સમાજ સુધારક ગોવર્ધન માધવરામ ત્રિપાઠી
પહેલી વખત જયારે “સરસ્વતીચંદ્ર ” વાંચી ત્યારથી ગોવેર્ધનરામ ત્રિપાઠી પ્રત્યે મારું માન ખૂબ જ વધી ગયું હતું. જે વ્યક્તિ ગમે તેમના વિષે જાણવાની ઉત્સુકતા વધે અને મેં પણ એમના વિષે વધુ વાંચવાની કોશિશ કરી.
તેમનો જન્મ નડિયાદની નાગર જ્ઞાતિમાં થયો હતો. 1883 માં એલ એલ બીની પરીક્ષા પાસ કરી એમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનું ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવૃત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
એમણે ધંધામાંથી નિવૃત થઇ એમણે સાહિત્ય અને સમાજસેવામાં મન પરોવ્યું. સૌથી મહત્વ પ્રવૃત્તિ કહીએ તો તે ‘સરસ્વતી ચંદ્ર’ના પહેલા ભાગના આરંભને કહી શકાય. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ કર્યો.પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું. સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.
“સરસ્વતીચંદ્ર”ને નવલકથા કરતાં કુટુંબકથા, રાજ્યકથા અને જ્ઞાનકથા તરીકે વધુ જોવામાં આવે છે. “સરસ્વતીચંદ્ર” એ આ લેખકનું મહાન પ્રદર્શન છે. એમની મહત્તાનું માપ આ પુસ્તકો વાંચીને માપી શકાય છે. “સરસ્વતીચંદ્ર” એ ગુજરાતી સાહિત્યમાં અનન્ય ગ્રંથ છે. એમનું પાત્રાલેખન વાસ્તવિક અને વિવિધતાભર્યું છે. એમની સુંદર , સાદી અને અલંકારિક ભાષાએ ગુજરાતી ગદ્યસાહિત્યને નવું બળ આપ્યું છે. “સરસ્વતીચંદ્ર” ગુજરાતી ગ્રહજીવનનું પુરાણ લેખાય છે. ગુજરાતી આચારવિચારને ભાવિ પ્રજા સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે. આજ તો એમનો ઉદેશ હતો.ગોવેર્ધનરામે સરસ્વતીચંદ્ર દ્વારા એ વખતનાં ચાલતાં ચુસ્ત રૂઢિઓ અને રિવાજોને પડકાર્યા છે. એમનાં અનેક પુસ્તકો દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિને બળ મળ્યું . એમની નવલકથા બોધપ્રધાન, સામાજિક નવલકથા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં એક અગત્યનું અંગ બની અને આ નવલકથાને ખૂબ વેગ મળ્યો,ઘણી ઘણી સુંદર નવલકથાઓને બાજુએ રાખી “સરસ્વતીચંદ્ર” ઘણાં પગથિયાં ઉપર ચડી ગઈ તેમની આ કૃતિમાં કવિતા ભરપૂર છે. ખૂબ જ સરળતાથી વિચારો, ભાવમય રીતે તેમના કાવ્ય દ્વારા પ્રદર્શિત કર્યા છે.તેમની કવિતાઓ મૃદુ છતાં વીજળીના ચમકારા લેતી, રસવૃષ્ટિ છે. એમ પણ કહી શકાય કે આ સારો ગ્રંથ રસગ્રંથ છે. તેને મહાભારત કે રામાયણ સમો કહી શકાય. સરસ્વતીચંદ્ર એટલે મહાકાવ્યોનો ગદ્યાવતાર. કુમુદનાં પાત્રમાં સીતાજીની આછી – પાતળી છાયા પણ મને દેખાય છે. તો બીજી તરફ કુમુ -ચંદ્રની પ્રબળ વેગવંતી સ્નેહકથા આપણું દિલ જીતી લે છે અને બાણભટ્ટનાં જેવી ગાજંતી તેમની વર્ણન માળા – મનને પ્રફુલ્લિત કરી દે તેવી છે એટલું જ નહિ -વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. સરસ્વતીચંદ્રના દરેક પાત્રને તેમનાં ગુણ પ્રમાણે નામો આપી લેખકે અનોખી શૈલીની ઓળખ આપી છે.
ગોવેર્ધનરામ એક વિદ્વાન લેખક થઇ ગયા.એમણે વાંચનથી શબ્દને ઉછેરી પોંખી પોખીને વાપર્યા છે. “એમ કહેવાય છે સત્યનો ચહેરો જોવો હોય તો ગાંધી પાસે જાવ,સૌન્દર્યનો ચહેરો જોવો હોય તો ટાગોર પાસે જાવ મૌન અને શાંતિનો ચહેરો જોવો હોય તો બુદ્ધ પાસે જાવ,” પણ મેં આ બધાનો સુમેળ માત્ર એક નવલકથામાં જોયો છે.એમના પાત્રો અને કથાવસ્તુ એમની વ્યાપક વિષયોને ઊંડાણમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે આ કથામાં રજૂ કરી છે. પિતાની ધર્મનિષ્ઠા અને માતાની વ્યવહારુતા – બંને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા જેના પડઘા મેં નવલકથામાં જોયા છે.
“સરસ્વતીચંદ્ર “માત્ર પ્રણયકથા નથી;લાગણીનો માત્ર સૂક્ષ્મ સંઘર્ષ નથી પણ પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. સમકાલીન ઘટનાઓ વિશે ચિંંતન-મનન કરાવતી આ કથાનું નાટ્યરૂપાંતર પણ થયું છે અને હિન્દીમાં ફિલ્મ પણ ઉતારી છે. ઇતિહાસ કહે છે કે જયારે “સરસ્વતીચંદ્ર ” છપાયો ત્યારે એટલે કે એ તિથિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગતસાહિત્યમાં પગ મુક્યો. ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પ્રથમ સાહિત્યકાર ગણાય છે.
ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિતૃઅંજલિ-રૂપ લખેલું : ‘માધવરામ-સ્મારિકા’. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. પણ મારા માટે તો “સરસ્વતીચંદ્ર” અને “ગૌવર્ધનરામ ત્રિપાઠી” એક શ્રેષ્ઠ સર્જક અને કથા એક શ્રેષ્ઠ સર્જનાત્મક ગ્રંથની છાપ સાથે હજી પણ અકબંધ છે.
જયવંતી પટેલ
સંકલન વિશેષ :અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
૧. એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી,
૨. ક્યારેય નોકરી કરવી નહિ,
૩. ચાળીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ બીજા ભાગો ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.-જયંત ગાડીત.
૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું