધાવણી. ઘોડિયું હોય કે ધાવણી એ તત્ક્ષણ પુરતી માતાની ગરજ સારે અને એ બંનેય લાકડાના, કમાલની વાત છે ને? માતાના હાથની કુમાશ, એની ગોદની હૂંફની ખોટ પણ પૂરે આ લાકડું કે એના વહેતા અમૃતની ધારની અવેજીમાં પણ આ લાકડું બાળકને ઘડી-બેઘડી રાહત આપે.

બાળપણમાં ભુખના દુઃખે રડતું મનનું માંકડું,

ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું.

કોઈ નિર્જીવ, સંવેદનારહિત તત્વમાં પણ સંવેદનાઓને સાચવી લેવાની તાકાત છે ખરી અને આ તાકાતને શબ્દોમાં ઓળખાવી અવિનાશ વ્યાસે.

એ પછી આવે ઠેલણગાડી… માતા કે પિતા હાથ પકડીને ચાલતા શીખવે પણ હંમેશ એ પકડેલો હાથ સાથે ન હોય ત્યારે કામ આપે ઠેલણગાડી. કેટલા વિશ્વાસ સાથે આ ઠેલણગાડીના ટેકે બાળક ઊભું થતાં કે ડગ માંડતા શીખે છે અને ઠેલણગાડીના સહારે ઊભેલા કે આગળ વધતા બાળકને જોઈને મા-બાપ પણ નિશ્ચિંત !

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,

કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું……..

કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો, ચતુરપંખનું પાંદડું,

કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું……

ઓશિયાળા એંશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,

ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું……

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું

સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું…..

જન્મ કે મરણ, અવસર કે અનવસર, ટાણું કે કટાણું… દરેક સમયે આપણે ઈચ્છીએ આપણી પાસે કોઈને કોઈનો સાથ હોય પણ જ્યારે માણસ માણસની સાથે નથી રહી શકતો ત્યારે પણ આ લાકડું તો કોઈપણ સ્વરૂપે હાજર જ.

જીવનનો એક નવો અધ્યાય શરૂ થાય લગ્નથી ત્યાં પણ સૌ પહેલાં માણેકથંભ રોપાય. સપ્તપદીના ફેરા લેતાં જીવનભર સાથ નિભાવાના કોલ અપાય પણ એ કોલ આપનારનો સાથ છૂટી જાય ત્યારે ય ઘડપણની સાથી પણ લાકડી જેના સહારે લડખડતી કાયાને ટેકો મળી જાય. વળી અંતિમ પ્રયાણ સમયે પણ જે આપણો ભાર વહે છે એ નનામીય લાકડાની અને અંતે આ પાર્થિવ શરીરને પણ લાકડાની ચિતાનો જ સાથ.

ઘોડિયાથી માંડીને ઠેલણગાડી હોય કે માણેકસ્તંભ અરે! ઘડપણની સાથી લાકડીને આજ સુધી અનેક રંગ રૂપે, સરસ રીતે શણગારેલી જોઈ પણ આજ સુધી આટલી અને આવી રીતે શબ્દથી લાકડાને શણગારેલું ક્યાંય જોયું જાણ્યું નથી.

ગીતની પંક્તિના અંતે લાકડું સાથે આથડું, વાંકડું, માંકડું, પાંદડું, રાંકડું જેવા અત્યાંનુપ્રાસથી લય, તાલમેલ સચવાયો છે એ આ ગીતની ખૂબી છે.

એક સરસ વાત આજે વાંચી. સંગીત શું છે?

સંગીતમાંથી ‘ત’ દૂર થાય તો રહે ‘સંગી’. સંગી એટલે મિત્ર

સંગીતમાંથી ‘ગી’ દૂર થાય તો રહે સંત.

‘સ’ દૂર કરીએ તો રહે ‘ગીત’… સારા અને સંત એવા મિત્રનો સંગ છે તો જીવનમાં ગીતની વસંત છે. જીવનમાં સંગીત છે.

અવિનાશ વ્યાસે આ ગીતમાં આપણા જીવનમાં આદિથી અંત સુધીમાં અનેકવિધ સ્વરૂપે સંગી બનેલા, જીવનમાં કૂંપળ ફૂટ્યાની વેળાથી માંડીને જીવનની વસંત, પ્રખર તાપ, વર્ષા અને પાનખરના દરેક પડાવે મોજૂદ એવા એક નિર્જીવ તત્વના અસ્તિત્વને શબદના શણગાર થકી ઉજાગર કર્યું છે.

આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,

આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૫ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે એમના ભજનો એટલે શબ્દની આંખે અને સ્વરની પાંખે આતમને જગાડતા ભજનો.

એક સુગમ સંગીતના કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ માટે કહેવાયેલી વાત આજે યાદ આવે છે, “ માણસ જ્યારે ભીતરથી શાંત અને સભર હોય ને ત્યારે બહાર એ કોલાહલ , દેકારો , કે ખળભળાટ ઓછો કરશે..”

અવિનાશ વ્યાસ પણ કદાચ એટલે જ આટલા શાંત હતા કારણકે એ અંદરથી સભર હતા. અવિનાશ વ્યાસના ભજનોમાં આ બળ છે જે આપણને અંદરથી સભર અને શાંત કરે છે.

અંદર સભર હોવું એટલે અપેક્ષારહિત હોવું. જે અંદરથી સભર અને અપેક્ષારહિત છે એ સ્વકેંન્દ્રી ન રહેતાં સર્વકેન્દ્રી બની રહે. જેના મનમાં સર્વ માટેનો ભાવ છે એમના માટે પરજન પણ સ્વજન સમા.. એવો આપણે સીધો સાદો અર્થ કરીએ તો એ વાત પણ અવિનાશ વ્યાસ માટે કરી શકાય.

અવિનાશ વ્યાસ માત્ર ગીતકાર કે સંગીતકાર તરીકે નહીં, માનવી તરીકે કેવા હતા એની વાત કરતાં ગુજરાતી ફિલ્મોના સિનિયર ગીતકાર કેશવ રાઠોડે પોતાનો અનુભવ વર્ણવ્યો છે એ કહે છે કે, ‘એક ફિલ્મનાં ગીતો હું લખતો હતો. મારા પરિવારમાં એક નિધન થતાં મારે ત્યાં દોડવું પડયું. ફિલ્મનું એક ગીત અવિનાશભાઇએ રચીને રેકોર્ડ કરાવી લીધું. મહેનતાણાની વાત આવી ત્યારે એમણે પ્રોડયુસરને કહી દીધું કે કેશવ રાઠોડ આ ફિલ્મના ગીતકાર છે. મહેનતાણું એમને આપી દો…”

ક્યારે કોઈ આવું કહી કે કરી શકે ? મનમાં કશે પહોંચી જવાની કે કંઇક પામવાની લાલસા ન હોય કે કોઈ સ્પર્ધા કે અપેક્ષાના ભાવ ન હોય ત્યારે જ ને?

સ્વભાવની આવી સરળતા હોય ત્યારે જ ભગવાનનું નામ આસાનાથી હૈયે આવે. આજે અવિનાશ વ્યાસના એવા ગીતો જેને આપણે ભજનની કક્ષાએ મુકી શકીએ એવા ગીતોની વાત કરવી છે.

અવિનાશ વ્યાસના ભજનોમાં એવું બળ છે જે આપણને અંદરથી, અંતરથી શાંત અને સભર કરી દે. આગળ કહ્યું તેમ અન્યની જેમ અવિનાશ વ્યાસને ભજનિકોની કક્ષાએ મુકી શકાય કે કેમ એ એક સવાલ છે પરંતુ એમના ભજનો સાંભળીએ તો એ આપણો આત્મા જાગ્રત તો જરૂર થાય છે જ.

સામાન્ય રીતે ભજનો માટે એવું કહેવાય છે કે ભજનો કે ભગવાનનું નામ આત્માનો ઉદ્ધાર કરે એ પહેલાં આત્માને ઉદ્ધાર માટે સજ્જ કરે છે. અવિનાશ વ્યાસના ભજનો આપણા ભીતરના આત્માની ચેતના જાગ્રત કરતાં ભજનો છે. પણ જ્યારે આપણા ભીતરના ભેરુ જેવો આત્મા જ ખોવાયો હોય ત્યારે શુ?

આડી-અવળી ચાલી જતી ડગર પર કોઈ એક તો ભોમિયો છે જે આપણને આ ભવાટવીમાં ભૂલા નહીં પડવા દે  એવી નિશ્ચિંતતાથી ચાલ્યા જતા હોઈએ અને અચાનક એવું લાગે કે જેના ભરોસે આગળ વધી રહ્યા હતા એ જ મારગને ચીંધનારો ક્યાંક અટવાયો છે ત્યારે ? આપણા જીવનપથનો સાચો માર્ગદર્શક છે આપણો આત્મા પણ ક્યારેક મૂંઝાય કે અટવાય ત્યારે ?

ત્યારે અવિનાશ વ્યાસના આ શબ્દો યાદ આવે….…

“ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો …

આમ તો ઈશ્વરને કોણે જોયા છે? એ એક અદીઠ તત્વ અને તેમ છતાં આપણે એનામય થઈ શકીએ છીએ. એને જોતાં નથી તેમ છતાં એની હાજરી, એનું અસ્તિત્વ છે એમ સ્વીકારી શકીએ છીએ. એનું કારણ આપણી એના પરની શ્રદ્ધા પણ ક્યારેક એવું બને કે જાણે આપણી અંદરથી એક જાતનો ખાલીપો સર્જાય. આપણી ચેતામાં જાણે કોઈ શૂન્યાવકાશ સર્જયો હોય એવું લાગે. કોઈ સૂઝબૂઝ કામે ન લાગે એવી સ્થિતિમાં અવિનાશ વ્યાસના આ શબ્દો, આ રચના આપણા માટે જ લખાઈ હોય એવી અનુભૂતિ થાય.

એ કહે છે,

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

પા પા પગલી માંડતું બાળકને જેની આંગળી ઝાલીને ચાલતા શીખે ત્યારે એ અણસમજુ બાળકને પણ અંદરથી એક વિશ્વાસ હોય કે જે મારો હાથ ઝાલીને દોરે છે એ મને પડતા પહેલાં સાચવી લેશે. એવા જ અનન્ય વિશ્વાસ સાથે આપણે ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ છે. એ છે તો આપણી અંદરનું, આપણી આસપાસનું વિશ્વ સલામત છે પણ કોઈ એવી કાચી ક્ષણે ઈશ્વર પરની અપાર શ્રદ્ધા હોવા છતાં ક્યારેક આપણે ભીતરથી ડગમગી જતા હોઈએ એવી લાગણી થાય. અચાનક આપણે અનુભવીએ કે જાણે આપણા ભીતરી વિશ્વને, આપણા આત્માને ઈશ્વરની સાથે આપણને, જોડી રાખતો સેતુ તુટ્યો છે. દિશાસૂચક દિવાદાંડી ભલે દૂર છે પણ એ છે ત્યાં સુધી આપણે સાચી દિશાએ જઈ રહ્યા છીએ એવા વિશ્વાસ સાથે સફર આદરી હોય અને ઘેરા ધુમ્મસ આડે એ દિવાદાંડી જ ન દેખાય તો કેવી કપરી દશામાં આપણે ફંગોળાઈ ગયા હોય એવો ભય જાગે. એવી રીતે આ ભવસાગરની સફરમાં આત્માને ઉજાસ આપતી દીવાની શગ જેવી ઈશ્વર પરની શ્રદ્ધા આડે મનમાં અવઢવની જે આંધી ઉમટે અને ક્યારેક નિસહાયતા અનુભવાય. બ્રહ્માંડમાં સૌથી વધુ તાકાતવર ઈશ્વરીય શક્તિ પછીની શક્તિ છે આપણું મન , આપણો આત્મા. ઈશ્વર સાથે સૂર સાધતો આત્મારૂપી તાર-લય તૂટે અને આખી સૂરાવલી જાણે છૂટી જાય અને પ્રલય જેવી આંધી ઉમટી હોય એમાં સઘળું ડામાડોળ થઈ જાય.

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો…..

શક્ય છે આ ભાવ, આ અનુભૂતિ આપણા જીવનમાં પણ ક્યારેક સંભવી હોય ફક્ત એ વ્યક્ત કરવા માટે આપણી પાસે શબ્દો નહીં હોય જે અહીં અવિનાશ વ્યાસ પાસે છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૪-સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

સૂર, શબ્દ અને સંગીતને ક્યારેય સરહદરૂપી સીમાડા નડ્યા સાંભળ્યા છે? સંગીત તો એક એવી ઊર્જા છે જે તન, મનની ચેતનાઓને ઊર્જિત પણ કરે અને ઘેરા ભાવમાં પણ ખેંચી શકે. આ ગીત સંગીત તો સદીઓથી આપણા તન, મનની ચેતાઓને માત્ર જાગ્રત કરતાં આવ્યા છે એના કરતાંય જીવનના અનેક ગૂઢ સત્ય સમજાવતા ય આવ્યા છે..

અવિનાશ વ્યાસના આવ્યા પહેલાં ય ગુજરાતી ગીતો લખાતા અને ગવાતા આવતા જ હતા. જે સમયે ગીતો કોને કહેવાય એવી સમજ ઉગે એ પહેલાંથી આપણા પહેલાની ઘણી બધી પેઢી પણ આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો ય લલકારતી જ હતી ને?  પરંતુ અવિનાશ વ્યાસ આવ્યા અને એમણે નવા જ પ્રકારના ગીતો લખ્યા-સંગીતબદ્ધ કર્યા અને સાવ અનેકવિધ રચનાઓ આપી અને ગુજરાતી સંગીતનાના પર્યાય કહી શકાય એવા ગીતકાર-સંગીતકાર તરીકે ઓળખાયા.

જેવી એમની રચનાઓ અનોખી એવા વ્યક્તિ તરીકે પણ અનોખા.

કહેવાય છે કે અવિનાશ વ્યાસ એટલા તો મોકળા અને ઉદાર મનના હતા કે ક્યાંક એમની ટીકા થઈ છે એવું લાગવા છતાં કોઈની સાથેના એમના સંબંધમાં ઉણપ, ઓટ કે ખોટ આવી નહોતી. સુગમ સંગીતની વ્યક્તિ હોવા છતાં ફિલ્મના પ્રોડ્યૂસર કે દિગ્દર્શકને પણ ક્યારેય નિરાશ કર્યા નહોતા.

આજ સુધી ઘણીવાર એવું સાંભળ્યું છે જે અવિનાશ વ્યાસે ‘ રાખના રમકડાં’ની રચના કરી એ એક માત્ર રચના આપી હોત તો પણ એ અમર થઈ ગયા હોત.

પણ આ ‘રાખના રમકડાં’ એમના માટે લાખના પૂરવાર થયા એવું એમની વાતમાં પડઘાય છે. એ કહે છે કે “ આ ગીત તો મને ગીત તરીકે ગમે જ છે પણ આ ગીતે તો મારી પર જે ઉપકાર કર્યો છે એના લીધે પણ ગમે છે.” એમના કહેવા મુજબ એમનું આ ગીત એટલું તો લોકપ્રિય, લોકભોગ્ય બન્યું હતું કે ને ૧૯૪૯ની સાલમાં એટલે કે ૭૧ વર્ષ પહેલાં એમને આ ગીતે એમને રોકડા પચીસ હજાર રૂપિયા અપાવેલા એટલે એમના માટે રાખના રમકડાં લાખના રમકડાં નિવડ્યા એટલું જ નહીં ‘મંગળફેરા’ ફિલ્મમાં રજૂ થયેલા તેમના આ ગીતનું તો વિક્રમી વેચાણ થયું. એ.એમ.વી કંપનીએ તેમને દસ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રોકડા રૂપિયા એ જમાનામાં આપ્યા.

સૌને યાદ તો હશે જ એ ભજન..

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

આજે અચાનક આ ભજન કેમ યાદ આવ્યુ હશે? ખબર નહીં કેમ પણ ગમે એટલો પ્રયત્ન કર્યા પછી આજે આ ભજન મનને ઘેરી વળ્યું છે કદાચ આપણી આસપાસના ઉદ્વિગ્ન વાતાવરણની મન પર અસર થઈ જ જતી હશે એટલે?

ચારેકોર કોરોનાના વણદિઠ્યા અને તેમ છતાં આખા વિશ્વને ભરડામાં લેતા આતંકની મન પર છવાયેલી અસર હશે?   એવું જ હશે….

પણ અવિનાશ વ્યાસ કહેતા કે, “ સુખ કે દુઃખની પારાકાષ્ઠાથી પીડતી કોઈ એક વ્યક્તિનું કાળજું ચીરીને કોઈ ચીસનો ચિત્કાર બહાર નીકળી પડે, કોઈ અજંપાનો ઉજાગરો વેઠીને વેદનાની વાણી ઘાયલ થઈને ગાય ત્યારે જ ઍબ્સોલૂટ પોયેટ્રી (પૂર્ણ કાવ્યસૌંદર્ય)નો જન્મ થાય. બાકી બધા ફાંફા.”

હવે આપણને એ તો ખબર નથી કે સુખ-દુઃખની કઈ પારાકાષ્ઠાની અનુભૂતિ એમને થઈ હશે કે કેવા અજંપાની, વેદનાની ઘાયલ ક્ષણો એમના જીવનમાં આવી હશે ત્યારે આ ભજનનો આવિર્ભાવ થયો હશે? પણ આજે આ ક્ષણે એ વાત કેટલી તથ્યવાળી બની રહી છે એ સમજાય છે. આપણે પણ સહુ રાખના રમકડાં જ છીએ અને અહીં આ સંસારમાં છીએ એ પણ આપણા કારણે તો નથી જ. આ ઉપર બેઠેલા રામે આપણને જ્યાં સુધી રમતાં રાખ્યા છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ. એ પછીની ક્ષણે તો આ માનવદેહ પણ રાખનો ઢગલો જ ને? આપણી રમતો પણ એણે જ નિર્ધારેલી ને ? આપણે તો ખાલી અમથા જ એવા ભ્રમમાં રહ્યા કર્યા કે જે કંઈ છે એ આ સંસારમાં આપણે માંડેલી રમત છે.  જ્યારે એક સામટો, ઓચિંતો એ ભ્રમ ભાંગી ગયો કે આપણે તો માત્ર આ નિશ્ચિત કરેલો સમય પસાર કરી રહ્યા છીએ. નિશ્ચિત કરેલા જીવનપથ પરથી સાવ અજાણભાવે પસાર થઈ રહ્યા છીએ પણ કાળ તો એની પાંખો આમતેમ વીંઝતો ભમ્યા જ કરતો હોય છે. ભલેને એ કોઈપણ સ્વરૂપે કેમ ન હોય? આજે એ કોરોનાના સ્વરૂપે એની પાંખ વીંઝવા માંડ્યો છે ત્યારે એ કોને અને ક્યારે એની અડફેટમાં લઈ લેશે એની જ આપણને જરાય જાણ નથી હોતી પણ  એની ઝપટમાં જે આવે એ તો પળવારમાં રાખ…..એ વાત નિશ્ચિત.

