શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયા.
ગાંધીજી સાથે આંદોલનમાં જોડાયા તો મન પણ
તે જ વિચારો કલમ દ્વારા પ્રગટ થવા લાગ્યાં. ‘પથેર દાબી’નું સર્જન થયું. પૂરા દેશભરમાં આ નવલકથાએ આંદોલન ઊભું કર્યું. ત્યાં સુધી કે ‘ બંગવાણીમાં’ ચોવીસ હપ્તામાં છપાઈ. પ્રકાશકોને અંદાજ આવી ગયો હતો કે સરકાર પથેર દાબી પુસ્તક રૂપે નહિ જ છાપવા દે.
આથી છેલ્લા હપ્તામાં ક્રમશઃ એમ લખી છાપી દીધું. તેથી પોલીસને એમ કે નવલકથા અપૂર્ણ જ છે. એ દરમ્યાન તે છપાઈ જ ગઈ. હોબાળો મચ્યો પુસ્તક જપ્તે કરાયું. બસ, શરદચંદ્રની ધરપકડ બાકી રહી. ક્રાંતિકારીઓમાં પુસ્તક ખૂબ પ્રિય થયું.
આ બાબતે ગુરુવર્ય રવિન્દ્રનાથનો પત્ર દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો. તેઓએ જે ઉત્તર મોકલ્યો તેનાંથી શરદબાબુ નિરાશ થયાં. તેમણે આક્રોશ સહ
પત્રનો ઉત્તર લખી તેમને અંગ્રેજોના હિમાયતી કહ્યાં. ઉમાબાબુ પથેર દાબીની ફાઈલ લઈ તેમની સમક્ષ આવ્યા અને કંઈક લખી આપવા કહ્યું. થોડીવારની નિરાશા પછી પહેલાં પાના પર વચ્ચે ઉમાબાબુનું નામ લખ્યું. નીચે એમની જન્મ કુંડલી બનાવી. જન્મતિથિ અને જન્મ સમય પણ લખ્યો. પછી મૃત્યું શબ્દ લખી પાનું છોડી દીધું.ફાઈલના અંતિમ પાના પર લખ્યુંઃ
ધરતી પરે ઝરી પડે જે કળી,
મરુ પથે ખોવે ધારા જે નદી
જાણું છું જાણું છું હું
તે કદી લુપ્ત થતાં નથી.. લુપ્ત થતા નથી
( સૌજન્ય ઃ આવારા મસીહા)
આટલા થોડા શબ્દોમાં કેટલું બધું સમાવી દીધું.
તેમને અફીણ ખાવાની આદત હતી. પથેર દાબીને લીધે જેલમાં જવું પડશે તો ત્યાં અફીણ ખાવા નહિ મળે માની
અચાનક અફીણ છોડી દીધું. ડોઝ ટેપર કરવાને બદલે
અચાનક ત્યાગ્યું તેથી તેઓ બિમાર પડ્યા ઓપિયમ ફિવરનાં શિકાર બન્યા.
પથેરદાબી લખતા લખતા જ સુંદર કુદરતનાં સાંનિધ્યમાં તે જમાનામાં સત્તરથી અઢાર હજારનાં ખર્ચે
પોતાનું મકાન બનાવ્યું. ત્યાં રહેવા ચાલી ગયા. જિંદગીનાં ઉતાર ચઢાવમાં અનેક સ્વજન ખોયા. સંત સમાન ભાઈ પ્રભાસચંન્દ્રનું મૃત્યું તેમની સમક્ષ થયું. તેમણે તેની સમાધી તેમના નિવાસસ્થાન પાસે નદીકિનારે બનાવી. તેઓ ભાઈભાંડુને અંતઃકરણથી ચાહતા તેનો આ ઉત્તમ દાખલો હતો.
તેઓને ધર્મ પર ઈશ્વર પર ટીકા કરતા જોઈ લાગતું કે તેના વિરુદ્ધ છે , પણ એવું નહોતું. તેઓ તુલસીની માળા ને જનોઈ બન્ને ધારણ કરતાં. તેમને અંધશ્રદ્ધા ને સંકુચિતતા પર સખત ઘૃણા હતી. ગામમાં ગયા પછી તેઓમાં મોટું પરિવર્તન આવી ગયું હતું. તેમને નાના મોટા લેખકોની ચિંતા થતી તેઓ તેમને માટે કે તેમને એવોર્ડ મળે તે માટે અગાધ પ્રયત્ન કરતાં.
