હ્યુમન માઇકોલોજી
મણસે માઇકની શોધ કરીને ઈશ્વરને પણ આશ્ચાર્યચકિત કર્યા છે. દેવોની સભામાં જ્યારે જ્યારે આ મુદ્દે ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે દરેક દેવતાઓ માઇકની શોધ કરવા બદલ માણસનાં વખાણ કરતાં થાકતા નથી હોતા.
‘લાઇટ એન્ડ સાઉન્ડ’ના દેવ તો વિના સંકોચ કબૂલે છે કે, માણસ ઈશ્વરને ઓળખવામાં સદીઓથી થાપ ખાતો આવ્યો હશે, પણ માઇક શોધાયા પછી માણસને ઓળખવાનું અત્યંત કપરું કામ દેવતાઓ માટે ખૂબ સરળ થઈ ગયું છે.
ઊંડાણથી વિચારો. માઇક એટલે આપણામાં મૌન બેઠેલા માહ્યલાનો પડઘો.
કોઈ એવા છે જે માઇકથી સખત ડરતા હોય છે. માઇક જાણે સળગતું લાકડું હોય એમ આઘા જ ભાગતા હોય છે. માઇક હાથમાં પકડાવો તો હોંઠ ધ્રૂજવા લાગે, હાર્ટબીટ વધી જાય. કેટલાક વળી એવા હોય છે જેમની સામે તમે માઇક ધરો તો કોઈએ અચાનક છરો બતાડ્યો હોય એવા હાવભાવ એમના ચહેરા પર આવી જતા હોય છે. કેટલાકને તો માઇક જોઈને તરત જ શરમનાં શેરડા પડવા લાગે છે. એમના તરફ તમે માઇક ધરો તો એમ પાછું ઠેલે કે પોતે જાણે સોળ વરસની કુંવારી કન્યા ન હોય! એમની હથેલી પાણી પાણી થઇ જાય અને આંખોમાં મીઠો ગભરાટ ચળકી ઊઠતો હોય છે.
કેટલાક વળી માઇકને જન્મથી ધિક્કારતા હોય એમ માઇકથી મોઢું ફેરવી લેતા હોય છે. બહુ આગ્રહ કરો તો ચિડાઈ જાય. કેટલાક લોકોને માઇકમાં બોલવાની ઈચ્છા તો હોય પણ હિંમત ન હોય. સાંભળનારા શું કહેશે? હાંસી ઉડાવશે તો?’ ‘અવાજ સારો નહિ લાગે તો?’ આવી આવી મૂંઝવણ અનુભવતાં ‘દ્રાક્ષ ખાટી છે’ જેવું વલણ બતાવી છટકી જતા હોય છે.
આ બધા ભીરુ, શંકાશીલ, શરમાળ, પૂર્વગ્રહવાળા કે માઇકથી અકળાતા લોકો વચ્ચે સાવ અલગ તરી આવતો એક વર્ગ છે, જેના પર દેવોને પણ ભરપૂર માન છે. ‘માઇકઘેલા’. માઇક જોતાં જ એમના મોઢામાં પાણી છૂટતાં હોય છે, જાણે ખસખસ ભભરાવેલ લાડુ જોયો ન હોય! માઇક મળે તો આવા લોકોને શેર લોહી ચઢે. આવા માઇકપ્રિયજનોનો આત્મવિશ્વાસ જ જૂદો હોય છે.
આમાંના કેટલાક સભાન હોય છે કે એમનું ગળું મીઠું છે. પછી શું? પોતાનો મધમીઠો અવાજ સંભળાવવા, શ્રોતાઓને અભિભૂત કરવા હરઘડી તત્પર જ હોય છે. માઈક હાથમાં આવ્યાની જ વાર!
અલબત્ત, ‘માઇકપ્રિય’ અને ‘માઇકભૂરાયા’ વચ્ચે મોટો ભેદ છે.
‘માઇકપ્રિય’ માઇક માંગે, ‘માઇકભૂરાયો’ માઇક ઝોંટે. ‘માઇકભૂરાયો’ માઇક જોઈને ગાંડો થઈ જતો હોય છે. ઝાલ્યો ઝાલાય નહિ! પછી ભલેને બોલવામાં કે અવાજમાં ઠેકાણું ન હોય! એમનું બોડી લેન્ગવેજ જ ચાડી ફૂંકી દે કે, ‘ક્યારે માઇક હાથમાં આવે ને ક્યારે હું આખેઆખું માઇક ગળી જાઉં!’ આવા માઇકેશ્વરોનાં ઘરનાં ઠાકોરજીમાં કદાચ રોજ માઉથ-પીસ પર કંકુ-ચોખા-તિલક થતાં હોય તો નવાઈ નહિ!
માઇકની દૂનિયામાં કરાઓકે! Karaoke! OMG! માઇકના આ પ્રકારે તો માઝા મૂકી છે. (થોડું-ઘણું સારું કે ઠીક ગાતાં હોય એમણે માઠું લગાડવું નહિ!) કરાઓકે માટે દેવતાઓ વિસ્મિત પણ છે અને ચિંતિત પણ છે.
તૈયાર મ્યુઝિક ટ્રેક સાથે હાથમાં માઇક લઈ ગાતાં ગાતાં ડોલનારાઓનો આ નવોનક્કોર સમૂહ વૈશ્વિક નાગરિકત્વ ધરાવે છે. મૂંગી ફિલ્મો પછી ગીત-સંગીતવાળી પહેલી ફિલ્મના ગીતથી લઈને આજ સુધીના ગીતો આવડે! હું તો માનું છું કે એક એવાં દેશનું સર્જન કરવું જોઈએ જ્યાં ‘કરાઓકે ક્રેઝી માઇક લવર્સ’ દિવસ-રાત, જે ગાવું હોત એ બે-રોકટોક ગાયા કરેAnupam Buch
સાચું પૂછો તો મને કરાઓકેપ્રિય ‘માઇકભક્તો’નો નિજાનંદ ગમે છે. કેવા નિખાલસ, નિ:સંકોચ ગાયકો! પરદેશના કોઈ હાઉસના બેઝમેન્ટમાં ગણ્યાં-ગાંઠ્યાં લોકો વચ્ચે લેપટોપ સામે માઇક પકડી ઝૂમતા કે પછી ખાલી એપાર્ટમેન્ટમાં અટૂલા કોઈ કરાઓકે ચાહકને દિલ ખોલી ફિલ્મી ગીતો ગાતાં જોઉં છું ત્યારે મારું મન ભરાઈ આવે છે. એક માઇક એમને ભીતરનો અવાજ ઉલેચવાનો કેવો મજાનો મોકો આપે છે!
માત્ર ગીત-સૂર-સંગીત જ કેમ? એક માઇકે ઘેરા અવાજવાળા ઉપદેશકો અને પ્રભાવશાળી વિચાર ઘરાવતા મોટીવેટરોને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે! માઇકને લીધે તો પોલિટિકસ વીજળી વેગે પાંગરતું રહ્યું છે. અરે, હજારો વોટ કે ડોલ્બી સાઉન્ડમાં માર્ક એન્ટની સ્પીચ સાંભળવાની કલ્પના માત્ર મારા ધબકારા વધારી દે છે!
અવાજ મીઠો હોય કે કર્કશ, માણસના મન-હૃદયનો પડઘો કોણ પાડે? માઈક.