ગતાંકમાં ઓશોદર્શન અંતર્ગત આપણે ધ્યાનસૂત્રની વાત શરૂ કરી, જેમાં તૃષ્ણા અને સંકલ્પ વિશે જાણ્યું. સાથે શરીર શુદ્ધિના અંતરંગ સૂત્રો પણ સમજ્યા. મનુષ્યના વ્યક્તિત્વમાં જ્યારે શરીર શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય અને ભાવ શુદ્ધ હોય ત્યારે સાધનાનું પરિધ તૈયાર થાય છે. જો આ ત્રણ વાતો સધાઈ જાય તો જીવનમાં નવા પ્રકારના આનંદ અને શાંતિનો જન્મ થઈ જાય છે. આજના લેખમાં આપણે ચિત્ત શક્તિનું રૂપાંતરણ, વિચારશુદ્ધિનાં સૂત્રો, ભાવ શુદ્ધિનો કીમિયો, અને સમ્યક રૂપાંતરણનાં સૂત્રો જાણીશું.
આપણા ચિત્તમાંથી કશું જ લુપ્ત થતું નથી. એ જે પણ અનુભવો કરે છે તે સંગ્રહિત થાય છે. જો એ સ્મૃતિને ફરીથી જગાડવામાં આવે તો એ જ અનુભૂતિઓમાં પ્રવેશ કરી શકીએ છીએ. મોટાભાગે મનુષ્ય એવી ભૂલ કરતો હોય છે કે એ જે પણ ખોટું છે તેનું સ્મરણ કર્યા કરે છે. વર્ષો પહેલાં તમે ખૂબ ક્રોધિત થયા હતા, અશાંત બન્યા હતા, કોઈએ તમારું અપમાન કર્યું હતું કે કોઈની સાથે બદલો લીધો હતો એ બધી વાતનું સ્મરણ કરતા રહે છે, જે ઘાતક છે. પરંતુ જે વિધાયક છે, ઉપકારક બની શકે છે એ અનુભૂતિનું સ્મરણ જો વારંવાર કરવામાં આવે તો તે બહુ મહત્વનું બની રહેશે. માટે કાંટાને ભૂલી જાવ, ફૂલનું સ્મરણ કરો, શુભનું સ્મરણ કરો, શ્રેષ્ઠનું સ્મરણ કરો, શાંતિની અનુભૂતિ તમારી ચારે તરફ અનુભવો.
સ્વર્ગ કે નર્ક કોઈ ભૌગોલિક સ્થાન નથી, પરંતુ આપણી જ માનસિક, મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. માટે જીવનની એ ક્ષણોનું સ્મરણ કરો – જે અદભુત હતી, ઐશ્વર્યથી ભરેલી હતી. ધ્યાનમાં જે અનુભૂતિ થઈ હોય તેનું સ્મરણ રાખો. આજે દાંપત્યજીવનના પ્રશ્નોનું કારણ પણ એ જ છે કે બધા પ્રેમ માંગે છે પણ પ્રેમ આપતાં કોઈને આવડતું નથી. પાપમાં હંમેશા લક્ષ્ય હશે, પુણ્યમાં કોઈ જ લક્ષ્ય હોતું નથી અને જે પુણ્યમાં લક્ષ્ય હોય તે પાપનું જ સ્વરૂપ છે. પુણ્ય હંમેશા કરુણાથી થાય છે, પાપ કદી કરુણાથી થઈ શકતું નથી. જે ઈશ્વરની મરજી પ્રમાણે અનંત સત્તાના હાથમાં પોતાનું જીવન મૂકી દે છે, તેને કોઈ લક્ષ્ય નથી; ફક્ત અંતઃપ્રેરણા છે. ઓશો એક સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે આપણે એ નદીઓ છીએ જેવા છીએ જેની અંદર બરફના મોટા ટુકડા વહી રહ્યા છે, જે નદીના પ્રવાહની ગતિ મંદ કરે છે. આપણા જીવનમાં પણ તૃષ્ણા, ક્રોધ અને મોહના દબાયેલા આવેગો છે, જે આપણી ધારાને વહેવા દેતા નથી. પરંતુ આ આવેગોને વિસર્જિત કરી, ઓગળી એનો સર્જનાત્મક ઉપયોગ કરી શકાય.
હવે વિચારના સંબંધમાં વિચારણા કરીએ તો વિચારો પણ એક પ્રકારના તરંગો જ છે. વ્યક્તિ જે વિચારોથી આંદોલિત થાય છે, તેવું તેનું વ્યક્તિત્વ ઘડાય છે. મોટાભાગે વ્યક્તિ ધન, યશ કે કામના સંબંધમાં વિચારતા રહે છે. આ અશુદ્ધ વિચારો છે, જે બહિર્ગામી અને અધોગામી છે. તેનાથી તમે ક્યારેય જીવન સત્યને પ્રાપ્ત નહીં કરી શકો. શુદ્ધ વિચારનો અર્થ છે – સત્યમ્, શિવમ્ અને સુંદરમ્, જેની દિશા અંતર્ગામી અને ઉર્ધ્વગામી છે. આપણા વિચાર સત્યોન્મુખ, શિવોન્મુખ તથા સૌંદર્યોન્મુખ બને તે માટે પ્રત્યેક વિચાર, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા કરતાં પહેલા એક ક્ષણ થોભી જાવ. શુદ્ધ વિચારના કોઈ કેન્દ્ર પર તમારી ઉર્જા અને તમારી શક્તિને ભેગા થવા દો. સ્મરણપૂર્વક જે અશુદ્ધ છે તેનો ત્યાગ કરો અને શુદ્ધ ઉપર સ્વયમ્ ને સ્થિર કરો. કોઈ મારા ઘરમાં કચરો ફેકશે તો હું તેની સાથે ઝઘડો કરીશ, પણ કોઈ મારા મગજમાં કચરો ફેકશે તો હું ઝઘડવા જતી નથી. આ બાબતે જાગૃત રહો. આપણું મન ધર્મશાળા જેવું ન હોવું જોઈએ. મનની ઉપર પણ પહેરો રાખો.
આ જગતમાં અશુભ વિચારો ખૂબ પ્રમાણમાં છે અને તેનો ધુમાડો તમારા ચિત્તમાં પ્રવેશી તમને ઘેરી લે છે. પણ એ ન ભૂલીએ કે કેટલાક નાના નાના શુભ વિચારોના દીવા પણ ટમટમતા રહે છે. ભલે તેમની જ્યોતિ નાની હોય પણ તેમનો સંગ શોધનારના લગભગ ઓલવાઈ ગયેલા દીવાને પણ પ્રકાશમાન બનાવી શકે છે. માટે જ વિશેષ મહત્વ છે સત્સંગ, સત્પુરુષ અને પ્રકૃતિના સાંનિધ્યનું. માટે સત્ નો સંપર્ક, સત્ ની ઈચ્છા, સત્ ની ખોજ, સદ્ વિચારોનો જીવનમાં પ્રવેશ અને પ્રકૃતિના સાંનિધ્યને એક અનિવાર્ય અંગ સમજીને જીવનભર એનો પ્રયોગ કરતા રહેવાનો છે.
માત્ર વિચારના જગતમાં ચિંતનથી જીવનમાં કોઈ ક્રાંતિ થતી નથી. જીવનની મોટાભાગની ક્રિયાઓ વિચારના જગતમાંથી નહીં, પણ ભાવના જગતમાંથી જન્મી હોય છે. ભાવની ચાર જુદી જુદી દિશા છે – મૈત્રી, કરુણા, પ્રમુદિતા(પ્રફુલ્લતા) અને કૃતજ્ઞતા. આ ચાર ફોર્મમાં વ્યક્તિ શુદ્ધ ભાવમાં પ્રતિષ્ઠિત છે જ્યારે એથી વિપરીત ઘૃણા, હિંસા, વિષાદ અને અકૃતજ્ઞતા એ અશુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ ચિત્તની અવસ્થા છે, અશુદ્ધ ભાવ ચિત્તની વિકૃતિ છે. આપણી ચારે બાજુ સમગ્ર પ્રકૃતિ બહુ અદ્ભુત વસ્તુઓથી ભરેલી પડી છે. એમના પ્રતિ પ્રેમ વરસાવો. પણ આપણી આંખો તો ટેલિવિઝન જોવામાં મગ્ન છે, આપણું મન પત્તાની હાર-જીતમાં લાગેલું છે. આમ જ પ્રેમના તત્વોને વિકસિત કરવાનો અવસર નિરર્થક બની જાય છે. મૈત્રી અને પ્રેમના બિંદુને જગાડવા માટેનું એક સૂત્ર યાદ રાખો કે ચોવીસ કલાકમાં એક-બે એવા કામ જરૂર કરો જેના બદલામાં તમારે કંઈ જ પ્રાપ્ત કરવાનું ન હોય.
એક વાતનું સ્મરણ રહે કે જે બીજાને દુઃખ આપે છે તે અંતે દુઃખી થાય છે અને જે બીજાને સુખ આપે છે તે અંતે બહુ જ સુખ પ્રાપ્ત કરે છે. માટે જ્યારે કરુણાનું ભાન થશે ત્યારે તમે કોઈને દુઃખ પહોંચાડવાના બધા જ રસ્તા બંધ કરી દેશો અને શક્ય તેટલું સુખ આપવાના પ્રયત્ન કરશો. સાધનામાં પ્રવેશ કરવા કરુણાના ભાવને વિકસિત કરવો ખૂબ જરૂરી છે.
પ્રમુદિતા એટલે પ્રસન્નતા આનંદની સભાનતા, વિષાદનો અભાવ. ઉદાસી એક ટેવ છે, જે તમે પોતે પાડી છે. પણ એક એવી આદત પણ તમે પાડી શકો છો જેને જાળવી રાખવા તમે જિંદગીનો એ ભાગ જુઓ જે પ્રકાશિત છે. તમે જિંદગીને કઈ રીતે જુઓ છો તેના પર બધો આધાર છે. જે આનંદને પોતાની અંદર એકત્રિત કરે છે તે સાધનામાં ગતિ કરે છે.
કૃતજ્ઞતા એ ખુબ જ દિવ્ય છે. 21મી સદીમાં જો કંઈક ખોવાઈ ગયું હોય તો તે આ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાને સમજવાના અને વિકસિત કરવાના ઉપાય કરવાથી સાધનામાં ગતિ આવશે અને જીવન બદલાઈ જશે.
જ્યારે શુદ્ધિ અને શૂન્યતાનું મિલન થાય ત્યારે સમાધિ ઉત્પન્ન થઈ જાય છે અને સમાધિ પરમાત્માનું દ્વાર છે. માટે સમ્યક રૂપાંતરણ માટે જરૂરી છે -શરીર શૂન્યતા, વિચાર શૂન્યતા અને ભાવ શૂન્યતા.
ઘણીવાર પ્રશ્ન થાય છે કે સાધનામાં ધ્યાન કોનું કરવાનું છે? મોટા ભાગે આપણે ધ્યાનને “કોઈના ધ્યાન”ના સ્વરૂપમાં વિચારીએ છીએ. ધ્યાન કોનું? પ્રાર્થના કોની? આરાધના કોની? પ્રેમ કોની સાથે? ધ્યાનનો અર્થ કોઈને સ્મરણમાં લાવવાનો નથી. ધ્યાન એ અવસ્થા છે. ધ્યાનનો અર્થ એ સઘળું કે જે આપણા સ્મરણમાં છે તેને પાડી નાખો એ છે. એવી સ્થિતિ લાવવાની છે કે માત્ર ચેતન જ રહી જાય, કેવળ અવેરનેસ રહી જાય. આપણે એક દીવો પ્રગટાવીએ અને બાકીની બધી જ વસ્તુઓ હટાવી લઈએ તો પણ દીવો તો સળગતો રહેશે એવી જ રીતે આપણા ચિત્તમાંથી બધા જ ઉદ્દેશો, વિચારો, કલ્પનાઓ હટાવી લઈએ તો ચેતનાની એકાકી અવસ્થા રહે – એ જ ધ્યાન છે. ધારણાના માધ્યમથી એક ક્ષણ એવી આવે કે શરીર વિલીન થઈ જાય, વિચાર પણ વિલીન થઈ જાય, જ્યારે સઘળું વિલીન થઈ જાય, ત્યારે જે શેષ રહે તેનું નામ ધ્યાન. આપણે શ્વાસની, ચક્રની, મૂર્તિની ધારણા કરીએ છીએ એ ધ્યાન નથી.
શુદ્ધિની ભૂમિકા પરમાત્માની સન્મુખ લઈ જાય છે. એના પછી શૂન્યની દ્રષ્ટિ પરમાત્મા સાથે મિલન કરાવે છે અને પરમાત્મા સાથે એકરૂપ કરી દે છે.
વિચારના દ્રષ્ટા બનવાનું છે, વિચારક નહીં. માટે જ આપણે ઋષિઓને દ્રષ્ટા કહીએ છીએ. મહાવીર અને બુદ્ધ પણ દ્રષ્ટા છે. સાધારણ માણસની અંદર એક ધારા હોય છે- માત્ર વિચારની. સાધકની અંદર બે ધારાઓ હોય છે- વિચારની અને દર્શનની. આપણે વિચારથી દર્શન સુધી પહોંચવાનું છે. એ માટે વિવેકને જગાડવો પડશે. અંતરંગ સાધનાના મૂળ તત્વ છે – સમ્યક નિરીક્ષણ- દેહની ક્રિયાઓનું, વિચારની પ્રક્રિયાઓનું, ભાવની અંતરંગ ધારાઓનું. આ ત્રણ સ્તરોને જે પાર કરીને સાક્ષીને પકડી લે છે, તેને લક્ષ્ય મળી જાય છે.
કેવળજ્ઞાનનો અર્થ છે ચેતનાની એ સ્થિતિ જ્યાં કોઈ જ્ઞેય નથી રહેતો, જ્યાં કોઈ જ્ઞાતા નથી રહેતો, માત્ર જ્ઞાનની શક્તિ જ રહી જાય છે. કેવળજ્ઞાનનો અર્થ છે શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી લેવો જેને ઓશો અને પતંજલિ સમાધિ કહે છે, જૈનો કેવળજ્ઞાન કહે છે, બુદ્ધ પ્રજ્ઞા કહે છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે. જ્યારે જ્ઞાન આવે છે, ત્યારે અહંકાર વિલીન થઈ આત્માનું દર્શન થાય છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. એ તો ચેતના, અંતિમ આનંદની અવસ્થા છે. ‘અહમ્ બ્રહ્માસ્મિ’ એ અનુભૂતિને આપણે પરમાત્મા કહીએ છીએ.
ઓશોના આ સૂત્રો પર જો મહેનતપૂર્વક અને સંકલ્પપૂર્વક કામ કરશો તો બહુ જલ્દી તમારી અંદર એક નવી વ્યક્તિનો જન્મ થઈ જશે. એક એક પગલું ચાલતા રહો, તો અનંત અંતર પણ પૂરું થઈ જશે.
રીટા જાની
23/12/2022