આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2022ની વિદાય અને 2023નું આગમન. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?
ઓશો બહુ સુંદર વાત કહે છે: ‘મારો સંદેશ નાનો એવો છે. આનંદથી જીવો અને જીવનને એના સમસ્ત રંગો, સમગ્ર સ્વરો સાથે જીવો. જે કંઈ છે તે અર્થપૂર્ણ છે. આમાંથી કશાનો પણ ઇન્કાર કરવો એ પરમાત્માનો જ ઇન્કાર કરવા બરાબર છે. જ્યારે તમે સમગ્રને સ્વીકાર કરી આનંદથી જીવવા લાગો છો, ત્યારે એક અપૂર્વ ક્રાંતિ ઘટિત થાય છે. તમારી અંદરનું આખું રસાયણ જ બદલાવા લાગે છે. ક્રોધ કરુણા બને છે, કામ રામ બની જાય છે અને તમારી અંદરના કાંટા ફુલ બનીને ખીલવા લાગે છે.’
ઓશો કોઈને ખોટી સાંત્વના આપતા નથી. તેઓ કહે છે કે તમે અંદરથી ખળભળી ઉઠો, વિચારતા થઈ જાવ અને જાગૃત થવા માટે તૈયાર થઈ જાવ. જો વિચારતા થશો તો સત્ય, પ્રેમ, કરુણા, દયા, અહોભાવ – પ્રકૃતિ પ્રત્યે, આનંદ તરફ જવાનો ભાવ જરૂર જાગશે. માટે વર્તમાનમાં જીવો. જો વર્તમાન સારો હશે, આનંદિત થશે, પ્રેમાળ હશે, સત્યમય હશે અને જાગૃતિમાં જીવતા હશો તો ભવિષ્ય સારું જ હશે. જાગૃત વ્યક્તિ ક્યારેય ખોટું કામ કરી શકશે નહીં. જાગૃતિની સાથે જીવન જીવવાનો અભિગમ બદલાતો જાય અને સત્ય શું છે, અસત્ય શું છે તેનો ખ્યાલ આવતો જાય. જાગૃતિ અનેક રીતે આવી શકે -બાળસહજતા, સરળ ચિત્ત, નિખાલસતા, પ્રેમમય, ભક્તિમય થવું અને અસ્તિત્વ પ્રત્યે અહોભાવ.
ઓશોનું કામ એક અજ્ઞાત પથ પર વ્યક્તિને અત્યંત ઋજુતાથી યાત્રા કરાવતા ભોમિયા જેવું છે. પણ યાત્રા તો આપણે પોતે જ કરવી પડે. જ્યાં સુધી વ્યક્તિ સ્વયં યાત્રા પર ચાલે નહીં, ત્યાં સુધી તેને ઓશોની વાત સમજાશે નહીં. તેણે સજાગ રીતે જીવન જોવું પડે, સાક્ષી થઈને અંતરયાત્રાના અનુભવો પ્રત્યે પણ તટસ્થ રહેવું પડે, મોટી સિદ્ધિ મળે કે આનંદથી ભરી દેતા અનુભવ થાય તો પણ આ માર્ગ પર અચલ ચાલવું પડે.
ઓશો કહે છે કે ભય મનુષ્યને આત્મવાન બનવા દેતો નથી. માટે ભયથી જાગો. જેનાથી તમે ડરો છો, તેને તમે ક્યારેય પ્રેમ નહીં કરી શકો. માટે ઈશ્વરથી પણ ડરો નહીં. ભયથી ઘૃણા, ક્રોધ, હિંસા ઉપજે છે. પ્રેમથી કરુણા ઉપજે છે. માનવાથી ભય પેદા થાય છે, જાણવાથી પ્રેમ પેદા થાય છે. માટે માનવું નહીં જાણવું. તમારા બાળકોને, પત્નીને, પતિને, મિત્રને, પરિવારને, પ્રિયજનોને, મનુષ્યને, પશુ પક્ષીને, ફૂલ છોડને સૌને પ્રેમ કરો. જેમ તમારો પ્રેમ ફેલાતો જશે, તેમ પરમાત્માની ઝલક આવવી શરૂ થઈ જશે. જ્યારે તમારો પ્રેમ વિરાટ થઈ જાય છે, તમે પ્રેમમય બની જાવ છો, ત્યારે તમારું અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટતું જશે અને એક દિવસ તમે પરમાત્મામાં પહોંચી જશો. પ્રેમમાં વ્યક્તિ ફેલાય છે, ભયમાં વ્યક્તિ સંકોચાય છે. પ્રેમમાં વ્યક્તિ શ્રદ્ધા કરે છે, ભયમાં વ્યક્તિ શંકા કરે છે. પ્રેમની સાથે તમે અખંડતા, એકતાની અનુભૂતિ કરો છો. સંભવ હોય તેટલા લોકોને મળો, લોકોથી શીખો અને તમારી અંદર એક નવી ઉર્જાને જાગૃત થતા જોશો. એ ઉર્જા જ પ્રેમ છે, જે તમને ધન્યતાનો અનુભવ કરાવશે અને તમે અસ્તિત્વ પ્રત્યે અહોભાવથી ભરાઈ જશો.
પ્રેમને શોધવા જવાની જરૂર નથી. તેને સ્વયંની અંદર ઝાંખો અને પામી જાઓ. પ્રેમ આપણી પ્રકૃતિ છે. તમે જેટલો વધુ પ્રેમ કરો છો, અસ્તિત્વ એટલો વધારે પ્રેમ ચારે તરફથી તમારા પર વરસાવી દે છે. પ્રેમ જીવન ઊર્જાનું શિખર છે, જીવનની પરમ સમાધિ છે, સમર્પણની દશા છે, અદ્વૈત છે. જેણે પ્રેમને જાણ્યો, તેણે બધું જાણી લીધું.
પ્રેમ ત્રણ પ્રકારના છે. પહેલો પ્રેમ વસ્તુઓ પ્રત્યે, ધન, મકાન પ્રત્યે; 99% લોકો એમાં જ અટવાઈ જાય છે. બીજો પ્રેમ વ્યક્તિઓનો પ્રેમ, જેમાં એક લગની પેદા થાય છે, જીવન અર્થપૂર્ણ લાગે છે, પણ તે ક્યારેય પૂર્ણ પ્રેમ થઇ શકતો નથી કારણ કે તેમાં એક બીજાની ઝુકાવવાની વાત છે અને જે ઝુકે તે વસ્તુ જેવો થઈ જાય છે. ત્રીજા પ્રકારનો પ્રેમ છે – પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, જે પૂર્ણ પ્રેમ છે કારણ કે ત્યાં તમે ઝૂકી જાઓ છો, પણ કોઈ ઝુકાવનારો નથી.
પ્રેમના ત્રણ અર્થ થાય છે. પહેલો અર્થ સામાન્ય રીતે જે આપણે કહીએ છીએ -પ્રેમમાં પડવું. તેનો અર્થ એ થાય કે તેણે પોતાની સ્વતંત્રતા નીજતા કોઈને દીધી, તમે તેના પર નિર્ભર બન્યા. દરેક પરિવારમાં, દરેક વ્યક્તિમાં ચાલી રહેલો આ બહુ સરળ પ્રેમ છે. આનાથી ઊંચો બીજો પ્રેમ છે -જેને પ્રેમમાં હોવું કહીએ છીએ. તેનો સ્વભાવ મૈત્રીનો છે. તે ન તો બહુ દૂર છે, ન બહુ નજીક. જેથી એકબીજાની સીમામાં હસ્તક્ષેપ નથી. આવો પ્રેમ બહુ કઠિન છે. બીજો પ્રેમ મનુષ્યનો પ્રેમ છે, જેમાં થોડી ગરિમા છે, થોડો બોધ છે, પ્રતિભા છે. ત્રીજા પ્રેમમાં બીજા સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રેમની ચૈતન્ય દશા છે. એ અંદરથી આવતો અસ્તિત્વ પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે પ્રેમ કરુણા બને છે, ત્યારે પરમાત્માનું દ્વાર બને છે. ત્રીજો પ્રેમ કરુણા છે. આવા પ્રેમનું નામ ભક્તિ છે. આવો પ્રેમ ધ્યાનનું પરિણામ છે, જે બહુ વિરલાઓને ઉપલબ્ધ થાય છે.
પ્રેમ એ અદભુત કલા છે. સંવેદનશીલતા વધે તેની સાથે તમારી પ્રેમની કલા પણ વધતી જશે. જ્યારે તમને એ રહસ્ય સમજાઇ જાય કે પ્રેમની મજા પ્રેમ આપવામાં છે તો તમે ચકિત થઈ જશો કે પ્રેમ હજાર ગણો થઈને તમને પાછો મળે છે. જ્યારે તમે પ્રેમથી કોઈનો હાથ હાથમાં લો છો, ત્યારે તેના બુઝાતા દીવાને ફરી જ્યોતિ મળે છે. જ્યારે કોઈને પ્રેમથી ભેટો છો, તો એનું આયુષ્ય વધે છે. પ્રેમ કોઈ ઘટના નથી પણ જીવનનું બીજું નામ છે. પ્રેમ માટે શબ્દો આવશ્યક નથી. જેણે પ્રેમ જાણ્યો તેણે જીવન જાણ્યું. પ્રેમનું બીજ તમારી અંદર જ છે, જે વૃક્ષ બનવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં ભય છે, ત્યાં પ્રેમ સંભવ નથી. જ્યારે માગ્યા વગર કંઈ આપો છો તો પ્રેમ ધીરે ધીરે પ્રાર્થના બની જાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે, ત્યાં શાંતિ છે. ધ્યાનમાં સ્વયંને મળાય છે, પ્રેમમાં બધાને મળાય છે. પ્રેમ એક સદભાવના છે, એક આનંદ છે. પ્રેમનો અર્થ જ એ છે કે મારો આનંદ, મારા જીવનની ખુશી બધા સુધી પહોંચે.
ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા અને અંતિમ સૂત્રને સમજવું હશે તો સાધારણ ગણિત કામ નહીં લાગે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય છતાં પણ પૂર્ણ જ શેષ રહે છે. આ સૂત્રને સમજવા માટે પ્રેમને સમજવો પડશે. આપ ગમે તેટલો પ્રેમ આપો તો પણ એટલો જ પ્રેમ બચે છે. જે વ્યક્તિએ પ્રેમને જાણ્યો તેણે પરમાત્માને પણ સમજી લીધા. પરમાત્માનો અર્થ છે -જે બધાની અંદર છે, જે અસ્તિત્વ છે એ જ. માટે જે દિવસે સમજાઇ જશે કે મારી પાસે એવો પ્રેમ છે જે હું આપી દઉં તો પણ એટલો જ બચે છે, તે દિવસે બીજા પાસે પ્રેમ માગવાનો બંધ થઈ જાય છે. આપણી તકલીફ એ છે કે આપણે જિંદગીભર પ્રેમ શોધીએ છીએ અને પ્રેમ માંગતા રહીએ છીએ. પણ ઓશો સુંદર અને સરળ રીતે આ સૂત્ર સમજાવી આપણું કામ આસાન કરી દે છે.
રીટા જાની
06/01/2023