તેમની સાંઠમી વર્ષગાંઠ ગુરુવર્ય સાથે ઉજવાય હતી. એ બંગલા દેશની અદ્ભૂત ઘટના હતી. સૂર્ય ને ચંદ્ર સમાન બન્ને કલમના ધનાઢ્ય હસ્તી એક સાથે , કવિ ગુરુવર્ય રવિન્દ્રનાથે સરસ ને સરળતાથી આશિષ આપ્યા કે શરદ સાહિત્ય અમર છે, રહેશે.બંગાળે તેમના સાહિત્યને પોતીકું માન્યું છે.એમને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.
એક વિદ્યાર્થી યુવકને એમણે કહ્યું હતું મારું સાહિત્ય
તને રડાવે છે તો બહુ રડવાથી આંખો બગડી જાય માટે હાસ્યપ્રધાન કથાઓ પણ વાંચો. આમ રમુજ પણ હળવી શૈલીમાં કરી લેતા. તેઓને પોતાની પ્રશંસા જરા પણ પસંદ નહોતી. એક વાર એક યુવકે તેમની પાસે આવી કહ્યું હતું કે સતી સુંદર નવલકથા છે, આવું તમે જ લખી શકો. તેમનો જવાબ હતો કે તમે રવીન્દ્રનાથની વાર્તાઓ વાંચી છે? પેલા યુવકે કહ્યું હતું કે હા, વાંચી છે પણ એટલી સારી નથી. શરદબાબુએ કહ્યું હતું કે ફરીથી વાંચો તો જ જાણશો કે એવી વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં પણ મળવી મુશ્કેલ છે!
મિત્રો,આમ ગુરુવર્યના તેઓ મોટા પ્રશંસક હતા.
ધીરે ધીરે તબિયત લથડવા માંડી હતી. માથાના દુઃખાવાથી શરૂ થયું હતું બહુ ઉપાયોને અંતે ડોક્ટરોએ હવા ફેરની સલાહ આપી હતી.ડો. રમેશચંદ્રને પોતાના મજાકિયા સ્વભાવમાં લખ્યું હતું..કે
*વિધવિધ છાપની બાટલીઓ,*
*વિધવિધ માપના ડબ્બાઓ:*
*વ્યાધિની આંધી એવી ઉઠી!*
*ગઈ દેહને ખાલી ખોખું કરી,
*ડોક્ટર કહે,હવા બદલ ભાઈ દર્દી !
(*આવારા મસીહાના સૌજન્યથી)*
સ્થાન ત્યાગવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ખુદના
જીવનથી છૂટવાની તીવ્ર ઈચ્છા વૈરાગી જીવને જાગૃત થઈ હતી, તબિયતથી હારી લેખનવૃત્તિ બંધ થઈ ગઈ હતી. પ્રકાશકોએ આત્મકથા લખવાનું સૂચન કર્યું . તેમનો સ્પષ્ટ જવાબ હતો,”હું આત્મકથા ન રચી શકું, હું સત્યવાદી કે વીર નથી. આત્મકથાના લેખકમાં આ ગુણ હોવા જરૂરી છે.કહેવાય છે કે ગુરુવર્ય રવીન્દ્રનાથે પણ આ સૂચન કર્યું હતું, પણ શરદસાહિત્ય તો બંગાળની સામાન્ય ગરીબ પ્રજાની આસપાસ ને બંગાળની વિવિધ નારીઓની આસપાસ તેની કરૂણા, સમાજની બદી અને
તેમના સ્વાનુભવને આધીન હતું.
મિત્રો, આપણે પણ ધીરે ધીરે શરદબાબુના અંતિમ છોર પર પહોંચી ગયા છીએ. તેમના અંતિમ સમયની વાતો આવતા અંશમાં જોઈશું.
અસ્તુ
જયશ્રી પટેલ
૧૮/૨/૨૩