
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-47 ‘ખામોશી’ એની 46મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
આ વાહવાહમાં ય જો ફરિયાદ હોય તો,
ખામોશી પણ સરસ મઝાની દાદ હોય તો!
દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા,
સજદો કરી શકું હું જો એકાદ હોય તો!
તાજા ગુલાબ જેવો એ રંગીન છે છતાં,
ભીતરથી એ માનવી બરબાદ હોય તો!
તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ,
ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો!
બોલો સમયનો તમને શું સાચે અભાવ છે?
સીધી સરળ આ વાતમાં વિખવાદ હોય તો!
માન્યું કે, આપ કોઈને પણ ચાહતા નથી,
એમાં ખલીલ એકલો અપવાદ હોયતો!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
માનવ સહજ સ્વભાવ પ્રમાણે જ્યારે પણ આપણે, કોઈ રચના લખીએ કે, ગીત ગાઈએ, તરત જ આપણી તે રચના કે, રજુઆત માટે લોકોનો કેવો પ્રતિસાદ છે તે જાણવાની ઇંતેજારી હોય છે. કોઈ સમારંભમાં સ્પિચ આપીએ તો તાળીઓના ગડગડાટની અપેક્ષા હોય છે. આપણા કામના વખાણ થાય તે ગમતું હોય છે. પરંતુ કેટલીકવાર કોઈ એવું પણ કહી દે કે, તમે ખૂબ સરસ ગાયું પણ એક બે જગ્યાએ સુર છુટી ગયો હતો કે, તાલ ગયો હતો. તો એમણે કરેલા વખાણમાં પણ ફરિયાદનો સુર આપણને ચોક્કસ સંભળાય! આ સમયે બે કામ થઈ શકે. ક્યાં તો આપણે ભૂલો સુધારી લઈએ કે પછી એ વાતનો રંજ કરીએ. ત્યારે એવું પણ થઈ જાય કે, આના કરતાં તો જેઓ મૌન રહ્યા એમની દાદ સારી!
આપણાં સમાજમાં અનેક જુદા સંપ્રદાય છે અને દરેક સંપ્રદાયના વડા, પોતાને ભગવાનનો દરજ્જો આપવામાં માહેર હોય છે. એ પોતે નહીં તો એમના અનુયાયીઓ એમને ભગવાન બનાવીને પૂજવા લાગે છે. આવામાં સામાન્ય માનવી વિચારે કે, આટલા બધા ભગવાન છે એમાંથી કયા ભગવાન મારે ભજવા?
દરરોજ પેદા થાય છે અહીં સેંકડો ખુદા,
સજદો કરી શકું હું જો એકાદ હોય તો!
દરેક વખતે માણસનો બહારનો દેખાવ અને અંદરની હાલત એક સરખી નથી હોતી. સંસારમાં હર પળે નોખા અનુભવો થતા હોય છે. આપણી સામે આવતા સંજોગો પ્રમાણે આપણે ચાલવું પડે છે. થોડા સમય પહેલાં જ કોઈ ગમગીન સમાચાર કે, બનાવથી આપણે દુઃખી હોઈએ છતાં હસવું પડે છે. તમાચો મારીને ગાલ રાતા રાખવા પડે છે. તાજા ગુલાબની જેમ ખુશહાલ હોવાનો ડોળ કરવા છતાં કોઈ અંદરથી સાવ ભાંગી પડેલું હોય તેવુ બનતું હોય છે. આવી વ્યક્તિ તમને મળે ત્યારે તે બહારથી જેવી દેખાય તેવી અંદરથી ન પણ હોય. કોઈપણ સ્વરૂપે તે મળી શકે. કદિક તે ભિખારી જેવા વેશમાં પણ મળે. સામાન્ય રીતે જોઈએ તો આ સંજોગોમાં સૌ તેની સાથે તોછડું અને અપમાનજનક વર્તન કરતા હોય છે. પરંતુ ખરેખર તો આપણે એ વિચારવું જોઈએ કે, કંગાળ સ્વરૂપે મળેલો આ જણ કદાચ કોઈ ખાનદાન ઘરનો નબીરો પણ હોય! બને કે, આજે તેના સંજોગો વિપરીત હોય. અને સમય તો કોઈનો ય એક સરખો ક્યાં રહે છે?
તું ભીખ એને દે ન દે અપમાન ન કરીશ,
ઊંચા કો’ ખાનદાનની ઓલાદ હોય તો!
ઘણી વ્યક્તિઓ એવી હોય છે જેની સાથે આપણે વારંવાર મળવાનું કે સંપર્કમાં રહેવાનું ન બનતું હોય છતાં અમુક ખાસ પ્રસંગે આપણે જરૂર તેમને યાદ કરીને મળતા હોઈએ કે પછી ફોનથી વાત કરતા હોઈએ છીએ. સાંપ્રત સમયમાં તો સોસીયલ મિડિયાની મદદથી જ વાત થઈ જતી હોય છે. આવા સમયે કોઈ આપણને કહી દે કે, હમણાં સમય નથી. તો તરત આપણને વિચાર આવે કે, ખરેખર સમયનો પ્રશ્ન છે કે, આગળના કોઈ વિખવાદથી મન કચવાયું હોય તેને લીધે કાઢેલું બહાનું છે. અમુક વ્યક્તિઓનો સ્વભાવ એવો હોય છે કે, દરેક સગાસબંધી સાથે તેને કોઈ ને કોઈ વિખવાદ હોય જ. આવામાં કોઈની સાથે તે પ્રેમથી વાત કરે તે શક્ય નથી હોતું. તેમ છતાં એકાદ જણ એમાં અપવાદ હોય તેવું બને. અને એ અપવાદ ખુદ આપણે જ હોઈએ તો એ આનંદનો વિષય બની રહે ખરૂં ને મિત્રો? આશા છે કે, આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી મસ્ત ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર