
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-48 ‘ગુનો મંજુર’ એની 47મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
કોઈ વિષયવસ્તુ, સમજ, સંવેદના નક્કી કરો,
એ પછી આ મત્લા, મક્તા, કાફિયા નક્કી કરો!
લોક તો જ્યાં કહેશો ત્યાં નમવામાં નહીં પાછા પડે,
તમતમારે કોઈ મનગમતો ખુદા નક્કી કરો.
ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને,
કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો!
પ્રેમ કરવો એ ગુનો છે તો ગુનો મંજૂર છે,
માફ કરવો છે કે દેવી છે સજા નક્કી કરો!
સાવ વણબોટી કોઈ મંઝિલ પ્રતીક્ષામાં હશે,
કોઈ હિંમત ના કરે એવી દિશા નક્કી કરો!
મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ,
શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો!
એ પછી આબાદ થઈ જાશે ખલીલ આખું જગત,
પ્રેમમાં બરબાદ થવાનું બધાં નક્કી કરો!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે. ચાલવાનું શરૂ કરતાં પહેલાં, ક્યાં જવું છે, તેની ખબર હોવી જોઈએ એટલું જ નહીં, કઈ દિશામાં જવું, આગળ ચાલતાં કેટલા વળાંક આવશે અને તેમાંથી કયો વળાંક આપણને મંઝિલ સુધી લઈ જશે. તેની જાણકારી હોવી જોઈએ. ચિત્ર દોરવું હોય તો તેને માટેના જરૂરી સાધનો તૈયાર રાખવા પડે. શું દોરવું છે તે નક્કી કરવું પડે. કોઈ પણ કાર્ય કરવા માટે પૂર્વ તૈયારી કરવી આવશ્યક હોય છે. ગઝલ લખવી હોય તો સૌથી પ્રથમ વિષય નક્કી કરો, તેને લગતી સમજ અને મનમાં સંવેદના પણ હોવી જોઈએ. ત્યાર પછી કાફિયા, રદિફ, મત્લા, મક્તાનો અંદાજ લગાવીએ એ પછી જ એક સારી ગઝલ લખી શકાય છે. અરે આ દુનિયામાં તો આપણો ધર્મ નક્કી કરવામાં પણ ખાસ્સો વિચાર કરવો પડે. કારણ કે, આપણાં દેશમાં અનેક સંપ્રદાયો છે. દરેક પોતપોતાના ઈષ્ટ દેવને પૂજતા હોય છે. દરેક પોતાની આસ્થા પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે. આ બધામાં અમુક લોકો એવા પણ હોય છે જે એક ભગવાનની ભક્તિથી ઈચ્છીત ફળ ના મળે તો વારંવાર ભગવાન બદલતા રહે છે. ખાસ કરીને કોઈ વધુ સફળ વ્યક્તિ જે ભગવાનને ભજતી હોય તેનું શરણું લે છે. તો અમુક લોકો તો જોઈતી વસ્તુ મેળવવા માટે બીજો કોઈપણ રસ્તો અખત્યાર કરતા હોય છે. તેમનામાં એવી વરવી વાસ્તવિકતા આત્મસાત થયેલી હોય છે. એ વૃત્તિથી તેઓના અસલી ચહેરા એટલી હદે બગડેલા હોય છે કે, તેઓ ખુદ પોતાને ઓળખી નથી શકતા. હવે એવો કયો આયનો હોય જે તેમને પોતાનો અસલી ચહેરો બતાવી દે! અને આવા ચહેરા એક બે નહીં, આયના વહેંચવા બેસો તો ખુટી પડે એટલા હોય છે.
ચોંકી ઉઠશે એ બધા ખુદનો જ ચહેરો જોઈને,
કોને કોને વહેંચવા છે આયના નક્કી કરો!
કોઈ પ્રેમીને પૂછશો તો એ કહેશે કે, પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી અને છતાં તમે એને ગુનો ગણો તો એ ગુનાની સજા શું છે? એ પણ મને મંજુર છે. એકવાર બધા પ્રેમીઓ પ્રેમમાં બરબાદ થવાનું સ્વિકારી લે તો પછી એવું પણ બને કે, બહુમતી તેમની થઈ જાય અને પછી પ્રેમ કરવો એ ગુનો જ ના ગણાય અને એ રીતે જોઈએ તો એ બધા જ આબાદ બની રહે! મંઝિલની પ્રાપ્તિ માટે મંઝિલ પ્રતિ ચાલતા રહેવું જરૂરી તો છે પણ એને માટે ગાડરિયા પ્રવાહથી બચવું એટલું જ જરૂરી છે. બધા આમ જાય છે માટે ચાલો આપણે પણ જઈએ! એ વૃત્તિ છોડી દેવી જોઈએ. જ્યાં જવાની હીંમત કોઈ ન કરતું હોય અને જ્યાં હજુ સુધી કોઈ ના પહોંચ્યું હોય તેવી મંઝિલ નક્કી કરીને ત્યાં પહોંચવાની તૈયારી રાખવી જોઈએ. આમ કરતી વખતે મન અસમંજસમાં પડી શકે. ત્યારે મન કંઈ કહેશે અને મગજ કંઈ જુદું જ કહેશે. સરળ માર્ગ? કે પછી કપરો પણ વધુ ફાયદાકારક માર્ગ? આવા સમયે બધાં પાસાં વિચારીને ચોવીસ કલાક માટે મનને આરામ આપો. ઉતાવળે કોઇ નિર્ણય ન લો. બસ પછી તમારું મન શું કરવું તેનો ઉકેલ શોધી લેશે.
મન-મગજ બન્નેના સંપર્કમાં રહો થોડા દિવસ,
શેમાં છે નુકશાન શેમાં ફાયદા નક્કી કરો!
કોઈ નિર્ણય કરતાં પહેલાં સતર્ક થઈ જવું પડે. દીર્ઘ દ્રષ્ટિથી વિચારવું પડે શેમા ફાયદો છે શેમાં નુકસાન? એ બાબતે આપણને વિચારતા કરતી આ ગઝલ આપ સૌને ગમી મિત્રો? આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર
રશ્મિ જાગીરદાર