ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(10)વળામણા -અર્ચિતા દીપક

વળામણા

ઠંડા ઠંડા સ્નો ફોલ

ને સ્કીઈંગ ની મઝા સાથે

બરફમાં ખૂંપી જતા પગને ય ઝંખના

તો પેલા ગરમ રેતીના ઢુવા ની

ધોમધખતા અંગારા આકાશ ની

છેતરતી લુચ્ચી મરીચિકા ની

ઓર્કિડ જોઈએ પણ લાગે કે

ક્યાંક મહોરે મોગરો ને

રૂડો પીળો ગરમાળો તો કેવું સારું ?

ને યાદ આવે …. કોઈ દૂધાળા કાંટાઓની વચ્ચે

સાલમાં એક વાર ખીલતું જંગલી ફૂલ !

બરફની છટાદાર સવારીએ સાંભરે ગાડા !!!

ગજવે રસ્તા ચાસ પાડીને !!

ગોરી ઉજળીયાત વસ્તીમાં થાય ;

કે જોઈએ સૂરજની મહેર અને

તો ચામડી તતડાવી તડકો દેતો તામ્બેરી રૂપની ભેટ ….!!!

મને સિસ્કાવતી ઠંડીમાં ય જાણે

રણ નીતરાવે સ્નેહથી

પરસેવાની યાદમાં રેલમછેલ !

જન્મ ભૂમિ વળગે તારી યાદ સોંસરવી

ડુંમે અને ધ્રુસકે જણ્યુ એક પગલું

માતૃભૂમિ ને ખોળે વળાવે છેક ….!!!!

અર્ચિતા દીપક

માઈક્રોફિક્શન વાર્તા…(54)સ્વબચાવ નું શિક્ષણ-અર્ચિતા દીપક પંડ્યા

મારો દીકરો નર્સરી માં મૂક્યો અને શાળાના નિયમ મુજબ વાલી તરીકે અમારે બાળકની જોડે રહી શકાતું , જ્યાં સુધી બાળકને બરાબરશાળામાં ગોઠી ન જાય ……તે વખતે મારો દીકરો સંસ્કાર અને શિસ્તના કડક શિક્ષણ ની સભાનતાને લીધે પ્રતિક્રિયા આપતા ડરતો . અને એને લીધે,હું જોયા કરતી હતી કે એ જે રમકડું
લે એને એક બીજો બાળક ;આદતથી મજબૂર ; પચાવી પાડતો
મને ખરાબ લાગતું પણ બોલાય કેવી રીતે ? એક વખત રોજની જેમ આ સિલસિલો સતત ચાલ્યો અને જયારે મારું બાળક પડવાની અણી પર આવી ગયું ત્યારે ડરના માર્યા એણે એ તોફાની છોકરાનાવાળ પકડી લીધાં …….!અને મને વિચાર આવ્યો કે નાહક ચિંતા કરતી હતી ….

સ્વ બચાવ કુદરતી ગુણ છે , એ પ્રગટે જ !!!!

 

LikeShow more reactions

માઈક્રોફિક્શન વાર્તા…(54)-સીઝન-અર્ચિતા દીપક પંડયા

મારી નાનકડી દીકરીને ફળ બહુ જ ભાવે અને વર્ષો પહેલાં આજની જેમ બારેમાસ બધા ફળ અને શાકભાજી નહોતા મળતા ત્યારની વાત ….. એ જયારે સીઝન ના હોય એવા ફળની માંગણી કરે ત્યારે સીઝન નથી કહી એની માંગણી ટાળવી પડતી ….. એક વખત એ ચિંતામાં એ પૂછી બેઠી કે ” મા , ચોકલેટની સીઝન ક્યારે હોય ? “……

દુનિયા અને દુનિયાદારી ની હજૂ સમજણ કેળવતા બાળની સાવચેતીની તકેદારી સ્પર્શી ગઈ !
નન્ના નો ડર આપણને બધાને હોય જ છે !!!!!

