એક સિક્કો – બે બાજુ :13) આ મેં સિક્કો ઉછાળ્યો ; હવેતારે શું કરવું છે!

“ શું કરવું તે અમને સમજાતું નહોતું ! દિલ કહેતું હતું કે કોરોનમાં સપડાયેલ મા નો મોં મેળાપ કરવા જવું જરૂરી છે ; અને દિમાગ દલિલ કરતું હતું કે આવી કપરી પરિસ્થિતિમાં સાહસ કરવું એ મુર્ખામી છે ! મગજ કામ કરતું નહોતું ; હું સખત ગભરાઈ ગયો હતો અને ભયંકર ટેનશનમાં હતો ! છેવટે એ નિર્ણય ભગવાન પર છોડવાનું વિચાર્યું !” અમારા એક મિત્ર અમને પોતાની અંગત વાત કહેતા હતા;
“ હવે ભગવાનને પૂછ્યું ; પણ એ બોલે તો યે કેવી રીતે બોલે ? શું આકાશવાણી થાય અને મને કહે કે જા, બેટા, જા , તેરી માઁ કો મિલને જા ; તુમ્હારા કુછ નહીં બિગાડેગા ઓર તુમ્હારા ભલા હોગા ?” અમારા એ મિત્ર રમૂજથી અમને વાત કહેતા હતા .
“ પણ પછી શું થયું ? કોણે તમને રસ્તો સુઝાડ્યો ?” મેં અધિરાઈથી પૂછ્યું .
“ ભગવાને !” મિત્રે કહ્યું ; “ મેં સિક્કો ઉછાળવાનું નક્કી કર્યું : હેડ આવે તો જવાનું . ને ટેઈલ પડે તો જવાનું નહીં !”
“ઓહ ! અને એટલે તમે ગયા , અને તમારી બા સાથે અંતિમ મેળાપ પણ થયો , બરાબરને ?” મેં અધિરાઈથી કહ્યું . એ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત ગયા હતા અને બાને મળી શક્યા હતા , અને ત્યાર બાદ બાની વિદાય બાદ તેમનાં અંતિમ સંસ્કાર પણ કરીને પોતે પાછા આવી શક્યા હતા – મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં , માં પ્રત્યેની પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ અને ગર્વ બંને દેખાતાં હતાં. માંડ માંડ હેમખેમ પાછા આવ્યાનો સંતોષ એમના ચહેરા પર સ્પષ્ટ વ્યક્ત થતો હતો . હા , માઁ ને ગુમાવ્યાનો અફસોસ પણ હતો જ . થોડું બોલ્યા ત્યાં એમનું ગળું ભરાઈ આવ્યું . અવાજ પણ ગળગળો થઇ ગયો .
‘હું કાયમ ભગવાનને પ્રાર્થના કરું કે હે ભગવાન , જયારે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારે મારાં પહેલા શ્વાસ વેળાએ મારી મા મારી સાથે જ હાજર હતી ; જયારે એ છેલ્લા શ્વાસ લે ત્યારે મને પણ અચૂક મારી મા ની પાસે હાજર રાખજે , ભગવાન ! “
પણ જે મુશ્કેલીઓનો સામનો કરીને , પોતે ત્યાં પહોંચી શક્યા અને પાછા એવી જ મુશ્કેલીઓમાંથી માર્ગ કરતા પાછા આવી શક્યાનો આનંદ હતો તે આનંદ પણ અવર્ણનીય હતો !
મને વર્ષો પહેલાં જોયેલ હિન્દી ફિલ્મ “ શોલે “ યાદ આવી ગઈ !
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર વચ્ચે કોઈ પણ નિર્ણય લેવાનો આવે ત્યારે અમિતાભ સિક્કો ઉછાળીને નિર્ણય લે છે. એટલી હદે , કે જયારે એક જણાને ડાકુઓ સામે લડવાનું છે અને બીજાએ સલામત જગ્યાએ ભાગી જવાનું હોય છે ત્યારે અમિતાભ સિક્કો ઉછાળે છે અને સિક્કાની સવળી બાજુએ હેડ – માથું – આવતા પોતે દુશમ્નો સામે લડવા રોકાય છે અને મિત્રને સલામત સ્થળે ભાગી જવા મોકલે છે !
ફિલ્મમાં આ સમગ્ર દ્રશ્ય એટલું તો ચોટદાર છે કે માત્ર એ દ્રશ્ય જોવા માટે પણ આપણને ફરી ફરીને એ ફિલ્મ જોવાનું મન થાય ( અને આ લેખ લખતાં પહેલાં અમે પણ એ જ કર્યું હતું !)
હા , જયારે કોઈ નિર્ણય લેવો કહું અઘરો હોય , જયારે બુદ્ધિ કામ ના કરે ત્યારે આપણે શસ્ત્ર હેઠાં મૂકીને નિર્ણય ભગવાન ઉપર છોડીએ છીએ : હે ભગવાન ! હવે તું કહે તેમ કરવા હું તૈયાર છું ! આવું પગલું લઉં? કે ના લઉં ?
જયારે કોઈ પરિસ્થિતેના પરિણામને બે શક્યતાઓ હોય – જયારે સારું , કે સાચું વિચારવાની શક્તિ ના હોય ત્યારે આમ સિક્કો ઉછાળી પરિસ્થિતિને ભગવાન ઉપર – કે નસિબ ઉપર છોડવા સિક્કો ઉછાળીએ છીએ , અને નિર્ણય લઈએ છીએ ! ‘ હવે હારું કે જીતું, તું જ મને તારજે ! ‘ એવો છૂપો ભાવ – એવી અરજ આ સિક્કો ઉછાળવાની પ્રક્રિયામાં છુપાયેલ છે .
પણ વાચક મિત્રો ! તમને યાદ હશે જ કે શોલે ફિલ્મમાં સિક્કો ઉછાળવા છતાંયે એ નિર્ણય ખરેખર ભગવાન ઉપર છોડવામાં આવ્યો નથી ! અમિતાભ ‘ જય’ નામનું પાત્ર ફિલ્મમાં એ નિર્ણય પોતાના હાથમાં જ રાખે છે અને ધર્મેન્દ્ર ‘વીરુ’ પાસે ભગવાનની મરજી છે તેમ કહીને પોતાનું ધાર્યું કરાવે છે ; અને એની ખબર આપણને – અને વીરુને પણ – અંતમાં પડે છે જયારે પેલો સિક્કો વીરુના હાથમાં આવે છે , એ સિક્કો જેની બંને બાજુએ હેડ -માથાનું જ ચિત્ર છાપેલું હતું !
કેવી અંચાઈ! કેવી મોટી બાજી અમિતાભ – જય – રમે છે !અને આપણે – એટલે કે વીરુ , કાંઈ કરી શકતાં નથી , કારણકે દુશમનોનો સામનો કરતાં કરતાં જયે પોતાનો પ્રાણ આપી દિધો હતો ….
‘સિક્કો ઉછાળીને નિર્ણય કરીએ’ એમ કહેવા પાછળ આપણી ભગવાનમાં શ્રદ્ધા સ્થાપિત કરીએ છીએ .. પણ , એ નિર્ણય અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં જ લેવો જોઈએ . હા , રમત ગમતમાં કઈ પાર્ટી પહેલો દાવ લેશે , કે કઈ ટિમ ફિલ્ડિંગ ભરશે , કે કોના હાથમાં બોલ રહેશે વગેરે વગેરે નિર્ણય માટે સિક્કો ઉછાળવાનું વલણ બરાબર છે .
અમારા પેલા મિત્રને મેં આશ્ચર્યથી પૂછ્યું ; “ શું તમે આવડો મોટો નિર્ણય – કોરોના હોવા છતાં મારે દેશમાં જવું છે અને અંતિમ શ્વાસ લેતી માઁ ને મળવું છે – એવો રિસ્કી રસ્તો સિક્કો ઉછાળીને કર્યો ?” મેં પૂછ્યું ; “ તમને ખબર છે કે એ મુસાફરીમાં ક્યાંક તમને કોરોના થઇ ગયો હોત તો ? રસ્તામાં તમને ક્યાંક રોક્યા હોત અને ફરજીયાત બે અઠવાડિયા બાંધી રાખ્યા હોત , કોરન્ટીન કરવા રોકી રાખ્યા હોત તો ? માત્ર સિક્કાએ હેડ કે ટેઈલ બતાવ્યા એટલે જ તમે નક્કી કર્યું કે હવે સાહસ કરવા દે ?” મારી શંકાનું સમાધાન થતું નહોતું !
“ ના , સાવ એવું નહોતું .” મિત્ર બોલ્યા; “ મારે જવું હતું , ને મારે જવું જ હતું ! પણ , સિક્કો એક જાતનું બહાનું હતું – મારે મારાં કુટુંબનાં અન્ય સભ્યોને પણ સમજાવવાનાં હતાં. હેડ પડશે તો જઈશ – ટેઈલ હશે તો મુલતવી રાખીશ , બસ?- મેં એ સૌને કહ્યું હતું .. મારાં સદભાગ્યે સિક્કો ઉછાળ્યો અને હેડ આવ્યું ,પણ ટેઈલ હોત તો પણ મેં જવાનું નક્કી જ કરેલું .. એમણે કહ્યું !
જો કે એક વખત બનાવ બની ગયા પછી આપણે શું કર્યું હોત તે વિચારવું કેટલું સાચું છે , તે કોણ કહી શકે ? આવી જ રીતે દીકરાને ઘેર પુત્ર જન્મ થતાં , પ્રથમ પૌત્રનું મોં જોવા બોસ્ટનથી ન્યુયોર્ક ગયેલ અને કોરોનમાં જાન ગુમાવનાર મિત્ર વિષે હવે તેનો અફસોસ કરતાં મિત્રપત્ની ને પૂછી જુઓ ! આ લખું છું ત્યારે અમારાં મિત્ર પોતાના નાના ભાઈના કોરોનમાં ગુજરી જવાના સમાચાર આપે છે ,કહ્યું ; ‘ અમારી બેનને ત્યાં વિવાહ પ્રસંગે બધાં ભેગાં થયેલ ; જવું કે ના જવું એમ વિચારતાં લાગ્યું કે થોડી વાર જવામાં કાંઈ વાંધો નથી . માસ્ક પહેરીશું વગેરે વગેરે .. અને ઘણા બધાં ને કોરોના થયો તેમાંથી આ ભાઈ ગુજરી ગયો ..
દરેક સિક્કાની બે બાજુ હોય છે ; પણ જયારે પરિસ્થિતિ અંતિમ ચરમ સીમાએ પહોંચે છે ત્યારે એની બીજી બાજુ તપાસવા વ્યક્તિમાં શ્વાસ ખૂટે ત્યારે સિક્કાને કોઈ બાજુ જ હોતી નથી – કારણ કે સિક્કો જ રહેતો નથી !
( ઉપર જણાવેલ ત્રણે ત્રણ પ્રસંગ સત્ય ઘટના ઉપરથી લીધા છે )

એક સિક્કો – બે બાજુ :12) દત્તક બાળક અને જન્મદાતા !


