પ્રેમ એક પરમ તત્વ–પી. કે. દાવડા

મિત્રો સપનાબેન બહારગામ ગયા છે તો હમણાં તેમની ગેરહાજરીમાં આપણા બેઠકના  લેખકો પોતાના વિચારો આ વિષય પર દર્શાવી શકે છે. જે સપનાબેન પાછા  આવે ત્યાં સુધી દર રવિવારની પૂર્તિમાં મુકાશે।.. તો ચાલો આજે બેઠકના ગુરુ દાવડા સાહેબ શું કહે છે ?  પ્રેમ એક પરમ તત્વ છે ?

પ્રેમ વિષે ઘણું બધું બોલાયું છે અને લખાયું છે, પણ હજી સુધી કોઈ પ્રેમની સંતોષકારક વ્યાખ્યા આપી શક્યું નથી. મનની આકર્ષણ શક્તિને સાધારણ ભાષામાં પ્રેમ કહેવામાં આવે છે. આ આકર્ષણ શક્તિના ઘણાં રૂપો છે. જ્યારે આ પ્રેમ બાળકો અને તમારાથી નાના હોય તેને કરવામાં આવે છે ત્યારે તેને સ્નેહ કહેવાય છે. જ્યારે આ પ્રેમ દીન અને દુ:ખી પ્રત્યે બતાવવામાં આવે છે ત્યારે  તેને દયા કહેવાય છે. જ્યારે આ પ્રેમ વડીલો, સંતો અને મોટા લોકો પ્રત્યે જણાવવામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાનું રૂપ ધારણ કરે છે. સ્ત્રી સાથેનો પ્રેમ પ્રણય કહેવાય છે. પ્રેમની અઢળક સત્તા છે. પ્રેમથી પ્રાણીઓને પણ વશ કરી શકાય છે. શ્રદ્ધા એ વિશ્વાસનું બીજું રૂપ છે અને એ સાચા પ્રેમ વગર શ્રધ્ધા પ્રકટે નહીં.

પ્રેમની સંતોષકારક વ્યાખ્યા શોધવા મેં અહીં હળવાશથી પ્રયત્ન કર્યો છે.પ્રેમ એક પ્રકારનું “એનેસ્થેસિયા” છે.” આ વાત ઘણે અંશે સાચી છે. ઓપેરેશન વખતે એનેસ્થેસિયા આપી ડોકટર ગમે તેવી વાઢ-કાપ કરે છે, તો પણ આપણને કંઈ ખબર પડતી નથી. આજકાલ પ્રેમમા પડેલા લોકોની હાલત પણ લગભગ આવી જ છે.

“પ્રેમ પારા જેવો છે.” હાથમા રહે પણ મુઠ્ઠીમા ન રહે, સરકી જાય.

“પ્રેમ યુધ્ધ જેવો છે.”  શરૂ થઈ જાય છે પછી રોકવો મુશ્કેલ છે. આ વાત એટલે  પણ સાચી છે કે જેમ યુધ્ધ પુરું થયા બાદ ચારે કોર બરબાદી જોવા મળે છે, તેમ પ્રેમ ખતમ થયા પછી લગભગ આવું જ દેખાય છે.

“પ્રેમ દુનિયાને ફેરવતું નથી, દુનિયામાં ફેરવે છે.” આ વિષમા મારે કંઈ કહેવાની જરૂરત છે?

“પ્રેમ એક કલ્પના છે.” લગ્ન એક હકીકત છે.

“નશીબદાર લોકોનો પ્રેમ સિતાર જેવો છે.” વચ્ચે વચ્ચે સંગીત બેસૂરૂં થઈ જાય પણ એના તાર સાબૂત હોય છે.

આમ ઘણા ફાંફા માર્યા છતાં પ્રેમની કોઈ બંધ બેસતી વ્યાખ્યા સાહિત્યમાં તો મળી નહિં. એંજીનીઅર હોવાથી ગણિતની મદદ લેવાની કોશીશ કરી. વિચાર કર્યો  Squareroot of love શું હશે? ખૂબ ગણત્રી કરવા પછી જવાબ આવ્યો, “Attraction”. મને તો ગણિત પર વિશ્વાસ છે, પણ લોકો માનશે કે નહિં એવી શંકા હોવાથી સાહિત્યમાં જ શોધ ચાલુ રાખી.

આખરે સંત કબીરદાસે જવાબ આપ્યોઃ

प्रेम न बाड़ी ऊपजै, प्रेम न हाट बिकाय।

राजा परजा जेहि रूचै, सीस देइ ले जाय।।

બસ આમ પ્રેમ એક પરમ તત્વ છે.

-પી. કે. દાવડા

દાવડા સાહેબને જન્મદિવસ મુબારક

ન ઓળખ હતી, ન કોઇ પહેચાન ફકત એક જ સુંવાળી મુસ્કાન. હા જેમની  હાજરી જ બની રહી એમની મહેક અને આવે ત્યારે  અનેક વિચારો રેલાય .જેમના ના માર્ગદર્શન થકી અનેકને  દિશા મળે છે.જેમની હાજરી વર્તાય  તેમ ગેરહાજરીની પણ નોધ સૌ કોઈ લે છે.એવા નોખી માટીના આ અનોખા માણસ  “મળવા જેવા માણસ” બેઠકના ગુરુ શ્રી  દાવડા સાહેબને જન્મદિવસે સર્વે ‘બેઠક’ના સર્જકો અને અને વાચકો તરફથી શુભ કામના.તમારા વાંચન નો નીચોડ અમને સદાય મળતો રહે..

આકાશ તો એનું એજ પણ રોજની સવાર આપની જુદી ઉગે.. બધું તાજું અને બધું નવું, વિચારોનો વાયરો આવે અને આપ લખીને તાજગી મેળવો. આવા વાયરા સાથે  આપ અને સાથે અમે પણ વિકસીએ. આપ આપના આંગણામા અનેકને આવકારી  અનેકને તાજગી આપો શક્તિ આપે સ્ફ્રુતિ આપો …મીઠો આવકાર આપો,  તમારા વિચારોને વાચા આપો, તમારા પ્રગટેલા વિચાર ‘બેઠક’ના કોડિયાની દીપમાળા ને સદાય પ્રજ્લ્લિત રાખે તેવી આજના શુભ દિવસે શુભભાવના …

જન્મદિવસ મુબારક હો .

હજી મને યાદ છે-2-સંબંધ -પી.કે.દાવડા

સંબંધ

૧૯૯૮ ની આ વાત છે. થાણાં ટીમ્બર માર્ટ એ થાણાંમાં સૌથી મોટી લાકડાંની વ્યાપારી પેઢી હતી. લાકડાં વેરવાનો બેન્ડ સો અને ત્રણેક દુકાનો મુખ્ય મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં હતી. પટેલોનું આ એક ખૂબ મોટું સંયુકત કુટુંબ હતું. અચાનક થયેલી મુલાકાતમાંથી મારો આ કુટુંબ સાથે ઘરોબો થઈ ગયો હતો.

થાણાંમાં જ ડોંગરમલ નામના એક મોટા મારવાડી બિલ્ડીંગ કોંટ્રેકટર મારા ઘરાક હતા. હું એમનો સ્ટ્રકચરલ કન્સલસ્ટંટ હતો. વરસે દહાડે મને ૧૫-૨૦ હજાર રૂપિયાની ફી એમની પાસેથી મળતી. ડોંગરમલ અને એમના ભાઈઓનું કુટુંબ અને થાણાં ટીંબર વાળાનું કુટુંબ પાસે પાસેના મકાનોમાં રહેતા. ડોંગરમલના એક ભાઈની દિકરી કંચન અને થાણા ટીંબરના એક યુવાન છોકરા નરોત્તમ વચ્ચે પ્રેમ થઈ ગયો. મારવાડી કુટુંબને આની જાણ થઈ ગઈ. એમને લાગ્યું કે આ સંબંધ બાંધીએ તો અમારી બીજી દિકરીઓને મારવાડી કુટુંબોમાં વળાવવામાં અડચણ આવે. એટલે એમણે કંચન ઉપર દબાણ કર્યું કે તું આ સંબંધ તોડી નાખ, પણ કંચન માની નહીં. થાણાં ટીંબરવાળા પટેલોને લાગ્યું કે અમે આટલા શ્રીમંત માણસો છીએ તો અમને તો ન્યાતમાંથી જ મજબૂત કુટુંબ મળશે, એટલે એ પણ નારાજ હતા.

નરોત્તમ મારી પાસે આવ્યો અને કહ્યું, કાકા આમાં તમે કંઈ પ્રયત્ન કરો તો ગાડી પાટે ચડે, કારણ કે બન્ને કુટુંબો તમને માન આપે છે. મેં એને ના પાડી કે આવી બાબતમાં મારાથી દખલ ન દેવાય. એ નિરાશ થઈને ચાલ્યો ગયો. થોડા દિવસ રહીને એ ફરી પાછો આવ્યો, અને કહ્યું, કાકા એ લોકો કોશીશમાં છે, અને થોડા દિવસમાં જ કંચનને જબરજસ્તી મારવાડી કુટુંબમાં પરણાવી દેશે, પ્લીઝ તમે કંઈ કરો. મારી પત્ની ચંદ્રલેખાએ કહ્યું કે તમે પ્રયત્ન કરી જુવો, ઝગડો ન કરતા, સમજાવટથી કંઈ થઈ શક્તું હોય તો તમને બે યુવાનોને સુખી કરવાનો સંતોષ મળશે.

એક સવારે હું ડોંગરમલનું જ્યાં મકાનનું કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગયો. કોઈ એપોઈન્ટમેન્ટ ન હતી, છતાં મને આવેલો જોઈ ડોંગરમલના બે ભાઈઓને પહેલા તો આશ્ચર્ય થયું, પણ પછી આવકાર આપી ચા-પાણી મંગાવ્યા. ડોંગરમલ ત્યાં હાજર ન હતા. કંચનના પિતા અને કંચનના કાકા હાજર હતા. કંચનના કાકાના હાથે પ્લાસ્ટર લગાડેલું હતું. મેં પૂછ્યું શું થયુ છે, તો એમણે ફ્રેકચર થયું હોવાનું કહ્યું. આ તકનો લાભ લઈને મેં મારી વાત શરૂ કરી દીધી.

મેં કહ્યું, “તમારી પાસે પુષ્કળ પૈસા છે. ઘરમાં બેસીને ખાવ તો પણ તમને જીંદગીભર ચાલે એટલા પૈસા તમારી પાસે છે, છતાં ભાંગેલા હાથે પણ તમે વધારે પૈસા કમાવવા કામે આવ્યા છો. એ પૈસા તમારા સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કમાવવા માંગો છો. બીજી બાજુ તમારા સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્યમાં નાતજાતના વાડા બાંધી રૂકાવટ પેદા કરો છો.”

બન્ને ભાઈઓ સમજી ગયા કે હું શા માટે આવ્યો છું. એમણે કહ્યું કે અમારા કુટુંબના બધા જ નિર્ણયો ડોંગરમલ લે છે. એમની ઇચ્છા વિરૂધ્ધ અમારૂં કુટુંબ કંઈ કરી શકે એમ નથી. એમને વાત કરો, એ માનવાના તો નથી જ. હું થોડીવાર બેસીને ત્યાંથી નીકળી ગયો. ઘરે પહોંચ્યો કે થોડીવાર રહીને ડોંગરમલનો ફોન આવ્યો. એમણે મને કહ્યું, “સાહેબ હું તમારી ખૂબ ઇજ્જત કરૂં છું, પણ આ અમારી કુટુંબની બાબત છે, અને એમાં તમે ન પડો તો સારૂં, નહીં તો આપણા સંબંધ ખરાબ થશે.” મેં કંઈ જવાબ આપ્યો નહીં, અને એમની વાત સાંભળી ફોન મૂકી દીધો.

થોડીવાર પછી એમનો ચોથા ભાઈ, થાણાંની ટોકીઝના સિંધી માલિક દોલતરામ સાથે મારા ઘરે આવ્યા. દોલતરામે મને આમાં હસ્તક્ષેપ ન કરવા, અને નરોત્તમ અને કંચનને કોઈપણ જાતની મદદ ન કરવા તાકીદ કરી, અને કહ્યું કે નહીં તો અમારા એડવોકેટ શાહ સાથે વાત કરીને પરિણામ સમજી લો. એમણે મારા ઘરના ફોન ઉપર જ એડવોકેટ શાહને ફોન લગાડ્યો. શાહ સાહેબ મને સારી રીતે ઓળખતા. મેં એમને ખરી હકીકત સમજાવી. એમણે ફોનમાં દોલતરામને મારી સલાહ સાચી છે, અને જીદ ન કરવા કહ્યું. ચા-પાણી પી ને બન્ને વિદાય થયા.

થોડા દિવસ પછી થાણાં ટીંબરવાળું કુટુંબ તો તૈયાર થઈ ગયું, પણ મારવાડી કુટુંબમાં કંઈ હલચલ ન હતી. ફરી હિમ્મત કરી મેં ડોંગરમલને ફોન કરી પૂછ્યું કે આમાં કોઈ ઉકેલ શક્ય છે કે નહીં. એમણે મને કહ્યું અમારામાં એ કુટુંબની ઇજ્જત અને બીજી દિકરીઓનું ભવિષ્ય બચાવવા એક દિકરીને મારી નાખવી પડે તો પણ મા-બાપ અચકાય નહીં. હું ડરી ગયો.

વળી થોડા દિવસ રહીને ડોંગરમલના ઘરે ગયો. મેં એમને સમાજાવ્યા, કે તમે તમારો વિરોધ ચાલુ રાખો, સગપણમાં, લગ્નમાં હાજર ન રહો તો સમાજમાં તમારી શાખ જળવાઈ રહેશે. દિકરી સુખી થશે. સંસ્કારી અને શ્રીમંત ઘર છે. છોકરો તો એટલો સારો છે, કે કંચન મારી દિકરી હોય તો હું રાજીખુશીથી હા પાડી દઉં. એ થોડા નરમ પડ્યા, અને મને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું.

બે દિવસ પછી, મારા ઘરે આવીને કહ્યું કે તમે છેવટ સુધી વચ્ચે રહેજો. કાલે ઊઠીને થાણાં ટીંબરવાળા બીજી અણચણ ઊભી ન કરે, કારણ કે અમે એમનું ખુબ અપમાન કર્યું છે. હું આનાથી દૂર રહીશ, પણ મારા ત્રણ ભાઈઓ આમા સામીલ થશે.

મેં મારા ખર્ચે, મારા ઘરે બન્ને પક્ષના ૩૦-૪૦ જણને આમંત્રણ આપી સગપણ વિધિ કરી. થોડા દિવસ પછી મને બન્ને પક્ષની કંકોત્રીઓ મળી. ડોંગરમલ સગપણમાં અને લગ્નમાં હાજર ન રહ્યા. નરોતમ અને કંચન મને અને ચંદ્રલેખાને પગે લાગ્યા. બધું શાંતિથી પતી ગયું. એક વરસ પછી કંચને પુત્રને જન્મ આપ્યો. આ સાંભળીને ડોંગરમલ એક ટ્રક ભરી રેફ્રીજરેટર, રંગીન ટી.વી., કબાટ, પલંગ અને અનેક ચીજો લઈ થાણાં ટીંબરવાળાના ઘરે પહોંચી ગયા અને કહ્યું, “દોહિત્રનું મોં જોવા આવ્યો છું.” મોટો જલ્સો થયો. મને અને ચંદ્રલેખાને પણ તરત બોલાવી લીધી.

ત્યારથી દર દિવાળીએ નરોતમ અને કંચન મને અને ચંદ્રલેખાને પગે પડવા આવતા. ૨૦૧૨ માં અમે કાયમ માટે અમેરિકા આવતા હતા ત્યારે બન્ને મળવા આવ્યા, નરોતમ મને બાથ ભરીને રડી પડ્યો.

-પી. કે. દાવડા

ચાલો લ્હાણ કરીએ -(૩)રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા..પી.કે.દાવડા

 

 

 

 

રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા…

ગીતામાંથી આડકતરી રીતે શીખવાની વાતો છે.ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી મળે ગીતા એની વાત કહે છે. ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી આત્મસાત કરવા જેવી શીખામણ આપે છે.

ગીતા અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. યુધ્ધના મેદાનમાં ઘણાંબધા સગા-સંબંધીઓ અને ગુરૂજનોને જોઈ, અર્જુન લડવાનો વિચાર માંડીવાળે છે. અહીંથી ગીતાની શરૂઆત થાય છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, એટલે બન્ને વચ્ચે દલીલો થાય છે. બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે, પણ ક્યાંયે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એકબીજા ઉપર ગુસ્સે થતા હોય એવું લાગતું નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા આડકતરી રીતે બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.

કૄષ્ણની પ્રથમ દલીલ એ છે કે અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાની એની ફરજ જ નહીં, એનો એ ધર્મ છે. એ ધર્મ પ્રમાણે નહીં વર્તે તો જગતમાં એની બદનામી થશે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેંકડી ઉડાડીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.

ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે Practice makes man perfect. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને પાકી ખાત્રી થાય કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી નવી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સલાલનો જવાબ આપે છે. સારા ગુરૂએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.

હકીકતમાં મહાભારતની કથાનો સંદેશ સ્પષ્ટ છે. આપણી અંદર કૌરવો જેવી ૧૦૦ બુરાઈઓ છે, તેમ આપણી અંદર પાંડવો જેવી પાંચ સારી વસ્તુઓ પણ છે. આ બધા આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બુરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.

ગીતાના કર્મ સંબંધી વિધાનો અંગે ઘણી ગેરસમજ પ્રસરેલી છે. ગીતા કહે છે, જે કંઈ કરો એ મન દઈને કરો, પુરી ઈમાનદારીથી કરો, પરિણામ અંગે શંકા-કુશંકાથી મુક્ત થઈને કરો. બીજા શબ્દોમાં રમો, આનંદ મેળવવા રમો, માત્ર જીતવા માટે જ રમવું અને જીત ન મળે તો ન રમવું એવું ન હોવું જોઈએ. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે, જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. ગીતા કહે છે, આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે. ગીતામાં ફળ નહીં મળે એવું ક્યાંયે કહ્યું નથી. એ તો માત્ર કેવું ફળ મળશે એના પૂર્વાનુમાનથી દૂર રહેવાની શીખામણ આપે છે.

પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવવા માટે જરૂરી ઓક્સીજન, પાણી; આપણે જો આના બદલામાં પ્રકૃતિને કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પ્રકૃતિ આપણી પાસેથી કંઈ વધારે માંગતી નથી. એ માત્ર આપણને આપણી ફરજ પ્રમાણિકતાથી બજાવવાનું કહે છે, જેથી પુરૂષ અને પ્રકૃતિ બન્ને ટકી રહે. પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. આપણે આપણી રોજીંદી જીંદગીમાં માણસ અને માણસ વચ્ચે કેવી રીતે લેવડ-દેવડ કરીયે છીયે? તો પછી પ્રકૃતિ સાથે આવો વ્યહવાર કેમ કરતા નથી.

ગીતામાં કહ્યું છે કે પુરૂષ અને પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ વચ્ચેના ઘર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પણ વ્યહવાર બદલાઈ જાય.

ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.

ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈપણ કર્મ સારૂં કે ખરાબ નથી, એનો આધાર એ સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે. જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.

અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી અને સાચી સલાહ આપવી એ તમારૂં કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું છે કે હવે તને જે યોગ્ય લાગે તે કર.

પી. કે. દાવડા

https://davdanuangnu.wordpress.com/

જન્મદિવસ મુબારક -દાવડા સાહેબ

આજે “બેઠક”ના ગુરુ દાવડા સાહેબ નો જન્મ દિવસ ,એમનો જન્મદિવસ ઉજવવો હોય અને ભેટ આપવી હોય તો એમનું લખાણ વાચવું તેના જેવી બીજી કોઈ ઉત્તમ ભેટ નથી .દાવડા સાહેબ એટલે શબ્દો ના વણકર કારણ એ વાંચે અને પછી લખે એટલે આપણને તૈયાર કરી આપે ,આવી વ્યક્તિને જન્મ દિવસે  આપણે શું આપી શકીએ ? હા પણ આજે બેઠક વતી બાધા સર્જકો વતી અને વાચકો વતી પ્રાર્થના કરીશ કે મન વચન કર્મની  એકતા એમના જીવનમાં વણાઈ રહે…વાંચવા માટે એમની આંખો ક્યારેય કમજોર ન બને અને લખવા માટે આંગળીઓ સદાય ફરતી રહે.”બેઠક”ના સર્જકો અને બધાય વાચકો તરફથી ખુબ શુભેચ્છા…તંદુરસ્તી ભર્યા લાંબા જીવનની શુભેચ્છા.

દાવડા સાહેબ નો ગીતા સંદેશ (સંક્ષિપ્તમાં) -જન્મદિવસની કેક

(આ લેખમાં ગીતાને માત્ર ધાર્મિક પુસ્તક તરીકે ન ગણતાં, એક માનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના ગ્રંથ તરીકે અપનાવીને, મને જે સમજાયું એ સંક્ષિપ્તમાં રજૂ કર્યું છે. આત્મા, મોક્ષ, પુનરજ્ન્મ જેવી બાબતોની વિગતોમાં ઉતરવાથી ઈરાદાપૂર્વક દૂર રહ્યો છું. માત્ર ૧૫ પાનાનો આ લેખ, આસરે ૧૫ મીનીટમાં વાંચી શકાય એવો હોવાથી, સમયના અભાવવાળા લોકો પણ વાંચશે, એવા આશયથી લેખને બને એટલો સંક્ષિપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો છે. –પી. કે. દાવડા)

ગીતાનો ઉપદેશ સમયથી પર છે. ફક્ત અર્જુન માટે નથીએ સમગ્ર માનવ જાતી માટે છે. અન્યાય ક્યારેય સહન કરવોન્યાય માટે યુદ્ધ કરવાની જરૂર પડે તો યુદ્ધ પણ કરવું જીવનનો ધર્મ છે. આવો ખુમારી ભર્યો સંદેશગીતાએ સમગ્ર જગતને આપ્યો છે.

પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદથી ઘેરાઈ જાય છે અને કહે છેઃ 

*‘‘પૂજા કરવા યોગ્ય વડીલોને હણીને હું રાજ્ય મેળવવા ઇચ્છતો નથીહું યુદ્ધ નહીં કરું.’’ 

અર્જુન પોતાની વાતના સમર્થનમાં અનેક દલીલો કરે છે, અને કૃષ્ણ એ બધી દલીલો શાંતિથી સાંભળી લે છે. શ્રીકૃષ્ણનો ઉપદેશ બીજા અધ્યાયથી શરૂ થાય છે.

બીજા અધ્યાયમાં કૃષ્ણ અનેક મુદ્દા ઉપર વાત કરે છે. પહેલો મુદ્દો કર્તાભાવનો છે. કર્તાભાવનો મુદ્દો નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે સમજાવ્યો છે,

“હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.”

કૃષ્ણ પણ અર્જુનને એ જ વાત સમજાવે છે કે તું તો માત્ર સાધન છે, આ બધાને મારનાર તો હું છું.

ત્યાર પછી કૃષ્ણ જન્મ-મૃત્યુ અને આત્માની વાત વિસ્તાર પૂર્વક કહે છે, આત્માની વાત સમજવી થોડી મુશ્કેલ છે.

ફૂલોમાં રહેલી અદભુત સુગંધની જેમ આત્મા અદ્રશ્ય છે. પરમાત્મા પણ અદ્રશ્ય છે, છતાં આ અદભુત સૃષ્ટિનું સર્જન કરનાર અને સંચાલન કરનાર કંઈક છે એટલું તો આપણે સ્વીકારવું પડે.

મન મગજમાંથી ઉત્પન્ન થતા તરંગો છે. શરીરની બધી ઇન્દ્રિયો મનને વશ છે. શરીરને વધુ ને વધુ સુખ સગવડ મળે એવા વિચારોમાં મન સતત ગૂંચવાયેલું રહે છે.

ભૌતિક સુખવૈભવ મેળવવા ક્યારેક મન ખોટાં કાર્યો કરવા પણ પ્રેરાય છે, ત્યારે મનથી જુદું કોઈક તત્વમનને ખોટાં કાર્યો કરવા ચેતવે છે. ‘‘આવું કરાય’’ એવો કોઈક અવાજ આપણે આપણી અંદરથી સાંભળીએ છીએ.

અદભુત અનુભવ આત્માનો અવાજ એમ મારૂં માનવું છે.

નરસિંહ મહેતાએ આત્મા વિષે સરસ વાત કહી છે,

‘‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિત્યાં લગી સાધના સર્વ જુઠ્ઠી.’’

આત્માની વાત સાંભળ્યા વિનાની બધી સાધના નિરર્થક છે.

બીજા અધ્યાયમાં ત્રીજી મહત્વની વાત સ્વધર્મની છે.

સાદા શબ્દોમાં સ્વધર્મ એટલે કર્તવ્ય. કૃષ્ણ અર્જુનને કહે છે, “યુદ્ધ નહીં કરે તો લોકો તને કાયર માનશેતારી અપકીર્તિ થશે. યુદ્ધ કરવા કરતાં યુદ્ધ કરવું તારે માટે હિતાવહ છે. કૌરવોએ તમને અન્યાય કર્યો છેભીષ્મદ્રોણકર્ણ વગેરે તેમને સાથ આપે છે. અન્યાય સહન કરવો કાયરતા છેઅધર્મ છેએની સામે તારે લડવું જોઈએ, કારણ કે તારો ક્ષત્રિય ધર્મ છે.’’

બીજા અધ્યાયમાં ચોથી મહત્વની વાત કર્મ અને એના ફળની છે. અહીં કૃષ્ણ અનાસક્તિયોગ સમજાવતાં કહે છે, કે કર્મ કરવાની તારી ફરજ છે, એનો ત્યાગ કરીશ નહીં, પણ એના ફળનો ત્યાગ કર.

સૌથી મહત્વની વાત સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે. કૃષ્ણ કહે છે, ‘‘જ્યારે માનવી પોતાના મનમાંથી ઊઠતી તમામ ઇચ્છાઓનો ત્યાગ કરે, અને વાસનાશૂન્ય મનથી પોતાના આત્મસ્વરૂપમાં સંતુષ્ટ રહે, ત્યારે તેને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહેવાય છે.’’

 જીવનની તમામ મુશ્કેલીઓનું મૂળ ઇચ્છાઓમાં છે. દુઃખમાં જેના મનમાં ઉચાટ થાય અને સુખ મેળવવાની જેને લાલસા રહી હોયજેના રાગભય અને ક્રોધ નષ્ટ થઈ ચૂકે તેને સ્થિર બુદ્ધિવાળો કહેવાય.

વિષયોનું ચિંતન કરવાથી આસક્તિ થાય છેતેમાંથી કામના એટલે કે ઇચ્છા જાગૃત થાય છેતે પૂરી થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ જન્મે છે અને તેને લીધે સારાસારનું ભાન રહેતું નથી. આમ સ્મૃતિ નાશ થતાં બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે અધોગતિ થાય છે.

ગીતામાં ત્રણ યોગ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. કર્મયોગજ્ઞાનયોગ અને ભક્તિયોગ. અધ્યાય ત્રણચાર અને પાંચમાં કર્મયોગ વિષે વિસ્તારથી સમજાવ્યું છે.

અર્જુનની જેમ આપણને પણ પ્રશ્ન થાય કે ‘‘ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનું હોય, અને જો ફળ મેળવવાનું હોય, તો પછી કર્મ શું કામ કરવું?” આનો ઉત્તર આપતાં ગીતા કહે છે કે કર્મ કરવું કુદરતી છે. માનવી ઇચ્છે કે ઇચ્છે તો પણ કર્મ કર્યા વગર રહી શકે. તેનો સ્વભાવ તેને કર્મ કરવાની ફરજ પાડે. પરિણામે કર્મફળ તો ભોગવવું પડે. કોઈ સંસાર તજી સન્યાસી થઈ જાય તો પણ કર્મ તજી શકે. પરંતુ જો માણસ કશી આશા રાખ્યા વિના ફક્ત પોતાની ફરજ રૂપે કર્મ કરે, અને તે કર્મ પરમાત્માને અર્પણ કરે તો તેને કર્મ બંધન કરતું નથી. ગીતામાં વાત જુદા જુદા અધ્યાયમાં વારંવાર કહેવામાં આવી છે.

લાભગેરલાભયશઅપયશસફળતાનિષ્ફળતાજયપરાજયસુખદુઃખ બધાં કર્મફળ છે. જો કર્મફળ પરમાત્માને અર્પણ કરી દઈએ તો પછી ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી.

ગીતા કહે છે, કર્મસંન્યાસ નહીં, કર્મફળસંન્યાસ લેવું જોઈએ. કર્મફળસંન્યાસ લેવાથી કર્મમાં એકાગ્રતા વધે છે, અને અંતે તો સારૂં ફળ મળે જ છે, કારણ કે ગીતામાં જ કહ્યું છે કે ફળ વગરનું કોઈ કર્મ નથી.

ચોથા અધ્યાયમાં જીવનની ચાર આવશ્યક્તા સમજાવી છે. ગીતાએ એમને યજ્ઞ નામ આપ્યા છે. () કર્મયજ્ઞ  () તપયજ્ઞ   () યોગયજ્ઞ () જ્ઞાનયજ્ઞ. ચારેમાં જે જે સાવધાની રાખવાની છે, તે પણ સમજાવી છે.

(કર્મયજ્ઞઃ કોઈ પણ કર્મ, ઇચ્છાઓ તજીને કરવાં. કોઈનું અહિત થાય તે ખ્યાલ રાખીને કરવા. માત્ર પોતાના કલ્યાણ માટે નહીં.

(તપયજ્ઞઃ શરીરની વધુ પડતી આળપંપાળ તજીને નિત્ય કાર્યો કરવા. આળસ તજવી, સ્વાદ ઉપર અંકુશ મૂકવો, વાણી ઉપર અંકુશ મૂકવો. ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરીને શરીરને સુદ્રઢ બનાવવું અને વિકારો પર વિજય મેળવવો.

() યોગયજ્ઞઃ – મનના વિચારો અને વિકારો પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવો. પરમાત્માના ધ્યાનમાં લીન થઈને મનને વશ કરવું. પ્રાણાયમ, યોગ વગેરે દ્વારા, શ્વાસોશ્વાસ પર કાબૂ મેળવી, મનની અતિ ચંચળતા રોકીને પ્રભુને પામવાની કોશિશ કરવી.

()જ્ઞાનયજ્ઞઃ – એટલે પરમાત્મા બધે વ્યાપેલા છે, જે કાંઈ દેખાય છે બધું પ્રભુમય છે તેમ સમજવું. કર્મ કરવા છતાં અકર્તા બનીને એટલે કે પ્રભુને આત્મસમર્પણ કરીને અહંકાર તજવો. સૌનું હિત થાય એવી રીતે જીવવું.

ભગવાન પોતે ક્યારે અને શા માટે અવતાર ધારણ કરે છે બાબત ગીતાજીના અધ્યાય ચોથામાં સાતમા શ્ર્લોકમાં અને આઠમા શ્ર્લોકમાં કહ્યું છેઃ જગતમાંધર્મ ઘટે અને અધર્મ વધે ત્યારે ધર્મની સંસ્થાપના માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. સજ્જનોનું રક્ષણ કરવા અને દુર્જનોનો વિનાશ કરવા પરમાત્મા યુગે યુગે અવતાર ધારણ કરે છે

ગીતામાં જ્ઞાનને ખૂબ મહ્ત્વ આપ્યું છે. અધ્યાય ચોથોશ્ર્લોક ૩૭માં કહ્યું છે, ‘‘જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ કર્મોનાં બધાં બંધનોને બાળીને ભસ્મ કરે છે. સુનિયોજીત કર્મ કરવા જ્ઞાન આવશ્યક છે, એ વાત આજે પણ એટલી જ સ્વીકૃત છે.

ગીતાના છઠ્ઠા અધ્યાયમાં ધ્યાનયોગ વિષે સમજાવ્યું છે. મન અતિ ચંચળ હોવાથી એને વશ કરવું અતિ કઠિન છે. અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે. છઠ્ઠા અધ્યાયમાં શ્ર્લોક નં. ૧૦ થી ૧૫માં ધ્યાન કેમ કરવું વિષે બહુ સરસ રીતે સમજાવ્યું છે. એકાંતમાંપવિત્ર સ્થાનમાંનીચે દર્ભ અને તેની ઉપર મૃગચર્મ કે વસ્ત્રાસન પાથરીને બેસવું. મનને એકાગ્ર કરીચિત્ત અને ઈંદ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ધીમે ધીમે મન પ્રભુમય થતાં મનની શાંતિ અનુભવી શકાય.

છઠ્ઠા અધ્યાયમાં ૩૭મા શ્ર્લોકમાં અર્જુને સવાલ પૂછ્યો કે, ‘‘જે માનવી યોગમાં શ્રદ્ધાવાળો હોય, પણ પૂરો સંયમી હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, તો યોગની સિદ્ધિને પ્રાપ્ત કરતાં કઈ ગતિને પામે છે

ગીતામાં પરમાત્માએ ભુલ સુધારવાની તક આપવા અનેક પ્રકારના અભય વચન આપ્યા છે. આ સવાલના જવાબમાં પરમાત્માએ ગજબ અભય વચન આપતાં છઠ્ઠા અધ્યાયના ૪૦ મા શ્ર્લોકમાં કહ્યુંઃ ‘‘યોગભ્રષ્ટ થયેલો મનુષ્યમાંપૂર્વમાં કરેલી સાધનાના સંસ્કાર ફરીથી જાગૃત થાય છે. જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધી તે પૂર્ણ સિદ્ધિ માટે ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. સાધનાને અંતે તે પરમ ગતિને પામે છે.”

બ્રહ્માંડના સર્જન અંગે ‘‘જ્ઞાન વિજ્ઞાન યોગ’’ નામના સાતમા અધ્યાયમાં શ્ર્લોક નં.૪ માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ

‘‘પૃથ્વીપાણીઅગ્નિવાયુઆકાશમનબુદ્ધિ અને અહંકાર મારી જડ પ્રકૃતિ છે. બીજી મારી જીવરૂપ ચેતન પ્રકૃતિ છે. સર્વ પ્રાણીઓ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયાં છે. હું આ  સમગ્ર જગતનો ઉત્પાદક અને સંહારક  છું. જેમ દોરામાં મણકા પરોવાયેલા છે તેમ સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે.’’

આઠમા અધ્યાયઅક્ષરબ્રહ્મયોગમાં પાંચમા શ્ર્લોકમાં એક અભય વચન આપ્યું છેઃ ‘‘જે અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં દેહ છોડી જાય છેતે મને પામે છેતેમાં સંશય નથી.’’

વળી છઠ્ઠા શ્ર્લોકમાં કહ્યું છેઃ ‘‘મનુષ્ય અંત કાળે જે જે પદાર્થનું સ્મરણ કરતાં શરીર છોડે છેતે તેને પામે છે.’’ 

નવમા અધ્યાયના શ્ર્લોક નં.૨૨માં પણ એક અનેરું વચન પરમાત્માએ આપેલું છે:

‘‘જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરે છે અને નિષ્કામ ભાવથી મને ઉપાસે છેતેવા લોકોના યોગ તથા ક્ષેમનો ભાર હું વહન કરું છું. એટલે કે તેમના જીવનનિર્વાહ અને કુશળતાની હું કાળજી રાખું છું.’’ પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાના જીવન દરમિયાન મુશ્કેલ પ્રસંગો બહુ સરળ રીતે ઉકલી ગયાની વાતો આપણે જાણીએ છીએ. પરમ ભક્ત મીરાંબાઈને અપાયલું ઝેર અમૃત બની ગયાની વાત પણ આપણે જાણીએ છીએ. બધા પ્રસંગો આપણને માન્યામાં આવેપરંતુ પ્રભુમય બની જનાર માનવી માટે શ્રધ્ધેય છેજે કદાચ આપણને સમજાય.

“યોગક્ષેમ વહામ્યંહમ” સમજવું હોય તો નાના બાળકનું ઉદાહરણ આપી શકાય. નાનકડું નિર્દોષ બાળક પોતાના ભોજનનીપોતાના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. પોતાના જીવનની તમામ જવાબદારી માને સોંપીને આનંદથી રમતું રહે છે. બાળક થોડુંક રડેએટલે તેને ભૂખ લાગી હશે તેમ વિચારી મા બાળકને સ્તનપાન કરાવે અથવા જમાડેજો બાળક રમતાં રમતાં પડી ગયું હોય તો તેના રક્ષણનો ઉપાય કરે. તેવી રીતે પરમાત્મા પોતાના ભક્તના જીવનનિર્વાહની તથા રક્ષણની કાળજી રાખે છે.

પરમાત્મા કેટલા બધા દયાળુ છે તો નવમા અધ્યાયના ૩૦મા શ્ર્લોકમાં આપેલું અભય વચન વાંચીએ ત્યારે સમજાય.

‘‘જો અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ મને ભજે તો તેને સાધુ ગણવો.’’  અહીં અતિશય દુરાચારીને છાવરવાની વાત નથીપરંતુ સુધરવાની તક આપવાની વાત છે.

ભગવાન પોતે સર્વવ્યાપક છેઅને સઘળું તેમનામાં સમાયેલું છે સમજાવવા વિભૂતિ યોગ નામના ગીતાજીના ૧૦મા અધ્યાયમાં સમજાવ્યું છે. પ્રકૃતિ અને પ્રાણીમાં આપણે જેને સર્વોત્તમ માનીયે છીયે, એ બધામાં પરમાત્માનો અંશ છે. ઉદાહરણ આપવા બ્રહ્માન્ડમાંથી સૂર્ય-ચંદ્ર લીધા છે, પૃથ્વી ઉપરના તત્વોમાં પવન, પાણી, પર્વત, વૃક્ષ, નદી વગેરેમાં જે સર્વોત્તમ છે તેમનું વર્ણન કર્યું છે.

આ અધ્યાયમાં જ નારીની પ્રશંશા પણ કરી છે, એટલું જ નહીં, દેવતાઓમાં શિવ અને રામ એ બધું પણ એક જ પરમાત્માના અલગ અલગ સ્વરૂપો છે એમ પ્રતિપાદન કર્યું છે.

આ જ વાત નરસિંહ મહેતાએ ખૂબ જ ટુંકમાં કહી છે, “અખિલ બ્રહ્માન્ડમાં એક તું શ્રી * હરિ, જૂજવે રૂપ અનંત ભાષે.” અને “ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે.”

અગીયારમાં અધ્યાયમાં ભગવાને અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ કરાવ્યું, તેનું વર્ણન આપ્યું છે. આ વર્ણનમાં પરમાત્માની માત્ર વિશાળતા જ નહીં, એની સંહારક શક્તિના ભયાનક સ્વરૂપનું પણ વર્ણન છે.

ગીતાજીના ૧૨મા અધ્યાયમાં ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે. ભગવાન કહે છે,
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેને શત્રુ, મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’
‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’

કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે સમજાવ્યું છે, એ જ વાત નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે…’’ ભજનમાં સમજાવી છે.

જ્ઞાન માટે ગીતામાં કહ્યું છે: ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ – ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો

ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે.

ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે. આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.

સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે. 

બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાન રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.

આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં.

ગીતાના ૧૫મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ માં સંસારને ઊંધા પીપળાના વૃક્ષ સાથે સરખાવીને કહ્યું છે: ‘‘આ વૃક્ષનાં મૂળ ઊંચે છે અને ડાળીઓ નીચે છે. વેદના છંદો તેનાં પાંદડાં છે.’’ આમ કહેવાનું કારણ એ છે કે સંસારની ઉત્પત્તિ પરમાત્માને આભારી હોવાથી જીવનતત્વરૂપી પોષણ ખેંચનારાં મૂળિયાં ઉપર તરફ છે. શાખાઓ જ્યારે વિસ્તરીને ધરતીમાં મોહરૂપી નવા મૂળ ગ્રહણ કરે છે, ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આવી શાખાઓને દ્રઢ વૈરાગ્યરૂપી કુહાડીથી કાપી નાખીને ઉપર તરફ ગતિ કરવાની સલાહ ગીતાએ આપી છે, અને પછી એવું પદ શોધવા કહ્યું છે, જ્યાં પહોંચેલા માણસો સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરી પુરૂષમાંથી પુરૂષોત્તમ થઈ શકાય છે.

ગીતાના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા છે. પહેલા ત્રણ શ્ર્લોકમાં દૈવી સંપત્તિ વિષે છે: નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઈન્દ્રીયો ઉપર કાબૂ, તપ, વગેરે ૨૬ પ્રકારના દૈવી તત્વો વર્ણવ્યા છે. ત્યાર પછી આસુરી સંપત્તિ વિષે કહ્યું છે :  પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.

દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી.

યજ્ઞનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે. પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા લોકો શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે.

કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’

 ‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં બહુ ઉત્તમ શ્ર્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.

એમાં કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.

આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે.

સાત્વિક, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે.

કેટલીય વાર સુધી પડી રહેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.

ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.

તપનો અર્થ સમજાવતાં ગીતામાં કહ્યું છે, દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.

ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવનમાં ઉપયોગી થાય

ગીતાના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ માં દાનના ત્રણ પ્રકારની વાત કરી છે.

દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય કાર્યમાટે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવાય.  જે દાન બદલો મેળવવા માટે એટલે કે ફળની આશાથી, કચવાતા મને આપવામાં આવે તે રાજસ દાન કહેવાય. જે દાન તિરસ્કારથી અને અયોગ્ય કાર્ય માટે, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય.

પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી.

બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે. ગીતામાં ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતામાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે દાન કરવું જોઈએ.

ગીતાનો ૧૮મો અધ્યાય છેલ્લો અધ્યાય છે. ગીતાની શરૂઆતમાં થયેલ વાત પર છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.

‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી, તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે. “

કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લોપાતી નથી.  

‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ પ્રકૃતિ અને પ્રાણીઓમાં રહેલા પરમ તત્ત્વને, નિસ્પૃહ ભાવે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન કહેવાય.’’

‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું” એવા અભિમાનપૂર્વક,  કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પરિણામ કે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય અજ્ઞાનથી જે કાર્ય કરે છે તે તામસ કર્મ છે.

જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનારો, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે, તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે.

*જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર છે, તે તામસ કર્તા છે.

આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે ગીતામાં જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે.

પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, અન્ય ગ્રંથોમાં જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે.

“જે બુદ્ધિ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય, ભયવાળું કે અભય, બંધનકર્તા કે મુક્તિ આપનાર વિષે જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’

સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં ગીતામાં કહ્યું છે: ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. “

પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય સુખ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ થોડો દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.

મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય,  જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત રહે છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાના આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે.

ગીતામાં આખરે શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે, “હે અર્જુન! તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે. મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ.”

અને અભય વચન આપતાં કહે છે, “બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.   

નિબંધ-“બેઠક” ગુરુ દાવડા સાહેબ

davda saheb

નિબંધ એ ગદ્યસાહિત્યમાં સૌથી વધારે ખેડાયલો પ્રકાર છે. સમાચાર, પ્રવાસવર્ણન, વાર્તા, નવલકથા, આત્મકથા વગેરે સાહિત્યના પ્રકારોના સીમાડા સંકુચિત છે, જ્યારે નિબંધના સીમાડા અતિ વિશાળ છે. આનો અર્થ એવો નથી કે આપણે ફાવે તે લખીયે તેને નિબંધ કહેવાય. નિબંધ એટલે સુંદર વિચારો, સુંદર અનુભવો, સુંદર વર્ણન અને સુંદર ઉપસંહાર. નિબંધ એટલે તમારા મંતવ્યો, તમારી લાગણીઓ અને એમાંથી તારવેલા કલ્યાણકારી ઉપસંહાર.

સુંદર નિબંધ લખવાની ક્ષમતા એટલે વિચારોની કુશળતા સાથે લેખનકળાનો સુભગ સમન્વય. નિબંધમાં પૂર્વગ્રહ માટે કોઈ અવકાશ નથી. નિબંધ બંધીયાર તળાવ જેવું ન હોતાં, ખળખળ વહેતી નદી જેવું પ્રવાહી સાહિત્ય છે. સ્પષ્ટ અભિવ્યક્તિ એ નિબંધનું આવશ્યક અંગ છે. તર્કસંગત દલીલોને અવકાશ છે, પણ અસંગત શબ્દોને મારી-મચડીને ન બેસાડી શકાય.

લેખન ક્ષેત્રમાં શરૂઆત કરનારાઓ માટે નિબંધમાં એક જ વિષય હોય એ ઈચ્છવા યોગ્ય છે, કારણ કે એમાં સંગઠીત વિચારોથી એક નિશ્ચિત હેતુ તરફ આગળ વધી, અંતે માર્ગમાં અટવાયા વગર ધારેલા અંત સુધી પહોંચી શકાય છે. જો તમારી વાત સારી રીતે કહી શક્યા હો તો અંતમાં થોડો ઉપસંહાર પણ યોગ્ય ગણાય.

બહુ અઘરા શબ્દો, લાંબાલચક વાક્યો અને મોગમ અને ગર્ભિત ઇશારા, નિબંધને લોગભોગ્ય બનાવવામાં બાધારૂપ થાય છે. તમે તમારી વાતને ટુંકમાં પુરી સમજાવી શકતો હો, તો જાણીજોઈને લેખનો લાંબો કરવાની જરૂર નથી. ઘણીવાર ટુંકમાં કહેવાયલી વાતો પણ અસરકારક નીવડે છે. નિબંધના મૂળ વિષયથી ખૂબ દૂર નીકળી જવાથી નિબંધ નબળો પડવાનો સંભવ છે. જો બીજી વાત, મૂળવાતને બળ આપતી હોય તો નિબંધમાં એને સામીલ કરી શકાય.

