રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
“ગીતબિતાન”ની રચનાઓ થકી ગુરુદેવે આપણને માનવજીવનની સંવેદનાઓના મેઘધનુષનો પરિચય તો કરાવી જ રહ્યા છે. પણ સાથે સાથે તેમની આધ્યાત્મિકતાના જુદા જુદા પરિમાણો પણ આપણી સામે ફલિત થઇ રહ્યા છે. ગુરુદેવે તેમની રચનાઓ થકી એ પરમશક્તિને અલગ અલગ દ્રષ્ટિએ નવાજી છે અને અલગ અલગ ભાવથી સજાવી છે. આ રચનાઓમાં ક્યારેક કવિવર સંપૂર્ણ સમર્પણ દ્વારા પોતાને વહાવી દે છે તો ક્યારેક એક દીન યાચક બની એ પરમચેતના પાસે પોતાના અસ્તિત્વને નિજમાં સમાવી લેવાની યાચના કરે છે. આવાજ યાચક ભાવને રજુ કરતી એક સુંદર પ્રાર્થનાને આજે આપણે જાણીશુંઅને માણીશું. 1912માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે প্রাণ ভরিয়ে তৃষা হরিয়ে(Prano Bhoriye, Trisha horiye) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપો મને …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ખમાજમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી છે.

કેટલો સરળ અને સહજ ભાવ! કવિવર અહીં એક દીન અને નમ્ર બનીને પ્રભુ પાસે યાચના કરે છે. અહીં પ્રભુ પાસે કવિવર કોઈ લૌકિક માંગણી ન કરતા, પોતાના મન, દ્રષ્ટિ, બુદ્ધિ, આત્મા અને જીવનને ઉન્નત કરવાની યાચના કરે છે. એ દિવ્ય ચેતનાના સતત સાંનિધ્ય અને સામિપ્યની યાચના કરે છે. જયારે કવિવર 1912માં “City of Glasgow” નામની સ્ટીમરમાં બેસીને વિદેશયાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમણે જયારે ક્ષિતિજે આકાશને દરિયાનો સ્પર્શ કરતા નિહાળ્યું ત્યારે તેમના મનમાં આ રચનાના બીજ રોપાયા હતા.
દીનતા અને નમ્રતાએ પ્રભુને પામવાની સીડીના પ્રથમ બે પગથિયાં છે. આ રચનામાં કવિવરે અલગ અલગ રીતે દિવ્યશક્તિનો સતત સંગ પામવાની જ યાચના કરી છે. આમતો રચનાની પ્રત્યેક પંક્તિઓમાં એ દિવ્યશક્તિના સંગની સતત ઝંખના પ્રગટ થાય છે, પણ મને પ્રભુના પ્રેમના પ્રવાહમાં “હું”ને વહાવી દેવાની જે યાચના કરી છે તે સૌથી વધુ સ્પર્શી ગઈ. આ “હું” એટલેકે આપણી અંદર રહેલો અહંકાર – મહદઅંશે જીવનની મોટા ભાગની સમસ્યાનું મૂળ હોય છે. આ “હું” એટલેકે EGO – the three-letter word carrying the weight of most problems of the life. મારા મતે તો આપણા વ્યવહારમાં જ્યાં જ્યાં “હું”, “મારું” અને “મને”નું પલ્લું ભારે બને ત્યારે સમજવું કે આપણે એ વખતે અહંકારના સકંજામાં આવી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ગીતામાં તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જયારે તમે તમારી જાતને આ શરીર થકી ઓળખો છો એ પણ એક અહંકાર છે કારણકે આ શરીર તો એક વસ્ત્ર સમાન છે જે હાલ પૂરતું આ આત્માએ ધારણ કર્યું છે…. પ્રભુ કૃપા થાય અને તેમના પ્રેમના પ્રચંડ પ્રવાહના પૂરમાં જો આ “હું” વહી જાય ત્યારેજ કદાચ સાચું દીનત્વ પ્રાપ્ત થાય…
તો ચાલો, આજે આ રચનામાં કવિવરે પરમાત્માને કરેલી પ્રાર્થનાનું ચિંતન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,
–અલ્પા શાહ