હેલીના માણસ – 51 | પ્રારબ્ધ કે પુરૂષાર્થ? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-51 ‘પ્રારબ્ધ કે પુરૂષાર્થ?’ એની 50મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ – 

સાવ એવું નથી કે મને શું મળ્યું, 

જે મળ્યું એ બધું ખૂબ મોડું મળ્યું! 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

હા નદીકાંઠે પણ ક્યાંક પ્યાસો રહ્યો, 

ક્યાંક રણમાંય દરિયાનું મોજું મળ્યું! 

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

મારા દીવે પ્રકાશિત થયા છો તમે, 

તમને અજવાળું પણ ઝાંખું ઝાંખું મળ્યું! 

જો ખલીલ આ જે કંઈ મળ્યું છે મને, 

મારી મહેનત અને મારા હકનું મળ્યું! 

ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ :

માનવજીવન આશાના સહારે ટકી રહે છે. પળ પ્રતિ પળ એમાં અપેક્ષાઓ ઉમેરાતી રહે છે. એક અપેક્ષાની પૂર્તિ થાય ના થાય ત્યાં બીજી અપેક્ષા ઉદભવતી રહે છે. ધારેલું બધું જ મળી જાય તેવું બનતું નથી. જે મળે તે આપણા ધારેલા સમયે મળે તે પણ શક્ય નથી. દરેક જણને અપેક્ષા પ્રમાણે કંઈ ને કંઈ જરૂર મળે છે. પણ એમ બને કે, જે સમયે જરૂર હોય તેનાથી થોડું મોડું મળે. આ મોડું મળવાની ઘટના કોઈ વાર એટલી હદે મોડી હોય છે કે, મળ્યાનો આનંદ તો દુર મળ્યાનો અર્થ પણ નથી સરતો. કેટલીકવાર તો સમયસર ન મળતી વસ્તુથી માણસ કાયમ માટે વંચિત રહી જાય છે. અને જિંદગીભર એ વાતનો વસવસો દરેકને રહી જાય છે. એ ગુમાવેલી તક ફરી ક્યારેય પાછી નથી મળતી. આપણે જોઈએ છીએ કે, આપણા દેશમાં લાયક વ્યક્તિને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જો આવો કોઈ એવોર્ડ આપવામાં વધારે મોડું થાય ત્યારે તેને મરણોત્તર એવોર્ડ આપવાનો વારો આવે છે. ખરેખર તો કદર સમયસર થવી જોઈએ. જીવનમાં આવેલી તક અને ગયેલી પળ કદિ પાછી નથી મળતી. છતાં સદનસીબે જો ફરી તક મળે તો મોડી મોડી પણ આશા પુરી થાય છે છતાં પહેલીવાર ગુમાવેલી એ પળ તો પાછી ન આવી એનો વસવસો જીવનભર રહી જાય છે. 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

સમુદ્રમાં નાવડી લઈને નીકળેલો નાવિક સાથે પીવાનું પાણી લઈને ન નીકળે તો આસપાસ આવડી મોટી જળરાશિના હોવા છતાં તે તરસ્યો રહે છે. કોઈ માને કે ના માને પણ નસીબ જેવી વસ્તુ ચોક્કસ હોય છે. નહીં તો ઘણીવાર નદી કાંઠે ઊભેલો માણસ તરસ્યો રહી જાય અને રણમાં ચાલનારાને પાણીની વિરડી મળી જાય તેવી સ્થિતિ માણસની કેવીરીતે બને? આપણાં મનને સમજવું મુશ્કેલ છે. ખૂબજ ભાવતી વાનગી જે જિંદગીભર પૂરા ચાવથી ખાતા રહ્યા હોઈએ, તે પણ જ્યારે મન દુઃખી હોય, ઉદ્વેગમાં હોય, ત્યારે બિલકુલ ભાવતી નથી. તો વળી મન સુખમાં હોય, આનંદમાં હોય ત્યારે ક્યારેય ન ગમેલી વસ્તુ પણ ગમી જાય છે!

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

કોઈ વિષય શીખવા માટે કોઈ ગુરૂ કે શિક્ષક હોવો જરૂરી છે. એ રીતે મેળવેલું જ્ઞાન ગુરૂ કરતાં શિષ્ય પાસે ઓછા પ્રમાણમાં હોઈ શકે. કારણ કે, ગુરૂને તે વિષયનું જ્ઞાન મેળવતાં વરસો લાગ્યાં હોય છે. સૂરજ કે ચંદ્ર પાસે જેટલો પ્રકાશ હોય છે તેના પ્રમાણમાં ઘણો ઓછો પ્રકાશ આપણને પૃથ્વી પર મળે છે. મુળ સ્રોત દેખીતી રીતે જ વધુ સમૃદ્ધ હોવાનો. સ્વપ્રકાશિત એવો સૂર્ય અને સૂર્યના પ્રકાશના પરાવર્તનથી પ્રકાશતો ચંદ્ર જોઈએ તો ચંદ્ર પ્રમાણમાં ઓછી ગરમી હોવાથી શિતળ છે જ્યારે સૂર્ય પ્રખર ગરમી વરસાવે છે. 

આપણી આસપાસ નજર દોડાવીએ તો એવું લાગે છે કે, અમુક વ્યક્તિઓ ખૂબ કાબેલ હોય છે, બુધ્ધિશાળી પણ હોય છે અને છતાં તેમને તેમની હેસિયતના પ્રમાણમાં સાવ ઓછું મળ્યું હોય. જ્યારે અમુક વ્યક્તિઓ સાવ સામાન્ય હોય, છતાં તેઓને તેમની હેસિયતના પ્રમાણમાં ઘણું વધારે મળ્યું હોય. આવા સમયે વિચાર આવી જાય કે, શું આપણને બધું આપણાં નસીબથી મળતું હશે? પરંતુ એવા કિસ્સા પણ હોય છે જેમાં વ્યક્તિએ પોતાની સખત મહેનતથી જ ઘણુંબધું પ્રાપ્ત કરી લીધું હોય છે. માનવમન જેવા અનુભવમાંથી પસાર થાય છે, તેની અસર  તેના વર્તનમાં જણાતી હોય છે. તે સુખમાં છે કે, દુઃખમાં, તે શાંત છે કે, આક્રોશમાં તે વાતની અસર માનવીના વર્તન પર  જુદીજુદી રીતે પડતી હોય છે. 

આજે આપણે ખલીલ સાહેબની 50મી ગઝલને વાંચી અને માણી.

‘હેલીના માણસ’ આ શ્રેણીની સફર દરમ્યાન જીવનને જાણવા-સમજવા જેવી અનેક વાતો ઉજાગર થઈ. અનેક પાઠ શીખવા મળ્યા. આ ઉપરાંત ગઝલના પઠન અને રસાસ્વાદ દરમ્યાન ગઝલના બંધારણ વિશે પણ જ્ઞાન વધ્યું. કાફિયા, રદિફ, શેર અને શેરિયતની અનોખી પ્રસ્તુતિ માણવા મળી.

આપ સૌને પણ આ શ્રેણી ખૂબ ગમી હશે એમાં શંકાને માટે અવકાશ છે જ નહીં. ગઝલ હોય, તે પણ ખુદ હેલીના માણસની, તે માણી ન શકીએ તો જ નવાઈ!

આજે આપણે આ શ્રેણી ‘હેલીના માણસ’ પુરી કરીશું. આશા છે કે, આપ સૌએ આ સફર માણી હશે. બીજી એક મઝાની નવી જ શ્રેણી લઈને નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 50 | બાંધછોડ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-50 ‘બાંધછોડ’ એની 49મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.   સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જોને તાળાં પણ હવે લાગી ગયાં દરબારને, 

જો હવે ભંગારમાં વેચી દે આ તલવારને! 

 

એ નહીં ભાંગે તો એની હામ તો ભાંગી જશે, 

એ તને પડકારે એ પહેલાં જ તું પડકારને! 

 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

એ અચાનક હરતાંફરતાં સ્હેજમાં ફૂટી ગયાં, 

હું અવેરું ક્યાં જઈ પરપોટાના ભંગારને! 

 

બદદુવા દેતો નથી તો પણ નિસાસા લાગશે, 

ખૂબ નિર્દયતાથી તેં ઠુકરાવ્યો મારા પ્યારને! 

 

એ પરાજીત થાય એ પહેલાં હું હારી જાઉં છું, 

મેં હંમેશાં પાછી ખેંચી છે મારી તકરારને, 

 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

1947 માં આઝાદી મળી ત્યાર પછી 1950માં આપણો દેશ  પ્રજાસત્તાક થયો. તે પહેલાં આખો દેશ નાનાં મોટાં અનેક રાજ્યોમાં વહેંચાયેલો હતો. તે વખતે દરેક રાજયની પાસે અમુક શસ્ત્રસરંજામ રહેતો. રાજ્યો ગયાં ને લોકશાહી સ્થપાઈ પછી રાજ્યો પાસેની તલવારો નકામી પડી. જે વસ્તુનો ઉપયોગ ના રહે તે ભંગાર જ ગણાય. હવે આ ભંગારને કરવાનું શું? પસ્તિવાળાને ભંગાર સાથે વેચી મારવું એ જ ને! કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી જ તેની કિંમત. પણ હા, ભંગારમાં પણ અમુક વસ્તુઓ જ લઈ જાય છે. આમ તો કોઈ તુટેલી ફુટેલી વસ્તુ એટલે ભંગાર. પણ પરપોટો ફુટે તેનો ભંગાર થાય ખરો? થાય તો પણ એને કોણ લઈ જાય? 

કહેવાય છે કે, પહેલો ઘા રાણાનો. યુધ્ધ જો અનિવાર્ય જ હોય તો સામેવાળાની કે, તેના હુમલાની રાહ  જોવાને બદલે આપણે પોતે હુમલો કરી દઈએ તે વધુ યોગ્ય રહે. કોઈ શા માટે આપણને પડકારને? હુમલાના સતત ડરથી આપણી હામ ભાંગી પડે તે પહેલાં આપણે જ પડકાર ફેંકીને આપણો હાથ મજબૂત કરી લેવો એ હિતાવહ ગણાય. 

ચોમાસુ હોય છતાં કેટલીક વાર એવું બને કે, ઘનઘોર ઘટા છવાઈ જાય, ગગન ગોરંભે ચઢે, કાળાં ડિબાંગ વાદળો એકબીજા સાથે અથડાઈને ગાજે, એ ગર્જના સાથે કડાકાભેર વિજળી પણ ચમકે, આ બધું થાય પણ વરસાદ ના પડે! આવામાં આપણને દલપત પઢિયારનું આ ગીત યાદ આવી જાય. 

ગગન ચઢ્યું ગોરંભે એક પડે ના ફોરૂં, 

તારે ગામે  ધોધમાર ને મારે ગામે કોરૂં, 

 આવામાં આકાશમાં ઘેરાયેલા વાદળને વાંસડા વડે ગોદો મારીને વરસાદને લાવવાની વાત ખલીલ સાહેબ જ કરી શકે. એમનો આ શેર જોઈએ – 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ના થાય. એ વાત તો સાવ સાચી, સૌએ જોયેલી, જાણેલી અને અનુભવેલી. પણ આ બાબતે સંતાનોએ નિશ્ચિંત બનવાની જરૂર બિલકુલ નથી કારણ કે, માવતર ના ઈચ્છે છતાં પણ જો તમારા નિર્દયી વર્તનથી તેમની આંતરડી કકળશે તો તેઓ નિસાસા નાખે કે ના નાખે, તેમના દિલમાંથી નિકળેલી હાય તમને ચોક્કસ લાગશે. ખુદ માવતર કે પ્રેમી ઈચ્છે તો પણ એ હાયની અસર ટાળી નહીં શકે. 

કોઈ પણ સંબંધ સચવાઈ રહે તે માટે બન્ને પક્ષે પ્રયત્ન કરવો પડે છે. એક બીજાનાં મન સાચવવાં પડે છે. અહીં મોટેભાગે દરેકનો વ્યક્તિગત સ્વભાવ સારો એવો ભાગ ભજવે છે. એવું પણ બને છે કે, બેમાંથી એક વ્યક્તિ વધુ સહકાર આપતી રહે અને બીજી વ્યક્તિ તેમ કરવામાં ઊણી ઉતરે. સંબંધનું મહત્ત્વ હોય તો સહકાર આવશ્યક છે. પછી ભલે તે એક પક્ષીય કેમ ન હોય. જે પ્રેમાળ છે સમજદાર છે તે બીજી વ્યક્તિની ખુશીનો ખ્યાલ રાખે છે. કઈ વાતથી તે નારાજ થશે તે વિશે સજાગ રહે છે. ટુંકમાં એ ગમે તેવો વહેવાર કરે તેને પોતાનું ગણીને નિભાવી લે છે. બન્ને પક્ષે વારાફરતી આવી સમજપૂર્વકની વર્તણૂક કરવામાં આવે તે જરૂરી હોય છે.  તો જ સંબંધ ટકી શકે છે. પણ દરેક વખતે તેમ થતું ન હોય તો છેવટે કોઈ એક પક્ષે બધું સંભાળીને સંબંધ ટકાવી રાખવો પડે છે. 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

આમ જીવનના કોઈપણ સંબંધને સાચવવા માટે, સ્નેહ. અને સહકાર જેટલાં જરૂરી છે તેટલી જ જરૂરી છે બાંધછોડ, જતું કરવાની ભાવના. મિત્રો, કોઈને માટે, કોઈની ખુશી માટે કંઈક જતું કરવાથી આપણને પણ ખુશી મળી શકે છે. આવી વાતો લઈને આવેલી આ ગઝલ આપને ગમી? વધુ એક મસ્ત ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 હેલીના માણસ – 49 | નફરત છે દિલમાં | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-49 ‘નફરત છે દિલમાં’ એની 48મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

મારી પ્રતિષ્ઠા ક્યાંય ગળે ઊતરે નહીં, 

મારા જ ગામલોકો મને ઓળખે નહીં! 

 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

 

આશિક છું હું મોહતાજ નથી તારા પ્રેમનો, 

એવું તે ક્યાં છે તારા વગર ચાલશે નહીં! 

 

આંધી તૂફાન જોઈ જે પાછાં વળી ગયાં, 

એ તો કોઈ બીજા જ હશે આપણે નહીં! 

 

નફરત છે દિલમાં હોઠે છે સંદેશ પ્રેમનો, 

અમને તો ભાઈ એવી રમત આવડે નહીં! 

 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

 

ત્યાં લગ ખલીલ આમ ભટકશે એ ચોતરફ, 

જ્યાં લગ હ્રદયને ઠેસ કશે વાગશે નહીં! 

ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

ખરેખર, આપણું બાળપણ જ્યાં વિત્યું હોય, તે ગામ, ફળીયુ, ગામનું પાદર અરે, ગામની માટી અને એનો કણેકણ સાવ પોતાનાં થઈ પડે! યાદ છે? ગામના લોકો આપણાં નામને લાંબુ કરીને કે પછી સાવ ટુકું કરીને આપણને બોલાવતા! આવી બધી વાતોનાં સંભારણાં પણ મીઠાં મીઠાં લાગે! કિરણને બદલે કિરણીયા કે, રાધાને બદલે રાધાડી કે, પછી રાજેન્દ્ર કુમારને બદલે રાજલા! એમાં આપણાં નામના ઉચ્ચારમાં ભળેલો પ્રેમ જીવનભરની મુડી બની રહે છે. આમાંનો કોઈ રાજલો કે કિરણીયો મોટો સાહેબ થઈને ગામમાં જાય તો તેને કોઈ ઓળખે નહીં. અને તેની આ સાહેબગિરી કોઈના ગળે ના ઉતરે તેવું પણ બને પણ તેને તો પેલું ગીત સાકાર થતું લાગે કે, 

સાલા મૈં તો સા’બ બન ગયા, 

સા’ બ બનકે કૈસા તન ગયા! 

યે રૂપ મેરા દેખો, યે શુટ મેરા દેખો 

જૈસે ગોરા કોઈ લંડનકા….. 

પણ એવું બને કે, બાળપણના દોસ્તોમાંથી ઘણાં તેની સાથે સ્પર્ધા કરતા પણ જણાય. આ સ્પર્ધા તંદુરસ્ત, ચોખ્ખી હોય તો આવકાર્ય થઈ પડે. બને કે, કોઈ અદેખાઈ પણ કરે અને નુકસાન પહોંચાડવા કંઈ કરે તેવું પણ બને. ખરેખર સ્પર્ધા જ કરવી હોય તો સામસામે ઉભા રહીને કરવી જોઈએ. પાછળથી વાર કરવો, કે નુકશાન પહોંચાડવું એ ક્યાંનો ન્યાય? એ દોસ્તી કહેવાય? 

મિત્રતા એ તો પ્રેમનો સંબંધ છે. બન્ને પક્ષે એ નિભાવવો પડે. એમાં કોઈ એક, બીજાનો મોહતાજ હરગીઝ નથી હોતો. કે એના વગર ન જ ચાલે તેવું પણ નથી હોતું. હોય છે તો માત્ર પ્રેમ. આવા સંબંધો આડે આવતી કોઈ સમશ્યા જ્યારે આડખીલી રૂપ બને અને તે દોસ્તી પર હાવી બને, ત્યારે તેનાથી હારી જવાય અને પછી સંબંધ પડે ખતરામાં! પણ આવા સંજોગોમાં હારે એ બીજા. સાચા મિત્રો નહીં, સાચા સગા કે સંબંધી નહીં. કોઈ પણ સંબંધમાં નિખાલસતા હોવી જરૂરી હોય છે. એમાં પછી ‘મુખમાં રામ બગલમાં છરી’ વાળી દાનત ન ચાલે. મોઢે મીઠી વાતો કરીને મનમાં દુશ્મનાવટ પાળતા હોય એ તો બિલકુલ ના ચાલે. 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

ખલીલ સાહેબ કહે છે, હું શાયર છું તો મારી પાસે મિલકતમાં માત્ર શાયરીઓ જ જમા હોવાની. પૈસા તો બેંકના ખાતામાં હોય, કોઈ ગઝલની કે ગીતની ચોપડીમાં તો ન હોય ને? કોઈ પોતાની મસ્તીમાં જ રહે અને ફર્યા કરે. દુનિયાદારીની કોઈ ફિકર જ ના કરે. પણ આવું ચાલે ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ એવો બનાવ બની જાય કે, તેના દિલને જોરદાર ઠેસ વાગે, બસ પછી તે સાવ બદલાઈ જશે. પોતાના દેખાવાથી પણ અને સ્વભાવથી પણ. તે ખુદ તેના આગવા બદલાયેલા પોતાપણાંથી  તે જાણે અલગ થઈ જશે. 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

મિત્રો, દુનિયા આપણને અનેક જુદાજુદા રંગો બતાવતી રહે છે. આપણાં પર એની અસર પણ થતી રહે. પણ અહીં મક્કમ રહેવું જરૂરી છે. બીજાથી ડરીને કે. બીજાની શેહમાં આવીને કે પછી કોઈ લોભામણાં પ્રલોભનથી આકર્ષાઈને આપણો પોતાનો સત્યનો માર્ગ છોડવો ન જોઈએ. આવી અનેક વાતો લઈને આવેલી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. બીજી એક તગડા શેરવાળી ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદારહેલીના માણસ – 48 | ગુનો મંજુર | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-48 ‘ગુનો મંજુર’ એની 47મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

કોઈ વિષયવસ્તુ, સમજ, સંવેદના નક્કી કરો, 

એ પછી આ મત્લા, મક્તા, કાફિયા નક્કી કરો! 

 

લોક તો જ્યાં કહેશો ત્યાં નમવામાં નહીં પાછા પડે, 

તમતમારે કોઈ મનગમતો ખુદા નક્કી કરો. 

 

ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને, 

કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો! 

 

પ્રેમ કરવો એ ગુનો છે તો ગુનો મંજૂર છે, 

માફ કરવો છે કે દેવી છે સજા નક્કી કરો! 

 

સાવ વણબોટી કોઈ મંઝિલ પ્રતીક્ષામાં હશે, 

કોઈ હિંમત ના કરે એવી દિશા નક્કી કરો! 

 

મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ, 

શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો! 

 

એ પછી આબાદ થઈ જાશે ખલીલ આખું જગત, 

પ્રેમમાં બરબાદ થવાનું બધાં નક્કી કરો! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે. ચાલવાનું શરૂ કરતાં પહેલાં, ક્યાં જવું છે, તેની ખબર હોવી જોઈએ એટલું જ નહીં, કઈ દિશામાં જવું, આગળ ચાલતાં કેટલા વળાંક આવશે અને તેમાંથી કયો વળાંક આપણને મંઝિલ સુધી લઈ જશે. તેની જાણકારી હોવી જોઈએ. ચિત્ર દોરવું હોય તો તેને માટેના જરૂરી સાધનો તૈયાર રાખવા પડે. શું દોરવું છે તે નક્કી કરવું પડે. કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ તૈયારી કરવી આવશ્યક હોય છે. ગઝલ લખવી હોય તો સૌથી પ્રથમ વિષય નક્કી કરો, તેને લગતી સમજ અને મનમાં સંવેદના પણ હોવી જોઈએ. ત્યાર પછી કાફિયા, રદિફ, મત્લા, મક્તાનો અંદાજ લગાવીએ એ પછી જ એક સારી ગઝલ લખી શકાય છે. અરે આ દુનિયામાં તો આપણો ધર્મ નક્કી કરવામાં પણ ખાસ્સો વિચાર કરવો પડે. કારણ કે, આપણાં દેશમાં અનેક સંપ્રદાયો છે. દરેક પોતપોતાના ઈષ્ટ દેવને પૂજતા હોય છે. દરેક પોતાની આસ્થા પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે. આ બધામાં અમુક લોકો એવા પણ હોય છે જે એક ભગવાનની ભક્તિથી ઈચ્છીત ફળ ના મળે તો વારંવાર ભગવાન બદલતા રહે છે. ખાસ કરીને કોઈ વધુ સફળ વ્યક્તિ જે ભગવાનને ભજતી હોય તેનું શરણું લે છે. તો અમુક લોકો તો જોઈતી વસ્તુ મેળવવા માટે બીજો કોઈપણ રસ્તો અખત્યાર કરતા હોય છે. તેમનામાં એવી વરવી વાસ્તવિકતા આત્મસાત થયેલી હોય છે. એ વૃત્તિથી તેઓના અસલી ચહેરા એટલી હદે બગડેલા હોય છે કે, તેઓ ખુદ પોતાને ઓળખી નથી શકતા. હવે એવો કયો આયનો હોય જે તેમને પોતાનો અસલી ચહેરો બતાવી દે! અને આવા ચહેરા એક બે નહીં, આયના વહેંચવા બેસો તો ખુટી પડે એટલા હોય છે. 

ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને, 

કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો! 

કોઈ પ્રેમીને પૂછશો તો એ કહેશે કે, પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી અને છતાં તમે એને ગુનો ગણો તો એ ગુનાની સજા શું છે? એ પણ મને મંજુર છે. એકવાર બધા પ્રેમીઓ પ્રેમમાં બરબાદ થવાનું સ્વિકારી લે તો પછી એવું પણ બને કે, બહુમતી તેમની થઈ જાય અને પછી પ્રેમ કરવો એ ગુનો જ ના ગણાય અને એ રીતે જોઈએ તો એ બધા જ આબાદ બની રહે!  મંઝિલની પ્રાપ્તિ માટે મંઝિલ પ્રતિ ચાલતા રહેવું જરૂરી તો છે પણ એને માટે ગાડરિયા પ્રવાહથી બચવું એટલું જ જરૂરી છે. બધા આમ જાય છે માટે ચાલો આપણે પણ જઈએ! એ વૃત્તિ છોડી દેવી જોઈએ. જ્યાં જવાની હીંમત કોઈ ન કરતું હોય અને જ્યાં હજુ સુધી કોઈ ના પહોંચ્યું હોય તેવી મંઝિલ નક્કી કરીને ત્યાં પહોંચવાની તૈયારી રાખવી જોઈએ. આમ કરતી વખતે મન અસમંજસમાં પડી શકે. ત્યારે મન કંઈ કહેશે અને મગજ કંઈ જુદું જ કહેશે. સરળ માર્ગ? કે પછી કપરો પણ વધુ ફાયદાકારક માર્ગ? આવા સમયે બધાં પાસાં વિચારીને ચોવીસ કલાક માટે મનને આરામ આપો. ઉતાવળે કોઇ નિર્ણય ન લો. બસ પછી તમારું મન શું કરવું તેનો ઉકેલ શોધી લેશે. 

મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ, 

શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો! 

કોઈ નિર્ણય કરતાં પહેલાં સતર્ક થઈ જવું પડે. દીર્ઘ દ્રષ્ટિથી વિચારવું પડે શેમા ફાયદો છે શેમાં નુકસાન? એ બાબતે આપણને વિચારતા કરતી આ ગઝલ આપ સૌને ગમી મિત્રો? આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 

હેલીના માણસ – 47 | ખામોશી | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-47 ‘ખામોશી’ એની 46મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

આ વાહવાહમાં ય જો ફરિયાદ હોય તો, 

ખામોશી પણ સરસ મઝાની દાદ હોય તો! 

 

દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા, 

સજદો કરી શકું હું જો એકાદ હોય તો! 

 

તાજા ગુલાબ જેવો એ રંગીન છે છતાં, 

ભીતરથી એ માનવી બરબાદ હોય તો! 

 

તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ, 

ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો! 

 

બોલો સમયનો તમને શું સાચે અભાવ છે? 

સીધી સરળ આ વાતમાં વિખવાદ હોય તો! 

 

માન્યું કે, આપ કોઈને પણ ચાહતા નથી, 

એમાં ખલીલ એકલો અપવાદ હોયતો! 

 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

માનવ સહજ સ્વભાવ પ્રમાણે જ્યારે પણ આપણે, કોઈ રચના લખીએ કે, ગીત ગાઈએ, તરત જ આપણી તે રચના કે, રજુઆત માટે લોકોનો કેવો પ્રતિસાદ છે તે જાણવાની ઇંતેજારી હોય છે. કોઈ સમારંભમાં સ્પિચ આપીએ તો તાળીઓના ગડગડાટની અપેક્ષા હોય છે. આપણા કામના વખાણ થાય તે ગમતું હોય છે. પરંતુ કેટલીકવાર કોઈ એવું પણ કહી દે કે, તમે ખૂબ સરસ ગાયું પણ એક બે જગ્યાએ સુર છુટી ગયો હતો કે, તાલ ગયો હતો. તો એમણે કરેલા વખાણમાં પણ ફરિયાદનો સુર આપણને ચોક્કસ સંભળાય! આ સમયે બે કામ થઈ શકે. ક્યાં તો આપણે ભૂલો સુધારી લઈએ કે પછી એ વાતનો રંજ કરીએ. ત્યારે એવું પણ થઈ જાય કે, આના કરતાં તો જેઓ મૌન રહ્યા એમની દાદ સારી! 

આપણાં સમાજમાં અનેક જુદા સંપ્રદાય છે અને દરેક સંપ્રદાયના વડા, પોતાને ભગવાનનો દરજ્જો આપવામાં માહેર હોય છે. એ પોતે નહીં તો એમના અનુયાયીઓ એમને ભગવાન બનાવીને પૂજવા લાગે છે. આવામાં સામાન્ય માનવી વિચારે કે, આટલા બધા ભગવાન છે એમાંથી કયા ભગવાન મારે ભજવા? 

દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા, 

સજદો કરી શકું હું જો એકાદ હોય તો! 

દરેક વખતે માણસનો બહારનો દેખાવ અને અંદરની હાલત એક સરખી નથી હોતી. સંસારમાં હર પળે નોખા અનુભવો થતા હોય છે. આપણી સામે આવતા સંજોગો પ્રમાણે આપણે ચાલવું પડે છે. થોડા સમય પહેલાં જ કોઈ ગમગીન સમાચાર કે, બનાવથી આપણે દુઃખી હોઈએ છતાં હસવું પડે છે. તમાચો મારીને ગાલ રાતા રાખવા પડે છે. તાજા ગુલાબની જેમ ખુશહાલ હોવાનો ડોળ કરવા છતાં કોઈ અંદરથી સાવ ભાંગી પડેલું હોય તેવુ બનતું હોય છે. આવી વ્યક્તિ તમને મળે ત્યારે તે બહારથી જેવી દેખાય તેવી અંદરથી ન પણ હોય. કોઈપણ સ્વરૂપે તે મળી શકે. કદિક તે ભિખારી જેવા વેશમાં પણ મળે. સામાન્ય રીતે જોઈએ તો આ સંજોગોમાં સૌ તેની સાથે તોછડું અને અપમાનજનક વર્તન કરતા હોય છે. પરંતુ ખરેખર તો આપણે એ વિચારવું જોઈએ કે, કંગાળ સ્વરૂપે મળેલો આ જણ કદાચ કોઈ ખાનદાન ઘરનો નબીરો પણ હોય! બને કે, આજે તેના સંજોગો વિપરીત હોય. અને સમય તો કોઈનો ય એક સરખો ક્યાં રહે છે? 

તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ, 

ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો! 

ઘણી વ્યક્તિઓ એવી હોય છે જેની સાથે આપણે વારંવાર મળવાનું કે સંપર્કમાં રહેવાનું ન બનતું હોય છતાં અમુક ખાસ પ્રસંગે આપણે જરૂર તેમને યાદ કરીને મળતા હોઈએ કે પછી ફોનથી વાત કરતા હોઈએ છીએ. સાંપ્રત સમયમાં તો સોસીયલ મિડિયાની મદદથી જ વાત થઈ જતી હોય છે. આવા સમયે કોઈ આપણને કહી દે કે, હમણાં સમય નથી. તો તરત આપણને વિચાર આવે કે, ખરેખર સમયનો પ્રશ્ન છે કે, આગળના કોઈ વિખવાદથી મન કચવાયું હોય તેને લીધે કાઢેલું બહાનું છે. અમુક વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય છે કે, દરેક સગાસબંધી સાથે તેને કોઈ ને કોઈ વિખવાદ હોય જ. આવામાં કોઈની સાથે તે પ્રેમથી વાત કરે તે શક્ય નથી હોતું. તેમ છતાં એકાદ જણ એમાં અપવાદ હોય તેવું બને. અને એ અપવાદ ખુદ આપણે જ હોઈએ તો એ આનંદનો વિષય બની રહે ખરૂં ને મિત્રો? આશા છે કે, આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી મસ્ત ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

 

હેલીના માણસ – 46 | ઉભા રહો | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-46 ‘ઉભા રહો’ એની 45મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

 

જાવ છો ક્યાં એકલા ઊભા રહો, 

હું ય આવું છું જરા ઊભા રહો! 

 

ના હવે બહું વાર નહીં લાગે મને, 

આવું લઈ માની દુવા ઊભા રહો. 

 

એ તો કહેતા જાવ મારો વાંક શું? 

શેની આપો છો સજા ઊભા રહો! 

 

છું નદી ઓળંગી જાશો ના મને, 

બે ઘડી પાણી પીવા ઊભા રહો! 

 

લોક પાદર લગ વળાવા આવશે, 

ખૂબ કરગરશે બધા ઊભા રહો!

 

સામે ચડતો ઢાળ આવે છે હવે, 

ધીમી પડવા દો હવા, ઊભા રહો! 

 

ઊભા રહેવાની ખલીલ આદત નથી, 

લોક તો કહેતા રહ્યા ઊભા રહો! 

 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

 

કોઈ રચના ઘણીવાર એટલી સુંદર બને કે, મત્લાના શેરથી જ એક સરસ મઝાનું દ્રશ્ય આપણને હુબહુ દેખાવા માંડે. અને જેમ આગળ વધીએ ને વાંચીએ તેમ વાત જાણે આગળ વધે. ખલીલ સાહેબની અમુક ગઝલો સુંદર મઝાની શીખ આપતી હોય છે. તો કેટલીક, આખા એક પ્રસંગને આવરી લે છે. આજની આ ગઝલમાં પણ વાંચવાનું શરૂ કરીએ એટલે તરત જ એક સુંદર નવયોવના, નવોઢા બનીને મનપટલ પર ઊપસી આવે. તે જાણે પોતાના નવા બનેલા જીવનસાથીની સાથે લગ્ન પછી જવાની તો હોય જ છે. પરંતુ પોતે તો બધું છોડીને જવાનું હોય અને પતિ કરે ઉતાવળ, તો એ જોઈને તે જાણે બોલી ઉઠે છે. 

‘અરે, તમે એકલા કેમ  ચાલવા લાગ્યા. મારે પણ સાથે આવવાનું છે, ઉભા તો રહો. અને હા, હું પણ તૈયાર જ છું મને જરાય વાર નહીં લાગે. તમારે તો તમારે પોતાને ઘેર જવાનું છે પણ મારે મારું બધું જ છોડીને આવવાનું છે. માતા, પિતા, ભાઈ ભાંડુ, ઘરબાર સઘળું! એટલે થોડીવાર તો લાગે ને? બસ થોડી જ વારમાં માતાને મળીને, તેના આશીર્વાદ લઈને તરત આવુ જ છું એટલામાં કંઈ મોડું નહીં થઈ જાય. ઉભા તો રહો.’

પરંતુ આગલો શેર વાંચતાં જ આપણું કલ્પના ચિત્ર પણ આગળ વધે છે.  કન્યાની ઉપરોક્ત વાતો સાંભળવા છતાં, પતિ તો જાણે આગળ વધતો જ રહે છે. અટકતો નથી. ત્યારે થોડી નિરાશા અને થોડા ગુસ્સાથી, તે પૂછી બેસે છે. ‘કેમ ચાલ્યા? તમે મારો સાથ ટાળવા માંગો છો કે શું? મારો કંઈ વાંક થયો છે? કોઈ ગૂનો થયો છે? શાની સજા તમે આપવા માંગો છો? એ તો કહો. અરે! તમારા સાથ માટે તો લો, હું એક નદી બનીને પણ સાથે વહેવા લાગું. પણ તમે મને ઓળંગીને જતા રહેશો એવું તો નહીં બને ને? થોડીવાર પાણી પીવા ઉભા રહેશો ને?’ પતિ સાથે સાસરે સિધાવતી કન્યાને વિદાય આપવા માટે, વરઘોડિયાને વળવવા માટે, ગામ આખું, છેક પાદર સુધી આવે છે. તે વખતે પણ સૌને મળીને, ભેટીને વિદાય લેવા રોકાતી ગામની દીકરી, પાછળ પડી જાય છે. અને વરરાજા ઉતાવળ કરીને આગળ ચાલી જાય છે. આ સમયે આવેલા સૌ લોકો વરરાજાને રોકવા વિનંતી કરે છે કે, ઉભા રહો, જમાઈ રાજા, આમ ચાલ્યા ક્યાં? થોભો, અમારી દીકરી આવે જ છે. અમને બધાને મળી તો લેવા દો! 

લોક પાદર લગ વળાવા આવશે, 

ખૂબ કરગરશે બધા ઊભા રહો!

આમ છતાં વરરાજાને ઘેર પહોંચવાની એટલી ઉતાવળ છે કે, તે તો પોતાની ઝડપે ચાલ્યે જ જાય છે. એ ભાઈ તો અટક્યા જ નહીં. નાજુક એવી કન્યા, ઢાળવાળા એ રસ્તા પર ઝડપથી ચાલતાં હાંફી જાય છે. અટકી જાય છે. ત્યારે બધા ગામલોકો ફરી કરગરે છે કે, સામે ઢાળ છે ને અમારી દીકરી ઘણી નાજુક! તમે થોડીવાર થોભો, ઠંડી હવામાં શાંતિનો શ્વાસ લેવા દો. પણ ના, ભાઈ સાહેબને તો ઉભા રહેવાની, થોભવાની કે, પોરો ખાવાની જાણે આદત જ નથી! એ તો બસ ચાલ્યે જ જાય છે!

ઊભા રહેવાની ખલીલ આદત નથી, 

લોક તો કહેતા રહ્યા ઊભા રહો! 

એક મઝાનું દ્રશ્ય મનમાં ઉદ્ભવે અને નાનકડી વાર્તાનું દ્રશ્ય તાદ્દશ થાય તેવી આ ગઝલ આપ સૌને ખૂબ ગમી ખરુંને મિત્રો? આવી જ મસ્ત મઝાની ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, નમસ્કાર.

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 45 | ચાર દિન | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-45 ‘ચાર દિન’ એની 44મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

 

જિંદગીના ઠાઠભપકા ધિંગામસ્તી ચાર દિન, 

ચાર દિ’ કચરામાં રોટી પેંડા બર્ફી ચાર દિન! 

 

રોશની અંધકાર આંસુ સ્મિત પીડા શાંતિ, 

સૌનું આ આવાગમન છે વારાફરતી ચાર દિન, 

 

છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા,

ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન! 

 

કોની પાસે છે સમય ને કોનો માંગું હું સમય! 

એ મને પણ ક્યાં કદી નવરાશ મળતી ચાર દિન! 

 

એ તરફ જોવાની ફુરસદ ક્યાં હતી મારી કને, 

એણે તો ખુલ્લી જ રાખી’તીને ખિડકી ચાર દિન! 

