આસ્વાદ – ડૉ. ચિનુ મોદી
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચહેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન
રાતનો ક્યારે ભરોસો હોય છે.
પી જઉં પયગંબરોના પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે
જેમ તુંડે તુંડે મતિ ભિન્ન હોય છે તે જોતાં કોઇપણ રચનાનો અર્થ વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન હોય છે. વળી સમય, સંજોગો, અનુભવ અને ચેતનાશક્તિ પ્રમાણે કવિ હ્રદય અલગ અલગ ભાવ સાથે, જે ભાવ હ્રદયને સ્પર્શે અને સંવેદનાઓ ઉભી કરે તે ભાવ સાથે મમળાવે છે, માણે છે. આજે મને શ્રી ચીનુ મોદીની રચનાનો આસ્વાદ કરાવવાનો મોકો મળ્યો છે. આ ગઝલને મે પહેલાં વાંચી, માણી. મને નથી ખબર કવિએ કયા ભાવ સાથે લખી છે. પરંતુ મારાં માનવા મુજબ કવિનાં હ્રદયની વાતનો આસ્વાદ આ ગઝલનાં શબ્દો મુજબ આ પ્રમાણે હોઇ શકે …
ગઝલના સામ્રાજ્યના શિરોમણી ગઝલકાર ચીનુ મોદીને સૌ પ્રથમ સલામ. આપની આ ગઝલમાં લાગણીની તરબતરતા છે અને અભિવ્યક્તિની તાજગી છે. શાયર પોતે પોતાની જાત સાથે વાત માંડી બેઠેલા અનુભવાય છે. આખી ગઝલમાં બોલચાલનો લહેકો સ્પર્શી જાય એવો છે.
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચહેરાને જોવો હોય છે.
મત્લાનાં શેરમાં ગઝલકાર કહેવા માંગે છે કે મારાજ હોવાપણાનો ડર મને કાચમાં વારંવાર જોવા પ્રેરે છે. જાત સાથે ગઝલકાર વાત માંડીને બેસે છે. એનો ઉત્તર બીજા શેરમાં છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
કોઇ એક દોષ થોડો છે? આપણાંમાં તો ક્ષણ ક્ષણનાં દોષો છે. પોતાનાં અપાર દોષોથી ગઝલકાર જાગી જાય છે. તેમની જાગૃત અવસ્થામાંથી ઉદ્ભવેલી આ ગઝલ અપાર આશ્ચર્યમાં લઇ જાય છે.
શ્વાસની હલચલ તો હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ત્રીજા જ શેરમાં આ પરિસ્થિતિથી ઉદ્ભવેલા એકાંતને વર્ણવવા માટે ગઝલકાર કહે છે કે આ એકાંત તો કેવું કે શ્વાસની આવનજાવન પણ દેકારા, પડકારા જેવી લાગતી હોય છે. એના માટે મને એક ઉર્દુ ગઝલનો એક શેર યાદ આવે છે,
‘બહાર ગલીમેં ચલતે હૂએ લોગ થમ ગયે, તન્હાઇઓંકા શોર થા ખાલી મકાનમેં’
પછીનો શેર છે,
ઊંઘ આવે તો તરત મીંચો નયન
રાતનો ક્યારે ભરોસો હોય છે.
આ શેરમાં ગઝલકાર કહે છે કે આ જાત તપાસમાં પડવું એટલે ઉંઘને દેશવટો આપી દેવો. એવે સમયે જયારે પણ ઉંઘ આવે ત્યારે આંખો બંધ કરીને ઉંઘ માણી લેવી જોઇએ. એટલો સમય તો જાત તપાસથી છૂટકારો મળે? બાકી રાતનો ક્યાં ભરોસો હોય છે? આંખો બંધ ના કરો તો રાત ક્યાં રાત રહે છે?
પી જઉં પયગંબરોના પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
આ શેરમાં પયગમ્બરોનાં પાપને પી જવાની વાત ગઝલકાર કરે છે. પયગમ્બરોનાં પાપ તો બોલવાનાં પાપ હોય છે. અને શબ્દો તો ઠગારા હોય છે.શબ્દ જેની પાસે જાય, અર્થ તો અનેક થવાનાં છે. શબ્દ જ તારે છે, શબ્દ જ ડૂબાડે છે. પોતાનાં સર્વ દોષોને સ્વીકૃત કરીને ગઝલકાર કહે છે, હું માણસ માત્ર છું અને આ દોષો માણસ જ કરે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઈચ્છાનો દોરો હોય છે.
આ ગઝલમાં કવિની આદ્યાત્મિકતા સ્પર્શે છે. ઇચ્છાને કારણે માણસમાં પશુતા આવે છે. ઇચ્છાનો દોરો ગળામાં છે ત્યાં સુધી હું પશુ છુ. માણસ થઇ શકવાનો નથી. અને દોષો થયાજ કરવાનાં છે. ઇચ્છા સર્વ દુઃખોનું, સર્વ પાપોનું મૂળ કહેવાય છે. સમગ્ર ગઝલનું ભાવવિશ્વ ‘હું ફરી કયાંથી માણસ બનુ?’ની આગળ પાછળ ઘેરાયેલું છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી
મોતનો પણ એક મોભો હોય છે
મક્તાનાં શેરમાં, મક્તા કહી શકાય નહીં કારણકે ઉપનામ સાંકળેલું નથી. આ અંતિમ શેરમાં એમની ખુમારીનાં દસે દસ દરિયા ઉમટ્યા છે. એ કહે છે કે મારામાં દોષો છે પણ ધર્મોમાં જેમ બીક બતાવે છે કે સારા કર્મોનાં સારા ફળ અને ખરાબનાં ફળ ખરાબ! માટે ધર્મનાં પ્રતિનિધિઓને સંબોધીને કહે છે કે શેખજી! મને સ્વર્ગની લાલચ ના આપો. મને છેતરો નહીં. મોતનો પણ એક મોભો હોય છે. સ્વર્ગ અને મોતને અલગ રાખવા જોઇએ. આ શેરમાં કવિની ધર્મનિરપેક્ષતા જાગેલી દેખાય છે.
આ ગઝલમાં થોડો, જોવો, દોષો, કોનો, ભરોસો, રોગો, દોરો, મોભો … એ બધા કાફીયા છે. ત્યારે ‘હોય છે’ એ રદીફ છે. શ્રી ચીનુ મોદીએ પદ્ય અને ગદ્ય દરેક સાહિત્યના સ્વરૂપમાં ખેડાણ કર્યુ છે. માટે એમની કવિતા દરેક સ્વરૂપમાં મ્હોરી છે. તેઓ કલમ ખૂબીપૂર્વક ચલાવે છે. તેનુ દર્શન વાચકને વિવિધ ગઝલોમાં તાર્દશ્ય થાય છે. માટે સુરેશ દલાલે કહ્યુ છે કે ‘ચીનુની કલમ કાચીંડા જેવી છે. આસાનીથી ધાર્યા પરિણામ લાવી શકે છે.’ કોઇપણ કવિ પાસે શબ્દો જુદા જુદા સ્વરૂપે આવતાં હોય છે. પણ તમામ સ્વરૂપોને મૌનના ઘરમાં પામીને કવિ શબ્દોનું સાચુ સ્વરૂપ આપે તે સાચી કવિતા કહેવાય.
કલ્પના રઘુ