અભિવ્યક્તિ -‘૨૪-દીવા ટાણું’-અનુપમ બુચ

‘દીવા ટાણું’

હું નાનો હતો ત્યારથી જ મને સાંજ બહુ વહાલી. કોણ જાણે કેમ મને ઉગતા સૂરજ કરતાં ઢળતી સાંજ વધુ ગમતી. ત્યારે મને સમજાતું નહિ પણ આજે એ વહાલી સાંજનું સ્મરણ કરું છું ત્યારે થાય છે કે અરે હા, છાતી સરસી ચાંપવાનું મન થાય એ ક્ષણો હતી – ઢળતી સાંજનું ‘દીવા ટાણું’.

મારા ઘરની અગાસી પરથી સ્વામીમંદિરનો વિશાળ ગૂમ્બજ દેખાતો. બે શિવાલયોની ફરફરતી ધજા પણ સામે જ દેખાય. ઊડી ઊડી થાકેલાં કબૂતરો ગુમ્બજ અને શિખરો ફરતે લગભગ છેલ્લું ભ્રમણ કરતાં હોય ત્યારે પૂર્વમાં ગિરનાર ઝાંખો થઇ ધીમે ધીમે રેખાચિત્ર બનતો જતો હોય.

એક નિયત સમયે એકાદ મંદિરની ઝાલરું ઝણકતી સંભળાય. એમાં ટકોરી-ટકોરા અને દાંડી પીટવાનો અવાજ ભળે. વિશ્વ એને ‘સંધ્યા ટાણું’ કહે, ગામ એને ‘આરતી ટાણું’ કહે અને આમ ઘેર ઘેર ‘દીવા ટાણું’ કહેવાય. ‘દીવા ટાણું’ એટલે સંધ્યાકાળે ઠાકોરજી પાસે અને તુલસી ક્યારે ઘીનો દીવો મૂકવાનો સમય. એ પવિત્ર સમય ‘દીવા-બત્તી’ના સમય તરીકે પણ ઓળખાતો. દીવો પ્રગટે અને સાથે સાથે રસોડું, ઘર અને દિવાનખાનું ‘બત્તી’થી ઝળહળે.

પણ ‘દીવા-બત્તી’ ટાણે ઘણું ખરું પુરુષવર્ગ ઘરમાં ન હોય. મા કે દાદી દીવા અને બત્તી કરે.

‘દીવા’ સાથે ‘બત્તી’ ક્યારે જોડાઈ ગઈ એ અમને ખ્યાલ નથી પણ અમારા વડીલો પાસેથી સાંભળેલી ‘ફાનસ’યુગની વાતો સાંભળી અમે અમારી જાતને સદનસીબ સમજતા કે અમે લાઈટમાં ભણ્યા. અમે ભલે ‘બત્તી’માં ઉછર્યા પણ ત્યારે ફાનસ સાવ નવરાં નહોતાં થયાં. ‘બત્તી’ તો ઘણા સમયથી આવી’તી પણ કેરોસીન ભરેલાં ફાનસ તૈયાર જ રાખવાં પડતાં. વીજળી ક્યારે વેરણ થાય એનો ભરોસો ન રહેતો. જેવી લાઈટ જાય કે કોઠારમાંથી ફાનસો બહાર આવે. મા કે દાદી કાચનાં ‘પોટા’માં મેશ બાજે નહિ એવી ચીવટથી વાટ ઉંચી કરી એક જ દીવાસળીથી પાંચ ફાનસ પેટાવે. અમે દૂર ઊભા રહી આ મજાનો ખેલ જોયા કરતા.

ફાનસ પેટાતું હોય ત્યારે ફાનસના પ્રકાશમાં માનો ચહેરો વધુ હેતાળ લાગતો.

અમને પણ લાઈટ કરતાં ફાનસનો પ્રકાશ વધુ રોમાંચક લાગતો. ફાનસના પ્રકાશમાં ઊભીને અમે દિવાલ પર અમારા પડછાયા પાડી ગમ્મત કરતા. અમે મનોમન ઈચ્છતા કે લાઈટ જલ્દી ન આવે તો સારું. અને, લાઈટ આવે ત્યારે અમે દોડીને ફાનસમાં ફૂંક મારવા અધીરા થઇ જતા. વાટ નીચી કરી, અંગૂઠાથી કળ દબાવીને અમે ‘પોટો’ ઉંચો કરી એક જ ફૂંકે ફાનસ ઓલવી નાખતા. થોડી વાર માટે ઘરમાં પ્રસરી જતી કેરોસીનની ગંધ અમને ગમતી.

ધીમેધીમે દીવા ભૂલતા ગયા અને ‘બત્તી’નું રાજ ફૂલ્યું-ફાલ્યું. ફાનસ ઓછાં થતાં ગયાં અને અને પેટ્રોમેક્સની રોશનીનો રોફ ઘટતો ગયો. લાઈટના ગોળા આવ્યા, વીજળીના ચાળા પાડતી ‘લબૂક-ઝબૂક’ ટ્યુબ લાઈટ આવી તે હજી આજે પણ દીવાલોને વળગી છે. બહાર પ્રસંગે વપરાતી પેટ્રોમેક્સ ગઈ અને સૂરજ સામે ધૂળ ઉડાડતી હેલોઝન આવી, વીજળીના ગોળા ગયા ને એલઈડી આવી. આમ અંધારું ઉલેચતા પ્રકાશના વિવિધ સાધનોનો પરિવાર બહોળો થતો ગયો.

હવે ઝાકઝમાળ વિના ફાવતું નથી. રાંધણીયાંમાં કે બાથરૂમમાં વપરાતો ઝીરોનો બલ્બ ઘરના પૂજા રૂમ કે લાકડાના મંદિરમાં અકારણ બળ્યા કરે છે, કદાચ ક્યાંક ઘીના દીવાને બદલે. હવે તો દિવસે ઘરમાં લાઈટ થાય છે. સૂમસામ ખાલી રસ્તા પર અમસ્તો અમસ્તો પ્રકાશ પથરાય છે. હજારો માઈલ દૂર ગોઠવેલા ગૂગલ કેમેરા ઝળહળતી રોશનીથી ન્યૂ યોર્ક અને નવી દિલ્હી ઓળખી પાડે છે. આજે ચોમેર ‘બત્તી’ નું સામ્રાજ્ય છે. ઈમર્જન્સીમાં જરૂર પડે તો ફાનસ નથી, મીણબત્તી નથી, મોબાઈલની લાઈટ છે. હું ખુશ છું. હુ નસીબદાર છું કે વર્ષોથી અમારે ત્યાં વીજળી ભાગ્યે જ વેરણ થાય છે.

સારું છે, ‘બત્તી’નો આવિષ્કાર માણસે માણસને આપેલા આશીર્વાદ છે.
પણ સાહેબ, આ ‘બત્તી’થી વિખુટો પડી ગયેલો ‘દીવો’ લગભગ ભૂલાઈ ગયો છે. સંધ્યા ટાણે રાતની છડી પોકારતું ‘દીવા ટાણું’ ગયું

મારી આસપાસ પુષ્કળ રોશની મારી આંખો આંજે છે પણ આરતીની ઝાલરના રણકાર વખતે તુલસીના ભુખરા કુંડા પાસે નિયમિત પ્રગટતો ‘દીવો’ મને નથી દેખાતો અને રોજ સાંજે નિયત સમયે અમારા દિવાનખાનામાં અચૂક પ્રકાશ રેલાવતી પીળી ‘બત્તી’ પણ નથી.

Anupam Buch

અભિવ્યક્તિ -૨૩-યુનિફોર્મ વિનાનું ભણતર

યુનિફોર્મ વિનાનું ભણતર
રહી રહીને મને યાદ આવે છે
મારાં એ અનોખાં સ્કૂલ ‘યુનિફોર્મ’.
ઈસ્ત્રી વિનાના ચડ્ડી ને ચોળાયેલું શર્ટ.
માના બે હાથે ધોકાવેલ, કચકચાવીને
લાલ થઇ જતી હથેળીઓથી
નીચોવી, ઝાપટી, સિંદરી પર સૂકવેલ
ચડ્ડી ને શર્ટમાં કરચલીઓ તો હોય જ ને!
પછી પહેરવામાં શરમ શું ને સંકોચ શું!
એકસરખાં નહિ. સોમવારે ખાખી-સફેદ,
બુધવારે બદામી-સફેદ, શનિવારે કથ્થઈ-બદામી.
પ્રાર્થનાની શિસ્તબદ્ધ લાઈનોમાં પણ
ભેરુઓના અલગ-અલગ તરી આવતા ડ્રેસ.
એકસરખાં રંગ શું ડિઝાઈન શું!
અને ખિસ્સા પર સ્કૂલનો બિલ્લો?
શી જરૂર હતી? સ્કૂલનું નામ તો હૃદયસ્થ હતું,
‘તાલુકા શાળા નંબર-૧’, પછી શું?
કદિ’ મેલાં ન હોય અમારાં ‘યુનિફોર્મ’,
પણ હા, ‘દાગ અચ્છે હૈ’ ખરાં, કારણ
બટકું ભરેલ જાંબુ, ચણી બોર-કરમદાં-રાયણના ડાઘ,
આવા ડાઘ તે કંઈ ડાધ કહેવાય?
અને દોસ્તાર સાથે ઝઘડતાં ઉતરડાઈ ગયેલું
શર્ટનું ખિસ્સું કે તૂટી ગયેલું ઉપલું બટન.
ભલે એ સુઘડ, ડિઝાઈનર યુનિફોર્મ નો’તાં,
પણ ચોખ્ખાં ચણાક હોય, જાણે બગલાની પાંખ.
અમે એ ચડ્ડી-શર્ટ પહેરી,
ભણી-ગણી જીવન જીવી ગયા!
Anupam Buch

અભિવ્યક્તિ -૨૨ -ઘણી ખમ્મા!