આજે તો બસ આટલું જ……

Rajul Kaushik
http://www.rajul54.wordpress.co
m

૩૩ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આમ તો આજે થઈ ૨૪ ઓગસ્ટ…તારીખ વાર બદલાતા જાય એમ ઘરમાં કૅલેન્ડરના પાના પણ ફેરવાતા જાય અને આપણે એક નવા દિવસની શરૂઆત કરવા સજ્જ થઈએ. ગઈકાલ ભૂતકાળ બનીને સ્મરણરૂપે અંકિત થઈ જાય. આ સ્મરણો વહાલા હોય કે વસમા પણ બંને રીતે આપણા મન પર એની અંકિત થયેલી છાપ તો રહી જાય.

આવી આપણા મન પર અંકિત થયેલી યાદ ફરી એકવાર આ ૨૦ ઓગસ્ટના દિવસે સળવળી. ૨૦ ઓગસ્ટ એટલે ગુજરાતી સુગમ સંગીતને એક નવા આયામ સુધી લઈ જનાર અવિનાશ વ્યાસની પુણ્યતિથિ.

આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૫ની ૨૦મી ઓગસ્ટે સૌના લોકલાડીલા અને અતિ ખ્યાતનામ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસે લખેલા સાત ગરબાઓનું આલ્બમ “તાળીમાં કંકુ વેરાય”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આલ્બમના તમામ ગરબાઓ આશા ભોંસલેએ ગાયા છે. અવિનાશ વ્યાસ માટે આશા ભોંસલે જેવી અનેક પ્રખ્યાત વ્યક્તિઓ અત્યંત સન્માન ધરાવતા હતા એ વાત જાણીતી છે.

આટ-આટલા માન સન્માન પછી કોઈ વ્યક્તિ આપખુદ બનતી જાય. એનામાં આપખુદી આવતી જાય પરંતુ એવું લાગે છે અહીં વાત જરા જુદી છે. અવિનાશ વ્યાસની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અનન્ય હશે એવું એમની અનેક રચનાઓ પરથી અનુભવાય છે. જ્યારે જે મળ્યું એ ઈશ્વરની ઇચ્છાનુસાર છે, ઈશ્વરે નિર્ધારેલું છે માટે એ યથાયોગ્ય જ હોય એવી એમની સ્વીકૃતિ, એવી ભાવના એમના ભજનો કે ગીતોમાં વર્તાય છે.

એ કહે છે,

“મારા રામના રખવાળા ઓછા હોય નહીં,

એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહીં.

રામના રખવાળા પર જેને અપાર શ્રદ્ધા હોય, અગમનિગમની વાણી પર ભરોસો હોય, ઈશ્વરે આપેલી એંધાણીના અણસારા પારખવા જેટલી જાગૃતિ હોય એને વળી આવતીકાલની શું ચિંતા?

એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે

એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ

કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે

એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ  

ઈશ્વર પર જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, જેનામાં એના રામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણની ભાવના હોય એ જ ઈશ્વરે નિર્ધારેલા માર્ગ પર નિશ્ચિંત થઈને ચાલી શકે છે. મીરાંબાઈ પણ એમ જ જીવ્યા હતા…

રામ રાખે તેમ રહીએ ઓધવજી

આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી

આશરે ૧૫મી સદીમાં કહેલી મીરાંબાઈની વાત ઘણા વર્ષો પછી એવા જ ભાવ આપણા ગીતકાર અવિનાશ વ્યાસના શબ્દોમાં પડઘાય છે ત્યારે એમ થાય કે ફક્ત સમયનું જ અંતર છે બાકી આ બે પેઢીના ભાવોમાં અનેરું સામ્ય હતું.  રામ નામમાં રહેલી એમની શ્રદ્ધાએ એમને વિચારો, ભાવનાની એક સમાન સપાટીએ લાવીને મુક્યા હતા.

સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા

એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ .

મારા રામના રખવાળા ઓછા હોય નહીં…

રામ પરની અવિનાશ વ્યાસની શ્રદ્ધા અડોલ હોવા છતાં એ મનથી એકદમ તટસ્થ છે. દિલ અને દિમાગમાં વિચારોની સરવાણી જો અલગ રીતે વહેતી હોય તો વ્યક્ત કરવામાં એ એકદમ સ્પષ્ટ છે.

સદીઓથી આપણા આ પુરુષપ્રધાન સમાજમાં સઘળું પુરુષની દ્રષ્ટિએ તોળાય છે. પુરુષ જે કહે, જે કરે એ જ સત્ય એમ માનીને સ્વીકારી લેવાની માનસિકતા ત્યારે પણ હતી અને આજે પણ વધતા-ઓછા અંશે એમ અકબંધ છે ત્યારે અવિનાશ વ્યાસ કહે છે કે રામ ભલે ભગવાન તરીકે પૂજ્ય હશે  પણ એક પતિ તરીકે તો ઊણા ઉતર્યા છે અને એ વાત એમણે ડંકાની ચોટ પર કહી છે.

રામ …..

દયાના સાગર થઈને કૃપા રે નિધાન થઈને,

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાની તોલે ન આવો..

એક બાજુ એમ કહેવાય છે કે  ‘યત્ર નાર્યેસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા…જ્યાં નારીને પૂજનીય ગણવામાં આવે ત્યાં દેવતાનો વાસ હોય અને તેમ છતાં આ દેવ તરીકે પૂજાતા રામે સીતાનો ત્યાગ કર્યો? અને માટે જ ભલે …..

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ પણ

રામ તમે સીતાની તોલે તો ન જ આવો.

એક બાજુ જો પતિને પરમેશ્વર માનવામાં આવે છે તો જે પરમેશ્વર પત્નીના સતને પારખી ન શક્યા અને એક અદના આદમીની વાત માત્રથી જેણે ચૌદ વરસ એમની સાથે વનવાસ વેઠ્યો એવા સીતાની અગ્નિ પરીક્ષા લેવા તૈયાર થઈ ગયા એ યોગ્ય કહેવાય?

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ

પણ મારા રામ તમે સીતાની તોલે ન આવો.

વિચારોની ભિન્નતા હંમેશા રહેવાની જ. જેમને રામ તરફ માત્ર શ્રદ્ધા જ છે એ તો રામે કર્યું એ સાચુ એમ આજેય માને છે. થોડા દિવસ પછી વિજ્યાદશમી આવશે. ઠેર ઠેર રામનો જય જયકાર થશે અને રાવણના પૂતળા બળશે પણ એવી ભક્તિને , એવા ભક્તો માટે અવિનાશ વ્યાસ એક સવાલ કરે છે કે ભલે તમે રામને વિજયી કહેવડાવો. પણ શસ્ત્ર ઉપાડ્યા વગર માત્ર પોતાના સ્ત્રીત્વના બળે સીતાએ રાવણમાં રહેલા પુરુષને હંફાવ્યો, રાવણમાં રહેલા દૈત્યને જે રીતે હરાવ્યો એવા રાવણને માર્યો એમાં રામે કયું પરાક્રમ કર્યુ?

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.

રામને, રામમાં રહેલા દૈવત્યને ભજવું એ વાત સાચી પણ સાથે એમના સીતા સાથેના વ્યહવારથી મનને જે પીડા પહોંચી છે એને આવી નિર્ભિકતાથી વ્યકત અવિનાશ વ્યાસ જ કરી શકે.

ત્રાજવાનું પલ્લુ એકપણ તરફ ન નમે એવી તટસ્થતા રાખીને જે સારું છે એને સરસ કહેવું અને યોગ્ય હોય ત્યાં સત્યને ઉજાગર કરવું એ અવિનાશ વ્યાસે આપણને શીખવ્યું છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૨ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

સમય હશે ૨૦૧૩નો…ત્યારે અખબારમાં એક  સમાચાર પ્રગટ થયા હતા.

જાણીતા ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસની ૧૦૧મી જન્મજયંતી અને ૨૯મી પુણ્યતિથી નિમિત્તે ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટક અકાદમી અને શહેરની સંસ્થા ગાથા દ્વારા સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે અવિનાશી અવિનાશ કાર્યક્રમ યોજાયો હતો. રવિવારે રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં અવિનાશ વ્યાસના ગીતોની રજુઆત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે પુરૂષોત્તમ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “અવિનાશ વ્યાસે લખેલા ગીતો ફકત ગીતો જ નહી, પરંતુ તેમના જીવનની કહાની બયાઁ કરે છે. જેમાં તેમની અનેક રાતોના ઉજાગરા અને વર્ષોની મહેનત હતી. એમના શબ્દોના પ્રાસ અને લેખની એટલી મજબૂત કે જે વિષય પરનું ગીત હોય તેનો અનુભવ કરાવે જ !”

આજે આ વાત યાદ આવી કારણકે આજે થઈ ૧૭ ઑગસ્ટ. આજથી ત્રણ દિવસ પછી આવશે ૨૦ ઑગસ્ટ…… ૨૦ ઑગસ્ટ ૧૯૮૪નો એ દિવસ અવિનાશ વ્યાસની વિદાયને લઈને સુગમ સંગીત માટે, સુગમ સંગીતના ચાહકો માટે હંમેશ માટે ખાલીપો સર્જતો ગયો.

અવિનાશ વ્યાસ એવા એક ગીતકાર હતા જે હ્રદયની લાગણીઓને સહજતાથી શબ્દદેહ આપી શકતા. મા અંબાજીની પરમકૃપા એમની પર હતી . આ પરમકૃપાનો સાક્ષાત્કાર આપણે એમની રચનાઓમાં અનુભવી શક્યા છીએ. એક વાત તો સૌએ સ્વીકારવી રહી કે ગીત-સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે અને એ કૃપાથી અવિનાશ વ્યાસ સમૃદ્ધ હતા.

ક્યારેક વિચાર આવે કે કોઈપણ જીવ જે ક્ષણે જન્મ લે છે ત્યારથી જ એની અંત તરફની યાત્રા પણ શરૂ થઈ જ જતી હોય છે ફક્ત એનો વિચાર ભાગ્યેજ કોઈ કરે પરંતુ કદાચ કોઈને આવનારા મૃત્યુનો અણસાર આવી જાય તો એ શું વિચારે?

કવિઓ, લેખકો, ગીતકારો જીવન વિશે તો લખે સાથે મૃત્યુ વિશે પણ ઘણું લખે છે.

કહે છે કે મૃત્યુ જેની સમજમાં આવી જાય એના માટે જીવન મહોત્સવ બની જાય. જેનામાં નખશિખ માનવતા ભરી હોય એ મૃત્યુને મહોત્સવ બનાવી શકે. અવિનાશ વ્યાસની માનવતા વિશે અનેક વાતો છે જેની વાત ક્યારેક ભવિષ્યમાં કરીશુ પણ આજે એ માનવતાની મૂર્તિ સમા ગીતકારે જીવનને કેવા તટસ્થભાવે જોયું હશે અને મૃત્યુ વિશે શું વિચાર્યું હશે એ જાણવાની જીજ્ઞાસા થાય છે તો એના જવાબમાં આ ગીત યાદ આવ્યું…

હરિ તું ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ના જાણુ
ધરમ કરમના જોડ્યા બળદિયા ધીરજની લગામ તાણુ,

એક ધર્મ અને બીજું કર્મ એવા બે બળદને સહારે ચાલતું આ જીવનનું ગાડું ધીરજની લગામ થકી સુપેરે હાંકવા મથીએ પણ અંતે તો હરિ જે કરે એ જ સાચું એવી અપાર શ્રદ્ધા જેનામાં હોય એ સમજે છે કે આ જીવનમાં સુખ-દુઃખ તો દિવસ અને રાતની જેમ આવ્યા જ કરવાના પણ હરિ જેમ કહે એમ કરવું બાકીનું પરહરવું. શબ્દો થોડા જુદા પણ નરસિંહ મહેતા પણ એ જ કહી ગયાને, “ સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં..

અવિનાશ વ્યાસની વાતમાં કેટલી સાદગી છે, એ જીવનરથ નથી કહેતાં એ જીવનને ગાડું કહે છે. ન કોઈ ઠાઠમાઠ કે ઠઠેરો બસ સરળતાથી ચાલ્યા કરતું જીવન જે હરિને મંજૂર હોય એમ જીવવાનું.

“સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડુ ચાલ્યુ જાય
કદી ઉગે આશાનો સૂરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કઇ ક્યાં મારું ઠેકાણું, કાંઇ ના જાણું

એથી આગળ અવિનાશ વ્યાસ જે વાત કરે છે એમાં જીવનના ગહન સત્યને સાવ સરળતાથી વ્યક્ત થતું સમજાય છે. સૌ જાણે છે એમ ક્યારે અને ક્યાંથી આવ્યા અને ક્યારે ક્યાં જવાના એની કોઈનેય ક્યાં ખબર છે? આ શરીર આપણા આત્માને ધરી રાખતું, સાચવતું એક પીંજર છે એ ક્યારે ઘસાતું જશે કે જૂનું થશે એની આપણને જાણ નથી ત્યારે હરિ જ્યાં જેમ દોરે એમ દોરાવું

ક્યાંથી આવું ક્યા જવાનું ક્યાં મારે રહેવાનું,
અગમ-નિગમનો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું, કાંઇ ના જાણું

શરીરને પીંજરું કહેતા અવિનાશ વ્યાસની એક આ રચના મને સૌથી વધુ સ્પર્શી છે. હ્યદયને અડીને આજ સુધી રહી છે અને હંમેશા રહેશે.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠે દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે…

કેમ લખ્યું હશે આ ગીત?

બહુ બધીવાર વિચાર આવતો કે એવું તો એમણે શું જોયું હશે, અનુભવ્યું હશે કે અંદરથી આવો અજંપો ઉમટ્યો હશે? મનમાં કેવા ભાવ ઉમટ્યા હશે ત્યારે આ રચના કરી હશે? એ કોઈને સમજાવવા મથતા હશે કે પછી પોતાની જાત સાથેની વાત હશે?

હા જો ઢળતી ઉંમર હોય, તન થાક્યુ હોય, મનમાં જીવવાની જીજીવિષા ન રહી હોય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે ત્યારે એને નવા ક્લેવર ધારણ કરવાના, નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગતા હોય એ સમજી શકાય છે પણ ચારેકોર સુખની શૈયા હોય, સુંવાળું જીવન હોય એને ત્યજીને કોને આ અજાણી ભોમકાની વાટે જવાનું મન થયું હશે?

સોને મઢેલ બાજઠિયો ને રૂપે મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમોલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

કશું ન હોવાની વ્યથા હોય તો સમજાય પણ બધુ અભરેભર્યું હોય તેમ છતાં જીવન પરથી મન ઊઠી જાય ત્યારે કેવો અજંપો મનને સતાવતો હશે ?

અન્યની તો ખબર નથી પણ આજે થોડી હું અંગત થઈ રહી છું. સંથારો શબ્દ છે જેમાં વ્યક્તિ પોતાની આસપાસથી, આપ્તજનોથી માયા સંકેલવા માંડે ત્યારે એની જોડે રહેનારને આ પ્રશ્ન જરૂર થાય કે આટ-આટલી સુખ સાહ્યબી હોવા છતાં આ ઘર છોડીને અણદીઠે દેશ જાવાની તત્પરતા એનામાં કેમ આવી હશે?

આ રચના સાંભળું ત્યારે હંમેશા યાદ આવે છે મહાપ્રયાણની તૈયારી કરતી મારી મા…એને જોઈ છે. ત્યારે થતું કે આમ ભરપૂર જીવન જીવતી વ્યક્તિને અચાનક બધું છોડવા વિચાર કેમ આવતો હશે?

અથવા જેણે ભરપૂર જીવન જીવી લીધું છે એના મનમાં કોઈ ઇચ્છાઓ બાકી નહી રહેતી હોય એટલે આવી સાહજિકતાથી માયા સમેટી શકતી હશે?

મારી મા અને એની અલિપ્તતાને જોતી ત્યારે અવિનાશ વ્યાસની આ રચના યાદ તીવ્રતાથી યાદ આવતી અને આજે આ રચના સાંભળું છું ત્યારે એના શબ્દોમાં મને એમાં મારી મા અનુભવાય છે.

મહાપ્રયાણ કરવાની તૈયારી સાથે સમય પસાર કરતી વ્યક્તિની મનોવસ્થા જ્યારે આ રચનાના અંતિમ ચરણને સમજીએ ત્યારે સમજાય છે.

જન્મ ધરીને પીંજરે જીવ્યા હારોહાર
પણ જ્યાં સૂરજ માંડ્યો ડૂબવા ત્યાં તૂટ્યો તંબૂરાનો તાર

અધૂરું ભજન સંગાથી ઉમળકો ભાગે
પંખી વાણી ઓચરે આખર જવું એક દાહડે
આ નથી નિજનું ખોળીયું આ તો મકાન રાખ્યું ભાડે
પોઢવાને કાજે પાગલ સારી રાત જાગે

બહુએ સમજાયું તોયે પંખી નવુ પીંજરું માંગે……

જેની હારોહાર જીવ્યા હોય એવી વ્યક્તિ વગર ભરી ભરી આ દુનિયામાં ખાલીપો સર્જાય, સઘળું વ્યર્થ થઈ જાય ને ત્યારે ભલેને પીંજરું સોનાનું હોય પણ એના પરથી મોહ છૂટી જાય.

