હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 29)આજના કરોના કાળમાં મેઘાણી !આ મહીને ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મ જયંતિ આવે છે. જે વ્યક્તિને આ પૃથ્વી પરથી વિદાયને લગભગ પોણી સદી વીતી ગઈ હોય , જેણે માત્ર અર્ધી સદીનું જ આયુષ્ય ભોગવ્યું હોય , જેણે માત્ર પા સદી જ સાહિત્ય સર્જન કર્યું હોય , અને એટલા અલ્પ કાળમાં જે ગુજરાતની ભૂમિની આંગળીને વેઢે ગણાય એટલી મહત્વની પ્રતિભાઓમાં સ્થાન પ્રાપ્ત કરે, એ વ્યક્તિની એ સફળતા માટે બે ઘડી વિચારવાનું મન થાય છે.
શું હતું મેઘાણીમાં જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ ?
ગુજરાતમાં જ નહીં વિશ્વમાં વસેલ પ્રત્યેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીને એક યા બીજી રીતે જરૂર ઓળખે છે . તેમનાં કાવ્યો – ગીતો , હાલરડાં , ગરબા , શૌર્ય ગીતો , કે પછી તેમની બાલ વાર્તાઓ , તેમની લોકસાહિત્યને ઉજાગર કરતી સોરઠી વાર્તાઓ – બહારવટિયાઓની વાતો કે એમની વ્રત કથાઓ કે ગાંધીજીના રંગે રંગાયેલ સામાન્ય માનવીની અસામાન્ય વાતો ! ક્યાંક , ક્યારેક આપણે એમને વાંચ્યા છે , સાંભળ્યા છે ! એ સાહિત્ય એમને શાશ્વતતા બક્ષે છે .
વિશ્વનાં સાહિત્યકારો વિષે અભ્યાસ કરવો અને તેઓમાં રહેલ કાંઈક ‘ વિશિષ્ટ ‘ તત્વ ઉપર પ્રકાશ પાથરીને લોકો સમક્ષ પિરસવાનો ઉમદા ચીલો એ આજના યુગની દેણ છે . ગુગલ અને અન્ય સર્ચ એન્જીનને લીધે આવી માહિતી સોસ્યલ મીડિયા ઉપર સહેલાઈથી વહેતી થઇ શકી છે !ને તેથી જ આજે મેઘાણી જન્મ જયંતી મહિને તેમના એ સાહિત્ય સર્જનનું એ ‘ વિશિષ્ટપણું ‘ શોધવાનો અત્રે પ્રયાસ કરીએ!
એક નાનકડી પચાસ પાનાંની પુસ્તિકા છે. ‘ઝવેરચંદ મેઘાણી સાથે વાંચન યાત્રા’ [ સંપાદન તેમના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણી નું છે ] એમાં પ્રસ્તાવનાનમાં પ્રકાશક લખે છે કે સમયનો અભાવ હોય અને વાંચવાની રુચિ ઓછી હોય તો યે સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવાય તે ધ્યાનમાં રાખીને આવી નાની નાની પુસ્તિકાઓ મહેન્દ્ર મેઘાણી પ્રગટ કરી રહ્યા છે . જે તે સાહિત્યકારનો સંક્ષેપ્તમાં પરિચય અને તેમની કૃતિઓ વિષે આછેરો પરિચય આ પુસ્તિકાઓ કરાવે છે .
સ્વાભાવિક રીતે જ ઝવેરચંદ મેઘાણી ઉપરની આ ૫૦ પાનાંની પુસ્તિકા મારા માટે એક મહત્વની કડી બની જાય ! કારણકે મેઘાણી ઉપરનાં એમના વિષે લખાયેલ અને એમણે લખેલ મહત્વનાં પ્રસંગોનું આચમન આ પુસ્તકમાં કરાવ્યું છે .
‘ મારી સર્જનકલા’ પ્રકરણમાં ઝવેરચંદ મેઘાણીએ લખેલ પ્રત્યેક શબ્દ વાચક મિત્રો , આપણને સૌને એમને સમજવા અને વધુ તો એમની જેમ લખવાનું ઇચ્છતાં સૌ સર્જકને પ્રેરણા રૂપ થશે તેમાં કોઈ જ શંકા નથી . એટલે એ વિષે ઉલ્લેખ કરું છું . આજે કરોના કાળમાં ઘેર બેસીને વાંચવા લખવાનો સમય હોય તેમને પ્રેરણા મળે એ જ હેતુ રહેલો છે .
કેવા કપરા , વિચિત્ર સંજોગોમાં પણ આ ‘શબ્દનો સોદાગર’ સાહિત્ય અને સમાજ માટે શબ્દોનો અલૌકિક સોદો કરતો હતો , સરસ્વતીની ઉપાસના કરતો હતો ! આજના યુગમાં એ વાંચતાંય અનુકંપા જન્મે એવું આ વર્ણન જુઓ :
મેઘાણી લખે છે:
“દિલ કોઈ ફૂલ ગુલાબી વાતાવરણમાં ડોલતું , મસ્ત બની ગયું હોય તો જ લખાય તેવું મેં ક્યારેય અનુભવ્યું નથી . બોટાદની અસહ્ય ગરમી , અને એક બાળકને શીતળામાતાએ વાળે વાળ શૂળ પરોવ્યા છે ,એના પાણીપેશાબની મિનિટ મિનિટની હાજતોની સંભાળ, પત્નીની માંદગી, વહેલા ઉઠી ચૂલો ફૂંકવાનો ,ધુંધવાતા છાણાંનો ધુમાડો જાણે આંખોનાં પાણી બરછીઓ મારી મારીને કાઢતો હોય, મારા પોતાના હરસના દર્દની કાળી વેદના, બીજાં નાનાં બાળકોનાં હાથધોણા, એમને પખાળવાં, ને એમનો ઝાડો ઉપાડવાની પણ ચાલુ સ્થિતિ , રાત્રિઓના ઉજાગરા , અને બીજી અનેક સાંસારિક જંજાળોની હૈયું શોષતી જટિલતાઓ ! અને આ બધાની વચ્ચેથી થોડી મિનિટો ઝડપીને હું ટાગોરની કાવ્યસમૃધ્ધિનું ભાષાંતર કર્યે જાઉં .. ક્યાં પસ પરુ અને વિષ્ટા ? અને ક્યાં રવીન્રનાથનાં કાવ્યોનાં કાવ્યોનાં ગુલાબ ? ‘
મેઘાણી લખે છે ,
‘આ બન્ને પડખો પડખઅને અડોઅડ ! પણ માં શારદાએ સૂગ ચઢાવી નથી , એ તો મા છે ! એ તો માંગે છે દિલના સચ્ચાઈ પૂર્વકના અતૃટ પરિશ્રમને !’
હા , મેઘાણીએ કહેલી આ વાત આજે પણ એટલી જ સત્ય છે ! અથાગ પરિશ્રમ.
સાહિત્ય સર્જન માટે હિલ સ્ટેશને જવું જરૂરી નથી . ઝવેરચંદ મેઘાણીએ આગળ લખ્યું છે : હા , પરિશ્રમ મહત્વનો છે ; સસ્તે ભાવે જે તે ઢસળી નાખવામાં એ નથી માનતા . “ જાહેર સંસ્થાઓની વાંઝણી કડાકૂટ ,મોખરે સ્થાન મેળવવાની મહત્વકાંક્ષા , અને બંધારણ અને વાદ વાડાઓના ઝગડા એ બધાથી દૂર રહીને સાહિત્યની તપશ્ચર્યા કરી છે !’
જો કે જયારે હું આ લખું છું ત્યારે એમણે ચાલતી કલમે લખેલ લેખો પણ મારી સ્મૃતિને ઢંઢોળે છે . એ લખે છે ,” કેટલીક વાર દર અઠવાડીએ છેલ્લા કલાકોમાં , હફતો પડવા ના દેવાય એ વિચારે લખાયું છે . એમની બહુ પ્રસંશા પામેલ ‘વેવિશાળ ‘ અને ‘તુલસી ક્યારો ‘નવલકથાઓ આવી રીતે જ લખાયેલી , ને વાચકોની પ્રશંશા પામેલી . એમની એક કૃતિ ‘ ઝંખના’ જેને બ ક ઠાકોર જેવા સાહિત્યકાર , વિવેચકે વખાણેલી તે વિષે મેઘાણીએ લખ્યું હતું કે ‘સૌરાષ્ટ્ર ‘ અઠવાડિક મેગેઝીન માટે છેલ્લી દશ મિનિટમાં કાંઈજ છેક છાક કર્યા વિના લખી અને પ્રિન્ટીંગમાં મૂકી દીધી હતી!

પ્રિય વાચક મિત્રો ! અહીં આપણને મેઘાણી જેવી મહાન વ્યક્તિના જીવનનું સરળ નિખાલશ પાસું દેખાય છે ! કેવી સહજ રીતે એ પોતાની અંતરની વાત વાચક આગળ રજૂ કરે છે ? એ પોતાના મનના વિચારો અને સંઘર્ષ પણ જણાવે છે :
‘ લખવાનું શરૂ કરું ત્યારે મનોદશા અત્યન્ત અકળાવનારી હોય છે . ચેન પડે નહીં , અને લખવાની ફરજમાંથી છટકી જવાની ઈચ્છા થાય . લખવાના આ વ્યવસાયનેય મનમાં ગાળો ભાંડી લઉં. … પણ આજે મારી એ કૃતિઓ વાંચતા વિસ્મય પામું છું કે આવી સુંદર દ્રષ્ટિ મને કોને સુઝાડી હશે ?’
જો કે આપણાં જેવા નવા નિશાળિયાઓને એક સાચી શિખામણ કે દિલની વાત પણ કહે છે કે ; “અકસ્માતો સર્જનની સૃષ્ટિમાં કઈ એમ ને એમ સર્જાતા નથી , પ્રેરણા કાંઈ એકાએક અજવાળાં કરી આપતી નથી . એ તો પુષ્પના ખીલવાની જેમ , પ્રકૃતિના તાલબદ્ધ નિયમબધ્ધ મહાપ્રયત્નને જ આધીન હોય છે .
મેઘાણીએ જે પણ લખ્યું તે એમની કલમની તાકાત હતી , એમના અનુભવોનો અમૂલ્ય ખજાનો હતો , એમના ઉછેર , એમના સંસ્કાર અને દેશ માટે , સમાજ માટે , પીડિત અને દલિત વર્ગ માટે કરી છૂટવાની ઉદ્દાત્ત ભાવનાનો પરિપાક હતો .
તમને ખબર છે ને કે જે કાવ્ય ‘ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ’ એમણે ગાંધીજી જયારે ઇંગ્લેન્ડ ગોળમેજી પરિષદ માટે જતા હતા ત્યારે લખ્યું હતું તે માટે ગાંધીજીએ કહ્યું હતું કે ,’એમાં મારાં મનની સ્થિતિ આબેહૂબ ચૈત્રી છે ! ‘ એ જ વહાણમાં એક સંત પણ પ્રવાસ કરી રહ્યા હતા એમણે ગાંધીજીને સલાહ આપી હતી કે તમે આ દેશ કે જે ગુલામીમાં સદીઓથી સબડે છે તેને બદલવા વ્યર્થ કોશિશ ના કરો , એમને એમના કર્મોનું ફળ ભોગવવા દો. કૂતરાની પૂંછડી વાંકી જ રહેવાની . ગાંધીજે એ લખ્યું છે કે ‘એ કહેવાતા સંતની વાત સાંભળીને મને ખુબ દુઃખ થયું . ‘ એ સમાજ જયારે બધું “ દ્રષ્ટા” બનીને બધું જોઈ રહ્યો હતો અને પાંડિત્યની મોટી મોટી વાતો કરતો હતો ને દિવ્ય ભૂતકાળની મિથ્યા વાતોમાં રાચતો હતો ત્યારે મેઘાણીએ ચાલતી કલમે રાત દિવસ દરિદ્ર નારાયણ માટે લખ્યું છે અને ગુજરાતને ગાંધીયુગમાં આઝાદીનો રંગ લગાડ્યો છે ! દેશની આઝાદીમાં આ રાષ્ટ્રકવિનું પ્રદાન અમૂલ્ય અને અજોડ છે ! બસ , એટલે જ , આજે એમની વિદાયને પંચોતેર વર્ષ વીત્યાં છતાં આપણે એમને યાદ કરીએ છીએ !
ગાંધીયુગના એમનાં સાહિત્યની વાત આવતે અંકે !

૩૦ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

કવિ-લેખક શ્રી ધ્રુવ ભટ્ટ કહે છે ને કે ગાય તેનાં ગીત……કેવી સરસ વાત! જે લખે તેનાં તો એ ગીતો હોય જ પણ જે ગાય એને પણ સાવ પોતાના લાગે એવા ગીતો કેવા સરળ શબ્દોમાં લખાયા હશે ત્યારે એને સૌ અપનાવી શક્યા હશે?   

અવિનાશ વ્યાસના ગીતો આજ સુધી ગવાતા આવ્યા છે અને હંમેશા ગવાતા આવવાના છે કારણકે એ એવા સહજ અને સરળ શબ્દોમાં લખાયા છે.

દરેક વાચક, શ્રોતાઓનો અલગ અલગ વર્ગ હોય. ક્યાંક કોઈ આધ્યાત્મિક, કોઈ ધાર્મિક તો કોઈ માર્મિક તો કોઈ સામાજિક-પારિવારિક.  ત્યારે એવું બને કે એ દરેક ચાહકોને પણ કોઈ નિશ્ચિત લેખક, કવિ, ગીતકારને વાંચવા-સાંભળવા વધુ ગમે. કોઈએક તરફ એમનો ઝોક વધુ હોઈ શકે પરંતુ અવિનાશ વ્યાસ માટે એક સત્ય એવું જોયું છે કે એમની રચનાઓ પ્રત્યેક વાચકોને-શ્રોતાઓને સ્પર્શે છે કારણકે એમની રચનાઓમાં પ્રત્યેકના મન-હ્રદયને સ્પર્શે એવું વૈવિધ્ય છે.

એમણે એમની રચનામાં સંબંધોને સાચવ્યા, તહેવારોને ઉજવ્યા છે અને જ્યારે આ બંનેની વાત કરીએ ત્યારે એ આપણને સીધા જ શ્રાવણમાસની સાથે સાંકળી લે.

શ્રાવણ મહિનો સૌનો લાડકો મહિનો. વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક કે સામાજિક પ્રસંગોથી સૌથી એ વધુ સમૃદ્ધ જણાશે. આવા આ  સમૃદ્ધ શ્રાવણને અવિનાશ વ્યાસે એવી અનેક રચનાઓથી જાણે વધુ સમૃદ્ધ કર્યો છે. શ્રાવણ આવે એટલે તો સૌ પહેલાં યાદ આવે સંસારના સૌથી વહાલા સંબંધની. કાચા સૂતરના તાંતણે બંધાયેલો સૌથી વધુ સ્નેહાળ સંબંધ- ભાઈ-બહેનનો.

અવિનાશ વ્યાસની આ એક રચનામાં એનો મહિમા ગવાયો છે. કેવો સરસ યોગાનુયોગ ! આજે રક્ષાબંધન અને આ વહાલસોયા અવસરે એમની આ રચના યાદ આવ્યા વગર રહે?  

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર, હાલો બંધવાને તાર

આ લાલ-પીળો દોરો

સમસ્ત વિશ્વની બહેના હ્રદયના ભાવ અવિનાશ વ્યાસના આ ગીતમાં ઠલવાયા છે.


એને તાણેવાણે બાંધુ, બંધુ તને દોરો

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ

દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો…

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
કરે બાંધવ કેરો બેડોપાર
, થઇ રક્ષાબંધન અમરતાર ,

વરસે બહેનીને દ્વાર દ્વાર ,

બહેનની ભાવના પણ કેટલી ઉદાત્ત? ભલેને એનો ભાઈ વિશ્વના કોઈપણ ખૂણે કેમ ન હોય, સમસ્ત સંસાર સાથે વહેંચાયેલો કેમ ન હોય પણ એના હ્રદયમાં તો ભાઈ માટે સદાય સ્નેહની સરવાણી જ….એના મનમાં માતાના સ્નેહના ભાગીદાર ભાઈની કે એના પ્રેમમાં ભાગ પડાવનાર ભાભીનીય ઇર્ષ્યા નથી. ભલેને ભાઈ સૌનો થઈને રહેતો પણ બંનેના હ્રદયનો એક ખૂણો તો હંમેશા એકબીજાના મંગળ માટે ધબક્યા કરવાનો છે એવો વિશ્વાસ છે. બહેનના ભાવને અવિનાશ વ્યાસે કેટલી સહજતાથી રજૂ કર્યા છે?

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
થજે તું સૌનો , ભાઇ રહેજે મારો

આ થઈ સંસારના સંબંધની વાત પણ સૃષ્ટિના સર્જનહાર-ઈશ્વરનો મહિમા પણ એમણે સરળતાથી ગાયો છે.

અવિનાશ વ્યાસ માટે એવું સાંભળ્યું છે કે,  “એમના ભજનો ઘીના ઉજાસ જેવા – આંખોને ચકાચોંધ કરી મુકે એવી ઝળહળા  રોશની જરાતરા સમય માટે કદાચ ગમે ય ખરી પણ એ ઉજાસ સહી લેવા માટે આંખ આડે નેજવું ય કરવું તો પડે જ જ્યારે તિર્થધામમાં મુકેલો ઘીનો એ નાનકડો દિવો તો તિર્થના પરિસરમાં પ્રવેશતાં ય બહાર સુધી એનો ઉજાસ રેલાવતો હોય ને? એનો ઉજાસ તો પાછો આંખને અજવાળે અને આત્માને ય અજવાળે. એમ આત્માને અજવાળે એવા એમના ભજનો છે.

પણ આ ભજનો એટલે શું? ભજનો એટલે ભગવાનનું નામ? જે આત્માનો ઉધ્ધાર કરે કે ન કરે પણ આત્માના ઉધ્ધાર માટે સજ્જ કરે ને એ ભજનો…આત્માની ચેતના જાગ્રત કરે એ ભજનો…..જ્યારે આંતર ચેતના જાગ્રત થાય ત્યારે આપોઆપ મન બોલી ઉઠે… જ્યારે મન સંસારની માયામાંથી પરહરીને હરીને યાદ કરે ત્યારે અંતરના ઊંડાણથી અલખના નામની અહાલેક ઊઠે.

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની….    

હરીના એ નામની એ અલખના એ ધામની

ભૂલો રે પડ્યો એ હંસો

આંગણે ઊડીને આવ્યો

તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી

કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી

હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ….

હવે જેમ મીરાંને સંસાર ખારો લાગે એમ જે જીવને ભક્તિ કેરા જામની તરસ જાગી હોય એને સંસારના સાજ બેસૂરા લાગે તો એ શું કહે ? આવી મનોસ્થિતિમાં અવિનાશ વ્યાસ કહે છે …

બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો મળે નહીં તાર…

મૂળે એ ગીતકાર છે. રાગ તો એમના શ્વાસો શ્વાસમાં…એટલે કહે છે કે અનેકવિધ રાગ ગાયા પરંતુ અંતે તો વૈરાગનો રાગ જ મને ભવાટવીમાંથી બહાર લાવશે. સંગીતના સાત સૂરોને એમણે સાવ સહજ રીતે આ રચનામાં વણી લીધા છે.

ગાયા કંઇયે વિધ વિધ રાગ,
અંતે છેડ્યો મેં વૈરાગ,
લઇ જાશે ભવની પાર રે,
થઇ ભવભવનો સથવાર

આમ પણ સાત સૂરોના સરગમનું સંગીત એકસૂર, એકતાર થઈને રહે તો જ સંગીતની સૂરાવલિ સચવાય એવી રીતે આપણા જીવનમાં સમતા, રહેમ, ઘમંડથી મુક્તિ, હ્રદય મનની મૃદુતા-માર્દવતા, નરસિંહ મહેતા કહે છે એમ પરદુઃખે ઉપકારી વૃત્તિ, આંતરિક ચેતાનું ધન અને નિર્બળતા પર અનુકંપા હોય તો ઈશ્વર સુધી

પહોંચવાનો માર્ગ સરળતાથી સચવાય. અવિનાશ વ્યાસ કહે છે,

“સમતાનો જ્યાં ષડ્જ મળે નહીં, રિષભ મળે નહીં, રહેમભર્યો,

મૃદુવચની જ્યાં મળે નહીં મધ્યમ, જ્યાં ઘમંડના ગાંધાર રે,

ત્યાં કેમ મળે મ્હારો તાર?

પરદુઃખીનો પંચમ ના બોલે,ધનિકનો થઇ ધૈવત ડોલે.

નહિ નિર્બળનો નિષાદ રે,ત્યાં કેમ મળે મ્હારો તાર?

સંસારમાં રહીને પણ આવી અને આટલી જાગૃતિ ? એના માટે ક્યાં કોઈ ભજનિકના લેબલની જરૂર જ છે?

મને એટલે જ અવિનાશ વ્યાસની રચનાઓ અત્યંત ગમે છે. કોઈ બોધ કે ઉપદેશ વગર પણ આપણા ચિત્તને, આત્માને જાગૃત કરી દે તો એવી મસ્ત મઝાની રચનાઓય આપે જે હ્રદય-મનને મોજીલા બનાવી દે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 28


ગત બે  અંકથી આપણે વાત કરી રહ્યા છીએ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘સ્વપ્નદ્રષ્ટા’ ની. સમય છે આઝાદી પહેલાંનો, જ્યારે લોકોના મનમાં દેશભક્તિની જ્વાળા પ્રગટી ઉઠી હતી.  ખાસ કરીને યુવકોના મનમાં  આક્રોશ હતો અંગ્રેજ સલ્તનત સામે, જુસ્સો હતો ગુલામીની બેડીઓ તોડવાનો. પણ નથી કોઈ નિશ્ચિત દિશા, નથી માર્ગદર્શન કે નથી નેતૃત્વ. મુનશી પોતે પણ વડોદરા કૉલેજમાં ભણતા હતા. એ વાસ્તવિક અનુભવો અને પાત્રોની છાંટ પણ આ નવલકથામાં અનુભવાય છે.

કેટલાંક સમાનશીલ યુવકો ‘મા ભારતી’  ને સ્વતંત્ર કરવાની યોજના બનાવવા ભીમનાથના તળાવે ભેગા થાય છે, તેમાં સુદર્શન પણ એક છે. સૌ એક પછી એક પોતાની યોજના રજૂ કરે છે. સુદર્શનને લાગે છે કે તેમનામાં બુદ્ધિ છે, હિંમત છે, દેશભક્તિ છે, પણ વ્યવસ્થિત માનવતા નથી. જુસ્સામાં વ્યવસ્થા નથી, ઉત્સાહ નથી. અને એ આવે તોજ એમની યોજના કારગત બને.  તેઓ એક મંડળ બનાવે છે જેના પ્રમુખ કેરશાસ્પ અને મંત્રી સુદર્શન બને છે. એક વર્ષ પછી યોજના પરિપક્વ કરી ફરી ભેગા મળવાનું નક્કી કરી સૌ છુટા પડે છે.

નામદાર જગમોહનલાલના મિત્ર, પુસ્તકઘેલા પ્રોફેસર કાપડિયા ખૂબ રસપ્રદ વ્યક્તિ છે. જીવનની સામાન્ય જરૂરિયાત પ્રત્યે બેદરકાર પણ જ્ઞાન અને શાણપણનો ભંડાર. ચમરબંધીને પણ કહી શકે એવી હિંમત…રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ અને પ્રશ્નોની ઊંડી સમાજ અને ઉકેલની દૂરદર્શિતા..સંપૂર્ણ રાષ્ટ્રીયતા  ખીલે તો જ ગુલામીની બેડીઓ તૂટે. પણ એ ક્યારે બને એના જવાબમાં તેમણે કહ્યું:
1.અગણિત પંથો વિસારી રષ્ટ્રધર્મ સ્વીકારતાં કેટલાં વર્ષો જાય?
2. જુદી જુદી ભાષા ભૂલી એક ભાષા કેટલા વર્ષે આવે?
3. દેશી રાજ્યોનો નાશ કરી રાજકીય એકતા કેટલા વર્ષે આવે?
આ ત્રણ વસ્તુ જ્યારે આવે ત્યારે સંપૂર્ણ રાષ્ટ્રીયતા ખીલે.
પ્રોફેસરે સુદર્શનને સમજાવ્યું કે વિજયી વિપ્લવ એટલે ઉત્ક્રાંતિક્રમ ટુંકા વખતમાં પૂરો  કરવાનો અખતરો. ને બીજો રસ્તો રાષ્ટ્રીય સરકારનો.  ધાર્મિક ને જાતીય વિરોધને વિસરાવી આખી કેળવણીને રાષ્ટ્રીય કરવી પડે. પ્રોફેસરનું માનવું હતું કે બે ટકા વિદ્યાર્થીઓ પણ કોલેજમાં સેવેલી ભાવનાઓને વળગી રહેતા નથી. તેઓ ભાવનાઓ છોડી નિર્માલ્ય બની સંસાર સાથે સમાધાન કરી લે છે. કોલેજમાં બધા વિપ્લવવાદી, મધ્યાવસ્થામાં બધા કોંગ્રેસવાળા, ઘડપણમાં બધા સરકારના સેવક. નાનપણમાં કંઈ ખાવાનું નહિ એટલે વિપ્લવવાદ સરસ લાગે, મધ્યાવસ્થામાં આગળ વધવા વ્યવસ્થિત ચળવળની જરૂર જણાય, ઘડપણમાં મેળવેલું સાચવવા કાયદા ને વ્યવસ્થાના મદદનીશ થઈ બેસે. સુદર્શને મનોમન કહ્યું કે પ્રોફેસરને ક્યાં ભાન હતું કે તેના અને  અંબેલાલ જેવા ભાવનાશીલ યુવકો હવે પાકતા હતા. તેઓ જીવ જવા દેશે પણ ભાવના નહિ છોડે. તેણે હોઠ ભીંસીને જવાબ આપ્યો: ‘ પ્રોફેસર સાહેબ, આપનો જ્ઞાનયોગ નિરાશાની અંધારી ખાઇ છે. તમે જેને નકામાં ગણો છો તે કોલેજીયનો ભારતમાતાની ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. આપનું જ્ઞાન ગણતરીવાળું છે, તેમનું જ્ઞાન પ્રેરણાનું છે. સ્વતંત્ર અને સ્વાધીન થવા તત્પર થયેલી પરમ પ્રબળ ‘માતા ‘ તેમને પ્રેરી રહી છે.’

એક અગત્યના ઘટનાક્રમમાં સુરતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનની વાત છે. સુદર્શન અને મંડળી પણ ત્યાં પહોંચે છે. કોંગ્રેસની પ્રવૃત્તિ એને મન પાણીપત હતું. કોંગ્રેસમાં ‘જહાલ’ અને  ‘મવાળ’ એમ બે ભાગ હતા. ‘મવાળ’ પક્ષ બહુમતીમાં હતો અને સુદર્શન અને તેના મિત્રો  ‘જહાલ’ પક્ષમાં હતા. તેઓ સામા પક્ષનો પ્રેસિડેન્ટ ન આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તેઓ  પ્રેસિડેન્ટ નક્કી કર્યા વગર જ સભા મુલતવી રાખવામાં સફળ થયા. છતાં મિત્રોની વર્તણુકથી સુદર્શનના હૃદયમાં અશ્રદ્ધા પેઠી હતી.  તેને પ્રશ્નો થયા. આ કોંગ્રેસમાં ભેગા થયેલામાં શું ખૂટતું હતું? કાપડિયા શું ખરા હતા? નિર્માલ્યતા ક્યાં હતી?

સુદર્શન એક મહિનામાં દેશના ઉદ્ધાર માટેની યોજના બનાવવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લઈને મુંબઈ ગયો. એ માટે તેણે બુદ્ધિ, શક્તિ અને  નિશ્ચયાત્મકતાનો ઉપયોગ કર્યો. તેણે દેશ દેશના ઈતિહાસનો અભ્યાસ કરી સાર કાઢ્યો. દરેક રાષ્ટ્રની સ્વાતંત્ર્ય સેનાની રચના ને સ્વાતંત્ર્ય યુદ્ધની તુલના કરી. દરેક રાષ્ટ્રની ઉન્નતિ અને અવનતિના કારણો ભેગાં કરી તેનું સરવૈયું કાઢ્યું. તેણે હિંદની દશા, મુશ્કેલી ને અશક્તિનું માપ કાઢ્યું. તેણે આદર્શ, શક્ય ને વ્યવહારુ, ત્રણે દૃષ્ટિનું બને તેટલું સંમિશ્રણ કર્યું. પરદેશીઓની શક્તિની ગણતરી કરી, રાત દિવસ મહેનત કરી એક સર્વાંગ સંપૂર્ણ યોજના ઘડી કાઢી. રાષ્ટ્રધર્મના મંત્રોનું ગુંજન કરતાં, વિશુદ્ધ અને પ્રોત્સાહિત અંતરથી સુદર્શને  ‘મા’ ને વિનાવ્યા કરી. ‘મા ! પ્રેરણા આપો! શક્તિ આપો!’ યોજના લખાતી ગઈ. કાગળોના કાગળ લખ્યા, સુધાર્યા,  કપાયા ને ફરી લખાયા. તેની આગળ કાગળની થોકડી જોઈ સંતોષ અને ગર્વથી  એનું હૈયું ફૂલી ગયું. 31 જાન્યુ આરીએ તેમનું મંડળ વડોદરા મળવાનું  નક્કી કરેલું ને હજુ તો 15મી તારીખ હતી ને  તે સંપૂર્ણ યોજના સાથે તૈયાર હતો. સુદર્શને તેની પ્રોત્સાહક સહચરી, સચિવ, સખી, પ્રિય શિષ્ય એવી ધનીબહેનને કહ્યું કે તેણે કામ પૂરું કર્યું.

સ્વપ્ન એ આદર્શ હોય છે અને સાથે જ આદર્શ એ એક સ્વપ્ન હોય છે . કોઈ પણ સ્વપ્નદ્રષ્ટા પોતાના સ્વપ્નને વાસ્તવિક ભૂમિ પર ઉતારવા પ્રયત્નશીલ હોય છે .આ પ્રયત્ન ક્યાંક કળ અને બળ નું મિશ્રણ પણ હોય છે . શું સુદર્શનના સ્વપ્નનો રાહ તેને મંઝિલ તરફ દોરી જશે? આપણી આકાંક્ષાનો અંત સુદર્શનની 31મીની મીટીંગના દ્રશ્યની પશ્ચાદ ભૂમિ સાથે આવતા અંકે…

રીટા જાની

૨૯ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. જળભરણ અને કાલિયદમન લીલા

જેમ જેમ શ્રી બાલકૃષ્ણ વ્રજમાં મોટા થતા ગયા તેમ તેમ તેમની લીલાઓ નો દાયરો પણ વિસ્તૃત થવા લાગ્યો. પ્રભુ શા માટે આ બધી લીલાઓ કરે છે તે શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંધના આ શ્લોકમાં ખુબ સુંદર રીતે સમજાવ્યું છે.

त्वं ह्यस्य जन्मस्थितिसंयमान् विभो
गुणैरनीहोऽकृतकालशक्तिधृक् ।
तत्तत्स्वभावान् प्रतिबोधयन् सत:
समीक्षयामोघविहार ईहसे ॥ ४९ ॥

શ્રી હરિ કે જે આ સંસારના સર્જન,પાલન અને વિસર્જનના કર્તાહર્તા છે, તેઓ તેમની અમોઘ શક્તિથી આ ધરતી પર અવતરીને લૌકિક લીલાઓ રચાવે છે કારણ કે એ દ્વારા શ્રી હરિ,આ સૃષ્ટિ પર સત્વ, રજસ અને તમસ ગુણી શક્તિઓને જાગૃત કરે છે.

આપણો કનૈયો હવે ગોપીઓને સતાવવાની નવી નવી તરકીબો શોધીને તેમને સતાવવાની તક હંમેશા શોધતો રહેતો.  શ્યામસુંદર ગોપીઓની દિનચર્યાનું બરાબર ધ્યાન રાખતા. નંદનંદનને હવે જયારે ગોપીઓ પાણી ભરવા જતી હોય કે પાણી ભરેલા માટલા લઈને પાછી આવતી હોય ત્યારે કાંકરીચાળો કરીને તેમના માટલા તોડી નાખવામાં ખુબ આનંદ આવતો! આ ગોપીઓનો પણ કનૈયા સાથેનો સબંધ કેટલો અદભુત હતો.તેઓને કનૈયાની સતામણીમાં અલૌકિક પ્રેમની અનુભૂતિ થતી પણ સાથે સાથે લૌકિક કારણોસર કનૈયા પર રીસ પણ ચઢતી.મીરાંબાઈએ પણ આ જળ ભરણની ક્રિયા વખતે કનૈયો ગોપીઓને કેવી રીતે હેરાન કરતો અને ગોપીઓ સામે કેવો પ્રતિભાવ આપતી તે તેમના પદો દ્વારા બહુ તાદ્રશ રીતે શબ્દાંકિત કરેલ છે.મીરાંબાઈ પણ પૂર્વજન્મ માં એક ગોપી હતા તેવું મનાય છે એટલેજ કદાચ તેમના આંતર્ભાવ શબ્દો દ્વારા વહી નીકળ્યા હશે…

જેમકે નીચેના પદમાં મીરાંબાઈ  ગોપી બનીને કહે છે કે જયારે કે જમુનાના કાંઠે હું હેમની ગાગર લઈને પાણી ભરવા ગઈ હતી ત્યારે હું તો ગિરિધર ગોપાલના પ્રેમની કટારીએ ઘાયલ થઇ ગઈ હતી. અને હરિએ મને કાચે તાંતણે બાંધીને  મને એમની પાસે ખેંચતા ગયા અને હું તેટલી વધુને વધુ તેમની થતી ગઈ. કેટલો સુંદર સર્વ અને સ્વ સમર્પણ નો ભાવ રજુ કરેલ છે આ પદમાં! ગોપીઓ અને મીરાંબાઈ માટે શ્યામસુંદરનો પ્રેમ અને માત્ર પ્રેમજ તેમનું સર્વસ્વ હતો.

પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની રે
જળ જમુનાના ભરવા ગયા’તા, હતી ગાગર માથે હેમની રે
કાચે તે તાંતણે હરિજી એ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે
મીરાં કહે પ્રભ ગિરિધર નાગર, શામળી સુરત શુભ એમની રે.

તો વળી નીચેના પદમાં મીરાંબાઈએ ગોપી બનીને પોતાને પાણી ભરવા જવામાં કનૈયાને લીધે કેટલી તકલીફો પડે છે તેવો  ભાવ વ્યકત કર્યો હોય તેવું ઉપરછલ્લી રીતે લાગે છે પણ એને જરા ગૂઢ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો આમતો મીરાંબાઈ પોતાની અને ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની આસક્તિ દર્શાવે છે અને કૌટુંબિક ધર્મ બજાવવો કે  શ્યામ સમીપે રહેવું તેની દ્વિધા વ્યક્ત કરે છે. તેમની અંતરની ઈચ્છાતો શ્યામસુંદર સમીપેજ રહેવાની છે અને ભાવથીતો હંમેશા શ્યામસુંદર તેમને હૃદયસ્થજ છે.

કાંકરી મારે ધૂતારો કાન, પલોણા કેમ કરી જઇયે
આ કંઠ ગંગા વહાલા, પેલી કાંઠે જમનાજી, વચમાં ગોકુળિયું ગામ.
સોના ઉઢાણી મારુ, રૂપાનું બેડું વહાલા, હળવે ચઢાવાતું કાનો કરે કામ
મારે મંદિરિયે મારી સાસુ રહે છે વહાલા, સામા મંદિરિયે મારો શ્યામ
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધરના ગુણ, ભાવે ભેટો ભગવાન

મીરાંબાઈ તો દર્શદીવાની હતા. તેમના માટે ગિરિધર ગોપાલના દર્શન નો આનંદ એક સર્વોચ્ચ આનંદ હતો. જેમ શ્રી પન્નાબેન નાયકે તેમની કવિતામાં કહ્યું છે તેમ “હું તો સપનામાં સૂતી અને સપને જાગી, ક્યાંક ગિરિધર ગોપાલની ધૂન લાગી”,તેજ રીતે મીરાંબાઈ દિવસ-રાત, સુતા જાગતા શ્યામના દર્શન કરવા તત્પર રહેતા.અને  નીચેના પદમાં મીરાંબાઈએ ગોપી જયારે જળભરવા જાય છે ત્યારે મારગમાં શ્યામનો ભેટો થાય છે અને જળ ભરવાનું બાજુ પર રહી જાય છે અને પોતે શ્યામના સર્વાંગસુંદર સ્વરૂપ પર  મોહિત થઇ જાય છે તેનો ભાવ પ્રગટ કર્યો છે.

बड़ी बड़ी अखियां वरो सांवरो मो तन हरी हँसिकेरी
हो जमुना जल भरण जात ही सिर पर गगरी लसकेरी
सुन्दर श्याम सलोनी मूरति मो हियरे में बसीकैरी
जन्त्र लिखो मन्त्र लिखो औषध ल्यावो घसकैरी
जो कोउ ल्यावे श्याम बैद को तौ उठी बैठो हसकैरी
भृकुटि कमान बान वाके लोचन भारत भरि भरि कसकैरी
मीरां के प्रभु गिरिधर नागर कैसे रहो घर बसकैरी

જળભરણની લીલાનું એક બીજું સુંદર પદ જે મીરાંબાઈએ ગોપીભાવે રચેલ છે જેમાં તેઓએ પોતાનો શ્યામસુંદર પ્રત્યેનો પ્રેમ ખડે ચોક ઘોષિત કર્યો છે. મીરાંબાઈએ આ પદમાં પોતે વિઠ્ઠલવ૨ને વરી ચુક્યા છે એ પણ સાંગોપાંગ જાહેર કરેલ છે… .મીરાંબાઈને મન તો શ્યામનું આ રીતે  કેડી પ૨ મળવું એ એક અમૂલ્ય વસ્તુ જડવા બરાબર છે અને તેઓ પ્રભુને સર્વસમર્પિત થઇ જાય છે.

નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે
જળ જમુના ના પાણી રે જાતાં, શિર પર મટકી ધરી
આવતા ને જાતાં મારગ વચ્ચે , અમુલખ વસ્તુ જાડી
આવતા ને જાત વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી
પીળા પીતામ્બર જરકશી જામા, કેશર આડ કરી
મોર મુગુટ કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, વિઠ્ઠલ વરને વરી.

શ્રી બાલકૃષ્ણની અનેક બાળલીલાઓ પૈકી એક બીજી અતિ મહત્વની લીલા એટલે કાલિયા દમનની લીલા.. આ એક ઘણી પ્રતીકાત્મક અને સૂચક લીલા છે. કાલિયનાગની સહસ્ત્રફેણ એ આપણા મનુષ્યજીવમાં રહેલા અહં,લોભ,મોહ જેવા દુર્ગુણોના પ્રતીક છે અને જયારે આપણે સંપૂર્ણપણે પ્રભુને શરણે જઈએ ત્યારે પ્રભુ અનુગ્રહ કરી ધીમે ધીમે સર્વ દુર્ગુણોને આપણામાંથી દૂર કરે છે અને જીવને  પ્રભુપ્રાપ્તિને લાયક બનાવે છે. શ્યામસુંદરે ધાર્યું હોત તો કાલિયનાગનો વધ ઈચ્છામાત્ર થી કરી શક્યા હોત પણ પ્રભુએ કાલિયનાગને મારવાને બદલે તેને ક્ષમા કરીને યમુનાજી માંથી સ્થળાંતર કરાવી દીધું. આ લીલા દ્વારા પ્રભુએ क्षमा वीरस्य भूषणम નું એક સૂચક ઉદાહરણ પણ આપી દીધું.આ લીલા દર્શાવવા મીરાંબાઈ એ માત્ર નીચેના એક જ પદની રચના કરેલ છે.

कमल दल लोचना, तैने कैसे नाथ्यो भुजंग
पैसि पियाल काली नाग नाथ्यो, फणं फणं निरत करंत
कूद परयो न डरयो जल मही, और काहू नहीँ संक
मीरां के प्रभु गिरिधर नागर, श्री वृन्दावनचंद.

તો ચાલો આજે હું પણ મારામાં રહેલા દુર્ગુણોને હરી લેવાની પ્રાર્થના મારા ઈષ્ટના ચરણોમાં અર્પણ કરતા કરતા મારી કલમ ને વિરામ આપુ છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image Courtesy: http://gopiradhakrishna.blogspot.com/2014/01/why-did-you-break-my-pots.html

હાં રે દોસ્ત હાલો અમારે દેશ- -28) માણસાઈના દીવા!


ઝવેરચંદ મેઘાણીનાં લોકસાહિત્ય , લોકગીતો અને સામાન્ય જનની લોકવાર્તાઓ , દાદાજીની વાતો અને દાદીમાની વાતો વગેરે વિષે આપણે આ કોલમમાં થોડું થોડું – આચમન લઇ શકાય એટલું – સાહિત્ય જોયું અને એનો આછેરો આસ્વાદ રસાસ્વાદ માણવા પ્રયત્ન કર્યો. આમ તો મેઘાણી કે જેને રાષ્ટ્રીય કવિનું અજોડ હુલામણું બહુમાન મળ્યું છે , તેમના વિષે આવી નાની લેખમાળામાં કેટલું લખી શકાય ? પણ , જો ટૂંકમાં જ એમનાં સાહિત્યનો ખ્યાલ મેળવવો હોય તો આ એક વાક્ય બસ થશે !
નાનપણમાં અમે આ રીતે મેઘાણીનું સાહિત્ય યાદ રાખતાં!
આ છે એ એક વાક્ય:
સૌરવ પ્રભુ , ધરતી લોકકુ સો વેંતુ માપ છે!

તમે પૂછશો : “સૌરવ પ્રભુ , ધરતી લોકકુ સો વેંતુ માપ છે? ? એ વળી શું ? “
એટલે કે દરેક અક્ષર પરથી એમનાં સાહિત્ય નું એક એક પુસ્તક યાદ આવે !
એમનું સૌથી વધું જાણીતું , અને ગુજરાતી સાહિત્યમાં આંગળીને વેઢે ગણાય એ પૈકીનાં પુસ્તકોમાં જેની ગણના થાય છે તેવું
સૌ: સૌરાષ્ટ્રની રસધાર ! ર : રઢિયાળી રાત !વ : વસુંધરાનાં વ્હાલાં દવલાં
પ્રભુ: પ્રભુ પધાર્યા
ધ : ધરતીનું ધાવણ ! ર :રઢિયાળી રાત , ( સોરઠને) તીરે તીરે !
લો :લોક સાહિત્યનું સમાલોચન ! ક : કંકાવટી ! કુ : કુર્બાનીની કથાઓ !

સો : સોરઠ તારાં વહેતા પાણી
વેં: વેવિશાળ ; તુ : તુલસી ક્યારો
મા : માણસાઈના દીવા પ : પરિભ્રમણ !
છે : છેલ્લું પ્રયાણ ( લોકસાહિત્ય સંશોધન વિવેચન )
મેઘાણીનાં સો જેટલાં પુસ્તકોમાંથી થોડા અમે આ રીતે યાદ રાખતાં !!!
પણ , બધાં પુસ્તકો વિષે લખવું શક્ય નથી ; પણ હા ,
આજે હું તમને ‘માણસાઈના દીવા ‘વિષે વાત કરીશ ; કારણ કે એ સાહિત્ય જગતમાં કાંઈક આગવી જ ભાત ઉભી કરે છે .
આ એક એવું પુસ્તક છે કે ગુજરાતની એન્જીનીઅરીંગ કોલેજોમાં પણ માનવતા વિષયમાં શીખવાડવામાં આવતું !
રવિશંકર મહારાજને મુખેથી સાંભળેલી આ સત્ય કથાઓમાં મેઘાણી જેવી લોક પ્રેમી મહાન પ્રતિભાના દ્ર્ષ્ટિકોણનું રસાયણ ભળ્યું અને પ્રગટ થઇ આ સત્ય ઘટનાઓ !
૧૯૧૮ થી ૧૯૨૪ ના સમય ગાળામાં બનેલ આ ઘટનાઓ પહેલી નજર આપણને અસંભવિત -કાલ્પનિક જ લાગે ! પણ વાચક મિત્રો !આ ગાંધી યુગની વાતો છે ! જે વ્યક્તિ માટે આઈન્સ્ટાઈન જેવી મહાન વિભૂતિએ કહ્યું હતું કે સો વર્ષ પછી લોકો પૂછશે , કે શું આવો ગાંધી ખરેખર આ પૃથ્વી પર જન્મ્યો હતો ? અને રવિશંકર મહારાજ આ જ ગાંધીજીના પ્રભાવ નીચે ઘડાયા હતા ! ગાંધીજીની નિર્ભયતા અને સ્પષ્ટભાષિતા રવિશંકર મહારાજને પ્રથમ નજરે જ 1915 સ્પર્શી ગઈ હતી . નાની ઉંમરે માતા પિતાનું છત્ર ગુમાવનાર રવિશંકર માં પ્રેમ અને કરુણા તો હતાં જ . હવે તેમાં અહિંસા અને અભયપણું – નિર્ભયતા પણ ભળ્યાં!
ઝવેરચંદ મેઘાણી સરસ રીતે એ પ્રસંગો એમની આગવી અદાથી વ્યક્ત કરે છે :

૧૯૧૯ ની એ ઘોર અંધારી રાતે કપડવંજ તાલુકાના એક નાનકડા ગામ છીપીયાલથી મહારાજ પોતાને ગામ સરસવણી જય રહ્યા હતા. રસ્તામાં બહારવટિયો નામદારીયો અને ટોળીનો ભેટો થાય છે .
ટોળીના એક સાગ્રીતે મહારાજને પૂછ્યું ;” સીસપેનનો કકડો હશે તમારી કને ?”
“હા “
“કાગર ?’
“છે !”
“ તો આલશો?તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે જાસા ચિઠ્ઠી લખવી છે કે રૂપિયા પાંચ સે પોગાડી જાય ; નકર ઠાર માર્યો જાણે . એ ચિઠ્ઠી સોમા માથુરને અલી આવજો .”
એટલું વાંચતા આપણાં યે હાડ ગળવા માંડે ..અંધારી રાત , બે ગામ વચ્ચેનો ભેંકાર માર્ગ ! હવે શું થશે ? આપણે વિચારીએ- આ સુકલકડી, પાતળો બ્રાહ્મણ શું કરશે ?
પણ જુઓ , મહારાજે શું કર્યું !
(આ તો સત્ય કથા છે !)
“એના જવાબમાં અત્યાર સુધી સમથળ રહેલો મહારાજનો સ્વર ઊંચો થયો ;” મેઘાણી લખે છે ,”
મહારાજે કહ્યું ;” એવી ચિઠ્ઠીઓ લખવા માટે મારાં સીસપેન અને કાગળ નથી . હું તો મારે ગામ જઈને કહેવાનો કે ખબરદાર બનો !બહારવટિયા આવે છે તેની સામે આપણે લડવાનું છે તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે !
ગાંધી ટોળીના બહારવટીયાઓ એ લૂંટફાટ કરનારી બહારવટિયાઓની ટોળીને આપેલો સંદેશ સોંસરો ઉતર્યો હોવો જોઈએ , કારણકે પછી એ ટોળી મહારાજના એ ગામ સરસવણીને પાદરે ક્યારેય ઢુંકી નહોતી !
માણસ ખરાબ શા માટે બને છે ? મહારાજનો એ પ્રશ્ન હતો . અને એવાં તરછોડાયેલ સમાજ સાથે ઐક્ય સાધવાનો સાહિત્યની શોધમાં ભટકતા મેઘાણીનો પણ એજ પ્રયાસ હતો!
પ્રિય વાચક મિત્રો ! માણસાઈના દીવા આપણી કલ્પના બહારના પ્રસંગોનું આલેખન છે એ માટેનો આ એક પ્રસન્ગ ટૂંકમાં જુઓ :
કેવા સડેલા, ગુલામ દેશમાં ગાંધીજીને પરિવર્તન લાવવાનું હતું તેનો આછો ખ્યાલ આવશે : સરકારે ગામના ઉચ્ચ વર્ગના પટેલો પાસેથી જમીન લઈને નીચલા વર્ગના પાટણવાડીયા લોકોને આપી હતી .. સ્વાભાવિક રીતે જ એક બીજા પ્રત્યે ટેનશન તો હતું જ (અને અંગ્રેજો એવું જ તો કરતાં હતાં!)
ધર્મજ સ્ટેશને કોઈને મુકવા ગયેલ મુખી નજીકની વાડીએ જાય છે અને ત્યાં પાટણવાડીયા વાઘલો અને બીજા બે સાગરીત વાડીમાં કાંઈ કામ કરતા હતા ને આ તુંડ મિજાજી મુખી કાંઈક ગાળો બોલે છે પણ પછી વાડીમાંથી થોડું શાક લઈને પીઠ ફેરવે છે ત્યાં વાઘલો અચાનક જ ભાલાથી મુખીને મારી નાખે છે ! ખેડે તેની જમીન માં આ પાટણવાડીયાઓને જમીન મળી હતી , અને કોંગ્રેસની લડતમાં આ મુખીઓએ મુખીપણું છોડ્યું હતું ! બન્ને પક્ષ આમ તો ગાંધીજીના પ્રભાવ હેઠળ કામ કરતા હતા . મરતાં પહેલા આ મુખીએ વાઘલાનું નામ આપેલું , પણ કોઈ માથાભારે પટેલે એ ત્રણ જણને બદલે સાત જણના નામ લખાવીને સાત જણને જેલ ભેગાં કરાવ્યા !!
એકને ફાંસીની સજા થઇ , બીજાઓને દસ વર્ષની જેલ . પણ જેને ફાંસીની સજા થઈ તે કોઈક નિર્દોષ હતો . રવિશંકર મહારાજને ખબર પડી કે અન્યાય થઇ રહ્યો છે . પણ પેલા આગેવાને ચેતવણી આપી ; “ રવિશંકર! સીધા રેજો , હું તમને કહી દઉં છું !
રવિશંકર મહારાજે ગાંધીજીને કહ્યું કે આ કેસમાં આ બધાં નિર્દોષ છે પણ બીજા ગુના તો કર્યા જ છે . વળી , પાટીદાર લોકોનો ખોફ સહેવો પડશે !
ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું ,” આ કિસ્સામાં જો એ નિર્દોષ હોય તો તેમને છોડાવવા આપણો ધર્મ છે .
કેસ લોકોમાં ચકચાર જમાવતો હતો ત્યાં મહાદેવભાઈ દેસાઈની નજર પડી કે ફાંસીની સજા પામેલ એ નિર્દોષ ને સરકાર પાસેથી ફ્રીમાં જમીન મળી છે .. એ જમીન જો એની પાસેથી રાજીખુશીથી પાછી મળેવવાની હતી .. ને પાછી પાટીદારોને આપવાની હતી .. અને એ કામ રવિશંકર મહારાજે કરવાનું હતું !!
જે માણસ નિર્દોષ હતો એને ફાંસી આપવાની હતી , અને જેમણે એ નિર્દોષને ખોટી રીતે સઁડોવ્યો હતો એ પાટીદારોને જમીન પાછી સોંપવાની હતી !
મહારાજ એ માણસની પાસે ગયા ; વાત કરી. કહ્યું; ગાંધીજીએ કહ્યું છે ..
ને એણે તરત જ આનાકાની વિના જમીન પાછી સોંપવાની હા કહી દીધી !ને કહ્યું ;’ ગાંધીજીને કહે જો કે અમને આશિષ આલે !
આ ગાંધીજીનો પ્રભાવ હતો! જો કે , પછી બધાયે આરોપીઓને છોડી મુકવામાં આવ્યાં…

આપણને આશ્ચર્ય થાય કે આપણા દેશમાં લોકો કેવી મામૂલી બાબતો માટે ઝગડતાં હતાં અને જે મહત્વનું હતું તેની તો કોઈને કાંઈ જ ચિંતા નહોતી ! અંદર અંદર ઝગડાં!ઉંચ નીચનાં ભેદભાવ ! માણસાઈના દીવા’ માં બારૈયા , ગરાશિયા , પાટણવાડીયા , રબારાં ઇત્યાદિ કોમોના જીવન સંઘર્ષની વાતો છે . એ બધા જન્મજાત ખરાબ નથી . ક્યાંક સંજોગો , ક્યાંક અજ્ઞાન, વેર બુદ્ધિ , અપમાન , ગરીબાઈ , વગેરે પરિબળો તેમને હીન કૃત્ય કરવા પ્રેરે છે . રવિશંકર મહારાજ તેમને દિલના પ્રેમથી , એક માં ની મમતાથી એ પાતકોને ઓળખે છે અને એમની લાચારીને સમજીને સાચો માર્ગ સમજાવે છે . અને મહદ અંશે એમાં સફળતા મળી છે !
આપણો આ ભદ્ર સમાજ , જે અમુક આખે આખી કોમને જ ચોર તરીકે વગોવે છે ! આપણા સમાજની સભ્યતા એક દંભ છે . ને એમાં રવિશંકર મહારાજને વિશ્વાશ નથી , એમને એ સમાજ છીછરો અને નિર્બળ લાગે છે.
ને પેલા ચોર , બંડખોર , નામચીન ડાકુ , બહારવટિયાઓને ગળે લગાડી , એમને પ્રેમથી સાચે માર્ગે ચઢાવે છે તેની અજોડ અદભુત સત્ય કથાઓ આ પુસ્તકમાં મેઘાણીએ સંચિત કરીને માનવ જાતનું એક અકલ્પ્ય અદભુત પાસું આપણને દર્શાવ્યું છે !
ઝવેરચંદ મેઘાણીએ ફુલછાબના એક તંત્રી લેખમાં ગુંડાઓ વિષે લખ્યું હતું : બહારવટિયાઓ અને ધાડપાડુઓથી વધુ ભયંકર તો આપણા ગામ વચ્ચે રહેતા એકાદ બે ગુંડાઓ છે . પ્રજાની છાતી પર દિવસ રાત ઉભા રહી ને ધોકો બતાવીને નાણાં પડાવે છે અને આબરૂના કાચના કુંપા એક જ ટકોરે તોડી શકે છે એવો દર આપણને સતત રહે છે ..પણ ગુંડાઓનો દર એ સાધુતા નથી , એ નમ્રતા નથી .. એ અધોગતિની નિશાની છે ! (ફુલછાબ 1940)
કેટલી સાચી વાત ! આજથી એંસી વર્ષ પૂર્વે એમણે કહી હતી ! ઘણું બધું આપણે ભૂલી ગયાં છીએ અને કૈક ભળતુંજ પકડી બેઠાં છીએ !!!
બસ !આજે હવે અહીં જ વિરમશું!

૨૯ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

કહે છે શબ્દો ક્યારેક તીર લાગે તો શબ્દો ક્યારેક લકીર લાગે… અવિનાશ વ્યાસના શબ્દો જ નહીં અવિનાશ વ્યાસ પણ  લકીર બનીને આપણા મન પર કોતરાઈ ગયા છે.

૨૧મી જુલાઈ- અવિનાશ વ્યાસના જન્મદિનની દેશ-વિદેશથી અનેક લોકોએ જે રીતે લાગણીસભર ઉજવણી કરી એ જોઈએ ત્યારે સાચે જ સમજાય કે એ સૌ ગુજરાતીઓના મન પર સોનાના લેખની જેમ કોતરાઈ ગયા છે. દેશ-વિદેશથી અવિનાશ વ્યાસના ચાહકોએ એમને યાદ કરીને, એમની અનેરી વાતો કરીને જે સ્નેહાંજલિ આપી એ જોઈએ ત્યારે સમજાય છે કે આટલા વર્ષો પછી પણ એમની પ્રત્યેનો આદર, સ્નેહ જરાય ઓસર્યા નથી.

આનંદની વાત તો એ છે કે ૨૧મી જુલાઈના દિવસે એક નહી અનેક જગ્યાએથી મને એમના વિશે આદરભાવ પ્રગટ કરતાં અનેક સંદેશા મળ્યા જેમાં ક્યાંક પોતાની અંગત લાગણીઓ છલકાતી હતી તો ક્યાંક થોડી જાણેલી-સાંભળેલી વાતો પણ વાગોળવામાં આવી હતી.

આજે મને એમાંથી એકાદ વાત તમારા સુધી પહોંચાડવાનું ગમશે. શક્ય છે મારી જેમ તમે પણ આવી વાતોથી વાકેફ હોઈ શકો…

પુનરોક્તિ થતી હોય તો પણ આજે એક વાત કહેવી છે કે માત્ર ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરના ખ્યાતનામ ગાયકો પણ એમને અત્યંત સન્માનનીય માનતા.

સંગીતની દુનિયાના સર્વ શ્રેષ્ઠ કહી શકાય એવા લતા મંગેશકર, મુકેશ અને મહમદ રફી જેવા ગાયકો પણ એમને ગુરુ માનતા, ચરણસ્પર્શ કરતા. કિશોરકુમાર જેવા ટોચના તેમ છતાં  અનાડી કહેવાય એવા ગાયક પણ એમને ગુરુ માનીને એમની ચરણરજ માથે ચઢાવી એમના આશીર્વાદ પ્રાર્થતા. કિશોર કુમારે એમને શ્રેષ્ઠ અંજલિ આપતા કહ્યું હતું કે લક્ષ્મીકાંત-પ્યારેલાલ હો યા કલ્યાણજી- આણંદજી, એ સૌ અવિનાશ વ્યાસના અસિટન્ટ રહી ચૂક્યા છે.

આવી અપાર લોકચાહના ધરાવતા હોવા છતાં એ પ્રકૃતિએ અત્યંત નમ્ર અને સૌજન્યશીલ હતા. હવે જે વાત સાંભળી છે એ તો જાણે અવિનાશ વ્યાસ માટે સાવ અનોખી કહી શકાય એવી છે. ૨૦૧૨ એટલેકે અવિનાશ વ્યાસના ૧૦૦મા જન્મદિને એમની સ્મૃતિમાં એક સમારોહ યોજાયો હતો. સમારોહના સંચાલકે એમના પ્રત્યેનો આદરભાવ રજૂ કરતા અવિનાશ વ્યાસની સિદ્ધિઓ, એમને રચેલા ગીતોની સંખ્યા, એમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું કે , “ આમ તો અવિનાશ વ્યાસ ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન હતા.”

મઝાની વાત એ થઈ કે સમારોહની વચ્ચે સ્ટેજ પર આવીને એક શ્રોતાએ નમ્રતાથી એ સંચાલકની માફી માંગતા તેમ છતાં દ્રઢતાથી કહ્યું કે, “ અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન છે એમ કહેવા કરતાં બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ કહેવું વધુ ઉચિત રહેશે.”આવી રીતે ક્રિકેટના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનની શ્રેષ્ઠતા દર્શાવવા લોક લાડીલા ગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા એ એ આપણા મતે આપણી જેમ બ્રેડમેને  પણ ગૌરવ લેવા જેવી વાત થઈ. સાંભળ્યા મુજબ  અવિનાશ વ્યાસ મૂળ તો  ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનવાવા ઇચ્છતા હતા. જો એમ બન્યું હોત તો ? જેના નામે વિધાતાએ સફળતાના આશીર્વાદ લખ્યા હોય એ તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા પામ્યા જ હોત.  આ એક રેકોર્ડની વાત છે બીજો એક રેકોર્ડ અવિનાશ વ્યાસના નામે લખાયો હતો એનો ઉલ્લેખ કરવો છે.

ગીત-સંગીત ક્ષેત્રે એમની નામના એટલી વધતી જતી હતી કે ભાવનગર નરેશે પોતાના મહેલમાં તેમની બેઠક રાખીને ‘ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રેકોર્ડ કર્યું હતું.

કમલેશ સોનાવાલા નામ કદાચ સૌ માટે એટલું જાણીતું નથી. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રના નિષ્ણાત કમલેશ સોનાવાલાએ કવિતા ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. ક્યારેક એમને આ અંગે તદ્દન વિરોધાભાસ ધરાવતા એમના વ્યવસાય અને રસના બે પાસા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ઉત્તર આપ્યો એ જાણવા જેવો છે. એમણે કહ્યું કે,

“એમના માતા ઉર્મિલા સોનાવાલા આપણા આ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસના સૌ પ્રથમ વિદ્યાર્થીની હતાં. સંગીતની ઘણી બેઠકો એમના ઘરે યોજાય. દર જન્માષ્ટમીએ તો ખૂબ મોટી ઉજવણી થાય ત્યારે સહકુટુંબ ભેગા થઈને એ પરિવાર રાસ-દુલારી ગાય. જન્માષ્ટમીએ એમના ઘરે અવિનાશ વ્યાસની હાજરી હોય. એમની સાથે અન્ય કવિ, શાયર અને કલાકારો પણ આવે. આમ એમના કહેવા મુજબ એમનું ઘડતર સાહિત્ય-સંગીતના વાતાવરણમાં થયું.”

આજના આ લેખ પાછળ કહેવાનું તાત્પર્ય માત્ર એ કે અવિનાશ વ્યાસની ખ્યાતિને લઈને આપણને ગુજરાતી હોવાનું, આપણા ગુજરાતીપણાનું ગૌરવ થાય અને તેમ છતાં એ પોતાના માટે શું કહેતા એ પણ જાણીશું તો મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ તરફ આપણા મનમાં આદરનો સરવાળો નહીં ગુણાકાર આપોઆપ થઈ જશે.

અવિનાશ વ્યાસ કહેતા કે, “ હું આકારને ઓળખતો નથી. હું નિરાકારને ઓળખું છું. હું અંત અને અનંત વચ્ચેના પડદાનો પૂજક છું. પડદા પાછળ શું છે એની મને પડી નથી, જાણવું પણ નથી. હું માત્ર અવિનાશ થઈને રહું એ જ બસ છે.” 

એમના આવા ભાવ એમની એક રચનામાં છલકાતા અનુભવાય છે.

પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું

કાંઈ નથી બીજું કહેવું મારે, કાંઈ નથી બીજું કહેવું મારે

જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ એક જ નામ લેવું મારે,

તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું,

ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું

બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું,

માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે,

પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે,

મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું

કદાચ ક્યાંય પોતાના વ્યક્તિત્વને. પોતાના કૌશલ્યને સાબિત કરવાની એમની પ્રકૃતિ જ નહોતી. અત્યંત શાંત, સૌમ્ય, નિતાંત સાદગી, ઓલિયા જેવું એમનું વ્યક્તિત્વ મેં પોતે જોયું છે અને આજે પણ લકીરની જેમ મારી યાદમાં કોતરાયેલો એ ચહેરો અકબંધ છે.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 27

સ્વપ્નો જોવા કોને ન ગમે? જેની આંખોમાં સ્વપ્નાં આંજ્યા હોય એની દુનિયા તો અલગ જ હોય છે. સપનાંને ન કોઈ મર્યાદા છે, ન કોઈ બંધન કે ન કોઈ લગામ. સ્વપ્નઘેલા થવું એ બધાનો અધિકાર છે. એમાં પણ યુવાનોનો તો એ વિશેષાધિકાર છે. જી હા, ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી  મુનશીની નવલકથા ‘ સ્વપ્નદ્રષ્ટા ‘ ની.

ગત અંકમાં આપણે જોયું કે કલેકટર સાહેબના ઘરની મુલાકાત પછી સુદર્શનનું મનોવિશ્વ બદલાઈ ગયું. અંગ્રેજી સાહિત્ય વાંચી તેને એમ લાગ્યું કે પિંઢારા ને ઠગના ત્રાસથી હિંદને બચાવવા અંગ્રેજો આવ્યા. તેના પૂર્વજો નિર્માલ્ય હતા, જેમણે અજ્ઞાન અને અંધકારથી પરિપૂર્ણ સંસ્કારો રચ્યા. ધીમે ધીમે તેનો કચવાટ, નિરાશા અને અલ્પતાનું ભાન તેની તિરસ્કારવૃત્તિને વીંટળાઈ વળ્યાં. તેમાં બાજુમાં રહેતી પરન્યાતની છોકરી ગમન સાથે પરણવાની માતાએ તેને ના પાડી. તેથી તેનું અંતર તોફાની ઉછાળા મારી રહ્યું. આંધીની વિનાશકતાએ સ્વભાવ અને સંસ્કારના મૂળ ઉખેડી નાખ્યાં. તેણે પ્રિય પુસ્તકો ટેબલ નીચે નાખ્યાં. શંકર ભગવાનની પૂજા બંધ કરી. પવિત્ર જનોઈ કાઢી નાખી. બ્રાહ્મણત્વની નિશાનીરૂપ શિખા કાપી નાખી. પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે તે અગાશી પર ચડી નળિયા ચારે તરફ ફેંકતો હતો. મહામહેનતે પિતાએ તેને પકડ્યો ત્યારે તેનું શરીર અંગારાની માફક ધીકતું હતું. માંદગી પછી તેને વડોદરા કોલેજમાં મોકલવામાં આવ્યો. બોર્ડિંગમાં એ વિનાશવૃત્તિને સબળ બનાવે એવા વાંચનમાં ગરકાવ થઈ રહ્યો. અર્વાચીનોમાં તેનો એક માત્ર મિત્ર  રહ્યો : અંગ્રેજોનો કટ્ટર વેરી નેપોલિયન. ને કોલેજમાં પ્રોફેસર ‘ આરબી ‘ એટલે કે રામલાલ ભૂખણદાસ   સાથે દોસ્તી થઈ.

ફ્રેન્ચ વિપ્લવની સફળતાથી સુદર્શનમાં નવા પ્રાણનો સંચાર થયો. એ માત્ર વિપ્લવ ન હતો, પણ સમગ્ર રાષ્ટ્રનું ધર્મયુદ્ધ હતું. તેને લાગ્યું કે ‘ વિપ્લવ એટલે નિયમનો પ્રારંભ. સત્યનો પુનર્જન્મ, ન્યાયનો પ્રત્યાઘાત. ‘ વિદ્યાર્થીનું મગજ ચંચળ ને સુંવાળું, બિનઅનુભવી ને આશાવાદી, ઉત્સાહી ને અધીરું હોય છે. નથી હોતી એને પરિસ્થિતિની પરવા કે નથી હોતી ઊંડી વિચારણા. સુદર્શનની સ્થિતિ પણ કંઇક આવી જ હતી. વિપ્લવવાદે એનામાં આશા જગાડી. રાજકીય પહેલાં સામાજિક અને ધાર્મિક માન્યતાઓ બદલવાની તેને જરૂરત જણાઈ. આ અધીરાઈ અને ઉકળાટમાં, આ વિનાશક વૃત્તિની ઘેલછામાં ક્યારેક ઉત્સાહની લહેરીઓ આવતી, માનવતાનો મઘમઘાટ વ્યાપી રહેતો , સ્વાતંત્ર્યનો સંચાર થતો હોય એવી અનુપમ સૃષ્ટિના દર્શન તેને થતાં. ત્યારે તેને પ્રશ્ન થતો કે આ સૃષ્ટિ ક્યારે સર્જાશે. શું પોતે એવી સૃષ્ટિ સર્જાવી શકશે?

જાપાને રશિયા અને યુરોપને પડકાર્યું એની અસર વડોદરા કોલેજમાં જબરી થઈ. સુદર્શનના અંતરમાં નવી આશા પ્રગટી. એનાં સપનાં હવે આર્યાવર્તથી જાપાન ને તુર્કસ્તાન સુધી એક પ્રચંડ મહાવિપ્લવ પ્રસારી, રાજ્ય, સમાજ અને ધર્મના ભેદ ભુલાવી એશિયાને નવા અવતારે આણવાની યોજનામાં ગુંથાયા. પણ સુદર્શનને જલદી જ સમજાઈ ગયું કે જાપાન સ્વાધીન હતું ને હિંદ પરાધીન. બંગભંગની યોજના અને વંદેમાતરમના ગાનથી તેને જ્ઞાન થયું કે  સ્વદેશ એ દેશ નહિ પણ જીવંત દુ:ખાર્ત માતા ‘મા ભારતી ‘ હતી. માતાની મુક્તિના, સ્વદેશીના, ઉદ્ધારના, સ્વાતંત્ર્યના અનેક સપનાં તેના મગજમાં તરવરી રહ્યાં. તેને એમ લાગતું કે ‘મા’ ના ‘પ્રાણ’ પાછા લાવવાની જવાબદારી માત્ર એના એકલાના માથે જ હતી. દરરોજ રાત્રે ‘ મા ‘ તેને દર્શન દેતી ને આખો દિવસ તેની મુક્તિના વિચારો તે કર્યા કરતો.

પાંચ સમાનશીલ ઉત્સાહી યુવકો ભીમનાથના તળાવે દેશનો ઉદ્ધાર કરવા અંધારામાં ભેગા મળ્યા, એમાં સુદર્શન પણ હતો. અરવિંદના ભાષણના નશામાં તેઓ ચકચૂર હતા. તેમનાં અંતર હિંમત, આશા ને કાર્યતત્પરતાથી ભરેલા હતા. તેમની આંખો સ્વદેશભક્તિથી ચમકતી હતી ને વખત આવે મરવા પણ તૈયાર હતા. ‘આ સંસ્કારી ને વિશુદ્ધ હ્રુદયના યુવકોના હૈયામાં સ્વાતંત્ર્ય ને માતૃભક્તિની જ્વાલા અખંડ ચેતી રહી હતી. પયગંબરોની શ્રદ્ધા તેમના હૃદયમાં સ્ફુરી રહી હતી. ગુજરાતના પ્રતાપી આત્માના તણખા સમાન આ છોકરાઓને મન રાષ્ટ્ર રચવું એ જ પરમ ધ્યેય હતું. તેને સ્વતંત્ર કરવું એ જ પરમ કર્તવ્ય હતું. ‘

સ્વતંત્રતા યુવા આંખોનું સ્વપ્ન હોય છે. યુવાન આંખો નવા વિશ્વની આકાંક્ષાનું દ્રશ્ય જોતી હોય છે. તેના હૈયામાં ક્યારેક પ્રેમની પ્રતિક્ષા હોય છે તો ક્યારેક પ્રવર્તમાન વિશ્વ સામેનો વિદ્રોહ. આ વિદ્રોહ ક્યારેક ચિનગારી બને છે અને યુવાશક્તિ માભોમના માટે પ્રેરણા , પુરુષાર્થ અને પરાક્રમનો સમન્વય બને છે. તેને સ્થાપિત હિતો સામે મોરચો માંડવો છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ યુવાનો પ્રથમ હરોળમાં રહ્યા છે. સુદર્શન કદાચ તેનું જ એક ઉદાહરણ છે. સ્વપ્નદ્રષ્ટા સુદર્શન સ્વપ્નસિદ્ધિની મંઝિલ સુધી પહોંચે છે કે કેમ તેની છણાવટ કરીશું આવતા અંકે..

રીટા જાની

૨૮ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાબાઈના પદોને સથવારે…. – માખણચોર કનૈયો

શ્રી બાલકૃષ્ણની દરેક લીલાઓમાં એક બહુચર્ચિત લીલા એટલે માખણચોરીની લીલા. શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન હતા અને નંદબાવા અને યશોદામૈયાને ત્યાં તો દૂધ-દહીં-માખણની નદીઓ વહેતી હતી તો પછી નંદકિશોર ગોપીઓના ઘરે જઈને માખણની ચોરી શા માટે કરતા? આ પ્રશ્નના ઘણા બધા ગૂઢ અર્થ ધરાવતા જવાબો છે જેની ચર્ચા મારે અત્રે ના કરતા, અહીં આપણા માખણચોર માખણની જ ચોરી કરી કેમ સ્વમુખે ગ્રહણ કરતા તેની થોડી વાત કરવી છે.

मन्ना सावरे नु किस तरह पाइदा, पहले अपना आप गवाइदा
दूध कंहदा मैनु ग्वाला ने डोलिया, विच चाटी दे पाके बिरोलिया
मैं फिर भी मुहो नाहियो बोलिया, माखन बनके श्याम आगे जाईदा
मैनु सावरे ने प्यार नाल खा लिया,मन्ना……

અહીં દર્શાવેલા એક સુંદર પંજાબી ભજનની ચાર પંક્તિઓ માં માખણની જેમ પ્રભુ આપણો પણ સ્વીકાર કેવી રીતે કરે તેની વાત કરેલી છે.જેમ આપણે જાણીએ છીએકે જયારે દૂધને જમાવીને દહીં બને અને એ દહીં જયારે વલોણાથી બરાબર વલોવાય ત્યારે જ માખણ તરીને સપાટી પર એકઠું થાય છે. આ માખણ એક પ્રક્રિયાનો અંતિમ નિચોડ અને નિષ્કર્ષ છે જે પ્રભુ હોંશે હોંશે આરોગે છે. જેમ દૂધ અને દહીં પોતાની જાતને વલોણાંથી ઘમરોળાવા દે છે, પોતાના મોહ-માયા-અહંકાર જેવા વજનદાર પૂર્વગ્રહોનો ત્યાગ કરીને હલકા થાય છે, પોતાની જાતને જાણે પ્રભુ પ્રાપ્તિ માટે સર્વ રીતે ઓગાળી નાખે છે અને આ મંથન પછી જે માખણ ઉત્પન્ન થાય છે, પ્રભુ તેને જ ગ્રહણ કરે છે, તેમ પ્રભુ આપણો પણ સીધે સીધો સ્વીકાર નથી કરતા, આપણે પણ આપણામાં રહેલા મોહ-માયા-અહંકાર દુર્ગુણોમાંથી મુક્ત થવાનો યત્ન કરતા કરતા, આપણા મન-વાણી-વિચારને પ્રભુ તરફ વાળવાના સતત મનોમંથનમાંથી પસાર થવું પડે અને જયારે આ સર્વે સાધનાને અંતે જ આપણે પ્રભુને સમર્પિત થવા યોગ્ય બની શકીએ અને પ્રભુને પામી શકીએ.

મીરાંબાઈએ તો આ સાધના સિદ્ધ કરી લીધેલી હતી. તેઓ પણ તેમના જીવનકાળ દરમિયાન ઘણું વલોવાયા અને ઘમરોળાયા પણ છતાંય તેમનું પ્રભુ પ્રાપ્તિ નું લક્ષ્ય સ્થિર રહ્યું.મીરાંબાઈ એ એક ગોપી બનીને નંદકિશોર દ્વારા દૂધ-દહીં વેચવા જતી ગોપીઓની સતામણી અને ગોપીઓના ઘરમાં ઘુસી માખણચોર દ્વારા થતી માખણચોરીની લીલા ને પોતાના પદો દ્વારા બહુ વહાલ થી વર્ણવી છે.

कोई तो मोरी बोलो, महिडो मेरो लूटे.
छोड़ कनैया इंढोणी हमारी, माव मही की काना मेरी फूटे.
छोड़ कनैया बैया हमारी, लड़ बाजु की काना मेरी टूटे.
छोड़ दे कनैया चीर हमारो, कोर जारी की काना मेरी छूटे.
मीरां कहे प्रभु गिरिधर नागर, लागी लगन काना मेरी.