ઘણી ખમ્મા!
અમે નાના હતા ત્યારે છાનામાના સાહસ કરતા. એક વખત અમે વહેલી સાંજે ગિરનાર ચઢવાનું કહીને સંધ્યાકાળે આરોહણ શરૂ કરી રાત્રે પત્થરચટ્ટી પહોંચ્યા’તા. અલબત્ત, બીજે દિ સુખરૂપ પાછા પણ આવી ગયા’તા છતાં સાહસની એ વાત લીક થઇ ગઈ અને મારા પર પસ્તાળ પડી’તી. ‘ત્યાં અંધારામાં કંઇક થયું હોત તો કોઈ પાણીનું પણ પૂછવા ન આવત’, ‘આવી નરી મૂર્ખાઈ સૂઝી જ કેમ?’ ‘ખબરદાર જો ફરી આવી મૂર્ખામી કરી છે તો.’ વિગેરે વિગેરે.
અને વર્ષો વીતે છે. સિંગાપોરના વિશ્વ વિખ્યાત ચાંગી એરપોર્ટની ઝાકઝમાળ વચ્ચે હું ચાર આંગળ દળદાર અને કલાત્મક કાર્પેટ પર એક સાઇલન્ટ કાર્ટમાં બેસી હલેસાં વિનાની હોડીમાં સરકતો હોઉં એમ સરકું છું. ડોક્ટરોએ મારા હૃદય ફરતે લોહી ધસમસતું કર્યાને હજી બેત્તાળીશ દિવસ જ થયા છે. મારા જેકેટના આગળના ખિસ્સામાં એક સર્ટીફીકેટ છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ માણસ બાયપાસ સર્જરીનો પેશન્ટ ટ્રાવેલિંગ માટે ફીટ છે. એમને માટે વ્હિલચેર આવશ્યક છે.
એટેન્ડન્ટસ મને કાચના વાસણની જેમ સાચવીને સિડની એરપોર્ટ પર ઉતારે છે અને એ જ માવજત અને સંભાળથી મને એક મહિના પછી અમદાવાદ સુધી પણ પહોંચાડે છે. ‘ચીબી’ એરહોસ્ટેસો આ દયામણા પેશન્ટનું એક્સ્ટ્રા ધ્યાન રાખે છે. હુ ક્ષોભ અનુભવું છું, મૂંઝાઉં છું, મરકું છું. ગ્રાઉન્ડ સ્ટાફ, કસ્ટમ્સ વિગેરે મારું સસ્મિત અભિવાદ કરી, કોઈ રો-ટોક વિના ઝડપથી મને ડિપાર્ચર લાઉન્જ તરફ મોકલી આપે છે.
જે દેશની હવામાં ખરા અર્થમાં ‘ફેર’ છે એવા ‘diversely beautiful’ ઓસ્ટ્રેલિયાની ધરતી પર હું ‘હવાફેર’ કરવા પગ મુકું છું. મુખ્ય ઉદ્દેશ એક જ છે, આરામ કરવો અને સાચવીને ફરવું. ડોક્ટરોએ લખી આપેલી ટેબ્લેટસનો ડબ્બો ગોઠવાય છે. ક્યારે શું કેટલું ખાવું, શું ન ખાવું, કેટલું ચાલવું, વાંકા વળતી વખતે અને વજન ઉપાડવા અંગે ડોક્ટરોની ટિપ્સ પણ ગાયત્રીની જેમ કંઠસ્થ થઇ ગઈ છે.
ખરેખર તો વ્હિલચેરમાં એરપોર્ટ પર ઉતરેલ પેસેન્જર ઘેર આવે ત્યારે સફેદ ચાદર, પોચી બેડ, બે પોચાં ઓશિકાં અને બાજુમાં ટીપોય પર પાણીનો જગ તૈયાર હોય. પણ આ પેશન્ટ ઘડીના છઠ્ઠા પોતાના ચહેરાનું દયામણું મહોરું બેકયાર્ડમાં ફેંકી દે છે. એક દિવસના આરામ પછી ‘રખડવા’નો સિલસિલો ચાલુ થઇ જાય છે. હરવું ફરવું, ચઢ-ઉતર, લોંગ વોક અને ઘટમાં થનગનતો ઘોડો. હાંફ ચડતી નથી, થાક લાગતો નથી અને સાથે રાખેલું પોર્ટેબલ બીપી મશીન ગ્રીન સિગ્નલ આપે રાખે છે. તમે જ કહો, બીજું શું જોઈએ?
બે ઘડી એવો પણ ડર લાગ્યા કરે છે કે મારા માનવંતા ડોક્ટર્સ કે ફીઝીઓથેરાપીસ્ટ ત્રાંસી આંખે મને આમ બેફીકર હરતો ફરતો જોઈ જતા તો નહિ હોય ને! કોઈ વડિલ મારા બાયપાસના પિસ્તાળીસ-પચાસમાં દિવસે આવું મુર્ખાઈભાર્યું સાહસ કરવા બદલ ઠપકો તો નહિ આપેને? કોઈ મેડિકલ ઈશ્યુ ઉભો થાય તો હાંસીને પાત્ર તો નહિ થાઉં ને? બોન્ડાઈ બીચ પર નહાતા નહાતા શ્વાસ ચઢી જાય અને વીમાના કાગળ ઘેર લેવા દોડવું પડશે તો? જે થાય તે, આટલો ફ્રી ઓક્સિજન ક્યાં મળવાનો છે? આવું મફત પ્રદુષણવિહીન વાતાવરણ ક્યારે મળશે?
અને આ ‘પરદેશ’ને કુદરતે બક્ષીશમાં આપેલી સંપત્તિ હું ચંદન ચોર વિરપ્પનના ઝનૂનથી લૂંટવા લાગું છું. એક પેશન્ટ તરીકે મારે ન કરવા જોઈએ એવા ‘આઉટ ઓફ વે’ સાહસ વખતે અને લાંબી ટ્રીપ કરીને સાંજે ઘેર કે હોટેલ આવી કોફી પીતાં પીતાં મારી મૂર્ખામી પર હું મૂછમાં હસી લઉં છું.
અમે જૂદા જૂદા આઈલેન્ડ/બે ની કરેલી લાંબી ટ્રીપમાં એક કદિ ન ભૂલાય એવું સાહસ કર્યું. તે દિવસે મારી ઉંમર પંચાવન દિવસની હતી!
અમે વહેલી સવારે હોબાર્ડ(તસ્માનિયા)થી બસમાં ‘Wine Glass Bay’ની ટ્રીપ માટે નીકળ્યાં. ૧૬૭ કિ.મી.ની પૂરા બે કલાક ને વીસ મીનીટની લક્ઝરીમાં મુસાફરી એટલે હથેળી જેવા રસ્તા, બુશ ફાયરથી ભયભીત જંગલો, નદિઓ, બેક વોટર્સ, ફાર્મસ, અસંખ્ય ગાય, ઘેંટા અને ઘોડા અને આસમાની આકાશ. બધું આશ્ચર્યથી જોતા જ રહેવાનું. અફાટ દેશ છે આ, મોંફાટ વખાણ કરવા માટે શબ્દોનાં ફાંફાં પડે છે, સાહેબ!
‘Wineglass Bay’ પ્રેમથી પીવાના એટલે કે જોવાના અમારી સામે બે વિકલ્પ હતા. હેલિકોપ્ટર રાઈડ અથવા પૂરા પિસ્તાળીસ મિનિટનું આકરું ચઢાણ. હેઝાર્ડ્ઝ માઉન્ટેન રેંજ પર કેડી અને પગથિયાંનું અપ હિલ ક્લાઈમ્બીંગ! અમે તત્કાળ નિર્ણય લીધો, ચઢવા માંડો, પ્રથમ દસ મિનિટમાં કેટલી હાંફ ચઢે છે એ ન્યુટ્રલી નક્કી કરીને આગળ વધવાનું સાહસ કર્યું. દીકરાનું કડક પ્રોત્સાહન અને પિસ્તાળીસ મિનિટ માટે ઉછીનો લીધેલો અમારો ખૂદનો વિલ પાવર કામ કરી ગયાં.
અમે ઊપર પહોંચી સ્વર્ગને ભેટ્યા. દૂર નીચે ‘વાઈન ગ્લાસ’ આકારમાં બ્લુ-ગ્રીન સાગરનાં શાંત પાણી, સફેદ રેતાળ કાંઠો અને ઊપર સ્વચ્છ આકાશ. ભગવાને પાણીમાં બ્લુ શાહી તો નહિ ઢોળી હોયને! ચોમેર લીલાંછમ્મ વૃક્ષો, વાઈલ્ડ ફ્લાવર્સ અને ગ્રેનાઈટની ભેખડોનો નજારો! સ્તબ્ધ થઇ ન જાય કે એક ધબકારો ચૂકી ન જાય એ હૃદય સમજો હૃદય નથી. બસ, પછી તો ક્યારે નીચે આવી ગયા એ ખ્યાલ જ ન રહ્યો. થોડાં ડગલાં દૂર હનીમૂન બીચ એટલે કુદરત કા કરિશ્મા! એટલી જ રોમાંચક ક્ષણો એટલે લાઈટ હાઉસથી દૂર ઘૂઘવતો પેસોફિક મહાસાગર.
હું સાંજે કોફીબારમાં કોફી સીપ કરતો’તો ત્યારે કદાચ મારી પલ્સ ૭૨થી વધુ-ઓછી નહિ જ હોય.
આમ કહો તો ‘Glass With Care’ જેવી કાળજીથી ઓસ્ટ્રેલીયા પહોંચી હું Wineglass Bay સામે બેફિકર ઊભોતો! અને આમ કહો તો મને સુખરૂપ સફર કરાવનાર સઘળા એર લાઈન સ્ટાફનો હું ગુનેગાર હતો. મને બીજી ઇનીન્ગ્ઝ રમવા માટે તૈયાર કરનાર ડોકટરોના સલાહ-સૂચનોનો પણ મે અનાદર જ કર્યો કહેવાય. મે અજાણપણે એક અશક્ય (દુ)સાહસ કર્યું’તું. અને હા, મારા ફાધર હયાત હોત તો એ નક્કી ત્રાડ પાડત, “ખબરદાર જો હવે આવી મૂર્ખામી કરી છે તો”! ઘણી ખમ્મા!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૨૧-‘જોયા કરતાં જીવવું ભલું!’

‘જોયા કરતાં જીવવું ભલું!’

કોણ જાણે કેમ આપણને બધાને ‘ફર-ફર’ કરવાનો ભમરો કરડી ગયો છે. સોંસરવું કાણું પડે છતાં પીડા નથી થતી! બંધ આંખે બસ ફર-ફર ને ફર!

અમને નિશાળમાં વારંવાર પૂછાતા નિબંધોમાં ‘જીવ્યા કરતાં જોયું ભલું’ મારો ફેવરિટ વિષય. આ ગલગલીયાં કરતું અમર સત્ય લખનારને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. હું પણ રૂપાળી ધરતી પર રખડવા અને ખૂલ્લા આકાશમાં વિહરવાની કાલ્પનિક વાતોના ઉદાહરણો સાથે નિબંધ ઘસડી મારતો. હું શબ્દોમાં કોઈની આંગળી પકડી જોયેલ તળાવ-બાગ-બગીચા કે ગિરનારમાં ભટક્યાનો આનંદ ઉલેચતો. ત્યારે મને હૃસ્વ-દીર્ઘની ભૂલો બાદ કરતાં દસમાંથી આઠ-નવ માર્ક્સ મળતા અને કોઈ વાર ક્લાસ વચ્ચે સાહેબ શાબાશી પણ આપતા અને હું સમજ્યા વિના પોરસાતો!

સાચું પૂછો તો એક જમાનામાં અમારા શહેરમાં દિવસમાં બે ટ્રેન આવતી ને થોડી-ઘણી બસો દોડતી. ઘોડાની ગદબ ઊપર બેડિંગ-બિસ્તરા અને પતરાની ટ્રંક ખડકેલી ઘોડાગાડી જોવાનું કુતૂહલ માત્ર અમારા માટે ‘ફરવા’ જવાનો રોમાંચ હતો. ચાર ધામની જાત્રા કે વડીલની અંતિમ ઈચ્છા પૂરી કરવા હરદ્વાર જતા કે લાંબુ વેકેશન ગાળવા બહારગામ પહોંચતા લોકો ‘પ્રવાસી’ કહેવાતા. ડેલીમાં કે ઓટલે બેસી બહારગામ ફરી આવેલ લોકોની રસપ્રદ શૈલીમાં સાંભળેલી ‘નવું જોયા-જાણવાની’ વાતો કદાચ અમને ‘જીવાડતી’.

અને સમય બદલાયો. રખડવાના નિજાનંદ અને દિવ્ય અનુભવ પછી નીકળેલ એક સનાતન અને નિર્દોષ ઉદગાર ‘જીવ્યા કરતાં જોયું ભલું’ ચરિતાર્થ કરવા આજે તીડના ટોળાં ઊતરી પડ્યાં છે. બધાને બધે ફરવું છે. બધું જોવું છે. ગમે તે ભોગે રખડવું છે. ‘હાય, હુ રહી ગયો!’ ‘ફલાણા ફરી આવ્યા’ અને ‘તમે હજુ ત્યાં નથી ગયા?’ વિચારતાં અજંપાનો પરસેવો છૂટે છે. મનમાં ઓછું આવે છે. અને જયારે ‘રાજધાની’માં બુકિંગ મળી જાય એટલે જાણે ઘેર દીકરો આવ્યો! કોઈ સારું પેકેજ મળી જાય કે યુરોપ ફરવા જવાની કોઈ સારી સસ્તી ડીલ ફાઈનલ થાય ત્યારે ઓફિસમાં પેડા વહેંચવા બાકી રાખે! શું જોવાનું છે ને શું નથી જોવાનું એ પ્રશ્ન ગૌણ ગણાય, બસ, પેલી ઉક્તી સાર્થક કરવા એમના કપાળ ઊપર લખ્યું હોય, ‘અમારે જીવવા જવાનું છે’!

ટૂરિઝમ વકર્યું છે. એમ જ કહોને કે આપણે જ ટૂરિઝમ નામના રાક્ષસને ઉછેર્યો છે. ‘ભોમિયા વિના ડુંગરા ભમવા’ કે જંગલની કુંજ કુંજ જોવા’ (અલ્યા, આ ‘કુંજ’ વળી કઈ જગ્યાનું નામ છે?)ની વાત બાજુએ રહી ગઈ છે. હવે તો ‘ઓહો, આહેબ! ‘અમારો સિંગાપુરનો ગાઈડ હતો! માળો બેટો છ ભાષા જાણતો’તો!’ પણ તમને એ વાત ન કરે કે સવારે સાતથી સાંજના સાત સુધી ટાંટિયાની કેવી કઢી કરી નાખી’તી. બધા ‘ભોમિયા’ પાસે ‘પણ તમે જોયું શું?’ પ્રશ્નનો જવાબ સ્ટાન્ડર્ડ ‘અરે જોરદાર’, પત્યું! સાહેબ, અર્ધોઅરધ ‘ભોમિયાઓ’ની મુઠ્ઠી બંધ સમજવી.

જેટલી થતી હોય એ બધી ‘ક્રૂઝ’માં ચાર ખિસાના બર્મૂડા અને હેટ-ગોગલ્સ પહેરી પહોંચી જતા ‘ભોમિયાઓ’ તમને સફર દરમ્યાન મહાકાય સમંદરના હરપળ બદલાતા મિજાજ અને સૌન્દર્ય કરતાં વિશાળ કેસીનો અને સ્વિમિંગ પૂલનું રસપ્રચુર વર્ણન કરતાં થાકશે નહિ. દૂનિયાની બધી ગગનચુંબી ઈમારતો પરથી કીડી મકોડા જેવી દેખાતી કાર અને રમકડાં જેવા દેખાતા ગાર્ડન્સ જોયા કરવામાં જીવી લેવાની શું મર્દાનગી છે એ જ સમજ નથી પડતી. એક સરખી સ્કાઈ લાઈન અને એક સરખા સનસેટ, એક સરખી રાઈડ્ઝ અને એકસરખા રિસોર્ટસ જોયા કરવામાં મને જીવવાનું શાણપણ નહિ, દિશાહીન ગાંડપણ જ નજરે ચઢે છે.

ઓટોમેશન અને કુદરતી સૌન્દર્ય વચ્ચે અફળાતો ‘ભોમિયો’ ક્યારેય કંટાળતો જ નહિ હોય કે પછી એ તમાચો મારીને ગાલ…!

સ્થળ-સમય સમજ્યા વિના દસ દિવસ લકઝરી બસમાં બારી પાસે બેસીને ઝોલાં ખાતા પ્રવાસીઓ કે કલાકો સુધી એરપોર્ટ પર પૂતળાંની જેમ બેસી રહેલા ટૂરિસ્ટોને કઈ રીતે જીવન રંગીન બનાવવા દૂનિયા જોવા નીકળી પડેલ ‘ભોમિયા’ કહેવા!

છાસવારે હૂંસાતૂંસીમાં ઘરને તાળું મારી ફરવા નીકળી પડવાની હોડમાં આપણે ઘરને વ્હાલું કરવાનું અને ફળિયાને બોલતું રાખવાનું જાણે ભૂલાઈ જ ગયું છે. ફરવા નીકળવું તો એક ઉત્સવ હતો અને હોવો જોઈએ જેને આજે આપણે એક ફારસ કરી નાખ્યું છે. પાસપોર્ટ સાચવો, ટિકીટો સાચવો, રોકડા રૂપિયા, ડોલર અને ક્રેડિટ કાર્ડ સાચવો. સત્યની શોધમાં નીકળેલ ભટકતા આત્માની જેમ ગુજરાતી થાળી અને ઈડલી-ઢોસા શોધતા ‘ભોમિયા’ કંટાળતા કેમ નથી હોતા એ જ એક યક્ષ પ્રશ્ન છે.
ઊંચા જીવે ફર-ફર કરવાની ઘેલછામાં માણસ ઘરની ઓસરીમાં કે બેક યાર્ડમાં હેઠા જીવે બેસવાનું ભૂલી ન જાય તો સારું.

અત્યારે મારું પ્લેન રન-વે પર ટચ કરવાની તૈયારીમાં છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગનો નિષેધ છે એટલે હુ કાગળ પર કશુંક ટપકાવી લઉં છું. પ્લેનના ટેક-ઓફ અને લેન્ડિંગ વખતે પેટમાં પડતી ફાળમાં અસલામતિની ફિકર છે ત્યારે મને ઘર આંગણે હિંચકો ફંગોળતા રહેવામાં સલામતિની બેફિકરાઈ યાદ આવી જાય છે અને હુ અધીરો થઇ જાઉં છું.

અમારું બંધ ઘર મને એમ કહે છે કે, “હવે બહુ થયું, ઊંચા જીવે ભટક-ભટક કર્યા કરવા કરતાં હેઠા જીવે જીવતાં શીખ, બધું ‘બહાર’ જ છે એવું નથી, ઘણું ‘ભીતર’ પણ છે, (બહુ) જોયા કરતાં જીવવું ભલું, સમજ્યો?”’

અભિવ્યક્તિ -૨૦-‘સાચાં’ ફૂલ ગલગોટા-અનુપમ બુચ

‘સાચાં’ ફૂલ ગલગોટા

કોઈ ધર્મગ્રંથોમાં કે શાસ્ત્રમાં નથી વાંચ્યું નથી કે ફૂલો વચ્ચે ‘સાચાં’ અને ‘ખોટાં’ એવો ભેદ હોય. મેં ગૂગલગુરુને પૂછ્યું પણ તેઓશ્રીએ પણ મને સાચા-ખોટાં ફૂલોની યાદી ન આપી. જે સુગંધી હોય એ ‘સાચું’ ફૂલ અને બાકી બધાં ‘ખોટાં’ એવો પણ કોઈ માપદંડ નથી. જૂઓને ગુલાબ, મોગરો, ચંપો, જૂઈ, બોરસલ્લી વિગેરે ફૂલો સુગંધનો દરિયો ખરાં પણ લાલ-સફેદ કે પીળી કરેણનાં ફૂલોમાં ક્યાં કોઈ સુગંધ હોય છે છતાં સુગંધ રહિત કરેણના ફૂલોથી શણગારેલ ભોળા શંભુ કેવા તેજસ્વી લાગે છે!

રાતરાણી અને મધુમાલતીની માદક સુવસથી હવા તરબતર થઇ જાય પણ એ નિજ મંદિરમાં હોવાનું જાણ્યું નથી, એ તો મંદિરની બહાર જ શોભે. ફૂલનો રંગ પણ મહત્વનો નથી. ગુલાબના રંગને ટક્કર મારે એવાં ગુલાબી બોગનવેલનાં ફૂલો કોઈ મંદિરમાં ચઢાવેલ જોયાં નથી.

‘સાચાં’ ફૂલની વણલખી વ્યાખ્યા એટલે ‘ભગવાનને ચઢે એ સાચાં અને પવિત્ર ફૂલો’. પાતરીમાં બંધાય એ ‘સાચાં’ ફૂલો. ‘સાચાં’ ફૂલો ભૂલથી પણ કચડાય નહિ., અને એકવાર સુંઘાયેલ ફૂલો ભગવાનને ચઢાવાય નહિ. મંદિરમાં ભગવાનને કે ઘરમાં ઠાકોરજીને ચઢાવેલાં ભીના અને કોહવાયેલ/કરમાયેલ ‘સાચાં’ ફૂલો આંખ પર વંદાય અને પછી નદી-તળાવમાં પધરાવાય. બિચારાં ‘ખોટાં’ ફૂલો નિજ મંદિરમાં ગયા વિના ડાળી પર જ કરમાય કે જમીન પર ધૂળમાં રગદોળાય.

‘ગલગોટો’ એટલે કે ‘મેરીગોલ્ડ’ એક એવું સુગંધ રહિત ‘ખોટું’ અને સ્ટેટસ વિનાનું ફૂલ કુદરતે આપણને આપ્યું છે જેને માણસે સમજીને ‘સાચું’ ફૂલ હોવાનો દરજ્જો આપ્યો. હું તો આ વર્ષો જૂના અને જાણીતા ગલગોટાની એકવીસમી સદીમાં ચાલતી બોલબાલાથી આશ્ચર્ય ચકિત છું. જ્યાં જૂઓ ત્યાં ગલગોટા. આટલા બધા ગલગોટા અત્યાર સુધી ક્યાં હતા? જૂઈ ગઈ, બોરસલ્લી વિસરાઈ, ગુલાબ ઓછાં થયાં, મોગરા અદ્રશ્ય થયા. હવે તો ઘઉંની જેમ ગલગોટાની ખેતી થાય છે.

એક ‘ગલગોટો’ એવું ફૂલ છે જે આપણી લાજ રાખે છે. હા, આજ-કાલ ફૂલ બજારમાં મોંઘાં આકર્ષક અને વિલાયતી ફૂલોની ગાંસડીની ગાંસડીઓ ઠલવાય છે ખરી પણ એ બધાં ફૂલો સમારંભોના સ્ટેજ અને સ્વાગતની કમાનો શણગારવામાં અને ગુલદસ્તાઓ સજાવટમાં વધુ વપરાય છે. પીળા, કેસરી અને સોનેરી રંગનો મનમોહક ગલગોટો આપણે માટે ‘સાચું’ ફૂલ બની ગયું છે. આટલાં સસ્તાં અને મબલખ ફૂલો બીજાં કયાં મળે?

સાહેબ, આ ખોટાં ફૂલનો સૌથી મોટો ગુણ છે ‘સુકાઈ જવું પણ કરમાવું નહિ’. તમે આ ફૂલને કોઈ સાચા સંત સાથે સરખાવી શકો. અમે ગિરનારમાં કોઈ એકાકી ગૂફામાં ઘૂણી ઉપર મૂકેલા ત્રિશુળ પર વીંટેલ સૂકાયેલ ગલગોટાનો હાર જોઈએ તો થતું કે ન જાણે એ કેટલાય મહિના જૂનો હાર હશે. મધ્યમવર્ગના ઘેર લગ્ન પ્રસંગે વાડીએ શણગારેલ દરવાજા ઉપર અઠવાડિયા સુધી કેસરી ગલગોટાની ઝૂલ જોઈ બે દિ’માં ચીમળાઈ જતાં મોંઘાં દાટ ગુલાબ મોગરાની હાંસી ઉડાવવાનું મન થાય.

અને ગલગોટાનો વ્યાપક ઉપયોગ તો જૂઓ! કથા કે વાસ્તુ પ્રસંગ છે? ગલગોટો. કે કાર-સ્કૂટરની પૂજા છે? ગલગોટો. ચોપડાપૂજન કે હવન છે? ગલગોટો. મહેમાનનું સ્વાગત કે ચારધામ યાત્રાની વિદાય છે? ગલગોટો. લગ્નની ચોરી છે કે ભાગવત પુરાણની પોથી છે? ગલગોટો. ઘરનો ઊંબર પૂજાવો છે? ગલગોટો. ફૂટપાથની હનુમાનજીની નાની દેરી છે કે કોઈ મઝાર પર ચાર ફૂલ છે? ગલગોટો. અરે, દિવંગતની નનામી પર ફૂલના ઢગલો હાર છે? ગલગોટો. હરિ-કી-પૈડી કે ચાણોદ કરનાલીમાં પાણીમાં વિસર્જિત થતો અસ્થિકુંભનો હાર છે? ગલગોટો હાજર હોય છે!

અનેક ધર્મ, પંથ, માન્યતા, જાતી-જ્ઞાતિ વચ્ચે વહેંચાઇ ગયેલા આ દેશને બાંધી રાખનાર જો કોઈ એક ફૂલનું નામ આપવું હોય તો બેધડક ગલગોટો કહેવું પડે. ગાર્ડનમાં પણ વિવિધ સોનેરી-પીળા શેડ્ઝમાં ગલગોટા કેવા રૂપાળા લાગતા હોય છે! ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ. દેશના કોઈ પણ છેડે જાવ, વારણસીની ગંગાને ઘાટ પહોંચો કે મહાકાળેશ્વર જાવ, ધોરાજીમાં ભરાતા ઉર્સમાં જાવ કે અજમેર ખ્વાજાના દરબારમાં જાવ, સુવર્ણ મંદિર જૂઓ કે ડાકોરનું મંદિર, બધે ગલગોટા જ ગલગોટા.Anupam Buch

ભલે આપણે પ્રસગો દિપાવવા ખરીદાતાં ગુલાબ-મોગરા અને તરેહ તરેહનાં રંગબેરંગી ફૂલોની ડિઝાઈનર સજાવટના વખાણ કરીએ, ભલે આપણે ટાંટિયા ઠોકી જોયેલ ‘વેલી ઓફ ફ્લાવર્સ’થી અંજાઈ જઈએ પણ…..

હું અને તમે, આપણે સૌ આ સસ્તા, સોનેરી, સુગંધ રહિત ગલગોટાના ‘શ્રદ્ધા સુમન’નો ભાર લઈને જ જવાના હોં!

અભિવ્યક્તિ -૧૯-‘તિથિ તોરણ’માં તારીખ!

 

‘તિથિ તોરણ’માં તારીખ!

મારી બેડરૂમના સ્વિચબોર્ડ પર એક ‘તિથિ’તોરણ લટકે છે. હું રોજ સવારે ઊઠું ત્યારે મારું ધ્યાન એ ‘તિથિતોરણ’ પર અચૂક પડે છે. મારું પહેલું ધ્યાન તારીખ પર પડે છે, તિથિની મને પડી નથી હોતી. વર્ષો પહેલાં અમારા ઘરની પરસાળમાં એક પૂઠાંનું કેલેન્ડર લટકતું રહેતું. એ કેલેન્ડર પર ચાર-પાંચ વર્ષ માતાજી, ચાર-પાંચ વર્ષ શંકર ભગવાન તો ચાર-પાંચ વર્ષ રામનો રાજ્યાભિષેક અમારા પર કૃપા દ્રષ્ટિ કરતો. એ કેલેન્ડરમાં વચ્ચે પીન કરેલો ડટ્ટો રોજ સવારે અમને તારીખ-તિથિ-વારનું ભાન કરાવતો. મારા પિતાજી સવારે ઊઠીને પહેલું કામ એ ડટ્ટામાંથી બાજુ-બાજુમાં તારીખ અને તિથિ છાપેલ ‘તારીખિયા’નું એક પાનું ફાડતા.

કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમને દિ’ કારાવાસમાં જન્મ્યા’તા. ત્યારે નહોતાં ઢોલ-ત્રાંસા વગડ્યાં કે નહોતાં ટોડલે તોરણ બંધાયાં. બધું છાનુંમાનું પાર પડ્યું હોવાનું આપણે વાંચ્યું છે. કૃષ્ણ ચોક્કસ તિથિએ જન્મ્યા પણ તારીખ કઈ? મને રહી રહીને ઉત્સુકતા વધી એટલે હું ગુગલ મહારાજને શરણે ગયો. ત્યાં મારા જ્ઞાનમાં સાચો-ખોટો વધારો થયો કે કાનુડો 27July, 3112 BCEના રોજ જન્મ્યો’તો!

મારા ભાઈનો બાંસઠમો જન્મ દિવસ 23 March ના રોજ કેક-ઈડલી-ગુલાબ જામુનથી રંગેચંગે ઉજવાયો’તો. સવારથી ‘હેપી બર્થ ડે’ની હેલી ચઢી’તી. બર્થ ડે પતી ગઈ અને ભૂલાઈ પણ ગઈ. પાંચ દિ’ પછી એમણે વહેલી સવારે હજી ‘તારીખિચા’નું પાનું નહોતું ફાડયું ત્યાં મોબાઈલ રણક્યો, “હેલો…” સામેથી માસીનો ઉમળકાભેર અવાજ આવ્યો, “તને જન્મ દિવસના આશીર્વાદ છે…! તિથિ લેખે આજે તારી ‘જમોસ’ છે ને?” ભાઈએ દિવાલ પર લટકતા કેલેન્ડર સામે ઝીણી આંખે જોયું. તારીખના ખાનામાં તિથિ વાંચી એ બબડ્યો, ‘ઠીક આજે મારો છાનો જન્મ દિવસ છે, તિથિ લેખે!’

તમને ખબર છે તમારો તિથિ લેખે જન્મ દિવસ ક્યારે છે? તમને તમારી લગ્ન તારીખ જરૂર યાદ હશે પણ લગ્નતિથિ યાદ છે? તમને તમારાં વડિલોની મૃત્યુતારીખ યાદ હશે, એમની મૃત્યુતિથિ કેટલાને યાદ છે? ઘરમાં લગ્ન, વેવિશાળ, એનિવર્સરી કે બીજા કોઈ પણ શુભ પ્રસંગની તારીખ સાથે તિથિ કઈ છે એ જાણવા ‘તિથિ’તોરણ જોવું પડતું હશે.

આહા! એક સમય હતો જ્યારે કેલેન્ડરોથી ઘરની દિવાલો શોભતી! કોઈને કોઈ કંપની તરફથી ગિફ્ટમાં આવેલું અને આપણને રી-ગિફ્ટ તરીકે મળેલું ‘કુદરતી દ્રશ્યો’ના ૧૨ પેજ વાળું કેલેન્ડર ડ્રોઈંગ રૂમમાં એમ.એફ. હૂસેનનું પેઇંટિન્ગની ગરજ સારતું. ક્યાંક રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાનજીના ચિત્રવાળું એક કેલેન્ડર દસ વરસ સુધી મોંઘા પોર્ટરેટની અદામાં લટકતું રહેતું અને એના પર પ્રતિ વર્ષ માત્ર ‘ડટ્ટા’ બદલાતા રહેતા.

અલબત્ત, હવે તો કેલેન્ડરની જગ્યાએ વારલી પેઈંટિન્ગ અને અવનવી ટેક્સચર્ડ વોલ ઈફેક્ટ માભો પાડે છે. તારીખ સાથે બે-ત્રણ ધર્મોની તિથિઓ છાપેલ ‘તિથિ’તોરણ પૂજારૂમમાં કે પછી બેડરૂમના સ્વિચ બોર્ડ પર લટકતાં થયાં.

અપણે એટલા સુધરી ગયા છીએ કે આપણને તારીખની ગુલામી વધુ અનુકૂળ આવે છે. તો પછી છતાં આપણે તિથિને સમૂળગી તિલાંજલિ કેમ નથી આપી શકતા? સીધી વાત એમ સીધી ગળે ન ઊતરે. હકીકતમાં, અપણે ધર્મભીરૂ છીએ. આપણને શાસ્ત્રોથી છેડો ફાડતાં ડર લાગે છે.

ઊંડા મનોમંથનને અંતે મને તારીખ અને તિથિની ભેળસેળ ગમવા લાગી છે. માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મૃત્યુ પામે છે છતાં વરસમાં બે વાર જન્મ દિન ઉજવાય કે બે નિર્વાણ દિન મનાવાય તો એમાં ખોટું શું છે? એક જ વાર પરણ્યા હોવા છતાં તારીખ અને તિથિ એમ બે વખત મેરેજ એનિવર્સરી ઉજવી શકાય એ કેવું મજાનું? હું તો કહું છું કે શાસ્ત્રો અને સંશોધાકોના તારણને માન આપીને કૃષ્ણજન્મ દર વર્ષે ગોકુલઅષ્ટમી ઉપરાંત તારીખ પ્રમાણે દર 27, July પર પણ કેમ ન ઉજવવો? હૃદયથી નજીક હોય એવો કોઈ પ્રસંગ કે ઘટનાની તારીખ સાંભરે પણ તિથિ વિસરાઈ જાય તો આપણો જીવ બળવો જોઈએ. મારો જીવ તો બળે છે.

માત્ર તારીખના ગુલામો કમનસીબ છે કે એ લોકો પોતાનો જન્મ વર્ષમાં એક જ વખત ઉજવી શકે છે અને દિવંગત વડીલને વર્ષમાં એક જ વખત યાદ કરે છે. હું ઈચ્છું કે હું રોજ સવારે કેલેન્ડર કે ‘ડટ્ટા’માં તારીખ અને તિથિ બંને જોઉં અને બંનેનો એકસરખો આદર કરતો રહું. હા, હું મારા મા-બાપના ફોટા પાસે દીવા-અગરબત્તી કરી આંખો બંધ કરી દિવંગતોને વર્ષમાં બે-બે વખત યાદ કરું છું. ચાલો, રામલલ્લાની જન્મ તારીખ શોધી કાઢીએ અને ભગવાનના જન્મની ‘પંજરી’નો પ્રસાદ વરસમાં બે વાર વહેંચીએ! Anupam Buch

અભિવ્યક્તિ -૧૮ -હોળી દર્શન…! -અનુપમ બુચ

હોળી દર્શન…!

બાળપણમાં બાંટવા ગામમાં ઊભા રહી ઋષિ કવિ રાજેન્દ્ર શુકલ ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજીના મંદિરના પ્રાંગણમાં પ્રગટતી હોળીના દર્શન કરતા. આ તરફ ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢમાં પણ એક સાથે સેંકડો હોળી પ્રગટતી. એ ક્ષણે જો ગૂગલ કેમેરા જૂનાગઢ ઉપર ઝળુંબતો હોય તો એક સાથે પ્રગટતી અસંખ્ય હોળીઓનું દ્રશ્ય દુનિયા આખી જોઈ શકે, સાહેબ!

આ દ્રશ્ય ન્યૂયોર્કના ટાઈમ સ્ક્વેરની નાતાલની રોશની કે સિડનીની આતશબાજી જેવું જ ઝળાંહળાં લાગતું હશે.

હોળીના દિવસે માંગનાથ મહાદેવના પૂજારી શ્રી મનુભાઈએ કાઢી રાખેલ મુહુર્ત ટાણે તેઓ ઊઘાડા અને ભીના પગલે વડફળિયાના હોળી ખાડે આવતા. આસપાસ ગોઠવાઈ ગયેલ અબાલ-વૃદ્ધ હાથ જોડે અને મનુભાઈ શ્રદ્ધાપૂર્વક હોળીની આરતી ઉતારે. સૌ શ્રધ્ધાળુઓ અને કેસૂડાના રંગે રમી થાકેલા ઘેરૈયાઓનું ધ્યાન હોળી ખાડા નજીક આવેલ ભવસુખભાઈ કચ્છીની અગાસી તરફ હોય. અગાસી પર અધ્ધર શ્વાસે ઉભેલ એક –બે ઉત્સાહી વ્યક્તિઓની નજર પૂર્વ દિશામાં અંધારાઘોર ગિરનાર તરફ હોય. અંબાજીના પ્રાંગણમાં પ્રગટતી હોળીના અગ્નિનું ટપકું દેખાય એટલે અગાસી ઉપરથી બૂમ પડે, “હોળી પ્રગટી છે ….!” થાળી વગાડે, પિત્તળની મીઠી ટકોરી વગડે અને જયના થાય.

અંબાજીનાં મંદિરમાં વર્ષ દરમ્યાન એકઠા થતા નાળીયેરના કાચલાં અને રેસા એક મોટા ખાડામાં એકઠા કરી સાચવી રાખ્યા હોય એ મુખ્ય આહૂતિ!

બસ, આ તરફ વડ ફળિયાની હોળી પ્રગટે ત્યારે ભવનાથની તળેટીથી લઇ, શાહપુર દરવાજા, મજેવડી દરવાજા અને છેક પલાંસવા સુધીના હોળી ખાડાઓની અગ્નિશિખાઓથી ધરતી ઝળહળી ઊઠી હોય. ઘરને તાળાં માર્યા વિના સૌ પોતપોતાના ફળિયાના હોળી ખાડે એકઠા થાય. કોઈ નાળિયેર પધરાવે, કોઈ ખજૂરનો બનાવેલો વીંછી પધરાવે, ધાણી-ખજૂરની આહુતિ આપી હોળીની પૂજા કરે.

અમે પણ અમારી નાની મુઠ્ઠી ભરેલી ધાણી હોળીની જ્વાળાઓમાં સ્વાહા કરતા. શું અમે અમારી ભૂલો ખાક કરતા હશું?

સૌભાગ્યવતી બહેનો ત્રાંબાના કળશાનું પાણી રેડતાં રેડાતાં હોળીની પ્રદક્ષિણા કરે. કોઈ નવજાત શિશુને દૂરથી હોળીની આંચ અપાવે, કોઈ પૈસા તો કોઈ નાળિયેર પધરાવે. કોઈ લાકડીના ટેકે ફેરા ફરતાં ફરતાં હોળીની ઝાળમાં શેકાતું આયખું ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ માંગે.

પીપળેશ્વર ફળિયામાં હોળી પ્રગટાવવા કોઈ દલિત અણસમજુ છોકરાને પાવલી (૪ આના) આપી ફોસલાવાનો રિવાજ હતો. કદાચ અમારા જેવા ઉજળિયાત જીવજંતુ બાળતાં ડરતા. કેવો અણસમજુ રિવાજ! ભલે ફળિયે ફળિયે હોળી પ્રગટાવવાના રિવાજ જુદા-જુદા પણ અનેક હોળીનું પ્રગટવું એ માહોલ જ જૂદો હતો, સાહેબ!

અમે વાંઝાવાડના ભેરુઓને રંગવા જતા, દોસ્તારના હાથે ‘કીલ’ અને ‘હિરાકાણી’થી રંગાતા. અમે મરેલા વાલમભાઈને દર વર્ષે સળગતી હોળીમાં પધરાવી દર વર્ષે જીવતા કરતા એ બધું હોળી ખાડે પૂર્ણ થતું. પછી તો અમે હોળીની રાતે મોડે સુધી ભૂતપ્રેતની વાતો કરતા. હવે તો બાળકમાં મામા જિન અને ડાકણનો ડર જ ક્યાં રહ્યો છે? ડરવાની પણ મજા મરી ગઈ. હોળીની લબકારા મારતી આગની સામે બેસી અમે ટગર ટગર જોઈ રહેતા. હોળીમાંથી લાકડીને છેડે ચોંટેલી રાખનું તિલક કરી અમે એક ઘામાં ફોડેલું ધુમાડાની સુગંધવાળું ‘ટોપરું’ ચાવતા.

બીજે દિ’ હોળીના ઊંડા ખાડામાં મૂકેલા માટીના કુંભમાં બફાયેલા ચણા-ઘઉંનો પ્રસાદ હજુ દાંત વચ્ચે ચગળતાં હોવાનો ભાસ થાય છે . વળતે દિ’ હોળી ખાડે ધગધગતી રાખ ઉપર પાણીના હાન્ડા મૂકાતા. ઈ હાન્ડામાં ઉકળતા પાણીથી નહાવાથી વરસમાં કોઈ હઠીલો રોગ ન થાય એવી માન્યતા હતી. એ બહાને ઘણા ઘરનાં ચૂલામાં લાકડા ઓછા બળતાં! બીજે દિ’ ધણી બહેનો હોળી ખાડે જાડું મીઠું શેકવા અધૂકડી બેસી જતી. કદાચ શિયાળો આખો ઠીકરું થઇ ગયેલ મીઠું તાજું થઇ જાય અને કોઠારમાં ખૂણામાં વીંછીકુંછી ન હોવાની ખાતરી થઇ જાય. એ શ્રધ્ધાના દ્રશ્યો આજે પણ આંખ ભીની કરે છે.Anupam Buch

હું દર વરસે હોળીને દિ’ અચૂક ગૂગલ અર્થ સર્ચ કરું છું. એકાદ હોળીની રાત્રે ઇન્ડિયાના નકશાની પશ્ચિમે કોઈ અલભ્ય ભડકા દેખાય તો જીવન ધન્ય થઇ જાય!

અભિવ્યક્તિ -૧૭-તિથિ’ તોરણમાં તારીખ!-અનુપમ બુચ

તિથી તોરણમાં તારીખ 
મારા બેડરૂમના સ્વિચબોર્ડ પર એક ‘તિથિ’તોરણ લટકે છે. હું રોજ સવારે ઊઠું ત્યારે મારી આંખો એ ‘તિથિ’તોરણ પર અચૂક પડે છે અને મારું પહેલું ધ્યાન ‘તારીખ’ પર પડે છે, ‘તિથિ’ની મને પડી નથી હોતી.
હું અમુક તારીખે ઓફિસ પહોંચું છું અને અમુક તારીખે બેંકમાં જાઉં છું. હું તારીખ પ્રમાણે જન્મુ છું અને તારીખને આધારે રિટાયર થાઉં છું. ખરેખર હું અંગ્રેજી તારીખ અને મહિના પ્રમાણે જીવું છું. છતાં જીવનમાં કેટલીય ક્ષણો, કેટલાય મુકામ એવા આવે છે કે જયારે મારે ‘તિથિ’તોરણમાં જોવું જ પડે છે, તિથિ જાણ્યા વિના ચાલતું નથી. તમે પણ કોઈને પૂછતા જ હશો, ‘આજે તિથિ કઈ થઈ?’ આપણે ભલે ડગલેને પગલે તારીખમાં જીવતા હોઈએ પણ તિથિ વિના ચાલતું નથી.
વર્ષો પહેલાં અમારા ઘરની પરસાળમાં એક પૂઠાંનું કેલેન્ડર લટકતું રહેતું. એ કેલેન્ડર પર ચાર-પાંચ વર્ષ માતાજી, ચાર-પાંચ વર્ષ શંકર ભગવાન તો ચાર-પાંચ વર્ષ રામનો રાજ્યાભિષેક અમારા પર કૃપા દ્રષ્ટિ કરતો. આહા! એક સમય હતો જ્યારે આવાં પૂંઠાંના કેલેન્ડરોથી ઘરની દિવાલો શોભતી! ત્યારે રામ-લક્ષ્મણ-જાનકી-હનુમાનજીના ચિત્રવાળું એક કેલેન્ડર દસ વરસ સુધી મોંઘા પોર્ટરેટની અદામાં લટકતું રહેતું અને એના પર પ્રતિ વર્ષ માત્ર ‘ડટ્ટા’ બદલાતા રહેતા.
પછી ગિફ્ટમાં આવેલાં મસમોટાં તારીખવાળાં કેલેન્ડર ડ્રોઈંગરૂમની ટેક્સચર્ડ વોલની શોભા બન્યા. કુદરતી દ્રશ્યોના કેલેન્ડર ડ્રોઈંગરૂમમાં અને હીરો-હિરોઈન કે અન્ય હોટ કેલેન્ડર્સ દાદા-દાદીથી દૂર બેડરૂમની દીવાલો પર લટકતાં થયાં જયારે તારીખ સાથે બે-ત્રણ ધર્મોની તિથિઓ છાપેલ ‘તિથિ’તોરણ પૂજારૂમમાં કે રસોડાનાના સ્વિચ બોર્ડ ટીંગાતાં થયાં.
ધર્મ ગમે તે હોય, તિથિ એટલે ધર્મ હોવાનું આધારકાર્ડ!
આપણને જન્મતિથિ કે લગ્નતિથિ અને વડીલોની મૃત્યુતિથિ જોવા ‘તિથિ’તોરણ વિના ચાલતું નથી. અપણા જીવનના મહત્વના પ્રસંગો માટે આપણે તિથિનો આધાર લઈએ છીએ. આપણે સભાન થઈ પૂછીએ છીએ કે ‘તારીખ જે હોય તે, તિથિ કઈ આવે છે?’ નવા ઘરમાં કુંભ મૂકવો છે? તિથિ જોવાની, લગ્ન લેવા છે? જૂઓ તિથિ. અમુક ત્રીજ, ચોથ, છઠ્ઠ, અગિયારસ ને પૂનમ માસ માટે ખાસ બની ગયેલ છે. કેમ દશેરાએ સૌથી વધુ ગાડીઓ છોડાવાય છે? કેમ સૌથી વધુ સોનાની લગડીઓ પૂષ્ય નક્ષત્રમાં ખરીદાય છે? શુભ તિથિ વિના સારાં કામ કરતાં આપણે ડરીએ છીએ. આપણે માટે શુભ તિથિ વિનાનો દિવસ અશુભ છે એવી ભીરૂતામાં જીવવું આપણને કોઠે પડી ગયું છે. આપણે ગમે તેટલા સુધારાવાદી હોઈએ, આપણને શાસ્ત્રોથી છેડો ફાડતાં ડર લાગે છે. હૃદયથી નજીક હોય એવા કોઈ પણ સારા કે માઠા પ્રસંગની તારીખ યાદ હોય પણ તિથિ વિસરાઈ જાય ત્યારે આપણો જીવ બળે છે. કંઇક તો છે તિથિમાં.
કૃષ્ણ ભગવાન શ્રાવણ વદ આઠમને દિ’ કારાવાસમાં ‘છાના’ જન્મ્યા’તા. ત્યારે નહોતાં ઢોલ-ત્રાંસા વગડ્યાં કે નહોતાં ટોડલે તોરણ બંધાયાં. કૃષ્ણભગવાનની જન્મતિથિ મને બરાબર ખબર છે પણ ભગવાનની જન્મ તારીખ જાણવા હું ગુગલમહારાજને શરણે જાઉં છું તો એ કહે છે, ‘કાનુડો 27July, 3112 BCEના રોજ જન્મ્યો’તો!’ ઇન્ટરેસ્ટિંગ!
ઊંડા મનોમંથનને અંતે મને તારીખ અને તિથિની ભેળસેળ ગમવા લાગી છે. માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મૃત્યુ પામે છે છતાં તારીખ અને તિથિ એમ બન્ને દિવસો યાદ કરાય એનાથી વધુ રૂડું શું? બે વખત મેરેજ એનિવર્સરી ઉજવાય એમાં ખોટું શું છે? હું તો કહું છું કે શાસ્ત્રો અને સશોધાકોના તારણને માન આપીને કૃષ્ણજન્મ ગોકુલઅષ્ટમી ઉપરાંત તારીખ પ્રમાણે દર 27, July પર પણ કેમ ન ઉજવવો? કોઈ દિવંગત વડીલને વર્ષમાં બે વખત પુષ્પાંજલિ કરાય તો કેવું મજાનું?
મને લાગે છે કે મારે રોજ સવારે ‘તિથિ’તોરણમાં કે ‘ડટ્ટા’માં તારીખ અને તિથિ બન્ને જોવાં જોઈએ, મને યાદ પણ રહેવાં જોઈએ. મને ‘ડિસેમ્બર’ જ નહિ, ‘માગસર’ મહિનો પણ ચાલે છે એ ખબર હોવી જોઈએ. આપણે રામલલ્લાની જન્મ તારીખ શોધી કાઢવી જોઈએ અને ભગવાનના જન્મની ‘પંજરી’નો પ્રસાદ વરસમાં બે વાર વહેંચવો જોઈએ!Anupam Buch
ચાલો, આપણે પાસપોર્ટની તારીખમાં જ નહિ, વિધિના લેખ લખાયા એ તિથિમાં પણ જીવીએ!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૬-ખુલ્લું તાળું.-અનુપમ બુચ

ખુલ્લું તાળું.

આજે મને ઘર-ઘરનું ખુલ્લું અને અદ્રશ્ય તાળું યાદ આવ્યું અને ગામની ભૂલાતી જતી ડેલીએ ડેલીએ ઉલાળા ખોલવા મારા પગ દોડ્યા. પ્હો ફાટે ત્યારથી મોડી રાત સુધી ડેલીનાં એ બારણાં અંદરથી બંધ છતાં બહારથી ખુલ્લાં જ રહેતાં! અમે એ લોક સિસ્ટમને ઉલાળો કહેતા. ઉલાળાના લાકડાનો હાથો બહારથી કલોક વાઈઝ ઘુમાવો અને બારણાને સ્હેજ ઠેલો મારો એટલે તમે અંદર! પાછા ફરો ત્યારે પણ બારણાં બંધ કરીને આગળિયો એન્ટી-કલોકવાઈઝ ઘુમાવો એટલે બારણાં બંધ.

હા, બપોરે અંદરથી દોઢ-બે કલાક પૂરતી ત્રણ કડીની સાંકળ બંધ થાય ખરી. જો કે અમારા ગામની બપોર પણ અડધી રાત જેવી સૂમસામ રહેતીને! દિવસ આખો ખોલ-બંધ થતા ઉલાળાને ત્યારે આરામ મળતો. હા પણ ઉલાળો ચીવટપૂર્વક બંધ કરવાના વણલખ્યા કાયદાનું ચુસ્તપણે પાલન કરતુ. પછી એ ઘરની વ્યક્તિ હોય કે કોઈ આગંતુક. ઉલાળો ખુલ્લો ન રહી જાય એની કાળજી લેતાં ફોઈ કે દાદીની નજર ઉલાળા તરફ તાળાંની જેમ જકડાયેલ રહેતી. અંદર હોય તો કાન ઉલાળાના અવાજ તરફ જ મંડાયેલ રહેતા. એ સતેજ વડીલોની ટકોર મને આજે પણ કાનમાં પડઘાય છે. ‘એ…ઉલાળો બંધ કરજે, હોં ભાઈ!’

કોઈ વાર એવું પણ બને કે ઉલાળો ખુલ્લો રહી જાય ત્યારે અધખૂલ્લા બારણાં મુસીબત પણ નોતરે. કોઈ વાર ગાય બારણાં પર ‘ધીંક’ મારીને ડેલીમાં ઘૂસી જાય ત્યારે જોયા જેવી થાય. પછી આંગણા સુધી ઘૂસી ગયેલી એ ગાયને કુંડીમાંથી પાણી ભરી હથેળીએ છાલક મારી ભગાડવી પડતી. કોઈ વાર કોઈ ‘માંગણ’ પણ અધખૂલું બારણું જોઈને ડેલીમાં ઘૂસી પણ જતો. બસ, પછી ‘કોર્ટ માર્શલ’ શરૂ! ‘કોણ ઉલાળો બંધ કરવાનું ભૂલી ગયું’તું?’ એ વાતનું ઇન્વેસ્ટીગેશન ચાલે. ખરું ચોર તો ક્રિકેટ રમવા દોડી ગયેલું બેદરકાર બાળક જ હોય પણ પછી ટપાલી ઉપર દોષનો ટોપલો ઢોળાય.

મારા એક મિત્રના ઘરનો ઉલાળો ખોલ-બંધ કરો ત્યારે એ બારણાંની અંદર બાંધેલી પિત્તળની ઘંટડી રણકતી. કેવું મ્યુઝિકલ ‘આવો-આવજો’!

હા, આ ઘરમાં ઉલાળાના અવાજ ઓળખનારા પણ મોજૂદ હતા. સવારે કે સાંજે ખૂલતા અને વહેલી બપોરે ખૂલતા ઉલાળાના અવાજમાં ફેર ખરો. આઠમા ધોરણનું ‘ફુલ્લી પાસ’નું રિઝલ્ટ લઇને દોડીને ખોલાતા ઉલાળામાં હોંશનો મોટો અવાજ હોય. કોઈ માઠા સમાચાર આપવા ખોલાતા ઉલાળાના અવાજમાં નરમાશ હોય. ઉલાળો દીકરીએ ખોલ્યો કે સાંજે પિયરથી ઘેર પાછી આવેલી વહુએ ખોલ્યો એ ખબર પડી જાય. વહુએ ખોલેલ ઉલાળાના અવાજમાં વિવેક હોય. દીકરીએ ખોલેલ ઉલળાના અવાજમાં બેફિકરાઈ હોય!

દરેક વખતે ઉલાળાનો અવાજ પારખતા કાન ડેલી તરફ મંડાતા. પૂછવું જ ના પડે કે કોણ આવ્યું અને કોણ ગયું! ઠાકોરજીની પૂજામાં બેઠેલ માજીની આંખો ભલે બંધ હોય, દાદાના પગ હિંચકાને ભલે ઠેલા મારતા હોય, આગંતુકને ઘણુંખરું ઓળખી જ જાય. કોઈ વાર ઉલાળો ખોલાયા પછી ડેલીમાંથી વિવેક પૂરતો ટહુકો આવે, “કાકી, આવું અંદર?” પણ કાકીને ખબર પડી જ જાય કે રોજ ઓફિસેથી પાછા ફરતાં ડોકું કાઢતો ભીખુ જ હશે.

આ બારણાં પાસે ક્યાં કોઈ ડોરબેલનું બટન હતું? બારણાં તો જ ખખડાવવા પડે જો તમે ક-ટાણે આવો તો જ. હવે તો બારણાંની વચ્ચે ફીટ થયેલી ‘આઈ’માં જોઈને, સેફટી લેચ ભરાવીને બારણાં ખોલતો સિક્યોરીટી સિસ્ટમનો ગુલામ માણસ ઉલાળા કે આગળિયાની કલ્પના જ ક્યાંથી કરી શકે? એવો પણ સમય હતો જ્યારે ‘તું જરાક ઠેલો મારી જો’ જેવો ખુલ્લો આવકાર આપતા ઉલાળા હતા, કોણ માનશે?

‘ડેલીએથી પાછા મા વળજો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં હો જી રે…’ પંક્તિમાં ‘ઠાલાં દીધેલાં’ બારણાના ઉલાળાનો અવાજ સાંભળવા જ રાધાએ કાન સરવા રાખ્યા હશે ને!

અનુપમ બુચ

અભિવ્યક્તિ -૧૫-‘પાટિયાસન’-અનુપમ બુચ

‘પાટિયાસન’
યોગગુરુ બી.કે.એસ.આયંગરના યોગશાસ્ત્રમાં આ યોગાસનનો ઉલ્લેખ નથી. યોગ એક્સપર્ટ બાબા રામદેવને પણ આ આસનની ફાવટ હોવા અંગે અમને શંકા છે. આ આસનમાં કૌશલ્ય મેળવવું એ જેવાતેવાનું તો કામ જ નથી. કોઈ પણ ગુજરાતીને અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રહીશને બાપ-દાદાઓ પાસેથી હસ્તગત થયેલ રહેણીકરણી અને એશોઆરામનો ભવ્ય વારસો એટલે ‘પાટિયાસન.’
હવામાં લટકતા ડાબા પગની સાથળ નીચે જમણા પગનો પંજો દબાવી, ટટ્ટાર શરીરે જમીનથી ત્રણ ફૂટ અધ્ધર, એક પછી એક પગ બદલતાં, કલાકો સુધી અર્ધ-પલાંઠી મારી હીંચકતા રહેવું એ યોગનો ભવ્ય પ્રકાર છે.
જીવનભર ચાલતી ‘પટિયાસન’ની યોગમુદ્રામાં જ્યારે ધ્યાનભંગ થાય ત્યારે સમજો એ સદગ્રસ્થનું પેન્શન પણ બંધ થાય. આવા દૈવી યોગસનને ‘અનન્યાસન’ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી.
‘પાટિયાસન’ અન્ય યોગસનોથી અલગ ઓળખ ધરાવે છે. આ આસન કરવા માટે ‘યોગ મેટ’નો રોલ બગલમાં ભરાવીને ફરવાની જરૂર નથી. એ માટે તમારી પાસે પેઢી દર પેઢીથી વપરાતું, લોખંડના વળી ગયેલા આકડામાં ભરાવેલ હવામાં ઝૂલતું, ટેકા વિનાનું, લાકડાનું સપાટ પાટિયું હોવું જરૂરી છે. ચાર-પાંચ પેઢીથી, સેંકડો શિયાળા, ઊનાળા અને ચોમાસાં સહીને કોઈ નિસ્તેજ બુઝર્ગની કમરની જેમ વચ્ચેથી નમેલું છતાં અડીખમ! ન કોઈ ટેકો કે ન કોઈ કઠેડો. બે પહોળાં લાકડાંના પાટિયાં અને બે લાકડાના ધોકામાં લોખંડના છ ખીલ્લા ઠોકી બનાવેલ પાટિયું એટલે ‘પાટિયાસન’ માટે ઉત્તમ બેઠક. જમીનથી અધ્ધર બેસી એક પગથી સેલારા મારતાં આવો નિજાનંદ માણતા અમારા સ્થિતપ્રજ્ઞ વડીલ સદગ્રહસ્થોને આજે મનોમન નમન કરવાનું મન થાય છે.
‘પાટિયાસન’ એક દિર્ઘાસન છે. હા, અનુલોમ વિલોમ, ભુજંગાસન કે પવનમુક્તાસનનો સમય સેકન્ડો અને મિનિટોમાં મપાતો હશે. ‘પાટિયાસન’ એક કલાકથી લઈને સાડાત્રણ-ચાર કલાક સુધી સતત ચાલતું રહે એવું યોગાસન છે. વચ્ચે વચ્ચે પૂર્ણ પલાંઠી વાળવાની છૂટ હોય છે ખરી પણ બોચીથી બેઠકના ભાગ સુધી ટટ્ટાર રહેવું ફરજિયાત હોય છે.
સાવધાન! ‘પાટિયાસન’ને કામધંધા વિનાના લોકોનું આસન કહીને મશ્કરી કરવી એ યોગશાસ્ત્રનું અપમાન છે. ‘પાટિયાસન’થી થતા સાચા શારીરિક, માનસિક, સામાજિક લાભનો તો વિચાર કરો.
શારીરિક લાભ જગજાહેર છે. બંને પગનાં પંજાનો જમીન સાથે થતો સ્પર્શ શરીરમાં ઊર્જાનો ગજબ સંચાર કરે છે. સેલારા મારતી વખતે બન્ને પગના અંગૂઠાનાં દબાતાં ‘પોઈન્ટ’ આરોગ્ય માટે ચોક્કસ લાભદાયી હશે જ. બન્ને પગને મળતી કસરતથી સાથળો માંસલ બને છે અને અને પગની ઢાંકણીઓનું ‘ઓઈલીંગ’ થાય છે. ઢાંકણીના દુઃખાવાની ફરિયાદ અને ની-રિપ્લેસમેન્ટના ખર્ચા અને ધજાગરા તો હવે ફરકતા થયા.
‘પાટિયાસન’થી થતા સામાજિક લાભ પણ સલામ કરાવી પડે. ઘરમાં કોઈને નડ્યા વિના કલાકો સુધી બેસી રહેતા વડીલો કુટુંબની સાચી સેવા કરે છે. ઘરમાં વચ્ચોવચ્ચ બેસીને રડારની જેમ ઘરનું મોનીટરિંગ કરવું એ પણ દુર્ગુણ નહીં, એક સદગુણ છે. કૌટુંબિક પ્રશ્નો, સલાહ સૂચનો માટે હાજર હોવું એ ‘ચંચુપાત’ નથી. ‘હનુમાન ચાલીસા, સાંઈચાલીસા, માતાજીના ગરબા, કે શિવમહિમ્ન આંખો બંધ કરીને કડકડાટ બોલવાનો લાભ પાટિયા પર જ મળે. તમે જ કહો, પાટિયાસન’થી મળતી પરમ શાંતિ કોઈ મંદિર-મસ્જીદ-અપસરા કે ગુરુદ્વારામાં મળે ખરી?
‘પાટિયાસન’ એટલે અદભૂત મનોરંજન અને નિજાનંદનો મહાસાગર! સાયગલ-રફી-મન્નાડે-કિશોર કુમાર-લતાજી-આશાજીના ગીતો લલકારવાં કે ગણગણવાં. હથેળી અને આંગળીઓનાં ટેરવાંથી રિધમ આપવી અને ભૂતકાળમાં સેર કરવી! મન કેવું પ્રસન્ન અને પ્રફુલ્લિત થાય!Anupam Buch
મોટા બંગલાઓમાં કે શિપમેન્ટ દ્વારા સેકડો ડોલર ખર્ચીને ટીંગાડાતાં પિત્તળની નકશીદાર સાંકળોથી શોભતાં પાટિયાં પર એકલતાને ઠેલા મારતાં કોઈ એકલ-ડીકલ કે કપલ આપણો આ અમર વારસો સાચવે છે.
હું તો એવા દ્રશ્યની કલ્પના કરું છું કે લાલ કિલ્લા સામેના વિશાળ મેદાનમાં બાંધેલ શામિયાણામાં સેંકડો પાટિયાં બાંધ્યાં છે અને સતત એક કલાક સુધી યોગ વાંછુઓ ‘પાટિયાસન’ કરે છે અને દૂનિયાભરની ચેનલોમાં એનું જીવંત પ્રસારણ થાય છે!
અનુપમ બુચ