ચાલો લ્હાણ કરીએ (૧૨)કાળજા કેરો કેટકો -કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ

કાળજા કેરો કટકો
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રોવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો….
છબતો ન’ઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડરે ઓળંગ્યો….
બાંધતી નહીં અંબોડલો બેની, ભલે હોય ઇ છૂટી ગ્યો
રાહુ થઈ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો…
આંબલી પીપળ ડાળ બોલાવે, એકવાર સામું જો
ધૂમકા દેતી જે ધરામાં,  ઈ આરો અણોહરો…
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઊતરી ધીડી,    સૂરજ ડૂબી ગ્યો..
લુટાઈ ગ્યો મારો લાડ ખજાનો, “દાદ” હું જોતો ર્યો
જાન ગઈ જાણે જાન લઈને,   હૂંતો  સુનો માંડવડો…
મારા પરમ સ્નેહી શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ શ્રી “દાદ”) દાદ બાપુના નામે આજે સમગ્ર ભારતમાં જાણીતા છે. તેમની અનેક ઉચ્ચ સ્તરની રચનાઓ માંહેની એક રચના આજે  અહીં મુકુ છું.
દાદ બાપુ એક સ્નેહીઓના આમંત્રણને માન આપીને તેમની દીકરીના લગ્નમાં પધારેલા, લગ્નના એક પછી એક પ્રસંગો ક્રમ બદ્ધ પૂર્ણ થતા રહ્યા, છેલ્લે કન્યા વિદાયનો સમય થયો, લગ્નના એ પ્રસંગે દરેક મહેમાનો અને સ્નેહીઓમાં એક જાતની ગમગીન છવાઈ ગઈ, ત્યારે દાદ બાપુના હ્રદયમાં આ પ્રસંગને અનુરૂપ એક કવિતાએ જન્મ લીધો, એ કાવ્ય હતું ” કાળજા કેરો કટકો”
પ્રસંગ પૂરો થયા પછી એક ડાયરા જેવો માહોલ બની ગયો, દાદ બાપુ પધાર્યા હોય પછી તેમને સાંભળ્યા વિના મહેમાનો અને ઘરના સભ્યો કેમ રહે ? બધા ઉપસ્થિત લોકો દાદ બાપુને સાંભળવા આતુર બની ગયા, ત્યારે દાદ બાપુએ હમણાંજ જન્મ પામેલી એ રચના એવા ભાવથી રજૂ કરી કે જ્યારે કન્યા વિદાય વખતે પણ અડગ રહેવાની હિંમત કેળવી ચૂકેલા તેઓ પણ આ રચના અને કવિ શ્રીની રજૂઆત થી ભાવ વિભોર બની ગયા.
કેવો અદ્ભુત ભાવ આ કાવ્યમાં છે ? શરીરના કાળજા માંથી જાણે આજે કોઈએ એક કટકો કાપી લીધો, ત્યારે એવું લાગે છે જાણે નાનકડા ગમની પણિયારી વીરડામાંથી પાણિ ભરવા ગઈ હોય અને જ્યાં વીરડાને અડકવા જાય ત્યાં કોઈ કારણસર વીરડો ફૂટી જાય અને પાણિ નદીની રેતીમાં અદ્રશ્ય થઈ જાય, એવોજ માહોલ આજે આ પ્રસંગમાં બન્યો છે, મમતા રૂપી પણિયારી આજ ફૂટેલા પાણીને અદ્રશ્ય થતું જોયા સિવાય કંઇજ કરી શકતી નથી, એવીજ લાગણી આજે આ મંડપમાં દરેક વ્યક્તિની હતી.
જે બાલિકા અત્યાર સુધી ધરતી માથે એવી કૂદતી, રમતી જાણે તેનો પગ જમીન પર અડતો નહીં, એજ કન્યાને આજે બાપના  ઘરના ઉંબરાને ઓળંગતાં એવું લાગ્યું જાણે કોઈ મોટો પહાડ ઓળંગવો હોય.
જે બાળાના માથાના વાળ વિખેરાઈ ગયા હોય, સાહેલીઓ કે મા બોલાવીને તેને ટપારે કે બેટા આવ તારા વાળનો અંબોડો બાંધી આપું, પણ ત્યારે તેને તેના અંબોડાની કોઈ ફિકર ન હતી, ભલેને છૂટેલો હોય! પણ આજે એજ લાડકીના ચહેરા પરથી એક ક્ષણ માટે પણ ધુંધટ હટતો ન હતો, જાણે લાડલીના ચન્દ્ર રૂપી ચહેરાને ઘુંધટ રૂપી રાહુ બનીને આવ્યો હોય અને તેને ગળી ગયો હોય.
વેલડું ગામના પાધર પાસે પહોંચ્યું ત્યાં જાણે તળાવની પાળ અને વૃક્ષો બોલાવવા લાગ્યા કે બહેન, એક વાર તો અમારી સામે જોતીજા, આ એજ ધરો છે, જ્યાં તું આંબલી પીપળી રમતી અને આ ધરામાં ધુબાકા મારતી, આજ એ આરો, ઉદાસ; ખિન્ન. બની ગયો છે.
જે કન્યા દોડાદોડી કરીને આખા ઘરને અને ગામને માથે લેતી, તે હરણી જેવી ને આજે ધીમા ધીમા ડગલાં માંડતી જોઈને લાગે છે જાણે આજે તેને દરેક ડગલું સો સો ગાઉનું ભરવું પડતું હોય. પિતા જાનને વળાવીને ગામના પાધરે હથેળીની છાજલી કરીને વ્હાલસોઈ દીકરીની જતી જોઈ રહ્યો છે, પણ જ્યાં વેલડું સામેની ધાર પરથી નીચે ઉત્તરી ગયું અને દેખાતું બંધ થયું ત્યારેતો જાણે સૂરજ દાદો અસ્તાચલમાં ડૂબી ગયો હોય.
આનંદ સાથે પણ ક્યારેક એવી ઉદાસીનતા છવાતી હોયછે કે ત્યારે શું કરવું તે સમજાતું નથી, રડવું કે હંસવું, આજે એવીજ સ્થિતિ આ બાપની છે, પુત્રીના લગ્નનો આનંદ છે તો તેની વિદાય ની વ્યથા છે, આનંદ અને બાળકોના કિલકારથી ગુંજતા માહોલ ના બદલે હવે હું જાણે એક સુનો માંડવો બનીને ઊભો છું.
આ છે કવિ “દાદ” ની કલમની તાકાત, કોઈ પણ માનવી થોડુ ઘણું પણ ગુજરાતી જાણતો હોય અને એમાં પણ જો તે દીકરી નો પિતા હોય તો આ રચના સાંભળીને ભાવ વિભોર બન્યા વિના ન રહી શકે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