 

એ મને ભૂલી નથી એ વાત સાબિત થઈ ગઈ, 

આવવા માંડી મને હિચકી પે હિચકી ચાર દિન, 

 

પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી, 

દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

આખરે માણસને જિંદગી જીવતાં આવડી જ જાય છે. જેવા સંજોગો તેને અનુરૂપ આચરણ કરવાનું અનાયાસ આવડી જતું હોય છે. આમ છતાં ગમે તેટલી તકલીફ હોય, પૈસાની તંગી હોય છતાં, તહેવારોની ઉજવણી કરવી, તેને માટે યોગ્ય ખાણીપીણીની તેમજ પહેરવેશની વ્યવસ્થા કરવી, આ બધું પણ જીવતરનો જ એક ભાગ છે, તે માનવી જાણે છે. એટલે ખુશીની પળો માણી લેવાનું તે ચૂકતો નથી. પછી ભલે બીજા દિવસથી ફરી પાછી  રાબેતા મુજબની જ જિંદગી જીવવાની હોય! એટલે જેમ આપણે જાણીએ છીએ તેમ, દિવાળીના તહેવારો નજીક આવતા હોય ત્યારે આખું બજાર ખરીદી કરનારાઓથી ઊભરાતું હોય છે. આવું નાતાલ કે, બીજા નાના મોટા તહેવારોમાં પણ બનતું હોય છે. ગરીબ અને નિચલા મધ્યમવર્ગીય લોકો માટે આ અનિવાર્ય છે. કારણ કે, તેઓની પાસે એવા વધારાનાં કપડાં નથી હોતાં જે તહેવારમાં પહેરી શકે. એટલે એ ચાર દિવસ ઠાઠથી ફરી લે. પછી તો પાછું એનું એ જ! 

સુખ દુઃખ, દિવસ રાત, ઉજાસ અંધકાર, શાતી પીડા, હસવું રડવું, આ બધાં દ્વંદ્વ વારાફરતી બદલાતાં રહે છે. સ્થાયી કશું જ નથી. અહીં આપણને આ ગીત યાદ આવી જાય છે. 

રાત ગયી ઓર દિન આતા હૈ, 

ઈસી તરહ આતે જાતે હૈ, 

યે સારા જીવન જાતા હૈ. 

હો…. રાત ગયી. 

અને આ આવાગમનને લીધે જ માણસથી જીવી શકાય છે. વિચાર કરો કે, વર્ષો સુધી રાત જ રહે તો? પીડા કે દુઃખનો અહેસાસ કાયમ રહે તો? જીવન કેટલું દોહ્યલું થઈ પડે! આવાગમનને લીધે દુઃખના દિવસોમાં આપણાં મનમાં ધરપત રહે છે કે, આ સમય પણ જતો રહેશે. અને એ આશાએ કપરો સમય પસાર થઈ જાય છે. પણ હા, સુખના દિવસો વધુ હોય તો પણ જાણે, ઝડપથી પુરા થઈ જાય છે. અને દુઃખના ચાર દિવસ પુરા થતાં જ ન હોય તેવું લાગે છે. પ્રેમીઓ માટે મિલનનો સમય આંખના પલકારામાં પતી જાય છે. ને પાછી આવીને ઉભી રહે જુદાઈ! અને તેમાં ય વિરહના એ દિવસો તો યુગ જેવા લાંબા લાગે! અને ત્યારે પ્રેમી અનાયાસ જ આ ગીત ગાઈ ગદ્દગદીત થઈ ઉઠશે. 

ચાર દિનકી ચાંદની ઓર ફિર અંધેરી રાત હૈ! 

શેર છે :

છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા, ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન! 

ઘણીવાર આપણને એવો અનુભવ થાય છે કે. આપણે કોઈની જરૂર હોય પણ એને સમય જ ન હોય. એ પોતાના વ્યવસાયમાં, સંસારમાં, અને જવાબદારીના ભારણમાં બિલકુલ વ્યસ્ત હોય. એને ખરેખર સમયનો અભાવ હોવાથી તે આપણી મદદે નથી આવી શકતો પણ આપણું મન દુઃખ અનુભવે છે. આપણને ખોટું લાગે છે. પરંતુ આવા સમયે આપણે એ દિવસો યાદ કરવા જોઈએ, જ્યારે આપણને પણ નવરાશ નહોતી. આપણે પણ કોઈ માટે સમય નહોતા આપી શકતા. કોઈ આપણી ગમે તેટલી રાહ જોતું તો પણ આપણી પાસે એમની પાસે જવાનો કે, એ તરફ નજર કરવાનો પણ સમય નહોતો. કોઈ ગમે તેટલી રાહ જુએ છતાં આપણાંથી ના જ જવાય ત્યારે આપણને તે યાદ કરે છે તેનો અહેસાસ કેવીરીતે થાય ખબર છે? આપણને હેડકી આવવા લાગશે! લાંબા સમય સુધી. 

સ્નેહીના મિલનનો અભરખો તો ઘણો હોય છે. કાગ ડોળે એની રાહ જોવાતી હોય છે. પણ જ્યારે અચાનક સામનો થઈ જાય ત્યારે બોલતી બંધ થઈ જાય છે. હજારો વાતો કહેવા વિચાર્યું હોય પણ સમય આવે ત્યારે ના જ બોલાય! બધું જાણે બાષ્પીભવન થઈ જાય અને દાંતો તળે આંગળી દબાવીને બસ ઉભા રહ્યા સિવાય કશું જ ન થઈ શકે! એ દ્રશ્યને ખલીલ સાહેબ આ શેરમાં હુબહુ ખડું કરે છે.

પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી, 

દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન! 

જીવનના જુદાજુદા પડાવો પર આવી મળતાં, ખુશી અને ગમ, ચડતી અને પડતીને સમતોલ રહીને જીવવાની વાતો કહી જતી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. ફરીથી સુંદર મઝાની એક ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 44 | હાથની રેખાઓ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-44 ‘હાથની રેખાઓ’ એની 43મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ :

 

આમ તું નજદીક છે લેકિન ખરેખર દૂર છે, 

હું સદંતર તારી પાસે તું સદંતર દૂર છે! 

 

ભાગ્યરેખા ખુદ હથેળીમાં સલામત ક્યાં રહી, 

હાથમાં છાલાં પડ્યાં છે ને મુકદર દૂર છે! 

 

અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી, 

એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે! 

 

ફોડવા માથું કે માથું ટેકવામાં વાર શી? 

મારા માથાથી વળી ક્યાં કોઈ પથ્થર દૂર છે! 

 

હળવે હળવે સાચવીને ચાલજે નૂતન વરસ! 

પંથ લાંબો છે, વિકટ છે ને ડિસેમ્બર દૂર છે! 

 

એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે, 

બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે! 

 

એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ, 

એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે.

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

આ વિશાળ ગગનના કેન્વાસને ભૂરા રંગે રંગીને એમાં ચંદ્ર, સૂરજ, તારા કોણે ટાંક્યાં હશે? આ વિચાર જો તમને આવી જાય તો પછી નાસ્તિક રહેવાનો ચાંસ જ ન મળે. આ બધું કરનાર તો ભગવાન જ હોય ને! તેના સિવાય બીજા કોઈનું આવું ગજું ક્યાંથી હોય? આવી કેટલીયે બાબતો આપણને ભગવાનનાં સાંનિધ્યમાં લઈ જાય છે. આપણને લાગે કે, તે અહીં જ છે, બિલકુલ આપણી પાસે. પરંતુ ક્યારેય, ક્યાંય દેખાય નહીં ત્યારે થાય, તું કેટલો દુર છે ભગવાન! ભલે એ દુર હોય કે, પાસે પણ છે જરૂર તે વાતની ખાતરી કરાવતું આ ગીત ભૂલાય તેવું નથી. 

સ્કંધ વિના આખું આકાશ અટકાવ્યું, 

મહીં ચંદ્ર સૂરજ તારાનું તોરણ લટકાવ્યું. 