જેમકે ઉપરના પદમાં નંદકિશોર ગોપીની કેટકેટલી સતામણી કરે છે તે મીરાંબાઈએ રજુ કર્યું છે.મીરાંબાઈ આ પદમાં કનૈયો ગોપીની ઈંઢોણી પાડી નાખેછે, હાથ પકડે છે, વસ્ત્રો ખેંચે છે એવી ફરિયાદોની વણઝાર કરી છે તો પછી એજ પદમાં છેલ્લે કહે છે કે “કાના તારી લગન લાગી રે”. આ ગોપીઓ અને કનૈયા વચ્ચેની love-hate relationship ને મીરાંબાઈએ શબ્દો દ્વારા સચોટ સ્વરૂપ આપ્યું છે. 

તો વળી નીચેના ગુજરાતી પદમાં મીરાંબાઈ કહે છે કે વ્હાલાએ તો અમારી મહીની મટુકી કબ્જે કરીને ગોરસ પી લીધા છે અને એવું લાગે છે કે વહાલાએ અમને અમારી માયા મુકાવીને પોતાના કરી લીધા છે.કનૈયાની આ દહીં-દૂધ-માખણ ચોરીની લીલા એક પ્રતીકાત્મક લીલા છે. ગોપ-ગોપીઓ માટે તેમના દૂધ-માખણ-દહીં તેમની આજીવિકાના સાધનો હતા, તેમના priced material possessions હતા . કનૈયાને ગોપીઓના આ બધા માયાના બંધનો છોડાવવા હતા,એટલેજ તો અનુગ્રહ કરીને દૂધ દહીંની ચોરી કરી તેમણે પોતેજ ગોપીઓના માયાના બંધન તોડવા યત્ન કર્યો. અને આ ગોપીઓ તો પૂર્વજન્મમાં દંડકારણ્યમાં વિચરણ કરતા સાધુ-સંતો હતા. અને એટલેજ સ્વયં કનૈયાએ તેમના માયાના બંધનો તોડ્યા અને જેમ મીરાંબાઈ પદમાં છેલ્લે કહે છે તેમ તેમના મન અને તન પર પોતાનું આધિપત્ય જમાવ્યું.

કાનુડે તે ગેલડા કીધલાં જી
મહીની મટુકી લીધી વ્હાલે ઢુંકી, ગોરસ અમારા પીધા જી
માં-બાપ ની માયા મુકાવી, પોતાના રે હરિયે કીધાજી
વૃંદાવન કી કુંજ ગલનમે,કારજ અમારા સિધ્યાજી
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તન મન હમારા લીધાજી

અને એજ  આધિપત્યના ભાવના પ્રતિભાવ  રૂપે  ગોપીઓના  તન-મન-આત્મા કેવી  પ્રતિક્રિયા આપે છે, તે નીચેના પદ દ્વારા મીરાંબાઈએ રજુ કર્યું છે. મીરાંબાઈ પોતે ગોપી બનીને એ અનુભવમાંથી પસાર થઇ રહ્યાં હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ગોપીઓ તો કનૈયાની પ્રિતમાં સર્વથા મોહિત થઇ ગયેલ છે અને તેમના પ્રાણ કનૈયાની પ્રીત માં હણાઈ ગયા હોય તેમ લાગે છે.અને એજ ભાવ દર્શાવવા મીરાંબાઈ લખે છે કે અમે તમને મૂકીને બીજા કોને ભજીએ અને તમને દીઠા ભેગાજ અમે તો ડગી પણ નથી શકતા એ કક્ષાએ તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા છે.

મહી વેચવા નીસર્યા, મોહનજી અમે મહી વેચવા નીસર્યા
સરખા રે સરખી મળી રે ગોવાલણ,શિર પર માટે ધર્યા
દીઠા પહેલા અમે ડગી નવ શકીએ, પ્રીતે પ્રાણ હર્યા
તમને મેલીને અમે કેને ભજીએ, નજરોમાં નિહાલ કર્યા
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ, કારજ મારા સાખે સર્યાં

ગોપીઓનો અને મીરાંબાઈનો આ જે શ્રી કૃષ્ણ પ્રત્યે અનન્ય ભક્તિનો ભાવ હતો તેજ કદાચ તેમની ભક્તિની તાકાત હતી. અનન્યતાનો ભાવ એ કાંઈ માત્ર શ્રી કૃષ્ણ પ્રત્યે જ હોવો જરૂરી નથી. જેમ દરેક મનુષ્ય માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોય છે તેમ દરેક માટે પોતાના ઇષ્ટ પણ અલગ અલગજ રહેવાના. પણ એ જે તે ઇષ્ટ ની અનન્યભાવે ભક્તિ કરીએ તો કદાચ એ ભક્તિમાં ઇષ્ટની સવિશેષ કૃપાનો ઉમેરો થાય અને એ ભક્તિને એક આંતરબળ મળે એવું હું દ્રઢપણે માનું છું. પુષ્ટિમાર્ગમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ અનન્ય ભક્તિ ઉપર ખુબ ભાર મુક્યો છે.તો ચાલો આજે હું મારા ઇષ્ટનું સ્મરણ કરતા કરતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ!  તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

 અલ્પા શાહ

Image courtesy: gallery.mobile9.com

હાં રે દોસ્ત હાલો અમારે દેશ- 27) મેઘાણીની વ્રત કથાઓ :


આપણે ત્યાં દેશમાં ચોમાસું બેસે એટલે વ્રત વરતોલાં શરું થઇ જાય !
તમને સૌને તમારાં બાળપણનાં એ દિવસો યાદ છે ? ઘરમાં બ્હેનીઓએ વ્રત રાખ્યાં હોય અને એટલા દિવસ જાણેકે બધાંયને મોળાંકત – એટલેકે લગભગ અલૂણું – મીઠા વિનાનું જ ખાવું પડે ? મને યાદ છે એ જયા પાર્વતીનાં, અને ગૌરી વ્રતો! વ્રતના થોડા દિવસો પહેલાં બા નાનકડાં માટીનાં કોળિયા જેવા કુંડામાં જવારા વાવે . .
અમારી કેટલીક બેનપણીઓ એનાં ગીતોએ ગાતી હતી .
“ મારાં જવના જવારા રે , જવ છે ડોલરિયો !
મારા કિયા તે ભાઈએ વાવ્યાં રે , જવ છે ડોલરિયો !
મારી ફલાણી ભાભીએ સીંચ્યાં રે જવ છે ડોલરિયો !
(ઝવેરચંદ મેઘાણીની વ્રતકથાઓ : કંકાવટી !)

પછી વ્રતના દિવસોમાં એનું પૂજન થાય . . અમારી બા કહે:
કંકુ , ચોખા, અબીલ ગુલાલ . ઘીનો દીવડો ,ધૂપ તમામ .
અગરબત્તી ને કપૂર સુગંધી , ને પછી પરસાદની કટકી !

એવરત જીવરતનું વ્રત હોય કે શીતળા સાતમનું , કે વીર પસલી કે રાંધણ છઠ , પણ પ્રત્યેક વ્રત સાથે ફળશ્રુતિએ ખરી જ !
મને નવાઈ તો એ વાતની લાગે કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન !’ કહેતાં આપણે દરેક કાર્યને અંતે કાંઈક ફળ માંગીએ છીએ કેમ ?
કુંવારિકાઓ ગાય: ગોર્યમાં ગોર્યમાં રે ! સસરો દેજો સ્વાદિયો !…. ને પછી સાસુ દેજો ભુખાળવી, નણદલ દેજો સાહેલડી અને પરણ્યો દેજો કહ્યાગરો ! એમ માંગણી થાય !

વ્રત કરવામાં વાર્તાનું એ ખાસ મહત્વ ! વાર્તા સાંભળવાં અમે બધાં ઉત્સુક હોઈએ !
વાર્તા સાંભળવાનો શોખ અને સ્વભાવ માનવ જગતમાં લગભગ સર્વત્ર છે . વરસો પછી , અને હજ્જારો મેલ દૂર , અમેરિકામાં પણ જયારે હું અમારાં બાલમંદિરમાં વાર્તા માંડું તો બધાં જ બાળકો ઘોઘાટ બંધ કરીને વાર્તા સાંભળવાં કાન માંડે ! Once upon a time there was a king .. હું હાથમાં રાજાના મોં વાળો કોઈ ઢીંગલો લઈને વાર્તા માંડું.
નાનપણમાં સાંભળેલી એ વ્રત કથાઓ , મને કોલેજ જીવનમાં સાહિત્યનો અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે ઘણું ખરું એ વ્રત સાહિત્ય ઝવેરચંદ મેઘાણી રચિત વ્રત કથાઓ ; ‘ કંકાવટી’ માંથી જ લેવામાં આવેલું હતું !
મોટાભાગની વ્રત કથાઓમાં વાર્તા જ જાણે કે વ્રત બની જાય છે .
આ જુઓ કંકાવટી ભાગ -૧;
વ્રત કરીએ તો વાર્તા કહેવી !
નરણાં -ભૂખ્યાં વાત કહેવી !
પીપળાને પાન કહેવી ,
કુંવરીને કાંન કહેવી ,
તુલસીને ક્યારે કહેવી , ગામને ગોંદરે કહેવી , ઘીના દીવે કહેવી …વગેરે વગેરે .
મને લાગે છે કે આ વ્રત કથાઓમાં વાર્તાઓનું ખાસ મહત્વ છે , કારણકે આપનો દેશ આમ પણ અંધશ્રદ્ધા અને અજ્ઞાનથી ઘેરાયેલો હતો , તેમાં અંગ્રેજોની ગુલામી ! અને મુસ્લિમ સુબાઓના જુલ્મોથી દટાયેલો !! શ્રધ્ધાજ એક એવો તંતુ હતો જેના આધારે જીવન બળ ટકી રહ્યું હશે ! કઠિયારાએ વ્રત કર્યું એટલે આમ થયું ! સાધુ વાણિયાને તેમ થયું ! વગેરે વગેરે ..
ત્યારે આ બધી વ્રત કથાઓ દીવડામાં તેલ પૂર્વનું કામ કર્યું હશે .
તેમાં વળી જે વાર્તા ના સાંભળે એને જમનાં તેડાં ય આવે.! એવો ભય પણ ઉભો થયો હશે ! પણ સુધારાવાદી મેઘાણીએ શું કર્યું ??
….’ એક જણે વ્રત કર્યાં:એમાં વાર્તા કહેવા સાંભળવાની વિધિ અનિવાર્ય હતી !’
મેઘાણી વાત માંડે છે : સવારમાં નહિ ધોઈ , હાથમાં ચોખા લઇ બા તો ભાઈ પાસે ગયાં.
ભાઈ ભાઈ મારી વાર્તા સાંભળો !
બા , મારે તો ડેલીએ જાવું, બા , મારે તો દરબારે જાવું .. કોઈ વાર્તા સાંભળનાર ના મળ્યું એટલે બાને તો ઉપવાસ થયો !
બીજે દિ , ભાભી કે’ મારેય નવરાઇ નથી ..
ત્રીજે દિ પાડોશણ કે’ મારે ખેતર જાવું , શેઢે ને સીમાડે જાવું ,
બાને ત્રણ ત્રણ દિના ઉપવાસ થયા .
ભાઈએ બૂંગિયો ઢોલ વગડાવ્યો .
એક ડોશી વાર્તા સાંભળવા તૈયાર થઇ .
‘ હું પાંચ રૂપિયાનો દરમાયો દઈશ .. ‘ભાઈએ કહ્યું
વાર્તા આગળ વધે છે .. તમારી જેમ મનેય ઇંતેજારી થઇ હતી :
હવે શું થશે ?શું ડોશી બાની વાર્તા રોજ સાંભળશે ? ને નહીં સાંભળે તો બા ને ઉપવાસ થશે ? બા પાપમાં પડશે ?
પણ આજે જયારે આ લખું છું ત્યારે મને સમજાય છે કે મેઘાણી આ વ્રત કથાઓ પાછળ પણ કોઈ ઉપદેશ આપતા હશે કે શું ?
મેઘાણીની એજ તો કલમની કુશળતાછે !
લખ્યું :
બાએ તો વ્રતનું ઉજમણું કર્યું . બાને તેડવાં તો સરગમાંથી જમડા નહીં પણ વેમાન આવ્યાં !
બા કહે , હું તો સરગમાં આવું , પણ મારી ભેરી વાર્તા સાંભળનાર ડોશીએ આવે !!
મેઘાણીએ લોકોને આમ કેવી કેવી રીતે વાસ્તવાભિમુખ કર્યાં!
એમણે લોક સાહિત્ય શોધ્યું , પણ એમ ને એમ આપણને નથી પીરસ્યું . એમાં એક છબી નહીં , એક ચિત્રકારની કલમ છે . જ્યાં જરૂર પડી છે ત્યાં સુધારા વધારાંએ કર્યાં છે . જાણે કે , એમને સાહિત્યકારનો ખિતાબ નહીં , લોક જાગૃતિની ઝંખના હતી !
હા , એના લીધે એમને લોકસાહિત્યમાં પાઠાન્તરં કર્યાનું મહેણું પણ મરાયું છે , એનાં ઉપર પુસ્તકો ભરાય એટલું વિવેચન થયું છે ! પણ એની ચર્ચા અહીં અસ્થાને છે.
એમણે , આમ જોવા જઈએ તો સોળ જેટલાં પુસ્તકો લોક વાર્તાઓ ઉપર લખ્યાં છે .
સાહિત્ય વાર્તા અને લોકવાર્તા વચ્ચે પાયામાં ફેર છે .
‘ લોક ‘શબ્દમાં એક કરતાં વધુ વ્યક્તિઓ અભિપ્રેત છે . લોકસાહિત્ય ! લોક જાગૃતિ ! આપનો દેશ તો પરંપરાઓથી સભર છે . એમાં બદલાવ લાવવો હોય તો કેવી રીતે લાવી શકાય ?
સદીઓથી અજગરની જેમ ઊંઘતો દેશ !
એને કેવી રીતે જગાડવો ?
મેઘાણીની આ પણ એક મુંઝવણ હતી . ગાંધી યુગમાં જીવેલ આ જીવે લોકોને , લોકોની પાસે જઈને , એમની વચ્ચે રહીને , સાચા અર્થમાં રાષ્ટ્રીય કવિ તરીકેનો સેતુબંધ બાંધવાનો જે પ્રયાસ કર્યો હતો તે સતત જ્યાં ત્યાં ડોકાય છે !
વાચક મિત્રો ! જો તમે પરદેશમાં રહેતાં હશો તો આ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાશે . અહીં અમેરિકામાં નિત નવું શોધવામાં આવે અને સમાજ તરત અપનાવી લે .
પણ દેશમાં , પરંપરાઓથી જડ થઇ ગયેલ વિચારને ઝટ બદલવો મુશ્કેલ છે .
બસ , મેઘાણીએ આજથી સો વર્ષ પૂર્વે , સૌ પ્રથમ વાર્તા સંગ્રહ બહાર પાડ્યો : કુર્બાનીની કથા ; તે તેમાં પણ આ જ વાત કહે છે .

આજે આપણે અમેરિકામાં પણ નાનાં છોકરાંઓને વ્રત કરતાં જોઈએ છીએ ; તે શું ભુખાળવી સાસુ કે સસરો મળે તે માટે ? વ્રત એટલે એક પ્રકારનો સંયમ . બાળકોમાં આપણી સંસ્કૃતિની આછી સમજ આવે , વનસ્પતિ માટે પૂજ્ય ભાવ ઉભો થાય અને સંયમનો પાઠ શીખે , પૂજન સાથે કુટુંબ ભાવ ઉભો થાય એટલે સાચા અર્થમાં આ નવી પેઢી પણ વ્રત કરે છે . અને ત્યારે મેઘાણીની આ વ્રત કથાઓ દિશા સૂચક બની જાય છે

પંડિત યુગનું ભારેખમ વિચાર વાણીથી લદાયેલું પાંડિત્ય ભરપૂર સાહિત્યને બદલે સરળ સહજ સાહિત્ય પીરસનાર પ્રથમ સાહિત્યકાર મેઘાણીની બીજી વાતો આવતે અંકે !

૨૮ -સદાબહાર સૂર -અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

૨૧ જુલાઈ …

આજે રાત્રે કૅલેન્ડરનું પાનું બદલાશે અને આવશે ૨૧ જુલાઈ. અન્ય માટે કદાચેય આ દિવસ એક સામાન્ય દિવસની જેમ પસાર થઈ જશે પરંતુ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતના ચાહકો માટે તો આ દિવસે સુવર્ણ અક્ષરે બે નામ લખાઈ ચૂક્યા હતા.

૨૧ જુલાઈ ૧૯૧૧ અને ૨૧ જુલાઈ ૧૯૧૨ એટલેકે એક વર્ષના અંતરે ગુજરાતની ભૂમિ પર એવી બે વ્યક્તિઓનો જન્મ થયો જે સમયાંતરે વ્યક્તિવિશેષ તરીકે અત્યંત નામના પામ્યા.

જેમના નામ વગર ગુજરાતી કવિતા અધૂરી કહેવાય એવા કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મ થયો ૨૧ જુલાઈ ૧૯૧૧ના દિવસે અને એક વર્ષ પછી ૧૯૧૨ની ૨૧મી જુલાઈએ જન્મ થયો ગુજરાતી સુગમ સંગીતની ઇમારતના પાયા જ નહીં આખે આખી ઇમારત જ કહી શકાય એવા આપણા વહાલા ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસનો.

આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાના પદો, અખાના છપ્પા, કબીરના દોહા, મીરાંભાઈના ભજનઓથી માંડીને આજ સુધી આપણે પણ કેટ-કેટલાં ગીતો, કાવ્યોને આસવાદ્યા હશે. અનેકવિધ રચનાઓ સાંભળી હશે, માણી હશે પણ આજે એક વાત નિશ્ચિતપણે કહી શકાય કે અવિનાશ વ્યાસે સુગમસંગીતની એક એવી અનોખી રીત આપણને આપી જેનાથી એ આજે પણ એ ચિરસ્મરણીય બની રહ્યા છે.

આવા ચિરસ્મરણીય ગીતકાર-સંગીતકારે એક અનોખું સપનું સેવ્યું હતુ. ઘણા વર્ષો પહેલાંની વાત છે. અવિનાશ વ્યાસ કે અવિનાશ વ્યાસના સપનાની વાત કરનાર વરિષ્ઠ પત્રકાર શશિકાંત નાણાવટી આજે હયાત નથી પણ એમણે કહેલી વાત આજે યાદ આવે છે.

શશિકાંત નાણાવટી માટે અવિનાશ વ્યાસ અતિ અંતરંગ વ્યક્તિ હતા. ઘણી ઘનિષ્ઠતા હતી. જ્યારે એ અવિનાશ વ્યાસ વિશે વાત કહે ત્યારે એ આત્મિયતાના ભાવ એમના અવાજમાં પડઘાતા.

એ કહેતા કે,  “અવિનાશ વ્યાસને અમદાવાદ કે અમદાવાદની નજીક નાદબ્રહ્મ, એટલે કે એક એવી સંગીતની સંસ્થા, સંગીતની ઈમારત બનાવવાની ઇચ્છા હતી જ્યાં સંગીતની તમામ સવલતો હોય. જ્યાં ચોવીસ કલાક સંગીત ગુંજતું હોય. સંગીતની જ્યામ તાલિમ અપાતી હોય અને જ્યાં સતત સંગીત વહેતું હોય એવા સાધનાભવનનું સર્જન કરવું. એમણે એવી ઈમારતનો કૉન્સપ્ટ પણ તૈયાર કરાવેલો જેમાં તબલા અને વચમાં વીણા હોય. અંદર ઑડિટોરિયમ હોય, મ્યૂઝિકરૂમ હોય, રિહલ્સર કરવાની સવલત હોય. કોઈપણ સંગીતકાર કે કવિનું જીવન ધન્ય થઈ જાય એવું સપનું એમણે સેવ્યું હતું.”

આગળ વધતા એમણે કહ્યું હતું કે, “ એ સ્વપ્ન સાકાર કરવાની અવિનાશભાઈની અદમ્ય ઇચ્છા હતી. અવિનાશભાઈએ ગુજરાત માટે જે કંઈપણ કર્યું છે એ પછી ગુજરાતનો એ ધર્મ બની રહે છે કે અવિનાશભાઈ નથી ત્યારેપણ અવિનાશભાઈનું આ સ્વપ્ન સાકાર કરવું જોઈએ. પ્રત્યેક ગુજરાતીને એ પ્રતિજ્ઞા હોવી જોઈએ. સાચા અર્થમાં અવિનાશભાઈના નામે એક સંગીત અકૅડમિ હોવી જોઈએ.”

આવતી કાલના ૨૧ જુલાઈના આ પરમ દિવસ માટે પ્રભુને પ્રાર્થીએ કે ગુજરાત અને ગુજરાતીઓ આવા સ્વપ્નદ્રષ્ટાનું સપનું સાકાર કરવા કટીબદ્ધ થાય. અવિનાશ વ્યાસનું આ સપનું આકાર લે અને સાકાર થાય એ એમની પ્રત્યેનું આપણું કર્તવ્ય બની રહેવું જોઈએ.  ગુજરાતી સુગમ સંગીતને આટલી સમૃદ્ધ બનાવનાર ગીતકાર-સંગીતકારનું ઋણ ચૂકવવાની તો આ એક તક છે.

આજે એમના આ સ્વપ્ન-નાદબ્રહ્મ ઈમારતની વાત કરી રહી છું ત્યારે એમની એક રચના યાદ આવે છે જેમાં જાણે સ્વપ્નદ્રષ્ટા એટલેકે ભવિષ્યની કલ્પના કરનાર એક દ્રષ્ટાની નજરે જે જોયું કે વિચાર્યું એની શાબ્દિક રજૂઆત છે.

નાદબ્રહ્મ-સંગીતનું સાધનાભવન અવિનાશ વ્યાસનું એક એવું સ્વપ્ન હતું જેમાં સાવ અનોખી ઈમારતની રચનાની વાત હતી જ્યારે આ શબ્દોમાં ઢાળેલી એક એવી રચના છે જેમાં નાદબ્રહ્મને -નાદરૂપી પરમતત્વને આ ચારેકોર વેરાયેલા વિવાદ, વિખવાદ, વ્યથાની આંધી દૂર કરવા પ્રગટ થવાની પ્રાર્થના છે.

કહે છે,

હે નાદબ્રહ્મ જાગો….

આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,

ને સૂનું જગત દેશ-દેશ પ્રાંત પ્રાંત છે,

વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.

અવિનાશ વ્યાસ કોઈ ભવિષ્યવેત્તા કે નજૂમી નહોતા. એ હતા માત્ર ઋજુ હ્રદયના, અત્યંત સંવેદનશીલ વ્યક્તિ. છતાં એમણે જે વાત કે વ્યથા આ રચનામાં વણી છે એ જાણે -અજાણે આજે આપણી નજર સમક્ષ દેખાઈ રહી છે. એમની વ્યથા આજની આપણી કથા બની ગઈ છે. ચોમેર વાદ-વિવાદ અને વિખવાદ વેરાયેલો છે. વિશ્વ આખુંય વણદીઠી વ્યાધિથી સતત ઘેરાયેલું છે. એમાંથી બચવાનો કોઈ આરો કે ચારો નથી ત્યારે એમ થાય કે આટલી દૂર સુધીની પરિસ્થિતિ વિશે વિચારવાની એમનામાં કઈ શક્તિ હશે!

આજે આપણે પણ સૌ ખરા ભાવથી આપણી ભાવટ ભાંગવા ઈશ્વર અવતાર ધરે એવી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પ્રાર્થનાનો સૂર અવિનાશ વ્યાસની આ રચનામાં પડઘાતો સંભળાય છે.

ફરી કૃષ્ણ તણી બંસરી લઈને આવો,

ફરી એક તાર, એક પ્રાણ સકળમાં જગાવો,

હે આદ્ય ષડજ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો,

ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ,

શમી જાય આ વિખવાદ, ગર્જાવો આ શંખનાદ,

એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,

હે નાદબ્રહ્મ જાગો…….

વિશ્વના ખૂણે ખૂણેથી અવાજ ઉઠ્યો છે. એક એક એવા બુલંદ શંખનાદની જરૂર છે જેનાથી ચારેકોર ઉમટેલા કોલાહલને શમાવે,  સમસ્ત જગતનું ચેતન જગાવે. આજે બંસરીના એક એવા સૂરની જરૂર છે જેનાથી પ્રાણતત્વના, આપણી ચેતનાના તાર રણઝણી ઉઠે. વિખવાદના સૂરને અનુરાગના, પ્રેમના કોમળ સ્વરમાં પલટાવે.

કોઈ કોમળ, સંવેદનાથી છલોછલ હ્રદયની વ્યક્તિ જ્યારે નાદબ્રહ્મને જગાવે ત્યારે તો એ પરમતત્વને  જાગવું પડશે ને?

આશા રાખીએ કે અવિનાશ વ્યાસની કલ્પનાના એક નાદબ્રહ્મને આકાર મળે અને બીજા નાદબ્રહ્મને અનુરાગનો અવાજ મળે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com