ક્યારેક અધૂરું સ્વપ્નું , અધૂરું ચિત્ર, અધૂરી રહેલી બાજી , ન પુરી થયેલી પઝલની રમત ,અધૂરું રહેલું ગીત બસ અધૂરાં રહે તેમાં જ સૌનું હિત છે !
‘હા , એ અધૂરું છે , એની એક જ બાજુ ધ્યાનમાં આવી છે તે સારું જ છે , નાહકની એની બીજી બાજુ જાણવાનો પ્રયત્ન ના કરશો !’
આ શબ્દો હતાં અમારી દીકરીની એક બેનપણીનાં! આપણે એને રોઝેલીન કહીશું .
પહેલી વાર એ અમારે ઘેર આવી ત્યારે અમે એને પરાણે અમારાં બધાં સાથે જમવા બેસાડી હતી . જો કે એ થોડી અતડી રહેતી હતી ,એનામાં થોડી અદેખાઈ અને ઉતાવળાપણું મેં જોયાં હતાં, પણ એ જ તો અમારી દીકરીની રૂમમેટ બનીને યુરોપમાં એક સેમેસ્ટર સાથે કરવાની હતી! એનાં મા બાપ શ્વેત – અમેરિકન હતાં અને રોઝ ઓરિએન્ટલ હતી . સ્વાભાવિક રીતે જ ખબર પડે કે એ વિયેટનામ કે કોરિયા તરફની હશે .
“ એને એનાં જન્મદાતા પેરેન્ટ્સને શોધવા છે .” એક દિવસ અમારી દીકરીએ અમને કહ્યું ; “ એનાં આ અમેરિકન મા બાપે એને સાઉથ કોરિયા જઈને ત્યાંથી દત્તક લીધી છે .. લગભગ વીસ વર્ષ પહેલાં. હવે એને પોતાનાં જન્મદાતા પેરેન્ટ્સ શોધવા છે . જો કે એનાં આ મમ્મી અને પપ્પાએ એને કહ્યું કે બેટા , તું ખોટી તકલીફ ના લે . એ લોકોએ એમ પણ કહ્યું કે અમારાં પ્રેમમાં તને કાંઈ ઉણપ લાગે છે ? અમારી કોઈ ભૂલ થઇ હો તો કહે ! પણ પોતાનાં સાચા મા બાપ શોધવાનો એને હક્ક છે , બરાબરને , મમ્મી ?” અમારી દીકરીએ મને પૂછ્યું !
હું શું જવાબ આપું ? કેવા સંજોગોમાં એને એની મા એ ત્યજી દીધી હશે ?
એની પણ કોઈ મજબૂરી હશે ને કે જેણે એને એક માસુમ બાળકીને ત્યજવા મજબુર કરી હશે !ઘણા બધા પ્રશ્નો મારા મનમાં પણ ઉદભવ્યા ..પણ યૌવનને ઉંબરે પહોંચી રહરલ રોઝલિનને હવે પોતાની જન્મદાતા જનેતાને શોધવાની તીવ્ર ઈચ્છા થઇ હતી ..
ઘણી વાર આ રીતે વર્ષો પૂર્વે ત્યજી દીધેલ બાળકને મળીને મુશ્કેલી પણ ઉભી થતી હોય છે .
દત્તક બાળકો જયારે પોતાનાં જન્મદાતા માં બાપને શોધે છે ત્યારે કાયમ હેપ્પી એન્ડિંગ જ હોય છે તેમ નથી બનતું .
એ પ્રસંગો ઉપર તો નવલકથાઓ લખાય તેવાં વિચારોના મહાસાગરો અને પરિસ્થિતિનાં મોજાઓ રચાતા હોય છે!
જે વ્યક્તિએ શોધ આદરી હોય છે તેને માત્ર પરિસ્થિતિની એક જ બાજુની ખબર હોય છે .. એને ખબર નથી કે સિક્કાની બીજી બાજુ શું છે ! અને એટલે સતત એન્કઝાયઈટી હોય છે કે સામેની વ્યક્તિ તેને સ્વીકારશે કે નહીં!
જો કે અમેરિક લોકો મારા મતે વધારે નિખાલસ સ્વભાવનાં હોય છે.
એ લોકો સમય આવે ભૂલનો એકરાર કરી , સંજોગોને જવાબદાર ગણીને આગળ પોતાનું ભવિષ્ય રચે છે!
પણ પૂર્વની સંસ્કૃતિમાં એવું હમેંશા બનતું નથી! રોઝેલીનના મનમાં પણ એ જ અનિશ્ચિતતા હતી!
શું થશે ? શું એ લોકો મને સ્વીકારશે ? શું કામ એ માં એ મને દત્તક આપી દીધી હશે? હું એનું કોઈ રહસ્ય તો બહાર નહીં પાડું ને ? એ મને અપમાન કરીને કાઢી મુકશે તો?
ઘણા પ્રશ્નો હતા અને ઉત્તર તો માત્ર ભવિષ્ય જ કહી શકે તેમ હતું !
કુંતીએ જયારે કર્ણને કહ્યું કે તું મારો દીકરો છે ત્યારે કર્ણને શું આંનદ થયો હતો ? શું એને લીધે કુંતી અને કર્ણના સંબંધોમાં સુધારો થયો હતો ?
અને એમ તો કૃષ્ણને દેવકીએ ત્યજી દીધો અને પાલક માતા યશોદાએ ઉછેર્યો ! એ માની પણ એક મજબૂરી જ હતી ને ?
હા સત્ય પચાવવાની તમારામાં હિંમત હોય તો શોધ કરો ..
ને કમ્પ્યુટર યુગમાં એક દિવસ એવો આવ્યો કે એને એનાં જન્મદાતા મા બાપનો પત્તો મળ્યો .
એ સાઉથ કોરિયાના seoul શહેરમાં રહેતાં ઉચ્ચ મધ્મ વર્ગના એ ઘરમાં ગઈ જ્યાં તેનાં બાયોલોજિકલ પેરેન્ટ્સ બીજા ચાર સંતાનો સાથે આનંદથી રહેતાં હતાં ! એને ખબર પડી કે એનાથી નાનાં બીજા ચાર બાયોલોજીકલ ભાઈ બેન એનાં પેરેન્ટ્સની સાથે જ રહે છે! અને તે પણ આનંદથી !
“ મને કોઈ અજાણી વ્યક્તિઓને દત્તક પધરાવી દીધી અને બીજાં સંતાનો સાથે એ લોકો આનંદનું જીવન ગુજારે છે?” એ વિચારે રોઝ હવે વધારે દુઃખી થઇ!
તે દિવસે અમારી ઘેર , આપણાં ભારતીય રહેણી કરણી સાચવી રાખીને ,સાથે સાથે અમેરિકન લાઈફ સ્ટાઇલ જીવન જીવતાં અમને જોઈને એને પણ પોતાનાં રૂટ્સ શોધવાની તાલાવેલી લાગેલી ! પણ બે વર્ષ બાદ ,પોતાનાં લોહીના સંસ્કારો , પોતાના જન્મનું મૂળ શોધવા જતાં હવે એ જાણેકે વધારે હતાશ થઇ હતી !
પોતાનાં કુટુંબને મળવા એ કોરિયા પણ ગઈ ! પણ ત્યાં એને એવો આવકાર મળ્યો નહીં!
સૌ આનંદથી જીવન જીવતાં હતાં !
આ બધી વાતો એને હેરાન કરતી હતી … ને પહેલાં કરતાં એ હવે વધારે દુઃખી થઇ ગઈ !
હા , હું મારી આઈડેન્ડિટી એ કુટુંબમાં શોધવા પ્રયત્ન કરું છું જે લોકોને મારી કાંઈ પડી નથી !! એણે દુઃખી થઈને કહ્યું
” એ લોકોને મારા જન્મનાં જીન્સ કરતાં અમેરિકાનાં ડોલરના ડી એન એ વધારે ગમ્યા હતા ! “એણે રિમાર્ક કરેલી ! “ મારી અમેરિકાની ગિફ્ટ તો સૌને ગમી , પણ -પણ ? રૉઝીની આંખમાં આસું હતા .
જોકે એક સત્ય બહાર આવવાથી એને કદાચ સંતોષ થયો હશે , એણે કહ્યું : “ એમાં કશું ખોટું નથી! એ લોકોને જે યોગ્ય લાગ્યું તે કર્યું , અને મેં પણ સત્ય શોધ્યું એટલે હવે થોડો સમય જશે પછી એક સંતોષ તો થશે જ કે હું કોણ છું , ક્યાંથી એવું છું … હા , હું અમેરિકન છું અને આ મારાં પાલ્ય માબાપ જ મારાં સાચા માં બાપ છે !
પ્રત્યેક વાતને બીજી બાજુ છે તેમ જાણવા મળ્યું હતું કે એના જન્મ વેળાએ ભયન્કર દુકાળમાં કોઈના જ બચવાની આશા નહોતી ત્યારે માં બાપે એને એના ઉજ્જવળ ભવિષ્ય માટે આ અમેરિકન દંપતીને દીકરી દત્તક આપી દીધી હતી .. અમે મરી જઈશું પણ અમારી આ દીકરીને તો નવ જીવન મળશે ને ? એ વિચારે એમણે એ પગલું ભર્યું હતું .. હા , એ નામોશી ભરી વાતને લીધે જ એ લોકો એનાથી દૂર રહેતાં હતાં …
“એ પગલું એમણે તારાં હિતને ધ્યાનમાં રાખીને લીધું હતું , બેટા;” મેં એને સમજાવ્યું ; “ તું દુઃખ કરવાને બદલે આનંદ કર કે તને આવાં પ્રેમાળ માતા પિતા અહીં અમેરિકામાં સાંપડ્યાં! નહીંતો તું કદાચ એ દુકાળમાં જીવિત રહી શકી હોત નહીં !” મેં પ્રેમથી એનાં આસું લૂછતાં કહ્યું !

એક સિક્કો – બે બાજુ :11) ચાણક્ય નીતિ!

અમારાં એક મિત્રને ત્યાં સરસ માહોલ ઉભો થયો હતો ત્યાં બે ભાઈબંધો સામસામે વાગ્યુદ્ધ પર આવી ગયા !
આમ અચાનક વાતાવરણ તંગ થઇ ગયું .
શું થયું છે તે જાણવા અમે બધાં એક બીજાને હજુ કાંઈ પૂછીએ ત્યાં એ મિત્રે જ ફોડ પાડ્યો ; કહે; “ મને તારી ચાણક્ય નીતિની ખબર છે ; અમારાં ઘરમાં ય તું આવી રીતે બધાંને ઝગડાવતો ફરે છે !અમારાં કુટુંબથી હવે તું દૂર જ રહેજે !”
બીજા મિત્ર પણ હેબતાઈ ગયા . ગુસ્સામાં કંપતા એમણે સામે પ્રશ્ન કર્યો ; “ હું – હું શું ચાણક્ય નીતિ વાપરું છું? અરે હું તો તારી બાને આજના જમાનાના છોકરાંઓ અને એમનાં મા બાપ વિષે સમજાવતો હતો ! તેમાં તું એકદમ અકળાઈને મને જેમતેમ બોલે છે ! ”
બંને અમારાં પરમ મિત્ર અને વર્ષોની જૂની મૈત્રીને લીધે હવે કાંઈ પણ કહેવાનો , સમજાવવાનો ભાર અમારાં ઉપર આવી ગયો !
સૌથી પહેલાં તો વાતાવરણને હળવું કરવું જરૂરી હતું .
સુભાષે એ બંને મિત્રોને પૂછ્યું કે ‘આ તમે એક બીજાની ફરિયાદ કરો છો કે પ્રસંશા? ચાણક્ય નીતિ એ એક સરસ રાજનીતિ છે ; કુટુંબમાં સંપ કરાવવાની , ઐક્ય સાધવાની નીતિ છે . મને કોઈ ચાણક્ય કહે તો હું એને મારુ અહોભાગ્ય સમજુ . ચાણક્યે રાષ્ટ્રની એકતાને ધ્યાનમાં રાખીને નીતિ ઘડી હતી .” સુભાષે મિત્રને મજાકમાં કહ્યું ; “ તું નારદ મુનિની વાત કરે છે કે ચાણક્યની ?” અમે બધાંએ હસી પડ્યાં.
વાતાવરણ જરા હળવું થયું એટલે પેલા મિત્રે પણ એ વાતને અનુમોદન આપ્યું કે મિત્ર પત્નીને અને મિત્રની મા વચ્ચે અણબનાવ દૂર કરવા એમણે એ બંનેને ફેમિલી કાઉન્સેલિંગ સૂચવ્યું હતું .. એમાં કોઈને બદનામ કરવાનો ઈરાદો નહોતો …વગેરે વગેરે . એ વાતોથી ત્યારે તો સૌને શાતા વળી , પણ ચાણક્ય નીતિ વિષે જાણવાની ઇંતેજારી પણ સૌની વધી ગઈ !

આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં થઇ ગયેલ એ એક સામાન્ય બ્રાહ્મણ ચાણક્યને આપણે શા માટે યાદ કરીએ છીએ ?
એ કોઈ રાજા નહોતો . એ કોઈ મહાન પંડિત પણ નહોતો ; કે નહોતો ધનાઢ્ય કુટુંબનો નબીરો !
હા , એ એક કુશળ રાજનીતિજ્ઞ હતો .
એક દેશપ્રેમી હતો.
અને એક દૂરંદેશીય વ્યક્તિ હતો !
આપણો દેશ એ સમયે જ ગુલામ થઇ ગયો હોત જો ચાણક્ય જેવો સમજદાર માણસ ત્યારે જન્મ્યો ના હોત !
જે વ્યક્તિને આપણે દેશ પ્રેમી તરીકે યાદ કરીએ છીએ એજ વ્યક્તિને એની ચાણક્ય નીતિ થી ભેદભાવ કરનારી , કુટુંબને પાયમાલ કરનારી ખતરનાક નીતિ કહીને પણ વગોવીએ છીએ !
કેમ ?
કારણકે દરેક વાતને બીજી બાજુ પણ હોય છે ! સામેવાળાને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો.એવું ચાણક્ય કહે છે . એટલે એની ટીકા પણ થાય છે !
“ ગીતા , ગયા અઠવાડીએ તે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરીની વાત કરેલી કે વેરની વસૂલાતમાં પૃથ્વીરાજ અને જયચંદના ઝગડામાં પરદેશી દુશ્મન મહમદ ઘોરી કેવો ફાવી ગયો , અને પછી સમગ્ર દેશ ગુલામ બની ગયો ..બસ , એવી જ પરિસ્થિ તી ત્રેવીસસો વર્ષ પહેલાં દેશમાં ઉભી થઇ હતી ; પણ ત્યારે ચાણક્ય જેવા દૂરંદેશી દેશ પ્રેમીને લીધે દેશની અખંડતા જળવાઈ રહી !” સુભાષે કહ્યું .
“ચાણક્ય નીતિ વિષે મને થોડી ખબર છે-“ મેં કહ્યું ; “ ચાણક્ય કહે છે કે દુશમનને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો .”
“ હા , દેશની રક્ષા કરવા એમણે આપણાં સૈનિકો જે એલેકઝાન્ડરના સૈન્યમાં જોડાઈ ગયાં હતાં તે સૌને ફોડ્યાં.. ને વિજય મેળવ્યો ..” સુભાષે પોતાનું ઇતિહાસનું જ્ઞાન બતાવ્યું .
વાચક મિત્રો , કોઈ પણ પ્રસંગ બને તેને આપણે કેવી રીતે મૂલવીએ છીએ તેના ઉપર સમગ્ર પરિણામ અવલંબે છે .
વાત આમ બની : મગધ દેશ જે આજે બિહાર રાજ્ય છે ત્યાં ધનાનન્દ રાજા વિલાસી અને ભ્રષ્ટાચારી હતો.

ચાણક્યની સલાહ ધનાનન્દને ગમી નહીં એટલે એને મારી નાંખવા માણસો મોક્લ્યાં પણ સ્ત્રીના વેશમાં ચાણક્ય છટકીને બીજે ગામ જતો રહ્યો ! રાજાને ઉથલાવવા કોઈ બાહોશ નવયુવાનની શોધ આદરી અને ચંદ્રગુપ્ત મૌર્ય નામના કિશોરને પછી રાજનીતિની તાલીમ આપી ! આ સમય હતો ઈસ્વીસન પૂર્વે ત્રીજી ચોથી સદીનો ! ૩૨૬ b c માં ગ્રીકથી એલેક્ઝાન્ડર ચઢી આવ્યો ! એણે ગ્રીસથી નીકળીને આજે જે ઈરાન છે તે જીતી લીધું ; હવે એ આગળ વધી રહ્યો હતો અને આપણે ત્યાં પંજાબ આવી રહ્યો હતો ! ચાણક્યને એ સમજાઈ ગયું હતું કે આપણા રાજાઓ કેવાં માટી પગા હતા ! પંજાબમાં પોરસ રાજા અને ગંધારના આરંભિક રાજાને દુશમનાવટ હતી ; એટલે ચાણક્યે બંને rajao
રાજા ને સમજાવ્યું કે આપણે સૌ એક સંસ્કૃતિના છીએ
જોકે ગાંધારના આંભીકે એલેકઝાન્ડરને સાથ આપ્યો !
ત્યારે ચાણક્યે એના સૈનિકોને ફોડ્યા અને યુદ્ધમાં એલેક્ઝાન્ડર ફાવ્યો નહીં !
દેશ દુશ્મનોના હાથમાં જતાં બચી ગયો !
પછી શું થયું ? તમે પૂછશો !
પછી સખત થાકેલ એલેક્ઝાન્ડર પાછો વળતો હતો ત્યાં
નાની ઉંમરમાં જ મરી ગયો ; એની પાછળ વિદ્રોહ ઉભી થયો ને એમાંનો એક વિદ્રોહી સેલ્યુકસ – જેની દીકરી સાથે ચંદ્રગુપ્તને પરણાવ્યો એટલે છેવટે શાંતિ સ્થપાઈ . અને પછી ફરીથી આક્રમણનો પ્રસંગ જ ઉભો થયો નહીં !
પ્રિય વાચક મિત્રો ! ક્યારેક આપણા અભિમાન અને ઈગોને લીધે આપણે અવિચારી પગલાં લઇ લેતાં
લઈએ છીએ ત્યારે ચાણક્ય જેવા દુરન્દેશીને યાદ કરીએ ! એના જેવા જો બધાં જ હોત તો અંગ્રેજો પણ દેશમાં આવી શક્યાં ન હોત! પણ દેશમાં જયારે અમીચંદો જેવા દેશ દ્રોહીઓ ઉભા થયા ત્યારે દેશ અંગ્રેજોના હાથમાં ગયો !તો એની વાત ફરી ક્યારેક !

એક સિક્કો – બે બાજુ : 10) વેરની વસુલાત : પૃથ્વીરાજ ચૌહાણ !


રસ્તે કોઈ સ્ટોરમાં -કોઈ સહેજ અથડાઈ જાય તો આપણે તરત જ કહીએ : ભાઈ જરા સાંભળીને ચાલો ને ?
અને એ વ્યક્તિ પણ મોટે ભાગે એમ જ કહેવાની : “ તમે જરા આંખ ખુલી રાખીને ચાલતાં જાઓ ને !” બંને પોતપોતાની દ્રષ્ટિએ સાચાં છે .પણ આપણને ક્યારેય બીજી વ્યક્તિની પરિસ્થિતિનો ખ્યાલ જઆવતો નથી !
બહુ ઓછાં લોકો આ પ્રસંગને જુદી રીતે મુલવશે – “ સોરી ભાઈ , હું અહીં સ્ટોરમાં ફાંફા મારતો હતો – કે ડાફોળીયા મારતી હતી એટલે તમારી અડફટમાં આવી ગઈ ; મને માફ કરો !”
આપણે એવું બોલતાં નથી !
અને સામેવળી વ્યક્તિ પણ : “ સોરી , મારી ભૂલ હતી , હું જરાઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .
કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !ઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .

કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !

પણ તો પ્રશ્ન થાય કે શું કોઈ ખોટું કરે , આપણને ઇજા પહોંચાડે તો તેને પદાર્થપાઠ શીખવાડવાનો જ નહીં ?
એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખીને મેં આજે આપણા ઇતિહાસ પર નજર કરી . કોઈ ધક્કો મારે તો આપણે સામે ધક્કો મારીએ; કોઈ કોઈ પણ કારણ સર બે અપ શબ્દો બોલે તો આપણે પણ સામે ચાર ખરાબ શબ્દો સંભળાવવા , એ શું યોગ્ય છે ખરું?હા , તો કેમ ? અથવા ના , તો કેમ નહીં ?
માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ભાગ્યેજ બસ્સો વર્ષ એવાં છે કે જયારે વિશ્વમાં ક્યાંય યુદ્ધ ચાલતું ના હોય ! અર્થાત , છેલ્લાં પાંચ હજ્જાર વર્ષના ઇતિહાસમાં સતત યુદ્ધો થતાં જ રહ્યાં છે ! કારણ કે –
કારણ કે –
જયારે કોઈ માણસ ગુસ્સામાં આપણું ખરાબ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને બદલો લેવાનું મન થાય છે જ ! માનવ સ્વભાવ છે ;પણ જયારે આ બદલાની ભાવના રાજા – મહારાજાઓને થાય ત્યારે દેશનો ઇતિહાસ પણ બદલાઈ જાય -છે !!
આપણા દેશમાં એવાં અનેક પ્રસંગો બન્યા છે જયારે એક જ બાજુનો વિચાર કરવાને લીધે ઘણા અનર્થ સર્જાયાં હોય !
તેનું એક ઉદાહરણ પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ છે !
અગિયારમી સદીમાં આપણા દેશમાં મુસલમાનોએ પગ પેસારો કરી દીધો હતો ..ઉત્તરમાં અફઘાનીસ્થાન અને ત્યાંથી અત્યારના પાકિસ્તાન માં થઈને મહમદ ગીઝની જેવાઓએ દેશને લૂંટવા માંડયો હતો ! સોમનાથને સોળ વખત લૂંટ્યું હતું ! દર વખતે ધન દોલત લૂંટીને એ પાછો જતો રહેતો !
હિંદુ ધર્મમાં આત્મા – પરમાત્મા ની ઉચ્ચ વિચાર સરણીની વાતો અને સર્વ પ્રત્યે સરળ વર્તન , અતિથિ દેવો ભવ વગેરે વગેરે ભાવનાઓથી સઁસ્કૃતિ ગૌરવ જરૂર અનુભવતી હતી પણ , સાથે સાથે એમાં ; “ અમે જ શ્રેષ્ઠ” ની ભાવના ઘર કરી ગઈ હતી અને ત્યારે રાજા મહારાજો પોતાને મહાન ગણતા અને પોતાના અહન્કારને પોષી રહ્યાં હતાં ત્યારે આ રીતે દેશ પાયમાલ બની રહ્યો હતો ..
પંજાબમાં મુસ્લિમ લુંટારાઓએ ( મહંમદ ગીઝની જેવાઓએ )આવીને લૂંટફાટ કરીને ઉત્તરમાં પોતાનું શાસન સ્થાપવા માંડ્યું હતું ..
એ વાતને સો વર્ષ વીતી ગયાં હતાં .. બારમી સદીમાં અજમેરમાં એક પરાક્રમી રાજા – પૃથ્વીરાજ ચૌહાણ જન્મ્યો હતો .. એની કીર્તિ ચારે બાજુએ ફેલાઈ હતી અને ત્યાં જ આ ઇતિહાસની રોમાંચક વાત બને છે : રાજસ્થાનના કનોજ પ્રદેશનો રાજા જયચંદ રાઠોડ તેનું રાજ્ય ખુબ વિશાળ – છેક કનોજ થી વારાણસી સુધીનું હતું , તેની દીકરી સંયુક્તા ( સંયોગિતા ) વીર રાજકુમાર ( અજમેરનો રાજકુમાર )પૃથ્વીરાજના પ્રેમમાં પડે છે ..
જયચંદને તો પૃથ્વીરાજ સાથે વેર હતું ! પણ દીકરીને તો એ જ રાજકુમાર સાથે પ્રેમ થઇ ગયો હતો !!
પ્રિય વાચક મિત્રો ! પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ વચ્ચેના – આ બંનેના ઝગડાને લીધે ભારત દેશનો ઇતિહાસ બદલાઈ ગયો ! ત્યાર પછી મુસ્લિમ શાસન સમગ્ર દેશમાં છવાઈ ગયું ..
કેવું કારમું પરિણામ !
સિક્કાની એક બાજુએ અપમાન છે : અને બીજી બાજુએ વેર વાળવાની તીવ્ર ઈચ્છા !
વાત એમ બની કે :
જયમલે દીકરીનાં સ્વયંવરમાં બધા રાજકુમારોને બોલાવ્યા , પણ એક બહાદ્દુર રાજકુમાર પૃથ્વીરાજને આમંત્રણ આપ્યું નહીં ; ઉલ્ટાનું , એનું પૂતળું બનાવડાવીને દરવાજે દ્વારપાળની જગ્યાએ મુકાવ્યું !! દાઝ્યાં ઉપર ડામ!
હવે આવું હડહડતું અપમાન પૃથ્વીરાજ કેવી રીતે સહન કરી શકે ?
એ ત્યાં ગયો અને બધાની હાજરીમાં સંયુક્તાનું અપહરણ કરી ગયો !!
હા , સંયુક્તાને (સંયોગિતાને ) તો આ જ શૂરવીર સાથે પરણવું હતું ને ? અને એ પણ આ પ્લોટમાં સામેલ હતી જ . જયમલ અને અન્ય રાજકુમારો હાથ ઘસતા રહી ગયાં..
પણ , જયમલ એને પોતાનું અપમાન સમજીને સમસમીને બેસી રહ્યો ..
એ અરસામાં , પંજાબ સુધી મહમદદ ઘોરી ( મહમદ ગીઝની નહીં , એ સો વર્ષ પૂર્વે આવ્યો હતો ) આવી ગયો હતો અને ત્યાં રાજ કરતો હતો . પૃથ્વીરાજ અજમેરનો રાજા હતો સાથે હવે દિલ્હી નો પણ રાજા બની ગયો હતો . એ હોશિયાર અને બાહોશ હતો એટલે એણે સારો એવો રાજ્યનો વિસ્તાર કરેલો . મહમદ ઘોરી જેવો એ તરફ આવ્યો કે તરત જ પૃથ્વીરાજે એને યુદ્ધમાં ધૂળ ચાટતો કરી દીધો અને જીવતો જવા પણ દીધો ( એ નાસી ગયો તો પીછો કર્યો નહીં ) પૃથ્વીરાજને એમ હશે કે હવે ડરીને ભાગી ગયો છે તો શા માટે એનો પીછો કરવો ? એટલે એને જીવતો જવા દીધો .
પણ વેરની આગમાં સળગતો જયમલ હવે બીજા રજપૂત રાજાઓને પોતાન પક્ષમાં લઈને પૃથ્વીરાજ પર બદલો લેવાનો પેંતરો રચતો હતો . એણે મહંમદ ઘોરીને મદદ કરવાનું વચન આપ્યું .
યુદ્ધ થયું , પણ ઘર ફૂટે ઘર જાય – એ મુજબ કોઈ રજપૂત રાજાઓ પૃથ્વીરાજની મદદે ના આવ્યા . જયમલ રાઠોડના માણસોએ ઉલ્ટાનું પોતાનાં જ રજપૂત ભાઈઓને – પૃથ્વીરાજના માણસોને યુદ્ધમાં હણ્યાં !!
પૃથ્વીરાજ હાર્યો !

દંત કથા મુજબ ઘોરીએ એને આંખે આંધળો કરી દીધો , અને એ મરાયો .
પણ હકીકતે ઘોરીએ પૃથ્વીરાજને તો માર્યો , પણ પાછા ફરતાં જયમલને પણ મારી નાખ્યો !! તારા જેવા શત્રુને તો ઉગતો જ ડામવો જોઈએ એમ કહીને ! અને પછી હવે ભારતમાં કોઈ શૂરવીર રાજા રહ્યો નહોતો એટલે એને આખા ભારતમાં ચઢાઈ કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું !
દેશ મુસ્લિમ શાસન હેઠળ આવી ગયું !
કેમ ?
કારણકે હિંદુ રાજાઓ પોતપોતાના અહમ અને અભિમાનમાં એક બીજાને મદદ કરવાનું ભૂલી ગયા હતા ! જયમલની દીકરી સંયુક્તાને પૃથ્વીરાજ સાથે પ્રેમ થયો એટલે જયમલે પૃથ્વીરાજનું અપમાન કર્યું ; પૃથ્વીરાજે શૂરવીર યોદ્ધાની જેમ રાજકુંવરીનું અપહરણ કર્યું , જયમલે વળતો બદલો લીધો એને ઘોરીને મદદ કરી !!! દેશ મુસ્લિમોના હાથમાં આવી ગયો …
બદલો લેવાની લ્હાયમાં શું કરી રહ્યા હતાં તે ભુલાઈ ગયું !!
કોઈ સામી છાતીએ ઘા ઝીલે છે ; કોઈ પાછળથી વાર કરે છે ;
પણ પોતાનાંજ જયારે દુશ્મન બને છે ત્યારે સઘળું સત્યાનાશ નીવડે છે !
બંને પોતાની દ્રષ્ટિથી સાચાં હતાં: બન્નેને બદલો લેવાનો હક્ક હતો . પણ સહેજ જ જો વિચાર્યું હોત તો જયમલ દુશમનને મદદ કરવા જાત નહીં .
પણ જયારે આપણને એ વાત સમજાય છે કે દેશનો દુશ્મન , એનો વિશ્વાસ ના કરાય , ત્યારે સારો ઇતિહાસ પણ રચાય છે . આપનો દેશ આવી જ રીતે બે હજાર વર્ષ પહેલાં ગુલામ થઇ ગયો હોત, જો ચાણક્ય જેવો સમજુ માણસ દેશને ના મળ્યો હોત તો ! આજે પણ આપણે ચાણક્યને યાદ કરીએ છીએ કારણકે એને સિક્કાની બીજી બાજુ શું છે તે દેખાઈ ગયું હતું . એણે પરદેશી સિકંદરને મદદ ના કરવા દેશના રાજાઓને સમજાવ્યું હતું તેથી દેશ ગુલામ થતા બચી ગયો હતો . . તો એની વાત કરીશું આવતે અઠવાડીએ ..

 

એક સિક્કો – બે બાજુ :9) ધરમ કરતાં ધાડ પડી !


આ કહેવત જ દર્શાવે છે કે તમે ધર્મ નું કામ કરવા જાઓ અને સામે ચોર લૂંટારા આવીને તમને લૂંટી જાય ! ધરમ કરતાં ધાડ પડે !
એક વખત અમારાં જીવનમાં જ આવો પ્રસન્ગ બની ગયો : અમે કોઈકની દયા ખાવા ગયાં અને અમારી જ ખબર લેવાઈ ગઈ! એકાદ હાજર ડોલરનો દંડ પણ ભરવો પડ્યો અને એમાંથી માંડ માંડ છૂટ્યાં!
અને એવું કેમ બન્યું ? કારણ કે અમે માત્ર અમારી દ્રષ્ટિથી જ પરિસ્થી જોતાં હતાં : સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે તે વાત લાગણીમાં ભુલાઈ ગઈ હતી !
એ વર્ષ હતું ૧૯૯૩ કે ૧૯૯૪ની સાલનું .અમે શિકાગોમાં ધીમે ધીમે સેટ થઇ રહ્યાં હતાં ! મારું બાલમંદિર ; અને સુભાષનાં એપાર્ટમેન્ટ બિલ્ડીંગ વચ્ચે અમે અમારાં જીવનનો પથ નક્કી કરી લીધો હતો .
માર્ચ મહિનાની આખર તારીખે અમારાં એક બિલ્ડિંગના એક એપાર્ટમેન્ટમાંથી કોઈ ભાડુઆત એપાર્ટમેન્ટ ખાલી કરીને જતો રહ્યો હતો એટલે અમે એ એપાર્ટમેન્ટનું અંદરથી નિરીક્ષણ કરવા નીકળ્યાં હતાં . સુભાષ અંદર ચક્કર મારવા ગયેલ ; અને હું બિલ્ડિંગની બહાર નિરાંતે કુદરતમાં વસંત ઋતુનાં આગમનનાં સુંદર એંધાણ જોઈને ખુશ થઇ રહી હતી : વાહ ! ભગવાનની લીલા પણ કેવી અદભુત છે ! ત્યાં અચાનક એક વીસેક વર્ષની છોકરી હાંફળી ફાંફળી દોડતી મારી પાસે આવી . એ પ્રેગ્નન્ટ હતી તે સ્પષ્ટ દેખાતું હતું . એ થોડી અપસેટ , મૂંઝાયેલ હોય તેમ લાગતું હતું .એણે મને પૂછ્યું કે કોઈ એપાર્ટમેન્ટ આ બિલ્ડિંગમાં ભાડે આપવાનું છે ?
‘ હા , એક એપાર્ટમેન આજે જ ખાલી થયું છે” મેં બધી માહિતી આપી અને બીજે દિવસે સવારે મેનેજમેન્ટ ઓફિસમાં ફોન કરવાનું જણાવ્યું . પણ ત્યાં તો એણે રડવાનું શરૂ કર્યું ! એનો બોયફ્રેન્ડ એને મારતો હતો અને એ પોતાને અને બાળકને મારી નાંખશે એમ ધમકી આપતો હતો એવું બધું એણે મને રડતાં રડતાં કહ્યું .
‘ પ્લીઝ ,તમે મને આ એપાર્ટમેન્ટ આપો ! મારો જાન જોખમમાં છે .. એણે કરગરતાં , કલ્પાંત કરતાં કહ્યું .
“ પછી શું થયું ?” તમે પૂછશો !
એજ થયું જે તમે વિચારો છો .
તમે જો મારી જગ્યાએ હોવ તો જે કરો એજ મેં પણ કર્યું ..
સુભાષને મેં સમજાવીને ઈમોશનલ બ્લેકમેઇલ કરીને એ એપાર્ટમેન્ટ પેલી છોકરી – ટ્રેસી ને આપવા દિલથી ભલામણ કરી .
“ ગીતા , એપાર્ટમેન્ટ કોઈ પણ વ્યક્તિને એવી રીતે આપી શકાય નહીં .” સુભાષે મને ગુજરાતીમાં કહ્યું .
અને પછી પેલી છોકરી – ટ્રૅસીને અંગ્રેજીમાં સમજાવ્યું ; “બેન , તું કાલે ઓફિસમાં ફોન કરજે , એપ્લિકેશન કર્યા પછી અમે બધી તપાસ બાદ જો તારી અરજી મંજુર થશે ત્યાર પછી તને એપાર્ટમેન્ટ જરૂર ભાડે આપીશું .”
પણ હવે એ છોકરી કોઈ વાતે સમજવા તૈયાર નહોતી . એણે કહ્યું કે એ બધી જ વિધિ અત્યારે જ પતાવી દેવા માંગે છે ; પણ આજે એને રહેવા માટે એ જ એપાર્ટમેન્ટ આપો , કારણકે એનો જાન જોખમમાં છે .
એણે બધાં ફોર્મ ભર્યાં અને નિયમ પ્રમાણે ડિપોઝીટ અને ભાડું વગેરે બધું જ આપી દીધું .
કોઈનું ભલું કર્યું છે એવાં આત્મસઁતોષ સાથે એ સાંજ ત્યાં જ પુરી થઇ … પણ ભવિષ્યમાં એક પદાર્થપાઠ શીખવા મળવાનો હતો એનાં બીજ ત્યારે જ રોપાઈ ગયાં હતાં ..
ટ્રૅસીનો બોયફ્રેન્ડ ભારે ખતરનાક હતો . એણે ટ્રૅસીનું આ રહેઠાણ શોધી કાઢ્યું અને હવે એ એની સાથે જ રહેતો હતો ! ત્રણ મહિનામાં આખું નેબરહૂડ ગ્રફિટી , ડ્રગ્સ , ગન શોટ્સ અને પોલીસના ચક્કરોથી ઘેરાઈ ગયું !જાણે કે ગેરકાનૂની કરતૂકોનો અડ્ડો બની ગયું ! બધાં રહેવાસીઓએ અમને કંમ્પ્લેઇન કરી પણ હવે બાજી અમારાં હાથમાં પણ નહોતી !
સિક્કાની આ બીજી બાજુનો અમને ખ્યાલ જ નહોતો !
“ નિયમ પ્રમાણે ના કરીએ એટલે એવું થાય !” સુભાષે પણ અકળાઈને મને કહ્યું હતું .
“ હું કોઈ દયાભાવથી સ્ત્રી અને બાળકની રક્ષા કરવાના ઉમદા ભાવથી વિચારતી હતી, મારે એ વાતમાં પડવાની જ જરૂર નહોતી !” મેં પણ અફસોસ કર્યો .
“ રામાયણ પણ ના રચાઈ હોત જો સીતાએ સદભાવનાથી રાવણને ભિક્ષા આપી ના હોત તો ! ઘણી વાર આપણે સારું જ વિચારતાં હોઈએ છીએ અને બીજી બાજુનો વિચાર કરવાનું ભૂલી જઈએ છીએ !” સુભાષે જે કહ્યું તેમાં તથ્ય હતું . મૌન રહીને મેં સાંભળ્યાં કર્યું .
શિકાગોમાં સુંદર ઉનાળાનાં દિવસો શરૂ થયાં હતાં.. અમે અમારાં જીવનમાં વ્યસ્ત હતાં . બાળકોને એક શનિવારે મિત્રોને ત્યાં પાર્ટીમાં જવાનું હતું અને સુભાષને બિઝનેસનાં ઘણાં કામ હતાં એટલે મેં મારી બેનપણી રમીલાને ઘેર જવાનું નક્કી કર્યું . જે પંદરેક માઈલ દૂર રહેતી હતી .
“ અરે હા ,” સુભાષે મને એક કાગળ આપ્યો અને કહ્યું; “ ગીતા , તારે રસ્તામાં આ ફલાણો પાર્ક આવે છે ત્યાંના મુખ્ય હોલમાં આજે આપણા ફલાણા નેબરહૂડની પાર્ટી છે એટલે જો તું ઉભા ઉભાત્યાં જઈશ તો એ નેબરહૂડના લોકોને સારું લાગશે કે મકાનમાલિક તરીકે આપણે ત્યાં હાજરી આપી !”
“ સ્યોર !” મેં કહ્યું .અને બપોરે બે વાગે હું તૈયાર થઈને બેનપણીની ઘેર જવા નીકળી .
રસ્તામાં એ પાર્કના બિલ્ડીંગ પાસે ગાડી બ્લીન્કર ઉપર રાખી અને હું અંદર ગઈ .
ચારે તરફ મેળા જેવો માહોલ હતો . લોકો ખાતાં પીતાં અને નાચતાં હતાં . સ્ટેજ પર કોઈ બેન્ડ વાગતું હતું અને બે પાંચ જણ ડાન્સ કરતાં હતાં ..
મેં પેલો કાગળ આપ્યો અને હું પાછી વળવા જઈ રહી હતી ત્યાં એ ભાઈ ખુબ વિવેકથી મારી પાસે આવ્યા અને મારી પાસે માત્ર બે મિનિટ માંગી .
“ જુઓ ભાઈ ; હું ઉતાવળમાં છું .” મેં નમ્રતાથી કહ્યું પણ એ તો મને છેક પ્રવેશ દ્વારથી છેક આગળ સ્ટેજ તરફ લઇ ગયા અને એક જ મિનિટમાં પાર્ટીનો ઘોઘાટ બંધ થઇ ગયો ! સ્ટેજ ખાલી થઇ ગયું અને એ ભાઈ મને સ્ટેજ પર લઇ ગયા ને મારી ઓળખાણ આપી … ને પછી પ્રશ્નોની ઝડી વરસી !! અમારું નેબરહૂડ એટલું બધું બગાડી કાઢવા માટે તેઓ મને જવાબદાર ગણતાં હતાં .
ગાંધીજી જયારે ભારતથી સાઉથ આફ્રિકામાં પાછા ફરેલા અને ત્યાં ઓળખાઈ ગયા પછી જે ધમાલ થઇ હતી તેવો જ અનુભવ મને થઇ રહ્યો હોય તેમ લાગ્યું ..
શું કહેવું તે મને સૂઝતું નહોતું પણ મેં અચાનક જ મારો બચાવ કરતાં કહ્યું કે “ મિત્રો . બિલ્ડીંગ મેનેજમેન્ટનું કામ મારું નથી પણ મારા પતિની તબિયત ગંભીર હોવાથી આવું બધું થઇ રહ્યું છે , અને જો કોઈ રસ્તો બતાવશે તો એ અપનાવવા અમે તૈયાર છીએ ..” વગેરે વગેરે .
પ્રિય વાચક મિત્રો ! ઘણી વાર આપણે આવાં રમુજી જોક્સ સાંભળતા હોઈએ છીએ જ્યાં વ્યક્તિ એક જૂઠ છુપાવવા બીજું જૂઠ ઉભું કરે .. મેં પણ આવું જે તે મગજમાં આવ્યું તે કહી દીધું .
ને ગાડીમાં જઈને નિરાંતનો દમ લીધો ! “ હાશ ! જાન છૂટ્યો ! સારું છે કે કોઈ ઓળખીતું ત્યાં નહોતું !”મેં મનમાં વિચાર્યું !
પણ અહીંયા પણ હું એક જ દ્રષ્ટિથી વિચારતી હતી …ફક્ત મારી જ દ્રષ્ટિથી ! સિક્કાની બીજી પણ બાજુ હતી જેનો મને અણસાર પણ નહોતો !
રમીલાની ઘેર પહોંચી ત્યારે એ બહાર જ મારી રાહ જોતી ઉભી હતી .
મને એમ કે બે વાગ્યે એને ઘેર પહોંચવાને બદલે લગભગ સાડા ત્રણે પહોંચી એટલે એ ગુસ્સે થશે .
પણ એણે ચિંતાથી પૂછ્યું ; “ ગીતા , સુભાષભાઈને શું થયું ? એમની તબિયત આટલી બધી ક્યારે બગડી ગઈ?”
હું લગભગ ચક્કર ખાઈને પડવાની તૈયારીમાં હતી .. લે , આને કોને કહ્યું આ બધું ??”
કાંઈ બોલું એ પહેલાં અમે ઘરમાં આવ્યાં. ટી વી . ઉપર જાહેરાત હતી : “ લેન્ડ લેડી અચાનક બગડી ગયેલ નેબરહૂડ માટે લોકો પાસે દિલ ખોલીને વાત કરે છે – વિગત વાર સમાચાર સાંભળો હમણાં ચાર વાગ્યાનાં સમાચારમાં !” અને ત્યાર પછી તો લોકલ છ વાગ્યાનાં સમાચાર અને રાત્રીના દશ વાગ્યાનાં સમાચારમાં પણ હું ઝળકી : “ મારાં પતિની તબિયત બગડતાં પરિસ્થિતિ હાથ બહાર જતી રહી છે , અમે તમારી મદદ માંગીએ છીએ ..” એવી મારી અપીલ સૌ સાંભળી રહ્યાં હતાં!
વાચક મિત્રો , વાત ત્યાંથી ના અટકી , પણ સોમવારે ડે કેર સેન્ટરમાં પણ બધાં પેરેન્ટ્સ મને અતિશય સહાનુભૂતિ દર્શાવવા લાગ્યાં ત્યારે મેં માત્ર એટલુંજ કહ્યું – અલબત્ત મનમાં – કે મારી આ ખોટી ઉભી કરેલી સહાનુભૂતિ મેળવવાની બાબત પાછળ સિક્કાની બીજી બાજુ પણ છે …
જયારે મેં દિલ ખોલીને એ વાત મારી બાલમંદિરની ઈન્સ્પેક્ટરને કરી ત્યારે એમણે મને સાચી સલાહ આપી : “ મદદ કરવા માટે એ છોકરીને ત્યારે શેલ્ટર હોમ કે કોઈ ચર્ચમાં ફોન કરીને લઇ જવાની જરૂર હતી .. જે વાત મને – કે સુભાષને – ત્યારે યાદ જ આવી નહોતી .
સદ્ભાવનાની બીજી બાજુ હોય છે તેના તમને પણ અનુભવ થયા હશે જ .. તો એવાં અનુભવની વાત આવતે અંકે .

એક સિક્કો – બે બાજુ :8) કોરોનાની મહામારી !


“મારી હસ્તી જાણે કે એ રીતે હણાઈ ગઈ ;
માસ્ક પાછળ છુપાયું મોં , ને રહ્યાં છ ફૂટ દૂર –
કોણ છે કહેવાય નહીં !”
મેં કોરોના ઉપર એક હતાશાનો શેર લલકારી દીધો !
કોરોનાએ અમેરિકામાં પ્રવેશ કર્યે એક વર્ષ થયું !
માસ્ક પહેર્યા વિના ક્યારે બહાર નીક્યાં હતાં એ હવે યાદ જ આવતું નથી ! જાણે કે આ આપણી જીવન પદ્ધતિ થઇ ગઈ છે ! બે -ત્રણ વર્ષની ઉંમરનાં બાળકોને તો એમ જ લાગે છે કે જેમ પગમાં ચંપલ પહેરીને બહાર જઈએ તેમ મોં પર માસ્ક પહેરીને બહાર જવાનું હોય !
સૌ પ્રથમ ન્યુયોર્કમાં અને પછી સાનફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસમાં કોરોના – કે ત્યારેતો એને ફ્લ્યુ જેવો કોઈ રોગ કહેતાં હતાં -તેનો ભય અને તેના દર્દીઓ હોવાનું બહાર આવ્યું , અને એરપોર્ટ પર સૌના ટેમ્પરેચર માપવાનું શરૂ કર્યું !
બસ ત્યારથી – છેલ્લા એક વરસથી -આ કોરોના વાયરસે દુનિયા હલાવી નાંખી છે !
“ જો કે એમાંથી ઘણું નવું , અને સારું પણ જાણવા મળ્યું છે , હોં!” સુભાષે કહ્યું .
હા , દુઃખની વાત છે કે સમગ્ર વિશ્વમાંથી લગભગ બે મિલિયન લોકો આ કોરોનનો ભોગ બન્યાં , જેઓ હવે કદી પાછાં નહીં આવે ; પણ કાંઈક નવતર જોવા અને જાણવા પણ મિયું છે , હોં ! ને હવે એની રસી બજારમાં આવી રહી છે ત્યારે એ મહામારીને કૈક જુદી રીતે જોવા પ્રયત્ન કરીએ : એણે લાખ્ખો નાં લીધાં એ સત્ય છે , જેણે પોતાનાં પ્રિયજન ગુમાવ્યાં એ પાછાં નથી જ આવવાનાં, એ પણ હકીકત છે જ ;પણ – પણ –
હા , દરેક સિક્કાને બે બાજુઓ હોય છે જ .
સિક્કો ગમે તેટલો પાતળો હોય પણ એને બીજી બાજુ હોવાની જ !
તમે ગમે તે એક પરિસ્થિતિ લો : હું તેને આ રીતે મૂલવું ; અને તમે તેને કોઈ જુદી રીતે મૂલવો!
જુઓ ; “ આ કોરોના સમયમાં ઘરમાં ને ઘરમાં રહીને પાંજરે પુરાયેલ પંખી જેવી હાલત થઇ છે એમ કહીને હું પરિસ્થિતિને દોષ દઉં ;” પણ –
પણ જે લોકો સતત એક સ્થળેથી બીજે સ્થળે પ્લેનમાં જ ઉડા ઉડ કરતા હતાં તેમનાં ઘરવાળાઓને આ સમય સુવર્ણકાળ જેવો મધુર લાગે ! હાશકારો થાય !
“ચાલો , છેવટે એમનાં ટાંટિયા ઘરમાં ટક્યા તો ખરા ! “ એ લોકો કહેશે।
ઘણા લોકોના ધંધા પાણી સાફ થઇ ગયાં! બિચારાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયાં ! રેસ્ટોરન્ટ , બ્યુટી પાર્લર , અને નાના નાના સ્ટોર્સ – બધું બંધ ! એક બાજુ અર્થ તંત્ર ખોરવાઈ ગયું હોય તેમ લાગ્યું ! અરે નિશાળો અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અને સંગીત સ્કૂલ , ડાન્સિંગ ક્લાસ , રમતગમતનાં પ્રાઇવેટ ક્લાસ બધું જ બંધ થઇ ગયું !
તો બીજી બાજુ કોરોનને લીધે ગ્રોસરી સ્ટોર પૂર બહારમાં ખીલ્યાં! શાકભાજી અને ફળ ફળાદિનાં ધંધા ખીલી ઉઠ્યાં!
બધાં ઝાઝું ઘેર રહે અને રસોઈ પણ થવા લાગી ઝાઝી ! એટલે અનાજ પાણીના ધંધામાં તેજી આવી !
સ્ટોક માર્કેટ પણ ચઢ ઉતર કરવા સાથે ટકી રહ્યું !
અને સૌથી મોટો ફાયદો તો એ થયો કે કુટુંબમાં સાનિધ્ય વધ્યું !
ઘર રહીને નોકરી કરવાને લીધે છોકરાઓ અને ઘરની અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક વધ્યો ! ઘરકામમાં બધાંનો સાથ સહકાર મળ્યો !
ડ્રાંઈવિંગ ઓછું થયું એટલે ઝૂમ મિટિંગો દ્વારા જાણે કે રોજ મળતાં હોઈએ એવો આનંદ આવે !
મંદિરો કે અન્ય સોસ્યલ સ્થળોએ જવાનું બંધ થયું એ સાચું , પણ સાથે સાથે જેને વર્ષોથી જોયાં ના હોય તે સૌને વિડિઓ મીટીંગોમાં જોવાનું સામાન્ય થઇ ગયું ! અને સિનિયર મિત્રો જેઓ ક્યારેય સ્માર્ટ ફોન કે કમ્પ્યુટર કે સ્માર્ટ નોટબુકને ધ્યાનથી સમજવા પ્રયત્ન નહોતાં કરતાં , તે સૌ વડીલો પણ કમ્પ્યુટર પર વિડિઓ કોલ કરતાં થઇ ગયાં!” સુભાષે હકારત્મક દ્રષ્ટિથી બધું સમજાવતા કહ્યું !
લો , સિક્કાની આ બીજી બાજુ છે ને ?
સુંદર તડકો નીકળ્યો હોય તો કોઈને એ જોઈને આનંદ થાય ! કોઈ એ તડકાને આવકારે ; અને કોઈને એ જોઈને ફરિયાદ કરવાનું સૂઝે :
“ જરા વાદળછાયું વાતાવરણ હોત તો બહાર ચાલવાની મઝા આવત ! આવા તડકામાં ચામડી બળી જાય અને સ્કિન કેન્સર થવાની શક્યતાઓ વધી જાય !”
તમે જીવનને કઈ દ્રષ્ટિથી જુઓ છો તે મહત્વનું છે ; પાણીથી અર્ધ ભરેલા એક ગ્લાસને જોઈને તમને શું વિચાર આવે છે ? કે આ ગ્લાસ અર્ધો ભરેલો છે ? કે તમે વિચારો છો આ જો , અર્ધો ખાલી ગ્લાસ મારા નસિબમાં આવ્યો ?
જીવનને તમે નકારાત્મક દ્રષ્ટિથી જુઓ છો ?
કે તમે દરેક પરિસ્થિતિમાં કૈક હકારાત્મક શોધવા પ્રયત્ન કરો છો ?
સુભાષે મને સમજાવ્યું .

જીવનમાં પણ મૉટે ભાગે પતિ પત્ની એક સિક્કાની બે બાજુઓ જેવાં જ હોય છે ને ? અને ભગવાને એમને સમજી ને જ એ રીતે ઘડ્યાં છે ! જેથી તેઓ બંને બાજુનો અભ્યાસ કરી શકે અને તેમાંથી તારતમ્ય કાઢે , અને જીવનનો સાચો પથ પોતાની જાતે ઘડી શકે !
હેડ અને ટેઈલ ! એક સિક્કાની બે બાજુઓ ! એક પરિસ્થિને જોવાના બે અભિગમ ! પણ એટલે કે એક બાજુ” માથું અને બીજી બાજુ પૂંછડી નહીં , પણ , “એક બાજુ” જ્યાં કોઈ માથું કે વ્યક્તિની મુદ્રા છે , અને “બીજી બાજુ” જ્યાં તે સિવાયનું બીજું કશુંક છે ! જીવનની પરિસ્થિતિનું સાચું દર્શન !

દામ્પત્ય જીવન સફળ બને છે જયારે તેમાં સિક્કાની બેઉ બાજુઓ હોય છે ! બંને તરફથી પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો !
આ સંસાર છે , કારણકે એમાં પણ તુંડે તુંડે મતિઃ ભિન્ના છે !

આપણે મનુષ્ય છીએ , સ્વતંત્ર રીતે વિચારી શકીએ છીએ ! અને એટલે જ તો સંસાર ચાલે છે ! નહીં તો ગાયોના ધણની જેમ નીચી મુંડી કરીને ઘાંસ ચરતાં ન હોત ?
અહીં બે પક્ષ છે : બે ભિન્ન વિચાર ધારાઓ પણ છે ; પણ એ તો ભેગાં મળીને એક શુદ્ધ વિચાર મોતી બને છે ! નિંભાડામાં તપ્યાં પછીનું એ વિચાર મોતી ! આખરે તો એ સૌ ભેળાં મળીને એક સુંદર સંસાર માળા ઘડે છે !
તુમ મોતી હમ ધાગા !

અને તોયે મેં તો કરૂણ કાવ્ય પંક્તિઓ લખી :

‘આવો સમો ના પ્રભુ દે કદાપિ , કે જીવન તૂટ્યાં કંઈક શ્વાસો રૂંધ્યાંથી !
જીવ ગૂંગળાયો , રૂંધાયો હવા વિણ, પ્રભુ એવો દિન ના તું દે જે કદાપિ !
માનવ ને માનવથી છેટાં રહેવાનું , ડરીને ડરીને જીવન જીવવાનું ;
ને તોયે એ ડર તો સતત રહેવાનો , કે રખે આ દિવસ અલવિદા કહેવાનો !’

સુભાષે મને આશ્વાશન આપતાં , ફરીથી હકારાત્મક વિચાર કરવા સમજાવ્યું .
કોરોના મહામારીમાંથી જયારે હેમખેમ બહાર આવશું ત્યારે
જીવનને એક નવો અભિગમ પ્રાપ્ત થશે , એક નવી જીવન શૈલી અસ્તિત્વમાં આવશે !
ગઝલ પણ એવી જ લખાશે :
“માસ્ક પહેરીને ફરનારાઓ હાથને પણ સ્વચ્છ રાખો ;
જો જીવનન જીવવું હોય તો છ ફૂટની દુરી રાખો !”
કોરોના એ જીવનને જુદી રીતે જીવતા શીખવાડ્યું છે ,
સિક્કાની આ બીજી બાજુ છે – જે હકારત્મક છે ! “સુભાષે સમજાવ્યું.

એક સિક્કો – બે બાજુ :7) હોમિયોપથી અને એલોપથી !


રાતે વહેલાં જે સૂએ , વહેલાં ઉઠે વીર!
બળ ને બુદ્ધિ ને ધન વધે , સુખમાં રહે શરીર !
નાનાં હતાં ત્યારે આ કવિતા આપણે સૌએ સાંભળી જ હશે .અમે પણ આ કવિતા સાંભળીને જ મોટાં થયાં છીએ . બા રોજ સવારે એવું ગાતાં ગાતાં અમને જગાડે :
પરોઢિયે નિત ઉઠીને લેવું ઈશ્વર નામ , દાતણ કરી નાહ્યા પછી , કરવાં કામ તમામ !
અને એ જ કવિતા વર્ષો બાદ , મેં પણ અમેરિકામાં અમારાં સંતાનોને ગાઈ સંભળાવી .
મને એમ કે હવે એ લોકો પણ વહેલાં ઉઠવાની ટેવ પાડશે … મેં એમને કહ્યું , અલબત્ત , અંગ્રેજીમાં કે Early birds get the worms ! જુઓ , પંખીઓ વહેલાં ઉઠે છે એટલે એમને જરૂરી ખોરાક ( અળસિયાં કે ઝીણા જંતુઓ ) સવારે સૂરજ ઉગ્યા પહેલાં જ મળી જાય છે !
આ સવારે વહેલા ઉઠવાના ફાયદા છે .
પણ મને સ્વપ્નેય કલ્પના ક્યાં હતી કે દરેક વાતને , દરેક હકીકતને , એટલે કે દરેક સિક્કાને બીજી બાજુએ હોય છે ?
છોકરાઓએ તો મને સામો પ્રશ્ર્ન કર્યો ; “ પંખીઓને તો એમનું ચણ મળી જાય , પણ જે અળસિયાં એમની મમ્મીનું કહ્યું કરીને વહેલાં નીક્યાં હોય એ તો બિચારાં પંખીઓનું ભોજન જ બની જાય ને ? એના કરતાં સૂર્ય ઉગ્યા પછી નિરાંતે બહાર નીકળ્યા હોય તો બચી જાય ને ?
હું તો સ્તબ્ધ થઈને સાંભળી રહી !!
પણ દર વખતની જેમ સુભાષને પણ આ ચર્ચા સાંભળવાની મઝા આવી ગઈ . કહે , “ છોકરાંઓ સાચું કહે છે : બળ બુદ્ધિ ને ધન વધારવા વહેલા ઊઠવાને બદલે ‘ જાગ્યાં ત્યારથી સવાર સમજીને , ગમે ત્યારે ઉઠીયે , ગમે ત્યારે બ્રશ કરીને , ખાઈ પીને પછી કસરત કરીને નિરાંતે નાહી ધોઈને કામ કરીએ તો આ બધુંયે – બળ , બુદ્ધિ અને ધન -પ્રાપ્ત થાય જ !”
“ હા , પણ ;” મેં કહ્યું; “ આ આપણી સંસ્કૃતિ છે , આયુર્વેદમાં કહ્યું છે કે સવારે વહેલાં ઉઠવું જોઈએ , પછી દેહ ધાર્મિક ક્રિયાઓ કર્યો બાદ દિવસની શરૂઆત કરવી જોઈએ . આપણે તંદુરસ્ત રહેવું હોય તો આયુર્વેદ કહે છે તેમ ; “ ઉનું ખાય, ઉઘાડે સૂએ , એની નાડ વૈદ નવ જુએ ! આ બધા નિયમોને અનુસરવું જોઈએ ! વ્યવસ્થિત નીતિ નિયમ વાળું જીવન જીવી શકાય આયુર્વેદમાં , અને નિયમ વિનાનું બધું મનસ્વી જીવન એટલે એલોપથીની દવાઓ !” મેં ત્યારે કહ્યું હતું .
“ અને , આયુર્વેદ ચરી પાડવાની વાત કરે , આમ કરો , આમ ના કરો ; ફલાણું ખવાય ઢીંકણું ના ખવાય , એમાં પ્રાણાયમ ને મેડિટેશન એ બધુંયે દવા બનીને આવે ! એમાં વનસ્પતિ એનાં પાંદડાં, મૂળિયાં અને ડાળીઓ બધુંયે કાઢા ઉકાળા બનીને પીવાની , કોગળા કરવાની એવી બધી વાતો આવે .” સુભાષે કહ્યું ; “ એટલો બધો ટાઈમ કોની પાસે હોય છે આજના જમાનામાં ?”
હા , એ વાત થઇ આયુર્વેદની ! અને એલોપથીમાં જે તે તત્વોમાં , બીજાં રસાયણો ઉમેરીને એનું બીજું જ કોઈ રસાયણ બનાવીને એની દવાઓ બનાવવામાં આવે છે .” સુભાષે કહ્યું ; “પણ હોમિયોપથી તો આ બંનેથી સાવ જુદીજ માન્યતાઓ ઉપર રચાયેલ ઔષધ વિજ્ઞાન છે .”
“ હોમિયોપથી ?એમાં શું હોય છે ?” મેં જિજ્ઞાસાથી પૂછ્યું . હોમિયોપથી વિષે મેં ક્યાંક વાંચ્યું હતું પણ બરાબર ખ્યાલ નહોતો.
સુભાષે કહ્યું , “ હોમિયોપથી આમ તો મૂળ ગ્રીક શબ્દ છે , જેનો અર્થ થાય છે સરખું દુઃખ . પણ હોમિયોપથીની શોધ કરનાર હતા મૂળ જર્મનીના Dr. Samuel Hahnemann ડો . સેમ્યુઅલ હાહેનમન . ઓગણીસમી સદીમાં એમને થયું કે રોગની પ્રતિકાર શક્તિ જો લોહીમાં જ ભેળવી દઈએ તો રોગ એની જાતે મટી જાય !
એની ફિલોસોફી આયુર્વેદ અને એલોપથી બંને કરતાં સાવ અલગ છે .
દા. ત . આપણને તાવ આવ્યો હોય એમ લાગે તો આયુર્વેદના વૈદ સૌથી પહેલાં આપણી નાડી તપાસે . એમને દર્દીનાં સર્વ દર્દના મૂળોમાં પેટનો બગાડ લાગે તો પહેલાં પેટ ચોખ્ખું કરવા જુલાબ આપે .
એલોપથીનો ડોક્ટર દર્દીને સ્ટેથેસ્કોપથી હ્ર્દયના ધબકારે તપાસે અને તાવ ઉતારવાની દવા આપી દે ; એ રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ ના કરે , પહેલાં તો દુઃખ દૂર કરવા પ્રયાસ કરે .
પણ હોમિયોપેથીનો તબીબ દવા આપતા પહેલાં દર્દીની આખી વાત વિસ્તાર પૂર્વક સાંભળે . એની શરીરની બધી પ્રક્રિયાઓનું એનાં બધાં અવયવો વગેરેનું ઊંડાણથી અવલોકન નિરીક્ષણ કરે . ત્યાર બાદ એ એનાં શરીરમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેની દવા આપે … એટલે કે એવી દવા જે સીધી લોહીમાં ભળી જાય , લોહ તત્વ જેવા રસાયણોનો અર્ક જે ખુબ જ સ્ટ્રોંગ હોય તે આ હોમિયોપથી થેરાપીમાં વપરાય છે . વળી આ દવા આયુર્વેદના ઓસડિયાં નહીં કે એલોપથીના કેમિકલ રસાયણો નહીં પણ પૃથ્વી ઉપરના મૂળતત્વો – રસાયણોના અર્કને લઈને બનતી હોવાથી એ દવાઓ ખુબ જ પાણી જેવા પ્રવાહી માં , મંદ , ડાયલેટ કરીને ખુબ જ ઝીણી માત્રામાં દર્દીના લોહીમાં ભળી જાય એ રીતે આપવામાં આવે છે . જે રોગ હોય એજ રોગના જંતુઓ શરીરમાં ભળી અને ધીમે ધીમે પ્રતિકાર શક્તિ ઉભી કરે !” સુભાષે સમજાવ્યું .
જો કે મેં હોમિયોપથી વિષે થોડું નકારાત્મક પણ સાંભળેલું .
અમેરિકા અને અન્ય દેશોમાં આ શાખાની બધી દવાઓને માન્યતા નથી મળી . એક ઘરગથ્થુ રેમિડી – ડોસી વૈદું જેમ વૈકલ્પિક દવાઓ -તરીકે એ વેચાય છે . અને ક્યારેક એ લોહીમાં એવી રીતે ભળી જાય છે કે એની આડ અસરો પણ થાય છે . ક્યારેક એ જીવલેણ પણ બને ! અને જાપાનમાં એક વખત એલોપથીની બદલે આવા વૈકલ્પિક દવા વપરાશમાં અનેક બાળકો મૃત્યુ પામ્યાં હતાં.. કારણ કે એ દવા સીધી ઇમ્યુન સિસ્ટમ – રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરે છે . કેટલાંક લોકો એમ પણ કહે છે કે એ એટલી નબળી માત્રામાં હોય છે કે જરાયે અસર કરતી નથી !
જે હોય તે ! પણ આરોગ્યની દ્રષ્ટિએ , રોગ જયારે વધી ગયો હોય ત્યારે એલોપથી દવા જ આપણે કામમાં આવે છે ને ? મેં વિચાર્યું ; “એની આડ અસરો છતાં એ જ વિશ્વમાં વપરાય છે .”
“ જો કે દવાઓની વાત કરીએ તો કૈરોપ્રેક્ટરને પણ યાદ કરવા જ પડે , હોં!” સુભાષે કહ્યું ; “ કમરના અસાધ્ય દુખાવો કે હાડકાંના ઘણાં દુખાવાને કુશળ કૈરોપ્રેક્ટર એક ક્ષણમાં ગાયબ કરી દે છે !”
એમ તો ચાઈનીઝ રમીડીઝ – ફલાણી ચા કે ફલાણો સૂપ પીવાથી જે તે રોગ નાબૂદ થઇ શકે છે ; એમ ચાઈનીઝ મેડિસિન વિજ્ઞાન કહે છે ને ? પણ આખરે તો જ્યાં સુધી લેબોરેટરી – પ્રયોગશાળા માં પુરવાર ના થાય ત્યાં સુધી બધું નકામું !” મેં કહ્યું.
“તો તું ખાત્રીથી કહી શકે છે કે પ્રયોગ શાળામાં પુરવાર થયેલ દવા જ સાચી છે ?લેબોરેટરીમાં સફળ થયેલ દવાઓ સો ટકા અસર કરે છે , એવું તું કહી શકે છે ?” સુભાષે પૂછ્યું .
ના હોં ! આપણે ગમે તેટલું રીસર્ચ – સંશોધન કરીએ , પણ લોહીના એક ટીપાંને પણ પૂરું ઓળખી શકીશું નહીં : આજે , કાલે કે આજથી સો વર્ષ બાદ પણ , લોહીના એક ટીપામાં રહેલ બધી જિનેટિકલ માહિતીઓ – કે જે આજે આપણે સમજવા પર્યટન કરીએ છીએ – કે અમુક રોગ દર બીજી કે ત્રીજી પેઢીએ આવે છે – દ. ત. બ્રેસ્ટ કેન્સર , કે ડાયાબિટીસ વગેરે – આ બધું શું છે , કેમ છે , શા માટે અમુકને થાય છે , અમુકનો ચમત્કારિક રીતે ઈલાજ થી જાય છે વગેરે વગેરે પ્રશ્નો અનઉત્તર જ રહેવાના! તમે ગમે તે શાખાથી વિજ્ઞાને તપાસો – પણ માત્ર એટલું જ કહી શકાય :
બ્ર્હમાંડમાં ભટકી રહી , અંતે મતિ અટકી ગઈ !કારણકે ભગવાનનો પાર પામવો આપણા હાથમાં નથી . પુષ્પાદનતે પણ શિવ મહિમ્નમાં ગયું છે :
તવ ઐશ્વર્યમ યતનાદ યદ્વય અપી વિરંચી હરિ હ્રદ્ય
પરિચ્છેતું યાતા વનલ મનલ સ્કન્ધ વપુષઃ !
અર્થાત , તમારા ઐશ્વર્યનો તાગ મેળવવા બ્રહ્મા આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા ; પરંતુ હે પરમાત્મા ! કોઈને પણ આપની લીલાનો આદિ કે અંત પ્રાપ્ત ના થયાં!
તો આપણે તો પામર માનવી ! કેવી રીતે એ અનંતે જાણી શકીએ ? પણ અહીં સિક્કાની બે બાજુઓ માધ્યમથી વિજ્ઞાનો આછેરો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો છે . આખરે તો સુખી અને સન્તોષી જીવન એ જ તો આપણું અંતિમ ધ્યેય છે ને ? અસ્તુ!

એક સિક્કો – બે બાજુ :6) આયુર્વેદ અને એલોપથી ! – સુભાષ ભટ્ટ .


“ મારી નાડ તમારે હાથે હરિ સાંભળજો રે !” મેં સવારે ગીતાને એ ભજન ગણગણતાં સાંભળી અને જરા મજાક કરતાં કહ્યું કે આપણી નાડ પેલા વેક્સિનેશન આપનાર નર્સ બેનના હાથમાં છે ;કોરોનાની એ આ બીજી વારની રસી પણ આપી દે એટલે કોરોનના ભયમાંથી થોડો છુટકારો થાય !
“ એ તો સાચું ! છેવટે આ રસી આવી એટલે નિરાંત થઇ . પણ આ છેલ્લા એક વરસથી કોરોનાએ વિશ્વને ભયમાં મૂકી દીધું અને તેમાંથી જે થોડી છટકબારી મળી, આશ્વાસન મળ્યું , તે નર્સની રસીથી નહીં , આયુર્વેદના કાઢા અને ઉકાળાઓને લીધે જ , એ નભુલાય , ઓ કે !” ગીતાએ કહ્યું .
“અલબત્ત ,તારી વાત સાચી છે , પણ સાચો ઉકેલ તો એલોપથીની આ રસી જ છે ને ? દુનિયાના તમામ રોગો ઉપર કાબુ મેળવવા એલોપથી જ સહાયે આવે છે . બાકી આયુર્વેદ અને બીજું બધું તો વાતો છે વાતો !”
મેં દલિલ કરી .
“ પણ આ રોગની શરૂઆત કેવી રીતે થઇ હતી ?” ગીતાએ પૂછ્યું ; “ જયારે ચાઈનામાં લોકોએ અકુદરતી ખોરાક ખાવા માંડ્યો. અકુદરતી જીવનમાંથી મહારોગ પ્રસર્યો . ને ત્યારે , વિશ્વને એમાંથી ઉગારવા ઘરગથ્થું ઉપાયો લોકો અજમાવવા લાગ્યા! કોરોનાના વાઇરસથી બચવા લોકો કાઢા -ઉકાળા સાથે નાસ લઈને વાઇરસ સામે રક્ષણ મેળવતાં હતાં. મને યાદ છે કે અમે લોકો નાનપણમાં ક્યારેક માથું દુઃખે કે પેટ દુઃખવાની ફરિયાદ કરીએ ત્યારે બા ઘરગથ્થુ ઉપચાર કરતી અને અમને સૌને ચાહમાં એક ચમચી દિવેલ આપી દેતી . એ કહે કે શરીરના બધાં રોગોનું મૂળ આપણી પાચન ક્રિયા છે . પેટ ચોખ્ખું તો પચાસ ટકા રોગ ત્યાંજ ઓછા થઇ જાય ! બધાં રોગો વાત , પિત્ત કે કફ સાથે સંકળાયેલા હોય છે . વાત એટલે વાયુ – પેટમાં વાયુ થયો હોય , કે પિત્ત – એટલેકે એસિડ રિફ્લેક્સ થતાં હોય કે કફ અર્થાત ગળામાં કફ થાય તે – એ સૌ પણ ઘરગથ્થુ ઉપચારથી મટી શકે ! અને એમ કહીને અમારી બા અમને કડવાણી પીવડાવતી !” ગીતાએ કહ્યું .
“ એ તો દુઃખે પેટ અને ફૂટે માથું ! એવો ઘાટ ઘડાયો કહેવાય . માથું દુઃખે કે પેટ દુઃખે કે તાવ આવ્યો હોય કે શરદી થઇ હોય ; એ બધામાં જુલાબ આપવો કે કડવાણી પીવડાવવી એ જરા વિચિત્ર નથી લાગતું ?” મેં પૂછ્યું .
“ આપણું આયુર્વેદ તો એટલી હદે કહે છે કે
બધાં રોગનું મૂળ પાચન શક્તિ છે પણ તેનાથીએ એક પગથિયું આગળ , રોગનું મૂળ મન છે !
સંત ધન્વન્તર વૈદ સમ ; જૈસો રોગી જેહુ ,
મુક્ત બનાવત તાહુ કો- તૈસો ઔષધ તેહું!
અર્થાત , ધનવન્તરી (જેમને ઔષધના પિતામહ કહેવાય છે ) તેમણે સમુદ્ર મંથન વેળાએ અમૃતનો કુંભઃ કાઢ્યો અને એ સંજીવની દવાથી સૌને સાજા કરવા માંડ્યાં તેમ સંત તમને મનથી મજબૂત બનાવીને ગમે તે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરી શકે છે !” ગીતાએ કહ્યું .
“ એલોપથીની દવાથી રોગ તરત જ કાબુમાં આવી જાય છે . ટાયલેનોલ લો અને માથાનો દુખાવો તરત જ ગાયબ થઇ જાય !” મેં કહ્યું .
“ હા , એ વાત તદ્દન સાચી ; પણ એટલું જલ્દી આ એલોપથીની દવા કેવી રીતે અસર કરે છે? આયુર્વેદની ઔષધિઓને અસર કરતાં દિવસો કે મહિનાઓ લાગે , પણ એલોપથીની ગોળી ગળો , દવા પીઓ કે ઇન્જેક્શન લો એ તરત જ અસર કરે છે ! એ કેવી રીતે ?” ગીતાએ પૂછ્યું .
હા , અમારાં ઘરમાં આયુર્વૈદિક ઉપચારોનું મહત્વ છે ; અને એનું કારણ એ જ કે એલોપથીની દવાઓ જેમ આયુર્વેદની કોઈ સાઈડ ઇફેક્ટ – આડ અસર નથી .
“ સૌથી પહેલું તો આ માથું દુઃખવું કે તાવ આવવો વગેરે ચિહ્નોને આપણે મિત્ર સમજીને આવકારવા જોઈએ . એ ચિહ્નો જણાવે છે કે શરીરમાં કાંઈક ગરબડ થઇ રહી છે .આપણાં શરીરમાં કોઈ પણ પ્રકારનાં જીવાણુઓ – પછી તે શ્વાસ વાટે પ્રવેશેલાં વાઇરસ હોય કે અન્ય રીતે ઉદ્ભવેલાં બેક્ટેરિયા હોય , પણ એ વણ નોંતર્યાં આગંતુકો જયારે શરીરમાં પ્રવેશે છે તરત જ આપણું લોહી એની નોંધ લાંછે અને એની ઘટતી મરામત કરે છે . લોહીમાં રહેલાં શ્વેત કણો એનો સામનો દેશના સૈનિકો જેમ દેશનું રક્ષણ કરે છે તેમ તેઓ શરીરનું રક્ષણ કરે છે ! … અને શરીર ગરમ થઇ જાય છે ; આપણને તાવ આવે છે ! તાવ આવે ત્યારે શરીર આપણને કહે છે કે કાંઈક અજુગતું થઇ રહ્યું છે !” મેં સમજાવ્યું .
“ બરાબર ; અને તેથી જ કડવાણી પીને આપણે રોગના જંતુઓને મારીનાંખવા પ્રતિબદ્ધ થઇ એ છીએ , કેમ બરાબર ને ?દિવેલનો રચ લેવાથી પાચન શક્તિને સ્વચ્છ કરીને કાઢા -ઉકાળા કે પૌષ્ટિક ખોરાક ખાઈને શરીરના એ સૈનિકોને અપને મજબૂત કરીએ છીએ ! કેમ , સાચી વાત ને ?” ગીતાએ કહ્યું .
“ હા , પણ એ લાંબી પ્રક્રિયા છે .. જયારે એલોપથીમાં ગોળી ગળવાથી સીધું જ એ આપણી નર્વ સીસ્ટ્મને અસર કરે છે !એલોપથીની દવા – દા. ત . ટાયલેનોલ કે એડવિલ – એ રોગની સામે લડવા આપણાં લોહીને તૈયાર નથી કરતી – જે આયુર્વેદની કડવાની કે કાઢો , કે ઉકાળો કરે છે – પણ ટાયલેનોલ સીધી આપણાં જ્ઞાનતંતુઓને શિથિલ બનાવી દેછે , એથી માથાનો દુખાવો કે પેટનો દુખાવો કે તાવ – કાંઈ ઓછાં થતાં નથી પણ મગજ સુધી એ દુઃખ પહોંચતું નથી . એટલે કે , એ દવાઓ રોગને મટાડતી નથી પણ રોગને છાવરે છે . જો કે , એ ‘છાવરવાનો સમય ‘ જયારે શરીરનાં અંગો શિથિલ થઇ ગયાં હોય ત્યારે શ્વેત કણો પેલાં વાઇરસને કે બેક્ટેરિયાને ભાગી જવાનું કહેવા પ્રયત્ન કરે છે . જો એ રોગના જંતુઓ બહુ સ્ટ્રોંગ ના હોય તો બે ચાર દિવસ આ ટાયલેનોલ લેવાથી તાવ ભાગી જાય છે ; પણ – ” મેં કહ્યું ; “ પણ જો એ રોગ જોરદાર હોય તો રોગ વધી જાય છે ! જ્ઞાનતંતુઓ શિથિલ થઇ ગયાં હોય એટલે રોગ વધવા માંડ્યો હોય તેની ખબર જ ના પડે !
“એનાથી વિરુદ્ધ ;” ગીતાએ આયુર્વેદની પદ્ધતિ સમજાવતાં કહ્યું ; “ આયુર્વેદ કહે છે કે તમારી પાચન શક્તિને વ્યવસ્થિત રીતે જાળવી રાખો તો
સ્થિરૈ અંગૈ તુષ્ટવાન તનુભિંહી વ્યશેમહીં દેવ હિતં યદાયુઃ !
નરવાં અંગે સશક્ત શરીરથી તુષ્ટ બનેલ , સજ્જ શરીરથી પ્રભુને આરાધતા દેવનું દીધેલું જીવન જીવીએ ! એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા !
આયુર્વેદ સઁસ્કૃત શબ્દ છે . આયુ એટલે જ આયુષ્ય . અને વેદ એટલે કે જાણકારી !દીર્ઘ અને સ્વસ્થ આયુષ્યના ઉપચારો બતાવે તે આયુર્વેદ !” ગીતાએ કહ્યું .
“ અને એલોપથી શબ્દ મૂળ ગ્રીક શબ્દ એલોસ allos ઉપરથી આવ્યો છે . એલોસ નો અર્થ થાય છે બીજું કાંઈક – અર્થાત રોગ નહીં પણ બીજું કાંઈક ! આ દવાઓ સીધી રોગને અસર કરે પણ સાથે સાથે આજુબાજુના અવયવોને પણ ભરડામાં લે છે ! ક્યારેક એવું પણ બને કે બકરી કાઢતાં ઊંટ આવી જાય ! ડાયાબિટીસને હરાવવા જાઓ ત્યાં બ્લડ પ્રેસરનો રોગ આવી જાય ! એને કાબુમાં લેવા જાઓ ત્યાં બીજાં ચાર રોગ પેસી જાય !” મેં સાચું જ જણાવ્યું !
“ આયુર્વેદ અને એલોપથી એક જ સિક્કાની બે બાજુઓ છે ! શરીર સ્વાસ્થ્ય રૂપી સિક્કો છે એની એક બાજુ આયુર્વેદ ને બીજી બાજુ એલોપથી છે !” ગીતાએ કહ્યું .
પણ મારે તો સાચું જણાવું પડશે , વાચક મિત્રો ! આપણી હેલ્થ માટે , આપણાં શારીરિક , માનસિક , અને ઊર્મિલ હ્ર્દય -દિલ દિમાગ માટે આ બે સિવાયની – હોમિયોપથી , નેચરોપથી , ચાઈનીઝ મેડિસિન અને કાઇરો પ્રેક્ટિસ અને ઘણી બધી શાખાઓ છે .. માણસને તંદુરસ્ત અને દીર્ઘાયુષ જીવવું હોય તો એક જ ચીલે ચાલવાને બદલે સતત નવું અપનાવવું જ રહ્યું ! પણ એની વાત આવતે અંકે ! ત્યાં સુધી , તમે કોરોનની રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવાનું અને દો ગજની દુરી રાખવાનું ભૂલશો નહીં ! અને બને તો ઘરમાં જ રહેજો ! હોં!

એક સિક્કો – બે બાજુ :5) વિજ્ઞાન અને ધર્મ ! સોક્રેટિસ ની વાત !

વાચક મિત્રો ; ગયા અઠવાડીએ ધર્મમાં શ્રદ્ધા અને વિજ્ઞાનમાંવિશ્વાસની – સત્યનારાયણની કથાની વાત કરી હતી : પણ પછી બે ત્રણ મિત્રોએ ફોન દ્વારા ચર્ચા કરી , અને અમુક મિત્રોએ ટિપ્પણીમાં પોતાનાં વિચારો અને માન્યતાઓ દર્શાવી ; પછી લાગ્યું કે સોક્રેટિસની વાત કર્યા વિના આ સિક્કાની બે બાજુને પુરી રીતે ન્યાય આપ્યો ગણાશે નહીં !
“ દરેકે દરેક પરિસ્થિતિને બે બાજુ હોય છે , અને જો એ ના હોત- બધું ચોખ્ખે ચોખ્ખું દેખાતું હોત તો દુનિયામાં કોઈ યુદ્ધો જ થયા હોત નહિ !” સુભાષે વૈશ્વિક ડહાપણ ડહોળ્યું ; “ સૌની માન્યતાઓ , પોતાની પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે !”
“ તું શું માને છે :” સુભાષે પૂછ્યું , “લોકશાહીનો વિચાર જે દેશમાં સૌ પ્રથમ વાર ઉદ્ભવ્યો માનવામાં આવે છે એવા ગ્રીસ દેશના એથેન્સમાં થઇ ગયેલ સોક્રેટીસને ઝેર આપીને મારી નાંખ્યો તે શું એ લોકોએ સોક્રેટિસની સારી બાજુ જોઈ હશે ખરી?
લોકોની સિક્કાની બીજી બાજુએથી જોવાની દ્રષ્ટિ હોત તો શું એમણે સોક્રેટીસને ઝેર આપ્યું હોત ? ”
સોક્રેટિસ વિષે આપણને સૌને ખબર છે. આજે અઢી હજાર વર્ષ પછી પણ આપણે એને યાદ કરીએ છીએ . તર્કશાસ્ત્રનો એ પિતા ગણાય છે . અને એવી મહાન વિભૂતિને ઝેર આપવામાં આવ્યું હતું ! એ વ્યક્તિ કે જે લોકપ્રિય હતી , અને છતાં કઈ ભૂલ માટે એના ઉપર કેસ કરવામાં આવ્યો હશે ? એથેન્સમાં ત્યારે રાજા હતો પણ ત્યારે ત્યાં કોઈ આપખુદ રાજાશાહી નહોતી , પણ ગણતંત્ર હતું ! લોકશાહીને નામે સોક્રેટીસ ઉપર મુકદ્દમો ચાલ્યો હતો ! કઈ દ્રષ્ટિથી એને ગુનેગાર ગણવામાં આવ્યો હતો ?
જવાબ છે ધર્મની દ્રષ્ટિથી!!!
સોક્રેટિસ , અને પછી એના શિષ્યો – પ્લેટો અને એરિસ્ટોટલ – જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ , એ ફિલોસોફર , તત્વવેત્તા , તર્કશાસ્ત્રી સોક્રેટીસે એવું તે શું ધર્મ વિરુદ્ધ કહ્યું હતું કે એને ઝેર મળ્યું ?
“ધર્મ અનેવિજ્ઞાન એક જીવન રૂપી સિક્કાની બે બાજુ છે ; ધર્મ દિલથી અનુભવાય અને વિજ્ઞાન બુદ્ધિથી ! એક કુશળ રાજકર્તા માટે ધર્મ ની વ્યાખ્યા બદલાઈ જાય છે .” સુભાષે સમજાવ્યું ; “ સોક્રેટિસ જયારે એથેન્સની ગલીઓમાં યુવાનોને ભેગાં કરીને એમને એમનો “ધર્મ” સમજાવતો હતો , બસ , એ જ વાત એથેન્સનાં રાજગુરુઓને અધાર્મિક લગતી હતી !”
શું હતું એની વાતોમાં ?
હા , મને યાદ છે કે સોક્રેટિસ દેશ ભક્ત હતો , અને પોતાનું એથેન્સ શહેર આબાદ રહે તે માટે શું કરવું જોઈએ એનું મંથન કરતો હતો. ત્યાંનાં યુવાનોને એ સીધા જવાબો આપવાને બદલે પ્રશ્નો પૂછીને ,સાચો જવાબ મેળવવા પ્રેરણા આપતો હતો .
એણે પૂછ્યું : “ માણસ ખોટું ક્યારે કરે છે ?”
મિત્રો , કૃષ્ણ ભગવાન જયારે દુર્યોધન પાસે સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધનને યુદ્ધ રોકવા કહ્યું હતું અને દુર્યોધને સ્પષ્ટ કહ્યું હતું : જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ !
પણ અહીં સોક્રેટીસે સીધું જ યુવાનોને પૂછ્યું ; “ ચોરી કરવી એ ખોટું છે એમ જાણવા છતાં કોઈ ચોરી શું કામ કરે છે ?
સોક્રેટીસે કહ્યું કે માણસને સમજ પડે છે કે સાચું શું છે અને ખોટું શું છે ; પણ એ છતાંયે ખોટું કરે છે ! કારણ કે , એને એ ક્ષણે એવું લાગે છે કે સાચું કરવા કરતાં આ ખોટું કરવાનો લાભ વધારે છે ! સોક્રેટીસે કહ્યું કે માણસના નૈતિક મૂલ્યોનો માપ દંડ , એના વિચારો , જુદા અને બદલાતા રહે છે – એ સીધા નથી , આડા યે નથી – એ વાંકા ચૂંકા હોય છે !”
સુભાષે સમજાવ્યું . “ એટલે કે આપણે મન સાથે નક્કી કરીને જ પહેલેથી જ સિક્કાની એક બાજુ પસંદ કરી લેતાં હોઈએ છીએ ! તમે એને ‘ધર્મ’ની બાજુ કહો કે ‘વિજ્ઞાનની’ ! આખરે તો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે ને !
મિત્રો , અહીં મન વિષે રજનીશજીની વાત યાદ આવે :
મન એ જ જુએ છે જે એને જોવું હોય છે ! રજનીશજી કહે છે .
સોક્રેટીસે ગામવાસીઓને કહ્યું કે ભગવાન એક જ છે , અને એથેન્સને ચારે બાજુથી રક્ષણ કરનારાં બધાં દેવો એ કોઈ જુદાં નથી ! પણ એના કમનસીબે એ અરસામાં પ્લેગ ફાટી નીકળ્યો .વળી , નજીકના રાજાએ પણ યુદ્ધ જાહેર કર્યું ! એથેન્સવાસીઓને લાગ્યું કે આ બધું દેવો ગુસ્સે થઈને કરાવે છે ! અને એ માટે આ લઘરવઘર કપડામાં ફરતો , લાંબા ગંદા વાળ અને વિચિત્ર દેખાતો સોક્રેટિસ જ જવાબદાર છે !
અહીં મને કૃષ્ણભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો તે વાત યાદ આવે છે ! ભયન્કર વરસાદ આવે છે અને ઇન્દ્ર કોપાયમાન થયા છે તેમ સમજીને લોકો ભયભીત થાય છે ત્યારે કૃષ્ણ તેમને બચાવે છે ! પણ સોક્રેટીસના નસીબમાં એવું કાંઈ ન હતું ! મુશ્કેલીઓથી એથેન્સ ઘેરાયેલું હતું અને સોક્રેટિસ એને માટે જવાબદાર છે એમ લોકોને લાગ્યું !
સોક્રેટિસ એક અલગારી માણસ હતો . ઘરમાં પણ કર્કશા પત્નીથી કંટાળ્યો હતો . એણે પોતાનાં વિરુદ્ધની વાતો ગંભીર રીતે લીધી નહીં . એની ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ગામને મુશ્કેલીમાં મુકવા બદલ – યુવાનોને ભડકાવવા બદલ અને દેવ દેવતાનું અપમાન કરવા બદલ શું શિક્ષા કરવી જોઈએ એમ એને પૂછવામાં આવ્યું . પણ સોક્રેટીસે એને પણ ગંભીરતાથી લીધું નહીં . આખરે એણે પોતાની જાતે જ ઝેર પીને મૃત્યુ વહોરવું એમ નક્કી થયું .
એનાં પરમ શિષ્યો પ્લેટોએ એને છાનાં માંના ભાગી જવા ખુબ વિનંતી કરી , પણ સોક્રેટીસે એને રાજ્યની મર્યાદાની વિરુદ્ધમાં કહેવાય એમ કહીને નાસી જવાને બદલે ઝેર પીવાનું નક્કી કર્યું !
“ સોક્રેટીસે ધાર્યું હોત તો એ ત્યાંથી નાસી શક્યો હોત !” “ લોકોને , પડોશના રાજ્યોમાં સૌને , એને માટે માન હતું , પણ એ ભાગ્યો નહીં ! એને એથેન્સ વહાલું હતું !”
કેમ ? શું સાચું ? શું ખોટું ? એ નક્કી કરવાવાળા આપણે કોણ ?
પણ એટલું તો જરૂર કહી શકાય કે જે ઝેર આપવામાં આવ્યું હતું એ ધર્મને નામે અપાયું હતું !
ધર્મની રક્ષા કરવાને નામે અપાયું હતું !
દેશના હિત માટે આપવામાં આવ્યું હતું !
ધર્મ અને વિજ્ઞાનનો આ સંવાદ – વિસંવાદ કાંઈ નવો નથી . બે હાજર વર્ષ પૂર્વે , જેના નામથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ છે તે શાંતિ ચાહક દેવદૂત ફરિશ્તો જીસસ ક્રાઈષ્ટને પણ વધસ્થંભ પર ચઢાવવામાં આવ્યા હતા !
કારણ ?
કારણ કે એ ધર્મની વિરુદ્ધ વાતો કરીને લોકોને બહેકાવે છે ! એમ ધર્મગુરુઓ માનતા હતા !!
અરે એ બધી તો હજારો વર્ષ પુરાણી વાતો થઇ. ; પણ હજુ છ સદી પહેલાં નરસૈંયાને “ ધર્મને અભડાવ્યો ! એ તો ભંગીને ઘેર નાચ્યો !’ કહીને એનીયે અવહેલના શું ઓછી થઇ હતી ? છૂત અછૂત , આભડછેટ , ઊંચ નીચના ભેદભાવ આ બધું જે આપણને અહીં હાસ્યાસ્પદ લાગે છે તે ત્યારે ધર્મને નામે શિક્ષાને પાત્ર હતું ! અરે દરિયો ઓળંગવાના ગુના બદલ ગાંધીજીને ય નાત બહાર નહોતા મૂક્યા? કસ્તુરબાએ પોતાના વિષે લખ્યું છે કે ગાંધીજી જયારે લંડન ગયા ત્યારે હું મારે પિયર ત્રણ વર્ષ રહેવા જવાની હતી , પણ એ લોકોને નાત બહાર મૂક્યાં હતાં એટલે પિયરમાં જવાનું ઉચિત નહોતું ! અને આ બધું ધર્મને નામે થતું હતું અને હજુએ એવું થઇ રહ્યું છે !
“ પણ આમ જુઓ તો” મેં સુભાષને કહ્યું ; “ આપણે ત્યાં ચાર વેદ ને આપણાં ધર્મગ્રંથો માનવામાં આવે છે ‘ બરાબર ? તેમાં સાહિત્ય છે , કલા છે , સંગીત છે અને આયુર્વેદિક ઔષધિઓ પણ છે – વિજ્ઞાન પણ છે અને તેના પ્રયોગો પણ છે ! તેમાં ચમત્કારો છે એમાં વિજ્ઞાનના પારખાં ના થાય : એમાં. વિજ્ઞાન છે ત્યાં ચમત્કારની દ્રષ્ટિથી પરીક્ષણના કરાય ! ધર્મ : અને વિજ્ઞાન ! એક જ સિક્કાની બે બાજુઓ . આ સિક્કો છે એ આપણું જીવન જ સમજી લો !
આજે કોરોના કાળમાં સ્વજનને કોરોના થઇ ગયાનું સાંભળીને આપણાંમાંથી કેટલાં જાણ એવાં હશે કે જેમણે સ્વજન માટે પાર્થના ના કરી હોય ? બધાં જ ત્યારે ભગવાનમાં શ્રદ્ધા રાખવા મંડીએ છીએ . પ્રાર્થનામાં એક પ્રબળ તાકાત છે એમ કહીને મૃત્યુંજય મંત્ર પાઠ કે અખન્ડ દીવો કે વ્રત – બાધા માની લઈએ છીએ ! અને ચમત્કાર થાય છે પણ ખરા ! મૃત્યુનાં મુખમાંથી, વેન્ટિલેટર પર મહિનો રહ્યાં પછી એ વ્યક્તિએ આંખ ઉઘાડી હોય અને જીવતાં પાછા આવ્યાં હોય તેમને અમે અંગત રીતે જાણીએ છીએ ! હા , વિજ્ઞાનના પ્રયાસ સાથે પ્રાર્થનાની તાકાત અને ભગવાનની કૃપાથી એ શક્ય બન્યું છે !
તો વાચક મિત્રો ; પ્રશ્ન છે સાચું શું ? વિજ્ઞાન કે ધર્મ ?

એક સિક્કો – બે બાજુ :4) વિજ્ઞાનમાં શ્રદ્ધા કે શ્રદ્ધામાં વિશ્વાસ ? By Subhash Bhatt

“એક વસ્તુ મને ક્યારેય સમજાતી નથી કે જયારે કોઈ ધાર્મિક ક્રિયાકાંડની વાત આવે ત્યારે માંડ ગરીબીની રેખા ઉપર જીવતાં મધ્યમ વર્ગનાં અમુક લોકો એકદમ ઉદાર , ધર્મ પરાયણ અને સક્ષમ ક્યાંથી થઇ જાય છે? જેમનાં ઘરમાં બાળકોને આપવા માટે પૂરતાં ઘી -દૂધ – નથી એમની પાસે અચાનક આ વિધિઓ કરવાના પૈસા કેવી રીતે આવી જાય છે ?” મેં અકળાઈને પૂછ્યું .
“ કોઈ ભગવાનનું કાર્ય કરતું હોય તેમાં આવી શંકા ના કરાય !” ગીતાએ મને રોક્યો ; “ એ લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી પણ એમને ભગવાનમાં શ્રદ્ધા છે , એમની ભાવના છે તો ભલે ને કરે !”
વાત જાણે એમ હતી કે ગીતાનાં દૂરનાં સગાં માસી ગ્રીનકાર્ડ પર અહીં દીકરાને ઘેર સેટ થવા આવ્યાં હતાં ને અમે એમને મળવાં ગયેલ . દીકરાની આમ પણ સાવ સામાન્ય નોકરી અને કુટુંબમાં પણ આંતરિક પ્રોબ્લેમ હતાં. વધારામાં એક પાંચેક વર્ષની નાનકડી દીકરી હતી એ પણ જાણે કે મંદ બુદ્ધિની હોય તેમ લાગતું હતું ! આ બધી મુશ્કેલીઓ વચ્ચે હવે એ લોકોએ સત્યનારાયણની કથા રાખેલી.

અમે અમારે ઘેર જવા નીકળતાં હતાં ત્યાં માસીએ હાથમાં દૂધનું એક ગેલન પકડાવ્યું ,કહે : અમારા વતી મંદિરમાં અભિષેક માટે આ દૂધ જરા મૂકતાં જજો ને.”
“શું જરૂર છે આવી કથાઓ , જપ -તપ , પૂજા પાઠ અને અભિષેકોની ?” ગાડીમાં બેસીને , મારાથી હૈયા વરાળ ઠાલવ્યા વિના રહેવાયું નહીં .

પણ ગીતાને તો જાણે કે સાક્ષાત ભગવાને ફોન કરીને કામ ચીંધ્યું હોય તેમ એણે ઉત્સાહથી દૂધનું ગેલનીયુ સાથે લઇ લીધેલ અને અમે સહેજ અવળા ડ્રાઇવ કરીને , મંદિરમાં મુકવા પણ ગયાં.

“આ દૂધ માં’રાજનાં છોકરાં પીવાનાં ! ભલું હશે તો એની પાસે દસ બાર ગેલન દૂધ આવ્યું હશે તો હમણાં પાછું દસ દસ ડોલરના ભાવે પ્રસાદી રૂપે લોકોને વેચી દેશે ! અને લોકો ખરીદશે પણ ખરાં.” મને આ બધું મગજમાં ઉતરવું મુશ્કેલ હતું . “ આવી સીધી અને સ્પષ્ટ વાત લોકો કેમ સમજતાં નથી ? એમ કથાઓ કરાવડાવવાથી કે યજ્ઞો કરાવવાથી મુશ્કેલીઓ દૂર ના થાય .”

પણ ગીતાને જાણેકે આ બધું જરાયે અજુગતું લાગતું નહોતું.“ કોઈની શ્રદ્ધાને આમ તોડી પડાય નહીં. ભગવાનને ધરાવેલ દૂધ પ્રસાદ બની જાય , એ મેળવીને જો કોઈ ધન્યતા અનુભવે તો આપણે શા માટે જીવ ટૂંકો કરવો અને માસીને જો કથા કરાવવી હોય તો એ તો એમની શ્રદ્ધાનો વિષય છે . એમની પરિસ્થિતિ એવી નબળી છે કે એ ભગવાનથી ડરે છે. એમને એમ છે કે એ એવું બધું કરશે તો ભગવાનની કૃપા દ્રષ્ટિ થશે એટલે એ ભગવાનને રીઝવવા પ્રયત્ન કરે છે.”
ગીતાએ એનું જ્ઞાન -જેની સાથે હું સંમત નથી તે – મારા ઉપર ઢોળ્યું.’ “ આપણને ખબર છે અને સમજાય છે કે આ ધરમ ધાગા એ બધું ધતિંગ છે, પણ માસી માટે અને એમનાં ઘરનાં સૌ માટે આ એક આશાનું કિરણ છે !” ગીતાએ કહ્યું ;
“ભગવાનનો વિચાર જ આમ તો કદાચ ભયમાંથી ઉત્પન્ન થયો હશે. ભયં ચ અભયમ ચ એવ! આમ જુઓ તો જેણે આ સૃષ્ટિ ઘડી તેને શું આ એક દૂધનું ગેલન કે થોડાં કેળાં કે સફરજન જોઈએ? ના , પણ એ તો એક માત્ર નમ્ર પ્રયાસ છે; કદાચ આ એક આશ્વાસન છે !જયારે આપણે એમ કહીએ છીએ કે,
‘ફલેન ફલિતમ સર્વે , ત્રૈલોક્યમ સચરાચર,
તસ્માત ફલ પ્રદાનેન સફલા મેં મનોરથાઃ’

આ ફ્ળ ( શ્રીફળ , સફરજન વગેરે )આપને અર્પીને , ઓ ત્રૈલોકના નાથ મારા મનનાં મનોરથ પૂરાં કરવાનું ફળ મને આપો !
અને એ વિનંતી ભગવાન સ્વીકારે એ માટે ,સાથે સત્યનારાયણની કથા કે બીજાં પૂજા પાઠનો આર્થિક બોજો પણ ઉઠાવવા એ તૈયાર થાય છે!’ ગીતાએ મને બીજી બાજુએથી વિચારવા મજબુર કર્યો .

પણ , મૂળ પ્રશ્ન તો હજુ ઉભો જ છે ! મેં પૂછ્યું ; “ શું કથા કરવાથી એના ઘરમાં શાંતિ થશે ? એની દીકરી સાજી થઇ જશે ? શું એની આર્થિક સ્થિતિ સુધરી જશે ?- ના ! ઉલ્ટાનું, આર્થિક બોજો વધશે ! ઘરમાં કંકાશ વધશે . દીકરી પણ વધારે કન્ફ્યુઝન અનુભવશે.” મેં કહ્યું.

“ખરેખર એ ધરમ કર્મની વાતો છોડીને , કોઈ યોગ્ય દિશામાં નક્કર પગલાં લેવાં જોઈએ . કોઈ સારા થેરાપિસ્ટની પાસે જઈને ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું જોઈએ . પતિ પત્નીએ જે ખરેખરો પ્રોબ્લેમ છે તેને સંબોધીને ઉપાય લેવાં જોઈએ અને માસીના દીકરાની પાસે ભારતનું શિક્ષણ છે , નામું લખવાનો અનુભવ છે તો અત્યારે કરે છે તેવી જેવી તેવી નોકરીને બદલે એકાઉન્ટિંગ શીખીને વ્યવસ્થિત એ ફિલ્ડમાં નોકરી શોધવી જોઈએ . અને દીકરી માટે શું કરી શકાય એની તને ખબર છે ગીતા, તારું તો એ ક્ષેત્ર છે , તેં બાળકો સાથે વરસો સુધી કામ કર્યું છે, એને તું જ કહે શું ટ્રીટમેન્ટ આપી શકાય ?’

“પહેલાં એનું નિરીક્ષણ કરીને , નિદાન કરવું જોઈએ . કદાચ એ છોકરી આ બધાં ગૂંચવાળાઓ વચ્ચે પોતે જ ગૂંચાઈ ગઈ છે! એક તો પારકો દેશ છે , નાનકડી બાળકીને મૈત્રી કરતાં પણ શીખવું પડે , એમાં માતા પિતાના ઝગડાં અને દાદીબાનાં ‘ આ તો પૂર્વ જન્મના પાપનું પરિણામ’ છે ‘ વગેરે સાંભળી સાંભળીને હવે એની બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે !” ગીતાએ કબુલ્યું.

“તો તારી માસીને આ કથા અને યજ્ઞો કરાવવાની ના કહી દેજે .” મેં કહ્યું .
“ના હોં! કથા યજ્ઞ વિધિઓ વગેરે શ્રદ્ધાનો વિષય છે. કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો આપણને અધિકાર નથી. માસીને મંતરેલાં દોરા ધાગામાં શ્રદ્ધા છે , એ રાશિ ભવિષ્ય પણ વાંચે છે અને મુહર્ત જોઈને જ બધાં કામ કરે છે . આપણે એમને જેવું તેવું કહીએ તો બિચારાનો જીવ મૂંઝાય.” ગીતાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો.

“જાનામિ ધર્મ , ન ચ મે પ્રવૃત્તિ – એવું થયું કહેવાય ! તને સમજાય છે કે દોરા ધાગા અને કથા યજ્ઞો બધું ધતિંગ છે , અને છતાં તારે એ લોકોને સમજાવવું નથી ! આ જો અમેરિકાના પ્રમુખે પ્રમુખપદની શપથ વિધિ કરી ત્યારે કયું ચોઘડિયું હતું ખબર છે ? ભારતીય સમય પ્રમાણે કાળ ચોઘડિયું હતું ! એમ મને કોઈએ મેસેજમાં કહ્યું હતું. બોલ, કાળ ચોઘડિયામાં શપથ લીધાં એમ કહેવાય.”

“એ તો સમય બતાવશે કે એ કાળ ચોઘડિયું હતું કે અમૃત !” ગીતાએ પણ મારી સાથે મજાકમાં ભાગ લીધો, “ જો કે એ વાત સાચી છે કે આપણે ત્યાં આ બધી વિધિ વિધાનો કરનાર મહારાજોનું ભણતર કાંઈ હોતું નથી . બાપદાદાનો ચાલ્યો આવતો ધંધો કરે અને થોડુંઘણું કમાય ! ભોળી પ્રજાને છેતરે અને પૈસા પડાવે ! પણ ઘણી વખત એ શ્રદ્ધા પણ જીવન જીવવા મહત્વની થઇ પડે છે ! અમુક હઠીલા રોગોને હઠાવવા , દવા કરતાં મનની તાકાત વધુ મહત્વની છે એ ધ્યાનમાં રાખીને ક્યારેક દર્દીને પ્લાસિબોની દવા પણ આપવામાં આવે છે . અને એ ખાલી ગોળીઓ પણ દર્દી પર અસર કરે છે ! જેમ ડુબતું માણસ તરણું ઝાલે એમ ઘણી વાર આવાં કાર્યોથી મનને શાતા વળે છે .

“પણ એ લોકો જ સૌની અંધશ્રદ્ધા વધારે છે. પેલાં ધર્મગુરુઓ આ લોકોને પ્રોત્સાહન આપે છે ! અહીંયા તું જો, ધર્મ સ્થળોએથી કેટલું બધું ચેરીટેબલ કાર્ય થાય છે ! ગરીબોને સહાય કરવા ચર્ચ અને સીનેગાગ ( જ્યુઈશ ચર્ચ )ફંડ ફાળો ઉઘરાવે છે . અનાથ આશ્રમો અને સ્ત્રી વિકાસ ગૃહ , આરોગ્ય કેન્દ્રો અને બાળ સંભાળ કેન્દ્રો સાથે ઘરડાં માટે , માંદા માટે , એકલાં હોય તે સૌ માટે અવનવા સપોર્ટ ગ્રુપ ક્રિશ્ચિયન ચર્ચ અને જુઈસ સીનેગાગ તરફથી હોય છે! આપણે ત્યાં ધરમ ગુરુઓ અષ્ટમ પષ્ટમ ભણાવીને આગલાં ભવનાં કર્મનું ફળ ભોગવો એમ કહીને વ્યક્તિને નસીબ ઉપર છોડી દે છે. ઘડીકમાં ભગવાન રૂઠશે અને શ્રાપ આપી દેશે એમ આપણને ભય નીચે જ રાખવાનું કામ એ લોકો કરે છે. તું ફોન કરીને માસીને કહી દેજે કે આપણે કથામાં આવી શકીશું નહીં.” મેં ગીતાને માપવા કહ્યું .
“મને તો સાધુ વાણીયાની વાત સાંભળવી બહુ ગમે છે , અને સત્યનારાયણ કથાનો પ્રસાદ પણ બહુ ભાવે છે , વળી બધાં સગાં સંબંધી પણ આવવાનાં છે એટલે આપણે તો જવું જ પડશે ! શ્રદ્ધા કહો કે અંધ શ્રદ્ધા, એ પછી નક્કી કરીશું !” એણે ચાલાકીથી કહ્યું .
જો કે એને ખબર નથી કે સત્યનારાયણ કથાનો પ્રસાદ અને યજ્ઞની ધૂપમાંથી ઉભી થતી દિવ્ય ધૂપ સુગંધ મને પણ કેટલી બધી પ્રિય છે ! એટલે આપણે કથામાં જઈશું તો ખરાં જ -!

પ્રિય વાચક મિત્રો ! તમે શું માનો છો ? તમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે ?