હેલીના માણસ – 49 | નફરત છે દિલમાં | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-49 ‘નફરત છે દિલમાં’ એની 48મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

મારી પ્રતિષ્ઠા ક્યાંય ગળે ઊતરે નહીં, 

મારા જ ગામલોકો મને ઓળખે નહીં! 

 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

 

આશિક છું હું મોહતાજ નથી તારા પ્રેમનો, 

એવું તે ક્યાં છે તારા વગર ચાલશે નહીં! 

 

આંધી તૂફાન જોઈ જે પાછાં વળી ગયાં, 

એ તો કોઈ બીજા જ હશે આપણે નહીં! 

 

નફરત છે દિલમાં હોઠે છે સંદેશ પ્રેમનો, 

અમને તો ભાઈ એવી રમત આવડે નહીં! 

 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

 

ત્યાં લગ ખલીલ આમ ભટકશે એ ચોતરફ, 

જ્યાં લગ હ્રદયને ઠેસ કશે વાગશે નહીં! 

ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

ખરેખર, આપણું બાળપણ જ્યાં વિત્યું હોય, તે ગામ, ફળીયુ, ગામનું પાદર અરે, ગામની માટી અને એનો કણેકણ સાવ પોતાનાં થઈ પડે! યાદ છે? ગામના લોકો આપણાં નામને લાંબુ કરીને કે પછી સાવ ટુકું કરીને આપણને બોલાવતા! આવી બધી વાતોનાં સંભારણાં પણ મીઠાં મીઠાં લાગે! કિરણને બદલે કિરણીયા કે, રાધાને બદલે રાધાડી કે, પછી રાજેન્દ્ર કુમારને બદલે રાજલા! એમાં આપણાં નામના ઉચ્ચારમાં ભળેલો પ્રેમ જીવનભરની મુડી બની રહે છે. આમાંનો કોઈ રાજલો કે કિરણીયો મોટો સાહેબ થઈને ગામમાં જાય તો તેને કોઈ ઓળખે નહીં. અને તેની આ સાહેબગિરી કોઈના ગળે ના ઉતરે તેવું પણ બને પણ તેને તો પેલું ગીત સાકાર થતું લાગે કે, 

સાલા મૈં તો સા’બ બન ગયા, 

સા’ બ બનકે કૈસા તન ગયા! 

યે રૂપ મેરા દેખો, યે શુટ મેરા દેખો 

જૈસે ગોરા કોઈ લંડનકા….. 

પણ એવું બને કે, બાળપણના દોસ્તોમાંથી ઘણાં તેની સાથે સ્પર્ધા કરતા પણ જણાય. આ સ્પર્ધા તંદુરસ્ત, ચોખ્ખી હોય તો આવકાર્ય થઈ પડે. બને કે, કોઈ અદેખાઈ પણ કરે અને નુકસાન પહોંચાડવા કંઈ કરે તેવું પણ બને. ખરેખર સ્પર્ધા જ કરવી હોય તો સામસામે ઉભા રહીને કરવી જોઈએ. પાછળથી વાર કરવો, કે નુકશાન પહોંચાડવું એ ક્યાંનો ન્યાય? એ દોસ્તી કહેવાય? 

મિત્રતા એ તો પ્રેમનો સંબંધ છે. બન્ને પક્ષે એ નિભાવવો પડે. એમાં કોઈ એક, બીજાનો મોહતાજ હરગીઝ નથી હોતો. કે એના વગર ન જ ચાલે તેવું પણ નથી હોતું. હોય છે તો માત્ર પ્રેમ. આવા સંબંધો આડે આવતી કોઈ સમશ્યા જ્યારે આડખીલી રૂપ બને અને તે દોસ્તી પર હાવી બને, ત્યારે તેનાથી હારી જવાય અને પછી સંબંધ પડે ખતરામાં! પણ આવા સંજોગોમાં હારે એ બીજા. સાચા મિત્રો નહીં, સાચા સગા કે સંબંધી નહીં. કોઈ પણ સંબંધમાં નિખાલસતા હોવી જરૂરી હોય છે. એમાં પછી ‘મુખમાં રામ બગલમાં છરી’ વાળી દાનત ન ચાલે. મોઢે મીઠી વાતો કરીને મનમાં દુશ્મનાવટ પાળતા હોય એ તો બિલકુલ ના ચાલે. 

મારો શિકાર કરવાની હિંમત જો હોય તો, 

ઊભા રહો જમીન ઉપર માંચડે નહીં! 

ખલીલ સાહેબ કહે છે, હું શાયર છું તો મારી પાસે મિલકતમાં માત્ર શાયરીઓ જ જમા હોવાની. પૈસા તો બેંકના ખાતામાં હોય, કોઈ ગઝલની કે ગીતની ચોપડીમાં તો ન હોય ને? કોઈ પોતાની મસ્તીમાં જ રહે અને ફર્યા કરે. દુનિયાદારીની કોઈ ફિકર જ ના કરે. પણ આવું ચાલે ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ એવો બનાવ બની જાય કે, તેના દિલને જોરદાર ઠેસ વાગે, બસ પછી તે સાવ બદલાઈ જશે. પોતાના દેખાવાથી પણ અને સ્વભાવથી પણ. તે ખુદ તેના આગવા બદલાયેલા પોતાપણાંથી  તે જાણે અલગ થઈ જશે. 

શાયર છું મારા ખાતે જમા શાયરી જ છે, 

થાપણ તો ચોપડીમાં મળે ચોપડે નહીં! 

મિત્રો, દુનિયા આપણને અનેક જુદાજુદા રંગો બતાવતી રહે છે. આપણાં પર એની અસર પણ થતી રહે. પણ અહીં મક્કમ રહેવું જરૂરી છે. બીજાથી ડરીને કે. બીજાની શેહમાં આવીને કે પછી કોઈ લોભામણાં પ્રલોભનથી આકર્ષાઈને આપણો પોતાનો સત્યનો માર્ગ છોડવો ન જોઈએ. આવી અનેક વાતો લઈને આવેલી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. બીજી એક તગડા શેરવાળી ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.

રશ્મિ જાગીરદાર



Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.