જીવનની જીવંત વાત (15) ઉમાકાન્ત વિ.મહેતા.

‘ફ્રોઝન સ્માઈલ           

  હૃદયને ક્યારેક તમ્મર આવે છે.બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે.

 ઘટના કદીક એવી પણ સર્જાય છે,જે લાગણીને પથ્થર બનાવે છે.

દેવિકાબહેન ધ્રુવ

મધ્યમ વર્ગના માનવીનું ધ્યેય,  ભણ્યા પછી નોકરીની તલાશ.! કૉલેજને પગથિયેથી ઉતરીને સીધા જ નોકરી માટે દોડવાનું હતું. ગ્રેજ્યુએશન કર્યા પછી  ઘરનુ આંગણું મુકી સીધા નોકરીએ પગરણ માંડ્યાં.કંપનીએ રહેવા માટે ક્વાર્ટરની સગવડ આપી હતી. ફાવી ગયું અને રહી પડ્યા  ત્યાં લાગલાગટ ૩૨ વર્ષ.

રીટાયર્ડ થયા. કંપની કહે ચાલો ક્વાર્ટર ખાલી કરો.આ તો પ્રાયવેટ કંપની.! ભારત સરકારની મીનીસ્ટરી  થોડી છે કે ખુરશી છોડ્યા પછી બંગલો નહિ છોડવાનો ? બિસ્તરા પોટલા બાંધ્યા અને ઘર પ્રતિ પ્રયાણ કરવા વિચાર્યું.

ત્રણ માળનું ઘરતો વારસાઈ હક્કે મળેલું. પરન્તુ  નોકરી અર્થે  માદરે વતન છોડવાનું  દુઃખ તો હતું જ પણ  હાથમાં આવેલી નોકરીની તક  છોડાય તેવી સ્થિતિ ન હતી, તેથી   ભાગે આવતી રોકડ રકમ લઈ ઘર મોટાભાઈને આપેલું. મોટાભાઈ રીટાયર્ડ મસ્ત એકલરામ.પડોશમાં ભાનુ બહેન રહે. ભાનુબહેનનું કુટુંબ ચાર સભ્યોનું. અમે બે અમારાં બે.  પતિ પત્ની અને છોકરો છોકરી પતિ ધનસુખલાલ નામે ધનસુખ પણ કરમે ધનનું સુખ લખાવીને નહિં આવેલા. સામાન્ય નોકરી કરે અને બહેન આજુબાજુ ટિફિન સર્વિસ ચલાવે. મોટાભાઈને તેમની સાથે  ટિફિનનો સંબંધ.

મોટાભાઈ આરામથી રહે .શાંતિથી ચ્હા પાણી નાસ્તો કરે પેપર વાંચે કરે અને આરામથી જીવે. આપણી અંગ્રેજી કહેવત છે ને કે (વન મેન્સ ફુડ ઇઝ અનધર્સ પોઈઝન) કોઈનું સુખ એ કોઈનું દુઃખ પણ હોઈ શકે છે.આટલું મોટું ઘર અને એકલા માણસ અને અમે ચાર જણા ફક્ત એક જ રૂમ રસોડાનું મકાન ? ટીફિનવાળા ભાનુબહેનની આંખમાં ખૂંચ્યા કરે.

ભાનુબહેને સોગઠી મારી. કાકા ! તમે એકલા રહીને ચ્હા પાણીની માથાકૂટ કરો છો તો મને તમે ભાડે રહેવા માટે ઉપરનો રૂમ આપો તો તમને હું ભાડું આપીશ અને તમને ચ્હા પાણી નાસ્તાની તથા ખાવા પીવાની સગવડપણ કરી આપીશ; તમને ભાડાનું ભાડું મળે અને આ બધી ઝંઝટ જાય, એકલપંડે માણસને આવી બધી શી જંજાળ ? મોટાભાઈના આરામપ્રીય સ્વભાવને  તો ભાવતું ‘તું ને વૈદે કહ્યું. આમ  ભાનુબહેને સિફતથી ગૃહ પ્રવેશ કર્યો

સમયનું ચક્ર ફરતું રહ્યું.મોટાભાઈ ગુજરી ગયા.તેમના લૌકિક કાર્ય માટે આવી, પતાવી અને રજા પુરી થતાં જતાં જતાં મકાન ખાલી કરવા કહ્યું.હા તમે આવોને તમે કહેશો ત્યારે ખાલી કરી કબજો સોંપી દઈશ. નોકરી ઉપર હાજર થવાની ઉતાવળમાં હતો;અને નોકરીમાં રીટાયર્ડ થવાની હજુ વાર હતી. એટલે બહુ ઝાઝી વાત ના થઈ. અને હું નોકરી ઉપર હાજર થઈ ગયો. આમ જુના ભાડામાં જ આખું મકાન વાપરવાની બિનપરવાનગીએ તેમને  રજા મળી ગઈ.

પ્રસંગોપાત જ્યારે જ્યારે આવતો ત્યારે મીઠી મીઠી વાતો કરી સમય પસાર થતો ગયો. રીટાયર્ડ થવાનો સમય આવ્યો એટલે કંમ્પની તરફથી ક્વાર્ટર ખાલી કરવાની નોટીસ આવી..એટલે મકાન ખાલી કરવા જણાવ્યું  ત્યારે એજ મીઠો જવાબ તમે આવો ને હું ખાલી કરી તમને કબજો સોંપી દઈશ.

સમય કોઈની રાહ થોડી જુએ  છે તે મારી રાહ જુવે ? રીટાયર્ડ થઈ ગયા હવે શું ?  ધનસુખભાઈએ હવે તેમનું પોત પ્રકાશ્યું. અમે મકાનની તપાસમાં જ છીએ પણ આ ભાડામાં મકાન મળતું નથી  અને વધુ ભાડું અમને આ મોંઘવારીમાં પોસાતું નથી. મારી સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ.કમ્પનીને પરિસ્થિતિ મજાવી છ બાર મહિના માટે રહેવા રીક્વેસ્ટ કરી. અને કમ્પનીએ તે ભલમનસાઈથી મંજુર કરી.

મજાવટના વારિ વહી ગયા, ઉશ્કેરાટની ભરતી શરૂ થઈ અને આખરે મારે કોર્ટનો સહારો લેવો પડ્યો.કોર્ટ કેસ ચાલે એટલો લાંબો સમય સુધી  કોઈને ત્યાં રહેવાય નહિ  અને બીજી બાજુ કમ્પનીએ  બાર મહિના માટે ક્વાર્ટરમાં રહેવા આપેલી મુદત પુરી થવાથી અને છોકરાઓનો અભ્યાસ ચાલુ હોવાથી હોવાથી  નવો ફ્લેટ લઈ  રહેવાનું નક્કી કર્યું.

રહેવાનું બહારગામ અને   કેસ ચાલે અમદાવાદની કોર્ટમાં. કેસની મુદતે  હાજર થવા  આવું એટલે વકીલ મારફતે તે મુદત લઈ લે અને મને ધક્કો પડે અને ગાડીભાડાનો ખર્ચ થાય તે વધારામા.

ધનસુખભાઈના  છોકરાંઓ પણ હવે તો મોટા થયા હતા અને છોકરીને પણ પરણાવી હતી. છોકરાને દુબાઈમાં નોકરી મળી હતી તેથી તેની મારફેતે પૈસાની છૂટ હતી. ધનસુખભાઈએ  નોકરીમાંથી લૉન લઈ પોતાને નામે ફ્લેટ લીધો હતો અને દિકરીને જમાઈને રહેવા આપ્યો હતો.

મારી આવકનું સાધન. નોકરીનો પગાર બંધ થયો હતો. વકીલ, કોર્ટ કચેરી, ગાડીભાડાના ખર્ચ વધતા જતા હતા.કમ્પની તરફથી મળેલી ગ્રેજ્યુઈટી,પ્રોવીડન્ટની રકમ વપરાતી જતી હતી. જીવનની મીણબત્તી બે બાજુથી સળગતી હતી. અને  આમ ધનસુખભાઈ ગાયને દોહિ કુતરાને દૂધ પીવડાવી પૂણ્ય કમાતા હતા

બેદર્દ ઝમાના તેરા  દુશ્મન હૈ તો ક્યા હૈ દુનિયામે નહિં કોઈ ઉસકા ખુદા હૈ

મારા મિત્ર શ્રી રજનીકાન્ત ભટ્ટ વકીલને મળીને મને માહિતીથી વાકેફ કરતા રહેતા હતા. તેમણે તપાસ  કરી માહિતી મેળવી કે ધનસુખે નોકરીમાંથી  લૉન લઈને ફ્લેટ લીધો છે. વકીલે કહ્યું તેમ ના ચાલે કોર્ટમા પુરાવો રજુ કરવો પડે. તમે  આ બધા પુરાવા લઈ આવો.

શ્રી રજનીકાન્ત ભટ્ટ બેન્કમાં મેનેજરની પોસ્ટ પર હતા. માથે બેન્કની જવાબદારી  હોવા છતાં સત્ય ખાતર એક મિત્રને મદદ કરવા રાત દિવસ એક કરી તેમણે ધનસુખ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાથી  ક્યી તારીખે લૉન લીધી, કેટલી રકમની લીધી,બેન્કનો ચેક નંબર, કેટલા હપ્તા ભર્યા, કેટલા  હજુ બાકી છે. ક્યી સોસાયટીમાં ફ્લેટ લીધો છે  તથા સોસાયટીના બોર્ડ ઉપર સભ્યોના નામ હતા તેનો ફોટોગ્રાફ,અને ઈલેક્શન નજીકમાં હતું તેથી મતદાર યાદીમાં તેમના નામ વગેરે વગેરે સઘળી માહિતી વકીલને પહોંચાડી. સજ્જડ જડબેસલાખ પુરાવાઓ રજુ કર્યા.અને આખરે કેસ જીત્યા.મકાન ખાલી કરવાનો ઑર્ડર (ડીક્રી ) પાસ થઈ

અમે રાજી થતા  ઘેર આવ્યા અને તેને ડીક્રી બતાવી મકાન ખાલી કરી કબજો સોંપવા જણાવ્યું.અત્યાર સુધીનું તેના મોં ઉપરનું ‘ફ્રોઝન સ્માઈલ ‘પીગળતું હતું કાચંડાની  માફક હવે તેણે રંગ બદલ્યો. મારી પાસે નવું ઘર ખરીદવાના પૈસા નથી મને પૈસા આપો તો કબજો હાલ આપું.  કબજો સોંપવાની સાફ ના.નાલાયકીની પરાકાષ્ટા !

ફરીથી કોર્ટના દ્રારે. બેલીફ અને પોલીસ પ્રોટેક્શન સાથે સામાન બહાર કઢાવી  માંડ માંડ કબજો મેળવ્યો.આવા ઝઘડાળુ ઘરમાં સુખ ચેનથી રહી નહિ શકાય તેથી વેચવા કાઢ્યું. માથાભારે માણસની દાદાગીરી એટલી કે કોઈ ખરીદનાર ના મળે છેવટે જેમતેમ કરી નજીવી કિંમતે સોદો પતાવી છૂટા થયા.

બાપ દાદાએ પ્રેમથી સોંપેલી તેમની મોંઘેરી  મિલકત સાચવી ન શક્યા. આ  દુઃખ લઈ માદરે વતન ત્યજી વડોદરા વસવાટ કર્યો.

સમાપ્ત