આજના શુભ દિવસે -આકાશદીપ

‘પિતૃદિન…કેટલું બધું ઋણી છે જગત માવતરનું. શિશુવયે બાળકોનો આદર્શ એટલે પિતા. તેની છાયામાં એનું ઘડતર થાય. ઉચ્ચ સંસ્કારનાં બીજ રોપી એને પોતાની રીતે ,જીંદગીમાં કઈં કરી બતાવવા સક્ષમ કરે…

શ્રી ભગવતી કુમાર શર્માજીની ખ્યાત પંક્તિઓ..’એ પિતા હોય છે’…છોકરીને સાસરે જતી વખતે દિન થઈ વદતા..રડતા.’મારી દીકરીને સારી રીતે રાખજો, હાથ જોડી પ્રાર્થના કરતા…કે…દીકરાને સારી શાળા-કોલેજમાં એડમિશન માટે, ડોનેશન માટે દેવું કરી,

જાત ઘસાઈ જાય એવી મહેનત કરતા…એ પિતા હોય છે.

 આવો એ પ્રગટ દેવને/ માવતરને વંદીએ.

રમેશ પટેલ(આકાશદીપ)

કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)  

 

ખળખળ વહેતાં ઝરણાં અમે,

તમે પિતાજી પહાડ

જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,

દઈ સાવજસી દહાડકે હેતે અર્પું હું ફૂલછાબ

 

પવન તમે ને માત ફૂલડું,

મળી આંગણે વસંત

રૂક્ષ દીસતા ચહેરા ભલે,

હસી ખુશીના સંગ

હૈયે જડીયા મોટા ખ્વાબ,

કે હેતે અર્પું હું ફૂલછાબ

 

તિમિર વેદના વેઠી ઉરે,

ધરી   સુખની છાંય

થઈ ગયા મોટા અમે કેમના,

ન જાણ્યું કદી જદુરાય

દેવ પ્રગટ તમે છો તાત! કે હેતે અર્પું હું ફૂલછાબ

 ઘરઘર ઉજળા તમથી મોભી,

ગદગદ લાગું જ પાય

ચક્ષુ અમારા ચરણો ધૂએ,

સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ!

કે હેતે અર્પું હું ફૂલછાબખળખળ વહેતા..

પ્રગટ દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)

આ  પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત  તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને  મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

 

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

પ્રજાસત્તાક ભારત ત્રિરંગી શાનથી ઝગમગે એવી શુભકામના….રમેશ પટેલ(આકાશદીપ)

  ભારતની સંસ્કૃત્તિ સંત ને શૌર્ય ગાથાથી ગૌરવવંતી છે. ભારતીય જવાનોની જવામર્દીની વિશ્વફલકે મહેકતી યશોગાથા આજે ભવ્ય પરેડમાં ઝાંખી દઈ રહી છે.

આવો ગાઈએ ગાથા આ રાષ્ટ્રીય પર્વે દેશભક્તિની મારી રચના…ગાયક કલાકાર શ્રી દિલીપભાઈ ગજ્જર ને રોશનીબેન શેલત સાથે સંગીત મઢ્યું છે

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

હસ્યસપ્તરંગી -(૨૬ )વાત ખાનગી… લોટરી લાગી…રમેશ પટેલ(આકાશદીપ)

  શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત આવે એટલે બધા સમાચાર side line થઈ જાય…એવો તેમનો મોભો થતો જાય છે… અમારા નજીકના મિત્રે કહ્યું. જુઓને શ્રી મોદીજી ગુજરાતમાં નેનોલઈ આવ્યા , આજે તેમના વ્યક્તિત્ત્વ આગળ સૌ નેનોલાગે છે. મોદીજીનું નામ કાને પડતાં જ , ઘરમાંથી શ્રીમતીજી  ટહુકો કરતાં પધાર્યા….સાંભળો.. મારે તમને એક ખાનગી વાત કહેવાની છે.

મેં કહ્યું.. કહી નાખો…સારું મૂહર્ત જ છે.

ના હમણાં નહીં, મારે થોડું કામ છે…તમે યાદ કરાવજો પછી…

મારા મિત્ર ગયા ને શ્રીમતીજી દોડતા આવ્યા ને કહ્યું…પેલા તમારા ખાસ મિત્ર ગયા ને?.. હું રાહ જ જોતી હતી..ક્યારે ટળે. તમારા એ મિત્ર એટલે ખાનગી શબ્દનો કશો જ અર્થ  ના સમજે..પાછા ઈન્ટરનેટી છાપુંસાત સાગરે વાતનો વાવટો લગાવે ને તમને કરોડોનું નુકશાન થઈ જાય.

મેં કહ્યું..કરોડોની વાતનું સ્વપ્ન તને આવ્યું કે શું ? અહીં તો મહિને મોંઘવારી પછી , કશું સરકારે ને તેં વધવા દીધું છે.. એજ રામાયણ કરવાની હોય છે.

શ્રીમતીજીએ કહ્યું..પૂરી વાત તો સાંભળો.  મારી બહેનપણીને બમ્પર લોટરી લાગી…તેણે મને તમારા માટે જતેની પોતાની,  ખાનગી વાત મને કહી છે…તમે ભલા માણસ ને એટલે ફક્ત તમારા માટે જ લાગણી થઈ.

હું વિચારમાં પડી ગયો…આ ઉછીના પૈસા લાવશે ને વાપરશે તો ..કરોડ પતિને બદલે રોડપતિ વાળી જરૂર થઈ જશે…

મને ગહન ચીંતનમાં ડૂબેલો ભાળી..ચૂંટલી ખણી શ્રીમતીજી કહે..પહેલાં આ ખાનગી વાત સાંભળો…મારી બહેનપણીને લોટરી કઈ રીતે લાગી તેની..

જુઓ…ગાંધીનગરમાં રહો છો એટલે તમે,શ્રી નરેન્દ્રભાઈ મોદીની દરેક ગતિવિધિથી તો પરિચિત જ છો…દરેક દિવાળીએ ..નવા વર્ષે તેઓ પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા બાદ જ  બીજા કામ હાથમાં લેતા. હવે થયું એવું કે , મારી બહેનપણીના

ઘરવાળા પણ , પંચદેવ મંદિરે બેસતા વર્ષે વહેલી સવારે ગયેલા…શ્રી મોદી સાહેબ જે ચોઘડીયું જોવડાવી દર્શન કરેલા..તેની પાછળ જ એ પહોંચી ગયા ને દર્શન કર્યા.જુઓ હવે ખાનગી વાત હવે આવે છે…

શ્રી મોદી સાહેબે… સી. એમ.માંથી પી.એમ. નો સંકલ્પ  કર્યો ને કેવો ફળી ગયો..ખૂબ જ પાકો એમનો વહિવટ.

મેં કહ્યું…એમાં તારી બહેનપણીને શું મળ્યું …એતો દિલ્હી પહોંચી ગયા. સંસદમાં નવ સંચાર થઈ ગયો…એ લોકો લાભ્યા.

શ્રીમતીજી કહે..હવે જરા નજીક આવો..એટલે ધીમેથી ખાનગી વાત કહું..કોઈ સાંભળી ના જાય..કોઈ આવી જાય તો?….

હું નજીક સરક્યો ..શ્રીમતીજી ગળામાં જ ગરણું મૂકી બેરે બેરે સંભળાય તેમ કહ્યું..તેનો વર સીધો જ ટીકીટ લઈ આવ્યો ને લોટરી લાગી. શ્રી નરેન્દ્રભાઈ બેસતા વર્ષે જ્યાં દર્શન કરે ..તેની પાછળ થઈ લાગેલા ને લોટરી લઈ આવ્યા…બમ્પર પ્રાઈઝ લાગી ગયું.તમેય તેમના પગલે ચાલો ને બે પાંદડે થાઓ..

શ્રીમતીજી ભલે ધીરેથી બોલ્યા ..હું તો વિચારમાં પડ્યો..કોઈ કમાન્ડો મારો સાળૉ હોય તોય મેળ ના પડે..એટલી અઘરી વાત આતો કહેવાય…તારી બહેનપણીનો વર તો ગાંધીનગરમાં પીછો કરી ફાવી ગયો.

શ્રીમતીજીએ પાછો મને જાગૃત કરવા ચૂંટલી ખણી…મેં કહ્યું..લોટરી કઈંની લાગશે.. તને ખબર છે?

આપણા નરેન્દ્રભાઈ નવા વર્ષે લડાખ -૩૦ ડીગ્રીમાં ગયા ને ગાયત્રીમાતાનાં દર્શન..સેનાના નવજુવાનો સાથે કર્યા…મારે તો આ સ્વેટરની સેવા દશકાથી લઉં છું , તોય રીટાયર કરવાનું મન નથી થતું..બજેટના ફાંફા થાય છે….તેમના પગલે મૂહર્તનો મેળ કરવો હવે અઘરો નહીં અશક્ય છે.

શ્રીમતીજી તડૂક્યાં…તમારું નામ તમારા બાપાએ આશારામ રાખ્યું છે..કઈંક તો આશા બંધાવો. સાંભળો… મારી ખાસ બહેનપણી ..એટલે તેણે તેની આ ખાનગી વાત કહી ..પછી પાછું કહ્યું..જો ને શ્રી નરેન્દ્રભાઈ સી.એમ. હતા ..તેથી મને તો કરોડની  લોટરી લાગી..તારું નશીબ તો મારાથી મોટું જ છે..નરેન્દ્રભાઈ હવે તો પી.એમ. છે….ને તેથી જો તારા વર આવતા બેસતા વર્ષે વહેલા ઊઠી..તેમના મૂહર્તે પીછો કરી..લોટરી લેશે..તો ચોક્કસ …મને તો લાગે છે કે..અમેરિકાની બમ્પર લોટરી તમને લાગશે…બીચારા ખૂબ ભોળા છે એટલે જ સ્તો. 

 બોલો…કયો તમારો સગો..  આટલું બધું  આપણું ભલું ઈચ્છે

લોટરી….  લોટરી..જપ જપતાં…શ્રી મોદીજી પાછળ આ કેજરીવાલા લોટરી લગાડવા ગયા …એમની હાલત મેં સગી આંખે  જોઈ છે..સપનામાં નહીં…મનમાં રટતો….હું હર હર ગંગે કહેતો સ્નાન કરવા બેસી ગયો…

જોઈએ હવે… આવતી દિવાળીની રંગોળીના રંગો કેવા હોય છે?..લોટરી લેવા જેવા કે???….

રમેશ પટેલ(આકાશદીપ) 

 

પ.પૂ.રવિશંકર મહારાજ….. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

 

ટૂંકા ધોતિયા પર કસવાળું કેડિયું ને માથે ગાંધી ટોપી પહેરી, ઉઘાડા પગે, ૬ ફૂટની એક સીત્તેરે પહોંચેલી વિભૂતિ , ભૂદાન ને સર્વોદય માટે પગપાળા પ્રવાસે ગામેગામ ઘૂમી રહી છે. સન ૧૯૫૫-૫૮ સુંધી, આશરે ૬૦૦૦ કિ.મી. નો પ્રવાસ કરનાર,આ મૂક સેવક  ફરતા ફરતા ખેડા જીલ્લાના મહિસા ગામે પધારે છે. સામે રસ્તામાં ચાલતાં થોડાં બાળકોને બોલાવી, ઓટલે બેસાડી વ્હાલથી વાતે વળગે છે…

છોકરાંઓ…બોલો ગામડું એટલે શું? ..પછી હસી કહે..ભેગા મળીને જીવે એ આપણા ગામની સંસ્કૃતિ. પાડોશી જો ભૂખે સૂંતો હોય તો એવું સુખ આપણને કદાપી ના ખપે. સૌ માટે જીવીએ એ સાચું જીવતર. જુઓ આપણો આ ગાંધી બાપો જો ચાર છોકરાંનો બાપો બની બેસી રહ્યો હોત તો, આજે ચાલીસ કરોડનો બાપુ કહેવાય છે…એ કહેવાત?… ના કહેવાત. આ બાપા જોડે હું બેઠો તો જુઓ મનેય લોકોએ ‘ દાદો’ બનાવી દીધો.  આપણું જીવન કેવું હોવું જોઈએ? ફૂલ જેવું સુગંધી ભર્યું…સૌને ગમતું. તમારી સુગંધી શું?…તમારી માણસાઈ.  છોકરાંઓ.. હૈયે એક શીખ ધરજો.. “સાથે ખાઓ ને સાથે જીવો”..આ વાર્તાલાપ સાંભળનાર , નાના બાળકોમાં હું પણ હતો..કેવું અમારું અહો ભાગ્ય?

આઝાદી પછી , સાબરકાંઠા, મહીકાંઠા ને વાત્રક કાંઠાના અંતરિયાળ ગામોમાં ઘૂમતી, આ  ત્યાગ , તપ , સેવા ને નિર્ભયતાની  ગાંધીવાદી મૂર્તિ , એજ આપણા મૂક લોક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ.

 

આ મહાપુરુષનું જન્મ સ્થળ હતું, ખેડા જીલ્લાનું રઢુ ગામ..એટલે કે મોસાળનું ગામ અને તેમનું  વતન એ આપણા મહેમદાવાદ તાલુકાનું  સરસવણી ગામ.  સંવત ૧૯૪૦ના મહાશિવરાત્રીએ, તા.૨૫-૨-૧૮૮૪ના રોજ માતા નાથીબાએ, આ દેશભક્ત પુત્ર રત્નને જન્મ દીધો.  ધૂળી નિશાળના આચાર્ય શ્રી શિવરામ પિતામ્બરદાસ વ્યાસ, ઔદિચ્ય ટોળક (પૌલત્સ્ય-ગોત્ર) બ્રાહ્મણ એ તેમના પિતાશ્રી.

 

પહાડની ગુફાઓમાં શિલ્પી મૂર્તિઓ ઘડે ને કેવો ઈતિહાસ બની જાય!  આવી જ વાત બાળપણની છે. માતા નાથીબા એના નાનકાને રામાયણ , મહાભારત ને સંસ્કાર કથાઓ કહી સંસ્કાર સીંચી રહ્યા છે.

વાતો સાંભળી નાનકડો રવિ પૂછે છે…બા..રામજી,  લક્ષ્મણ ભૈયા , જાનકીજી ને ભીમ એ બધાને ઘોર જંગલમાં જાય તે બીખ ના લાગે? રાક્ષસો આવે..વાઘ આવે?

નાથીબા કહે..દીકરા બીક તો મનમાં હોય, જો બહાદૂર થઈ આ શરીરને ખડતલ બનાવીએ તો બીક આપણાથી સંતાઈ જાય. માતાના આ બોલ પકડીને મોટો થયેલ આ બાળ રવિશંકર એવો નિર્ભય થયો કે, સાચે જ એક દિવસ બહારવટિયા સામે બાથ ભીડવા નીકળી પડેલ….

પિતાશ્રી શિક્ષક એટલે સાદાઈ ને સંયમના પાઠ ભણાવતા , પણ વગડે જઈ આમલી-પીપળી રમવાનું ને કલાકો સુંધી નદી કે તળાવમાં તરવાનું, એ રવિશંકરનો રોજનો કાર્યક્રમ. સાત ચોપડી અભ્યાસ પૂરો કર્યો ને સાથે સાથે ગામની સંસ્કૃતિનું વિપુલ સામાજિક જ્ઞાન એ ઝીલતો ગયો. પિતા પાસેથી  ટપકતા જીવનના મર્મને ઉરે ધરતો રવિ સૂરજબેન સાથે લગ્ન સંબંધે બંધાણો. હજુ તો ૧૯ વરસનો થયો ને પિતાનું  શિરછત્ર જતાં, ઘર-ગૃહસ્થીની સઘળી જવાબદારી તેમના શીરે આવી ગઈ. આફતના મોટા ઓળા હજુય પડઘમ દઈ રહ્યા હતા. સન ૧૯૦૭ માં ગુજરાતને પ્લેગની મહામારીએ ભરડામાં લીધી. આ ચેપી રોગથી ગામોમાં થતા અપમૃત્યુનું પ્રમાણ જોઈ સૌ ડરી ગયા. ચેપના લીધે અંતિમ સંસ્કાર કરવા જવાનું લોકો  ટાળવા લાગ્યા. આવા કપરા સમયે, રવિશંકર આ સેવા  આપવા આગળ આવ્યો. આ પ્લેગની બીમારીના કાળાકેરમાં , ૨૨મા વરસે રવિશંકરનું માતૃસુખ પણ છીનવાઈ ગયું. આ કપરા આઘાત છતાં , તેમણે અંતિમ સંસ્કારની લોક સેવા હિંમતભેર ચાલુ રાખી.

નદી કિનારા ને વગડો ખૂંદતો આ રવિશંકર હવે, એક ખડતલ વ્યક્તિત્ત્વ્ને નીખારી રહ્યો હતો. એક દિવસ  ચોમાસાના સમયે બે કાંઠે વહેતી નદીને જોવા લોકો ભેગા થયેલા. લોકોએ કોઈ ને તણાતું આવતું જોઈ બૂમાબમ કરી. રવિશંકરે તો પળનાય વિલંબ વગર બે કાંઠે વહેતી નદીમાં ઝંપલાવી દીધું. લોકોને લાગ્યું કે રવિએ ખોટું સાહસ કર્યું છે..શું થશે? પણ બહાદૂર રવિશંકર તો ડૂબતી વ્યક્તિને સહારો દેતો, ધસમસતા પ્રવાહનો વેગ ખમતો, કિનારે લઈ આવ્યો. આ  સાધુ બાવાજીનો જીવ આ સાહસિકે બચાવી લીધો. આવી જ રીતે એકવાર નદીએ કપડાં ધોતી એક બાઈ , ઊંડાપાણીના ધરા બાજુ લપસી ડૂબવા લાગી. આ તરવૈયા રવિશંકરે તેને પણ બચાવી લઈ, એક કુટુમ્બને આનંદથી ભરી દીધું. આમ દિવસે દિવસે સેવાથી રવિશંકરનું જીવન ઉઘડતું જતું હતું.

આઝાદીની ચળવળનો રંગ , આફ્રિકાથી સન-૧૯૧૫માં ગાંધીજી ભારત પરત આવ્યા પછી , જન માનસ પર છવાતો જતો હતો. રવિશંકર પણ દેશ કાજે કઈંક કરવાની ખેવનાથી, ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન.. ‘હિન્દ સ્વરાજ’ ની પ્રતિબંધિત પુસ્તિકાઓને , નડીયાદ જઈ સન- ૧૯૧૬માં ઘેર-ઘેર વિતરણ કરી આવ્યા.  ગૃહસ્થીની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં, એ સૌને કહેતા, ભાઈ! દેશ સેવાનું આ ટાણું કેમ ચૂકાય?

મહાત્મા ગાંધીજીએ ખેડૂતોના મહેસૂલ પ્રશ્નો માટે , અંગ્રેજ સરકાર સામે ચંપારણથી શરૂઆત કરી. ખેડૂતોના પ્રશ્નો માટે, ગાંધીજીએ ૨૨મી માર્ચ ૧૯૧૮ના રોજ ,  ખેડાજીલ્લાના બોરસદમાં સત્યાગ્રહ માટે સરદાર પટેલ સાથે, વિશાળ સભાનું આયોજન કર્યું. ગાંધીજીએ હાકલ કરી..ભારતની સૂરત બદલવા મારે મર્દોની જરૂર છે. શોસિત સમાજમાં ચેતના ફૂંકવી છે. આ સભામાં બેઠેલ, યુવાન રવિશંકરે, ગાંધીજીના બોલે, દેશને  સમર્પિત થવાનો નિશ્ચય કર્યો.  આ દિવસથી જ એક ઉત્તમ લોક સેવક આપણને મળી ગયા.

ગાંધીજીએ સૌથી પ્રથમ’ સ્વદેશી ચળવળ’ નો મંત્ર ફૂંક્યો ને લોકો તે ઝીલવા લાગ્યા. રવિશંકરે પણ ઘેર આવી પત્નિ સૂરજબેનને કહ્યું..આપની પાસે જે કોઈ રેશમી સાડીઓ છે , તે લઈ આવો. આપણે તેની હોળી કરીશું. પત્નિને એમ કે એકાદ સાડી રહેવા દેશે, પણ આતો રવિશંકર! તેમણે તો બધી જ સાડીઓને દીવાસળી ચાંપી દીધી.પત્નિને સમજાવતાં કહ્યું… આજથી ગાંધીજીનો દેશ માટેનો બોલ એ મારો ધર્મ છે ,ને  હવે જમીન ને ઘર તમારું ને હું દેશનો. લોકવ્રતધારી, આ સેવાની મૂર્તિ દેશકાજે અલગ રંગમાં આવી ગયો.

 

સરદારની હાકે, સન૧૯૨૬માં  બારડોલીના સત્યાગ્રહનાં મંડાણ થયા.  શ્રી મોહનલાલ પંડ્યા સાથે ૨૦૦૦ સ્વયં સેવકોનો સાથ લઈ, રવિશંકર ઘેરથી વિદાય થયા. અંગ્રેજ સરકારે આંદોલનકારીઓની ધરપકડ શરૂ કરી. રવિશંકરની પણ ધરપકડ થઈ ને , છ માસની જેલની સજા ફરમાવી. એ દિવસે જેલવાસો એટલે કાળી મજૂરી ને જોહૂકમી યાતનાઓ. જેલમાં હાથ ઘંટીએ રોજ છ કીલો અનાજ પીસાવી લોટ દળવાનું સૌને ફરજીયાત. બાવડામાં ગોઠલા ચડી જતા, ઘણા નિર્બળ સહયોગી દળી ના શકતાં જેલર ભૂખે રાખે. રવિશંકર એ રવિશંકર! એક દિવસ ૨૫ કીલો અનાજ  એકલા હાથે દળી કાઢ્યું, એવા એ ખડતલ હતા.

સન ૧૯૨૭માં, મધ્ય ગુજરાતમાં નદીઓના પૂરથી ખૂબ જ હોનારત થઈ. આ કપરા સમયમાં નદી કિનારાના ગામોની સેવામાં રાતદિન જોયા વગર એ ઘૂમવા લાગ્યા.ઘણીવાર ,એકલા કોતરોમાં માઈલોના માઈલો ચાલતા. વગડો ને  નજીકના ગામે જતાં રાત પડી જાય, બીહામણા રાની પશુઓના અવાજ આવે, પણ ડર્યા વગર  એ સેવા માટે ધસી જતા.એક પ્રસંગનું વર્ણન કરતા તેઓ કહેતા..ભાઈ! એક દિવસે મહિસાગર નદીકાંઠે ગયો , તો ફેરીની હોડી સંધ્યા કાળે નીકળી ગઈ. મેં તો નદીનો પ્રવાહ તેજ હતો ને પટ લાંબો પણ સામે પાર જવા જંપલાવી દીધું. ખૂબ જ તેજ પ્રવાહ ને અજાણી જગ્યા તોય હિંમતથી, નદી પાર કરી લીધી. ભીંના કપડે પાંચ માઈલ ચાલી બીજે ગામ પહોંચ્યો. લોકો એમને બરાબર ઓળખી ગયા ને કહેવા લાગ્યા લો ‘મહારાજ’ આવી ગયા. આ પૂરહોનારતના પ્રસંગ પછી એ સૌના લાડીલા ‘ રવિશંકર મહારાજ’ તરીકે ખ્યાત થઈ ગયા. કોઈ આડંબર વગરની કેવી ભવ્ય મૂક સેવા !

 

ગાંધીજીને બે વર્ષની જેલ થઈ ત્યારે , જેલ બહાર અનેક ચળવળકારો તેમનો સંદેશો સાંભળવા આવ્યા હતા. ગાંધીજીએ ત્યારે સૌને એક જ સંદેશ દીધો  કે ‘કોમની સેવા કરો , ચેતના જગાડો. એક જ ભાવ મનમાં રાખો કે આપણે સમાજનું ઋણ ચૂકવી રહ્યા છીએ’ . રવિશંકર મહારાજે પરત આવી, નદી તટે વસતી ધારાળા, પાટણવાડિયા ને બારૈયા જેવી કોમો માટે કામ કરવા સંકલ્પ કર્યો. અનેક કુટેવો ને વેરઝેરથી આ લોકોનું અધઃપતન થઈ રહ્યું હતું. સમાજ ને સરકાર તેમને ગુનેગાર ગણી ધુત્કારતી હતી . આવા સમયે, આ લોકો વચ્ચે મહારાજ ગયા ને તેમની પાસે જઈ સમજાવવા માંડ્યું. ભાઈઓ! કુટુમ્બો પાયમાલ થઈ રહ્યા છે, બહાદૂર કોમની આવી અવદશા? તમે એક ટંક ભૂખ્યા રહેશો એ ચાલશે પણ સંસ્કાર છોડી શું મેળવશો? ઝગડા સિવાય આ ઝીંદગીમાં તમે શું કમાયા છો? સુખી થવું હોય તો આ કુટેવો છોડો. હું જાણું છું કે આદતોનું બળ બહુ ભારે છે, પણ સમૂહમાં રહી પ્રયત્ન કરીશું , તો એ સરળ થઈ જશે.

ગામે ગામ ફરતાં , પાનો ચઢાવતા મહારાજ,સૌને ભૂપતસિંહ ઠાકોરના સંકલ્પની એક મજાની વાત કહેછે….

ભૂપતસિંહ  ઠાકોર સાહેબ…એટલે અફિણના પાકા બંધાણી. રવિશંકર તેમની પાસે ગયા ને વાત મૂકી…આજે તમારી ડેલીએ આ મહરાજ એક ટહેલ નાખે છે..નિરાશ કરશો નહીં ને?  ભૂપતસિંહ આ ઓલિયા જીવની સેવાથી સુપરિચિત હતા. એ બોલ્યા.. બોલો મહરાજ શી વાત છે? રવિશંકર કહે સૌના ભલા માટે એક ટેક લેવી છે, દરબાર છો એટલે તમે તો ટેકીલા. આજથી, આપ હવે પછી આ અફિણથી દૂર રહેશો એવી ટેક લો..બાપુએતો બધા વચ્ચે મહારાજને હા પાડી એટલે  રાજી થઈ મહારાજ આગળના ગામે જવા રવાના થયા.

અફિણના આ બંધાણી ભૂપતસિંહ તો પાંચ-છ કલાક પછી તરફડવા માંડ્યા, હમણાં બેભાન થઈ જશે..મરી જશે એવી તાણોએ શીયાવીયા થઈ ગયા. બૂમ પાડી ઠક્કરાંણાને કહે.. ઝટ લાવો દાબડી નહીં તો હું ગયો. ટેકની વાત બાપુએ પડતી મેલી. થોડા દિવસ પછી, રવિશંકર મહારાજ પાછા , તે ગામથી જતા હતા, ત્યારે ભૂપતસિંહની ખબર કાઢવા ગયા. મહારાજે પૂછ્યું ..ઠાકોર હવે અફિણ વગર બધું બરાબર હાલે છે ને?.. ઠીક છે ને? ભૂપતસિંહ ઠાકોર બોલ્યા..ધૂળ ઠીક છે. આતો મરતો બચ્યો..આ આંખોય તરવરી ગઈ હતી. આતો ફરી લીધું એટલે તમારી સામે જીવતો બેઠું છું. રવિશંકર મહારાજ બોલ્યા…ઠાકોર થઈને ટેક મૂકી દીધી. આવા જીવતર વગર મોત વહાલું કર્યું હોતતો ? આ દુનિયાનું શું ભલું થવાનું તમારા વગર અટકવાનું હતું? એક અફિણની ગોટી આગળ ક્ષત્રિય બચ્ચો ગોંઠણિયે પડી ગયો. મહારાજના આ બોલ ઠાકોરને કાળજે લાગ્યા. પાસે પડેલી એ અફિણની દાબલી ઘા કરી  દૂર ફેંકી ને કીધો મનથી સંકલ્પ. મહારાજ ! આજે ઠાકોર ટેક છે…માનશો, આ મનોબળ આગળ ટેવ ઝૂકી ગઈ ને અનેક લોકો પણ તેમના સંગે કુટેવથી મુક્ત થતા ગયા. આ બદી એ પ્રજાની આંતરિક નબળાઈ હતી, જે દૂર થતાં ગાંધીજીના આંદોલનમાં સહયોગ  માટે સૌ આગળ  આવવા લાગ્યા.

 

નદી કોતરો વાળા ગામોમાં, ડરાવી, ખેતીના પાકની મોસમ વખતે તૈયાર પાક પડાવી લેવાના, વટેમાર્ગુઓને લૂંટી લેવાના, ત્રાસ ખૂબજ વધી ગયા હતા. રવિશંકર મહારાજને વાવડ મલ્યા કે વગડે જંગલના રસ્તે રંજાળતી બહારવટિયાની  ટોળી આવી છે. લોકો ફફડાટના માર્યા એ બાજુ જવાનું ટાળવા લાગ્યા. રવિશંકર મહારાજ તો એકલા જંગલની એ વાટે નીકળી પડ્યા. સૂમસામ વાટે, કોતરોમાં એ ઊંડે સુંધી, બહારવટિયાનો પત્તો મેળવવા આગળને આગળ જવા લાગ્યા..ને અચાનક અવાજ સંભળાયો..’ખબરદાર..આગળ વધ્યો છે તો ગોળીએ દઈ દઈશ.

અમારા ઈલાકામાં મોત માટે આવ્યો છે?’..કહેતાં કહેતાં ત્રણ જણાઓ, બંધૂક તાકી સામે ઊભા રહ્યા. અમે તો બહારવટિયા છીએ..તારા સગા નથી. કોણ છે તું?

રવિશંકર કહે… હું પણ તમારા જેવો જ બહારવટિયો છું..પણ ગાંધીજીના બોલે અંગ્રેજો સામે દેશ માટે બહારવટિયે ચડ્યો છું. મરવાનો  મને ભય નથી. હું તમને જ મળવા આવ્યો છું.ભલા  ક્યાં છે તમારા સરદાર? મારે વાત કરવી છે…મારી પાસે ના કોઈ હથિયાર છે , ના મારે કોઈ તમારી સામે ધીંગાણું કરવું છે.

તેમનો સરદાર સામે આવ્યો એટલે મહારાજ બોલ્યા…તમે બહાદૂર છો..કોઈ અન્યાય થયો હોય પણ આપણા જ ભાઈઓને લૂંટવામાં શું બહાદૂરી કહેવાય? કોઈની પરસેવાની કમાણી લૂંટી લેવી , એટલે પાપ જ ને,  આપણને તે સુખી ના જ કરે. તમારે સાચા ડાકુ થવું હોયતો , આ વિદેશીઓ સામે દેશ માટે ગાંધીજી સાથે જોડાઓ. હુંય તમારી સાથે ફરીશ…આ મહારાજના બોલ છે. આ જાત મેં દેશને સોંપી છે..તમેય જીવન ઉજળું કરો. રવિશંકર મહારાજની સેવા ને હિંમત પંથકમાં પથરાયેલાં હતાં. ડાકુઓએ તેમની આંખોમાં આંખ પરોવીને હૃદય પરિવર્તન થઈ ગયું. આ પાપના રસ્તેથી આ ટોળી પાછી વળી ગઈ. રવિશંકર મહારાજના આ   પગલાએ લોકસમાજને મોટો હાશકારો દઈ દીધો. આવા નીડર હતા આપણા મહારાજ. પછી તો બોરસદમાં ‘વલ્લભ વિદ્યાલય’ ખોલી સમાજ સેવાના મહા યજ્ઞની ધૂણી ધખાવી દીધી. લોકોને એક રસ્તો મળી ગયો.

 

અંગ્રેજોએ મીઠા પર ૨૪૦૦ ટકા જેવો ભારે આકરો વેરો ઝીંક્યો. ગાંધીજીએ કૂચ કરી આ કાયદાને પડકારવા વાત કરી. તે સમયે , નહેરુ , સરદાર ને રાજેન્દ્રબાબુ વગેરેને લાગ્યું કે આથી શું હેતું સરશે? પણ ગાંધીજીની ચરખો ને ખાદીની વાતની જેમ જ, તેમાં  તેમની દીર્ઘ દ્રષ્ટી હશે , તેમ વિચારી સરદારે, મોહનલાલ પંડ્યા ને રવિશંકર મહારાજની સાથે દાંડીયાત્રાની રૂપરેખા તૈયાર કરી. સાબરમતી આશ્રમથી ૮૦ વ્યક્તિઓ સાથે આ યાત્રાનું આયોજન થયું. જેમ જેમ યાત્રા આગળ વધી , તેમ લોકજુવાળે રંગ પકડ્યો. ચપટી મીઠું ઉપાડી   ગાંધીજીએ સાચે જ અંગ્રેજ સલ્તનતને હચમચાવી દીધી. કાયદાના ભંગ માટે સૌ નેતાઓની ધરપકડ થઈ. આ ઐતિહાસિક દાંડી યાત્રામાં રવિશંકર મહારાજને પણ બે વર્ષની જેલ થઈ. જેલવાસ દરમ્યાન તેઓ સૌને ગામઠી ગીતા  કહેતા ને વાત કરતા.. ગાંધીજી તો  શિલ્પી છે…આ જેલમાંનું આપણું તપ આઝાદીનો સૂરજ ઉગાડશે. આઝાદીની લડતના આ વીર સીપાહીએ ..૧૯૪૨ની ભારત છોડો ચળવળ થી ૧૯૪૭ સુંધીમાં સક્રિય ભૂમિકા નીભાવી ને કુલ દશ વર્ષ જેવી જેલની યાતનાઓ હસતે મુખે વેઠી.

દેશ આઝાદ થયો , પણ ગાંધીજીએ સૂચવેલ સમાજ સુધારણાની ને સર્વોદય યોજનાઓ માટે , આ મૂક સેવકે યાત્રા ચાલુ જ રાખી. અમદાવાદમાં સન ૧૯૨૦માં, એક ગૃહસ્થના ત્યાંથી તેમનાં પગરખાં ચોરાઈ ગયાં હતાં, ત્યાર બાદ તે ઉઘાડા પગે જ ભમ્યા.. વિનોબાજીના ભૂદાન યજ્ઞ માટે ફરતાં , જે લોક પ્રતિસાદ મળતો , તેની મીઠી વાતો , આપણા સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ‘માણસાઈના દીવા’ માં ઝીલી લીધી.

‘ઘસાઈને ઉજળા થઈએ’ એ ઉક્તિ એ  સાબરકાંઠા ને મહીકાંઠાના ગામોમાં એક ચેતના ફેલાવી દીધી…એક સરસ પ્રસંગની વાત તેમની સાથે જોડાયેલી છે.

સાબરકાંઠાના એક ગામમાં , એક માજી મહારાજને મળવા આવ્યાં. માજી બોલ્યાં….મહારાજ આપના ચરણે મારે દાન આપવું છે. મહારાજ કહે… શું આપશો? માજી કહે…. મારી પાસે દસ બકરીઓ છે , તે આપવી છે. મહારાજે કહ્યું… સારું માજી. આપના હાથે કોને દાન દઈશું , એ માટે ગામમાં ફરીશ ને તપાસ કરીશ. મહારાજે એક અત્યંત ગરીબ છોકરો અને તેની વૃધ્ધ માને બોલાવ્યાં ને માજીના હસ્તે દસે દસ બકરીઓ તેને આપી દીધી. માજી બીજે દિવસે મહારાજને મળવા આવ્યાં ને બોલ્યાં…આજે મને સરસ ઉંઘ આવી. દાદા હજુ મારે કઈંક આપવું છે. ..મારી પાસે બે મકાન છે. મારે તો એકની જ જરુર છે..એકલી જ છું, તો આ બીજું મકાન કોઈને  દાનમાં આપવું છે. મહારાજ તો માજી સામે જોઈ રહ્યા ને બોલ્યા સારું. મહારાજ તો  ગામમાં  ફરવા લાગ્યા, એક તૂટેલી ઝૂંપડીમાં  રહેતા, અત્યંત ગરીબ રબારી કુટુમ્બને મળ્યા. વરસાદને ઠંડી સહેતા એ પરિવારને માજી પાસે બોલાવી લાવ્યા. રબારી તો મકાન મળતાં , મહારાજને પગે લાગવા નીચો નમ્યો કે મહારાજ બોલ્યા..મને નહીં , આ વૃધ્ધ માજીને પગે લાગ. તેમણે સાથે શીખ દીધી..આ માજી જીવે ત્યાં સુંધી તારે તેમનું ધ્યાન રાખવાનું છે.આ સાંભળી માજી બોલી ઊઠ્યાં…ના મહારાજ..દાનમાં આવી શરત ના રખાય. હું તો દાન દઈ રર્હી છું. માજીની આ માનવતાની ચરમ સીમા જોઈ…મહારાજ  કહે માજી તમારા સંસ્કાર આગળ આ સૌ શાસ્ત્રો આજે નાનાં થઈ ગયાં.

રવિશંકર મહારાજની આ પદયાત્રામાં શોષિત સમાજને બેઠો કરવા..શ્રમજીવીથી શ્રીમંત સઘળાંના સાથથી, ગ્રામ સ્વરાજની બાપુની વાતને તેમણે  મૂર્તિમંત કરી બતાવી. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે..મહારાજના મુખેથી સાંભળેલી આવી વાતોને ‘ જીવન નીતરતી વાણી’ પુસ્તકમાં ઝીલી લીધી છે.

 

૨૦ મી સપ્ટેમ્બર, ૧૯૫૨માં ચીનમાં (ત્રણ માસ માટે) આયોજિત ‘શાંતિ પરિષદ’ માં ભાગ લેવા જઈ, કવિશ્રી ઉમાશંકર જોષી ને આ ગાંધી પેઢીના મહાનાયક પૂ.રવિશંકર મહારાજે , દેશનું ગૌરવ વધારેલ, એ મધુર સંભારણાં છે.

શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની અલગ ‘મહા ગુજરાત’ ની લડતની ફલશ્રુતિ એટલે દ્વિભાષી રાજ્ય મહારાષ્ટ્રમાંથી અલગ ‘ગુજરાત’ રાજ્યની સ્થાપના. પહેલી મે ૧૯૬૦ના એ ઐતિહાસિક  દિવસે સૌ , અમદાવાદના  ગાંધી(હરિજન) આશ્રમે ભેગા મળ્યા છે. ઘુરંધર રાજકીય ને સામાજિક  નેતાઓ સાથે શ્રી મોરારજી દેસાઈ ને શ્રી જીવરાજ મહેતા બેઠા છે. એક લીમડાની નીચેથી, એક ૭૬ વર્ષના ગાંધીવાદીને  ઊભા કરી તેમના હસ્તે, ગુજરાત રાજ્યની સ્થાપનાનો મંગલ દીપ પ્રગટાવાય છે.. ને  આશીર્વચનના બોલ ઝરે છે…

” દેશને માટે જેમણે નાની -મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે તે સૌ નામી અનામી રાષ્ટ્રવીરોને આદર ભાવે વંદન કરું છું. ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ.સર્વ પ્રાંતના લોકો આપણા દેશ બંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ; એ કદી ન ભૂલીએ. આ અમારું રાજ્ય છે ને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઊઠાવવો જોઈએ…એવી આપણે ભાવના જગાવીએ.”

સમજી ગયા, આ ગુજરાત રાજ્યના સ્થાપના દિનના ઉદઘાટક દાદા કોણ હતા?.. આપણા મૂક સેવક પૂ. રવિશંકર મહારાજ…કેવું અહોભાગ્ય આપણું.

લોક સેવાનું વ્રત આજીવન આદરી , આપણા દાદા રવિશંકર મહારાજ, અંતિમ દિવસોમાં, જે જગ્યાએથી મહાત્માગાંધીજીના સંપર્કમાં આવેલ, એ બોચાસણની  પાવન ભૂમિમાં પોતાના પુત્ર પાસે રહ્યા.રથયાત્રાના પાવન દિવસે,પ્રાતઃકાળે, ૧લી જુલાય, ૧૯૮૪ના રોજ સતાયુ આયુની સેવા કરી તેમણે જીવનલીલા સંકેલી, આપણી આંખો ભીંની કરી દીધી.

દેશને માટે જ જન્મેલા, ગાંધી પેઢીના, ગાંધી રાહે, ગાંધી દર્શન ઝીલેલા પૈકી એક, આઝાદીના આ અમર  લડવૈયા, લોક સેવક, વિરલ વિભૂતિ અને મૂક સેવકની, ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડીને સન્માન દીધું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જાઓ તો ,લોકસેવક,  આપણા મહરાજ રવિશંકરદાદાની પ્રતિમાનાં દર્શન જરૂરથી કરજો ને ધન્ય થાજો.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

નોંધ- પુસ્તકો…તેમની જીવનકથા સંબંધિત

શ્રીયશવંત શુક્લ…વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ

શ્રી ઝવેરચંદ મેઘાણી ….માણસાઈના દીવા

શ્રી મગનભાઈ પટેલ-જીવન નીતરી વાણી..મહારાજના મુખેથી સાંભળેલી વાતો.

શ્રી બબલભાઇ મહેતા….  સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર

 

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

નોંધ- પુસ્તકો…તેમની જીવનકથા સંબંધિત

શ્રીયશવંત શુક્લ…વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ

શ્રી ઝવેરચંદ મેઘાણી ….માણસાઈના દીવા

શ્રી મગનભાઈ પટેલ-જીવન નીતરી વાણી..મહારાજના મુખેથી સાંભળેલી વાતો.

શ્રી બબલભાઇ મહેતા….  સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર

 

 

અમદાવાદના ૬૦૫ સ્‍થાપના દિવસ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ

 સાબરમતી કિનારે, અમદાવાદના ૬૦૫ સ્‍થાપના દિવસની, તા-૨૬મી ફેબ્રુઆરીએ આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી.. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરાયું . અમદાવાદ શહેરના મેયર ગૌત્તમ શાહે જણાવ્‍યું હતું કે, આજના દિવસે માણેકનાથજીની યાદમાં અહેમદશાહ બાદશાહે બનાવેલ માણેક બુરજની મેયર ગૌત્તમ શાહ અને ગુરુ માણેકનાથજીના વારસદાર ૧૩માં મહંત ચંદનનાથજી ધનશ્‍યામનાથજીના હસ્‍તે આજે સવારે પૂજા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા મેયરે વધુમાં જણાવ્‍યં છે કે, સને ૧૪૧૧માં આજ રોજ અમદાવાદના સ્‍થાપના દિન નિમિત્તે સ્‍વામી વિવેકાનંદ પુર (એલિસબ્રિજ) ખાતે આવેલા માણેક બુરજની પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન માણેકનાથજીના વારસદાર એવા ૧૩માં મહંત ચંદનાથજી ધનશ્‍યામનાથજી દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ ગઇકાલે સાંજે માણેક બુરજ પર નવી ધજા પણ રોહણ કરવામાં આવી હતી.(સમાચાર-અકીલા ન્યુઝ..આભાર)

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………….

ભારતનું  સાતમું સૌથી મોટું શહેર એટલે આપણું અમદાવાદ..મહાનગર.” .. સૌને આ વાત યાદ છે…” જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા“..

દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે ” જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”…૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧..જન્મદિન.

જોકે, પુરાતત્વીય પુરાવા એવું સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી ‘અહમદાબાદ’ રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઇને ‘અમદાવાદ’[૩] તરીકે ઓળખાવા લાગ્યું.

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૪] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૫] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૬]મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૭]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું ‘માંચેસ્ટર’ પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

………………………………………………………………..

 યશવંતી ગુજરાત…રમેશ પટેલ(આકાશદીપ)

 

ગુણીયલ   ગુર્જર   ગિરા  અમારી, ગૌરવવંતા ગાન

સ્નેહ  સમર્પણ  શૌર્ય  શાંતિના,  દીધા  અમને  પાઠ

રાજવી  સાક્ષર  સંત મહાજન , ધરે  રસવંતા  થાળ

જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

 

 

 

જનમ્યા  ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા  છે ગુલદસ્ત

તવ  રંગે  સોડમે  ખીલ્યાં, મઘમઘતાં  માનવ પુષ્પ

 વિશ્વ  પથ  દર્શક  ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન

ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

 

 

 

રમ્ય   ડુંગરા   સરિતા  મલકે,  ધરતી  ઘણી  રસાળ

ગરબે ઝગમગે જીવન દીપ ને,જગત જનનીનો સાથ.

ધરતી   મારી  કુબેર  ભંડારી, ભરશું  પ્રગતિ સોપાન

જય  જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર  તવ ભાલ.

 રત્નાકર  ગરજે   ગુર્જર   દ્વારે,  કરે  શૌર્ય  લલકાર

મૈયા   નર્મદા  પુનિત  દર્શિની  ભરે   અન્ન  ભંડાર

માત  મહીસાગર  મહિમાવંતી, તાપી  તેજ  પ્રતાપ

જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

 પાવન  તીર્થ , તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન  અમાપ

સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર

વલ્લભ  સરદાર  સંગે  ગાજે  ગગને  જય  સોમનાથ

ધન્ય  ધન્ય  ગુર્જરી માત શોભે યશચંદ્ર  તવ  ભાલ

 

ભારતવર્ષે   પરમ  પ્રકાશે, જાણે  હસ્તી  પર  અંબાડી

સપ્ત  સમંદર સવારી  અમારી, દરિયા  દિલ  વિશ્વાસી

અનુપમ  તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત

રમાડે  ખોળે  સિંહ સંતાન , શોભે  યશચંદ્ર  તવ ભાલ

 

ગાયાં પ્રભાતિયાં ભક્ત નરસિંહે, આભલે  પ્રગટ્યા ઉમંગ

સાબર  દાંડી  શ્વેત  ક્રાન્તિના, દીઠા  પુણ્ય  પ્રતાપી રંગ

‘આકાશદીપ’  વધાવે  વીર  સુનિતા  છાયો પ્રેમ અનંત

ધન્ય  ધન્ય ગુર્જરી માત, શોભે  યશચંદ્ર  તવ  ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

સાહિત્ય પ્રેમીઓની, માતૃભાષાના માધુર્યને ઝીલતી આ બેઠકો, પણ એટલી જ ગૌરવશાળી છે.

e216bb7748970e086542123ffe232338

 

 

 

“બેઠક” શબ્દની સૌરભ જ કોઈ ઓર છે. આપણા સંત શિરોમણી વલ્લભાચાર્યની વિચરણના ..સત્સંગના સ્થાનકો, આસ્થાની ગાદી બની તીર્થો બની ગયા છે. સાહિત્ય પ્રેમીઓની, માતૃભાષાના માધુર્યને ઝીલતી આ બેઠકો, પણ એટલી જ ગૌરવશાળી છે. સુશ્રી પ્રજ્ઞાબેન એટલે, ઉત્સાહી સૂત્રધાર ને તેમણે સાહિત્ય ઉપાસકોનો એટલો જ ઉમળકો મળ્યો..સૌ ધન્યવાદને પાત્ર છે. આપની વાર્તાને ઈનામ મળ્યું એ સમાચાર પણ મીઠડા છે. શ્રી દાવડા સાહેબનો અદમ્ય ઉત્સાહ અમને પણ પ્રેરણા આપે છે. સૌની સાથે સંવાદ જાળવવો એ એક કલા છે ને સુશ્રી પ્રજ્ઞાબેનના કાર્યની સુવાસ , બે એરિયાની સુવાસ બની ગઈ છે…સૌને અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

નાતાલ પર્વને ઉમંગે વધાવીએ…..સંકલન- રમેશ પટેલ(આકાશદીપ).

cristmas

વિશ્વના બહુધા દેશોમાં , ઘર , વૃક્ષો ને શેરીઓ લાઈટ સિરિઝથી એક મહિનાથી, ડિસેમ્બરમાં ઝગમગી રહ્રા છે. ઘરમાં ચ્રીસ્ટમસ ટ્રી ને હવે ગીફ્ટનો , ઢગલો કરી સૌ ૨૫મીની રાહ જોઈ રહ્યા છે.આવો નાતાલ પર્વને ઉમંગે વધાવીએ….હિંસાનો માર્ગ છોડી કરૂણા ને પ્રેમને અંતરમાં ઉછાળીએ…જેની આજે તાતી જરૂર છે. 

ઈસુ મસીહાનો જન્મ સ્થળ એટલે જેરુસલેમનું જંગલ.  બાઈબલને આધારે કહીએ તો માતા મરિયમને એવો સંદેશ મળ્યો હતો કે તેમની કૂખેથી ઈશ્વરપુત્ર જન્મ લેશે. ફિલિસ્તાનમાં હિરોદ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે સમયે માતા મરિયમે ઈસુ મસીહાને આ ધરાએ જન્મ આપ્યો. બાળપણથી ઈસુને ધર્મ અને જ્ઞાનની વાતોમાં રસ હતો. તેઓ બાર વર્ષના હતા ત્યારથી જ સૌથી વધારે સમય ચર્ચમાં પસાર કરતા હતા અને તેમને ચર્ચનું આધ્યાત્મિક વાતાવરણ હંમેશાં પ્રભાવિત કરતું. ઈસુ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે તેમની મુલાકાત એક મહાત્મા યૂહન્ના કે જેઓ જોનના નામે ઓળખાતા હતા તેમની સાથે થઈ. તેમનું પ્રવચન સાંભળ્યા બાદ ઈસુનું સમગ્ર જીવન બદલાઈ ગયું. જોનની દિવ્ય વાણીએ ઈસુને પણ માનવધર્મના સંરક્ષક તરીકે કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડી. તેમણે જોન પાસેથી ગુરુદીક્ષા લીધી અને તે પણ ગુરુના દર્શાવેલા પથ પર ચાલી નીકળ્યા.

ત્રીસ વર્ષની ભરયુવાનીમાં તેમણે ગૃહત્યાગ કરી દીધો અને લોકોને નાતજાત, અમીર-ગરીબના ભેદભાવ ભુલાવીને પ્રેમ અને કરુણાનું હૃદયમાં નિર્માણ કરવાની પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે, પ્રેમ, કરુણા અને સૌહાર્દથી જ આ જગતમાં પ્રભુનું રાજ્ય સ્થપાશે.

ઈસુનો જીવનસંદેશ

પ્રભુ ઈસુએ પોતાના સ્વ મુખેથી આપેલા સુવર્ણ સંદેશાઓ આ પ્રમાણે છે.

  • સર્વને પ્રેમ કરો અને દયા રાખો.
  • ક્રોધ અને લોભ ન કરો.
  • વિષય વાસનામાં ન પડો.
  • અપરાધીને પણ ક્ષમા કરો.
  • પાપને ઘૃણા કરો, પાપીને નહીં.
  • જે સત્ય છે તેને પ્રગટ કરવામાં સંકોચ ન રાખો.
  • અન્યાય કે અત્યાચાર ન કરો.
  • ગરીબોની સેવા કરો
  • ઈશ્વરીય સત્તા પર વિશ્વાસ રાખો.

નાતાલની ઉજવણી

નાતાલ એટલે કે ક્રિસમસની ઉજવણી પ્રભુ ઈસુના જન્મના સ્મરણાર્થે ઉમગથી કરવામાં આવે છે. પરંપરાગત રીતે સૌ આજે, ૨૫ ડિસેમ્બરને ઈસુની જન્મજયંતી તરીકે મનાવે છે. નાતાલનૂં પર્વ , મનુષ્ય માત્રને ઈશ્વર સાથે જોડાવાની તક આપે છે. આપણે ઈશ્વરના પ્રેમને ઓળખીએ, તેમના પ્રેમથી સભર બનીએ ત્યારે, જાણે સમગ્ર દુનિયાને પણ આ પ્રેમસૂત્રમાં આપણે બાંધીએ છીએ. નાતાલનું પર્વ પ્રેમ અને આશાનું પર્વ છે. નાતાલના દિવસે ચર્ચમાં જઈને ખ્રિસ્તિ લોકો પ્રાર્થના કરે છે. ચર્ચ તથા અન્ય જગ્યાઓ પર ઈસુ મસીહાના જન્મ સમયની આબેહૂબ ઝાંખી તૈયાર કરવામાં આવે છે. લોકો ઘરે પવિત્ર ક્રિસમસ ટ્રી લાવીને તેને લાઇટિંગ સહિત અન્ય શણગારની વસ્તુઓથી સજાવે છે. લોકો એકબીજાને ભેટ આપે છે અને ‘મેરી ક્રિસમસ’ કહીને આનંદ વ્યક્ત કરે છે. બાળકો કેક, પેસ્ટ્રી, કૂકીઝ અને મીઠાઈ ખાઈને મજા કરે છે. ઘણી જગ્યાએ સાંતાક્લોઝ આવીને બાળકોને વિવિધ ગિફ્ટ આપે છે.

પર્વ વિશેષ : કેરોલિના મેકવાન….આભાર સંદેશ ન્યુઝ પેપર.

………………………………………………………………………..

સંત ફ્રાન્સિસ અસિસીની શાંતિ પ્રાર્થના….

હે ભગવાન!

તવ શાન્તિનું ઝરણ બનું હું

એવું દે વરદાન! એવું દે વરદાન!

વેરઝેર ત્યાં તારો પ્રેમ વહાવું,

અન્યાય જોઈ તારો ન્યાય પ્રસારું,

કુશંકાઓ શ્રધ્ધાદીપથી બાળું,

હોય હતાશા ત્યાં આશા પ્રગટાવું,

એવું દે વરદાન!

અન્ય પાસથી દિલાશો છો નવ મળતો,

તો પણ સહુને રહું દિલાસો ધરતો,

ભલે ન કોઈ ચાહે-સમજે મુજને,

મથું સમજવા-ચાહવા હું તો સહુ ને,

એવું દે વરદાન!

આપી આપીને બેવડ થાય કમાણી,

ક્ષમા આપતાં મળે ક્ષમાની લહાણી,

મૃત્યુમાં મળે અમર જીવનનું વરદાન,

પ્રભુજી, એનું રહેજો અમને ધ્યાન,

એવું દે વરદાન! એવું દે વરદાન!

(પ્રાર્થનાનો અનુવાદ-શ્રી યોસેફ મેકવાન)

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ)..ગુજરાત ટાઈમ્સ-ફાધર વર્ગીસ પોલનો લેખ.

મારી ભાષા તું ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

મિત્રો માતૃભાષા દિવસે  ન મૂકી શકી માટે માફી માગું છું  

પણ માતૃભાષા  સદાય વ્હાલી હોય છે 

માટે આજુ રજુ કરું છું. 

મારી  ભાષા  તું  ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

આજે ૨૧મી ફેબ્રુઆરી…વિશ્વ વધાવે છે કહી’ માતૃભાષા દિન’

 આપણી ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી સંત નરસિંહ મેહતાજી, આ મા બોલી ને ઝીલી ગાઈ. સત્તરમી સદીમાં શ્રી પ્રેમાનંદે તેને ગુજરાતી ભાષાનું નામ દઈ સન્માન દીધું.એ રસકવિના પેંઘડામાં પગ ઘાલે એવું કૌવત હજુ હાથવગું થયું નથી…પછી તો માતૃભાષાએ ગુર્જર સંસ્કૃતિને પારણે ઝૂલાવી.

સુધારક યુગ- ૧૮૫૦ થી ૧૮૮૫

પંડિત યુગ- ૧૮૮૫ થી ૧૯૧૫

ગાંધીયુગ- ૧૯૧૫ થી  ૧૯૫૦

અનુગાંધી યુગ-  ૧૯૫૦ થી ૧૯૭૫

આધુનિક યુગ- ૧૯૭૫….ને પછી..નવી પેઢીમાં વિશ્વ વાયરે  ઊઠી આંધી!

હવે નેટ જગતે …ઝીલમીલ સિતારોંકા આંગન હોગા ..મા બોલી અનેક પડઘામાં પડઘાતી આગળ ધપી રહી છે…

………………………

ધન્ય! માતૃભાષા મા બોલી…રમેશ પટેલ(આકાશદીપ)

 

સંબંધની   તું  રેશમ  દોરી

પઢીતી  પારણીયામાં પોઢી

વિશ્વ  વધાવે આ ખુશહાલિ

ધન્ય! માતૃભાષા મા બોલી

 

મધુ મીઠડી માતૃભાષા તું,

જીવનની ઉપલબ્ધિ

અનુભૂતિનો  અબ્ધિ

ખીલી ખીલવે સંસ્કૃતિ તું ભોળી

વંદું આજ  માતૃભાષા મા બોલી

 

ધન્ય માતૃભાષા જ!

તું ગીત કલાની  ઝોળી

આત્મ સન્માનની ડોલી

પલપલના વૈભવે  ભરી તારી રે ઝોળી,

વિશ્વ વધાવે મા બોલી

વંદું  આજ માતૃભાષા મા બોલી

રમેશ પટેલ(આકાશદીપ)

……………………………………….

મારી   ભાષા તું  ગુજરાતી…રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભાતિયા  જેવી  પુનિત  જ  મારી   ભાષા તું  ગુજરાતી

માતૃભાષા  દિન  ઉજવે   વિશ્વને, ચાહ  ઘણી  ઊભરાતી

 

‘નાગદમણ ‘નો   આદિ  કવિ વ્હાલો  રે ભક્ત  નરસૈયો

પ્રેમાનંદ  તું   ધન્ય  જ  રે   ટેકી, શતવંદી  ગુર્જર છૈયો

 

ખુલ્યા  ભાગ્યને   મળ્યા રે  નર્મદ   દલપત   અર્વાચીને

ને   મલકાણી   ભાષા  ગુજરાતી   હસતી  રમતી   દિલે

 

મેધાવી   સાક્ષર   મોટા  હાલે   જાણે ,અસ્મિતા વણઝાર

ગાંધી  આધુનિક   યુગ મહેકે મોભે , ધરી કનકી  ઉપહાર

 

મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી ,ને બંગ રંગ તવ મજાના

ગુર્જર  ભાષાએ  ઝીલ્યા  ભાઈ,   વિશ્વતણા  શબ્દ  ખજાના

 

ફેબ્રુઆરી  એકવિસમો , દિન  વિશ્વ  માતૃભાષાનો  ગરવો

ગુર્જર  લોકસાહિત્ય  સાગર તીરે  માણું  રે ચાહત  જલવો

રમેશ પટેલ(આકાશદીપ)

રમેશ પટેલ(આકાશદીપ

-રમેશ પટેલ

મિત્રો ,

મધર્સ ડે’ ના અવસર માટે  રમેશભાઈ પટેલે મોકલેલો આ લેખ અત્યારે જ મુકું છું ,શું માંને યાદ કરવા માટે કોઈ દિવસ જોઈએ ખરા ?ખુબ જાણીતા લેખક રમેશભાઈ પટેલે ખાસ શબ્દોના સર્જન માટે આ લેખ મોકલાવ્યો છે તો માણીએ ,”બા બોલુંને ઝૂલે રે બાળપણ”,સ્પર્શી જાય તેવી પંક્તિ।. પરંતુ લેખ વાંચશો તો માની યાદથી આંખો ભીજાય જશે ,એમણે વર્ણવેલા પ્રસંગ સાથે તમારાં માં સાથેના પ્રસંગ એવા જોડાઈ જશે કે માતૃવંદના થી માથું ઢળી પડશે,આપ સહુ વાંચો અને અભિપ્રાય આપી શબ્દોના સર્જનપર આવકારી લો તો સારું……

વિષય-માતૃવંદના…કાશીબા…રમેશ પટેલ(આકાશદીપ)

 લેખ-‘મધર્સ ડે’ ના અવસર પર….આપના આમંત્રણ બદલ આભાર સાથે.

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી.

પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.

માનું હૈયું એટલે મમતાની સુગંધ.

માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે
લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત  ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ.આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.ચાર ચોપડી ભણેલાં પણ જીવનનું ગણતર ખૂબ જ પાકું. ચૌદ વર્ષની કુમળી વયે પરણીને , ડાકોર પંથકમાં શ્રી રછોડરાય મહારાજા, ફાગવેલા મહારાજ અને નડીયાદના શ્રી સંતરામ મહારાજની કૃપા ઝીલતા , ત્રિભેટે ઉભેલા ગામ મહિસામાં આવ્યા. બા એજ કહેલી થોડીક વાતો આ નિમિત્તે માનસપટ પર રમવા લાગી ,જાણે કોઈ  રસપ્રદ ઈતિહાસ,એ જમાનામાં ભણ્યા ના ભણ્યા ને સંતાનો બાપોતી ધંધામાં જોતરાઈ જતા,પણ અમારા વડીલો કેળવણી બાબત સજાગ એટલે મારા દાદાશ્રી દ્વારકાદાસ છેક પુના જઈ ફોજદાર થયેલા  અને  ભારે રુઆબ અને કડપ. બા તો બિચારા   નાના ને ગભરું, અને મુખી કુટુમ્બનું પાંચમાં પૂછાતું ખોરડું એટલે પરોણાગતનો પાર નહીં . મારા પિતાશ્રી અમદાવાદ અભ્યાસ કરે. દાદાજીનો રસાલો તેમના ઘોડા અને ઘરના સામાન સાથે સુરત , ભરુચ અને સાદરા વગેરે સ્થળોએ ઘૂમતો અને નાનીવયનાં બા સૌની સાથે જીવનમાં ગોઠવાતાં જતાં. દાદીમાં વહેલાં ગુજરી ગયેલાં અને કોઇ નણંદ નહીં, એટલે ઘરની બધીજવાબદારી  નાનકડી વયે જ બાને ઉપાડવાની આવી. દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા અને બા ની બીજી ઈનીંગ્સ શરુ થઈ.ખેતીવાડી સાથે ઘર આંગણ દુધાળાં જાનવર  તથા બળદો એટલે ઘરનો ઠાઠ ગણાતો. એ જમાનામાં વીજળીની સુવિધા નહીં એટલે ગામડા ગામે ઘર ઘંટી , વલોણાં અને કુવાથી પાણી લાવી પાણિયારે ઝગમગાટ દાખવવામાં જ ઘરની મહિલાઓ ખૂંપી જતી. બા એ આ સઘળી જવાબદારી ઊપાડી ને સાથે સાથે અમે ચાર ભાઈ અને એક બહેનના ઉછેરમાં પણ કોઈ કચાશ ના રાખી.માવતરની આ તપસ્યાનાં ઋણ તો ઉતારે ના ઉતરે તેવાં છે.બા ભણેલાં ચાર ચોપડી પણ વાંચનનો શોખ ભારે અને મારા પિતાશ્રી ઝવેરભાઈએતો આ શોખ ને બિરદાવતાં , ધાર્મિક પુસ્તકો , સ્વામિવિવેકાનંદના આખ્યાનો,શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને ચારિત્ર્ય ઘડતરનાં પુસ્તકોથી , ઘરમાં જ પુસ્તકાલય ઉભું કરી દીધું. અમારા ઘેર તે વખતે શ્રી પૂજાભાઈ બારોટ નામના વડીલ આવતા, બા તેમને અમારા ઘરના ચોકમાં રાખેલી મોટી પાટ પર બેસાડી , ફળિયાના છોકરાઓને બોલાવી , તેમની રસપ્રદ શૈલીમાં સુંદર ચાતુરીની વાતો  કહેવડાવતા. પૂજાભાઈનો તો પછી એ નિત્ય સેવાક્રમ થઈ ગયો અને આખા ગામના બાળકો વાર્તાઓ સાંભળવા આવવા લાગેલા. પૂજાકાકા પછીતો અમારા ઘરમાંની કોઈ ચોપડી પસંદ કરી વાર્તા કહેતા અને છોકરાઓને બાકી વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરતા ને બાળકોને મજાથી વાંચવાની આદત પાડી દેતા. બાના ઉત્સાહ વધ્યો ને કામમંમાં વધારો થયો ,એ નોંધી  નોંધીને વાંચવા પુસ્તકો આપે ને  પાછા લે .પૂજાભાઈના સહકારથી શરુ થયેલું એ પુસ્તકાલય , મોટાભાઈ વિષ્નુભાઈ આજે પણ ગ્રામજનો માટે ચલાવે છે. મને કવિતાઓ લખવાની અને સાહિત્યને મજાથી માણવાની  દેન ,એ કાશીબા અને પિતાશ્રી તથા પૂજાભાઈ  બારોટ જેવા પરગજું વડીલોના બાળપણમાં દીધેલા સંસ્કારોને આભારી છે…કેવાં કેવાં ઋણ આપણે શીરે છે,આ નિમિત્તે યાદ આવી ગયાં.  આજથી આશરે સો વર્ષ અગાઉ મારા ગામ મહિસામાં ફક્ત ચાર ધોરણ સુધીની શાળા અને આગળ અભ્યાસ માટે કુમળી વયે માવતરથી છૂટા પડી, નજીકના કઠલાલ ગામે બોર્ડીંગની વ્યવસ્થાવાળી જગ્યાએ બાળકોને જવું પડતું. મારા મોટાભાઈ વિષ્નુભાઈને જ્યારે આટલી નાની વયે  ભણવા બહાર મૂકવા પડ્યા ને બા નો જીવ કપાઈ ગયો. બા એ ભારે હૃદયથી પિતાજીને એ સમયે જે કહ્યું  અને સૌને એ પ્રસંગની વાત કહેલી એ આજે પણ ભાવવિભોર કરી દે તેવી છે.મારે મારા આ બીજા નાનકાને ઘરથી દૂર કરી ભણાવવો નથી…બા બોલ્યાં.પિતાજી કહે છોકરાં ને તો ભણાવવાં જ પડે…આમ કેમ વાત કરોછો?તમે ગામના મુખી છો અને આટલા વડીલો …જુઓ ને આખો વર્ગ અબૂધ જેવાં બાળકો બહાર જાય છે તો આગળ નવા વર્ગ માટે સગવડ કરોને?મા અને આ નાનાં છોકરાની આંખોમાં આંખો પરોવશો તો કઈંક દેખાશે અને સમજાશે.બાની વાત સાંભળી આખી રાત પિતાજીને ઉંઘ ના આવી. બીજે દિવસે..ગામ લોકોએ મળી, એક કેળવણી મંડળ સ્થાપ્યું , પિતાજી ટ્રસ્ટી બન્યા અને શાળા માટે જમીન દાનમાં આપી. અમારા ગામમાં ધર્મશાળા હતી તેમાં તાત્કાલિક ઓરડાની વ્યવસ્થા કરી , મંજૂરી મેળવી એકપછી એકવર્ગ ખોલવા પ્રયત્ન કરતા ગયા. બા નો આ બીજો દીકરો એટલે હું , ઘર આંગણે ભણ્યો અને આગળ વધી ઈલેક્ટ્રીક એન્જીનિયર થઈ , આજે ગુજરાતને ઝળહળ કરતા…મહાકાય વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણનો સહભાગી બન્યો.મારી સાથેના ઘણા સહાધ્યાયી ધર્મશાળાના એ ઓરડાઓમાં બેસી ભણીને યુએસએ આવેલા છે અને મળીએ ત્યારે , એ વાતોની યાદ  આજે પણ મમરાવે છે.ઘર આંગણે કેળવણીનો વ્યાપ કરવાની બાની આ પહેલથી બાળમાનસને કેટલી મોટી વ્યથાથી કેવો મોટો છૂટકારો કે હાશ મળી હશે? … સાચે જ કાશીબાનું ઋણ ચૂકવે ના ચૂકવાય તેવું છે.કાશીબા એટલે પરોપકારની સુગંધ અને એ તેમની જીવન મૂડી.યુવાન વયે  એક ગોરપદું કરતા , બ્રાહ્મણની દીકરી વિધવા બની, માવતર ગુજરી ગયાં એટલે શહેરમાં ભાઈ ભાભી સાથે ગઈ પણ સાથે રહેવું કઠિન લાગતાં , એક દિવસ કાશીબા પાસે આવી બોલી…ઓ કાશીબા…. તમારા આશરે આવી છું. મરજાદી છું અને મારા આ લાલજી ઠાકોર સાથે આયખું પૂરું કરવું છે. તમે જાણો છો કે  ગોરપદુ હતું એ બાપ ગયા પછી હવે આવકમાં કંઈ નથી. હવે આ ગામમાં તમારે ને આ લાલજીને આશરે આવી છું.દીકરીની વ્યથા જોઈ બાની  આંખ ભીંની થઈ ગઈ. બહેન..તમે ચીંતા ના કરશો. આ મારા ફળિયાને તમારું ઘર જ માનજો. દૂધમાં સાકર ભળે તેમ એ દીકરી બની ગયાં ખડકીનાં બાળકોનાં ફોઈ રામરતિફોઈ.અગિયારસ પૂનમ કે ખડકીના કૌટુમ્બિક  પ્રસંગોએ સૌ  ફોઈના લાલજીમહારાજના ચરણોમાં સેવા અર્પતા..દાન સીધું દઈ પૂણ્ય કમાતા . ફોઈનું આંગણું બાળકોને ભેગા થવાનું ,પ્રસાદ લેવા દોડતા જવાનું સ્થાન બની ગયું.આખી જીંદગી તેમણે સુખથી વિતાવી ,કોઈ ઊણપ કાશીબાએ વરતાવા ના દીધી.રામરતીફોઇના અંતરના આર્શીવાદથી આખું ફળિયું સુખી થઈ ગયું.ક્યાં શોધવા હવે એવા માનવતાના દીવડા જેવા કાશીબા ને રામરતિફોઇ ને?કાશીબાના સંતાનમાં અમે ચાર ભાઈ અને બહેન જશોદા ,પિતાની વ્હાલસોયી છાયા ઝીલતું કુટુમ્બ. દિવાળીનો તહેવાર  આવે એટલે  સાફસૂફી અને સજાવટ. સાંજે લાડવાની ઉજાણી બાદ ઘરના ચોકમાં અમને લઈબા દારુખાના સાથે આવી જતા. નાના ભાઈ બળવંત અને અશોકને લઈને તે પાટપર બેસતા અને અમે મોટા એટલે તારામંડળ , ભોંયઘંટી કે તડતડિયાં જેવાં બાળકોને લાયક આઈટમો અમને ફોડવા મળતી. બા ,અમારા નાનાભાઈ અને અમારી ખુશીથી જે હરખ અનુભવતાં , એ ભાવનો ચહેરો યાદ કરતાં, એ   દિવાળીના દિવસોની ખુશાલી , આજે લાખોના ‘ફાયર વર્ક્સ-આતશબાજી’ કરતાં પણ ચઢિયાતી લાગે છે. બા અને કુટુમ્બ સાથેની એ દિવાળી , મીઠાશને યાદ કરતાં સાચે જ હૈયું ઊભરાઈ ગયું ને બોલાઈ ગયું ..કાશીબા એ કાશીબા.મારી ધર્મપત્ની સવિતાને સોનેરી શીખામણ આપતાં કહેતાં કે દુનિયાનું સાચું સુખ ઘરમાં જ મળે અને એ ઘરનો આધાર ઘરવાળી, સુખદુઃખની સાચી સાથી. કુટુમ્બ, ગામ અને દેશ કાજે ભારતીય સંસ્કૃતિથી આયખુ ઉજાળનાર મારી બા કાશીબાને , ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી યાદ કરતાં, આજે ગૌરવ સાથે વંદન કરું છું.

રમેશ પટેલ(આકાશદીપ)-http://nabhakashdeep.wordpress.com/