નિબંધનું શીર્ષક, નિબંધના વિષયને અનુરૂપ હોવું જરૂરી છે. સારૂં શીર્ષક ઘણીવાર અર્ધીવાત સમજાવી દે છે. નિબંધની શરૂઆત રસપ્રદ હોવી જરૂરી છે, એના માટે મુળ મુદ્દા ઉપર આવતાં પહેલાં થોડી પ્રાસ્તવિક વાત કરવી પડે, તો એ કરવામાં વાંધો નથી.

નિબંધમાં એકની એક વાત ફરી ફરી કહેવાથી નિબંધને બળ મળતું નથી. જો વાત ખૂબ જ અગત્યની હોય તો એનો ઉપસંહારમાં ફરી ઉલ્લેખ કરો, પણ ટુંકમાં.

નિબંધમાં અન્ય લેખકોના અવતરણો, કાવ્યપંક્તિ વગેરે ટાંકો તો એ કોનું સર્જન છે એ જણાવો. અવતરણો અને કાવ્યપંક્તિઓનો અતિરેક ન કરવો. તમારા વિષયને અનુરૂપ ન હોય, એવા અવતરણો તો ટાંકવા જ ન જોઈએ.

સારી લેખનકળા માટે સારૂં વ્યાકરણ, શુધ્ધ જોડણી, યથાર્થ વિશેષણો જરૂરી છે. વિરામ ચિન્હોનો કાળજીપૂર્વકનો ઉપયોગ પણ લેખનકળાના અંગો છે.

સારા નિબંધલેખક થવા માટે ખૂબ વાંચનની જરૂર છે. અવલોકનની શક્તિ એ નિબંધલેખકનું શક્તિશાળી શસ્ત્ર છે. એક જ લેખકના બે-ત્રણ નિબંધ વાંચો તો તમને એ લેખકની જીવનશૈલી, ચારિત્ર્ય વગેરેનો અણસાર મળી રહેશે.

અંતમા નિબંધ માટે વિષયની કોઇ પાબંધી નથી. માત્ર પૃથ્વી જ નહીં, બ્રહ્માંડમાંના કોઈપણ વિષય ઉપર તમે નિબંધ લખી શકો છો.

-પી. કે. દાવડા

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

unnamed

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ

ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં જોમ અને જુસ્સો પણ છે. એમના પ્રત્યેક શેરમાં સ્પષ્ટતા છે, એ Direct Delivery છે. એમાં Via Vadala જેવું હોતું નથી.

આ ગઝલમાં ચેતન અને અચેતન, સ્થાવર અને જંગમ, ચલ અને અચલનો અજોડ સમન્વય જોવા મળે છે. માણસને માણસ યાદ કરે, એ સામાન્ય વાત કહેવાય, પણ માણસને પથ્થર યાદ કરે, ઝાડ યાદ કરે, વાસણ યાદ કરે આવી વાતો કરીને એમણે કલ્પના શક્તિને પાંખો આપી છે.

મત્લામાં જ જે વાત કરી છે, એ વાંચીને ઉમાશંકર જોષીનું “ભોમિયા વિના” યાદ આવી ગયું. એમાં પણ ઉમાશંકરે કહ્યું છે, “વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં..”.

ગામડામાં, નાનકડા ઘરને ઓટલે બેઠેલી મા, શહેરમાં વસતા દિકરાને યાદ રાખીને આંસુ સારે છે, એ ટપકતાં આંસુની યાદ ઓટલામાં સંગ્રાય છે. શું અદભુત, લાગણીઓ આ ગઝલમાં સમાવી લીધી છે?

-પી. કે. દાવડા

હાસ્ય સપ્તરંગી-(18)તાંત્રિક બગાડ-પી.કે.દાવડા

૧૯૭૦ ની આ વાત છે. ત્યારે હું લાર્સન એન્ડ ટુબરોમાં સિવિલ એંજીનીઅર તરીકે નોકરી કરતો હતો.અમારી કંપનીને Hoechst Pharmacy (હેક્સ્ટ ફાર્મસી) નામની જર્મન કંપનીનું કામ મળેલું. આ કામ માટેકંપનીએ પ્રોજેક્ટ એંજીનીઅર તરીકે મને યોગ્ય ગણ્યો હતો, કારણ કે હેકસ્ટના રેસીડેન્ટ ડાયરેકટર ડોકટરવાઘનરની છાપ ટેરર તરીકે હતી. એમની કંપનીનો એકે એક માણસ આ વાત જાણતો હતો. મને ખૂબશિસ્તબધ્ધ રીતે કામ કરવાની તાકિદ કરવામાં આવેલી.

કંપનીના સ્વછ્તાના નિયમ કેટલા કડક હતા એનો એના ઉપરથી ખ્યાલ આવશે કે ગેટમાં દાખલ થતી એકેએક ગાડીના ચારે ટાયર હોઝપાઈપથી ધોવામાં આવતા.

અમારા મજૂરો માટે અલગ ટોયલેટસની વ્યવસ્થા કરવામાં આવેલી, પણ એ જરા કામથી દૂર હતી. એકદિવસ, અમારો એક મજૂર, ઝાડની પાછળ બેસી સંડાસ કરતો સિક્યુરીટીવાળાને હાથે ઝડપાઈ ગયો. મનેસમાચાર મળ્યા એટલે હું સમજી ગયો કે આ કામ ઉપરથી આજે મારી છૂટ્ટી થઈ જવાની. દસ મીનીટમાં જમને ડોક્ટર વાઘનરનું તેડું આવ્યું.

ત્યાંસુધીમાં મેં મારો લુલો-પાંગળો બચાવ તૈયાર કરી રાખેલો કે એણે હાથેકરીને એવું નહોતું કર્યું, એ ટોયલેટતરફ જતો હતો ત્યાં એની નીકળી ગઈ. આ બચાવ મેં ગુજરાતીમાં વિચારી રાખેલો, પણ ત્યાં પહોંચ્યા પછીખ્યાલ આવ્યો કે મારે તો એમને અંગ્રેજીમાં કહેવાનું છે. તરત મેં મનમાં આવે તેવો તરજુમો કરી લીધો,અને કહ્યું, Sir, It was not a deliberate act, it was a failure of human system. ડોકટર વાઘનર ગંભીરથઈ ગયા. એમણે કહ્યું, એને તરત અમારા ડોક્ટર પાસે મોકલી આપો, એ એને યોગ્ય દવા આપશે.

અને હું હેમખેમ બચી ગયો.

-પી કે. દાવડા

આઝાદી પહેલાનું હિન્દુસ્તાન

 

૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પનાઆજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આસરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટારાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારાઅંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા(Paramountcy) સ્વીકારેલી. આવારાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટાહતા.

અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશપ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.

આ સિવાય દીવ, દમણ અને ગોવામાં પોર્ચુગીઝ સરકારની અને પોંડીચેરીમાં ફ્રાંસની સરકારની હકુમતહતી, જે બ્રિટીસ સરકાર સાથે કરાર બધ્ધ હતા.

બ્રિટીસ ઈન્ડિયા ૧૭ પ્રાંતોમાં વહેંચાયલો હતો. અજમેર, આન્દામાન-નિકોબાર, આસામ, બલુચિસ્તાન,બંગાલ, બિહાર, મુંબઈ, સેંટ્રલ પ્રોવિન્સ, કુર્ગ, દિલ્હી, મદ્રાસ, નોર્થ-વેસ્ટ ફ્રંટીયર, ઓરીસા, પાન્થ-પિપ્લોદા,પંજાબ, સિંધ અને યુનાઈટેડ પ્રોવિંસ. પ્રાંતના વિસ્તાર પ્રમાણે ગવર્નર, લેફટેનન્ટ ગવર્નર કે કમીશનરનીદ્વારા આ પ્રાંતોના વહીવટી માળખા ચાલતા. બધા પ્રાંતો અને પ્રિંન્સીસ્ટેટ્સ વાઈસરોયની સત્તા હેઠળ હતા.

રાજા-રજવાડાઓ સાથેની સંધિમાં ત્રણ મુખ્ય વાતો ઉપર અંગ્રેજોનો સંપુર્ણ અધિકાર હતો. આ ત્રણ વાતોએટલે (૧) વિદેશ વ્યહવાર (૨) સંરક્ષણ (૩) રેલવે અને સંદેશ વ્યહવાર. કોઈપણ રાજ્ય અંગ્રેજોની રજાવગર, પરદેશ સાથે કોઈપણ પ્રકારનો વ્યહવાર કરી ન શકતા, રાજ્યોને પોતાનું સૈન્ય, હવાઈ દળ કેનૌસેના રાખવાની છૂટ ન હતી, અને તાર ટપાલ અને રેલ્વે ખાતા ઉપર અંગ્રેજોનો કબ્જો હતો. દરેક મોટાઅને મધ્યમ કદના રાજ્યમાં એક અંગ્રેજ અમલદાર (રેસિડ્ન્ટ) રહેતો, એ બધી વાતો ઉપર કડક નજરરાખતો. રાજાઓ રેસિડન્ટની રજા વગર કોઈપણ મોટા નિર્ણય લઈ શકતા નહિં. રાજ્યોને પોતાના કાયદાઘડવાની છૂટ હતી, પણ અંગ્રેજોના કાયદાઓનું પણ પાલન કરવું પડતું. અંગ્રેજોની રજા લઈ, સ્થાનિકપોલીસ ખાતું રાખવાની છૂટ હતી. કેટલાક રાજ્યોમાં પોતાનું ચલણ હતું. દરેક રાજ્યે એક મુકરર રકમબ્રિટીશ સરકારને દર વરસે આપવી પડતી.

બ્રિટીશ પ્રાંતોની જેમ આ રાજાઓના રાજ્યો પણ સીધા વાઈસરોયની આણ નીચે હતા. આ રાજારજવાડાઓનું માન જાળવવા એમને જાત જાતના ઈલ્કાબ આપવામાં આવતા, અને એમને અલગ અલગ સંખ્યામાં તોપોની સલામી આપવામાં આવતી. તેઓ ઈંગ્લેંડ જાય ત્યારે બ્રિટનના રાજા કે રાણીને મળીશકતા.

બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની સૈન્ય શક્તિ અને આર્થિક શક્તિમાં ખૂબ ઘટાડો થયો હતો. વિશ્વના દેશોનું અને ખાસ કરીને અમેરિકાનું પણ બધા દેશોને સ્વતંત્રતા આપવાનું બ્રિટીશરો ઉપર દબાણ હતું. ગાંધીજી અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની સ્વતંત્ર માટેની લાંબી ચળવળ, નેતાજી સુભાષ બોઝની આઝાદ હિન્દ ફોજ, ૧૯૪૬ ના નૌસેનાનોબળવો, અને હિન્દુ-મુસલમાનોના કોમી દંગાથી પણ અંગ્રેજો ડરી ગયા હતા. આખરે ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના વડાપ્રધાન એટલીએ જાહેર કર્યું કે

(૧) બ્રિટીસ ઈન્ડિયાને મોડામાં મોડું જુન ૧૯૪૮ સુધીમાં સંપૂર્ણ સ્વાયતા આપવામાં આવશે.

(૨) રજવાડા સાથેના સંબંધોનો વિચાર બ્રિટીસ ઈન્ડિયાના હસ્તાંતરણની તારીખ નક્કી થાય પછી કરવામાંઆવશે.

૩ જી જુન ૧૯૪૭ ના માઉંટાબેટન પ્લાનની જાહેરાત કરવામાં આવી. આ પ્લાન પ્રમાણે

(૧) હિન્દુસ્તાનના ભાગલા કરવાનો સિધ્ધાંત બ્રિટનને મંજૂર છે.

(૨) નવી સરકારને Dominion Status આપવામાં આવશે.

(૩) કોમનવેલ્થમાં રહેવું કે નહિં તેનો નિર્ણય ભારત અને પાકીસ્તાન કરી શકશે.

(૪) રાજા-રજવાડાના રાજ્યોને કોમનવેલ્થમાં સામીલ નહિં કરવામાં આવે.

કોંગ્રેસ અને મુસ્લીમલીગના નેતાઓ સાથેની અનેક વાટાઘાટો પછી, વાઈસરોય માઉન્ટબેટને સ્વતંત્રતા માટે૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ની તારીખ નક્કી કરી.

હિન્દુસ્તાનના ભાગલા પડતાં બ્રિટીસ ઈન્ડિયાના ૧૭ માંથી ૧૧ પ્રાંત ભારતના તાબામાં આવ્યા,બલુચિસ્તાન, નોર્થ-વેસ્ટ ફ્રન્ટીયર અને સિંધ આ ૩ પ્રાંત પાકીસ્તાનના તાબામાં આવ્યા, અને પંજાબ,બંગલા અને આસામ આ ૩ પ્રાંતના ભાગલા પાડવામાં આવ્યા.

ભારતની સીમાઓમાં આવેલા બધા રાજા-રજવાડા, સરદાર પટેલેની કુનેહથી થોડા સમયમાં જ ભારતમાંવિલય થઈ ગયા, કેટલાક રજવાડા, જેવા કે જૂનાગઢ અને હૈદ્રાબાદ, સામે બળ વાપરવું પડેલું, કાશ્મીરઉપર પાકીસ્તાને હુમલો કર્યો એટલે કાશ્મીરે પણ જોડાણ સ્વીકાર્યું. દિવ, દમણ, ગોવા સામે બળ વાપરવુંપડેલું. ફ્રાન્સે પોંડીચેરી શાંતિથી સોંપી દીધું.

અને આ રીતે આજના ભારતની સીમાઓ અંકિત થઈ શકી.

-પી. કે. દાવડા

એક માઈક્રોફીક્ષન-પી. કે. દાવડા

એક માઈક્રોફીક્ષન

પત્ની સરલાના ચડાવ્યાથી, સુધીર પિતા પ્રાણલાલને વૃધ્ધાશ્રમ દાખલ કરાવવા એક મોટીસંસ્થામાં લઈ આવ્યો. સંસ્થાપકના ઓરડામાં દાખલ થતાં જ સંસ્થાપક ઊભા થઈ ગયા અનેબોલ્યા, “આવો આવો પ્રાણલાલભાઈ ઘણાં વખતે દેખાયા!”. પ્રાણલાલે કહ્યું, “ત્રણ વર્ષથીરીટાયર થઈ ગયો છું, કંઈ દાનમાં આપી શકું એમ નથી, એટલે ત્રણેક વરસથી નથીઆવતો.”

સુધીર બોલ્યો, “ અરે! તમે એકબીજાને ઓળખો છો?”

સંસ્થાપકે કહ્યું, “ત્રીસ વરસથી ! ત્રીસ વરસ પહેલા એ તને અમારા અનાથાલય વિભાગમાંથીલઈ ગયેલા, ત્યારથી.”

સુધીર સ્થિર થઈ ગયો, એની આંખો ભીની થઈ ગઈ, એ પ્રાણલાલને લઈ ઘરે પાછો ફર્યો.

ઘણાં વરસ બાદ, સરલાનો દિકરો એને આ જ સંસ્થાના વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો.

(૧૦૩ શબ્દો)

-પી. કે. દાવડા