હેલીના માણસ – 50 | બાંધછોડ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-50 ‘બાંધછોડ’ એની 49મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.   સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જોને તાળાં પણ હવે લાગી ગયાં દરબારને, 

જો હવે ભંગારમાં વેચી દે આ તલવારને! 

 

એ નહીં ભાંગે તો એની હામ તો ભાંગી જશે, 

એ તને પડકારે એ પહેલાં જ તું પડકારને! 

 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

એ અચાનક હરતાંફરતાં સ્હેજમાં ફૂટી ગયાં, 

હું અવેરું ક્યાં જઈ પરપોટાના ભંગારને! 

 

બદદુવા દેતો નથી તો પણ નિસાસા લાગશે, 

ખૂબ નિર્દયતાથી તેં ઠુકરાવ્યો મારા પ્યારને! 

 

એ પરાજીત થાય એ પહેલાં હું હારી જાઉં છું, 

મેં હંમેશાં પાછી ખેંચી છે મારી તકરારને, 

 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ :

1947 માં આઝાદી મળી ત્યાર પછી 1950માં આપણો દેશ  પ્રજાસત્તાક થયો. તે પહેલાં આખો દેશ નાનાં મોટાં અનેક રાજ્યોમાં વહેંચાયેલો હતો. તે વખતે દરેક રાજયની પાસે અમુક શસ્ત્રસરંજામ રહેતો. રાજ્યો ગયાં ને લોકશાહી સ્થપાઈ પછી રાજ્યો પાસેની તલવારો નકામી પડી. જે વસ્તુનો ઉપયોગ ના રહે તે ભંગાર જ ગણાય. હવે આ ભંગારને કરવાનું શું? પસ્તિવાળાને ભંગાર સાથે વેચી મારવું એ જ ને! કોઈ પણ વસ્તુ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી જ તેની કિંમત. પણ હા, ભંગારમાં પણ અમુક વસ્તુઓ જ લઈ જાય છે. આમ તો કોઈ તુટેલી ફુટેલી વસ્તુ એટલે ભંગાર. પણ પરપોટો ફુટે તેનો ભંગાર થાય ખરો? થાય તો પણ એને કોણ લઈ જાય? 

કહેવાય છે કે, પહેલો ઘા રાણાનો. યુધ્ધ જો અનિવાર્ય જ હોય તો સામેવાળાની કે, તેના હુમલાની રાહ  જોવાને બદલે આપણે પોતે હુમલો કરી દઈએ તે વધુ યોગ્ય રહે. કોઈ શા માટે આપણને પડકારને? હુમલાના સતત ડરથી આપણી હામ ભાંગી પડે તે પહેલાં આપણે જ પડકાર ફેંકીને આપણો હાથ મજબૂત કરી લેવો એ હિતાવહ ગણાય. 

ચોમાસુ હોય છતાં કેટલીક વાર એવું બને કે, ઘનઘોર ઘટા છવાઈ જાય, ગગન ગોરંભે ચઢે, કાળાં ડિબાંગ વાદળો એકબીજા સાથે અથડાઈને ગાજે, એ ગર્જના સાથે કડાકાભેર વિજળી પણ ચમકે, આ બધું થાય પણ વરસાદ ના પડે! આવામાં આપણને દલપત પઢિયારનું આ ગીત યાદ આવી જાય. 

ગગન ચઢ્યું ગોરંભે એક પડે ના ફોરૂં, 

તારે ગામે  ધોધમાર ને મારે ગામે કોરૂં, 

 આવામાં આકાશમાં ઘેરાયેલા વાદળને વાંસડા વડે ગોદો મારીને વરસાદને લાવવાની વાત ખલીલ સાહેબ જ કરી શકે. એમનો આ શેર જોઈએ – 

માથે ગોરંભાય છે પણ એ વરસતો કાં નથી, 

વાંસડો લઈ આવને વાદળમાં ગોદો મારને! 

 

છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ના થાય. એ વાત તો સાવ સાચી, સૌએ જોયેલી, જાણેલી અને અનુભવેલી. પણ આ બાબતે સંતાનોએ નિશ્ચિંત બનવાની જરૂર બિલકુલ નથી કારણ કે, માવતર ના ઈચ્છે છતાં પણ જો તમારા નિર્દયી વર્તનથી તેમની આંતરડી કકળશે તો તેઓ નિસાસા નાખે કે ના નાખે, તેમના દિલમાંથી નિકળેલી હાય તમને ચોક્કસ લાગશે. ખુદ માવતર કે પ્રેમી ઈચ્છે તો પણ એ હાયની અસર ટાળી નહીં શકે. 

કોઈ પણ સંબંધ સચવાઈ રહે તે માટે બન્ને પક્ષે પ્રયત્ન કરવો પડે છે. એક બીજાનાં મન સાચવવાં પડે છે. અહીં મોટેભાગે દરેકનો વ્યક્તિગત સ્વભાવ સારો એવો ભાગ ભજવે છે. એવું પણ બને છે કે, બેમાંથી એક વ્યક્તિ વધુ સહકાર આપતી રહે અને બીજી વ્યક્તિ તેમ કરવામાં ઊણી ઉતરે. સંબંધનું મહત્ત્વ હોય તો સહકાર આવશ્યક છે. પછી ભલે તે એક પક્ષીય કેમ ન હોય. જે પ્રેમાળ છે સમજદાર છે તે બીજી વ્યક્તિની ખુશીનો ખ્યાલ રાખે છે. કઈ વાતથી તે નારાજ થશે તે વિશે સજાગ રહે છે. ટુંકમાં એ ગમે તેવો વહેવાર કરે તેને પોતાનું ગણીને નિભાવી લે છે. બન્ને પક્ષે વારાફરતી આવી સમજપૂર્વકની વર્તણૂક કરવામાં આવે તે જરૂરી હોય છે.  તો જ સંબંધ ટકી શકે છે. પણ દરેક વખતે તેમ થતું ન હોય તો છેવટે કોઈ એક પક્ષે બધું સંભાળીને સંબંધ ટકાવી રાખવો પડે છે. 

એનાં સૌ રિસામણાં, એની ખુશી, નારાજગી, 

હું નિભાવું છું ખલીલ એના સળંગ વહેવારને, 

આમ જીવનના કોઈપણ સંબંધને સાચવવા માટે, સ્નેહ. અને સહકાર જેટલાં જરૂરી છે તેટલી જ જરૂરી છે બાંધછોડ, જતું કરવાની ભાવના. મિત્રો, કોઈને માટે, કોઈની ખુશી માટે કંઈક જતું કરવાથી આપણને પણ ખુશી મળી શકે છે. આવી વાતો લઈને આવેલી આ ગઝલ આપને ગમી? વધુ એક મસ્ત ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

 Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.