આવું આપણું આકાશ શું ધરતીથી દુર છે કે, પાસે? હા, આ ગીતમાં પણ કવિ એ જ પૂછે છે. કે,

‘ધરતી સે આકાશ હૈ કિતને દુર?’ 

આપણે પૃથ્વી પરથી ઊપર નજર કરીને, આકાશ તરફ જોઈએ તો અધધધ અંતર લાગે. પણ દુર છેક ક્ષિતિજમાં નજર કરીએ તો ધરતી-આકાશનું મિલન થતું હોય તેવો અણસાર આવી જાય. હા, જેઓ અંધશ્રદ્ધાળુ હોય તેઓ તો ઈશ્વરમાં માનવાને બદલે, તાવિજ, જાદુમંતર, વગેરે નુસખા અજમાવીને જીવતા હોય છે અને હાથની રેખાઓ બદલવા માંગતા હોય છે. જો હાથની રેખાઓ જ ભાવિનું લખાણ હોય તો છાલાં પડવાથી તે રેખાઓ નષ્ટ થશે? જેઓને અંધશ્રદ્ધા ન હોય તેઓ તો તેનાથી દુર જ રહે છે. 

અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી, 

એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે! 

પોતાના નસીબને બદલવા માટે કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે. ભાગ્યે જ તેમાં કોઈ ફેર પડે છે. માથામાં પથ્થર વાગવાનું લખાયું હોય, તો તે વાગશે જ. કોઈ કબુતરની પાછળ શિકારી બાજ પક્ષી પડી જાય તો પછી, કબુતર તેનાથી બચવા ગમે તેવા સલામત સ્થળે સંતાવા જાય તોય બચશે નહીં. એ બાજ તો કબુતરની બિલકુલ પાછળ જ હોવાનું જરાય દુર નહીં. ખલીલ સાહેબ તો જાન્યુઆરીમાં શરૂ થતાં નવા વર્ષને પણ કહી દે છે કે, ડિસેમ્બર દુર છે! 

એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે, 

બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે! 

દરેકને પોતાનું એક સ્વપ્ન હોય છે. તેને સાકાર કરવા બનતું બધું કરવાનું કોઈ ચૂકતું નથી. પણ આ ક્યાં ફળ હતું કે, હાથથી તરત તોડી લેવાય? મહામુલું એ સપનું, આજ પુરું થશે, કાલ પુરું થશે એવી આશાને સહારે દિવસો વિતતા જાય. છતાં સપનું પુરૂં ન થાય પણ આશા તો અમર છે. કોઈ ધનવાન બનવાનું સપનું જોશે, કોઈ સંતાનપ્રાપ્તિનું સપનુ, તો કોઈ કુંવારા ભાઈ, પોતાના લગ્ન અંગે સપનું સજાવે પણ જ્યાં સુધી, તે પુરું ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે અને સપનું જોતાં રહેવું પડે. 

એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ, 

એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે. 

ટુંકમાં જોઈએ તો ધિરજ રાખવાની ખાસ જરૂર હોય છે. આપણી ઉતાવળે બધું બને તે શક્ય નથી. આંબો રોપ્યા પછી કેરી આવતાં વર્ષો લાગે. અને કેરી આવ્યા પછી પાકતાં પણ સમય લાગે. ખરુંને મિત્રો? સહજપણે આ વાત કહી જતી આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી જ મઝાની ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

હેલીના માણસ – 43 | આંખો હજી ઝમે છે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-43 ‘આંખો હજી ઝમે છે’ એની 42મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

 

હું સાંજને શું ચાહું, અજવાળાં આથમે છે, 

સૂરજને મરતો જોવો શાથી તને ગમે છે! 

 

ક્યાંથી રુદનનું મોઢું સંતાડું સ્મિત પાછળ,

ડૂસકાં શમી ગયાં છે, આંખો હજી ઝમે છે! 

 

વાગી’તી માસ્તરની સોટી તારા કહ્યાથી, 

ભૂલ્યો નથી હજી પણ આ પીઠ ચમચમે છે! ખાટીમીઠી આમલીના ઘેઘૂર ઝાડ નીચે, 

આજેય ગિલ્લીદંડા એક છોકરો રમે છે! 

 

ક્યાં એકલો પ્રિયતમા પાસે નમી પડું છું, 

ધરતીને ચૂમી લેવા આકાશ પણ નમે છે! 

 

જો ને નવોદિતોના ઉત્સાહી ઉમળકાથી, 

શું કાફિયા ચગે છે, શું ગઝલો ધમધમે છે! 

 

ટેવાઈ ગઈ છે આંખો સૌંદર્ય જોઈ જોઈ, 

એથી તારા ચહેરાના આ તેજને ખમે છે! 

 

મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે, 

જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ – 

દિવસ આખો, સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. ઘણીવાર તો આખો દિવસ એટલી ઝડપથી પતી જાય છે કે, સવારની સાંજ ક્યારે પડે તેની ખબર નથી પડતી. આ સમયે આપણે થાકેલા હોઈએ છીએ, એનો કંટાળો આવતો હોય છે અને એમાં દિવસ પુરો થવા આવ્યો હોય, સૂરજ આથમવાને આરે હોય. આવી આ સાંજ ગમગીની લઈને આવે છે. સૂરજને ડૂબતો જોવો, અજવાળાંને આથમતાં જોવાં અને અંધકારના ઘેરામાં આવવું કોને ગમે? આવા સમયે કોઈ સામે મળે તો પણ સ્મિત લાવી શકાતું નથી. આમ પણ જ્યારે રડવું આવતું હોય, ત્યારે તે છુપાવવાના આશયથી હસવા જઈએ તો તે હાસ્ય તો રુદનથી પણ વધુ કરુણ બની રહે! મન ગમગીન હોય, અંતર રડી રહ્યું હોય અને ખરેખર એકદમ ડૂસકાં આવી જાય, તેવી સ્થિતિ હોય ત્યારે આંખમાંથી રેલાતા આંસુઓ રોકવા શક્ય નથી હોતાં. 

બાળપણની યાદો ખાટીમીઠી હોય છે. સાથે ભણતા મિત્રો સાથે કેટકેટલી મઝા માણી હોય છે. જે જિંદગીભર ન ભુલાય તેવી હોય છે. કોઈવાર તો એવું પણ બન્યું હોય છે કે, આપણા મિત્રનો દોષ આપણે ઓઢી લીધો હોય અથવા મિત્રે દોષનો ટોપલો આપણે માથે ઢોળ્યો હોય અને તે ન કરેલા ગુનાની સજા પણ આપણે ભોગવી હોય! અને એનો ચરચરાટ હજુ આજે પણ અનુભવી શકાય તેટલો તાજો હોય! આવી બધી યાદો જ્યારે મનમાં ઉભરાય ત્યારે એની અસરથી બાળપણમાં રમ્યા હોઈએ તે દ્રશ્યો આપણને સપનામાં દેખાય છે. જેમ કે, એ જ ઘેઘૂર આમલી અને એની નિચે ગિલ્લીદંડા રમતો છોકરો, એટલે ખૂદ આપણે!

ઘરતી અને આકાશ એ બેની વચ્ચેનો સ્નેહ સંબંધ પણ અલૌકિક છે. બંને વચ્ચે જોજનોનું અંતર અને છતાં આપણી નજરો ના પહોંચે ત્યાં, દૂર દૂર ક્ષિતિજમાં તેમનું મિલન સર્જાય છે, તેનો અહેસાસ પણ થાય છે. કોઈ પ્રેમી પણ, પોતાની પ્રેમિકા સંગે આવા મિલનની કલ્પના કરીને હરખાયા કરે તો ખોટું શું? આપણે અચાનક ઘરની બહાર નીકળીએ તો ધોમ ધખતા તડકાથી આપણી આંખ અંજાઈ જાય છે. પણ પછી બહાર જ રહેવાનું થાય તો આંખો ટેવાઈ જાય છે. જાજરમાન સુંદરતા નિરખતાં નિરખતાં પણ આંખો જાણે ટેવાઈ જાય છે. સુંદરતા ખુદ, આંખમાં સમાઈ ગઈ હોય ત્યાર પછી કોઈના ચહેરાની ચમકથી આંખ અંજાઈ જશે તેવો ભય ક્યાંથી રહે?

હાલમાં ગઝલ લખનાર ઘણા મિત્રો, ખૂબ ઉત્સાહિત હોય છે. તેમની ગઝલમાં સરસ કાફિયા લીધા હોય છે, જે અર્થ સભર પણ હોય અને રચનાને સુંદરતા બક્ષતા હોય છે. એટલે તેમની ગઝલો પણ મહેફિલો ગજવતી હોય છે. એમાંનાં ઘણા મિત્રો તો તકલીફોથી ઘેરાયેલા હોય તેવું પણ હોય છે. કોઈ ખાસ સગવડ વગર, પુરતાં સાધનોના અભાવ સાથે પણ, માત્ર અને માત્ર ગઝલની ઉત્તમ રચના અને પ્રસ્તુતિને કારણે ઠેર ઠેર તેઓનું નામ ગાજતું થઈ જાય છે. 

મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે, 

જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે! 

ધરતી અને આકાશના સુભગ મિલનની યાદ સાથે દીવાની જેમ ટમટમતી, આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. આવી જ મઝાની બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર 

રશ્મિ જાગીરદારહેલીના માણસ – 42 | ભાવિના ભેદ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-42 ‘ભાવિના ભેદ’ એની 41મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

આપવા જેવું નથી કંઈ પણ ખુદાના હાથમાં, 

એક બે આંસુ ઝીલાયાં છે દુવાના હાથમાં! 

 

મેં દીવો સળગાવીને મારી ફરજ પૂરી કરી, 

છે હવે અજવાળાની ઈજ્જત હવાના હાથમાં! 

 

મેં તો મારું વ્હાલસોયું દિલ તને સોંપી દીધું, 

એના ધબકારા હવે તારી કૃપાના હાથમાં! 

 

એક સરખું તો મુકદર કોઈનું હોતું નથી, 

એકસરખી રેખાઓ ક્યાં છે બધાના હાથમાં! 

 

હું હવે આબાદ કે બરબાદ થઉં પરવા નથી, 

જિન્દગી સોંપી દીધી મેં તો તમારા હાથમાં! 

 

પાનખર અથવા તો મોસમ ફાવે તે નક્કી કરે, 

ખીલવુ કે ખરવું ક્યાં છે પાંદડાના હાથમાં! 

 

બસ ખુદા પાસે ખલીલ એક જ અપેક્ષા છે હવે, 

હું મરું ત્યાં લગ કલમ રહેવા દે મારા હાથમાં! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

હજાર હાથવાળો ભગવાન પોતે જ આપણને સૌને તેના કૃપાળુ હાથોથી કંઈ ને કંઈ આપતો રહે છે. તે સ્નેહ અને શ્રધ્ધાનો ભૂખ્યો છે. તેની કૃપા પામવા માટે પણ દુવાની જરૂર છે. કોઈ દુઃખીનાં આંસુ લુછીને કે, જરૂરે કોઈની સાથે ઊભા રહો તો મળતી દુવાઓ  આપણને પ્રભુ કૃપાને પાત્ર બનાવે છે. તે સિવાય ભગવાનને આપણી પાસે કંઈ જોઈતું પણ નથી. ખરેખર તો પ્રભુને આપવા માટે આપણી પાસે કશું ય હોય છે જ ક્યાં? સતત વહેતા સમયની સાથે દોડતાં દોડતાં થાકીને અટકીએ કે, માર્ગ ભુલીને ઉભા રહીએ, તો કોઈ ને કોઈ સ્વરૂપે કુદરત આપણને માર્ગ બતાવે છે. રસ્તે આવનારી મુશ્કેલીઓનો કોઈ આપણને અંદાજ આપી દે તેવું પણ બને છે. તેના ઉપાયો પણ બતાવે અને છેવટે માર્ગે નડનારા અંધકારને નાથવા માટે એકાદ દીવો પણ આપે. આટલી તૈયારી સાથે નીકળીએ પછી સફળતાપૂર્વક માર્ગ કાપીને ગંતવ્ય સ્થળે પહોંચી જવાની જવાબદારી તો આપણી જ હોય છે. જેમ આપણે દીવો પ્રગટાવી દઈએ પછી એના અજવાળાને જાળવી રાખવા માટે હવાને લીધે તે હોલવાઈ ન જાય તે જોવું પડે. 

મેં દીવો સળગાવીને મારી ફરજ પૂરી કરી, 

છે હવે અજવાળાની ઈજ્જત હવાના હાથમાં. 

યુવાનીમાં દિલ કોઈના પર આવી જતું હોય છે. હવે સામેની વ્યક્તિ એ દિલને સાચવે તે જરૂરી છે. ભુલેચુકે જો એવું ન થાય અને જુદું જ વર્તન કરવામાં આવે, તો ડરના માર્યા કે દુઃખના માર્યા ગભરાઈ જવાય અને દિલના ધબકારા વધી જાય. આમાં પણ દરેકનું ભાગ્ય સરખું નથી હોતું. અને કહે છે કે, આ ભાગ્યનું રહસ્ય હાથની રેખામાં છુપાયેલું હોય છે. દરેકના હાથમાં રેખાઓ જુદી જુદી હોય છે અને એટલે ભાગ્ય પણ નોખું નોખું! ભાગ્યના ભરમને પામવા કે, આપણાં ભાવીને ભાખવા આપણે અસમર્થ છીએ. જ્યારે કંઈ ન સમજાય ત્યારે જીવનનૌકાને આપણે ભગવાનના સમર્થ હાથોમાં સોંપી દેવી જોઈએ અને પછી જે થાય તેનો સ્વિકાર કરી લેવો ઉચિત હોય છે. પાનખરમાં કયાં પર્ણો કયા સમયે ખરશે તેની ખબર નથી હોતી. કે વસંતમાં કઈ કુંપળો ફુટશે તે પણ આપણે નથી જાણતા. આમ જોવા જાવ તો સમગ્ર સૃષ્ટિનું સર્જન અને વિસર્જન સમજ બહારનું જ હોય છે ને? કેટલું અનિશ્ચિત હોય છે બધું! આપણું જીવન પણ બિલકુલ અજાણ ભાવીને લઈને ચાલ્યા કરે છે. કેટલીયે અપેક્ષાઓ લઈને માણસ જીવતો હોય છે પણ એમાંની એકાદ અપેક્ષા એવી હોય છે જે પુરી થવી જ જોઈએ. એને માટે આપણે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજું કશું નહીં, બસ આટલું મળી જાય! અને આ ‘આટલું’ દરેક માટે જુદું હોય. જોઈએ કે, એક લેખક માટે તે શું હોઈ શકે! 

બસ ખુદા પાસે ખલીલ એક જ અપેક્ષા છે હવે, 

હું મરું ત્યાં લગ કલમ રહેવા દે મારા હાથમાં! 

ભાવિના ભેદો ઉકેલવા તો શક્ય નથી પણ જીવનરથના સારથિ ખુદ ભગવાન હોય તો ડર કેવો? ખરૂં ને મિત્રો? આજની ગઝલ આપ સૌને ગમી હશે. આવી મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું, આવતા એપિસોડમાં, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર