૨૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-માયા દેસાઈ

જીવતરના મેઘધનુષ

શચીના હાથમાં રિટાયરમેન્ટનો  ચેક હતો, બાકીના પેપર્સ  હતાં જે તે જોઈ રહી હતી કે પેન્શન ના નોમિનેશન માં સનત ,એના પતિનું નામ હતું.બંનેના ફોટા સાથેની પાસબુક વિગેરે પર તે નજર ફેરવી રહી અને ૩૫ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢવા તેનું મગજ મથી રહ્યું હતું.ક્યા એ શચી કાન્તિલાલ મહેતા, તરવરતી યુવતી ,કેટલી ય વાતો ,કારકિર્દી ના સપનાઓ, મમ્મી-પપ્પા ની લાડકી કારણ કે એના જન્મ બાદ ઘરમાં પુત્ર ,શૌનકનો જન્મ ! મોટી બહેન સૂર્યા સાથે ની યાદોએ એને હચમચાવી નાખી… બંને બહેનો એકબીજાં ની પૂરક, જાણે સખીઓ જ. મમ્મીની નાદુરસ્ત તબિયત, નાનો ભાઈ વિગેરે એ શચીને અવિવાહિત રહેવા પ્રેરેલી.સૂર્યાના લગ્ન, એનાં બાળકો,જીજા સનતભાઈ ,શૌનક અને મમ્મી , પપ્પા માં એણે ખુશી ને સમેટી રાખેલી. બેન્ક કારકિર્દી મા આગળ વધવા સાથે જીન્દગી  ગુજરી રહી હતી ત્યારે એક વજ્રઘાત
થયો.બહેન સૂર્યાની તબિયત વારંવાર બગડવા લાગી,એનાં બાળકો  વત્સલ- વિધિ ને નાના-નાની,માસી પાસે વધુ રહેવાનું થવા લાગ્યું. એમાં યે જ્યારે સૂર્યાને કેન્સર હોવાનું જણાયું ત્યારથી નાના વત્સલ-વિધિ માસી ને જ લાડ માટે શોધતાં.માસીએ પણ તેમને ઓવારીને હૂંફ અનેહામ આપી.જીજા સનતભાઈને પણ શચી હિંમત આપતી  કે વિજ્ઞાનની  શોધ સાથે કેન્સર સામે લડી શકાય છે …પણ!!
સૂર્યાની આયુષ્ય રેખા જ ટૂંકી દોરી હતી વિધાતાએ.શચી નું શાન્ત્વન સૂર્યાની પીડા અને તડપ સામે મૂન્ગુ થયી જતું.”માસી,માસી ” ના પડઘા ઘરમાં ઘૂમરાતા રહેતાં. દુઃખ ની આ ઘડીમાં આ બે ભૂલકાંઓ પૂરતી જ દરેક વ્યક્તિ હાસ્ય ના મુખવટા  પહેરીને ફરતી.લગભગ બે વર્ષ કેન્સરે માનો T-20 જેવી ઈનીન્ગ્ઝ રમવાનું નક્કી કર્યું હતું , કેમોથેરાપી, આયુર્વેદિક દવાઓ, માનતા-બાધા-આખડી સામે સૂર્યાની બૉલીન્ગ બિન અસરકારક પૂરવાર થયી .
પોતાની કારકિર્દી ને નેવે મૂકી શચીએ વત્સલ -વિધિનેમા ની ખોટ ન વર્તાવા દીધી.એમનો અભ્યાસ,એમની નિર્દોષતા ન ખોરવાઈ જાય એ માટે તે સતત મથતી રહેતી . બાળકોએ  જાણે આવું જીવન ,મા વિનાનું જીવન  સ્વીકારી લીધું હતું અને મોસાળને જ પોતાનું  ભવિષ્ય  માની લીધું હતું. વચ્ચે વચ્ચે સૂર્યાની આજીજીના લીધે મા ને મળવા જતાં ,પણ બાળમાનસ આવનારી મુસીબતને ,મા ની વિદાયને કલ્પી શકવા અસમર્થ હતું.આ બધાંમાં શચી જાણે અનેક રોલ ભજવતી નાયિકા બની જતી અને પરિસ્થિતિને સંભાળી લેતી.સૂર્યાની ગેરહાજરી વિશે કલ્પી બધાં જ ઢીલાં પડી જતાં…અને છેવટે  એ દિવસ આવી જ ઊભો.ઝઝૂમવાની તાકાત સામે કેન્સરે પોતાની વિજયપતાકા લહેરાવી જ.નમાયા
થયેલાં વત્સલ – વિધિ , વિધુર સનત, માંદી માતા અને પિતાને સંભાળતી શચી પણ સૂર્યાને વળાવતા ઢગલો થયી ગયી.બાળપણની કંઈ કેટલીય વાતો એને રડાવી ગયી , પછી એ મોગરાનો ગજરો હોય કે સૂર્યાને ભાવતી ગોળપાપડી.. ઓશિયાળા વત્સલ-વિધિને માસીને રડતાં જોવી ગમતી નહોતી.તેમણે શચીને માસી,માસી કહી શાન્ત પાડવા પાન્ગળો પ્રયત્ન કર્યો.વત્સલ જો કે મૃત્યુવિશે થોડુંક સમજતો પણ વિધિને  બધું જ અજીબ લાગી રહ્યું હતું.સૂર્યાની ગેરહાજરી પચાવતા બધાંને ખાસ્સોસમય લાગ્યો.
  એક દિવસ સનતભાઈએ બાળકોને ઘેર  લઈ જવાની ખોખલી માંગણી મૂકી. બધાં જ જાણતાં હતાં કે આ વસ્તુ વ્યવહારીક નહોતી.સ્ત્રી વિનાના ઘરમાં બાળકોને કોણ સાચવશે ,એ સવાલ સનત સહિત સૌને મૂન્ઝવી રહ્યોહતો.વત્સલ -વિધિ પણ એકલાં પિતા સાથે જતાં અચકાઈ રહ્યાં હતાં.”માસી, મારૂં માથું કોણ ઓળી આપશે ? મને કવિતા કોણ શિખવાડશે ?”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ  ને ??”વાતાવરણ વધુ વજનદાર બન્યું ..
શચી તે દિવસે ગયી અને સૂર્યાની તસવીર જાણે તેને આવકારી રહી.સનત નું ભારી મૌન , બાળકોની માસી પ્રત્યેની અગાધ લાગણી ,શચીની મૂન્ઝવણ વધારી રહ્યાં હતાં.હોસ્પિટલ માં સૂર્યાને આપેલી બાળકો વિશેની ખાત્રી એને અંદરથી ખળભળાવી રહી હતી.સમય દરેક ઘા ને ભૂલાવી દે  છે ,એ વાત સૂફિયાણી છે એમ શચી અનુભવવા લાગી.માસી સિવાય વત્સલ- વિધિનો ન દિવસ ઊગતો ,ન રાત પડતી . એવામાં એક દિવસ શચી ફ્લુ માં પટકાઈ ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયાં ,જાણે ઘર ચાલતું જ બંધ પડી ગયું .શચીના માથે હાથ ફેરવતી વિધિને જોઈ ,શચીની મા ને છેલ્લાં  કેટલાંક દિવસથી મૂન્ઝવતો પ્રશ્ન જાણે ઉકલતો લાગ્યો .
“વિધિ,મા બોલ,મા બોલ,માસી નહીં “.આ સાંભળી શચી પણ ઝબકી ઊઠી .પણ મા ની સમજાવટ અને વત્સલ-વિધિનાભવિષ્ય વિશે વિચારી શચી ચૂપ થઈ ગઈ.સનતનીસામેકોઈ પર્યાય હતો જ નહીં ,વળી સૂર્યાની માંદગી દરમ્યાનતે શચી વિશે ખૂબ જાણતો થયી ગયો હતો,તેથી શચી જ સૂર્યાની જગ્યા સારી રીતે નિભાવશે એ સ્વીકાર્યું . બંને એ ખૂબ સમજદારીથી સંસાર નિભાવ્યો.શચીએ માતૃત્વ નોઓડકાર વત્સલ -વિધિ દ્વારા માણ્યો અને પોતાની કૂખે જન્મેલાં  બાળકો જેટલો જ પ્રેમ અને વહાલ વર્ષાવ્યા.સનતે શચીની કારકિર્દી વિશેની ઈચ્છાઓ પૂર્ણ કરવાની પૂરતી તક આપી.જેથી આજે આ કાર્ય નિવૃત્તિ વેળાએ બધું જ મેળવ્યાની અદ્ભુત લાગણી થઈ . માતાપિતાની લાડકી શચી આજે ખુદ દાદી બની ગયી હતી અને નાનકડા વેદાંતની અદાઓ નીરખી રહી હતી.૬૦વર્ષની જીવનયાત્રાના આ જંક્શન પર એ વિરામ લઈ પાછલી યાત્રાના સંસ્મરણોને વાગોળતી હતી ત્યારે ક્યાંક ગીત
વાગી રહ્યું  હતું,
    જીન્દગી કૈસી હૈ પહેલી હાયે,
   કભી યે હંસાયે ,કભી યે રુલાયે..
જાણે મેઘધનુષના વિવિધ રંગ !!!
માયા દેસાઈ