ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૫:અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન”શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો એક નવીન પ્રકારની રચનાને જાણીએ અને માણીએ. આપણે જાણીએ છીએ તેમ ગુરુદેવ તેમની કલમ દ્વારા માનવીની ભીતર ની સંવેદનાઓને શબ્દોમાં તદરૂપે અક્ષરઃશ વણી લેતા. રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવ માનવીને એક અરીસો ધરે છે – પોતાના મનને કોઈક અનોખી રચના દ્વારા મળવાનો, ઓળખવાનો. રબીન્દ્રસંગીતના ખજાનામાંથી માનવીની દરેકે દરેક મન:સ્થિતિ સાથે તાલ મિલાવતી એક રચનાતો તમને મળશે જ.

ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે. પોતાની ભીતરમાં રહેલા એ પરમ ચૈતન્ય, એ પ્રખર ઉજાસનું અહર્નિશ સાંનિધ્ય અને સામીપ્ય તેઓ સતત અનુભવતા. અને જયારે માનવીને ભીતરના ઉજાસની અનુભૂતિ થઇ જાય પછી એ ઉજાસના તેજને સથવારે તેનું સમગ્ર વિશ્વ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય. આવાજ ભાવ દર્શાવતી એક ખુબ સુંદર,પ્રતીકાત્મક અને પ્રચલિત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1911માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আলো আমার আলো ওগো | (Aalo Amar Aalo Ogo) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અંતરનો ઉજાસ …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ઇમાનમાં કર્યું છે અને તેને દાદરા તાલ  દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે “બિચિત્રો” વિભાગ એટલે કે પ્રકીર્ણ વિભાગમાં વર્ગીકૃત કરી છે.

 

અંતરનો ઉજાસ એટલે કે inner light – આ રચનામાં કવિવરે નિજ અંતરમાં રહેલા ઉજાસને શબ્દદેહ આપ્યો છે. જયારે ભીતરે ઝળહળતો પ્રકાશ હોય ત્યારે આજુબાજુ બધુજ ઝળહળી ઉઠે એ કવિવરે અલગ અલગ રૂપકો દ્વારા સમજાવ્યું છે. આ અંતરનો ઉજાસ એ નરી આંખે જોવાનો પ્રકાશ નથી પણ ભીતરની અનુભૂતિનો અહેસાસ છે. મારા, તમારા, સૌમાં એ પરમ ચૈતન્ય રહેલું  છે જેની કૃપાથી  આપણા શ્વાસની લયબદ્ધ ગતિ ચાલુ છે. પરમ ચૈતન્યનું અસ્તિત્વ આપણી ભીતરની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખે છે અને એજ જ્યોત આપણને જીવનમાં સાચી દિશા પણ દેખાડે છે, એજ જ્યોત દ્વારા આપણે અન્યને પણ માર્ગ દેખાડવાનો હોય છે. પણ ઘણી વાર આપણા ખુદના લૌકિક આગ્રહો જેવાકે મોહ, ક્રોધ, ઈર્ષા આ જ્યોતને ગ્રહી લે છે અને અંતરનો ઉજાસ ક્ષીણ થઇ રહી જાય છે.શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે 

योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव :

योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।। 24।।

અર્થાત જે મનુષ્ય પોતાની ભીતરના ચૈતન્ય સાથે, અંતરના ઉજાસ સાથે એકાકાર થઇ હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે, તે યોગી સમાન મનુષ્ય મોક્ષના માર્ગ પર ગતિ કરી રહ્યા છે.

When your inner light is shining bright, you find everything illuminated within your sight. જે પોતે અંદરથી સંતુષ્ટ હોય, ખુશ હોય તેમને સર્વત્ર ઝળહળ જ દેખાય. જયારે અંતરનો ઉજાસ પારદર્શકતા થી પ્રજ્વલિત હોય ત્યારે પંતગિયાની પાંખમાં પણ પ્રકાશનો પમરાટ અનુભવાય. જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આ વીરલાઓ સતત આનંદમાં રહે અને આજુબાજુ પણ આનંદ પ્રસરાવે. Do you know about the book Pollyanna? Pollyanna is a 1913 novel by American author Eleanor H. Porter, considered a classic of children’s literature. આ પુસ્તકમાં નાનકડી અનાથ બાળકી Pollyanna – આ અંતરના ઉજાસના સથવારે જીવનના અતિ વિષમ સંજોગોનો સામનો તો કરે જ છે પણ સાથે સાથે તેની આજુ બાજુ સૌને પણ જીવન નિજાનંદના સહારે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો!!  તો ચાલો, આ અંતરના ઉજાસની જ્યોતને વધાવતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૪: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગતછે. રબીન્દ્રસંગીતની આપણી સફર આગળ ધપાવતા, આજે આપણે પ્રેમ પારજોયની ખુબ નજાકત ભરેલી રચનાને જાણીશું અને માણીશું. 

આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં “પડવું” એ એક અવર્ણીય અનુભૂતિ છે અને ખાસ કરીને વિજાતીય પ્રેમમાં પડવાની અનુભૂતિ તો જે ખરેખર પ્રેમમાં પડ્યું હોય તેજ સમજી શકે અને સમજાવી શકે. ક્યારેક અચાનક કોઈકના હૃદયના ટુકડાની સાથે આપણા હૈયાનો ટુકડો પેલા jigsaw puzzleની જેમ જડબેસલાક જોડાઈ જાય એટલે કે it just clicks – ત્યારે બને પક્ષે આ પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય…પ્રેમ અને આકર્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રેમ આપીને ખુશ થાય અને આકર્ષણ પામીને ખુશ થાય.. પ્રેમ ઉડવાને મુક્ત આકાશ પૂરું પડે જયારે આકર્ષણ ઉડાનને આંતરે…જોકે આજકાલ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે તે જુદી વાત છે…

જયારે બે પાત્રો વચ્ચે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય ત્યાર બાદ હંમેશા એકબીજાના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આવાજ કોઈક પાત્રની લાગણીઓને ગુરુદેવે આ રચનામાં ખુબ નજાકત પૂર્વક વાચા આપી છે.1897માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ভালোবেসে সখী নিভৃতে যতনে | (Bhalobashi Sokhi nibrite jatone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “તારા મન મંદિરે…”
જેનું સ્વરાંકન કવિવરે કીર્તન પદ્ધતિ પરથી કર્યું છે અને તેને દાદરા  તાલ પરતાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  

 

આ રચનામાં કવિવરે ખુબ નાજુકતાથી એક પ્રેમી હૃદયની ઈચ્છા અને મહેચ્છાને વાચા આપેલ છે. પોતાના પ્રિયપાત્રને સાંનિધ્ય, સામીપ્ય અને સાયુજ્યને પામવું એજ એક પ્રેમીની અભિલાષા હોય છે જે દરેકે દરેક પંક્તિમાં કવિવરે શૃંગારિક રીતે વ્યક્ત કરેલ છે. કદાચ તનથી સમીપે રહેવું શક્ય ના હોયતો પણ મનથી એકબીજાની નજીક રહેવાની આકાંક્ષા વ્યક્ત કરેલી છે. રબીન્દ્રસંગીતની આ રચના પ્રેમ પારજોયની એક અતિ વિખ્યાત રચના છે જેને બંગાળી સંગીતના અનેક ધુરંધરોએ પોતાના સુમધૂર સ્વરમાં રજુ કરી છે.

આ રચનાને જયારે હું સમજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ફરકી ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ રાધા-કૃષ્ણ  વચ્ચેના પ્રેમને પ્રેમની પરાકાષ્ટા કે પ્રેમની ચરમસીમા કહી શકાય. જેમ રાધાજીના રોમમાં રોમમાં શ્રી કૃષ્ણનો વાસ હતો તેમ શ્રી કૃષ્ણ માટે પણ રાધાજી તેમનો શ્વાસ જ હતાને! રાધાજી માટે શ્રી કૃષ્ણ  તેમના હૈયાનો ધબકાર હતા તો શ્રી કૃષ્ણ   પણ રાધાજીમાં એકાકારજ હતાને! રાધાજીના શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની ઉર્મિઓને શબ્દો દ્વારા પ્રાચીન કાળથી ઘણા બધા સાહિત્યકારો એ વાચા આપી છે પણ શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને વર્ણવતી રચનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે….શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને કદાચ આ રચના દ્વારા વ્યક્ત કરી શકાય એટલી નજાકત આ રચનામાં રહેલી છે. 

 તો ચાલો, આ દિવ્ય પ્રેમની પવિત્રતાને માણતા માણતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૩: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. છેલ્લા બે અઠવાડિયાથી લેખ મુકવામાં અનિયમિતતા થઇ હતી તે બદલ ક્ષમા માંગુ છું પણ ઘણીવાર આપણા સંજોગો અને મનઃસ્થિતિ આપણી પહોંચ અને સમજની બહાર હોય છે અને તેની સીધી અસર કલમ પર થાય છે…

ખેર, રવીન્દ્રસંગીતને નજદીકથી જાણવા સમજવાની આ સફરને આગળ વધારતા, આજે આપણે પ્રેમ પારજોયની એક ખુબ જાણીતી રચનાની સંવેદનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રેમ  એટલે કે love સર્વ પરિમાણોથી અને સરહદોથી ઉપર છે. તેને કોઈ તોલ-માપથી માપી ન શકાય કે ત્રાજવે તોલી ન શકાય કે કોઈ સીમાડાથી બાંધી ન શકાય. અને એટલેજ કદાચ પ્રેમમાં પ્રચંડ શક્તિ છુપાયેલી છે.

પ્રેમ શાશ્વત છે પણ પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી શાશ્વત નથી. ક્યારેક પ્રિયજનની ગેરહાજરી ક્ષણિક હોય તો ક્યારેક સંજોગોવશાત એ કાયમી પણ હોઈ શકે. પ્રિયજનની કાયમી ગેરહાજરી ભલે હોય પણ તેથી તેમના પ્રત્યેનો પ્રેમ અદ્રશ્ય નથી થઇ જતો. પ્રિયપાત્ર સાથે ગાળેલી એક એક ક્ષણની યાદોમાં એ ખીલતો રહે છે મહોરતો રહે છે. ગુરુદેવ પણ પોતાના અંગત જીવનમાં પણ તેમના પ્રિયપાત્ર, તેમના પ્રેરણાસ્તોત્ર કાદમ્બરી દેવીના અકાળ મૃત્યુ પછી આવાજ કોઈ સમયમાંથી પસાર થયા અને આ ઘટના પછી તેમની સંવેદનાઓને વાચા આપતી આ સંવેદનશીલ રચનાને આપણે આજે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે সেদিন দুজনে (Sedin Dujone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપણે બે…”  જેનું સ્વરાંકન કવિવરે રાગ પીલુમાં કર્યું છે અને કહેરવા તાલ પર તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.    

આ રચનામાં શબ્દે શબ્દે કવિવર પોતાના પ્રિયજનની સાથે ગાળેલી અમૂલ્ય ક્ષણોને યાદ કરીને પુનઃજીવિત કરે છે. પ્રિયજન સાથે ગાળેલી પ્રત્યેક પળમાં ફરીથી સાંગોપાંગ ભીંજાય છે. આ રચનામાં ફરી એકવાર પ્રિયજન સાથે સંવાદ કરતા કવિવર વાસ્તવિકતાને ખુબ સુપેરે જાણે છે, સમજે છે. પણ આ સોનેરી ક્ષણોની યાદ જે તેમના અંતઃ કરણ અને માનસ પટલ પર કોતરાઈ ગઈ છે તેના સહારે તેમના પ્રિયજનનો વિરહ થોડો હળવો કરવાનો પ્રયત્ન કરે છે. 

યાદ એટલે કે memory – આમતો બેધારી તલવાર જેવી હોય છે. સુખદ ક્ષણોની યાદના સહારે ક્યારેક આખું જીવન જીવી જવાય, આવી સુખદ ક્ષણોની યાદ ગમે તેવા કપરા સંજોગોમાં પણ પાર ઉતારી શકે. Memories are timeless treasures of life. પણ ક્યારેક દુઃખદ ક્ષણોની યાદ  જીવનની ધારાને એક અનંત વમળમાં ઓગાળી દે છે. અને કદાચ એટલે જ પ્રભુએ આપણને યાદ અથવા સ્મૃતિની સાથે વિસ્મૃતિનું પણ વરદાન આપ્યું છે. 

આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ અત્યારની પ્રત્યેક ક્ષણ આવતી ક્ષણે યાદમાં પરિવર્તિત થઇ જવાની છે. Today’s moments are tomorrow’s memories.  માટે જ જે આ પળની કિંમત સમજી શકે તે જીવનને સમજી શકે, જાણી શકે અને માણી પણ શકે. માટે જ કહેવાયું હશે કે Enjoy every moment as if it is your last અથવા પળે પળે પરમાનંદ…  

 તો ચાલો, હું પણ પ્રત્યેક પળને ઉજવવાનો સંકલ્પ  કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૨: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

 નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” એટલેકે Love એક અલૌકિક અને અદભુત અહેસાસ છે.જીવનની આ સર્વશ્રેષ્ટ અનુભૂતિને આવરી લેતી અનેકાનેક રચનાઓ કવિવરની કલમ દ્વારા પ્રગટી છે. જે તેમણે પ્રેમ પારજોયની રચનાઓમાં આવરી લીધી છે.

જેમ દિવસ પછી રાત આવે, સુખ પછી દુઃખ આવે તેમ જ્યાં પ્રેમ હોય ત્યાં પીડા પણ હોય જ. When there is love, there is pain. આ પીડા અનેક કારણોસર ઉભી થઇ શકે. કોઈકવાર પ્રિયજનની ક્ષણિક ગેરહાજરી હૃદયને વિરહની વેદનાને છલકાવી મૂકે તો કોઈક વાર પ્રિયજન પાસેથી કોઈક અપેક્ષાની પૂર્તિ થવામાં ચૂક થાય તો હૃદય ખિન્ન થઇ જાય અથવા તો જેને આપણે “પ્રિયજન” માની સાચો પ્રેમ કર્યો હોય તે એ પ્રેમને ઠુકરાવીને આપણી જિંદગીમાં થી સદાને માટે દૂર થઇ જાય… કારણ ગમે તે હોય અને પીડાની માત્રા વધતી ઓછી હોય પણ આ પીડાના મૂળમાં અઢી અક્ષરનો શબ્દ “પ્રેમ” જ હોય.   

ગુરુદેવના અંગત જીવનમાં પણ એવી અનેક ક્ષણો આવી જયારે તેમને પ્રેમની સાથે વણાયેલી પીડાની સ્વ-અનુભૂતિ થઇ. આ વિરહની વેદનાને કવિવરે કલમ સાથે વહાવી દીધી. આવીજ એક વિરહભરી સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1927માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે তোমার গীতি জাগালো স্মৃতি (તોમારો ગેતી જાગલો શ્રીતી) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અશ્રુના લીલેરા તોરણ…” જેનું સ્વરાંકન કવિવરે મલ્હાર રાગમાં કર્યું છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. 

ગુરુદેવની આ નાનકડી રચનામાં શબ્દે શબ્દે વિરહની વેદના ટપકે છે. જયારે પ્રિયજનની પ્રત્યક્ષ હાજરી ન હોય ત્યારે અશ્રુના તોરણ તો નયનોમાં બંધાય જ પણ સાથે સાથે આસપાસની સૃષ્ટિમાં પણ સતત પ્રિયજનના જ ભણકારા સંભળાય…અને મન અને હૃદયને કાબુમાં રાખવું મુશ્કેલ બની જાય.

આપણે સૌ જાણીએ છીએ તેમ ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ પ્રિયજન પ્રત્યેના અલૌકિક પ્રેમની પરાકાષ્ટા ગણાય છે શ્રીમદ ભાગવતજીમાં એક સુંદર પ્રસંગ છે. ગોપીઓને પોતાના પ્રેમનો સાત્વિક ઘમંડ હોય છે અને એ મદ અને મોહને તોડવા મદનમોહન મહારાસલીલા સમયે અચાનક અંતર્ધ્યાન થઇ જાય છે અને ગોપીઓ એટલી પ્રચંડ માત્રામાં વિરહની વેદના અને વિયોગની પીડા અનુભવે  છે કે તેઓ બાવરી બનીને વૃંદાવનના દરેક વૃક્ષને વીંટળાઈને તેમના કનૈયાની ભાળ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે…

કદાચ પ્રેમનું જેટલું ઊંડાણ વધુ તેટલી વિરહની વેદના પણ પ્રચંડ… The deeper the love, the steeper the pangs of separation. પ્રેમમાં ઘણીવાર પ્રિયજનનું  પ્રત્યક્ષ “હોવું” જ જરૂરી બનતું હોય છે. એ હાજરી જ ચાલક બળ બની રહેતી હોય છે અને પ્રિયજનની ગેરહાજરીમાં વિરહ અને વિયોગ મને અને હૃદય પર આધિપત્ય જમાવી દે છે  આવાજ કોઈ સંજોગોમાં કવિવર દ્વારા આ રચનાનું સર્જન થયું હોવું જોઈએ. 

   તો ચાલો, વિરહની વેદના વ્યક્ત કરતી આ રચના પર મનન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,  

અલ્પા શાહ 


ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૧: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન… 

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.  

આજે May7th એ ખુબ ખાસ દિવસ છે. આજે તારીખ પ્રમાણે ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોરનો 161મો જન્મદિવસ છે. આમ તો બંગાળમાં અને બાંગ્લાદેશમાં રબિન્દ્રજ્યંતી તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે.  આજના આ ખાસ દિવસે બંગાળી સાહિત્ય અને કળાને વૈશ્વિક ફલક સુધી પહોંચાડનાર વિશ્વકવિ ગુરુદેવ ટાગોરને નતમસ્તક વંદન. 

કવિવરના જીવનમાં પ્રેમ તત્વ કેન્દ્ર સ્થાને હતું – પછી એ પ્રેમ પરમેશ્વર તરફનો હોય કે પ્રકૃતિ તરફ હોય કે પ્રિયજન તરફનો. મનોવિજ્ઞાન એવું માને છે કે જે વ્યક્તિ પોતાની આસપાસ અકારણ પ્રેમની લ્હાણી કરી શકે તે વ્યક્તિ સંવેદનાઓથી છલકતી હોય…કવિવરના હૃદયમાં પણ પ્રેમની શાશ્વત ધારા વહેતી હતી અને કદાચ એટલે જ તેમનું મન અને કલમ સંવેદનાઓથી ભરપૂર હતા. 

આજના આ ખાસ દિવસે, પ્રેમ પારજોયની એક અતિ પ્રખ્યાત, પ્રચલિત અને સંવેદનશીલ રચનાને આપણે જાણીશું અને માણીશું. આ કવિતામાં ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. 1885માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે આ ભાવપૂર્ણ બંગાળી કવિતા નું શીર્ષક છે ” কতবারভেবেছিনু” (Kotobaro Bhebechinu). તેનું ભાવાનુવાદિત શીર્ષક છે “કેટલી વાર કરું વિચાર…”. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપેભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. કવિવરે આ કાવ્યની રચના એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાંકવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે. This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણે જ કરેલું છે.

ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગ અને સંદર્ભમાં લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓનેદર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressed love નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનુંપાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતોનથી. The most painful love there is, is the love left unshown and an affection left unknown. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષવચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનુંઅસ્તિત્વ હોઈ શકે.

મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આ પ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એને તમારે સતત I love you કહેવું પડે. સામેનીવ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ.સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બેવ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે. 

  તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,  

અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૦: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” – આ ટચુકડો શબ્દ કે જેમાં પ્રચંડ તાકાત રહેલી છે – એ સર્વોચ્ચ અનુભૂતિને પણ પ્રેમ પારજોયની અનેક રચનાઓમાં કવિવરે આવરી લીધી છે.
Love is an endless mystery because there is no reasonable cause that could explain it. – Tagore
કવિવર એવું દ્રઢપણે માનતા કે પ્રેમતો એક એક ગાઢ અને ગૂઢ અનુભૂતિ છે જેના કોઈ કારણો ન હોય… જે અનાયાસે થઇ જાય તે પ્રેમ – પ્રયાસ પૂર્વક કરવામાં આવતો પ્રેમ – પ્રેમ નથી હોતો – તેને કંઈક બીજું નામ આપવું પડે … જેમ તુષારભાઈ શુક્લ લખે તેમ “દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એક પૂછીને થાય નહિ પ્રેમ”. આ અનાયાસે થઇ જતો પ્રેમ જ કદાચ સૃષ્ટિના સર્વે જીવો માટે ચાલક બળ બની રહે છે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધી સીમિત નથી.. કોઈ પણ બે સંવેદનાસભર જીવો વચ્ચે પ્રેમ પાંગરી શકે છે, ખીલી શકે છે, મહોરી શકે છે…
પ્રેમ તો અનાયાસે થઇ જાય, પણ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં તો પ્રયાસ કરવોજ પડે. પ્રેમની અભિવ્યક્તિ એટલેકે ની ઘટના તો પ્રેમ થવા કરતા પણ વધુ અગત્યની છે. તેમાંય ખાસ કરીને વિજાતીય પ્રેમમાં. આ નાજુક સંવેદનાને શબ્દોમાં વર્ણવવી કઠિન છે અને એ તો જેને અનુભવી હોય તેજ સમજી શકે….

આ પ્રેમની  અભિવ્યક્તિ કરતી  કવિવરની પ્રેમ  પારજોયની એક ખુબજ મીઠડી રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું. 1924 માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે ভালোবাসিভালোবাসি (Bhalobashi Bhalobashi) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “હા, હું તને ચાહું છું….”.આ રચનાનું સ્વરાંકન કવિવરે ખંભાજ   રાગ પર કરેલું છે. આ રચનાને દાદરા  તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  

આ ટચુકડી અને મીઠડી રચના પ્રેમની અભિવ્યક્તિની રચના છે. પ્રેમના ઇઝહારની રચના છે. કોઈની સાથે પ્રેમ થવો એ તો એક અલૌકિક ઘટના છે પણ કોઈકને તમારી સાથે પ્રેમ થાય અને એ તમારી  પાસે તમારી પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે તે તો કદાચ અતિ-અલૌકિક ઘટના છે. It is beautiful to express love and it is more beautiful to feel it. આ રચનામાં કવિવરે એવાજ કોઈક પ્રેમીની સંવેદનાઓને વાચા આપેલ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં એક સમગ્રતાથી પોતાના પ્રેમીને પ્રેમ કરે છે તે શબ્દો દ્વારા આ રચનામાં અભિવ્યક્ત થયેલ છે.  જો કે પ્રેમની અભિવ્યક્તિ હંમેશા શબ્દો દ્વારાજ કરી શકાય તેવું જરૂરી નથી…સાચા અને અલૌકિક પ્રેમની એટલે કે platonic loveની અભિવ્યક્તિ પણ સહજ રીતે થઇ જાય છે. આ અલૌકિક પ્રેમમાં મૌન એ પ્રેમની પરિભાષા અને હાજરી એ પ્રેમના હસ્તાક્ષર બની જાય છે. જોકે આજના યુગમાં તો platonic love કદાચ nonexistent જ છે પણ જો ક્યાંક અને ક્યારેક તમને આવા અલૌકિક પ્રેમની એટલે કે ની સંપૂર્ણ કે આંશિક અનુભૂતિ થાય તો માનજો કે તેમારી પાસે દુનિયાની સૌથી પ્રચંડ તાકાત છે…

તો ચાલો આ પ્રેમની દિવ્ય શક્તિની સમર્થતાને વાગોળતા વાગોળતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

– અલ્પા શાહ  

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૯: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે લેખમાળામાં ચાર અઠવાડિયાના વિરામ માટે આપની ક્ષમા ચાહું છું. આજથી ફરી એકવાર આપણે રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન  કરીશું.  

કવિવર ટાગોરે રબીન્દ્રસંગીત દ્વારા  માનવીના મનમાં ઉદ્ભવતી પ્રત્યેક પ્રકારની લાગણીને વ્યક્ત કરેલ છે. આપણે આ લેખમાળાના અગાઉના લેખોમાં પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને રચાયેલી રચનાઓમાં છલકાતી સંવેદનાઓને માણી. પ્રત્યેક જીવ માટે પરમેશ્વર પછીનું જીવનચાલક બળ (driving force) હોય તો તે છે પ્રેમ or Love.  “Love is the strongest force in the universe”. કવિવર ટાગોરે પણ આ પ્રચંડ પ્રેમની નજાકતને અનેક નાજુક રચનાઓ દ્વારા રજુ કરેલ છે. આ બધી રચનાઓ પ્રેમ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. કવિવરની  પ્રેમ પારજોય માં વર્ગીકૃત રચનાઓ પરમેશ્વર પરત્વેના પ્રેમને પણ લાગુ પડે છે એટલેકે કવિવરે આ રચનાઓને પરમ પ્રિયતમને કેન્દ્રમાં રાખીને રચેલ છે . 

પ્રેમશબ્દ ભલે ટચુકડો પણ સાચા પ્રેમમાં રહેલું  ઊંડાણ માપવા અને તેનો ક્યાસ કાઢવા કદાચ જન્મોજનમ ઓછા પડે. અહીં પ્રેમની પરિભાષા  માત્ર વિજાતીય પ્રેમ સુધીજ સીમિત નથી. પ્રેમતો દરેક સંબધમાં મહોરી શકે, વિકસી શકેકવિવર પોતે એવું માનતા કે Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.”. અર્થાત પ્રેમ ફક્ત એક લાગણી નથી પણ એક નક્કર વાસ્તવિકતા છે. પરમ સત્ય ઉત્પત્તિના કેન્દ્ર સ્થાને છે. કવિવરને મન પ્રેમ એટલે અલૌકિક પ્રેમ. He envisioned love as platonic love and never believed in romantic love. અને કદાચ એટલેજ કવિવરની પ્રેમ પારજોયની રચનાઓમાં પ્રેમની અભિવ્યક્તિનું ઊંડાણ કંઈક સવિશેષ જોવા મળે છે.

આ અલૌકિક પ્રેમને વર્ણવતી  કવિવરની પ્રેમ  પારજોયની સૌથી વધુ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1888 માં રચાયેલીઆ રચનાનું શીર્ષકછે আমার পরান যাহা চায়(Aamaro parano jaaha chaay) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે”એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે …”.આ રચનાનું સ્વરાંકન કવિવરે પીલુ રાગ પર કરેલું છે. આ રચનાને તીનતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

આમતો ખુબ સરળ લાગતી આ રચનામાં કવિવરે અલૌકિક પ્રેમનું એક અગત્યનું લક્ષણ છે તે રજુ કર્યું છે. “ Love does not claim possession but gives freedom.“. સાચો અલૌકિક પ્રેમ ક્યારેય પ્રિયજન પર આધિપત્ય જમાવે નહિ, એ તો પ્રિયજનને વિકસાવે, નિખારે અને વિસ્તારે. જયારે પ્રિયજનની ખુશીમાંજ આપણી ખુશી પણ ઓગળી જાય ત્યારેજ એ પ્રેમના રખોપા થાય. 

આ રચનાને હું સમજી ત્યારે મને એવું લાગ્યું કે કવિવરે કદાચ ગોપીભાવે આ રચના કરી હશે. ગોપીઓના  શ્યામ પ્રત્યેના  અલૌકિક પ્રેમથી આપણે સૌ પરિચિત છીએ. ગોકુલ/વૃંદાવનથી શ્યામ જ્યારે મથુરા જવા સિધાવ્યા ત્યારે કદાચ ગોપીઓના મનમાં પણ આ રચનામાં વહાવ્યા છે તેવા જ ભાવ ઉદ્ભવ્યા હશે. ગોપીઓએ શ્યામને પ્રેમના બંધનમાં બાંધી ને પણ મુક્ત રાખ્યા  

હમણાં મેં ઓશોનો પ્રેમ અંગેનો એક વિચાર વાંચ્યો તે પણ કવિવરની આ રચનાની સંવેદનાઓ સાથે બંધ બેસે તેવો છે. ઓશોએ  પ્રેમને એક નવા પરિમાણ થી નિહાળ્યો છે. ઓશો કહે કે અલૌકિક પ્રેમમાં નામ આપી શકાય એવા સંબંધો વિકસવાની શક્યતા નહિવત હોય છે. કારણ કે જ્યાં પ્રેમનું સંબંધમાં રૂપાંતર થવા લાગે ત્યાં ઈચ્છા અને અપેક્ષા ના ધાડા ઉમટી આવે અને એકબીજા પર આધિપત્ય જમાવવાની હરીફાઈ શરૂ થાય. અને અલૌકિક પ્રેમ નું  એક નામ માત્રના સંબંધમાં રૂપાંતર થઈ જાય. જોકે આજના યુગમાં તો આવા અલૌકિક પ્રેમનું અસ્તિત્વ લગભગ નહિવત જ હશે. 

એક પરમાત્મા જ આપણને સર્વોપરી સમગ્રતાથી અને સાશ્વતતાથી  પ્રેમ કરતા આવ્યા છે અને કરતા જ રહેશે. એ પરમાત્મા પ્રત્યે આભારભાવ અને આદરભાવ વ્યક્ત કરતા  કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

અલ્પા શાહ 


ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૮: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

જોતજોતામાં 2022ના ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. અહીં USA માં Winterની સમાપ્તિ થઇ spring એટલે કે વસંતનું આગમન થઇ રહ્યું છે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય, ઋતુ બદલાય,પણ મનુષ્યની આનંદ અને ખુશી મેળવવાની મૂળભૂત ઝંખના હંમેશા અકબંધ જ રહે છે અને રહેશે. દલાઈ લામાએ ખુબ સરસ કહ્યું છે “The purpose of our lives is to be happy”. આ happiness એટલે કે સુખની કે આનંદની વ્યાખ્યા અને તેને મેળવવાનું માધ્યમ દરેક માટે અલગ અલગ હોય છે. કોઈકને ધોધમાર વરસતા વરસાદમાં ભીંજાવામાં અનહદ આનંદની અનુભૂતિ થાય તો કોઈને વરસાદનો એક છાંટો પણ પડે તો મન વ્યથિત થઇ જાય. આમ આનંદની અનુભૂતિ કરવાનો સમગ્ર આધાર આપણા જીવન પરત્વનાદ્રષ્ટિકોણ પર છે,આપણીમનઃસ્થિતિ પર છે  Dale Carnegieએ પણ એવુંજ કંઈક કહ્યું છે કે “Remember happiness doesn’t depend upon who you are or what you have; it depends solely on what you think”. કવિવર ટાગોરે તેમના જીવનમાં પરમેશ્વર અને પ્રકૃતિને સમાન ભાવે પૂજ્યા છે. તેમના મતે  પ્રકૃતિ અને  પ્રાકૃતિક તત્વો એ પરમેશ્વરે આપેલી સૌથી મોટી બક્ષિશ હતી અને કદાચ એટલે જ પ્રકૃતિ સાથે એકાકાર થવામાં કવિવરને અનહદ આનંદનો આવિષ્કાર થતો હતો. અને પરમેશ્વર તો સ્વયઁ  સત્તચિદાનંદ સ્વરૂપ છે. 

પરમેશ્વર કે જે સમગ્ર સૃષ્ટિ પર પોતાની સમષ્ટિ અને કૃપાદ્રષ્ટિ વરસાવે છે અને પરમેશ્વરના પ્રસાદ સમી પ્રકૃતિ- એ બંનેનો મહિમા વર્ણવતી   કવિવરની એક ખુબ પ્રખ્યાત રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું. 1893માંરચાયેલી આ રચના  પૂજા પારજોયમાં(વિભાગમાં)  અને “વિવિધા ” ઉપ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. જેનું શીર્ષક છે আনন্দলোকে মঙ্গলালোকে(Aanandloke Manglaloke) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “આનંદનો આવિષ્કાર…”. આ રચના મૈસુર રાજ્યમાં નિત્ય ગવાતા એક ભજન પર આધારીત છે અને અને ગુરુદેવે પોતે તેનું સ્વરાંકન તેજ રાગ પર કરેલું છે. આ રચનાને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાને બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

આ સુખ નો સાક્ષાત્કાર  અથવા આનંદ નો આવિષ્કાર થવો એ અમુક વ્યક્તિઓ માટે બહુ સહજ ઘટના હોય છે. Some people can be happy in about everything and everywhere. 

આ સુખ અથવા આનંદ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અઢારમા અધ્યાયમાં  સુખના ત્રણ પ્રકાર કહ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક સુખ . સાત્વિક સુખ કે જેમાં આત્મા એક અવર્ણીય આનંદની અનુભૂતિ કરે છે અને તેના થકી આત્માનું  પરમાત્મા તરફનું જોડાણ દ્રઢ બને છે. આ સાત્વિક સુખ  પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ખુબ લાંબી અને કઠિન હોઈ શકે પણ અંતે એક અદ્વિતીય આનંદનો અનુભવ કરાવે છે.It is poison in the beginning and nectar in the end. આપણી ઇન્દ્રિયોના ઉપયોગથી મળતું સુખ  એટલે રાજસિક સુખ  જે ક્ષણિક આનંદનો અનુભવ કરાવે છે અને પ્રમાદ તથા અમર્યાદિત વિષય-વિલાસથી મળતું સુખ એટલે તામસિક સુખ. આપણા વેદ-ઉપનિષદમાં સાત્વિક અને રાજસિક સુખ માટે “શ્રેય” અને “પ્રેય” શબ્દોનો પ્રયોગ થયેલ છે. “શ્રેય” એટલે કે જે જેને પ્રાપ્ત કરવાની યાત્રા ભલે વિકટ હોય પણ અંતે જેના થકી અનંત આનંદની અનુભૂતિ થાય અને “પ્રેય” એટલે કે જેના થકી ફક્ત તત્કાલ ક્ષણિક આનંદની અનુભૂતિ થાય.

     પોતાની ભીતર રહેલા પરમાત્મા સાથે સાતત્યપૂર્ણ જોડાણ અનુભવતા કવિવર પોતાની કલમ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા સાત્વિક સુખનો સાક્ષાત્કાર કરી શકતા હતા. પરમેશ્વરના શરણમાં જ અદભુતઅદ્વિતીય આનંદનો આવિષ્કાર કરી શકતા હતા  અને કદાચ એટલેજ તેમની કલમ દ્વારા પ્રકૃતિ અને પરમેશ્વરને પોંખતી આ રચના ઉદ્ભવી. 

તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હુંમારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોનીસરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ, 

– અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૭: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come” – Rabindranath Tagore

  કવિવરના મતે  મૃત્યુ એ દીવાના તેજનો અંત નહિ પણ સૂર્યોદયે ઉદય થતા એક નવીન તેજને આવકારવાની એક સાહજિક ઘટના છે. જેમ મેં અગાઉ જણાવ્યું તેમ દરેક સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદેવના જીવનકાળમાં પણએક  કપરો કાળ એવો આવ્યો કે જેનાથી તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. જીવનમાં આવેલા  આ ઝંઝાવાતના લીધે  તેમનું  પરમાત્મા સાથેનું જોડાણ વધુઉત્કટ થયું.અને એ દિવ્ય શક્તિનું સતત સાનિધ્ય અનુભવવા લાગ્યા. ગુરુદેવે મૃત્યુને અતિ નિકટથી નિહાળ્યું હતું. 14 વર્ષની કાચી ઉંમરે માતાને ગુમાવ્યા બાદ ગુરુદેવે લેખન અને કવિતા દ્વારા પોતાના હૃદયની સંવેદનાઓને કલમ દ્વારા કંડારવાની શરૂઆત કરી. પછીના બે દાયકા દરમિયાન, કવિવરના જીવનમાંથી એક પછી એક અંગત સ્વજનોની બાદબાકી થતી રહી અને ગુરુદેવ જીવનની ક્ષણભંગુરતા અને મૃત્યુની મહાનતાને વધુને વધુ નિકટથી નિહાળતા ગયા અને સમજતા ગયા અને એ સમજણને કવિતાઓ દ્વારા પ્રગટ કરતા ગયા…

આવીજ કોઈ સમજણને પ્રગટ કરતી એક રચનાને આજે આપણે જાણીશું અને માણીશું.  જીવન અને મૃત્યુના અફર સત્યને ઉજાગર કરતી આ રચનાનું સર્જન કવિવરે 1903માં તેમના પત્ની મૃણાલિની દેવીના દેહાંત પછી કરેલ હતું. પૂજા પારજોયમાં(વિભાગમાં) અને “આશ્વાસ” ઉપ પારજોયમાં વર્ગીકૃત થયેલી આ રચનાનું શીર્ષક છે “আছে দুঃখ আছে মৃত্যু” (Achhe Dukkho Achhe Mrityu) જેનું ભાવાત્મક અનુવાદિતશીર્ષક છે ” વિષાદ અને આનંદ…   ”. આ રચના રાગ જોગીયા અને લલિત એમ મિશ્ર રાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ  છે. મેં આ રચનાનોગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આરચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

વિષાદ અને આનંદ… સિક્કાની બે બાજુ…આનંદની હેલી અને વિષાદના વમળો એ બંનેની હાજરી સિવાય જીવન શક્ય જ નથી.  અને એ શાશ્વત સત્ય જાણવા છતાંય સ્વીકારવું ઘણી વાર અઘરું હોય છે…પોતાની પત્નીના દેહાંત પછી રચેલી આ રચનામાં કદાચ કવિવરે પોતે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે .અને રચનાના અંતમાં કવિવરે જીવ માટે સત્ત-ચિત્ત-આનંદ પ્રાપ્તિનો જે એકમાત્ર માર્ગ છે તે તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. 

મનોવૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે, મૃત્યુ એ મનુષ્યના ભય અને વિષાદનું  સૌથી  મોટું કારણ છે. આમ તો દરેક જીવ માટે જન્મ અને મૃત્યુએ બેજ જીવનના સાશ્વત સત્ય છે અને આ બે સાશ્વત સત્યોના છેડા વચ્ચે વહી જતી પળો એજજિંદગી…   પણ છતાંય every living entity has inherent instinct for survival. શ્રીમદ્દ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયઁ જીવન અને મૃત્યુની સાશ્વતતાને પ્રગટ કરતા કહ્યું છે કે  

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च |

तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि || 27||

જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એટલે મૃત્યુનો શોક કરવો વ્યર્થ છે. જીવનચક્ર એટલે કે Life Cycle. આ સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી અનેકવિધ જીવોનું જીવનચક્ર ચાલતું આવ્યુંછે. આ જીવનનુંચક્ર આપણા જન્મ પહેલા પણ ચાલતું હતું અને આપણા મૃત્યુ પછી પણ ચાલતુંજ રહેવાનું..

બરાબર બે વર્ષ પહેલા 2020માં માર્ચના બીજા અઠવાડિયામાંજ સમગ્ર વિશ્વમાં કોરોનાની  મહામારીની  શરૂઆત થઇ હતી. સમગ્ર માનવજાતિને ભરડામાં લેનાર આ મહામારીએ અમીર-ગરીબ, રાજા-રંકને સમતળ લાવીને મૂકી દીધા હતા. આ બે વર્ષ દરમિયાન કોરોના એ માનવજાતિએ પાસેથી ઘણું બધું છીનવ્યું.  ઘણા બધા કુટુંબોએ તેમના સ્વજનોને કોરોના થકી ગુમાવ્યા જેની ખોટ કોઈ કાળે પૂરી નહિ થઇ શકે… પણ કવિવરે આ રચનામાં  જેમ દર્શાવ્યું છે તેમ આ વિષાદના અંધકાર વચ્ચે પણ જીવનતો સતત ધબકતું જ રહેવાનું… આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ જીવનની ધારા તો વહેતી જ રહેવાની … સમયના અવિરત ચક્રની સાથે આ જીવનચક્ર તો સદાકાળ ચાલતું જ રહેશે. 

આપણે સૌ જાણીએ છીએ કે દરેક શ્વાસે આપણા ભાગે લખાયેલા શ્વાસોમાંથી એક એક શ્વાસ ઓછો થાય છે. We all are travelers here and progressing towards our ultimate destination slowly and steadily with every breath we take.  માટેજ જેમ કવિવરે રચનાના અંતમાં જણાવ્યું તેમ, આ બાકી રહેલા શ્વાસોમાં અનંત સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરી પરમાત્મા સાથે સાતત્ય અને સાયુજ્ય સાધીએ તેમાંજ કદાચ આ જીવનની ફલશ્રુતિ સમાયેલી છે. તેવું હું દ્રઢપણે માનું છું 

તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

અલ્પા શાહ 

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૬:અલ્પા શાહ 

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

કવિવર ટાગોરને સમગ્ર વિશ્વ્ એક spiritual poet એટલેકે આધ્યાત્મિક કવિ તરીકે જાણે છે. કવિવર પરમાત્મા સાથે ક્રિયા અને કર્મ થી પર અનુભૂતિ અને અહેસાસ થી જોડાયેલ હતા એટલેજ તેમની આધ્યાત્મિકતામાં થી એક અગમ્યતા ઉભરતી હતી અને જે તેમની કલમ દ્વારા તેમની રચનાઓમાં પણ છલકાતી હતી.  નિરાકાર ભક્તિથી પ્રભાવિત થનાર ગુરુદેવ માટે પ્રકૃતિ (“nature and all other living beings”) અને પુરુષ (“humans”) માંજ તેમના પરમાત્માના દર્શન કરતા. ગુરુદેવના જીવનકાળમાં પણ એક કપરો કાળ આવ્યા જયારે લગભગ દસ વર્ષના ગાળામાં તેમને પાંચથી વધુ અગંત સ્વજનો ગુમાવ્યા.જીવનમાં આવેલા આ ઝંઝાવાત  પછી તેઓ  પરમાત્માનું નૈકટ્ય વધુ ઉત્કટતાથી અનુભવવા લાગ્યા.એ દિવ્ય શક્તિનું સતત  સાનિધ્ય અનુભવવા લાગ્યા.એ પરમ ચૈતન્ય સાથે એક અતૂટ પ્રેમના બંધને બંધાવા લાગ્યા. પરમાત્મા સાથેની આ નૈકટ્ય, સાન્નિધ્ય  અને સાતત્યની અનુભૂતિ તેમની કલમ દ્વારા પ્રગટ થતી રહી અને જગતને “ગીતાંજલિ” નામની અજોડ સાહિત્ય કૃતિની  ભેટ મળી જેના માટે કવિવરને 1913માં નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. In the preface of Gitanjali, Irish poet W.B. Yeats wrote that the prose and verses in this book teaches us that essentially, we love God not just believe in HIM.ગીતાંજલિમાં લખેલ કવિતાઓની સાથે સાથે ગીતબિતાનની રચનાઓમાં પણ કવિવરે પરમાત્મા તરફનો તેમનો ઉત્કટ પ્રેમ સતત વહેતો મુકેલ છે. “त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव”  જેમ કવિવર એ દિવ્યશક્તિને પોતાનું સર્વસ્વ ગણતા. 

આ “त्वमेव बन्धुश्च सखा त्वमेव”ને સાર્થક કરતી  એકરચના કે જેપૂજા પારજોયમાં(વિભાગમાં) અને “વિવિધ” ઉપ પરજાયમાં વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે “চিরসখা হে, ছেড়ো না মোরে” (Chirosakha He Chhero Na More) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “ એક તારો જ મને નિરંતર  સંગાથ”. 1899માંરચાયેલી આ રચના રાગ બિહાગ પર સ્વરબધ્ધ થયેલી છે અને તેને ત્રિતાલ  તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ  છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

બંગાળીમાં રચાયેલી આ રચનામાં લગભગ 5-6 પંક્તિઓ છે. કવિવર આ રચના દ્વારા  લાઘવમાં  સાગરનો સમાવેશ કરી ગયા. આપણે સૌ આપણી મતિ અને સ્તિથી પ્રમાણે  પરમેશ્વરને વિવિધ સ્વરૂપે યાદ કરીએ છીએ. કોઈક પરમેશ્વરને બાળ સ્વરૂપે લાડ લડાવે તો કોઈક પરમપિતા તરીકે આદરપૂર્વક પૂજે તો કોઈક અર્જુન અને દ્રૌપદીની જેમ પરમેશ્વરમાં એક પરમ સખા , એક ચિરસખાની અનુભૂતિ કરે. આપણા સાંસારિક અને લૌકિક સંબંધોમાં પણ મિત્રતાના  સબંધની ગરિમા અને ગૌરવ  વિષે ઘણું લખાયું છે અને ચર્ચાયું છે. અને આપણે સૌએ એ મિત્રતા રૂપી વરદાનને અનુભવ્યું પણ હશે. આ રચનામાં તો કવિવર પરમેશ્વરને જ અલૌકિક પરમ મિત્ર તરીકે સ્થાપે છે અને હકથી સતત સાતત્ય અને સાન્નિધ્યની માંગણી પણ કરે છે.

गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत्।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्।।9.18।।

શ્રીમદ ભગવદ-ગીતાના નવમાં અધ્યાયમાં ભગવાન સ્વયઁ કહે છે સમગ્ર જીવશ્રુષ્ટિનો હું જ પરમ લક્ષ્ય, પાલનહાર,સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન અને મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર તથા અવિનાશી બીજ છું. અહીં મિત્ર માટે “सुहृत्” શબ્દનો પ્રયોગ થયો છે. “सुहृत्”નો અર્થ થાય સારા હૃદયવાળો, અર્થાત શ્રેય ઇચ્છવાવાળો “well-wisher”. 

આપણા સાંસારિક સંબંધોમાં પણ મહદઅંશે મિત્રો આપણા well-wishers  જ હોય છે. આ well-wishing attitude  જ કદાચ મિત્રતાના સંબંધને તેનું તેની ગરિમા અને ગૌરવ અપાવે છે. અને જો કદાચ  આ well-wishing attitude   ના હોય, તો એ સંબંધને મિત્રતા સિવાયનું બીજું કોઈક નામ આપવું પડે. તો પછી અહીં તો પરમાત્મા સાથેના સંબંધની વાત છે.આપણું શ્રેય તેમના થી વાળું તો કોણ ઈચ્છી શકે અને એજ વિચારને શબ્દોમાં કવિવરે આ રચનામાં વહાવ્યો છે.

તો ચાલો, આપણા સૌના “ચિરસખા”નું સ્મરણ કરતા કરતા  હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ, 

અલ્પા શાહ