ઓશો દર્શન -44. રીટા જાની

wp-1644023900666

  ઓશોના વ્યક્તિત્વની વાત કરતા ‘કહૈ કભી દીવાના’ ની પ્રસ્તાવનામાં ડો. આરસી પ્રસાદ સિંહ કહે છે કે ઓશો સાહિત્યના ક્ષિતિજ ઉપર એક દાર્શનિક, ચિંતક, ગુરુ અને તત્વદ્રષ્ટા જ્ઞાનીની છબીમાં ઉભરે છે. છતાં તેઓ એક મહાન કવિ, કથાકાર અને કલાકાર પણ છે. તેમની કાવ્ય કલા ચિંતન, મનન અને દાર્શનિક શૈલીમાં રૂપાયિત થઈ છે, છતાં એમાં શાસ્ત્રીય જટિલતા કે દાર્શનિક શુષ્કતાનો નિતાંત અભાવ છે. બલ્કે એક અત્યંત પ્રખર તાર્કિક અને સર્વગ્રાસી સમીક્ષકનું ચિંતન હોવા છતાંય વિષય વસ્તુ અને પ્રસ્તુતિ એવી સ્નિગ્ધ, સરસ અને કમનીય છે કે સાંભળવા અને વાંચવામાં એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે. તેનો પ્રવાહ એટલો વેગવાન અને શૈલી એવી સહજ સ્ફૂર્ત છે કે આદિથી અંત સુધી જે તાજગી અને મહેક સાથે તમે કોઈ પ્રવચન કે પુસ્તકની યાત્રા શરૂ કરો છો તે અંત સુધી કાયમ રહે છે. ઓશોના સાહિત્યનો કોઈપણ અંશ ગમે ત્યાંથી ઉઠાવી લો, એમાં સર્વત્ર એક જ પ્રાણધારા કલકલ સ્વરોમાં ઉચ્છલ પ્રવાહિત જોવા મળશે.

કવિ શ્રી બરકત વિરાણી કહે છે કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’. છતાં સામાન્ય માણસને જીવનની સફરમાં મંઝિલ  કઈ દિશાએ મળશે, કયો માર્ગ પસંદ કરવો, ક્યાંક ભળતા માર્ગે તો નથી જતા રહ્યા ને એવી વિમાસણ હંમેશા રહેતી હોય છે. ત્યારે સંસારને સફળતાથી પાર કરવા કોઈ ફોર્મ્યુલા, કોઈ સૂત્ર હોઈ શકે કે કેમ તેવો વિચાર આવ્યા વગર રહેતો નથી. ઓશોએ ખૂબ સુંદર રીતે પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલિની-શક્તિપાત, ક્રોધ, સુખ-દુ:ખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય વગેરે વિષયો પર ચર્ચા કરી સંસારના સુત્રો આપ્યા છે, જેની વાત આપણે ગત બે અંકથી કરી રહ્યા છીએ.  આજે સંસાર સૂત્રો અંતર્ગત પ્રાર્થના, ભક્તિ, સાધના, તીર્થયાત્રા, ભજન, શ્રદ્ધા, સંગત વગેરે વિષય ઉપર ઓશોનું દર્શન જોઈશું.

કબીરજીની વાત કહી ઓશો પ્રાર્થનાની સુંદર સમજ આપે છે. કબીરજીને કોઈએ પૂછ્યું કે આપ ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પરમાત્માની સેવા કરો છો? ક્યારે મંદિરની પરિક્રમા માટે જાવ છો? તો કબીરજીનો જવાબ હતો: ઊઠું બેસુ એ પરિક્રમા અને ખાવું પીવું એ સેવા. એવું જરૂરી નથી કે માળા લઈને મંત્રના જાપ કે ઈશ્વરનું નામસ્મરણ કરીએ તે જ પ્રાર્થના કહેવાય. દરેક શ્વાસ સાથે અખંડ પ્રાર્થના થતી રહે તે સાચી પ્રાર્થના. હકીકતે, પ્રાર્થના એ એકાંતનું ગીત અને સંગીત છે, તે હૃદયનો ઉદગાર છે, એમાં કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખવાનો ના હોય. આ નાની એવી જિંદગી જે મળી છે, તેને પ્રાર્થના બનાવી દો એ જ જીવનની સાર્થકતા હશે.

ઓશો કહે છે કે ભક્તિ સાધના પણ છે અને સિદ્ધિ પણ છે. ભક્તિનો અર્થ છે પરમ પ્રેમ, અહોભાવ, સ્વયંને મિટાવવાની કળા. જ્યાં સુધી પરિણામની આકાંક્ષા છે, ત્યાં સુધી પ્રાર્થનાનું પરિણામ નહીં આવે. લોકોને જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રાર્થનામાં મોટાભાગે માગણી અથવા ફરિયાદ હોય છે. સાચી પ્રાર્થનામાં ન કોઈ અપેક્ષા હોય છે, ના કોઈ શબ્દ હોય છે, માત્ર સમર્પણભાવ હોય છે, ત્યારે પ્રાર્થના જ પરમાત્મા બની જાય છે.

ભક્તિ એટલી જીવનનો પરમ સ્વીકાર. આપણા અંતરમાં એક ઊર્જા છે, જેને આપણે પ્રીત કહીશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવંત છીએ. પ્રીતતત્વ શ્વાસ જેટલું જ અનિવાર્ય છે. પ્રીતના ત્રણ પ્રકાર છે. પોતાનાથી નાની ઉંમરના લોકો પ્રત્યે જે પ્રીત હોય તે સ્નેહ, સમાન સ્તર પર હોય તે પ્રેમ અને માતા-પિતા, ગુરુ પ્રત્યે હોય તે શ્રદ્ધા. આ ત્રણેય અવસ્થાઓ જ્યારે સમ્યક બને છે, ત્યારે પ્રીતની ચોથી અવસ્થા નિર્મિત થાય છે. તેનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે પ્રીતની પરાકાષ્ઠા, સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત. જે રીતે સહજતાથી બીજ અંકુરિત થઈ વૃક્ષ બને છે અને એક દિવસ તેમાં ફૂલ અને ફળ આવે છે એ જ રીતે મનુષ્યતા ભગવતતામાં રૂપાંતરિત થવી જોઈએ. પ્રીત, ભક્તિ બનવા માટે જ જન્મી છે. ભલે પ્રીતની ઉર્જાને ભક્તિ થવાના માર્ગ પર ઘણા અવરોધો હોય. સ્નેહ શુદ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શુદ્ધ હોય તો શ્રદ્ધા અને શ્રદ્ધા શુદ્ધ હોય તો ભક્તિ. આ સ્થિતિમાં તમે કઈ તરફ જશો તે તમારા  પર નિર્ભર છે. જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. સ્નેહથી ભક્તિ સુધીની તીર્થયાત્રા અવશ્ય લાંબી છે, પરંતુ ભક્તિ એ પરમ અવસ્થા છે, પ્રીતની પરાકાષ્ઠા છે.

ભક્ત ભજન કરે છે, ત્યારે પ્રશ્ન થાય કે ભજન એટલે શું? ભજન એ ઔપચારિકતા નથી, ભજન કોઇ વિધિ નથી. ભજન છે ભાવનું નિવેદન, હૃદયથી ઉતારેલી આરતી, વિરાટ સાથેની વાત, જે કરવાથી પરમાત્માની જ્યોત અંદર પ્રગટ્યા કરે છે. ભાવ હોય તો પ્રત્યેક કૃત્ય ભજન થઈ શકે છે. પરમાત્મા અનુમાન નથી, તર્ક નથી, સિધ્ધાંત નથી, અનુભવ છે. પરમાત્મા અને કૃતિ બે નથી, સ્રષ્ટા અને સૃષ્ટિ બે નથી, પરમાત્માનો પહેલો અનુભવ એનું નામ પ્રેમ છે. કૃષ્ણ, ભક્તિને શ્રેષ્ઠતમ યોગ કહે છે, જ્યારે ભક્ત અને ભગવાન બે ન રહેતા એકનો અનુભવ થાય છે. તેથી  તે છે યોગ, પરમ ઐક્ય. આ જગત એક પ્રતિધ્વનિ છે. તમારા હૃદયમાં જે કંઈ હોય તેને જ તમે સાંભળો છો. હૃદયમાં જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગહન થાય છે, એ અવસ્થામાં જે પણ કરો તે બની જશે પ્રભુ પૂજા.

શ્રદ્ધા એ વિશ્વાસ નથી. શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. પ્રેમથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નથી. તેથી જ ભક્તિ શ્રેષ્ઠતમ માર્ગ બને છે, કારણ કે તે પ્રેમનું જ રૂપાંતરણ છે. ઓશો કહે છે કે ભક્તિનો અર્થ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિચાર દ્વારા નહીં, ભાવ દ્વારા  પ્રાપ્ત કરી શકાય છે. ચિંતન દ્વારા નહિ, પ્રેમ દ્વારા અનુભવી શકાય છે. જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, તે જ ક્ષણે અમૃતની ઉપલબ્ધિ થાય છે.

બીજા માર્ગો – યોગ, તંત્ર, જ્ઞાન, તપ, ત્યાગ – આ બધાની સરખામણીમાં ભક્તિ વધુ સુલભ છે. કારણ અન્ય માર્ગો પર મનુષ્યને પોતાના માથા પર બોજો લઈને ચાલવું પડે છે, જ્યારે ભક્તિના માર્ગે સમર્પણ છે. તે બોજો પરમાત્માને આપી દે છે. હૃદય જીવંત હોય, હૃદયના સરોવરમાં તરંગો હોય, હૃદયના વૃક્ષ પર ફળફૂલ ઉગે તો ભક્તિ ખૂબ સુલભ છે. માટે જ ભક્તિના માર્ગનું અનિવાર્ય અંગ છે શ્રદ્ધા. ભક્તિનું સૂત્ર છે: તમે જે કંઈ કરો તેમાં તન્મય થઈ જાવ અને ભક્તિ ફલિત થશે. ભક્તિના માર્ગ પર ધૈર્ય અને અનંત પ્રતીક્ષા રાખવી જરૂરી છે. ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, યાત્રા છે; કોઈ સિદ્ધાંત નથી, જીવનરસ છે. ભક્તિ જો તમારા હૃદયમાં થોડી લગની જગાડે તો તમારું જીવન સાર્થક બનશે.

ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે. ભક્તિ  અંતરની આંખ ખોલે છે. ઓશો કહે છે કે અહીં જે કંઈ છે, તે પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ આરાધ્ય છે. મૂર્તિઓ ઘડવાની કે મંદિરો બનાવવાની જરૂર નથી. સમગ્ર અસ્તિત્વ તેનું મંદિર છે, સમગ્ર જગત જ તીર્થ છે. આકાશ તીર્થ છે, બધી નદીઓ ગંગા છે, સંપૂર્ણ પૃથ્વી પવિત્ર છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે તે ભજનીય છે. જગત પરમાત્માનું બાહ્ય રૂપ છે અને પરમાત્મા જગતનો અંતરાત્મા. જે રીતે દેહ અને આત્મા, તે જ રીતે માયા અને બ્રહ્મ  આ જગતમાં જે વિપરીતતા દેખાય છે – દિવસ અને રાત, શ્રમ અને વિશ્રામ, વસંત અને પાનખર, જીવન અને મૃત્યુ – તેને ગહનતાથી  શોધવાથી સમજાય છે કે તે પણ વિપરીત નથી, એકબીજાના પરિપૂરક છે. ઓશોના સંસારસૂત્રો અંતર્ગત જીવનના મુખ્ય આયામો – સંસાર, ધ્યાન, ગુરુ – શિષ્ય, સન્યાસ, સમાધિ વગેરે વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
17/02/2023

2 thoughts on “ઓશો દર્શન -44. રીટા જાની

  1. ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે.

    ખૂબ સુંદર આલેખન 👌

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.