અર્ચિતા દીપક પંડ્યા

માઈક્રોફિક્શન વાર્તા…(51)એક જોડ ફ્રી-અર્ચિતા દીપક પંડયા

મારા નાના પાંચ વર્ષના દીકરા ને હું તૈયાર કરી રહી હતી કે આપણે ત્યાં એક નાનું બાળક આવશે… આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નાની નાની બેના આવે…. અને એની આંખો ચમકી ઉઠતી અને ખુશ થઈ જતો અને વિચારમાં ખોવાઈ જતો…

એની સાથે વાતો કરતાં ઘરનું કામ પતાવીને હું આડે પડખે થઈ અને દીકરાને પણ બાજુ માં સૂવાડયો.
મેં એને ખુલ્લી આંખે છત પર તાકી રહેલો જોયો… મેં કહયું કે “સૂઈ જા બાબા…. ” પણ અશક્ય હતું… એની કલ્પના અને જિજ્ઞાસા વૃત્તિ જાગતા હતા અને એને એ સૂવા નહોતા દેતા ……
એણે પ્રશ્ન પૂછ્યો…. “ભગવાન પાસેથી આપણે નાનું બાબુ લાવીશું? ” મેં એની જિજ્ઞાસા સંતોષી…. ” હા, બેટા! ”
એને હજૂ ચિંતામાં જોઈ મેં પૂછ્યું કે ” શું થયું? “….. એનો સંવાદ આગળ ચાલ્યો…. ” ભગવાન એનાં માપનાં એક જોડી કપડાં તો ફ્રી આપશે ને? ”
એનો પ્રશ્ન મારી ઉંઘ ઉડાડી ગયો અને હાસ્યના ફૂવારા સાથે એ નાનકડાં બાળ પર માન થયું એની દૂરંદેશી માટે……અને ભાંડરડાં પર પ્રેમ માટે……. !!!! :):):)

અર્ચિતા દીપક પંડયા

માઈકોફ્રીક્શન વાર્તા – (41)-કમભાગ્ય -અર્ચિતા દીપક-

રોજ આઠ પારકા ઘરોના કામ

પતાવીને ઘરે પાછી ફરીને મીઠું

અને રોટલા પર લગભગ તૂટી

પડનાર સરોજના હીબકાં શમતાં

નહોતા અને આંસુની ધાર રોટલો

પલાળી રહી હતી …. પહેલી વાર

શેઠાણીએ તપેલી ભરીને ગુલાબ –

જાંબુ આપેલાં , એ પ્રસંગે મદદરૂપ

થઇ માટે ,જે બેઠા બેઠા ખાનાર

વર અને ચાર ભૂખ્યા છોકરાઓ

માટે તે હોંશે હોંશે લાવી રહી હતી !
કમભાગ્યે , ઠોકર વાગી ને વાગી

તે ય રેલ્વે ના ટ્રેક પર …. વીણે

તો ય વીણે કેમ કરીને ?????
અર્ચિતા દીપક

માઈકોફ્રીક્શન વાર્તા – (39)ઉતાવળ-અર્ચિતા દીપક-

અમીર પિતાની દીકરી રીનીને,જલ્દી ભણી લેવું હતું કારણ કે તો,જ તેને વિડીયો ગેમ રમવા મળે

એમ હતી ! અને આયા બાઈની,તેના જેટલી જ દીકરી મીનાને,જલ્દી ઘરકામમાં મા ને મદદ

કરવાની હતી તો જ તે શાળાનું,લેશન પૂરું કરી શકે તેમ હતી …..!

અર્ચિતા દીપક

માઈકોફ્રીક્શન વાર્તા – (38)”આઈ ઓપનર “-અર્ચિતા દીપક

ચાર વર્ષે મળેલી કોલેજ ની મિત્ર, બસ, મળ્યા ત્યારથી રડી રડીને અડધી થઈ ગઈ, તેના દગાબાજ મિત્રનું કોસી કોસીને એણે નામ આપ્યું, ત્યારે આઘાત પામવું કે ઇશ્વરનો પાડ માનવો મને ન સમજાયું…; પણ એટલું ચોક્કસ થયું મારા લગ્નજીવન માં રહેલી અપરાધ ભાવના દૂર થઈ ગઈ…..!

અર્ચિતા દીપક

ભગવાન નું ઘર-માઇક્રોફીક્ષન -3-અર્ચિતા દીપક

ભીડભાડ માં થી મારા ચાર વર્ષના દીકરા વ્રજેશને લઈને દર્શન કરી હું બહાર નીકળી , આસ્થા મુજબ દર્શન કર્યાનો સંતોષ હતો , મન આનંદિત હતું અને એકાગ્રતાથી પ્રસાદ અને દીકરાએ પકડેલી આંગળી સાચવતી , ભીડ ચીરતી હું બહાર આવી ….મારું ધ્યાનભંગ થયું ; વ્રજેશ મારી સાડી જોરથી ખેંચી રહ્યો હતો….” ગિરદીમાં હેરાન ન કર બેટા , ચાલ બહાર નીકળી જઈએ ” .” મા , મા ” એના સ્વભાવ પ્રમાણે જીદ ના છોડી … “આ દાદા કોણ છે ?” રઘવાટમાં પણ એની જીજ્ઞાસા સંતોષવા મેં ધીરેથી કહ્યું કે ; “બેટા, ભિખારી કહેવાય, અહી ઓટલે બેસે માંગે અને ખાય “.” રાત પડી ગઈ છે તો ઘરે કેમ જતા નથી ?” પ્રતિપ્રશ્ન તૈયાર હતો .”ના બેટા,એમને ઘર ન હોય!”.”મા , અંદર ભગવાન સરસ ઘરમાં બેઠા છે !”…”એને મંદિર કહેવાય!””ત્યાં તો એની પાસે એ.સી. ….””હા,એ તો ભગવાનને ભક્તો સાચવે ને ?” “એ તો પથ્થરના છે , શરીર તો આ દાદાને છે ,એમને કેટલું દુઃખ થતું હશે ?” …….

મારા હાથમાંથી પ્રસાદ પડતા પડતા રહી ગયો ….!!!

અર્ચિતા દીપક

“તમે મને એવા લાગો ”  (14)  અર્ચિતા દીપક પંડ્યા

“તમે મને એવા લાગો “–એને હું પ્રેમાનુંભુતી નો શાબ્દિક આકાર કહીશ.  ‘એમના’ વિષે લખું છું ત્યારે કહીશ કે મારા પતિ શ્રી દીપક પંડ્યા એ મારા માટે ‘પંડ્યાજી’ છે. અઢાર વર્ષની વયે સગાઈના બંધને હું બંધાઈ ત્યારે નવું જીવન , નવા સાથી ની હોંશ સાથે સાથે મને સંકોચ પણ થતો હતો, શરમ આવ્યા કરતી ….અમારી આગલી પેઢી નામ દઈને પતિને ન બોલાવે,અને નવી પેઢીમાં ઘરમાં હું પહેલી. એટલે સાવ જુનવાણી પણ ન થવાય અને નામ કેવી રીતે દઉં ?… એવો સંકોચ તો હતો જ …..એમાં હુલામણું નામ હોઠે આવી ગયું …પંડ્યાજી …..અને ધીરે ધીરે હવે બધાના પંડ્યાજી જ બની ગયા…… અને ખરેખર આ નામ સાથે ઉત્પન્ન થતી સન્માનિત અવસ્થા અને સ્થિતિને એમને બરકરાર રાખી છે.
સંબંધ નક્કી થયો એ દિવસ એટલે ૩૦ જુન ,૮૪ …અને ત્યારે બંને એ મળીને ત્રણ કલાક વાતો કરી હતી.થોડા વધુ સમજુ અને મોટા યુવાન તરીકે એ ખૂબ બોલ્યા અને હું સસ્મિત હામી ભરતી ગઈ , ટાપશી પુરાવતી રહી …..અને જીવનમાં અનુસંધાન તૈયાર થઇ ગયું. દરેક વાતે આ હૃદય સ્વીકૃતિની મહોર મારતું રહ્યું અને જીવન સાથે જીવવાની આશા જગાવતું રહ્યું.
જેમ નજીક રહેવાનું થયું એમ લાગ્યું કે ઘણી વિચારશીલ છે આ વ્યક્તિ,બહુ દૂરનું જોઈ શકે છે, આયોજન થી જીવે છે અને હું  પ્રભાવિત થઇ….નોકરી ,બીઝનેસ સાથે સાથે એમનામાં ના કલાકારને બખૂબી જીવાડ્યો .ઘણા ક્ષેત્રમાં નામના કરી …પોતાના વ્યક્તિત્વને એમને સંસ્કાર અને ગુણોની વારસાઈ ઉપરાંત પોતાની દ્રષ્ટિથી ઘડ્યું છે.કુટુંબમાં પળાતા મૂલ્યોને જાળવી રાખી સંજોગો અને સમય અનુસાર બદલાવું પડે તો બદલાવાની સ્થિતિસ્થાપકતા પણ ધ્યાનાકર્ષક ….જે ઘણી અનુકુળ સ્થિતિ નું જીવનમાં નિર્માણ કરે છે.સમયની શિસ્ત ના ખૂબ આગ્રહી….પૂરી પાળે ….એને લીધે પ્રસંગોમાં માંડવાના લોકો પહોચે એ પહેલાના અમે પહોચી ગયાના દાખલા બને ઘણીવાર …..પણ અમે એ વાતે સાથે હસી લઈએ છીએ…….
કુટુંબમાં નાના હોવા છતાં જવાબદારી વહન કરવા હંમેશા
તત્પર  રહેવું  એ  એમનો  ગુણ છે. કુટુંબને ચાહવું એ એમનું  જીવન  છે. નાના હતા ત્યારે નવા નવા પરણેલા હોઈએ ત્યારે ક્યારેક લાગે આપણો ક્રમાંક ક્યાંક દસમો -બારમો તો નથીને જીવનમાં ?..પણ ના , ક્યારે ક્યાં કુટુંબીજનને સાચવવા અને સંભાળવા એ ક્રમનું એમને બરાબર જ્ઞાન છે.અને એ જ એમનો પ્રેમ ….પ્રેમમાં નીતરી જવાનો અનુભવ પણ થઇ ચૂકયો છે !
સુંદર વ્યક્તિત્વ ,વાક ચાતુર્ય -હાજર જવાબી પણું અને રસિકતાથી હંમેશા મનને મોહી લીધું છે એમણે ,ત્યારે એ છેલ છબીલા લાગે, પુત્રી અને પુત્ર બંનેના ઉછેરમાં સમય ઓછો મળવા છતાં પૂરતો ફાળો આપ્યો છે.જીવનમાં કઈ રીતે આગળ વધવું એવો સાર અસાર સારી રીતે સમજે ત્યારે એ મને માર્ગ દર્શક જેવા લાગે છે…..આવા વ્યક્તિત્વ ને લીધે એક સ્ત્રી તરીકે મને ખૂબ સલામત જીવન બક્ષ્યું છે.ત્યારે એ જીવનને ઓપ આપનાર ઘડવૈયા જેવા લાગે છે.અનેક રૂપે ભાસતા એ પૂર્ણ પુરુષોત્તમ જેવા પણ લાગે છે ……
શરૂઆતના વર્ષોમાં અણગમતી પરિસ્થિતિઓમાં ક્રોધ પૂર્વકનો એમનો વહેવાર હોય ત્યારે મિજાજ  હળવો કરવા “કડક સિંગ ” નો ઈલ્કાબ મારાથી પામી ચૂક્યા પણ છે ! ! ! ! …..બાકી રજાઓમાં અને મહત્તમ ઘરમાં રહેવાનો એમનો અનુરાગ મને પીડે પણ ખરો ! ત્યારે સ્વાભાવિક હસતા કહું કે અમે ઘરની બહાર નીકળીએ તો અમારે મીટર ચડે !…..પણ મારો પ્રેમ એમને બહાર લઈ જવા પ્રવૃત પણ કરે એ સારી વાત છે !….ત્યારે મને એ વિષ્ણુ જેવા લાગે ….કે લક્ષ્મી દેવી ને ખુશી આપવામાં જ સુખી છે !….
પણ ખરા દિલથી કહું તમે મને પંડ્યાજી,…..મહાદેવ જેવા લાગો છો ….ગુણ બધાં પાર્વતી જાણે !….સાથે એ ય ખરું કે પાર્વતી માટે મહાદેવ અને મહાદેવ માટે પાર્વતી સર્જાયા હોય એવું લાગે ……
અર્ચિતા  દીપક  પંડ્યા   

એન. આર. જી સંમેલન-અર્ચિતા પંડ્યા

એનઆરજી ભાઇબહેનોના માતૃભાષાના પ્રેમને વંદન કરવા અને ગુજરાતી કળા સંસ્કૃતિને તેમની લીલીછમ નિસબતને પોંખવા યોજાયેલ પ્રસંગ એટલે એનઆરજી ગુજરાતી ઉત્સવ 

અમદાવાદમાં 13 જાન્‍યુ.ના રોજ,ગુજરાતની બહાર સ્‍થાપી થયેલા ગુજરાતનીઓને ગુજરાત સાથે સાંકળવાના ભાગરૂપે વૈશ્વિક ગ્લોબલ પરિવાર ના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય એકાદેમી ના સહયોગથી,,ગુજરાત માં યુની.કન્વેશન હોલ માં એક કલ્ચરલ મીટ યોજાઈ.પોઝીટીવ મીડિયા પ્રા .લીમીટેડ ના શ્રી રમેશભાઈ તન્ના અને શ્રીમતી અનીતા તન્ના આયોજનમાં અગ્રેસર હતા આર.આર પોઝીટીવ મિડ્યા દ્વારા આયોજિત એન આર જી ગુજરાતી ઉત્સવ એક યાદગાર પ્રસંગ બની રહ્યો   

132

‘‘એન.આર.જી ઉત્સવના” પ્રસંગે કથાકાર પૂજ્યશ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા ,અમદાવાદ મેયર શ્રી ગૌતમ શાહ,,ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા.સાથે આ પ્રસંગે બહેરીન ,દુબઈ ,ન્યુયોંર્ક ,હ્યુસટન,કેલીફોર્નીયા,સિડની ,ઓસ્ટ્રેલીયા ડેલાવર ,મસ્કત ,લંડન ,કેનેડા જેવી બીજી અનેક વિદેશમાં વસ્તી ગુજરાતી સંસ્થાઓએ અને લેખકોએ હાજરી આપી.

આ પ્રસંગે  હાજર રહેલ ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા એ કહ્યું હતું કે દેશથી વિખુટા પડ્યા પછી પણ આપણી ભાષા દ્વારા સંસ્કૃતિને જાળવવી એ ખુબ મોટી વાત છે તો કથાકાર પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા એ કહ્યું હતુ કે માં અને માતૃભાષા બન્ને એક સ્થાને છે. અમદાવાદ મેયર શ્રી ગૌતમ શાહએ જણાવ્યું હતું કે આજે પણ અમદાવાદ શહેર વિશ્વના દરેક ગુજરાતીને બે હાથે આવકારે છે. રમેશભાઈ તન્નાએ ગુજરાતીઓને નવાજતા કહ્યું ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ એનઆરજી સવાયા ગુજરાતીઓ છે વતન ઝરુપો તેમને વતનથી વધુ નજીક ખેંચે છે.   

પુસ્તકો નુ લોકર્પણ

શ્રી સંજય ઓઝા અને ડો.પાર્થ ઓઝા ના “જય  જય ગરવી ગુજરાત “,”તારી આંખનો અફીણી “અને “હુતુતુતુ” જેવા ગીતો થી કાર્યક્રમની શરૂઆત સંગીતમય રહી.સાહિત્યના ખુશમિજાજી વાયરામાં પુસ્તક વિમોચન નો પતંગ આકાશને સર કરી ગયો .’મારી માવલડી ‘-રમેશ તન્ના,’ટહુકાનો આકાર ”-રેખાબેન પટેલ ‘આત્મગીતા ‘-ધીરજભાઈ પટેલ ,’દીપશિખા ‘-વીણાબેન દેસાઈ   “હ્યુસ્ટન ગુજરાતી પ્રસંગોનું પાટનગર” પ્રવિણા બેન કડકિઆ અને ‘સહિયારા સર્જન નો ક્રમિક ઈતિહાસ ‘પ્રજ્ઞાબેન દાદભાવાલા ના પુસ્તકો  નું વિમોચન થયું.

