ખુલ્લી બારીએથી – રમણલાલ વ. દેસાઈ : વાચક, જયશ્રી પટેલ

રમણલાલ . વ.દેસાઈ

મારી નજરે “* દિવ્યચક્ષુ”*(૧૯૩૧/૩૨)-
(ગુજરાતી ક્લાસિક નવલકથા ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્ત લેખક શ્રી રમણલાલ વ. દેસાઈની કલમે લખાયેલ નવલકથા )
તેમના પરિચયમાં હું મારા કોલેજકાળ દરમ્યાન આવી.૧૯૭૧/૭૨ ના બી.એ ના પહેલા વરસમાં એક નોવેલ પાઠ્યક્રમમાં જોડાય..વાંચન તો મૂળ શોખ એટલે એક જ બેઠકે વાર્તા પૂર્ણ કરી..ને લેખક તરીકે વસી ગયા.તેથી..એક પછી એક ગ્રંથાલયમાંથી પુસ્તકો લઈને પૂર્ણ કરવા માંડ્યા આજે પણ મારી પોતાના પુસ્તકાલયમાં તેમના અનેક પુસ્તકો છે.
                        પરિચય : *રમણલાલ.વસંતલાલ.દેસાઈ*નો જન્મ૧૨ મે ૧૮૯૨માં વડોદરા રાજ્યના શિનોર ,ગુજરાતમાં થયો હતો.પિતા વસંતલાલ ને માતા મણિબેનન ના સંતાન હતા.તેઓ કલોલના વતની હતા. પિતા નાસ્તિક ને માતા ચુસ્ત વૈષ્ણવ.પિતા *દેશભક્ત*નામનું સામાયિક ચલાવતા.તેઓ ૬ઠ્ઠા ધોરણ સુધી શિનોરમાં ભણ્યાને પછી વડોદરાની શાખાશાળામાં દાખલ થયા.બાળ લગ્ન થયા ને પત્નીનું નામ કૈલાસવતી હતું.મેટ્રિક પાસ થયા ને કોલેજમાં સાહિત્યનો જીવ એટલે ગણિતમાં નાપાસ થયા.પણ મન થોડું સ્વતંત્ર વિચારોવાળું ને સુધારાવાદી તેથી મિત્રો સાથે સમાજવાદને બાળલગ્ન પર ચર્ચા કરતા, ઠેર ઠેર વ્યાખ્યાનો આપતા.આખરે ૧૯૧૪માં પ્રથમ વર્ગમાં બી.એ ની પદવી મળી.કોલેજકાળમાં કવિતા,નાટકો રચતા તો થઈ જ ગયા હતા.૧૯૧૬માં અંગ્રેજીને ગુજરાતી સાહિત્યમાં એમ.એ ની પદવી મેળવી.પણ પ્રથમ ન આવતા તેઓ પ્રાધ્યાપક ન બની શક્યાને શ્રી સયાજી માધ્યમિક શાળાના શિક્ષક બન્યા.૧૯૧૬માં તેઓ બરોડા રાજ્યના ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારીને આઝાદી સુધી ૧૯૪૮ માં નિવૃત્ત થયા ત્યાં સુધી અલગ અલગ પદવી પર પદ સંભાળતા રહ્યા.
૨૦મી સપ્ટેમ્બર ૧૯૫૪માં હૃદયબંધ થવાથી મૃત્યુ પામ્યા.
જ્યારે હું ફક્ત એક વરસને ચાર મહિનાની જ હતી.
                તમને થશે તો મે કેવી રીતે લખ્યું કે ૭૧/૭૨ માં હુ પરિચયમાં આવી? હા ૧૯૫૪ થી ૧૯૭૧ સુધી કે તે પછી પણ તેઓ લોકોના હૃદયમાં શબ્દો રૂપી વસતા હતા.તેમના જીવનકાળ દરમ્યાન કવિતા *શું કરું* એ કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઇ હતી.ત્યારબાદ ૧૯૧૫માં સંયુક્તા નાટક રચ્યું જે સુરત ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ભજવાયું. કલમ ને કાગજ ભરાવા માંડ્યા એક પછી એક રચનાઓ રચાતી ગઈ.તેમણે ૨૭ નવલકથાઓ રચી છે.સાથે સાથે ટૂંકીવર્તાઓ,નાટકો,કાવ્યો,રેખાચિત્રો,પ્રવાસ વર્ણનો,વિવેચન,ઐતિહાસિક નિબંધો અને જીવનવૃતાંત પણ રચ્યા છે.કનૈયાલાલ મુનશી ને ધુમકેતૂના તેઓ સમકાલીન હતા.તેઓની વાર્તા કે નવલકથામાં હમેશાં ગુજરાતી પ્રજાના મધ્યમવર્ગના જીવન અને પાત્રો ખૂબ જ જાણીતા હતા.ગાંધીયુગને સમાંતર ગામડાંની પરિસ્થિતિનો આબેહૂબ ચિતાર તેમની શૈલીની ખાસિયત હતી.
                 આજે આપણે *દિવ્યચક્ષુ* વિશે કે તેની વાર્તા વિશે જરૂર જાણીશું..એમ તો *ગ્રામલક્ષ્મી*પણ ૧૨૨૩ પાનાંની વિશાળ નવલકથા છે…પણ *દિવ્યચક્ષુ* મારા મનોમંથન કે નવા નવા યુવાન વયના હૃદયને સ્પર્શી ગયેલી નવલકથા છે..આજે પણ તેના અંત ને વાંચતા મારૂ હૃદય દરેકના પ્રથમ પ્રેમનું આલોકન કરી જાય છે.
                  તેમની નવકથા વિશે તેમના જ શબ્દોમાં..*કૌમુદી ના તંત્રી ભાઈ વિજયરાયે એક લાંબી વાર્તા તેમના સુપ્રસિદ્ધ પત્ર લખવા માટે મને જણાવ્યું ,અને દર માસે બે ત્રણ પ્રકરણ લખવાની સગવડ મળશે એમ ધારી મે વાર્તા લખવાની હા પાડી.અને *દિવ્યચક્ષુ* વાર્તાનો ઉદ્ ભવ થયો.પ્રથમ તો એકાદ વરસ ચાલે તેટલીજ લખવી હતી પણ લખતા લખતા દોઢેલ વર્ષ ચાલે તેટલી લાંબી વાર્તા થઈ ગઈ.હું પોતે લાંબી વાર્તા વાંચવાથી કંટાળું છુ તો આ કોણ વાંચશે???એ વિચારે પછી નવલકથા રૂપે ન છાપવી એ નિર્ણય કર્યો પણ ભાઈ મૂળશંકરે તે બહાર પાડીને આજે તેની બીજી આવૃતિ છપાઈ રહી છે…વિચારો એવું તે શું હશે એ વાર્તામાં કે જે ૨૪ માર્ચ૧૯૩૧। ને ૨૧ ડિસેમ્બર ૧૯૩૧ ના સમયગાળામાં જ.તેમની આ નવલકથા માટે શ્રી બળવંતરાય ઠાકોરે વિવેચન પણ લખ્યું ને તેમના વખાણ પણ થયા.
*દિવ્યચક્ષુ*
               પહેલા પ્રકરણથી જ આપણને સમજાય જાય કે આ નવલકથા ગાંધીની વિચારધારાને સ્પર્શતી જ નવલકથા છે.ત્યારનો યુવા વર્ગ આમેય ગાંધીજીની ઘેલછાનો વર્ગ હતો..દેશના સુસુપ્ત યુવા વર્ગને તેમણે ઊંઘમાંથી ઉઠાડ્યા હતા જાગૃતિનો જુવાળ હતો…
૧૯૩૦ ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીનાં વ્યક્તિત્વ, વિચારણા ને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી, લેખક શ્રીરમણલાલ ની લોકપ્રિય નીવડેલી નવલકથા. અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતાનિવારણ, સમાજસેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભા-સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ-પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે. પણ જોડે નાયક અરૂણ અને નાયિકાના પ્રેમની સુંદર અભિવ્યક્તિ પણ રચી છે.
સાથોસાથ અરુણ અને રંજનના પરસ્પરના પ્રેમની, અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસકિતની કથા પણ કહેવાઈ છે. કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતાં અરુણ અંધ બને છે, પણ રંજન જેવી સુશીલ પત્નીના નિષ્ઠા તથા અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધા રૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે.
                   અંતિમ પ્રકરણના એ સંવાદો અરૂણ અને રંજનના પ્રેમની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છે
અંધ થતા અરૂણ રંજનને સમજાવાનો પ્રયત્ન કરેછે કે..દયા આખી જિંદગી નહિ પહોંચે..
રંજનનો પ્રત્યુત્તર પણ કેવો સચોટ…” માનવીના હૃદયમાં દયા સિવાયના પણ બીજા ભાવ હોય છે.”
ક્યા ભાવ..? અંત:કરણથી કરેલા પ્રેમના..શું પ્રેમ શારિરીક જ હોય..ના અહીં મજબૂત મનોબળની વાત રંજને થોડા જ શબ્દોમાં કરી દીધી..
અરુણને લાગે છે તે સ્વાર્થી કહેવાશે,”પણ સ્વાર્થ નો કટંક મને તો જીવનભર વાગ્યા કરશે.”
રંજન તેને કહેછે,”શા માટે? તમને મારી મિલકતનો ડર છે?તો તે તો મે આશ્રમમાં આપી દીધી છે.”
અહીં અરુણને સ્તબ્ધ થવાનો વારો આવે છે.
તો અંતિમ વાત કરતા પોતાના અંધપણાને કારણે એને જીવવાનું કારણ નથી સમજાતું..,”પણ હું જીવીને કરીશ શું??
રંજન તેના હાથમાં નાનો ધ્વજ આપી કહે છે આ લઈ આગળ દોડજો…
ધ્વજનો સ્પર્શ થતા અરુણનાં ચેતના જીવંત થાય છે ને લેખકે જે વર્ણવ્યું છે અદ્વતીય છે…
તે રમકડું હતું ;ઘરેણું હતું ; આંગળીથી ઊંચકાય તેવું ધ્વજનું પ્રતીક હતું.પરંતું તે પ્રતીકમાં હિંદના પ્રાચીન ગૌરવ ,વર્તમાન તપશ્ચર્યા અને ભાવી મુક્તિના સંભાર ભરેલા હતા.*સર્વ વ્યાપી પ્રભુ હૃદયમાં અંગુષ્ટ જેવડો બની રહે છેને? હિંદમૈયા પણ ધ્વજ રૂપે નાનકડું સ્વરૂપ ધારણ કરી હિંદીઓના હૃદય પર કેમ ન બિરાજે ?
આ વિચારે નાયક ની નિરાશા દૂર થઈ તેજ પ્રકાશવા માંડે છે…ને તે પણ હાથમાંથી પડે છે ત્યારે રંજનનો આધાર ભર્યો સ્વર…” બીશો નહિ ધ્વજતો હું ઉપાડી પાછો રોપીશું..”
અહીં જુઓ લેખક લખે છે “*પુરૂષથી ન રોપાયેલો ધ્વજ સ્ત્રી રોપશે?રંજનનું કથન એ હિંદના અને જગતના ભાવિની આગાહીતો નહિ હોય??આગાહી કેમ? એ તો બનવા જ માંડ્યું છે ને??*
અહીં જુઓ વાર્તા રચાય છે ૧૯૩૧ માં ને આજ છે ૨૦૨૦..સ્ત્રીના સ્થાનની વાત ત્યારે પણ સચોટ રૂપે આલેખ્ય છે…ઘૂમટાના જમાનામાં..સંકુચિત સમાજમાં નો બદલાવ આપણને સૂચવવામાં આવે છે.૧૯૭૧ માં ત્યારે હું પણ વીસી નહોતી વટાવી ચૂકી ત્યારે જ પચ્ચીસ ગુણને આ પૂર્વાપર સંબંધ કેટલા જોશીલા મનથી લખ્યો હશે…
અંતિમ ચરણમાં બન્ને ની પ્રેમભરી ચર્ચા હતી તમે ને તુંકારની..
વ્યાકરણનો ઉલ્લેખ કરી સર્વનામ ના બીજા પુરૂષને શું કહી શકાય…એકવચનમાં *તું* નો હક રંજન માંગે છે.જેના માટે અરૂણનો ખચકાટ..
“ ના ના એકવચનમાં હું તમને સંબોધી શકું નહિ.તમે તો પૂજ્ય..”
ને રંજનનો પ્રત્યુત્તર…ને પ્રેમ નો એકરાર સુંદર અભિવ્યક્તિ છોડી જાય છે,
“ જો હવે તમે કહીને તો ગળે ફાંસો જ દઈશ!”
ને અરૂણનો જવાબ,”દ્યો”…
એમ કે? કહી રંજને અરુણના ગળાની આસપાસ બે હાથે જોરથી ભેરવી આશ્લેષ લીધો! અરૂણનો ગભરાટ ને છોડી દેવાની વિંનતી..ન માની રંજન તેને ..
“કોને કહે છે?”
“કોણે હાથ ભેરવ્યો છે”?
તમે…
તમે એટલે કોણ??
ને અંતે અરૂણનો જવાબ છે….
“ તું રંજન તું”
રંજન પૂછે છે,”શા પરથી કહે છે?”
અરુણનો જવાબ …વાર્તાનો અંતિમ ચરણ છે કે,”*હું તને
હવે દેખું છું”*
ખરેખર પ્રેમીઓને આંખ હોતી નથી,દિવ્ય ચક્ષુ હોયછે..પ્રેમમાં ડૂબેલા બે પ્રેમીને બેન સુરભી આવ્યાને પણ ખ્યાલ રહેતો નથી..ઓરડામાં ફક્ત “એક ભણકારો વાગે છે” તું હી તું હી.”
 
અહીં નવલકથા પૂર્ણ થાય છે.
ગાંધી વિચાર સાથે સામ્યવાદ વિચાર ધરાવતા પાત્રોનું આલેખન એમની નવલકથામાં દેખાઈ છે.પરંતુ ગાંધી પ્રત્યેનો અનુરાગ કૃતિના અંતે વિજયી બને છે.
ગાંધીયુગીન આદર્શો અને જનજીવનને વ્યાપકરૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા ‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨) છે. અસ્પૃશ્યતા, સ્વદેશી-આંદોલન, સ્ત્રીસ્વાતંત્ર્ય, સભાસરઘસ, પોલીસના અત્યાચાર, અંગ્રેજરાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જોહુકમી, રૂઢિચુસ્ત અને અંગ્રેજપરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો-ભાવનાઓને આ કૃતિમાં લેખકે ઝીલ્યાં છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે
તેમની દરેક નવલકથામાં ગ્રામ્ય જીવનને મહેકતું કર્યુ છે. સરળ ભાવવાહી શૈલીના લેખકને વંદન
જયશ્રી પટેલ
૧૦/૪/૨૦૨૦

 

વિશેષ માહિતી -સંકલન

ર.વ દેસાઈએ નાટક, નવલકથા, વાર્તા, કવિતા, આત્મકથા અને જીવનચરિત્રો ઉપરાંત ઈતિહાસ અને સંસ્કૃતિ જેવા વિષયોને કુશળતાપૂર્વક ખેડ્યા છે.છતાં એકંદરે તેમની છબી નવલકથાકાર તરીકેની રહી છે.100 ઉપરાંત પુસ્તકોના રચયિતા ર.વ દેસાઈની 32 જેટલી નવલકથા”માં ‘દિવ્યચક્ષુ’, ‘ભારેલો અગ્નિ’, શૌર્ય તર્પણ, ઠગ, ક્ષિતિજ, ગ્રામલક્ષ્મી, જયંત  વગેરે જાણીતી નવલકથા” છે .’અપ્સરા’ નામે, પાંચ ખંડોમાં, ગણિકાઓના જીવનનો વિસ્તૃત અભ્યાસગ્રંથ આપ્યો.ગુજરાતમાં ઈતિહાસના વિષયવસ્તુની સજ્જતા સાથે નવલકથા” લખનારા સર્જકોમાં દેસાઈ શીર્ષસ્થ સ્થાને છે. તે”એ ‘ગઈકાલ’ શીર્ષકથી રસિક આત્મકથા પણ લખી છે. 1932મા તેમને ગુજરાતી સાહિત્યનો માનવંતો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. નવલકથાના ક્ષેત્રે મળેલી લોકપ્રિયતાને કારણે તે” ‘યુગમૂર્તિ’ સ્વભાવને લીધે સૌજન્ય મૂર્તિ અને અંગત વર્તુળોમાં ‘ભાઈસાહેબ’ તરીકે જાણીતા થયા હતા.-

શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈના પિતા વસંતલાલ દેસાઈ વડદોરાના ‘દેશભક્ત” વૃત્તપત્રના તંત્રી હતા.