હેલીના માણસ – 51 | પ્રારબ્ધ કે પુરૂષાર્થ? | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-51 ‘પ્રારબ્ધ કે પુરૂષાર્થ?’ એની 50મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ – 

સાવ એવું નથી કે મને શું મળ્યું, 

જે મળ્યું એ બધું ખૂબ મોડું મળ્યું! 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

હા નદીકાંઠે પણ ક્યાંક પ્યાસો રહ્યો, 

ક્યાંક રણમાંય દરિયાનું મોજું મળ્યું! 

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

મારા દીવે પ્રકાશિત થયા છો તમે, 

તમને અજવાળું પણ ઝાંખું ઝાંખું મળ્યું! 

જો ખલીલ આ જે કંઈ મળ્યું છે મને, 

મારી મહેનત અને મારા હકનું મળ્યું! 

ખલીલ ધનતેજવી 

રસાસ્વાદ :

માનવજીવન આશાના સહારે ટકી રહે છે. પળ પ્રતિ પળ એમાં અપેક્ષાઓ ઉમેરાતી રહે છે. એક અપેક્ષાની પૂર્તિ થાય ના થાય ત્યાં બીજી અપેક્ષા ઉદભવતી રહે છે. ધારેલું બધું જ મળી જાય તેવું બનતું નથી. જે મળે તે આપણા ધારેલા સમયે મળે તે પણ શક્ય નથી. દરેક જણને અપેક્ષા પ્રમાણે કંઈ ને કંઈ જરૂર મળે છે. પણ એમ બને કે, જે સમયે જરૂર હોય તેનાથી થોડું મોડું મળે. આ મોડું મળવાની ઘટના કોઈ વાર એટલી હદે મોડી હોય છે કે, મળ્યાનો આનંદ તો દુર મળ્યાનો અર્થ પણ નથી સરતો. કેટલીકવાર તો સમયસર ન મળતી વસ્તુથી માણસ કાયમ માટે વંચિત રહી જાય છે. અને જિંદગીભર એ વાતનો વસવસો દરેકને રહી જાય છે. એ ગુમાવેલી તક ફરી ક્યારેય પાછી નથી મળતી. આપણે જોઈએ છીએ કે, આપણા દેશમાં લાયક વ્યક્તિને જુદા જુદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. જો આવો કોઈ એવોર્ડ આપવામાં વધારે મોડું થાય ત્યારે તેને મરણોત્તર એવોર્ડ આપવાનો વારો આવે છે. ખરેખર તો કદર સમયસર થવી જોઈએ. જીવનમાં આવેલી તક અને ગયેલી પળ કદિ પાછી નથી મળતી. છતાં સદનસીબે જો ફરી તક મળે તો મોડી મોડી પણ આશા પુરી થાય છે છતાં પહેલીવાર ગુમાવેલી એ પળ તો પાછી ન આવી એનો વસવસો જીવનભર રહી જાય છે. 

છેક લગ એ ઊણપ, એ શિકાયત રહી, 

જે ગુમાવ્યું છે તે ક્યારે પાછું મળ્યું! 

સમુદ્રમાં નાવડી લઈને નીકળેલો નાવિક સાથે પીવાનું પાણી લઈને ન નીકળે તો આસપાસ આવડી મોટી જળરાશિના હોવા છતાં તે તરસ્યો રહે છે. કોઈ માને કે ના માને પણ નસીબ જેવી વસ્તુ ચોક્કસ હોય છે. નહીં તો ઘણીવાર નદી કાંઠે ઊભેલો માણસ તરસ્યો રહી જાય અને રણમાં ચાલનારાને પાણીની વિરડી મળી જાય તેવી સ્થિતિ માણસની કેવીરીતે બને? આપણાં મનને સમજવું મુશ્કેલ છે. ખૂબજ ભાવતી વાનગી જે જિંદગીભર પૂરા ચાવથી ખાતા રહ્યા હોઈએ, તે પણ જ્યારે મન દુઃખી હોય, ઉદ્વેગમાં હોય, ત્યારે બિલકુલ ભાવતી નથી. તો વળી મન સુખમાં હોય, આનંદમાં હોય ત્યારે ક્યારેય ન ગમેલી વસ્તુ પણ ગમી જાય છે!

દ્રાક્ષ પણ કાંકરા જેવી લાગી કદી, 

કાળજું ક્યાંક પથ્થરનું પોચું મળ્યું! 

કોઈ વિષય શીખવા માટે કોઈ ગુરૂ કે શિક્ષક હોવો જરૂરી છે. એ રીતે મેળવેલું જ્ઞાન ગુરૂ કરતાં શિષ્ય પાસે ઓછા પ્રમાણમાં હોઈ શકે. કારણ કે, ગુરૂને તે વિષયનું જ્ઞાન મેળવતાં વરસો લાગ્યાં હોય છે. સૂરજ કે ચંદ્ર પાસે જેટલો પ્રકાશ હોય છે તેના પ્રમાણમાં ઘણો ઓછો પ્રકાશ આપણને પૃથ્વી પર મળે છે. મુળ સ્રોત દેખીતી રીતે જ વધુ સમૃદ્ધ હોવાનો. સ્વપ્રકાશિત એવો સૂર્ય અને સૂર્યના પ્રકાશના પરાવર્તનથી પ્રકાશતો ચંદ્ર જોઈએ તો ચંદ્ર પ્રમાણમાં ઓછી ગરમી હોવાથી શિતળ છે જ્યારે સૂર્ય પ્રખર ગરમી વરસાવે છે. 

આપણી આસપાસ નજર દોડાવીએ તો એવું લાગે છે કે, અમુક વ્યક્તિઓ ખૂબ કાબેલ હોય છે, બુધ્ધિશાળી પણ હોય છે અને છતાં તેમને તેમની હેસિયતના પ્રમાણમાં સાવ ઓછું મળ્યું હોય. જ્યારે અમુક વ્યક્તિઓ સાવ સામાન્ય હોય, છતાં તેઓને તેમની હેસિયતના પ્રમાણમાં ઘણું વધારે મળ્યું હોય. આવા સમયે વિચાર આવી જાય કે, શું આપણને બધું આપણાં નસીબથી મળતું હશે? પરંતુ એવા કિસ્સા પણ હોય છે જેમાં વ્યક્તિએ પોતાની સખત મહેનતથી જ ઘણુંબધું પ્રાપ્ત કરી લીધું હોય છે. માનવમન જેવા અનુભવમાંથી પસાર થાય છે, તેની અસર  તેના વર્તનમાં જણાતી હોય છે. તે સુખમાં છે કે, દુઃખમાં, તે શાંત છે કે, આક્રોશમાં તે વાતની અસર માનવીના વર્તન પર  જુદીજુદી રીતે પડતી હોય છે. 

આજે આપણે ખલીલ સાહેબની 50મી ગઝલને વાંચી અને માણી.

‘હેલીના માણસ’ આ શ્રેણીની સફર દરમ્યાન જીવનને જાણવા-સમજવા જેવી અનેક વાતો ઉજાગર થઈ. અનેક પાઠ શીખવા મળ્યા. આ ઉપરાંત ગઝલના પઠન અને રસાસ્વાદ દરમ્યાન ગઝલના બંધારણ વિશે પણ જ્ઞાન વધ્યું. કાફિયા, રદિફ, શેર અને શેરિયતની અનોખી પ્રસ્તુતિ માણવા મળી.

આપ સૌને પણ આ શ્રેણી ખૂબ ગમી હશે એમાં શંકાને માટે અવકાશ છે જ નહીં. ગઝલ હોય, તે પણ ખુદ હેલીના માણસની, તે માણી ન શકીએ તો જ નવાઈ!

આજે આપણે આ શ્રેણી ‘હેલીના માણસ’ પુરી કરીશું. આશા છે કે, આપ સૌએ આ સફર માણી હશે. બીજી એક મઝાની નવી જ શ્રેણી લઈને નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.