તરૂલતા મહેતા નિબંધ સ્પર્ધા – 2019નું પરિણામ

મિત્રો,
ગયા શુક્રવારની ‘બેઠક’ ખૂબ સરસ રહી, પણ હા, મેં તક ગુમાવી. મારી ગેરહાજરીમાં રાજેશભાઈ અને કલ્પનાબેને ખૂબ સુંદર સંચાલન કર્યું, તરુલતાબેનની હાજરીએ ‘બેઠક’ને પાઠશાળાનો માહોલ આપ્યો. વિજેતાઓને ઇનામ અને વાચકોને વિષયનું જ્ઞાન આપી તરુલાતાબેને પ્રોત્સાહન આપતાં ‘બેઠક’ની પાઠશાળાનું સુંદર સંચાલન કર્યું. કલ્પનાબેનની રસોઈએ સ્વાદનો ચટાકો આપ્યો તો શ્રોત્તાઓની હાજરીએ ઉત્સાહ દેખાડ્યો. નવા આવેલા પ્લેઝન્ટનના ત્રણ લેખકોએ પહેલીવાર ગુજરાતીમાં લેખ લખ્યો. તેમની કલમને અને રજૂઆતને ‘બેઠકે’ નવાજી. એક પછી એક બધાની રજૂઆત સુંદર રહી, તો  સપનાબેને વાચિકમ્ દ્વારા પોતાની જિંદગીનો વળાંક (ટર્નીંગ પોઈન્ટ) દર્શાવ્યો. આમ, બેઠક સુંદર રહી. ગૌરવ અને આનંદ બંને અનુભવાય છે.
તરૂલતા મહેતા નિબંધસ્પર્ધા 2019નો વિષય હતો ‘મારા જીવનનું વળાંકબિદું’ (ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ) જેનું પરિણામ જાહેર કરતી વખતે મને સ્પર્ધકો માટે ગૌરવ અને આનંદ થાય છે.
પ્રિય સાહિત્યરસિક મિત્રો,
‘મારા જીવનનું વળાંકબિંદુ’ વિષે કુલ ઓગણીસ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌને મારા તરફથી હાર્દિક અભિનંદન છે. પરદેશમાં માતૃભાષા ગુજરાતીમાં લખવાના પડકારને પહેલીવાર કલમ ચલાવનાર લેખકોએ ઝીલ્યો છે. કારણ કે બધું જ શિક્ષણ અંગ્રેજીમાં, કેરિયર અને આસપાસ બધા લોકો સાથેની વાતચીત અંગ્રેજીમાં, ગુજરાતી ઘરમાં બોલાય તો નસીબ બાકી સ્કૂલની ચોપડીઓમાં ગુજરાતી કેદ. હવે લખવાની શરૂઆત થઈ છે તો ખૂબ લખો તેવી શુભેચ્છા. ‘બેઠકના’ વિષયો પર લખી પુસ્તક પ્રકાશન કર્યા હોય તેવી લેખિકાઓ અમારા માટે ગૌરવ છે. ‘બેઠક’ માતબર સર્જકોની છે. કોને ઇનામ આપવું?
સ્પર્ધાના નિયમો, ભાષાની શુદ્ધિ, લેખની સચોટતા, રસદર્શન અને ઘૂંટાયેલાં જીવનમંથનને લક્ષમાં લઈ મેં નિર્ણય લીધો છે. સ્પર્ધા નિમિત્તે લખવાનો સળવળાટ થાય, તમારામાં ધૂમરાતું, ધૂંટાતું કશુંક માતૃભાષા ગુજરાતીમાં અભિવ્યક્ત થાય. અને એ રીતે, આપણી ભાષાને જીવંત રાખી તેનાં વિકાસમાં યથાયોગ્ય પ્રદાન કરીએ તો મારો તમારો માંહ્યલો રાજી થાય.
પરિણામ:
પ્રથમ ઈનામ : બે લિખિકાઓને સંયુક્ત છે.
(1) વૈશાલી રાડિયા $ 20
(2) અમિતા ધારિયા $ 20
દ્વિતીય ઇનામ : બે લેખિકાઓને સંયુક્ત છે. 
(1) સપના વિજાપુરા $ 15
(2) જિગીષા પટેલ $ 15
તૃતીય ઇનામ : બે લેખિકાઓને સંયુક્ત છે.
(1) પ્રજ્ઞા દાદભાવાલા $ 10
(2) ડો.દર્શના નાડકર્ણી $ 10
પ્રોત્સાહક ઇનામો :  
(1) કલ્પના રધુ શાહ $ 15
(2) જયવંતિ પટેલ  $ 15
સૌ વિજેતાઓને મારા તરફથી અભિનંદન. ભવિષ્યમાં આ રીતે સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતી ભાષામાં લખતાં રહેજો અને માનું ઋણ ચૂકવતાં રહેશો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ ગુજરાતીમાં લખાવાના આપણા પ્રયત્નોથી ભાષાને જીવંત રાખી શકીશું તેવી આશા સેવીએ. ‘શબ્દોનું સર્જન’ નવા લેખકોને તક આપે છે. ‘બેઠક’ના વિષયો પર લખવાની મથામણ કરતાં કેટલાય લેખકોની કલમ ઘડાઈ છે. પ્રજ્ઞાબેન સંચાલિત ‘શબ્દોનું સર્જન’ અને ‘બેઠક’ પહેલીવાર કલમ ઉપાડનારને પ્રોત્સાહન આપી તેમને લખવાનું બળ આપે છે. તેમની આ સેવાને બિરદાવીએ અને તન-મન-ધનથી સહકાર આપી કૃતાર્થ થઈએ.
માતૃભાષા ગુજરાતીના મીઠાં ટહુકાને સાંભળવાં આપણે ઉત્સાહથી પ્રજ્ઞાબેન, કલ્પનાબેન અને રાજેશભાઈ સંચાલિત આ ‘બેઠક’માં હાજર રહીએ છીએ. ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ તેમ કંઈક નવા વિષયો, પ્રયોગો અને અભિવ્યક્તિને માણીએ છીએ. વિચારવિમર્શ, મૈત્રી અને સ્નેહની લ્હાણી સાથે મઝેદાર વાનગીને માણી નવું લખવાના વિચાર સાથે ફરી મળવાનો વાયદો કરીએ છીએ.
સૌને શુભેચ્છા, 
જય ગૂર્જર ગિરા 
તરૂલતા મહેતા 30મી સપ્ટે. 2019

મિત્રો બધાને અભિનંદન, બધી વાર્તા આપ અહી વાંચી શકશો.  tarulata metha – ટર્નીંગ પોઇન્ટ બૂક

નિબંધ કેવી રીતે લખવો? તરૂલતા મહેતા

 

ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ  ઉત્તમમાધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.

નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!

નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!

નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!

પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.

નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.

આટલા આયોજન કર્યા બાદ નિબંધ લખવાની શરૂઆત કરવી જોઈએ! અત્રે ધ્યાન રાખવું કે નિબંધનું સ્વરૂપ ફકરાનું રાખવું જોઈએ. પોઈન્ટમાં ઉત્તર લખવા નહિ. આ ઉપરાંત ઉત્તર લખતી વખતે શક્ય હોય તેટલી વધુ આકૃતિઓ દોરવી જોઈએ. જ્યાં બને ત્યાં સુધી ચાર્ટ, નકશા વગેરે ઇંફોગ્રાફિક્સ દ્વારા દર્શાવવું જોઈએ. લખતી વખતે ચર્ચાની ભાષા પ્રયોજીને વિષયના વિવિધ પાસાઓ ચર્ચવા જોઈએ. ઊંચા સ્તરની તર્કસંગતતા જાળવવી જોઈએ.

આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.

નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ગાઇડો અને અપેક્ષિતોના આધારે માર્ક મેળવવાના આપણા વલણને લીધે આજે બાળકો ક્રિએટીવીટી ગુમાવી બેસે છે. અને લાંબાગાળે ગોખણપટ્ટીનુ આ શિક્ષણ બિનઉપયોગી બની રહે છે.ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમત્તમ માધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.

નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!

નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!

નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!

પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.

નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.

આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.

નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે.  ક્રિએટીવીટી  એ સાહિત્યનો પ્રાણવાયુ છે.   રસાળ નિબંધ જીવનના પરમ રહસ્ય અને સત્યને સહજ રીતે વાચક સમક્ષ ખોલે છે.

તરૂલતા મહેતા

(હિરેન દવેની કોલમને આધારે )

૨૦૧૯ ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા

‘શબ્દોના સર્જન ‘ પર 2019ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.

આપ સૌ કલમપ્રેમીઓને આ નિબંધ સ્પર્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ છે.
(1)  નિબંધ સ્પર્ધાનો વિષય છે: ‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ
 (ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ )
કોઈ ઘટના ,પ્રસંગ કે કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત વિષે પ્રમાણિકતાથી ,નિખાલસપણે રસપ્રદ ભાષામાં નિબંધ લખાય તેવી આશા છે.સોનુ જીવન અલગ હોય તેથી દરેક નિબંધ મૌલિક રીતે લખાયો હશે.આ નિબંધ આત્મકથાના અંશ જેવો હોય તેવી અપેક્ષા છે.ગાંધીજીની, ગુણવંત શાહની, જ્યંત પાઠકની ,ઇન્દુલાલ યાજ્ઞિકની કે ડો. પ્રતાપભાઈ પડયાની આત્મકથામાં તેમના જીવનના ટર્નીંગ પોઇન્ટની વાત લખેલી છે.દરેક લેખકે પોતાનો
પસંગ લખવાનો છે.એક માત્ર પસંગ આખા જીવનમાંથી ચૂંટીને વિચારપૂર્વક લખશો.

(2)  શબ્દોની મર્યાદા –લઘુત્તમ 800 અને મહત્તમ 1200 

                              800 થી ઓછા કે 1200થી વધુ શબ્દોવાળા  નિબંધ સ્પર્ધાને યોગ્ય નહિ ગણાય.

(3) આ સ્પર્ધાના ત્રણ વિજેતાને ઇનામ મળશે અને બે પ્રોત્સાહક ઇનામ મળશે.
     પ્રથમ  ઇનામ : $ 40 (ચાલીશ ડોલર )
     દ્રિતીય  ઇનામ :$ 30 (ત્રીસ ડોલર)
      તૃતીય ઇનામ ; $ 20 (વીસ ડોલર )
     પ્રોત્સાહક ઇનામ : પ્રથમ $15(પંદર ડોલર)
     પ્રોત્સાહક ઇનામ : દ્રિતીય $15(પંદર ડોલર)

(3) નિબન્ધ જુલાઈ 2019ની 31મી તારીખ પહેલાં મોકલી દેવો ત્યારપછી સ્વીકારવામાં આવશે નહીં.

સૌ મિત્રો તમારી કલમને નિબંધના સ્વરૂપમાં વહેતી કરો.ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ આપણી માતૃભાષાને માતબર કરો.ગુજરાતીમાં બોલો ,વાંચો અને લખો જેથી ભાષાનું સંવર્ધન થશે.આવી સ્પર્ધા નિમિતે માતૃભાષામાં સાહિત્ય સર્જવાનો જે મોકો મળે છે તેને વધાવી લો.શુભસ્ય શીઘ્રમ .સૌ શબ્દોના સર્જન કરનારને તેની ઉપાસના માટે શુભેચ્છા !
જય ગુર્જર ગિરા
તરૂલતા મહેતા 14મી જૂન 2019
નોંધ :(યોગ્ય લાગે તે ફેરફાર કરશો।)

બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

૩૧મી ઓગસ્ટ  2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી  પ્રાર્થનાથી  શરૂઆત  થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક સાથે સુંદર જમણ માણતા એક પરિવાર જેવો આનંદ માણ્યો.ગીતાબેન ભટ્ટ ખાસ લોસ અન્જ્લીસ આવી બેઠકમાં હાજરી આપી,અને જન્મદિવસ ઉજવ્યો તો દર્શનાબેન ,સપનાબેન ,અને વસુબેનને બેઠકમાં સૌ સાથે જન્મદિવસ ઉજવી આનંદ મેળવ્યો. કા,ર્ડ  ગીફ્ટ ફૂલની આપલે થઇ અને સૌએ સહિયારા આનંદ ની અનુભૂતિ કરી.
 પ્રથમ શરૂઆત વાચિકમ દ્વારા થઈ.બેઠક વાંચનથી માંડી લેખન ,સંગીત અને નાટ્ય દ્વારા માતૃભાષાને જીવંત રાખે છે.પ્રજ્ઞાબેન લિખિત એક વાર્તા -“મારી મરજી” રમુજી વાર્તા,શરદ દાદભાવાળા,મૌનીક ધારિયા,દર્શના વારિયા નાડકર્ણી,સરિફ વિજાપુરા,જીગીષા પટેલ,ગીતા ભટ્ટ, …દ્વારા થઇ. દરેકની રજૂઆત સુંદર રહી.

ગુજરાતી ભાષાપ્રેમીઓ –  વાર્તા સ્પર્ધાનું પરિણામ જાણવા સૌ ઉત્સુક હતા .જેનો અંત તરુલાતાબેને જાહેરાત કરી લાવ્યા.અહી એક ખાસ વાત કહેવાની કે તરુલાતાબેન સદાય બેઠકને માર્ગદર્શન આપતા રહ્યા છે અને એક સાચા ગુરુની જેમ વાચકને લખવા પ્રેરી રહ્યા છે.વાર્તા સ્પર્ધા યોજવા પાછળ ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી તેમની શુભ ભાવના રહેલી છે. 
તરુલતાબેન મહેતા આયોજિત વાર્તા સ્પર્ધા  જેનો વિષય હતો  ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન”
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે તેવું જણાવતા તરુલાતાબેને કહ્યું  કે આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને  બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે.અને  ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને  અઢળક અભિનન્દન આપ્યા અને જણાવ્યું કે ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે

દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ અને અંતમાં કહ્યું કે વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’. 

વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.

પ્રજ્ઞા દાદભાવાળા

તરૂલતા મહેતા વાર્તાસ્પર્ધા પરિણામ

પ્રજ્ઞાબેન સંચાલિત ‘બેઠક ‘ના ઉપક્રમે ‘શબ્દોના સર્જન ‘ બ્લોગ પર દરવર્ષની જેમ આ વર્ષે પણ તરૂલતા મહેતા  વાર્તાસ્પર્ધા  સાપ્રંતની સમસ્યાને  લક્ષમાં લઈ

 આયોજિત થઈ હતી. જેનો વિષય ‘કુટુંબ અને કારકિર્દી -સંઘર્ષ અને સમતુલન ‘.
સર્જકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો . વાચકોને  26 વાર્તાનો રસથાળ માણવાની તક મળી. આગામી વર્ષોમાં છપ્પન ભોગ વાચકોને ધરાવી શકીએ તેવી આશા છે. આપણી માતૃભાષામાં સ્પર્ધાના નિમિતે નવી કલમો ઘડાતી જાય અને ગુજરાતી  ભાષાનું ખેડાણ -સંવર્ધન થતું રહે તેવી શુભ ભાવના સ્પર્ધા પાછળ રહેલી છે. બાકી સાહિત્યના આકાશમાં બધા જ સિતારાઓનું પોતાનું આગવું તેજ જરૂર હોય છે.હું સૌ સર્જકોનું સન્માન કરું છું . પ્રત્યેકની શક્તિને બિરદાવું છું . શબ્દોનું સર્જન કરવાની પ્રભુ તરફથી તમને મળેલ ભેટ તમારું ઇનામ છે જેને મુક્ત પણે વહેવા દઈ વાચકોની તરસને ઠારતા રહેજો. આ ધન જેટલું વહેંચીએ તેટલું રાત દિવસ વધે છે. ઇનામ વિજેતા સૌ વાર્તાકારોને મારા તરફથી અઢળક અભિનન્દન।
વાર્તા સ્પર્ધાનું પરિણામ :
પ્રથમ  ઇનામ:    વાર્તા નં (12) શીર્ષક સંવેદના તાન્યા રૉય ($ 51)-વૈશાલી રાડિયા
દ્વિતીય ઇનામ :  વાર્તા નં (13) શીર્ષક નો એન્ટ્રી -પ્રવેશબંધ ($35)-ગીતા ભટ્ટ 
તૃતીય ઇનામ :   વાર્તા નં (2) શીર્ષક  મૌન   ($25)-સપનાબેન વિજાપુરા
આશ્વાસક ઇનામો :
(1) વાર્તા નં 8 શીર્ષક પ્રાયોરીટી  ($15)-કલ્પના રઘુ 
(2) વાર્તા નં 23 શીર્ષક સ્ત્રી -સમોવડી ($15)-નિરંજન મહેતા
ઇનામ પાત્ર બનેલી વાર્તાઓએ વિષયવસ્તુ ‘ કુટુંબ અને કારકિર્દી સંઘર્ષ અને સંતુલનને અપેક્ષા મુજબ છણાવટ કરી છે.સંઘર્ષનું વાતાવરણ જમાવી અંતમાં વાચકને વિસ્મય આપ્યું છે.કોઈ બોધ કે શિખામણ ટાળી વાર્તા રસની સરસ જમાવટ કરી છે.કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધેલી સ્ત્રીઓનું  મજબૂત વ્યક્તિત્વ ઝીલાયું છે.પ્રેમ -માતૃપ્રેમની  સંવેદના પ્રબળપણે
દેખાય છે.શિશુનો જન્મ ,ઉછેર દાંપત્ય જીવનને મહેકાવે છે તેથી તે માટે ભોગ આપવાની તૈયારી આધુનિક પતિ -પત્નીમાં દેખાય છે . પુરુષ સમોવડી સ્ત્રી અને સ્ત્રીની જેમ બાળઉછેરની જબાબદારીમાં ભાગીદાર બનતો સ્ત્રી સમોવડો પુરુષ સુખી કુટુંબની આગાહી કરે છે. વાર્તામાં હરિફાઈ છે તો વિકાસ માટે બાકી જીવનમાં નર -નારી એકબીજાના સહભાગી છે ,સમાન છે.બે હાથની તાળીના સંગીતમાં જીવનમેળામાં મહાલી લઈએ .
વાર્તામાં ભાગ લેનારા સૌ સર્જકો તમારી કલમને નિરંતર કસતાં રહેજો .એમાં સ્વને મળતા આંનદની સાથે વાચકોને આનન્દ મળશે.મને તમારી વાર્તાઓએ ભરપૂર રસાનન્દ આપ્યો છે.
શબ્દને બ્રહ્મ કહ્યો છે તેની ઉપાસના બ્રહ્માનન્દનો અનુભવ કરાવે છે.’માંહી પડ્યા તે મહાસુખ માણે ‘ આપ સૌને ફરી અભિનન્દન અને શુભેચ્છા  .
જય ગુર્જર ગિરા।
તરૂલતા મહેતા 21મી ઓગસ્ટ 2018

૨૬-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-કુંતા શાહ

ત્રાજવુ

૧૯મી ઓક્ટોબર, ૧૯૮૭.

આજે ધન તેરસ હતી એટલે લક્ષ્મીપૂજનની તૈયારીમાં પરોવાયેલી અર્ચનાએ પતિ, રાજુલને બે ત્રણ વાર બોલાવ્યો પણ રાજુલે  જવાબ નહીં આપ્યો એટલે એ શયનખંડ તરફ વળી. ઉઘાડા કમ્પુટરના કિબોર્ડ પર માથુ મુકીને રાજુલને સુતો જોઇ અર્ચના રાજુલને ઉઠાડવા પાસે સરી. રાજુલનાં રુંધાએલા ડુસ્કાનો અવાજ  સંભળાયો. ત્યાં જ કમ્પુટર પર થીજી ગયેલા “SHARE MARKET CRASHED” શબ્દો જોઇ ઘડિભર એનો શ્વાસ થંભી ગયો. પોતાના આંસુ રોકી,  ધડકનને સ્થિર કરી, તરત જ તેણે રાજુલને માથે હાથ ફેરવતા કહ્યુ “પૈસા માત્ર લક્ષ્મી ક્યાં છે? આપણો પ્રેમ, મમ્મીની કેટલીએ વિપરિત પરિસ્થીતિઓમાંથી તટસ્થ રહીને ઉપર આવવાની અપાર શક્તિ અને આપણા બે રતન, એ જ અમુલ્ય લક્ષ્મી સ્વરુપ છે.  ચાલ, ઊઠ,  લોકોના ફોન આવે કે લોકો બારણા ખખડાવે એ પહેલા આપણે પૂજા કરી લઇએ અને ચા નાસ્તો કરી લઇએ.”  રેશમી સાડીના પાલવથી આંસુ લુછતી અર્ચનાને રાજુલ ભેટી પડ્યો.

લગ્નને હજી ત્રણ વર્ષ પુરા થવાને છ મહિનાની વાર હતી. અર્ચનાએ બરોડા કોલેજમાંથી એકાઉન્ટંટ ડિગ્રી ૧૯૮૪માં મેળવી હતી અને રાજુલે બરોડા યુનિવર્સિટિમાંથી MBA in Business ની ડિગ્રી ૧૯૮૨માં મેળવી હતી. બેઉને કોલેજની પરીક્ષા પાસ થતાં જ, સુરતની બાર્જાત્ય સિલ્ક મિલ્સમાં નોકરી મળી હતી. એક જ જ્ઞાતના એટલે સાહજિક મળે ત્યારે સાધારણ વાતો કરતા.  દિવસો જતાં ક્યારે મળશું એ વિચારની લગની બેઉને લાગી ગઇ.

એ મુંગા પ્રણયને ત્રણેક મહીના થયા હશે.

હંમેશની જેમ, આ શુક્રવારે પણ અર્ચના અમદાવાદ રહેવાસી પિતા, જતીનભાઇ અને માતા સુમતિબેનને મળવા ગઇ.  થોડીવારે જતીનભાઈએ કહ્યું કે “રાજુલના માતા, મીરાબેને રાજુલ માટે, સામે ચાલીને તારા હાથની માંગણી કરી છે તો તારી શું મરજી છે? તારે વિચાર કરવાનો સમય જોઇએ તો કંઇ ઉતાવળ નથી.”

અર્ચનાનાના હોઠ મલકી ગયા એ પિતાને વળગી પડી.

તરત જ સુમતીબેને સુરતવાસી મીરાબેનને ફોન કરી શુભ સમાચાર આપ્યા અને રવિવારે જ વેવિશાળની વિધિ ઉજવાઇ.  પ્રણામ કરતી અર્ચનાને બાથ ભિડતા મીરાબેને “મારા ઘરમાં લક્ષ્મીનાં પગલા ક્યારે પડશે તેની આતુરતાથી વાડ જોઉ છું.” કહી સહુના મનમાંથી સાસુ નહી પણ બીજી મા જ અર્ચનાને મળી છે એ જાણી ખુબ આનંદ થયો.

રાજુલ અર્ચનાને સુરત બતાવવા બહાર લઇ ગયો. શેરડીનો રસ પીતા પીતા અર્ચનાએ રાજુલને પુછ્યુ “તું મમ્મીને મન ખોલીને બધું જ કહી શકે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. મારા વિષે તેં જ મમ્મીને કહ્યું હતું, ખરું, ને?”

“હા. આ જમાનામાં નોકરીને ખાતર માબાપ હોવા છતાં એકલી રહે છે એ જાણી તારી હિંમત પર મને ખૂબ માન થયું. જતીનબાપુને કઇં તારી કમાણીની જરૂર ન હતી. તારા સ્મિત અને તારી આંખોમાં હું હંમેશ પ્રસન્નતા સાથે સંયમ જોતો. મમ્મીને મેં જ કહ્યું હતું કે તુ મને ગમે છે. બસ, મમ્મી તમારુ સરનામુ મેળવી, અમદાવાદ જતિનબાપુ અને સુમતિમાને મળવા ગઇ., હે, મમ્મીએ તો તારી ચિત્રકળા પણ જોઇ, મને ક્યારે બતાડીશ?”

“તુ અમદાવાદ આવે ત્યારે! રાજુલ, મને તો મમ્મી બહુ ગમે છે.”

“મમ્મીને પણ તું ગમી ગઈ છે.”

૧૯૮૫ની છઠ્ઠી જાન્યુઆરીએ લગ્ન લેવાયા. આજે અતુલ દોઢ વર્ષનો અને મહેશ ત્રણ મહિનાનો.

અતુલના જનમ પહેલા જ અર્ચનાએ નોકરી છોડી દીધેલી. બીજી વાર અર્ચના ગર્ભવતી થઇ ત્યારે એની તબિયત એટલી બગડી કે એને પથારીવશ થવું પડ્યું.  રાજુલે નક્કી કર્યું કે અર્ચનાની સારવાર અને અતુલની દેખરેખ એ પોતે જ કરશે એથી એણે પણ રાજીનામુ.આપ્યું. ઘરે બેઠા કંઇક કમાણી કરવી જોઇએ એ વિષે મમ્મી અને અર્ચના સાથે વાત કરી, મિત્રો અને સગાઓના સહયોગથી શેરબજારમાં રોકાણ કરવાનું શરુ કર્યુ

હજુ તો પાયો નંખાતો હતો ત્યાં ધરા જ સરકી ગઇ!!!

પોતાનું ઘર ગિરવે મુકી મીરાબહેને પૈસા અર્ચનાના હાથમાં મુક્યા. અર્ચનાએ પણ પોતાના દાગીના વેચી નાખ્યા. ધાર્યું હતું એના કરતાં ઉઘરાણી નિમિત્તે લેણદારોએ ઘણી સભ્યતાથી માંગણી કરી. જેમની પાસેથી નાણાં વ્યાજે લીધેલાં તેઓને હિસ્સા પ્રમાણે ૫૦% આપી દીધા અને બાકી માટે છ મહિનાનો વાયદો માંગ્યો, જે લેણદારોએ વધુ વ્યાજે સ્વિકાર્યો.

અમેરિકામાં વસતા સુમતિબેનની એકની એક બહેન લતા અને બનેવી કિરણભાઇની અત્યારે એવી જ હાલત હતી.  ચાર વર્ષ પર કિરણભાઈએ નોકરી છોડી, ઘર ગિરવી મુકી,  ધંધો શરુ કર્યો હતો. લતા ઘરનું બધું કામ પતાવી કિરણને મદત કરવા ફેક્ટરીમાં જતી. લતા અને કિરણભાઇની દેખરેખ વગર સવારથી મોડી રાત સુધી તરુણ દીકરી, રાગિણી અને  ૧૦ વર્ષનો દીકરો, કમલ સ્કુલે જતાં, લતાએ બનાવેલું ખાઇ લેતા અને મોટે ભાગે સુઇ જતાં. લતાને જવું જ પડતું કારણ બેથી વધુ કારીગરોને પગાર આપવાના પૈસા હતા નહીં. જરુર પડે એક મિત્ર બાળકોની સંભાળ લેતા. માની હૂંફ અચાનક જતી રહી એથી બેઉ બાળકો પર દુઃખદ અસર પડી. બેઉને લાગ્યુ કે મા બાપના જીવનમાં એમનું કઇં મહત્વ નથી.  ભણવામાંથી મન ઉઠી ગયું, ડાહ્યો દીકરો તોફાની થઇ ગયો. છોકરાઓને ક્યાં ખબર હતી કે મોટે ભાગે દૂધ વગરની દસ ગણા પાણી વાળી કોફી પર જીવતાં મા બાપને કેટલી ચિંતા હતી. આખરે ઓક્ટોબરની ૧૯મી પછી ઘણા ધંધા બંધ થઇ ગયા અને કિરણની ફેક્ટરી પણ બંધ થઇ ગઇ. ઘર ગુમાવ્યું, છોકરાઓનો પ્રેમ અને આદર ગુમાવ્યા, લતાએ તરત જ નવી નોકરી શોધી તેથી ભાડુ ભરવાના પૈસા તો મળી રહેતા પણ બીજો ખર્ચો બહુ વિચારીને કરવો પડતો.  લતા અને કિરણ પણ બોલ્યા વગર સાથે રહેતા હતા. સબંધોના તાર તુટી ગયાં હતા. એમને મદત કરનાર કોઇ ન હતુ. અમેરિકામાં ડોલર પહોચાડી મદત થાય એટલા રુપીઆ સુમતિબેન પાસે નહી હતા. પ્રાર્થનાથી મન મનાવ્યુ.

અર્ચનાની આવી પરિસ્થિતી જાણી, અમદાવાદનું ઘર વેંચી જતીનભાઇ અને સુમતીબેન  સુરત આવી વસ્યા.  આર્થિક મદત કરવાના એમના પ્રસ્તાવને, “ના, હું ક્યાં નથી જાણતી કે કેવી પરિસ્થીતિમાંથી તમે ઉંચા આવ્યા છો? માએ તો કોઇ દિવસ નોકરી પણ કરી ન હતી. કરકસરથી ઘર ચલાવી હું માની જ દીકરી છુ એ સાબિત  કરવાનો મને અવસર મળ્યો છે તો એ લ્હાવો કેવી રીતે જતો કરું?” એમ કહી અર્ચનાએ જ ના પાડી.  તો પણ સુમતીબેન અવાર નવાર ખાવાનુ બનાવીને લઇ જતાં અને પૌત્રો માટે રમકડાં અને કપડાં લઇ જતાં.

જિંદગીના આ પાસામાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું તેની યોજના કરતાં કરતા, એક વિશિષ્ટ બાળમંદિર ખોલવાનો વિચાર આવ્યો અને અપનાવ્યો. ઘર સારુ એવું મોટુ હતું.. બાળકોને ભણાવવાનો ઓરડો, રમવાનો, જમવાનો જુદો અને આરામ કરવાનો જુદો ઓરડો. રસોઇ ઘર અને બાથરૂમની નીચે વ્યવસ્થા હતી જ. ગુજરાતિની  સાથે સાથે અંગ્રેજી ભાષાનો પણ પરિચય આપતાં.  બાળમંદિરના બાળકો માટે સવારનો નાસ્તો અને બપોરનું જમણ પણ તેઓ જાતે જ બનાવતા.  અર્ચનાએ ભણાવવાની અને કારોબારની જવાબદારી લીધી, રાજુલે બાળકોની દેખરેખની, ચોક્ખાઇ અને બાળકોને રમાડવાની જવાબદારી લીધી અને મીરાબહેને રસોડુ સંભાળ્યુ.  બાળકોના ઘરેથી કોઇ કુટુંબી મીરાબહેનને કે રાજુલને મદત કરવા આવતા તો તે બાળકોની ફીમાં દિવસના ૪% પ્રમાણે ઘટાડો કરી આપતા.  એ રીતે બાળકોના માબાપને અનુભવવા મળ્યુ કે અર્ચના કેટલી ઇમાનદાર છે અને બાળમંદિરમાં કેટલા પ્રેમ અને શિષ્ટાચારથી બાળકોનો વિકાસ થાય છે!. બાળમંદિરની ખ્યાતિ જોત જોતામાં એવી પ્રસરી કે બાળકોની સંખ્યા વધવા માંડી. આવક આવતાં એમેણે પહેલાં લેણદારોના પૈસા ચુકવ્યા, પછી ઘર છોડાવ્યું અને પછી ઉપરના માળિઆના છાપરાને ઊંચુ કરી ૩ શયનખંડ, દિવાનખંડ અને બાથરૂમની સગવડ કરી. હવે ઘણા લોકોએ અર્ચનાને વિનંતિ કરી કે પ્રાથમિક શાળા ખોલો એટલે સ્કૂલબોર્ડની સંમતી લીધી.  ઘરને ફરતી જમીન પર બીજા ૪ ઓરડા અને એક બાથરૂમ બંધાવ્યા. પ્રાથમિક શાળા શરુ કરી.  પરિવારનાં સત્કર્મોના ફળરૂપે લક્ષ્મી દેવી ફરી પધાર્યા છે.

હવે લતા અને કિરણભાઈની પરિસ્થીતિ પણ ઉર્ધ્વગામી છે,  એમના અથાગ પરિશ્રમ અને પ્રમાણિકતાના પ્રભાવે, ઇશ્વ્રની કૃપા વરસી છે. ભુતકાળ ભૂલીને બેઉ જીવનની આંટીઘુંટીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને સારી પદવીવાળી નોકરી કરે છે. પાછું ઘર ખરીદ્યુ છે રાગિણી અને કમલનાં હોઠપરનું સ્મિત જોઇ લતાનાં થીજેલા આંસુ ઓગળતા જાય છે.

સપના વિજાપુરા

૨૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-માયા દેસાઈ

જીવતરના મેઘધનુષ

શચીના હાથમાં રિટાયરમેન્ટનો  ચેક હતો, બાકીના પેપર્સ  હતાં જે તે જોઈ રહી હતી કે પેન્શન ના નોમિનેશન માં સનત ,એના પતિનું નામ હતું.બંનેના ફોટા સાથેની પાસબુક વિગેરે પર તે નજર ફેરવી રહી અને ૩૫ વર્ષની કારકિર્દીનું સરવૈયું કાઢવા તેનું મગજ મથી રહ્યું હતું.ક્યા એ શચી કાન્તિલાલ મહેતા, તરવરતી યુવતી ,કેટલી ય વાતો ,કારકિર્દી ના સપનાઓ, મમ્મી-પપ્પા ની લાડકી કારણ કે એના જન્મ બાદ ઘરમાં પુત્ર ,શૌનકનો જન્મ ! મોટી બહેન સૂર્યા સાથે ની યાદોએ એને હચમચાવી નાખી… બંને બહેનો એકબીજાં ની પૂરક, જાણે સખીઓ જ. મમ્મીની નાદુરસ્ત તબિયત, નાનો ભાઈ વિગેરે એ શચીને અવિવાહિત રહેવા પ્રેરેલી.સૂર્યાના લગ્ન, એનાં બાળકો,જીજા સનતભાઈ ,શૌનક અને મમ્મી , પપ્પા માં એણે ખુશી ને સમેટી રાખેલી. બેન્ક કારકિર્દી મા આગળ વધવા સાથે જીન્દગી  ગુજરી રહી હતી ત્યારે એક વજ્રઘાત
થયો.બહેન સૂર્યાની તબિયત વારંવાર બગડવા લાગી,એનાં બાળકો  વત્સલ- વિધિ ને નાના-નાની,માસી પાસે વધુ રહેવાનું થવા લાગ્યું. એમાં યે જ્યારે સૂર્યાને કેન્સર હોવાનું જણાયું ત્યારથી નાના વત્સલ-વિધિ માસી ને જ લાડ માટે શોધતાં.માસીએ પણ તેમને ઓવારીને હૂંફ અનેહામ આપી.જીજા સનતભાઈને પણ શચી હિંમત આપતી  કે વિજ્ઞાનની  શોધ સાથે કેન્સર સામે લડી શકાય છે …પણ!!
સૂર્યાની આયુષ્ય રેખા જ ટૂંકી દોરી હતી વિધાતાએ.શચી નું શાન્ત્વન સૂર્યાની પીડા અને તડપ સામે મૂન્ગુ થયી જતું.”માસી,માસી ” ના પડઘા ઘરમાં ઘૂમરાતા રહેતાં. દુઃખ ની આ ઘડીમાં આ બે ભૂલકાંઓ પૂરતી જ દરેક વ્યક્તિ હાસ્ય ના મુખવટા  પહેરીને ફરતી.લગભગ બે વર્ષ કેન્સરે માનો T-20 જેવી ઈનીન્ગ્ઝ રમવાનું નક્કી કર્યું હતું , કેમોથેરાપી, આયુર્વેદિક દવાઓ, માનતા-બાધા-આખડી સામે સૂર્યાની બૉલીન્ગ બિન અસરકારક પૂરવાર થયી .
પોતાની કારકિર્દી ને નેવે મૂકી શચીએ વત્સલ -વિધિનેમા ની ખોટ ન વર્તાવા દીધી.એમનો અભ્યાસ,એમની નિર્દોષતા ન ખોરવાઈ જાય એ માટે તે સતત મથતી રહેતી . બાળકોએ  જાણે આવું જીવન ,મા વિનાનું જીવન  સ્વીકારી લીધું હતું અને મોસાળને જ પોતાનું  ભવિષ્ય  માની લીધું હતું. વચ્ચે વચ્ચે સૂર્યાની આજીજીના લીધે મા ને મળવા જતાં ,પણ બાળમાનસ આવનારી મુસીબતને ,મા ની વિદાયને કલ્પી શકવા અસમર્થ હતું.આ બધાંમાં શચી જાણે અનેક રોલ ભજવતી નાયિકા બની જતી અને પરિસ્થિતિને સંભાળી લેતી.સૂર્યાની ગેરહાજરી વિશે કલ્પી બધાં જ ઢીલાં પડી જતાં…અને છેવટે  એ દિવસ આવી જ ઊભો.ઝઝૂમવાની તાકાત સામે કેન્સરે પોતાની વિજયપતાકા લહેરાવી જ.નમાયા
થયેલાં વત્સલ – વિધિ , વિધુર સનત, માંદી માતા અને પિતાને સંભાળતી શચી પણ સૂર્યાને વળાવતા ઢગલો થયી ગયી.બાળપણની કંઈ કેટલીય વાતો એને રડાવી ગયી , પછી એ મોગરાનો ગજરો હોય કે સૂર્યાને ભાવતી ગોળપાપડી.. ઓશિયાળા વત્સલ-વિધિને માસીને રડતાં જોવી ગમતી નહોતી.તેમણે શચીને માસી,માસી કહી શાન્ત પાડવા પાન્ગળો પ્રયત્ન કર્યો.વત્સલ જો કે મૃત્યુવિશે થોડુંક સમજતો પણ વિધિને  બધું જ અજીબ લાગી રહ્યું હતું.સૂર્યાની ગેરહાજરી પચાવતા બધાંને ખાસ્સોસમય લાગ્યો.
  એક દિવસ સનતભાઈએ બાળકોને ઘેર  લઈ જવાની ખોખલી માંગણી મૂકી. બધાં જ જાણતાં હતાં કે આ વસ્તુ વ્યવહારીક નહોતી.સ્ત્રી વિનાના ઘરમાં બાળકોને કોણ સાચવશે ,એ સવાલ સનત સહિત સૌને મૂન્ઝવી રહ્યોહતો.વત્સલ -વિધિ પણ એકલાં પિતા સાથે જતાં અચકાઈ રહ્યાં હતાં.”માસી, મારૂં માથું કોણ ઓળી આપશે ? મને કવિતા કોણ શિખવાડશે ?”વિધિના નિર્દોષ પ્રશ્નો.વત્સલ નુંઅનાયાસ સૂચન ,”માસી , તું પણ ચાલ  ને ??”વાતાવરણ વધુ વજનદાર બન્યું ..
શચી તે દિવસે ગયી અને સૂર્યાની તસવીર જાણે તેને આવકારી રહી.સનત નું ભારી મૌન , બાળકોની માસી પ્રત્યેની અગાધ લાગણી ,શચીની મૂન્ઝવણ વધારી રહ્યાં હતાં.હોસ્પિટલ માં સૂર્યાને આપેલી બાળકો વિશેની ખાત્રી એને અંદરથી ખળભળાવી રહી હતી.સમય દરેક ઘા ને ભૂલાવી દે  છે ,એ વાત સૂફિયાણી છે એમ શચી અનુભવવા લાગી.માસી સિવાય વત્સલ- વિધિનો ન દિવસ ઊગતો ,ન રાત પડતી . એવામાં એક દિવસ શચી ફ્લુ માં પટકાઈ ત્યારે બધાં જ સ્તબ્ધ થઈ ગયાં ,જાણે ઘર ચાલતું જ બંધ પડી ગયું .શચીના માથે હાથ ફેરવતી વિધિને જોઈ ,શચીની મા ને છેલ્લાં  કેટલાંક દિવસથી મૂન્ઝવતો પ્રશ્ન જાણે ઉકલતો લાગ્યો .
“વિધિ,મા બોલ,મા બોલ,માસી નહીં “.આ સાંભળી શચી પણ ઝબકી ઊઠી .પણ મા ની સમજાવટ અને વત્સલ-વિધિનાભવિષ્ય વિશે વિચારી શચી ચૂપ થઈ ગઈ.સનતનીસામેકોઈ પર્યાય હતો જ નહીં ,વળી સૂર્યાની માંદગી દરમ્યાનતે શચી વિશે ખૂબ જાણતો થયી ગયો હતો,તેથી શચી જ સૂર્યાની જગ્યા સારી રીતે નિભાવશે એ સ્વીકાર્યું . બંને એ ખૂબ સમજદારીથી સંસાર નિભાવ્યો.શચીએ માતૃત્વ નોઓડકાર વત્સલ -વિધિ દ્વારા માણ્યો અને પોતાની કૂખે જન્મેલાં  બાળકો જેટલો જ પ્રેમ અને વહાલ વર્ષાવ્યા.સનતે શચીની કારકિર્દી વિશેની ઈચ્છાઓ પૂર્ણ કરવાની પૂરતી તક આપી.જેથી આજે આ કાર્ય નિવૃત્તિ વેળાએ બધું જ મેળવ્યાની અદ્ભુત લાગણી થઈ . માતાપિતાની લાડકી શચી આજે ખુદ દાદી બની ગયી હતી અને નાનકડા વેદાંતની અદાઓ નીરખી રહી હતી.૬૦વર્ષની જીવનયાત્રાના આ જંક્શન પર એ વિરામ લઈ પાછલી યાત્રાના સંસ્મરણોને વાગોળતી હતી ત્યારે ક્યાંક ગીત
વાગી રહ્યું  હતું,
    જીન્દગી કૈસી હૈ પહેલી હાયે,
   કભી યે હંસાયે ,કભી યે રુલાયે..
જાણે મેઘધનુષના વિવિધ રંગ !!!
માયા દેસાઈ

૨૪-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-પ્રજ્ઞા દાદભાવાળા

મારી મરજી

રવિ  ઓફીસની બહાર નીકળી.નીચે આવ્યો,ફોન લગાવ્યો.
હલ્લો રેહા.. શું કરું ?
રેહા એ કહ્યું …સાંભળ.. મેં  તો તને કહ્યું  દીધું , પણ તારી મોમ  કહે તેમ કર.માવડીયો.
રવિ વિચારવા લાગ્યો.
ઘરના બધા નારાજ થઇ જશે આમ પણ પપ્પાને મારા કોઈ નિર્ણય મેચ્યોર નથી લગતા અને મમ્મી ડ્રામાં ક્વીનની જેમ મને બ્લેક મૈલ કરશે. રડશે બે દિવસ ખાશે નહિ.
આ મનને ક્યાં સુધી મારું ?
પપ્પાને કામ કરતા મહેનત કરતા ઝઝુમતા, મેં જોયા છે.પણ પપ્પા વસ્ત્વીક્તાને ક્યાં સ્વીકારે છે.રવિના મને દલીલ કરી..
રવિ ફરી ઓફિસમાં ઉપર ગયો. પોતાની ડેસ્ક પણ ગોઠવાયો.
ત્યાં તો બોસ આવ્યા.. કામ આજે થઇ જશે ને ?બેટા તારા પપ્પા ને તારા માટે ખુબ આશાઓ છે.
રવિ એમને જોઈ રહ્યો.. .પછી ધીરેથી બોલ્યો,
હા સર બસ હમણાં જ પૂરું કરીને આપી જાઉં છું.
રવિએ ઘડિયાળ માં જોયું , પછી કેલેન્ડર માં ને ફરી ઘડિયાળ માં જોયું.ઓહ્હ…આજે તો ૨૦ તારીખ પણ થઇ ગઈ ને પપ્પા ઇન્કમટેક્ષ રીટર્ન માટે લોહી પીએ છે.આજે તો કરવું જ પડશે.નહીતો ઘરમાં દાખલ થતા જ કહેશે
“આટલો ભણાવ્યો ગણાવ્યો તો પણ આપણા કોઈ કામનો નહિ”.
આ લોકોને આ બધા ડાઈલોગ કોણ લખીને આપતું હશે ?કે પોતેજ સ્ક્રીપ્ટ રાઈટર હશે. …યાર મારે મારા પપ્પાના રીટર્ન ફાઈલ કરવાના છે ! અને મને આ શું સુજે છે ?…શું કરું મને નાટક સિવાય ક્યાં કઈ બીજું સુજે છે. આ નોકરી કી ટોકરી ક્યાં સુધી ઉચકીને ફરું ?
ફરી રવિએ કામ આટોપવામાં મન પરોવ્યું. ત્યાં રેહા નો ફોન આવ્યો.
“અરે, સંભાળ તો ..?” વાઈફ ટહુકી..    સંભાળે છે ને ?
“ના ….બહેરો છું …(કાશ ..હોત…)”
“આજે સાંજે પેલી સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે. તારે  મમ્મીને લઇ જવાના છે.વહેલા આવી જઈશ  ને ?”
ના હું નહિ આવું .મારે રીટર્ન ફાઈલ કરવાના છે …એટલે મારે ઓફિસેથી સાંજે ત્યાં જવું પડશે તો હું નહિ આવું” તું લઇ જા …
અરે તમારી માતૃશ્રીને મારી સાથે ફાવતું હોત તો શું જોતું હતું ?
નવું બોલ …બીજું કઈ ? હવે મને કોઈ કામ કરવા દેશો..
સારું …રવિ “આજ માટે આટલુ જ બસ.”
ત્યાં તો મમ્મીનો ફોન આવ્યો બેટા પપ્પાનું કામ આજે પૂરું કરી દેજે નહીતો નારાજ થશે.
મમ્મી કેવી રીતે થશે ? તમને સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે તેમાં લઇ જવાના છે ને ?
તમે આજે રેહા સાથે જાવ તો સારું ..
જો બેટા એ ડિવોર્સી સાથે મને નહિ ફાવે..
મમ્મી …હવે એ મારી પત્ની છે. હું મારી મરજીથી એને પરણીને લાવ્યો છું.
મમ્મીએ ઈમોશનલ બ્લેક મેલીંગ શરુ કર્યું …હા આખી જિંદગી અમે તારા સપના જોયા ..અને મહેનત કરી ભણાવ્યો (અને રડવાનું શરુ)
મમ્મી તું રડ નહિ..(મમ્મી એ પોતાનું હથિયાર વાપર્યું )
બેટા તું ક્યાં અમારો વિચાર કરે છે? પેલીએ જાદુ કર્યો છે તારી ઉપર, બસ આજ બાકી હતું. અને ફોન મુકી દીધો.અને હું બબડ્યો લોકો ને હક્ક જમાવતા આવડે છે સંબધો નહિ .
રવિ ફરી કામે લાગ્યો. અને ઝડપથી કામ પતાવી બે એન્વલપ ફાઈલમાં મૂકી ,ફાઈલ સરના ટેબલ પર મૂકી આવ્યો. આમ તો રવિનો  બોસ એના  પપ્પા નો જાસુસ હતો. હું શું કરું છું ક્યાં જાવ છું ક્યારે આવું છું. વગેરે મારા પપ્પાને વિગત આપતા.
રવી કામ પતાવી રીક્ષામાં બેઠો .રીક્ષામાં આવતો પવન આજે મુક્ત થયાનો અહેસાસ કરાવતો હતો.
સાંજે નાટકની પ્રેક્ટીસ માટે પણ જવું હતું આ નાટકમાં પોતે મુખ્ય પત્ર ભજવવાનો હતો જીવનનું એક સ્વપ્ન હતું કે રંગમંચ પર નામ મેળવીશ. આ નાટક હોલીવુડમાં ડ્રામા ફેસ્ટીવલમાં જવાનું હતું મારે માટે રંગમંચ એક સુંદર સ્વપ્ન હતું જેને મારે સાકાર કરવું હતું ,રેહા સાથે મુલાકત પણ ત્યાં જ થઇ હતી.એક વિચારો એક સપનાં બન્નેએ સાથે જોયા. રેહા ખુબ સરસ સ્ક્રીપ્ટ લખતી, મને એની વાર્તાના પાત્રમાં પરોવી દેતી.હું પણ જાણે એજ પાત્ર છું,એવું અનુભવતો હતો.એના છુટાછેડા થયા હતા. સ્ત્રી એ લગ્ન પછી ઘર સંભાળવું જોઈએ એવું માનતા તેના પપ્પા રેહા ને દોષિત માનતા. પણ મને એ ખુબ પ્રોત્સાહન આપતી.રેહા પાસે જે હિમત હતી તે મારી પાસે ના હતી તે ઉંબરા ઓળંગી મારે ત્યાં આવી ગઈ હતી. બે દિવસ ઘરમાં ધમાલ મચી ગઈ. મારા પપ્પા એ મોંન ધારણ કર્યું. અને મમ્મીએ ઝેર ખાવાની ધમકી.
મમ્મીએ ફરી એક ઇમોશનલ ડાઈલોગ માર્યો “મારા એકના એક દીકરા માટે આવી પત્ની!… નાટકમાં કામ કરતી હોય અને પાછી ડિવોર્સી ..હે ભગવાન મને ઉપાડી લ્યો…”
આવું એક મહિનો ચાલ્યું.પછી બન્ને શાંત પડ્યા.પપ્પા એ એક દિવસ ડાઈલોગ માર્યો “મારા મિત્રને ત્યાં સારી નોકરી શોધી છે.કામે લાગો તો સારું નહીતો પત્ની ને શું જમાડશો” ?
પપ્પા નો નિત્ય ક્રમ હતો સવારે નાસ્તાના ટેબલ પર અને રાત્રે ઘરે આવું ત્યારે આવા ડાઈલોગ બોલવા, મને ઘણી વાર થતું આ સારા સ્ક્રીપ્ટ રાઈટર થઇ શકે છે.શા માટે પોતાની ટેલેન્ટ વેસ્ટ કરતા હશે મને કોઈ ફર્ક પડતો ન હતો હા એના ફોનથી અને ડાઈલોગથી મારી સવાર બગડતી અને કામે મન ચોટતું નહોતું.મારું મન સતત કહેતું કે મને જે કરવું છે જેમાં મારે આગળ વધવું છે એમાં કેમ મને સહાય નથી કરતા ? આ પ્રશ્ન મને કોરી ખાતો ..નાનપણમાં મારી માં મને સ્ટેજ પર જોઈ હરખાતી હતી એ હવે આ સ્ટેજને કેમ સ્વીકારતી નથી.? અને તેની વહુ સાથેની લડત ક્યારે બંધ થશે?
એક વાર તો ડાઈલોગ માર્યો કે હવે નાટક કરતા કરતા વંશ વધારો તો સારું ! એજ ટીપીકલ સાસુ !
અને મેં વચ્ચે કહ્યું મોમ એને આમ અપમાનિત ન કરો..
“એ ડાહ્યા…હવે બહુ દોઢ ના થઈશ” વહુ ઘેલો …
રેહા મારી સામે ઘૂરકીને જોઈ રહી ..
મને થયું આ બધા વચ્ચે સાલું મારું શું ?
ત્યાં તો મારી રીક્ષાએ જોરદાર બ્રેક મારી.  વિચારો તૂટ્યા ..સાહેબ આગળ સખત ટ્રાફિક છે . મર્યા હવે ઘરે ક્યારે પોહ્ચીશ ? સાલું મારી સાથે જ કેમ આમ થાય ?
મમ્મી મીટીંગ માં લેટ થઇ જશે..અથવા કદાચ પોહચી નહિ શકે.
મેં શું કરવું તેનો જલ્દી નિર્ણય લઇ લીધો.
તે દિવસે રાત્રે ખુબ મોડો પોહ્ચ્યો. હાશ બધા સુઈ ગયા હતા.
રેહા લાઈટ થતા જાગી .ઉઘમાં હતી બોલી ..માણસ ફોન તો કરે ને ! સુઈજાવ અને ન જમ્યો  હોય તો રસોડામાં છે.આપું ? કે તારી મેળે લઇ લઈશ .
મેં કહ્યું તું સૂઈજા હું ગરમ કરી લઈશ.
પપ્પાના રૂમની લાઈટ ચાલુ હતી ,નવાઈ લાગી હિટલર કેમ શાંત છે? પછી વિચાર આવ્યો માણસ ક્યાં સુધી ફાઈટ કરે ? હું જમીને નિરાંતે સુઈ ગયો. આજે ખુબ સરસ ઊંઘ આવી ,ન સપનામાં લલીતા પવાર સાસુ દેખાણી (મારી મમ્મી ) કે ન હિટલર આવ્યો (સમજી ગયા ને !)
સવારે નાસ્તા માટે ટેબલ પર ગયો તો બધા મારી રાહ જોતા બેઠા હતા, ૧૦ વાગી ગયા હતા તો પણ ત્રણ યોદ્ધા શાંતિથી બેઠા હતા,હિટલર શાંત  ?,સાસુ વહુ પણ શાંત ? નક્કી લોચો છે.મારા બોસે ફોન કર્યો હશે ?
હું ટેબલ પર બેઠો રેહાએ ચા કપમાં રેડી ..હું કપ મોઢે માંડું ત્યાં પપ્પા તાડુકિયા..ઉભો રહે !પણ હું ટેબલ પરથી સીધો ઉભો થઈ ગયો. અને મેં પપ્પાને બોલવા જ ન દીધા
જુઓ આજે હું બોલીશ… કોઈ નહિ બોલે …મને ખબર છે પપ્પા હું તમારા સપના પુરા નથી કરતો, નાનપણ થી તમે કહ્યું તેમ કર્યું છે.અને મમ્મી મને ખબર છે તારા પૌત્ર પૌત્રીને રમાડવાના અભરખા છે.પણ મેં આજે એક નિર્ણય લીધો છે. હું હવે મારી મરજીથી જીવીશ.ગઈ કાલે મેં મારા બોસને એન્વલપ ફાઈલમાં આપ્યું છે. મેં નાટકમાં કામ કરવા માટે અને અમેરિકા જવા માટે અને રજા માટે પરવાનગી માગી છે. સાથે બીજા પત્રમાં લખ્યું છે કે ન આપો તો આ રાજી નામું સ્વીકારજો…
બધા શાંત … સંન્નાટો… કલાઈમેક્સમાં  …બસ મ્યુઝીક વોઝ મિસિંગ …
એટલે  મેં ગાયું.. મને કોઈ રોકે નહિ મને કોઈ ટોકે નહિ. મારી મરજી ..
પહેલીવાર મેં રૂઆબ જમાવ્યો …રેહા જલ્દી ગરમ ચા આપ ..મમ્મી નાસ્તો ક્યાં છે ? પપ્પા મને જરા છાપું આપો તો …

પ્રજ્ઞા  દાદભાવાળા

૨૩-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-નિરંજન મહેતા

સ્ત્રીસમોવડી

કાનન અને દિવ્યેશ કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ MBA પણ એક જ સંસ્થામાંથી કર્યું એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચે નિકટતા હોવાની. એક જ અભ્યાસ અને સરખી વયના એટલે વિચારોમાં પણ મેળ બેસે એટલે જો તેઓએ એકબીજાને પસંદ કરી લગ્ન ન કર્યા હોત તો લોકોને નવાઈ લાગતે. વળી બંનેના માતા-પિતાને પણ આ સંબંધમાં કોઈ વાંધો ન હતો કારણ તેઓ પણ વર્તમાન સમયને સારી રીતે સમજતાં હતાં. તેઓ વિરોધ કરીને બંનેની જિંદગી બગાડવાના વિરોધમાં હતાં કારણ વયસ્ક યુવાન-યુવતીઓ ઉપરવટ થઇ ધાર્યું કરે તેના કરતાં સમજી વિચારીને હા પાડવામાં જ બધાની ભલાઈ છે તેમ વડીલોને લાગ્યું.

આમે ય તે કાનન અને દિવ્યેશ સારી રીતે સમજતા હતાં કે ભાગીને લગ્ન કરવા કરતાં માબાપની સંમતિથી કરેલા લગ્ન આનંદમય બની રહે છે. તેવા લગ્નજીવનનો ઉમંગ પણ અનેરો હોય છે. ભલે તેમની સંમતિ મળતા વાર થાય પણ રાહ જોવા માટે બંને તૈયાર હતાં જો કે આ રાહ બહુ લાંબી ન રહી અને યોગ્ય સમયે લગ્ન થઇ ગયા.

લગ્ન પહેલા કાનન એક ઓફિસમાં કામ કરતી હતી. લગ્ન પછી પણ તે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી એકબીજાની વધુ નજીક આવવા માંગતા હતા એટલે સંતાન માટે ઉતાવળ ન કરવાનો પણ બંનેએ નિર્ણય લીધો હતો. વર્ષોથી એકબીજાને જાણતા અને સમજતા હતા એટલે એમની નિકટતા વધુ નીખરી અને બંને તે કારણે મિત્રો અને સગાઓમાં દ્રષ્ટાંતરૂપ બની રહ્યા. બંને પોતપોતાની ઓફિસમાં પણ કાર્યકુશળતાને લઈને તરક્કી કરતાં રહ્યાં જે સોનામાં સુગંધ બની રહી. આમ બંને એક સુખી અને આનંદી યુગલ બની રહ્યા.

એમના લગ્નના બે વર્ષ બાદ દિવ્યેશના પિતાનું મૃત્યુ થઇ ગયું એટલે હવે દિવ્યેશ પોતાની માતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. શરૂઆતમાં તો તેની માતા નિર્મળાબેન થોડોક મૂંઝારો અનુભવતા કારણ પુત્ર અને પુત્રવધુ કામને લઈને ઘરની બહાર રહે અને આજુબાજુ પણ ફ્લેટ સિસ્ટમને કારણે કોઈ સાથે મળવા કરવાનું નહીં. પણ તેમના આવ્યાના ત્રણ મહિનામાં કાનન મા બને તેવા એંધાણ વર્તાયા. આ જાણી નિર્મળાબેન રાજી થઇ ગયા કે હવે તેઓ વ્યસ્ત રહી શકશે.

જો કે કાનન આ પરિસ્થિતિ માટે અંદરખાને થોડી નારાજ હતી કારણ હાલમાં જ તેને પ્રોમોશન મળ્યું હતું અને સાથે સાથે આવનારની દેખભાળની જવાબદારી પણ માથે આવી પડી હતી. પોતાના મનની વાત તેણે દિવ્યેશને કરી પણ દિવ્યેશ બાપ બનવાની ખુશાલીમાં કાનનની લાગણીઓને કાં તો સમજ્યો નહીં અને સમજ્યો હોય તો તેની તરફ આંખ આડા કાન કરી લીધા. બે-ત્રણ વાર આ વાત ઉખેળ્યા પછી કાનને લાગ્યું કે દિવ્યેશે આવનારને માટે પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે એટલે તેની કોઈ દલીલો દિવ્યેશ નહીં સ્વીકારે.

એક દિવસ આ વિષે ચર્ચા કરતાં કાનને પોતાના મનની વાત ખુલ્લી કરી કે તેને પ્રસુતિ પછી બહુ બહુ તો ત્રણ મહિનાની રજા મળે પણ ત્યાર પછી શું? પોતાના આવનાર શિશુને તે કોઈ પરાયી કામવાળી પાસે ઉછેરવા નથી માંગતી. જે કાંઈ તેણે જાણ્યું છે અને વાંચ્યું છે તે પરથી તે સમજે છે કે શિશુના શરૂઆતના વર્ષો તેની મા જે રીતે ઉછેરે તેવી રીતે પારકી સ્ત્રી ન કરી શકે. તેણે કહ્યું એ પણ કહ્યું કે શિશુની માને બદલે અન્ય નારીના હાથમાં બાળકનો ઉછેર થાય તો તે બાળકનો વિકાસ જુદી રાહ અપનાવે છે.

કાનનની વાત શાંતિથી સાંભળ્યા બાદ દિવ્યેશ બોલ્યો કે તું તેની ચિંતા ન કર. મા છે ને. તે તો રાજી રાજી છે અને ખુશીથી આવનારનો ઉછેર કરશે. જે રીતે તેણે મારો ઉછેર કર્યો છે તે જોતાં મને નથી લાગતું કે તારી ચિંતા અસ્થાને છે. વળી આપણે તેમને મદદરૂપ થાય એવા કોઈ બેનને પણ રાખી લઈશું જેથી તેમના પર ઓછો બોજો પડે અને બાળકનો ઉછેર પણ યોગ્ય થાય. સવાર સાંજ આપણે તો હાજર રહેવાના એટલે તે રીતે આપણે પણ આપણી રીતે બાળકના ઉછેરમાં યોગ્ય પ્રદાન કરી લેશું. તેમ છતાં તારૂં મન ન માનતું હોય તો ચાલ આપણે માને વાત કરીએ કે નવજાત આવે કે નહી અને આવ્યા પછી તું ઓફિસ જવાનું ઈચ્છે તો તેને કોઈ વાંધો છે? તે જો જવાબદારી લેવા રાજી ન હોય તો આપણે આગળનો વિચાર કરશું.

પણ નાના જીવને શરૂઆતમાં બીમારી આવે ત્યારે તેને આપણી જરૂર હોય અને જો આપણે બંને રજા ન લઇ શકતા હોઈએ તો? કાનને શંકા વ્યક્ત કરી.

તારી શંકા ખોટી છે એમ હું નહીં કહું કારણ આ બાબતમાં અજાણ્યા થવાનો કોઈ અર્થ નથી. પણ એકબીજાના સાથ અને સહકારથી આ તકલીફનો પણ આપણે વખત આવ્યે સામનો કરી શકશું તેની મને ખાત્રી છે.

આટલી ચર્ચા પછી પણ કાનનની માનસિક સ્થિતિ ડહોળાયેલી રહેતી જોઈ દિવ્યેશે નિર્મળાબેનને બધી વાત કરી. શાંતિથી વાત સાંભળી નિર્મળાબેન કાનન પાસે આવ્યા અને ધીરજ આપી કે તારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ આવનાર બાળકને કારણે જે વાતાવરણ બદલાઈ જશે તેનો અનુભવ કર્યા પછી તું પણ તારી જાતને ધન્ય માનશે એક માતા હોવાનો. હા, પ્રસુતિ પછી તું જ્યારે ફરી ઓફિસ જવાનું ચાલુ કરશે ત્યારે વખત પ્રમાણે આપણે જરૂરી વ્યવસ્થા કરી લઈશું જેથી બાળકના ઉછેરમાં કોઈ કમી ન રહે અને તારી કારકિર્દી પણ સચવાઈ જાય એટલે તું નચિંતપણે આગળ વધ.

આ વાત સાંભળી કાનનને એક રીતે થોડી શાંતિ તો થઇ પણ કહ્યા વગર ન રહી કે મમ્મી તમને આ ઉંમરે આવી તકલીફ આપવી ઠીક નથી. જવાબમાં નિર્મળાબેને કહ્યું કે બેટા ફરી મા જેવા લાભ લેવાની તક મળતી હોય તો આ તકલીફ પણ ક્ષમ્ય છે. તું મારી ચિંતા ન કર અને તારી તબિયતની પુરતી સંભાળ લે જેથી બધું સમયસર અને સારી રીતે પતી જાય.

અને યોગ્ય વખતે કાનને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્રણેય બહુ ખુશ થયા અને તેના ઉછેરમાં મસ્ત બની ગયા.

હવે કાનનને ફરી ઓફિસ જવાનું આવ્યું. આટલા દિવસો શિશુ સાથે વિતાવ્યા એટલે મન નહોતું માનતું પણ ફરજ અને જવાબદારીએ તેને હાજર થવા મજબૂર કર્યા. શરૂઆતમાં તો કામમાં મન ન લાગે અને દિવસમાં બે ત્રણ વાર ઘરે ફોન કરી બધું ઠીક છે ને? એમ પૂછવાનું ન છોડતી. પછી વખત જતા બધું થાળે પાડવા માંડ્યું અને નાનો ધૈર્ય પણ દાદીના લાડમાં મોટો થવા લાગ્યો.

પણ સારા દિવસો હંમેશા નથી હોતા. કુદરત આગળ માનવીનું કશું નથી ચાલતું. આ જાણવા છતાં જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે માનવી ઘાંઘો થઇ જાય છે. કાનન અને દિવ્યેશના કિસ્સામાં પણ આમ જ થયું. ધૈર્ય લગભગ દસ મહિનાનો હતો અને એક સવારે નિર્મળાબેન અચાનક બેભાન થઇ ગયા. ડોકટરે તપાસી તરતને તરત હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું. પણ ત્યાં પહોંચતા પહોંચતામાં તો બધું સમાપ્ત.

આ કારમા ઘામાંથી કાનન અને દિવ્યેશને બહાર આવતાં થોડો સમય લાગ્યો પણ અંતે જેમ દરેકે જીવનધારામાં પાછું આવવું પડે છે તેમ તે લોકો પણ સ્વના જીવનમાં પુન: આવી ગયા. પરંતુ હવે મોટો પ્રશ્ન હતો ધૈર્યના ઉછેરનો. કાનને વિચાર્યું કે ધૈર્યની ઉંમરને લઈને તેના ઉછેર માટે બહારના કરતાં તેની વધુ જરૂર છે કારણ સાધારણ રીતે શિશુના ઉછેરમાં માતાના હેત અને સંભાળ વધુ યોગ્ય ગણાય છે. પણ તે માટે તેણે કુરબાની આપવી પડે. પણ જો તે નોકરી છોડી દે તો ઓફિસમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે અને કાબેલિયત પણ વેડફાઈ જાય. ઘરમાં આવતી કમાઈ પણ ઓછી થઇ જાય તે વધારાનું. તો કરવું શું? જો તે દિવ્યેશને પોતાના વિચારો જણાવે અને કહે કે તેની ઈચ્છા નોકરી ચાલુ રાખવાની છે તો તે જરૂર માતાની જવાબદારીઓની ફિલસૂફી આગળ કરશે અને અંતે તેણે નમવું પડશે. પણ વાત નહીં કરે તો પણ સમસ્યા ઊભી જ છે.

પણ કાનનને ઓફિસમાં ફરી પાછા જવાનો દિવસ નજીક આવી ગયો એટલે હિંમત કરી દિવ્યેશ સાથે વાત માંડી. ઓફિસમાં તેનું સ્થાન, પગાર વગેરે દિવ્યેશની જાણ બહાર ન હતાં એટલે કાનને સીધું જ સમસ્યા પર આવી તેનું મંતવ્ય જાણવા માંગ્યું. કાનનની વાત સાંભળી દિવ્યેશે મંદ સ્મિત આપ્યું એટલે કાનનને નવાઈ લાગી અને કહ્યું કે હું એક ગંભીર પ્રશ્ન તને કહું છું જેનું આપણે સાથે મળી તેનું નિરાકરણ કરવાનું છે અને તને હસવું આવે છે?

જવાબ મળ્યો કે શું હું આ પરિસ્થિતિ ઊભી થવાની છે તેનાથી અજાણ છું? અરે મેં તો તેનો ઉપાય પણ ૨૪ કલાક પહેલાં શોધી લીધો છે.

તેં વિચાર્યું જ હશે તે હું માનું પણ તેનો ઉપાય પણ શોધી રાખ્યો અને મને કહ્યું પણ નહીં?

તું ક્યારે મારી સામે હાજર થઇ તારા મનની વાત કરે છે તેની રાહ જોતો હતો અને એટલે જ જ્યારે તેં વાત કાઢી ત્યારે આપોઆપ સ્મિત રેલાઈ ગયું.

તો શું ઉપાય છે તે હું જાણી શકું?

તું નિરાંતે તારી ઓફિસ જઈ શકે છે.

અને ધૈર્યનું શું?

તેને માટે હું છુને.

તારે પણ ઓફિસમાં જવાનું છે તો હું છુને કહીને તું શું કહેવા માંગે છે?

એ જ કે હવેથી હું ઘરે રહી કામ કરીશ. ઘણા વખતથી એક સ્ટાર્ટ અપ કંપની ઉભી કરવાનો વિચાર હતો તે હવે ફળીભૂત થશે. તેને લગતી બધી વ્યવસ્થા સમયાંતરે કરી લઇશ. એટલે ઘરનું ઘર અને ઓફિસની ઓફિસ.

અરે પણ ધૈર્યને સંભાળવાનું તું કરી શકીશ?

કેમ, ફક્ત સ્ત્રી જ બાળઉછેરમાં માહેર છે? તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેના બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસે બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારૂં કામ વ્યવસ્થિત થઇ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઇ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યા દૂર છે? એક ફોન જ કરવાનોને?

દિવ્યેશ, આટલું બોલી કાનન આંખમાં અશ્રુ સાથે તેને વળગી પડી એટલે દિવ્યેશ બોલ્યો કે આજના જમાનામાં નારીઓ પુરૂષ સમોવડી થવાના પ્રયત્નો કરે છે તો પુરૂષે સ્ત્રી સમોવડી થવામાં અચકાવું શા માટે? બસ, હવે નચિંત થઇ ધૈર્ય પાસે જા કારણ લાગે છે કે તેને ભૂખ લાગી છે એટલે તે રડી રહ્યો છે.

નિરંજન મહેતા

૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ

નિર્ણય

વસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી ..
બસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે મુક્તતાનો અનુભવ કરાવતા હતા..કામ કરું છું તો હવે હું મારી મરજીની માલિક.અને તેનું મન વિચારે ચડ્યું ,..
 બાપુજી ભણતરને ખુબ મહત્વ આપતા ,ભાઈ તો ભણ્યો ,પણ અમને બન્ને બહેનોને પણ ભણવાની છૂટ હતી,મારા માં પણ મેટ્રીક સુધી ભણેલા હતા. આજ થી ૭૦ વર્ષ પહેલા ભણેલી સ્ત્રીને  સ્કૂલમાં નોકરી મળી જતી,તેઓએ પણ નોકરી કરેલી,એમનો ઉદ્દેશ એકજ હતો હું મારી બન્ને દીકરીઓને  ભણાવું જેથી કરીને ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના પગ ભર ઉભા રહી શકે,અમે બન્ને બહેન અને  ભાઈ બેન ગ્રેજ્યુએટ થઈ ગયા,મને બેંક માં નોકરી પણ મળી ગઈ.
થોડા સમય માં મારા લગ્ન થયા,બધું બદલાઈ ગયું ,ઘર માં સાસુ ન્હોતા ,કાકીજી નું રાજ હતું,તેમને હું નોકરી કરું તે ગમતું ન્હોતું,મારા પતિ ને વાંધો નોહ્તો,પણ કાકીજી નારાજ રહેતા,ઘરનું કામ કરવા છતાં, એમને ખુશ રાખવા  મુશ્કેલ હતા.
 નોકરીએ જતા પહેલા અને પાછી આવું ત્યારે કામ ના ઢગલા રેડી હોય,થોડો સમય નીકળી ગયો,પણ બાળકો થયા પછી તકલીફ નો પાર ન રહ્યો,અને ઉપરથી  જતીન નો સ્વભાવ ગુસ્સા વાળો એટલે થોડા થોડા સમયે નોકરી છોડી દેતા,જેથી મારે નોકરી છોડાય તેમજ નોહ્તું,જતીન ના માએ નાનપણથી એવાજ સઁસ્કાર આપ્યા હતા કે છોકરાઓ માટે ઘર નું કામ નથી,ફક્ત આર્થિક જવાબદારી એ લેતા.
બસના કનડેકટરના કડાકેદાર અવાજે વસુને વિચારોમાંથી  જગાડી દીધી -ટીકીટ ..બહેન છુટા આપો ..હમ…આવા ને આવા હાલ્યા આવે છે.જાણે હું મફત મુસાફરી ન કરતી હોઉં..પર્સમાંથી છુટા ભેગા કરી આપ્યા..અને મન ફરી ફરથી એ કડાકેદાર અવાજ સાથે જોડાઈ ગયું.જતીનનો આવાજ પણ આવો જ ..
ઘરે આવતાની સાથે એક પછી એક હુકમ છૂટે,”પાણી આપજે ”,”પેપર ક્યાં મૂક્યું છે ,મારે વાંચવાનું બાકી છે,પછી જમવા બેસીશ ,”
હું પણ કામથી આવતી,બાળકોને સ્કૂલમાંથી લાવીને દૂધ નાસ્તો આપીને રસોઈની ત્તયારી કરવાની સાથે સાથે બાળકોને હોમવર્ક માં પણ મદદ કરવી પડતી,જતીન તો પેપર માંથી માથું ભાર કાઢે નહીં,સવાર ના  પાંચ થી રાત ના બાર વાગ્યા સુધી કામ કરું પણ કામ ખૂટે નહીં,હું ઘણી વખત કંટાળી ને નોકરી છોડવાની વાત કરું,એટલે જતીન મારા પર ગુસ્સે થાય ,”શું ઘર માં રહી ને ગામ પંચાત કરવી છે કે પછી બેનપણીઓના ઘર ગણવા છે ,”
હું સમજી જતી કે જતીન મને નોકરી કરવા શા માટે આગ્રહ રાખે છે,રોજ સિગરેટ જોવે ,સાંજ પડે ડ્રિંક્સ જોઈએ અને અપટુડેટ કપડાં,એમનું ખર્ચાળ જીવન હતું,સતત એક ભય નીચે હું જીવતી,સ્વભાવ ને લીધે જતીન ની નોકરી ક્યારે જતી રહેશે તો ?મારા નણંદ આ જાણતા હતા તેથી તેઓ મને મદદ કરવા  આવી જતા ,સરકારી નોકરી એટલે વાર તહેવારોની રજા મળતી ,ત્યારે મને ઘણી રાહત રહેતી,
મારા નણદ જયારે આવતા ત્યારે જતીન ને ઘણું સમજાવતા પણ શેઠ ની શિખામણ ઝાપા સુધી ,પછી હતા તેવા ને તેવા,મને પણ મારા નણદ ની મદદ ની આદત પડવા લાગી હતી જે તદ્દન ખોટું હતું,એમની પણ ઉંમર થઈ હતી ,લોકો પર આપણે કેટલું નિર્ભર રહેવાનું,મીઠા ઝાડ ના મૂળિયાં ના ખવાય,એક દિવસ જતીને ઓફિસ નો ગુસ્સો ઘેર આવીને મારા પર ઉતાર્યો,અને તે દિવસે હું પણ અકળાઈ ગઈ,મારા થી બોલાઈ ગયું,”નોકરી કરું,ઘર નું કામ કરું,છોકરાની જવાબદારી પણ હું સંભાળું ,કેટ કેટલું કરું ?”
 ટુક સમયમાં  જતીન પણ જોબ વગર ના ઘર માં બેઠા, તેનો આકરો સ્વભાવ બધે આડો આવતો ,અમારા વચ્ચે મત ભેદ વધવા લાગ્યા,તે દિવસે શું થયું કે હું પણ હઠે ચડી,”,મારે પણ નોકરી નથી કરવી,”
મેં એને સંભળાવી દીધું ”જે થવાનું હશે તે થશે,”
જતીન ગુસ્સામાં બોલી પડ્યા ,”તો નોકરી છોડી દે,”મેં શબ્દો પકડી લીધા અને બીજે દિવસથી એક મહિનાની રજા પર ઉતરી ગઈ.જતીન ને એમ કે મેં નોકરી છોડી દીધી.હવે દર મહિને આવનારી આવકમા ધટાડો થયો. જેના હિસાબે ધર ખચઁનો બોજ જતીનના  માથે વધવા લાગ્યો. અમારી  બન્ને  વચ્ચે ધણી બધી વાર બોલાચાલી અને ઝઘડાઓ થતા. બાળકો ગભરાઈ જતા …ધર ખચઁનો બોજ હળવો કરવા માટે હું  બીજાના કામ કરતી, ક્યારેક સાડીમા ટીકી ટાકવી.. વગેરે ..આમ જોઈએ તો આવા ન ગમતા કામો કરવાની ફરજ પાડવામા આવી હતી .  હું હવે કંટાળી ગઇ હતી .
હવે ઘરમાં પૈસાની અછત વર્તાવા લાગી,ભગવાનનો પાડ માનો કે  જતીન પોતાને ગમતી નોકરી શોધવા માંડ્યા, જતીન ના ગ્રહ હમેશા સાથ આપતા જતીન ને સારી જગ્યાએ જોબ મળી ગઈ,નોકરી તો બધી સારી હતી પણ આતો એમને ગમતી નોકરી મળી એટલે તેમના સ્વભાવમાં  ફેરફાર દેખાવા માંડ્યો. પણ સાથે  ચિંતા થવા લાગી ,આટલા વર્ષોમાં ન અનુભવેલું જોઈ ને પેટ માં ધ્રાસ્કો પડતો.
જ્તીનનો ગુસ્સો તો જાણે ક્યાં ખોવાઈ ગયો ,ઘેર આવે તો પોતાનું કામ જાતે કરી લેવાની કોશિષ કરતો ,શા કારણે સ્વભાવ માં ફેરફાર આવ્યો હશે તે તો ઈશ્વર જાણે,મને હજુ પણ વિશ્વાસ આવતો નહતો બીજી તરફ આ ભય મને સતાવતો ,કે જતીન નોકરીમાં કેટલો વખત ટકશે? આમ જોવા જઈએ તો મને  નોકરી કરવી ગમતી,  ઘરના બંધિયાર વાતાવરણમાં હું ગૂંગળાતી.જેલમાંથી કેમ છુંટવું ?  સવાર ના ફ્રી સમય માં શું કરું ? મારા સમય અને મારી આવડતનો ઉપયોગ સાથે આવક પણ થાય તો શું વાંધો ?આવા અનેક સવાલ મને ઘેરી વળતા.
મેં તે દિવસે હિંમત કરી જતીનને સમજવાની કોશિશ કરી  “હું જોબ છોડી દઇશ તો પછી તું પણ દર મહિનાના ધર ખચઁની નીચે તું દબાઇ જઇશ, તું અને હું જોબ કરીએ  ધરની જવાબદારી અને  ખચઁ સાથે ઉઠાવીએ  તો કેમ ? આ વાતનો નિર્ણય  તું અને હું ભેગા મળીને કરીએ તો આપણને કોઇ મુશ્કેલી નહિ પડે.અને મેં મારી મહત્ત્વકાંક્ષાને સફળ બનાવવા મારી નોકરીની રજા પૂરી કરી, ફરી શરુ કરી. અને આજે ઘણા વખતે ખુલ્લી બસની બારીમાંથી આવતા પવનમાં મુક્તિનો શ્વાસ અનુભવ્યો.
વસુબેન શેઠ