ડૉ લલિત પરીખ નું દેહાવસાન

lalit-sir1

ડૉ લલિત પરીખ ભલે આજે દેહ સ્વરૂપે આપણી સાથે નથી પણ શબ્દ સ્વરૂપે તેમના વાર્તા સંગ્રહો અને સાહિત્ય સર્જનો દ્વારા જીવંત છે અને જીવંત રહેશે…૧૯૫૦થી ૧૯૫૫ વચ્ચે ત્વોનું સાહિત્ય સર્જન ઉચ્ચ કક્ષાનું હતુ અને નવચેતન, કુમાર જેવા મેગેઝીનોમાં તેમનું સર્જન પ્રસિધ્ધ થતુ..પછી ગુરુનાં કથન ને અનુસરી સાહિત્ય સર્જન બંધ કર્યુ જે ૨૦૧૧ પછી ચાલુ થયુ. ડાયસ્પોરા સર્જનોમાં તેઓ સતત લખતા અને તેમની કૃતિઓ તેમની વેબ સાઇટ ઉપર સળંગ મુકાતી રહેતી,તથા અખંડ આનંદ , ગુજરાત દર્પણ, ગુજરાત ટાઇમ્સ તથા ગુજરાત ન્યુઝ લાઇન માં પ્રસિધ્ધ થતી હતી

છેલ્લા ચાર વર્ષમાં તેઓએ ૩૦૦થી વધુ વાર્તાઓનું સર્જન કરી અંદાજે ૨૩ પુસ્તકોનું સર્જન કર્યુ જે કાબીલે તારીફ કાર્ય હતું. પત્નીનાં મૃત્યુ પછી લેખનને નિવૃત્તિની પ્રવૃત્તિ બનાવી સાહિત્ય સર્જન નાં ઉમદા અને ઉંચા ખેડાણો તેમણે કરેલા. સહિયારા સર્જનમાં પણ તેઓ સક્રિય હતા Lalit Parikh Meeting(2)Lalit Parikh Meeting (1)

હ્યુસ્ટન ખાતે તેમના પુસ્તકોનાં વિમોચનો થયા તે સમયનાં તેમના સંસ્મરણો

તેમના વિશે તેઓ લખતા હતા કે

મારો જન્મ ૧૯૩૧માં..

શરૂના   વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર  પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો  અભ્યાસ.તે પછી ચોથીગુજરાતીથી એમ..પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયાયુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.

૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તેમુંબઈ સમાચારની પહેલી રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ. હતીમારી પહેલી સિદ્ધિ.

કુમારમાં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેકવાર્તાઓ તેમાં પ્રગટ થયેલી. વાર્તાનું નામખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણીઅને ‘રમીમાસ્ટર’.

નવચેતનમાં પુષ્કળ વાર્તાઓ છપાઈ. પ્રતિમા, સવિતા, વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી રહી.અખંડઆનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.

બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિપ્રવાસીમાં, બાલજીવનમાં. એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી. નાનપણમાંહસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલપંકજ  અને રશ્મિ. નાનપણથી મંડળો  સાથેકાર્યરત અને એના સ્થાપનાની નેમ. વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિકમંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ  મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરનીથયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું  મહિલા મંડળની  સાથે ગરીબવસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણનાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપરગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધપ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.

તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારુંજીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારુંસાચું જીવન જીવવાનુંછે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી. નટવરભાઈ મહેતાને છે, જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ અઢીસોથી વધુવાર્તાઓ છેલ્લ ૧૮ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણજે સમયાંતરે અહિં  બ્લોગ મારફતપ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.

આજે ૮૪ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસવીસ વર્ષોમાં તોપુષ્કળ લખશે.આશાવાદી છું, સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો . મારા કાકી સોવર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બેત્રણચાર કલાક બેસી સીધું લખવાનું ફાવી ગયુંછે,ચાર પુત્રોપુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રોપુત્રવધુઓ ડોક્ટર.એક પુત્રપુત્રવધુના બે પુત્રો અને તેમનીએક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા. પુત્રવધુઓ પુત્રી જેવી.મને પુત્રી છે, બહેન. સો વર્ષે અમારેત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતાપિતા પણ નાચેલા. ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બેપૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાંબાળકો આરામથી જોવાશે.

પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ  આવી છે; પણ  પોતાનું સઘળું કામ   હવે જાતે કરી લે છે અનેવોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવજાવ પણ કરીશકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની .જે પુત્રપુત્રવધુની સાથે રહીએ છીએ તેમણેઅમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારીપત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો  પણ લઉં છુંદેશવિદેશની.મને ભારત દેશઅતિઅતિ  પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી, ઉર્દુ, મરાઠી ,તેલુગુ વીગેરે જાણું છું. થયો મારોલાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહનઆપશે. આપનો લલિત પરીખ

તેમની કૃતિઓ મેળવવાની વિવિધ જગ્યાઓ

એમેઝોન

ક્રીયેટ સ્પેસ

ઇ શબ્દ

બુક ગંગા

પ્રતિલિપિ

તેમના જવાથી અમેરિકન સાહિત્ય જગતને નિઃશંક મોટી ખોટ પડી છે. તેમના સર્જનો વડે તેઓ અમર રહેશે જે નિર્વિવાદ છે.

વાર્તાસ્પર્ધા-“તમે એવાને એવા જ રહ્યા ” (1) – ડૉ.લલિત પરીખ

“તમે બદલાયા જ નથી”

વાર્તાકાર અને નવલકથાકાર નવલકિશોર જેટલા વાર્તાઓ અને નવલકથાઓ લખવાના શોખીન હતા એટલા જ ખાવાપીવાના પણ જબરા શોખીન હતા.સવારે વહેલા જાગી જઈ,કલમ કાગળ પકડે એ પહેલા તો નાસ્તાના ડબ્બાઓ,બિસ્કીટના પેકેટો અને ગરમ પાણીમાં નાખતા જ તૈયાર થઇ જાય એવા ઈન્સ્ટન્ટ ચાના પેકેટો લઈને જે બેસી જાય તે તેમને ખબર પણ ન પડે કે કેટલું ખવાયું -પીવાયું અને કેટલું લખાયું.બંને સમાંતર ચાલતા મનગમતા કાર્યોમાં તેઓ જેટલા વ્યસ્ત રહેતા એટલા જ મસ્ત અને બિન્ધાસ્ત પણ રહેતા.ધર્મધજા ફરકાવનારી પત્ની નાહી ધોઈ પૂજાપાઠ કરી તેમને ગરમ ગરમ નાસ્તો અને સરસ મઝાની ઉકાળેલી આદૂ-ફુદીના વાળી ચા સર્વ કરે ત્યારે લેખનકાર્યને થોડો વિસામો આપે અને પત્નીનો આભાર માનતા માનતા ગરમ નાસ્તાના અને તેથી પણ વધારે તો અતિ પ્રિય એવી કડક મીઠી ચાહના, સાહિત્યિક શૈલીમાં ભરપૂર અને ભારોભાર વખાણ કરતા કરતા બે ત્રણ કપ ચા અને વે ત્રણ પ્લેટ નાસ્તો પેટમાં પધરાવે ત્યારે જ તેમને શાંતિ થાય,ત્યારે જ તેમને સવાર પડ્યાની મઝા આવે અને ત્યારે જ જુના જમાનાના શિરામણનો જલસો માણવાની મઝા આવે. અતિ ધર્મિષ્ઠ પત્ની ધર્મિષ્ઠા એકાદાશીઓ કરે,સોમવાર અને શનિવાર કરે,સંતોષી માતાનો શુક્રવાર કરે,જયારે પણ આવે ત્યારે અધિક માસ કરે,ચાતુર્માસ તો કાયમ કરે જ કરે;પણ સાથે સાથે પતિ પરમેશ્વરને પણ પ્રસન્ન પ્રસન્ન રાખવા માટે, તેમના ચા-નાસ્તાનો,તેમને ગરમ ગરમ જમાડવાનો,પરણ્યા ત્યારથી શરૂ કરેલો વર્ષો જુનો શિરસ્તો પણ બરાબર નિયમપૂર્વક જાળવી રાખે અને તદનુસાર ઉત્તમોત્તમ પ્રબંધ પણ કરે.શિયાળાની ઠંડીમાં તો ગરમ ગરમ શીરો,કે રાબ કે તાજી ગરમ ગોળપાપડી પણ સવારના નાસ્તામાં હોંસે હોંસે બનાવી આપે.
“હું બેસી ગયો છું ” એમ નવલકિશોર બોલે કે તરત જ બેસી ગયાનો અધ્યાહાર “જમવા બેસી ગયો છું” એમ સમજી પોતાની ઝડપી ગતિથી તેમને પીરસે,જમાડે અને સાહિત્યના રસોમાં રમમાણ રહેતા પતિને, ભોજનના છયે છ રસોનો ભરપૂર આનંદાનુભવ કરાવે.કારેલાનું અથાણું પણ હોય,ગળ્યો ગળ્યો મોરબો પણ હોય,ખાટા- તીખા- મીઠા અથાણાઓ પણ હોય અને બે શાક, દાળ કે કઢી તો હોય જ હોય.ચટણી પણ તેમને શાકની જેમ ખાવા જોઈએ.કચૂંબર અને દહીં -છાશ તેમ જ પાપડ-પાપડી તો તેમને જોઈએ જ જોઈએ.વર્ષોથી તેમનું ટાણું સાચવનારી ભારતીય નારીના પ્રતીક સમાન ધર્મિષ્ઠા પતિની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા જોવા ટેવાઈ ગઈ હતી.
આમ બધું બરાબર જ ચાલતું હતું એવામાં એક વાર આસ્થા ચેનલ પર કોઈ સંતે કે બાપૂએ મહાવાક્ય સમાન એક કથન કર્યું જે અનાયાસે તેમનાથી સંભળાઈ ગયું કે” ભીમે એક જ વાર એકાદશી કરી જીવનભરનું પુણ્ય કમાઈ લીધેલું અને એ જ પ્રકારે વર્ષમાં એક વાર ભીમ એકાદશી કરનારને આજે પણ પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થાય”.તેમના ધૂની મનમાં આ વાક્ય ઘૂસી ગયું એટલું જ નહિ,મન-સરોવરમાં તરંગોના તરંગો ઉત્પન્ન કરવા લાગી ગયું.તેમને થયું કે પોતે એક દિવસ તો ઉપવાસ કરી જ શકે.વગર ઉપવાસ કર્યે પણ ગયા જન્મમાં કરેલા પુણ્યના પ્રતાપે ધર્મિષ્ઠા જેવી, તેમને બધી રીતે સાચવનારી પતિપ્રેમી પત્ની મળી છે, તો ભીમ અગિયારસ કરીને આવતા જન્મનું પુણ્ય કમાઈ લઉં, તો જન્મે જન્મે આ જ ધર્મિષ્ઠા તેમને ધર્મપત્ની સ્વરૂપે મળતી રહે.બીજે જ દિવસે ભીમ અગિયારસ હોવાની એ જાહેરાત સાંભળી ન સાંભળી કે તેની સાથે જ નવલકિશોરે પણ પત્નીની સામે, રસોડામાં કદાચ પહેલી જ વાર જઈને
જોરદાર જાહેરાત કરી કે:”આવતી કાલે ભીમ અગિયારસ છે અને હું આ અગિયારસ અને તે પણ નકોડી-નિર્જળા કરવાનો છું.આ મારો નિશ્ચય છે,નિર્ધાર છે, પ્રણ છે.

પત્ની હસીને બોલી:” હવે આ ઉમરે આવા ખોટા ધતિંગ કે ફિતૂર ન કરો તો સારું.એક ટંક પણ ભૂખ્યા નથી રહી શકતા તે કાલે ભીમ અગિયારસના
દહાડે સાવ નકોડી,નિર્જલા એકાદશી કરશો? જવા દો ખોટી જીદ.”
આવડા મોટા સંતે કહ્યું છે કે ભીમ એકાદશી કરે તેને વરસભરની એકાદાશીઓનું પુણ્ય મળે એટલે મારે તો એકાદશી કરવી જ છે,ધરાર કરવી જ છે.
જિદ્દે ચડેલા પતિ વાર્યે નહિ થાકે,હાર્યે થાકશે એમ સમજી ધર્મિષ્ઠાએ કાયમની જેમ મૌનનો મહામંત્ર અપનાવ્યો. તેને ખાતરી હતી કે સવાર પડશે એટલે નાસ્તાના ડબ્બાઓ પોતમેળે ગોઠવાશે,ખુલશે અને ઈન્સ્ટન્ટ ચાના સબડાકાઓ સાથે તેમનું લેખન કાર્ય શરૂ થઇ જશે અને પોતાને નાહીધોઈ
પરવારી,પૂજાપાઠ કરીને તેમને તેમનું ગરમાગરમ ચા-નાસ્તાનું નીરવું જ પડશે.રાતના વાળુમાં બીજે દિવસે નકોડી ભીમ અગિયારસ કરવાની છે એ ધ્યાનમાં રાખી નવલકિશોરે એક રોટલો વધારે ખાધો,ખીચડીમાં દૂધમલાઇ- ખાંડના મોટા મોટા કોળિયા પણ પ્રેમે પ્રેમે સબડકા ભરતા ભરતા ખાધા એટલે બરાબર ખાધા. સવારે આંખ ખુલતા જ તેમને સંતવાણીનું સ્મરણ થયું, ભીમ એકાદશીનું સ્મરણ થયું અને કોરી ચા પણ ન પીનારા લેખક મહાશયે કોરા કાગળ અને કલામની કસરત શરૂ કરવાની કોશિશ આરંભી.ન કલમ ચાલી,ન મગજ ચાલ્યું.મન શૂન્યમનસ્ક જેવું થવા લાગ્યું.થાકીને પોતાનું જ લખેલું પાછલું પ્રકરણ વાંચવાનો પ્રયત્ન કરી જોયો તો આંખે અંધારા આવવા લાગ્યા.છેવટે અગાઉના પ્રકરણોના પૃષ્ઠો ગોઠવવાનો નીરસ
વ્યાયામ શરૂ કરી મન મનાવવા લાગ્યા.
પત્ની ધર્મિષ્ઠા સ્નાન કરતા કરતા ‘આજ એકાદશી’નું ભજન ગાઈ રહી હતી ત્યારે તેમને ભજનમાં ભોજનના ભ્રમનો બંગાળી જોક યાદ આવવા લાગ્યો.એક નવા આવેલા બંગાળી પાડોશીએ એક વાર “આજ રાતે આવજો અમારે ત્યાં ભોજન છે.” કહી ભાવભીનું આમંત્રણ આપેલું જે સાંભળી પોતે ખુશ ખુશ તેને ત્યાં ગયેલા તો એક બે કલાક સુધી ભજન ચાલ્યા અને અંતે સાકરિયા ચણા વહેંચાયા ત્યરે તેમનાથી પૂછ્યા વગર રહેવાયું નહિ કે:” તમે તો ભોજન પર બોલાવેલાને ?” તો એ બંગાળી મોંશાય બોલેલા “આ બે કલાક ભોજન જ ચાલ્યાને? ભજનને ભોજનની જેમ બોલાતો તેમનો લહેકો સમજાયો ત્યારે જ તેમને ઘરે જઈને ભોજન કરવાની સમજ આવેલી. પત્નીની નિત્ય પૂજા પૂરી થઇ એટલે તેણે દયાદૃષ્ટિથી તેમની સામે જોયું કે એ પોતાનો વિચાર,નિર્ણય,નિર્ધાર કે પ્રણ છોડવાનો વિચાર કરે છે કે નહિ? તેમને બુંદેલખંડના નકલી કિલ્લાની વાર્તા યાદ આવી ગઈ અને મન મક્કમ રાખી તેઓ આવેલા સમાચારપત્રમાં માથું અને આંખો નાખી ભયંકર મૌનમાં શાંત -જો કે મનમાં અશાંત-એવી મુદ્રામાં બેઠા રહ્યા.સમય તો ગોકળ ગતિએ આગળ વધતો દેખાતો હતો અને ઘડિયાળનો એક કલાક જતા તેમને યુગ વીત્યા જેવો અનુભવ થવા લાગ્યો.પત્ની સાથે પાસેની હવેલીમાં દર્શને ગયા તો અગાઉનું જોયેલું અન્નકૂટનું દૃશ્ય તાદૃશ થવા લાગ્યું.ઘરે પાછા ફરી, બીજી વાર છાપામાં મથું ઘાલ્યું તો માથું દુખવા લાગ્યું અને આંખ ઘેરાવા લાગી.પત્ની એ જોઇને બોલી :”ઉપવાસના દિવસે સૂવું
વર્જ્ય છે.” આ શબ્દો નવલકિશોરને વજ્ર જેવા લાગ્યા.જેમ તેમ, મુસલમાનો રોજા કરતી વખતે કોગળા કરતા કરતા ચોરીને પાણી પી લે, તેમ તેમ ણે પણ કોગળા કરવાનું નાટક શરૂ કરી દીધું-ગળામાં ખખ ખખ જે થઇ રહ્યું હતું.જેમ તેમ બપોર વીતી,સાંજ વીતી અને રાત પડી.પત્ની પાડોશીને ત્યાં
એકાદશીના ભજન કાર્યક્રમમાં ગઈ અને નવલ કિશોરને પોતાની જ નવલકથાના પ્રકરણો વાંચતા વાંચતા એકાએક એવી તો ભૂખ લાગી કે તેમનાથી રહેવાયું નહિ અને તેમણે એક પછી એક ડબ્બામાંથી બુકડા ભરી ભરી તીખું ગળ્યું જે મળ્યું, તે મોઢામાં નીરવાનું શરૂ કરી દીધું.ગાંઠિયા પર અને તેમાંય તીખા તળેલા ગાંઠિયા પર મારો ચલાવતા, તેમ જ મોટા ડબ્બામાંથી મગજના લાડુ અને ગોળપાપડીના બટકાઓ પુરઝડપે મોઢામાં મૂકતા અને પેટમાં પહોંચાડતા તેઓ ખીર આરોગતા ભગવાન બુદ્ધની જેમ પ્રસન્ન થયા.જો કે તેમને પોતાનો અત્યારનો વહેવાર જોતા, કનૈયાલાલ મુન્શીના ‘ગુજરાતના નાથ’ના ભૂખ્યા નેરા બોબડાનું અનાયાસે સ્મરણ થવા લાગ્યું.
ત્યાં તો પત્ની એકાએક આવેલા ભૂકંપની ધાસ્તીથી ઘરે પાછી દોડી આવી તો ભૂકંપનો કોઈ એક આંચકો પણ ન અનુભવી શકેલા પતિને ડબ્બાઓ સાથે રમખાણ કરતા જોઈ તેને આંચકો લાગ્યો.પતિ આક્રમક રીતે તીખું-ગળ્યું આરોગી રહ્યા હતા એ જોઈ, તેનાથી ભૂકંપ કરતા ય વધુ જબરો આંચકો અનુભવતા તેણે પૂછ્યું :” બસ થઇ ગઈ ભીમ એકાદશી? મેં પહેલા જ કહેલું કે …….નિર્જલા એકાદશી કરવાની તમારી હૈસિયત જ નથી.ભીમ એકાદશી ભૂલી જાઓ અને બોલો હવે તમારા માટે ગરમાગરમ જમવાનું શું બનાવી દઉં ? શીરો પૂરી ભજીયા બનાવી દઉં ? હું તમને જાણું ને? તમે બદલાયા જ નથી.અને બદલવાના પણ નથી.કહેવત ખોટી થોડી જ છે કે ‘કરતા હો સો કીજીયે ઔર ન કીજીયે કાગ……. ”
ભીમ એકાદશી કરી રહેલા નવલ કિશોર શરમાઈને, ઓચપાઈને,મૂંઝાઈને આંખો બંધ કરી ગયા.તેમને મુન્શીનો નેરો બોબડો જ દેખાયા કર્યો.
(સમાપ્ત)

શુભેચ્છા સહ (૭) ડૉ .લલિત પરીખ


Best wishes

કારણ વિના આપણા અનેક ધર્મોએ ઈચ્છાને દુઃખનું કારણ કહી આપણી  સ્વાભાવિક સહજ મનોવૃત્તિને વગોવી મૂકી છે. ઈચ્છા જન્મની સાથે જ જન્મે છે અને જીવન થી લઈને  મૃત્યુ સુધીની  મંગળ યાત્રામાં હુંફાળો સથવારો આપે છે.ઇચ્છા પોતામાં કાયમ શુભ જ હોય છે,પોતાનું અને બીજાઓનું શુભ જ ઈચ્છે છે.આપણી સેક્યુરિટીનું ધ્યાન રાખનાર ઈચ્છાને વગોવીને આપણે આપણી  જાતનું,આપણી આસપાસના જગતનું,પરસ્પર જોડાયેલા જ જોડાયેલા રહેવા ઈચ્છતા સંબંધોનું અકારણ અહિત કરી બેસીએ છીએ.પરહિતમાં  જ આપણું  હિત સમાહિત  છે એ અને એટલે જ ઇછાપ્રેરિત આપણું  દરેક કાર્ય, સ્વધર્મની રક્ષા કરતું રહી આપણી સાથે સમસ્ત જગતનું સદાસર્વદા   કલ્યાણ  કરતુ  રહી,જાતનો ,સમાજનો સતત  વિકાસ કરતુ રહ્યું છે.પ્રસ્તર યુગથી પવનયુગ સુધીની આપણી વિકાસયાત્રાના મૂળમાં આપણી,આપણા સહુ કોઈની શુભ ઈચ્છા જ માનવ વિકાસનું મજબૂત પાસું છે, એ જ મૂળ તત્વ છે એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે.ભગવાન પણ સહુનું ભલું જ ઈચ્છે છે તો આપણી  અશુભ ઇચ્છા હોય તો ય અંતે તો દરેકનું શુભ જ શુભ થઈને રહેવાનું છે.

ઈચ્છા અશુભ હોઈ જ કેવી રીતે શકે?આપણું  મન,આપણું તન,આપણો આત્મા સદૈવ ‘સ્વાન્ત :સુખાય’ જ  સંચાલિત થાય છે,પ્રવૃત્ત રહ્યા કરે છે.સહુના હિતમાં જ નિજ હિત સમાહિત છે એ ચરમ -પરમ સત્ય આપણા મનને દોરે છે,આપણી  સાનને ઠેકાણે રાખે છે,આપણને સાચા અને ઊંડા આનંદનો અનુભવ કરાવે છે.સહુના કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે એ સમજીને તો આપણે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી,સહુનું કરો કલ્યાણ”એમ ગાતા આવ્યા છીએ,”સર્વે જના: સુખીનૌ  ભવંતુ” એમ પોકારતા રહ્યા છીએ.આપણે પાગલ નથી કે બીજાઓના ભલા,સુખ અને કલ્યાણના ગીતડાં ગયા કરીએ. આપણે  જે કંઈ વિચારીએ છીએ,કરીએ છીએ એ અંતતોગત્વા તો આપણા  સુખ માટે જ કરીએ છીએ.સહુના સુખમાં જ આપણું સુખ સમાહિત  છે એ બરાબર સમજેલા આપણા  મહાકવિઓ એટલે જ ગાતા રહ્યા:-“પર હિત સરિસ ધર્મ નહિ કોઈ “(તુલસીદાસ) “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ ” , “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે”(નરસિંહ મેહતા).માતા બાળક માટે રાત રાત જાગે છે,ભૂખી તરસી રહે છે, એ પણ અંતે તો આ બધું પોતાના સુખ માટે જ કરે છે.બાળકનું દુખ પોતાનું દુખ બની જાય છે;બાળકનું સુખ પોતાનું સુખ બની જાય છે.આપણું પ્રત્યેક કાર્ય આત્મસુખ માટે જ હોય છે.પોતાનો અને પારકાનો ભેદ, અભેદમાં પરિણમી જાય છે,આપણો વસ્તાર આપણો   વિસ્તાર છે,આખું જગત, આખી જીવસૃષ્ટિ આપણો જ વિસ્તાર છે,આપણું જ પ્રતિબિંબ છે,હકીકતમાં એ બધું આપણે જ છીએ.એકમાં અનેક અને અનેકમાં એક જ આત્મતત્વ છે એ તો નિર્વિવાદ સત્ય છે.”બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે” એ પણ સમજીએ તો આપણે  જ આપણા પ્રતિબિંબ સમાન સમસ્ત જગતના પદાર્થો અને જીવોને જોઈએ છીએ,અનુભવીએ છીએ.ભૂખ્યાને જમાડી જે ધરવ થાય છે,કોઈને સુખી કરીને જે સુખનો સાક્ષાત્કાર થાય છે એ આપણી  શુભ ઈચ્છાની જ ફલશ્રુતિ છે.સાહિત્ય પણ આપણને એ જ શીખવે છે,સમજાવે છે.સાધારણીકરણ આપણને પાત્રો સાથે,પરિસ્થિતિઓ સાથે એકરૂપતાનો અનુભવ કરાવે છે.સાહિત્યમાં પણ ‘સ્વ હિત’ અને ‘પર હિત સમન્વિત’ છે જ છે.સત્યમ,શિવમ અને સુંદરમનો સમન્વય શું સાહિત્યમાં અને શું જીવનમાં સમાહિત છે જ છે.

સમસ્યા એ છે કે આપણી જીવનદૃષ્ટિ સંકુચિત થઇ ગઈ છે,આપણી  વિચારસરણી સંકીર્ણ  થઇ ગઈ છે, માંકડું મન સાંકડું થઇ ગયું છે અને એટલે સ્વમાં સર્વને જોવાનું ભૂલી, સહુમાં  પોતાને જોવાનું ભૂલી પોતાના – પારકાના ભેદ કરવા માંડ્યા છીએ.

હકીકતમાં તો પોતે તો અત્ર તત્ર સર્વત્ર છે જ છે ;પણ દૃષ્ટિ એવી સૃષ્ટિના કારણે

‘અભેદ’માં ‘ભેદ’ જુએ છે.વહાલા-દવલાનું વિશ્વ ઊભું કરે છે.બાકી તો ઈચ્છા તો હમેશા, શું પોતા માટે શું,શું બીજા માટે શુભ જ શુભ હોવાની હોવાની અને હોવાની જ.અશુભ ઈચ્છા પણ અંતે તો પોતાનાઅને જીવ માત્રના,સમસ્ત જગતના  શુભ માટે શુભમાં જ પરિવર્તિત થવાની,એમ થઈને જ રહેવાની.અસત્યોમાંથી સત્ય તરફ સહજ સ્વાભાવિક રીતે જનારું આપણું મન,ઊંડા અંધારેથી તેજ જનારું આપણું મન શત પ્રતિશત અશુભમાં  થી શુભ તરફ જ જવાનું તેમાં લવલેશ સંદેહને સ્થાન નથી.કોઈનું અશુભ ભૂલથી,દ્વેષથી ,તિરસ્કારથી ઈચ્છો તો પણ શુભનું બળ એવું અને એટલું છે કે જેનું અશુભ ભૂલથી ઈચ્છ્યું હોય તો ય તેનું  તો શુભ જ શુભ થવાનું,થઈને જ રહેવાનું.વિકાસ,પ્રગતિ અને ઉન્નતિનું જોર એવું જબરું હોય છે કે અંતે તો શુભનો જ વિજય થઈને રહે છે.તેથી જ સહુનું શુભ ઇચ્છવું જોઈએ,”જા  સુખમ” કહેવું જોઈએ.ભગવાન તારું ભલું કરે એ જ મનમાંથી નીકળવું જોઈએ,જેથી આપણને પોતાને સારું લાગે,સામાને સારું લાગે અને પ્રભુ તો જે સારું કરવાના જ  છે, તો થોડો યશ આપણે પણ  પણ અનાયાસ કેમ કમાઈ ન લઈએ ?

ગમે તેટલું અંધારું ઉમટ્યું હોય -અમાસની રાતે; બીજી સવારે સૂર્યને,સૂર્યના પ્રકાશને જગતની કોઈ કરતા કોઈ તાકાત રોકી શકતી નથી-તેનું અજવાળું,તેનો ઉજાસ,તેનું તેજસ્વી તેજ ફેલાવવામાં.તે જ પ્રમાણે અશુભનું જોર કેટલું? શુભ જ બળવાન હોય છે, શુભ જ શક્તિશાળી હોય છે,શુભ જ વિકાસશીલ હોય છે એટલે “શુભેચ્છા સહ” તો આપણા શ્વાસોચ્છવાસ સમાન હોય છે,પ્રાણવાયુ સમાન હોય છે.શુભની દિશા અને દૃષ્ટિ નિશ્ચિત હોય છે.સુખડ બળીને ય સુગંધ જ પ્રસરાવે છે,પુષ્પ ચીમળાઈને ય સુવાસ જ ફેલાવે છે,મેહંદી પીસાઈનેય મહેકે છે,. તળાવ અને સમુદ્રનું જળ સૂર્યના કિરણોથી બળીને ય વાષ્પ બનીને પુન:વાદળ સ્વરૂપે જીવન સ્વરૂપે -જળ  સ્વરૂપે વરસે જ વરસે છે.તે જ પ્રમાણે અશુભ અંતતોગત્વા તો શુભ જ શુભમાં પરિણમીને રહે છે. તેથી જ “શુભેચ્છા સહ” માં શુભ જ શુભ સમાહિત છે જે આપણા  સહુના હિતમાં જ છે.તેથી હેતે હેતે ગાતા રહેવું જોઈએ કે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ !” ‘શુભેચ્છા સહ’ની પાછળ “ઓમ સહના વવતુ, સહનૌ ભુનકતુ , સહ વીર્યમ કરવા વહૈ,તેજસ્વિના વધી તમસ્તુ,મા  વિદ્વિષા વહૈ,ઓમ શાંતિ:શાંતિ: શાંતિ: “. શુભેચ્છાનો સંદેશો શુભ જ શુભમાં પરિણામે છે એ મહા સત્ય છે,અચળ સત્ય છે, અડગ સત્ય છે,ચરમ અને પરમ સત્ય છે.એ સત્યની સામે અશુભનું વજૂદ કેટલું બધું બેવજૂદ છે?

ડૉ .લલિત પરીખ

 

(સમાપ્ત)

જૂની આંખે નવા તમાશા – 1-ડો.લલિત પરીખ

‘જૂની આંખે નવા તમાશા’ લોકોક્તિ જૂની હોવા છતાય આજના  કોમ્પ્યુટર યુગમાં ય  એટલી જ સાંપ્રત તેમ જ સમીચીન છે, તેમાં તો લવલેશ સંદેહ નથી.અલબત્ત મોતિયાના ઓપરેશન પછી નવો લેન્સ બેસાડી દીધા બાદ તો હકીકતમાં નવી આંખે જ નવા તમાશા જોતા રહેવાના હોય છે એટલો સુધારો કરવો હોય તો કરી શકાય.બાકી આ કહેવત આપણા  દાદા દાદી પણ તેમના જમાનામાં કહ્યા કરતા હશે,આપણા માબાપ પણ કહેતા રહેતા અને આપણે પણ મનોમન કહ્યા કરતા હોઈએ છીએ.પરંપરા વિરુદ્ધની નવી રહેણી કરણી,રીતરિવાજ, ફેશન,જીવનશૈલી વી.જોઈ આપણે બોલી ઊઠીએ છીએ કે “જુઓ જૂની આંખે નવા તમાશા”.

એક સુપ્રસિદ્ધ જૈન પ્રવચનકાર શ્રી હુકમચંદ ભારિલને મેં એક વાર  સાંભળેલા જેમણે  બહુ સરસ પણ રમૂજી રીતે આ બાબતમાં કૈંક આવું કહેલું,જેનો લક્ષ્યાર્થ ”જૂની આંખે નવા તમાશા’ જ અભિપ્રેત હતો.તેમણે કહેલું કે એક જમાનામાં લોકો મોટી પાઘડી બાંધતા,પછી નાની પાઘડી બાંધવા લાગ્યા,તેમાંથી તૈયાર પાઘડી માથે મૂકતા થયા,આગળ જતા પાઘડી છોડી, કાળી અને કાશ્મીરી ટોપી પહેરતા થયા,આવી ટોપીઓ પણ ત્યાગી ગાંધી ટોપી પહેરતા થયા અને હવે  ઉઘાડે માથે બાબરી પાડીને ફરતા થઇ ગયા.સ્ત્રીઓ પણ લાંબા ઘૂમટામાંથી નાના ઘૂમટા કાઢતી થઇ જવા લાગી,પછી માથે માત્ર કપાળ ઓઢતી થવા લાગી,તેના પછી કેવળ માત્ર માથું જ ઢાંકવા લાગી અને છેલ્લે ઉઘાડે માથે ફક્ત ખભો જ ઢાંકતી થઇ ગઈ.પાની  ઢાંકીને ચાલતી સ્ત્રીઓ શોર્ટ્સ પણ પહેરતી  થવા લાગી.ચશ્મામાંથી લેન્સ પહેરતા  થઇ ગયા લોકો અને હવે તો ઇનબિલ્ટ લેન્સ પહેરતાપણ  થઇ ગયા.શરીર ઢાંકવા કરતા  વધુ ઊઘાડું રાખવું એ ફેશન તો મલિકા શેરાવત જેવી અભિનેત્રીએ પૂરી પરાકાષ્ટાએ પહોંચાડી દીધી.

બાળકો વડીલોને  સ્ટુપિડ કહેતા થઇ ગયા અને ક્યાંક ક્યાંક તો વડીલો બાળકોને આતંકવાદી કહેતા થઇ ગયા. વિદ્યાર્થીઓ શિક્ષકથી ડરતા તેના બદલે હવે શિક્ષકો વિદ્યાર્થીઓથી ડરતા થઇ ગયા, તેનાથી વધુ તો જૂની આંખે જોવાતો મોટો તમાશો બીજો શો હોઈ શકે? યુનિયનો બનતા હવે બેન્કના સ્ટાફથી મેનેજરો ડરતા દેખાય અને ઘરેથી પ્રાર્થના કરીને નીકળે કે “આજે સ્ટાફ હેરાન ન કરે’ તેનાથી વધુ  તમાશા કયા અને કેવા હોઈ શકે? કોલેજના પ્રિન્સિપાલો,યુનિવર્સીટીના  રજીસ્ટ્રારો  અને વાઈસ ચાન્સલરો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓથી વાતે વાતે ગભરાય એ તમાશો તો જૂની આંખ જોઇને આશ્ચર્ય અને આઘાતનો જ અનુભવ થઇ શકે. પરદેશમાં વડીલો કરતા  કૂતરા-બિલાડાઓનું માન – સન્માન વધારે થતું જોવાય, એ પણ જૂની આંખે નવા તમાશા જેવું જ કે બીજું કાંઈ ? વડીલોને પાછળથી ‘ગાર્બેજ’ કે ‘ડસ્ટબિન’નું ટાઈટલ અપાય એ તો જૂની આંખે જ નહિ, જુના કાને પણ નવા તમાશા જેવું જ દુખદ અને આઘાતજનક  કહેવાય.નાનપણમાં જેમની હાકથી,હાજરીથી,ધાકથી જે ડરતા અને ગભરાતા તે બાળકો હવે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલા માતાપિતાને ટડકાવતા રહે એ તો જૂની આંખે જોવાતો, ન ભૂતો ન ભવિષ્યતે  જેવો તમાશો તો અત્યારે ઘરે ઘરે જોવાતોભજવાતો જોવા મળે છે.

પરંતુ દરેક સૈકામાં જૂની આંખે નવા તમાશા જોવાની,તેના વિષે ફરિયાદ કરવાની પરંપરા તો ચાલતી જ આવી છે.ફક્ત મારા પરિવારની જ વાત કરું તો મારા લગ્ન સમયે મારી વાગ્દત્તા લાજ નહિ કાઢે તે માટે મારે મારા મોટા સસરાને પત્ર લખવો પડેલો અને એ લાજ કાઢ્યા વગરના અમારા લગ્ન  મારા માતા પિતા તેમ  જ મારા શ્વસુર પક્ષના લોકો માટે જૂની આંખે નવા તમાશા જેવું જ ગણાયેલું.મારી પત્ની માથે ઓઢતી અને મારા બાળકો પણ નાના હતા ત્યારે મારા પિતા ઘરમાં આવતા દેખાય કે તરત મારી પત્નીના માથે સાડલાનો છેડો ઓઢાડી દેતા તે મને હજી યાદ છે.આગળ જતા એ માથે ઓઢવાનું પણ નીકળી  ગયું,જયારે મારા પિતાના દૂરના ભત્રીજાની પ્રૌઢ પત્ની છેક સુધી લાજ કાઢતી રહી,અને લાજમાંથી જ તેમની સાથે વાતચીત કરતી રહેતી, તે પણ યાદ છે.એ કદાચ સંધિકાળ હશે; પણ તે સમયના વડીલો માટે એવું બધું જૂની આંખે નવા તમાશા જેવું જ હશેને?

પછી તો મારા ચારમાંથી ત્રણ પુત્રોએ પ્રેમલગ્ન કર્યા ત્યારે હું અને મારી પત્ની તો સહમત થયા જ ;પણ સાથે સાથે મારા માતા પિતા પણ ખુશી ખુશી સહમત થયા, એ ગામલોકો માટે જૂની આંખે નવો તમાશો બની ગયેલ.અમારા વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં એક ગુજરાતી જૈન પુત્રવધૂ,બે મહારાષ્ટ્રીયન પુત્રવધૂઓ  અને એક ઉત્તર પ્રદેશની વાર્શ્નેનેય પુત્રવધૂ સ્વીકારાઈ તે મારા મિત્રો માટે ય જૂની આંખે નવા તમાશા જેવું બનેલું.

હવે મારા પૌત્રો અને પૌત્રીઓ તો પોતાની પસંદગીના પાત્રો સાથે પરણી રહ્યા છે અને માનવજાતિ એક જ છે તે સિદ્ધાંતના આધારે કોઈ પણ દેશના ,રંગના પાત્રને પરણે તો તે અમારા માટે તો સર્વસંમત વાસ્તવિકતા છે; પણ ભારતના અમારા સગા વહાલાઓ  માટે તો જૂની આંખે નવા તમાશા જેવું જ કહેવાય કે બીજું કાંઈ ? દેશ કાળ સાથે વર્તન પરિવર્તન સ્વીકારતા જવું એ જ સાચી પ્રગતિ છે,સાચો વિકાસ છે એવું સમજનાર માટે જૂની આંખે નવા તમાશા જેવું બહુ રહ્યું નથી. વડીલો પણ સમજ વધતા બધું સ્વીકારતા જાય , એ આનંદની વાત છે.મારા પિતરાઈ ભત્રીજાએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા,  તે પણ બેઉ પક્ષોએ સ્વીકારી ધામધૂમથી લગ્ન કરેલા અને મેં તેમાં હાજરી આપેલી તે મને યાદ છે.

મારા એકસો છ વર્ષના કાકી તો પ્રસન્ન પ્રસન્ન ભાવે  ‘રામ રાખે તેમ રહીએ’ ભજન ગાયા કરે છે વર્તન- પરિવર્તન જ જીવનનું  પરમ સત્ય છે એ સમજાય  તો ‘જૂની આંખે નવા તમાશા’ની ફરિયાદ ઓછી થઇ જાય.

સુખ એટલે- (11) ડૉ.લલિત પરીખ

 

  સુખ એટલે, આમ જોઈએ તો તે એક અનુભૂતિ માત્ર છે.પ્રતિકૂળ અનુભવ, જેમ દુખની અનુભૂતિ કરાવે તેમ જ   સાનુકૂળ અનુભવ સુખની અનુભૂતિ કરાવે.સમજુ શાણા લોકો પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરી સતત સુખ જ સુખની અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે   સુખ હકીકતમાં મનની અને મન દ્વારા શરીરને મળતી  સાનુકૂળ અનુભવ-અવસ્થાનો સાક્ષાત્કાર છે. સુખનો આધાર આપણી  દૃષ્ટિ પર પણ આધારિત હોય છે. સુખનું સૂક્ષ્મતમ સ્વરૂપ આનંદ જ આનદનો અનુભવ કરાવે છે જે તન મનથી પર અને સૂક્ષ્મ એવા આત્માનો વિષય છે.આત્માનંદ જ પરમાનંદ છે,પરમાત્માના સાક્ષાત્કારનું સોપાન  છે.

દૃષ્ટિવાન શોધનારને દુઃખમાં પણ સુખ મળી જાય છે.દુઃખને સુખમાં ફેરવી શકે તેના જેવો સુખી કોઈ નહિ.નાનપણમાં એક દેવ ચકલીની વાર્તા વાંચતા કે સાંભળતાં જેમાં રાજા તેને અનેક પ્રકારની સજાઓ આપતો જાય પણ તો ય તે આનંદથી ગાયા કરે “કેવી મઝા ભાઈ કેવી મઝા !” એવું જ સુખિયા સ્વભાવના માણસના જીવનમાં પણ જોવા મળે છે.દુખના અનુભવમાંથી શીખવા મળે છે,નિષ્ફળતામાંથી સફળતા પ્રતિ આગેકૂચ કરવાની પ્રેરણા અને ઊર્જા મળે છે.નાનપણની એક વાર્તા તો ભૂલાય એવી જ નથી જેમાં દુખીરામ ક્ષણે ક્ષણે દુખ જ દુઃખનો અનુભવ કરી દુખી દુખી રહ્યા કરે છે જયારે સુખીરામ પ્રત્યેક સુખ દુખની સ્થિતિમાં સુખી સુખી રહ્યા કરે છે.બેઉના કપાળે રસોળી હોય છે પણ સુખીરામ તેને સહજ સ્વાભાવિક રીતે પોતાના કપાળની વિશિષ્ટ શોભા તરીકે જોઈ- સ્વીકારી સુખી સુખી રહ્યા કરે છે, જયારે દુખીરામ તેને કુરૂપતાનું લક્ષણ સમજી દુખી દુખી રહ્યા કરી રડ્યા કરે છે.સુખીરામ એક વાર  તેના માબાપની આજ્ઞાથી ગાયો ચરાવવા વનમાં ગયો  તો ત્યાં વહેંતિયાઓ રમવા આવી ગયા, જેમને  સુખીરામ સાથે રમવાની બહુ  મઝા આવી અને બીજે દિવસે પણ રમવા આવવા માટે કહ્યું અને તેની ખાતરી કરવા માટે નિશાની તરીકે સુખીરામની રસોળી જ લઇ લીધી કે “આપી દઈશું।કાલે- તું  રમવા આવશે ત્યારે”.

સુખીરામની રસોળી નીકળી ગઈ તે જોઈ દુખીરામ તો દુખી દુખી થઇ ગયો અને ફરી ફરી પૂછવા લાગ્યો “મને કહે, કેવી રીતે તારી રસોળી નીકળી ગઈ?” સુખીરામે માંડીને વાત કરી તો દુખીરામે જીદ કરી કે “મારે પણ  ત્યાં જવું છે.”દુખીરામે ત્યાં જવાની જગ્યા સમજાવી. વહેંતિયાઓને દુખીરામ સાથે રમવાની મઝા ન આવી અને ચીડાઈને બોલ્યા:”લઇ જા તારી આ નિશાની અને સુખીરામની લઇ લીધેલી રસોળી તેના કપાળે ચોંટાડી દુખીરામ હવે એકને બદલે  બબ્બે રસોળીઓ દીધી”.

કપાળે જોઈ દુખી દુખી થઇ પોકે ને પોકે રડવા લાગ્યો.આ વાર્તા એક બાળકને જયારે મેં કરેલી ત્યારે તેણે કોણ જાણે કેમ મને કહેલું “મારા પપ્પા દુખીરામ જેવા જ છે.” મને નવાઈ  લાગેલી;પણ સાચાબોલો બાળક પણ જોઈ શકે છે કે સ્વભાવ જ દરેકને દુખી દુખી કરી મૂકે છે.સ્વભાવ શબ્દ કેટલો સાર્થક છે? સ્વમાં જ હોય તેવા ભાવમાં રહેવું.સ્વમાં સુખ જ સુખ જોતા રહેનાર,સતત સુખ ભરતા રહેનારને સર્વત્ર,કોઈ પણ સ્થિતિમાં કાયમ  સુખ જ સુખનો અનુભવ રહ્યા કરે છે.ખોતરી ખોતરી,શોધી શોધી,સુખમાં ય દુખ જોનારાઓનો તોટો નથી હોતો.પણ દુઃખમાં ય સુખ જોનારાઓ સદા સર્વદા સુખી જ સુખી રહ્યા કરે છે.આખું ઘર સ્વચ્છ હોય તો ય ખૂણામાં પડેલી એકાદ રજકણને શોધનાર અજ્ઞાની જ નહિ મૂર્ખ કહેવાય.દુઃખમાં ય સુખ જોનાર, શોધી કાઢનાર જ સમજદાર અને જ્ઞાની કહેવાય.બાકી તો સુખ સારા મનસુખમાંજ હોઈ શકે,ધનસુખ કે તનસુખમાં નહિ જ એ તો બહુ સીધું સરળ ગણિત છે.સુખ ભાવનાગત હોવાથી પ્રસન્ન સાનુકૂળ પરિસ્થિતિમાં જે પદાર્થ  કે વ્યક્તિ સુખ આપી શકે, તે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુખદાયી બની જાય છે એ તો આપણા  સહુનો કાયમી અનુભવ છે.

સુખ એટલે શાંતિ,સંપૂર્ણ સમાધાન,પરમ આનંદ તરફ લઇ જનારી સંતોષભરી અનુભૂતિ સુખ- દુઃખથી પર થવાનો ગીતાનો ઉપદેશ ન સમજાય તો ય દુઃખને સુખમાં પરિવર્તિત કરવાની સમજ,ટેકનીક અને આવડત તો આપણે  કેળવવી જ રહી.હુંપોતે તો હકીકતમાં એવો હકારાત્મક અભિગમ ધરાવું છું કે દરરોજ સૂર્ય મારા માટે નીકળે છે,પ્રાણવાયુ મારા માટે વહે છે,દુનિયાની આટલી બધી અસંખ્ય શોધો મારા માટે જ થઇ છે,દુનિયાની આટલી બધી સગવડો મારા માટે જ બની છે,મેડિકલ શોધો મારા માટે જ બની છે જે બધાનો લાભ મારી સાથે આખ જગતને પણ મળે છે એ વધારે સુખની વાત છે.એ સુખનો સાર- પ્રસાર જ સુખની સર્વોત્કૃષ્ટ અનુભૂતિ છે.સુખ એટલે સુખ જ સુખ,દુઃખને પણ સુખમાં બદલવાની ક્ષમતા ધરાવનાર અદભૂત, અનેરું,અનોખું, ચમત્કારપૂર્ણ ઊર્જાપૂર્ણ તત્વ.આ જ તત્વજ્ઞાન ! ગમતાનો ગુલાલ કરે તે જ સુખી સુખી સુખીરામ.

 

ડૉ.લલિત પરીખ

http://lalitparikh.wordpress.com/