આ લખી રહી છું ત્યારે ફરી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે કહેલા આ શબ્દો આજે યાદ આવે છે અને એનું સત્ય સમજાય છે કે અવિનાશ વ્યાસની રચનાઓ જે વિષયને અનુલક્ષીને લખાઈ હોય એનો સીધો જ અનુભવ આપણને પણ થાય છે.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૧ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

શ્રાવણના આ દિવસોમાં આમ તો ચારેકોર ઉત્સવ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાવા માંડે. શક્ય હોય ત્યાં મંદિરોમાં અથવા સૌ પોત-પોતાના ઘરમાં જ કૃષ્ણને આવકારવા ગોકુળિયું સજાવવા માંડશે. કૃષ્ણ તો સૌનો પ્રિય, સૌનો લાડકો દેવ. એને તો દેવ કહેવો, મિત્ર કહેવો કે ગુરુ કહેવો એ તો સૌ સૌની ભાવના પર આધારિત છે કારણકે કૃષ્ણ તો હર સ્વરૂપે હર કોઈને પોતાનો જ લાગે.

રાધા, મીરાં, ગોપી એ સૌએ તો એને અનન્ય ભાવે નિહાળ્યો છે પણ આપણા જેવા સૌને પણ એનું અજબ જેવું આકર્ષણ તો રહ્યું જ છે એવા કૃષ્ણ તો કવિ, લેખકો અને ગીતકારોના પણ અતિ પ્રિય. આજ સુધીમાં સદીઓથી એના માટે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે ત્યારે અવિનાશ વ્યાસે એના માટે શું લખ્યું હશે એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે.

અવિનાશ વ્યાસની રચનાઓની વાત આવે ત્યારે એમની સાથે આપોઆપ શબ્દ, સૂર અને સંગીતનો તાલમેલ જોડાઈ જાય.

મોટાભાગે સંગીત શબ્દ ગાયન કે વાદનના અર્થમાં જ લેવાય છે પરંતુ કહેવાય છે કે ખરેખર તો સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. વિશ્વની મોટાભાગની કળા એવી છે જેમાં એકવાર સર્જન થઈ જાય પછી કળાકાર અને કૃતિ બંને ભિન્ન અસ્તિત્વ બની રહે. ચિત્ર, શિલ્પ કે ગીતને પણ આ કક્ષાએ મુકી શકાય.  ચિત્રથી ચિત્રકાર, શિલ્પથી શિલ્પકાર, ગીતથી ગીતકાર કે કથા લખાયા પછી કથાકાર બંને ભિન્ન અસ્તિત્વ અર્થાત સર્જન જ્યાં પહોંચે ત્યાં સુધી એનો સર્જક નથી પહોંચતો જ્યારે નૃત્ય એક એવી કળા છે જ્યાં કલા છે ત્યાં જ કલાકાર છે. એ બંનેનું અસ્તિત્વ અભિન્ન અને આવા અભિન્ન અસ્તિત્વ એવા નૃત્યની વાત આવે ત્યારે અચૂક કૃષ્ણ અને એની રાસલીલા યાદ આવે.

‘રાસ દુલારી’-

અવિનાશ વ્યાસની આ એવી અનોખી ભેટ છે જે શબ્દ, સૂર અને સંગીતના સમન્વયથી સંકળાયેલી છે. કૃષ્ણનું નટખટ બાળપણ, ગોપીઓ સાથેની અટખેલીઓ, રાધા સાથેના અલૌકિક પ્રેમની સરવાણીને એટલી તો સરસ રીતે સાંકળી છે કે એ એમની અમર કૃતિ બની રહી છે.

રાસ દુલારી શરૂ થાય છે જ કાનુડાના મસ્તીભર્યા અસ્તિત્વના એંધાણથી…

વૃંદાવનનો શામળો, ઓઢીને કાળો કામળો

ધૂમ મચાવે વૃંદાવનમાં ….

આટલા શબ્દો જ એ મસ્તીખોર નંદકિશોરની હાજરીનો અનુભવ કરાવવા પર્યાપ્ત છે. માત્ર આ થોડા જ શબ્દોમાં અવિનાશ વ્યાસે કૃષ્ણની બાળપણની જે છબી સૌના મનમાં છે એ નજર તાદ્રશ્ય કરી દીધી છે.

આ ગીત લખાયું એની પણ એક મઝાની વાત છે. અમદાવાદની અર્ચન નૃત્ય અકૅડમિ અવિનાશ વ્યાસ કૃત રાસ દુલારી ભજવવાની હતી. પ્રેક્ટિસ ચાલતી હતી ત્યારે સ્ટેજ પર કૃષ્ણનો પ્રવેશ કેવી રીતે કરાવવો એની મીઠી મૂંઝવણ ચાલતી હતી અને બસ પળવારમાં અવિનાશ વ્યાસે આ ગીતની રચના ફોન પર લખાવી.

આટલી ત્વરાથી ગીતની રચના કરી શકે એ ગીતકારની કેવી અદ્ભૂત અંતઃસ્ફૂર્ણા!

મોરનું પીંછુ માથે, ગોવાળિયાની ટોળી સાથે

આવે કાળુડો કાન, માંગે ગોપીઓથી દાન,

મારે ગોપીને કાંકરિયા માથે…..

અને ગોપીઓનો ભાવ અવિનાશ વ્યાસના મનમા  જાગ્યો હોય એમ એ લખે છે,

સારા જગને દેનાર, મુજથી રે શું લેનાર,

તારી જુગતી ન જાયે કળી, હું તો મહી વેચવા નીકળી..”

વાત તો સાચી છે, જે સમસ્ત જગતને દેનાર છે એને તો વળી કોઈની પાસેથી શું માંગવાનું હોય? તેમ છતાં એ કોઈનીય પાસે કંઈપણ માંગે ત્યારે રાધાય અકળાય. એની અકળામણમાં કૃષ્ણ માત્ર એનો જ છે એવી  સ્ત્રી સહજ આધિપત્યની ભાવનાનો રણકો સંભળાય.

અવિનાશ વ્યાસ ક્યારેક કૃષ્ણ, ક્યારેક રાધા તો ક્યારેક ગોપીના ભાવ અત્યંત સહજતાથી નિરૂપે છે. અહીં એમના શબ્દોમાં રાધાના ભાવ વ્યક્ત થાય છે …

“આવું ન થાય શ્યામ મોરા, તું તો મારા મનનો ચોર, તુંથી માખણ ન ચોરાય,

ગોપ ગોપીની ટોળી જોડે, મારે કાંકરિયાને મટકી ફોડે, મુજથી ના સુણાય….

કૃષ્ણ પાસે તો સૌની ફરિયાદના ઉત્તર. એ રાધાનું મન પારખતા કહે છે,

કોઈ મન ચોરે, કોઈ તન ચોરે, કોઈ ધન ચોરે આ જગમાં

હું તો કેવળ માખણ ચોરુ ને વસુ તારી રગરગમાં….

કૃષ્ણ તો સૌને એક અલગ ઓળખ સાથે મળ્યા છે. સૌએ એને પોતાની રીતે પામ્યાનો આનંદ છે.

પછી તો કાનાની આ સતામણીની ફરિયાદ પહોંચે જશોદાના દરબારમાં…

‘સુણજો જશોદા મૈયા, મારે કાંકરિયા, ફોડે ગાગરિયા

મારે ઘેર વર કે સાસુ નણંદિયા, આવા કોઈના હશો નહીં છૈયા…”

આગળ કહ્યું એમ સંગીત એટલે ગાયન, વાદન અને નૃત્યનો સમન્વય. સ્ટેજ પર ભજવાતી ‘રાસ દુલારી’ નૃત્યનાટિકા જેણે જોઈ છે એ સૌએ આ ત્રણનો અદ્ભૂત સમન્વય અનુભવ્યો છે.

કૃષ્ણની માખણ ચોરીને ખાવાની વાત કેટલીય વાર આપણે સાંભળી છે ત્યારે અવિનાશ વ્યાસ એ પ્રસંગને કેવી રીતે વર્ણવ્યો છે એ જોઈએ.

આમ ભાળી તેમ ભાળી, હળવે હળવે પગલે ચાલી

કાનુડો માખણ ચોરે હે..

ખાતા ખાતા મ્હો બગાડી,ઊંચા વાસણ નીચે પછાડી

કાનુડો માખણ ચોરે હે…

પ્રસ્તુત થાય ત્યારે તો કોની પ્રસંશા કરવી ? ગાયનની, વાદનની કે નૃત્યની એવી સમગ્ર પેક્ષકોની અનુભૂતિ હતી. વર્તમાન ટેક્નોલૉજિના સમયમાં વર્ષો નહીં સદીઓ પહેલાંની વાતો કે વ્યક્તિની માહિતી ગુગલ અને અન્ય સર્ચ એન્જીન પરથી મળી જાય છે પરંતુ સ્વાનુભવની વાત કંઈક અનોખી છે એટલે આજે અહીં એ વાત લખવાનું મન થયું. એ સમયે ત્યાં એક આખો માહોલ સર્જાયો હતો અને એમાં સૌ રસતરબોળ હતા. એક જાતના ટ્રાંસમાં હોઈએ એવી લાગણી હતી. કૃષ્ણથી કોણ અભિભૂત નથી?

અવિનાશ વ્યાસ માટે એવું કહેવાયું છે કે,

”ગામમાં ઘર હોય ને ત્યાં એના નાનકડા ખોરડામાં ય લીંપણ તો હોય જ…કવિના શબ્દો આ લીંપણ છે તો એની પર ઓકળીઓ બીછાવવાનું કામ સંગીતકાર કરે છે. અવિનાશ વ્યાસે તો ગુજરાતી ભાષાના ગીતો રચીને એને સંગીતે મઢીને આ લીંપણ અને ઓકળીઓ એમ બંનેથી ગુજરાતના ખોરડાને શોભાવ્યું છે.”

બાકી એમ જ કંઈ સ્ટેજ પર ગોકુળિયું સર્જાય છે?

અને પછી તો જશોદા સુધી પહોંચેલી ફરિયાદોનો સૂર પકડીને જશોદાનો અમથો અમથો ગુસ્સો, દેખાવ ખાતર કરેલી લાલ આંખ, હાથમાં આવે એ દોરડાથી ખાંડણિયા સાથે કાનુડાને બાંધવું, કાનુડાનો સ્વ બચાવ એમ એક પછી એક બનતા બનાવને સાંકળીને અવિનાશ વ્યાસે લગભગ બારેક જેટલા ગીતોથી રાસ દુલારી નૃત્યનાટિકા રચી છે જેમાં રાધાનો કૃષ્ણ માટેનો રાગ અને રાવ એમ બંને પણ અત્યંત ભાવવાહી રીતે વ્યકત થયા છે.

 -કેમ રે વિસારી ઓ વનના વિહારી,

 તારી રાધા દુલારીને કેમ રે વિસારી…

-નહીં જાઉં, જમના ઘાટ, મુરલી મને નથ ગમતી,

 દિન રજનીભર શ્યામસુંદરના અધર પર એ રમતી

 મુરલી મને નથ ગમતી,

આ ગીત માટે સાંભળેલી એક વાતનો અત્રે ઉલ્લેખ કરવાનું મન થાય છે. ‘રાસ દુલારી’ સ્ટેજ શો માટેના ગીતોનું રેકોર્ડિંગ અમદાવાદના સ્ટુડિયોમાં થયું હતું. મુંબઈમાં જાણીતા ઉદઘોષક શ્રી સુહાગ દિવાનનો ડબિંગ અને એડિટીંગ સ્ટુડિયો હતો. જ્યારે આ રેકોર્ડિંગ એડિટિંગ માટે મુંબઈ મોકલવામાં આવ્યું ત્યારે એમને ‘કેમ રે વિસારી; ગીત એટલું ગમ્યું કે એને ગુજરાતી ફિલ્મમાં લેવામાં આવ્યું. ‘રાસ દુલારી’ માટે હર્ષિદાબેન રાવલે ગાયેલું ફિલ્મમાં આશા ભોંસલે દ્વારા ગવાયું.

અહીં વાત આટલી જ છે કે કોઇપણ ગીતકાર પાસે એક અપેક્ષા તો ચોક્કસ જ હોય કે એમના શબ્દો ભાવ સમસ્ત સુધી પહોંચે…. આપણી અપેક્ષાઓ અવિનાશ વ્યાસની તમામ રચનાઓ થકી  સાચા અર્થમાં પૂર્ણ થઈ છે. જો કે આ તો રાસ દુલારીની ઝલક માત્ર છે. થોડામાં ઝાઝુ સમાવાની વાત છે બાકી અવિનાશ વ્યાસની યાદ અનંત છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ને કે ગાય તેનાં ગીત……કેવી સરસ વાત! જે લખે તેનાં તો એ ગીતો હોય જ પણ જે ગાય એને પણ સાવ પોતાના લાગે એવા ગીતો કેવા સરળ શબ્દોમાં લખાયા હશે ત્યારે એને સૌ અપનાવી શક્યા હશે?   

અવિનાશ વ્યાસના ગીતો આજ સુધી ગવાતા આવ્યા છે અને હંમેશા ગવાતા આવવાના છે કારણકે એ એવા સહજ અને સરળ શબ્દોમાં લખાયા છે.

દરેક વાચક, શ્રોતાઓનો અલગ અલગ વર્ગ હોય. ક્યાંક કોઈ આધ્યાત્મિક, કોઈ ધાર્મિક તો કોઈ માર્મિક તો કોઈ સામાજિક-પારિવારિક.  ત્યારે એવું બને કે એ દરેક ચાહકોને પણ કોઈ નિશ્ચિત લેખક, કવિ, ગીતકારને વાંચવા-સાંભળવા વધુ ગમે. કોઈએક તરફ એમનો ઝોક વધુ હોઈ શકે પરંતુ અવિનાશ વ્યાસ માટે એક સત્ય એવું જોયું છે કે એમની રચનાઓ પ્રત્યેક વાચકોને-શ્રોતાઓને સ્પર્શે છે કારણકે એમની રચનાઓમાં પ્રત્યેકના મન-હ્રદયને સ્પર્શે એવું વૈવિધ્ય છે.

એમણે એમની રચનામાં સંબંધોને સાચવ્યા, તહેવારોને ઉજવ્યા છે અને જ્યારે આ બંનેની વાત કરીએ ત્યારે એ આપણને સીધા જ શ્રાવણમાસની સાથે સાંકળી લે.

શ્રાવણ મહિનો સૌનો લાડકો મહિનો. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક કે સામાજિક પ્રસંગોથી સૌથી એ વધુ સમૃદ્ધ જણાશે. આવા આ  સમૃદ્ધ શ્રાવણને અવિનાશ વ્યાસે એવી અનેક રચનાઓથી જાણે વધુ સમૃદ્ધ કર્યો છે. શ્રાવણ આવે એટલે તો સૌ પહેલાં યાદ આવે સંસારના સૌથી વહાલા સંબંધની. કાચા સૂતરના તાંતણે બંધાયેલો સૌથી વધુ સ્નેહાળ સંબંધ- ભાઈ-બહેનનો.

અવિનાશ વ્યાસની આ એક રચનામાં એનો મહિમા ગવાયો છે. કેવો સરસ યોગાનુયોગ ! આજે રક્ષાબંધન અને આ વહાલસોયા અવસરે એમની આ રચના યાદ આવ્યા વગર રહે?  

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર

આ લાલ-પીળો દોરો

સમસ્ત વિશ્વની બહેના હ્રદયના ભાવ અવિનાશ વ્યાસના આ ગીતમાં ઠલવાયા છે.


એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ

દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો…

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડોપાર
, થઇ રક્ષાબંધન અમરતાર ,

વરસે બહેનીને દ્વાર દ્વાર ,

બહેનની ભાવના પણ કેટલી ઉદાત્ત? ભલેને એનો ભાઈ વિશ્વના કોઈપણ ખૂણે કેમ ન હોય, સમસ્ત સંસાર સાથે વહેંચાયેલો કેમ ન હોય પણ એના હ્રદયમાં તો ભાઈ માટે સદાય સ્નેહની સરવાણી જ….એના મનમાં માતાના સ્નેહના ભાગીદાર ભાઈની કે એના પ્રેમમાં ભાગ પડાવનાર ભાભીનીય ઇર્ષ્યા નથી. ભલેને ભાઈ સૌનો થઈને રહેતો પણ બંનેના હ્રદયનો એક ખૂણો તો હંમેશા એકબીજાના મંગળ માટે ધબક્યા કરવાનો છે એવો વિશ્વાસ છે. બહેનના ભાવને અવિનાશ વ્યાસે કેટલી સહજતાથી રજૂ કર્યા છે?

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો

આ થઈ સંસારના સંબંધની વાત પણ સૃષ્ટિના સર્જનહાર-ઈશ્વરનો મહિમા પણ એમણે સરળતાથી ગાયો છે.

અવિનાશ વ્યાસ માટે એવું સાંભળ્યું છે કે,  “એમના ભજનો ઘીના ઉજાસ જેવા – આંખોને ચકાચોંધ કરી મુકે એવી ઝળહળા  રોશની જરાતરા સમય માટે કદાચ ગમે ય ખરી પણ એ ઉજાસ સહી લેવા માટે આંખ આડે નેજવું ય કરવું તો પડે જ જ્યારે તિર્થધામમાં મુકેલો ઘીનો એ નાનકડો દિવો તો તિર્થના પરિસરમાં પ્રવેશતાં ય બહાર સુધી એનો ઉજાસ રેલાવતો હોય ને? એનો ઉજાસ તો પાછો આંખને અજવાળે અને આત્માને ય અજવાળે. એમ આત્માને અજવાળે એવા એમના ભજનો છે.

પણ આ ભજનો એટલે શું? ભજનો એટલે ભગવાનનું નામ? જે આત્માનો ઉધ્ધાર કરે કે ન કરે પણ આત્માના ઉધ્ધાર માટે સજ્જ કરે ને એ ભજનો…આત્માની ચેતના જાગ્રત કરે એ ભજનો…..જ્યારે આંતર ચેતના જાગ્રત થાય ત્યારે આપોઆપ મન બોલી ઉઠે… જ્યારે મન સંસારની માયામાંથી પરહરીને હરીને યાદ કરે ત્યારે અંતરના ઊંડાણથી અલખના નામની અહાલેક ઊઠે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….    

હરીના એ નામની એ અલખના એ ધામની

ભૂલો રે પડ્યો એ હંસો

આંગણે ઊડીને આવ્યો

તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી

કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી

હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ….

હવે જેમ મીરાંને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે ? આવી મનોસ્થિતિમાં અવિનાશ વ્યાસ કહે છે …

બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર…

મૂળે એ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.

ગાયા કંઇયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઇ જાશે ભવની પાર રે,
થઇ ભવભવનો સથવાર

આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય એવી રીતે આપણા જીવનમાં સમતા, રહેમ, ઘમંડથી મુક્તિ, હ્રદય મનની મૃદુતા-માર્દવતા, નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારી વૃત્તિ, આંતરિક ચેતાનું ધન અને નિર્બળતા પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી

પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય. અવિનાશ વ્યાસ કહે છે,

“સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં, રિષભ મળે નહીં, રહેમભર્યો,

મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ, જ્યાં ઘમંડના ગાંધાર રે,

ત્યાં કેમ મળે મ્હારો તાર?

પરદુઃખીનો પંચમ ના બોલે,ધનિકનો થઇ ધૈવત ડોલે.

નહિ નિર્બળનો નિષાદ રે,ત્યાં કેમ મળે મ્હારો તાર?

સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ? એના માટે ક્યાં કોઈ ભજનિકના લેબલની જરૂર જ છે?

મને એટલે જ અવિનાશ વ્યાસની રચનાઓ અત્યંત ગમે છે. કોઈ બોધ કે ઉપદેશ વગર પણ આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે તો એવી મસ્ત મઝાની રચનાઓય આપે જે હ્રદય-મનને મોજીલા બનાવી દે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૯ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

કહે છે શબ્દો ક્યારેક તીર લાગે તો શબ્દો ક્યારેક લકીર લાગે… અવિનાશ વ્યાસના શબ્દો જ નહીં અવિનાશ વ્યાસ પણ  લકીર બનીને આપણા મન પર કોતરાઈ ગયા છે.

૨૧મી જુલાઈ- અવિનાશ વ્યાસના જન્મદિનની દેશ-વિદેશથી અનેક લોકોએ જે રીતે લાગણીસભર ઉજવણી કરી એ જોઈએ ત્યારે સાચે જ સમજાય કે એ સૌ ગુજરાતીઓના મન પર સોનાના લેખની જેમ કોતરાઈ ગયા છે. દેશ-વિદેશથી અવિનાશ વ્યાસના ચાહકોએ એમને યાદ કરીને, એમની અનેરી વાતો કરીને જે સ્નેહાંજલિ આપી એ જોઈએ ત્યારે સમજાય છે કે આટલા વર્ષો પછી પણ એમની પ્રત્યેનો આદર, સ્નેહ જરાય ઓસર્યા નથી.

આનંદની વાત તો એ છે કે ૨૧મી જુલાઈના દિવસે એક નહી અનેક જગ્યાએથી મને એમના વિશે આદરભાવ પ્રગટ કરતાં અનેક સંદેશા મળ્યા જેમાં ક્યાંક પોતાની અંગત લાગણીઓ છલકાતી હતી તો ક્યાંક થોડી જાણેલી-સાંભળેલી વાતો પણ વાગોળવામાં આવી હતી.

આજે મને એમાંથી એકાદ વાત તમારા સુધી પહોંચાડવાનું ગમશે. શક્ય છે મારી જેમ તમે પણ આવી વાતોથી વાકેફ હોઈ શકો…

પુનરોક્તિ થતી હોય તો પણ આજે એક વાત કહેવી છે કે માત્ર ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરના ખ્યાતનામ ગાયકો પણ એમને અત્યંત સન્માનનીય માનતા.

સંગીતની દુનિયાના સર્વ શ્રેષ્ઠ કહી શકાય એવા લતા મંગેશકર, મુકેશ અને મહમદ રફી જેવા ગાયકો પણ એમને ગુરુ માનતા, ચરણસ્પર્શ કરતા. કિશોરકુમાર જેવા ટોચના તેમ છતાં  અનાડી કહેવાય એવા ગાયક પણ એમને ગુરુ માનીને એમની ચરણરજ માથે ચઢાવી એમના આશીર્વાદ પ્રાર્થતા. કિશોર કુમારે એમને શ્રેષ્ઠ અંજલિ આપતા કહ્યું હતું કે લક્ષ્મીકાંત-પ્યારેલાલ હો યા કલ્યાણજી- આણંદજી, એ સૌ અવિનાશ વ્યાસના અસિટન્ટ રહી ચૂક્યા છે.

આવી અપાર લોકચાહના ધરાવતા હોવા છતાં એ પ્રકૃતિએ અત્યંત નમ્ર અને સૌજન્યશીલ હતા. હવે જે વાત સાંભળી છે એ તો જાણે અવિનાશ વ્યાસ માટે સાવ અનોખી કહી શકાય એવી છે. ૨૦૧૨ એટલેકે અવિનાશ વ્યાસના ૧૦૦મા જન્મદિને એમની સ્મૃતિમાં એક સમારોહ યોજાયો હતો. સમારોહના સંચાલકે એમના પ્રત્યેનો આદરભાવ રજૂ કરતા અવિનાશ વ્યાસની સિદ્ધિઓ, એમને રચેલા ગીતોની સંખ્યા, એમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું કે , “ આમ તો અવિનાશ વ્યાસ ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન હતા.”

મઝાની વાત એ થઈ કે સમારોહની વચ્ચે સ્ટેજ પર આવીને એક શ્રોતાએ નમ્રતાથી એ સંચાલકની માફી માંગતા તેમ છતાં દ્રઢતાથી કહ્યું કે, “ અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન છે એમ કહેવા કરતાં બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ કહેવું વધુ ઉચિત રહેશે.”આવી રીતે ક્રિકેટના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનની શ્રેષ્ઠતા દર્શાવવા લોક લાડીલા ગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા એ એ આપણા મતે આપણી જેમ બ્રેડમેને  પણ ગૌરવ લેવા જેવી વાત થઈ. સાંભળ્યા મુજબ  અવિનાશ વ્યાસ મૂળ તો  ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનવાવા ઇચ્છતા હતા. જો એમ બન્યું હોત તો ? જેના નામે વિધાતાએ સફળતાના આશીર્વાદ લખ્યા હોય એ તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પામ્યા જ હોત.  આ એક રેકોર્ડની વાત છે બીજો એક રેકોર્ડ અવિનાશ વ્યાસના નામે લખાયો હતો એનો ઉલ્લેખ કરવો છે.

ગીત-સંગીત ક્ષેત્રે એમની નામના એટલી વધતી જતી હતી કે ભાવનગર નરેશે પોતાના મહેલમાં તેમની બેઠક રાખીને ‘ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રેકોર્ડ કર્યું હતું.

કમલેશ સોનાવાલા નામ કદાચ સૌ માટે એટલું જાણીતું નથી. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રના નિષ્ણાત કમલેશ સોનાવાલાએ કવિતા ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. ક્યારેક એમને આ અંગે તદ્દન વિરોધાભાસ ધરાવતા એમના વ્યવસાય અને રસના બે પાસા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ઉત્તર આપ્યો એ જાણવા જેવો છે. એમણે કહ્યું કે,

“એમના માતા ઉર્મિલા સોનાવાલા આપણા આ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસના સૌ પ્રથમ વિદ્યાર્થીની હતાં. સંગીતની ઘણી બેઠકો એમના ઘરે યોજાય. દર જન્માષ્ટમીએ તો ખૂબ મોટી ઉજવણી થાય ત્યારે સહકુટુંબ ભેગા થઈને એ પરિવાર રાસ-દુલારી ગાય. જન્માષ્ટમીએ એમના ઘરે અવિનાશ વ્યાસની હાજરી હોય. એમની સાથે અન્ય કવિ, શાયર અને કલાકારો પણ આવે. આમ એમના કહેવા મુજબ એમનું ઘડતર સાહિત્ય-સંગીતના વાતાવરણમાં થયું.”

આજના આ લેખ પાછળ કહેવાનું તાત્પર્ય માત્ર એ કે અવિનાશ વ્યાસની ખ્યાતિને લઈને આપણને ગુજરાતી હોવાનું, આપણા ગુજરાતીપણાનું ગૌરવ થાય અને તેમ છતાં એ પોતાના માટે શું કહેતા એ પણ જાણીશું તો મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ તરફ આપણા મનમાં આદરનો સરવાળો નહીં ગુણાકાર આપોઆપ થઈ જશે.

અવિનાશ વ્યાસ કહેતા કે, “ હું આકારને ઓળખતો નથી. હું નિરાકારને ઓળખું છું. હું અંત અને અનંત વચ્ચેના પડદાનો પૂજક છું. પડદા પાછળ શું છે એની મને પડી નથી, જાણવું પણ નથી. હું માત્ર અવિનાશ થઈને રહું એ જ બસ છે.” 

એમના આવા ભાવ એમની એક રચનામાં છલકાતા અનુભવાય છે.

પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

કાંઈ નથી બીજું કહેવું મારે, કાંઈ નથી બીજું કહેવું મારે

જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ એક જ નામ લેવું મારે,

તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું,

ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું

બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું,

માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે,

પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે,

મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું

કદાચ ક્યાંય પોતાના વ્યક્તિત્વને. પોતાના કૌશલ્યને સાબિત કરવાની એમની પ્રકૃતિ જ નહોતી. અત્યંત શાંત, સૌમ્ય, નિતાંત સાદગી, ઓલિયા જેવું એમનું વ્યક્તિત્વ મેં પોતે જોયું છે અને આજે પણ લકીરની જેમ મારી યાદમાં કોતરાયેલો એ ચહેરો અકબંધ છે.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૮ -સદાબહાર સૂર -અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

૨૧ જુલાઈ …

આજે રાત્રે કૅલેન્ડરનું પાનું બદલાશે અને આવશે ૨૧ જુલાઈ. અન્ય માટે કદાચેય આ દિવસ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ જશે પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો માટે તો આ દિવસે સુવર્ણ અક્ષરે બે નામ લખાઈ ચૂક્યા હતા.

૨૧ જુલાઈ ૧૯૧૧ અને ૨૧ જુલાઈ ૧૯૧૨ એટલેકે એક વર્ષના અંતરે ગુજરાતની ભૂમિ પર એવી બે વ્યક્તિઓનો જન્મ થયો જે સમયાંતરે વ્યક્તિવિશેષ તરીકે અત્યંત નામના પામ્યા.

જેમના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મ થયો ૨૧ જુલાઈ ૧૯૧૧ના દિવસે અને એક વર્ષ પછી ૧૯૧૨ની ૨૧મી જુલાઈએ જન્મ થયો ગુજરાતી સુગમ સંગીતની ઇમારતના પાયા જ નહીં આખે આખી ઇમારત જ કહી શકાય એવા આપણા વહાલા ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસનો.

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો, અખાના છપ્પા, કબીરના દોહા, મીરાંભાઈના ભજનઓથી માંડીને આજ સુધી આપણે પણ કેટ-કેટલાં ગીતો, કાવ્યોને આસવાદ્યા હશે. અનેકવિધ રચનાઓ સાંભળી હશે, માણી હશે પણ આજે એક વાત નિશ્ચિતપણે કહી શકાય કે અવિનાશ વ્યાસે સુગમસંગીતની એક એવી અનોખી રીત આપણને આપી જેનાથી એ આજે પણ એ ચિરસ્મરણીય બની રહ્યા છે.

આવા ચિરસ્મરણીય ગીતકાર-સંગીતકારે એક અનોખું સપનું સેવ્યું હતુ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. અવિનાશ વ્યાસ કે અવિનાશ વ્યાસના સપનાની વાત કરનાર વરિષ્ઠ પત્રકાર શશિકાંત નાણાવટી આજે હયાત નથી પણ એમણે કહેલી વાત આજે યાદ આવે છે.

શશિકાંત નાણાવટી માટે અવિનાશ વ્યાસ અતિ અંતરંગ વ્યક્તિ હતા. ઘણી ઘનિષ્ઠતા હતી. જ્યારે એ અવિનાશ વ્યાસ વિશે વાત કહે ત્યારે એ આત્મિયતાના ભાવ એમના અવાજમાં પડઘાતા.

એ કહેતા કે,  “અવિનાશ વ્યાસને અમદાવાદ કે અમદાવાદની નજીક નાદબ્રહ્મ, એટલે કે એક એવી સંગીતની સંસ્થા, સંગીતની ઈમારત બનાવવાની ઇચ્છા હતી જ્યાં સંગીતની તમામ સવલતો હોય. જ્યાં ચોવીસ કલાક સંગીત ગુંજતું હોય. સંગીતની જ્યામ તાલિમ અપાતી હોય અને જ્યાં સતત સંગીત વહેતું હોય એવા સાધનાભવનનું સર્જન કરવું. એમણે એવી ઈમારતનો કૉન્સપ્ટ પણ તૈયાર કરાવેલો જેમાં તબલા અને વચમાં વીણા હોય. અંદર ઑડિટોરિયમ હોય, મ્યૂઝિકરૂમ હોય, રિહલ્સર કરવાની સવલત હોય. કોઈપણ સંગીતકાર કે કવિનું જીવન ધન્ય થઈ જાય એવું સપનું એમણે સેવ્યું હતું.”

આગળ વધતા એમણે કહ્યું હતું કે, “ એ સ્વપ્ન સાકાર કરવાની અવિનાશભાઈની અદમ્ય ઇચ્છા હતી. અવિનાશભાઈએ ગુજરાત માટે જે કંઈપણ કર્યું છે એ પછી ગુજરાતનો એ ધર્મ બની રહે છે કે અવિનાશભાઈ નથી ત્યારેપણ અવિનાશભાઈનું આ સ્વપ્ન સાકાર કરવું જોઈએ. પ્રત્યેક ગુજરાતીને એ પ્રતિજ્ઞા હોવી જોઈએ. સાચા અર્થમાં અવિનાશભાઈના નામે એક સંગીત અકૅડમિ હોવી જોઈએ.”

આવતી કાલના ૨૧ જુલાઈના આ પરમ દિવસ માટે પ્રભુને પ્રાર્થીએ કે ગુજરાત અને ગુજરાતીઓ આવા સ્વપ્નદ્રષ્ટાનું સપનું સાકાર કરવા કટીબદ્ધ થાય. અવિનાશ વ્યાસનું આ સપનું આકાર લે અને સાકાર થાય એ એમની પ્રત્યેનું આપણું કર્તવ્ય બની રહેવું જોઈએ.  ગુજરાતી સુગમ સંગીતને આટલી સમૃદ્ધ બનાવનાર ગીતકાર-સંગીતકારનું ઋણ ચૂકવવાની તો આ એક તક છે.

આજે એમના આ સ્વપ્ન-નાદબ્રહ્મ ઈમારતની વાત કરી રહી છું ત્યારે એમની એક રચના યાદ આવે છે જેમાં જાણે સ્વપ્નદ્રષ્ટા એટલેકે ભવિષ્યની કલ્પના કરનાર એક દ્રષ્ટાની નજરે જે જોયું કે વિચાર્યું એની શાબ્દિક રજૂઆત છે.

નાદબ્રહ્મ-સંગીતનું સાધનાભવન અવિનાશ વ્યાસનું એક એવું સ્વપ્ન હતું જેમાં સાવ અનોખી ઈમારતની રચનાની વાત હતી જ્યારે આ શબ્દોમાં ઢાળેલી એક એવી રચના છે જેમાં નાદબ્રહ્મને -નાદરૂપી પરમતત્વને આ ચારેકોર વેરાયેલા વિવાદ, વિખવાદ, વ્યથાની આંધી દૂર કરવા પ્રગટ થવાની પ્રાર્થના છે.

કહે છે,

હે નાદબ્રહ્મ જાગો….

આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,

ને સૂનું જગત દેશ-દેશ પ્રાંત પ્રાંત છે,

વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.

અવિનાશ વ્યાસ કોઈ ભવિષ્યવેત્તા કે નજૂમી નહોતા. એ હતા માત્ર ઋજુ હ્રદયના, અત્યંત સંવેદનશીલ વ્યક્તિ. છતાં એમણે જે વાત કે વ્યથા આ રચનામાં વણી છે એ જાણે -અજાણે આજે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે. એમની વ્યથા આજની આપણી કથા બની ગઈ છે. ચોમેર વાદ-વિવાદ અને વિખવાદ વેરાયેલો છે. વિશ્વ આખુંય વણદીઠી વ્યાધિથી સતત ઘેરાયેલું છે. એમાંથી બચવાનો કોઈ આરો કે ચારો નથી ત્યારે એમ થાય કે આટલી દૂર સુધીની પરિસ્થિતિ વિશે વિચારવાની એમનામાં કઈ શક્તિ હશે!

આજે આપણે પણ સૌ ખરા ભાવથી આપણી ભાવટ ભાંગવા ઈશ્વર અવતાર ધરે એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો સૂર અવિનાશ વ્યાસની આ રચનામાં પડઘાતો સંભળાય છે.

ફરી કૃષ્ણ તણી બંસરી લઈને આવો,

ફરી એક તાર, એક પ્રાણ સકળમાં જગાવો,

હે આદ્ય ષડજ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો,

ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ,

શમી જાય આ વિખવાદ, ગર્જાવો આ શંખનાદ,

એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,

હે નાદબ્રહ્મ જાગો…….

વિશ્વના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે. એક એક એવા બુલંદ શંખનાદની જરૂર છે જેનાથી ચારેકોર ઉમટેલા કોલાહલને શમાવે,  સમસ્ત જગતનું ચેતન જગાવે. આજે બંસરીના એક એવા સૂરની જરૂર છે જેનાથી પ્રાણતત્વના, આપણી ચેતનાના તાર રણઝણી ઉઠે. વિખવાદના સૂરને અનુરાગના, પ્રેમના કોમળ સ્વરમાં પલટાવે.

કોઈ કોમળ, સંવેદનાથી છલોછલ હ્રદયની વ્યક્તિ જ્યારે નાદબ્રહ્મને જગાવે ત્યારે તો એ પરમતત્વને  જાગવું પડશે ને?

આશા રાખીએ કે અવિનાશ વ્યાસની કલ્પનાના એક નાદબ્રહ્મને આકાર મળે અને બીજા નાદબ્રહ્મને અનુરાગનો અવાજ મળે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com