. સલુતે અવર્દ

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ  ઠક્કર (ન્યુ જર્સી) કર્યું,આ અવસરે ગુજરાત બહાર ગુજરાતીઓને જીવંત રાખવામાં મતબર પ્રદાન કરનારી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષેનું સન્માન કરવામાં આવ્યું હતું, સલ્યુત ઇન્ડિયા એન.આર.આઈ  એવોર્ડ થી ડો મહેશ મહેતા શ્રી વિજય છેડા ,શ્રી કાંતિ કપાસી શ્રી નિમેશ પટેલ સાથે ગુજરાતી સમાજ ઓફ મસ્તક ,ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્ક ,અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતા ને સન્માનિત કરી નવાજ્યા હતા.

IMG_3867

 

વિદેશની ધરતી પર રહીને પણ તેઓ માતૃભૂમિ , માતૃભાષા અને આપણી સંસ્કૃતિ માટે જે કાર્ય કરે છે તેની નોંધ લઈને સન્માન આપવું એ કોઈ પણ ગુજરાતીની એક જવાબદારી બની જાય છે ; કાર્ય અને પ્રવૃતિની દ્રષ્ટિ એ જે મૂળથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરે છે એ એમનો માતૃ ભૂમિ પરત્વે નો ઉત્કટ પ્રેમ જ છે,શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાલા નો એવો જ સુર એમના વક્તવ્યમાં જણાતો હતો.ramesh ane anIta tannaa

જનની તરીકે માતૃ ભાષા અને માતૃ ભૂમિની ખરા અર્થમાં સેવા કરનાર આ બેલડી જેમણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેવા શ્રી રમેશભાઈ તન્ના અને અનીતા તન્નાને વંદન.દરિયાપારના  માતૃ ભાષાપ્રેમીને સવાયા ગુજરાતી માનતા શ્રી રમેશભાઈએ વિશ્વના ૪૬ લેખકો દ્વારા લખાયેલ “માવલડી “પુસ્તકનું વિમોચન આ પ્રસંગે કર્યું હતું.જેમાં “ગુજરાતી સાહિત્ય સરિતા “હ્યુસ્ટન અને “બેઠક ” કેલીફોર્નીયાના લેખકોનો પણ સમાવેશ થયો છે.

વધુ એક ધ્યાન ખેંચે એવી બાબત આ પ્રસંગમાં એ હતી કે અમદાવાદ સ્થિત શ્રી કિરણભાઈ ઠાકરે ( બુક પબ ઇનોવેશન ) એક પુસ્તક લોકો સમક્ષ મુક્યું .જે બાર હાજર પાનાથી વધુ પાના ધરાવતું એક દળદાર પુસ્તક છે,અને ગીનીઝ બુક માં સ્થાન લેવા પ્રયાસ કરી રહ્યું છે.સંવર્ધન માતૃ ભાશાનુ ૧

એક ગુજરાતી તરીકે ઈશ્વર પ્રાર્થના કે આ પ્રયાસથી આપણી માતૃભાષા નું નામ વિશ્વભરમાં રોશન થાય.આ પુસ્તક બનાવવાનો અથાગ પ્રયત્નનો શ્રેય ચાર સવાયા ગુજરાતીઓ ને જાય છે.અને એમના તનતોડ પ્રયત્નોનું ઋણ દરેક ગુજરાતીને માથે છે.ખુબ ખુબ સરાહના આ વિશેષ વ્યક્તિઓની કરવી જોઈએ.એ લોકો છે ,લેખક- સંપાદકો …..,શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાલા,શ્રીમતી હેમા પટેલ, શ્રીમતી પ્રવિણા કડકિયા અને શ્રી વિજયભાઈ શાહ …અને પુસ્તક પ્રકાશક શ્રી કિરણભાઇ ઠાકર ….
         કાર્યક્રમ દરમિયાન દરેક વક્તાઓ તથા ભાગ લેનાર દરેક વ્યક્તિને સંતોષ હતો ,એક સત્કાર્યનો ….માતૃભાષાનું ઋણ અદા કરવાનો અને સહુ આપણી ગુજરાતી ભાષા માટે આશા સભર હતા, અહી ખરેખર ગૌરવ અનુભવાયું કે આપણી વૃદ્ધ થતી મા નો હાથ ઝાલનાર સપૂતો છે ….અને ગુજરાતીઓનું ભવિષ્ય સુંદર છે .ખુબ ખુબ અભિનંદન આ સપુતોને …..…..

અર્ચિતા પંડ્યા