વિસ્તૃતિ… ૪૨
જયશ્રી પટેલ.
શરદચંદ્રની એક કરૂણાંતક વાર્તા *બોઝ વિવાહ* મને હિન્દી ઓડિયો દ્વારા સાંભળવા મળી, ગુજરાતી અનુવાદ
મને મળ્યો નથી . આ વાર્તામાં સ્ત્રીઓની મનોવેદના ને સ્વાભિમાનનું અદ્ભૂત આલેખન થયું છે.બીજી બાજું પુરુષના અભિમાનને કારણે પ્રેમની અવહેલનાને કારણે
બે બે સ્ત્રીની માનસિક યાતનાનું આલેખન હૃદયદ્રાવક
શરદબાબુએ આલેખ્યું છે.
વાર્તાની શરૂઆત સાંરગપુરના જમીનદાર હરદયાલમિત્રના પુત્ર સત્યેન્દ્રના વિવાહની ધામધૂમના વર્ણનથી કરી છે. એક અઠવાડિયાથી ગામમાં ચહલ પહલ છે. શહનાઈ, વિવિધ ત્રાંસ ઢોલ, ખાણી પીણી
અને ઢોલ નગારાથી ગામ જીવંત થઈ ઊઠ્યું હતું.સત્યેન્દ્ર
નાબાલિગ હતો . તે એન્ટ્રસની પરીક્ષા આપી રહ્યો હતો.
તેની પત્ની વર્તમાન જીલ્લાના દિલજાનપુરના શ્રીયુક્ત કામખ્યાત ચરણની પુત્રી હતી. તેની ઉંમ્મર દસબાર વર્ષની જ હતી. તેનું નામ સરલા હતું. હરદયાલમિત્ર ખૂબ જ પૈસાદાર હતા. વાર્ષિક આવક છવ્વીસહજાર હતી. નાબાલિગ પુત્રને પરણાવવાનું એકમાત્ર કારણ તેમની પત્નીની વહુ જોવાની ને લાવવાની મહેચ્છા જ હતી.
પુત્રને પરણાવી જ્યારે વહુને વિદાય કરી ઘરે લાવ્યા તો નાની સરલા પોતાના સસરા સાથે હળીમળી ગઈ હતી. તે સત્યેન્દ્રનું ખૂબ ધ્યાન રાખતી પૂર્ણ મદદ કરતી.તેના અભ્યાસના સમયને સાચવતી. લગ્ન બાદ તેને
દિલજાનપુર થોડા સમય માટે મોકલવાનાં આવી તો સત્યેન્દ્ર ચાર પાંચ દિવસમાં ફરિયાદ કરવા માંડી મારાં પુસ્તકો પર ધૂળ ચઢી ગઈ છે, ખડિયામાં શાહી સુકાય ગઈ છે કોઈ મારાં પુસ્તકનું ધ્યાન નથી રાખતું વગેરે વગેરે ને સરલાને પાછી બોલાવી લેવામાં આવી. સરલા ત્રણ વર્ષ સુધી પછી ગઈ જ નહિ એ દરમ્યાન બન્ને વચ્ચેનો પ્રેમ
ને મિત્રતા ગાઢ થતા ગયા. બેમાંથી એકે એકબીજા વિના જીવી જ નહિ શકતા. સરલાની મોટીબેન સુશિલાનાં પુત્રની શાસ્ત્રીયવિધિ માટે તેના પિતાને ભાઈ તેને અને સત્યેન્દ્રને લેવા આવ્યાં. પ્રસંગ પત્યા પછી સત્યેન્દ્ર બે ચાર દિવસ રહી પાછો ફર્યો તેની પરીક્ષાઓ નજદીક હતી. સરલાએ તેને દસ દિવસ પછી લઈ જવા કહ્યું. સત્યેન્દ્ર પાછો ફર્યો પણ તેનું ચિત્ત જ નહોતું લાગતું તે માંડ વીસ પચ્ચીસ પાનાં જ વાંચી શકતો. એક બાજુ તે વિચારતો સરલા નથી તો વધુ વાંચી લઉં પણ તે નિષ્ફળ રહ્યો. લેવા જવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ તાર આવ્યો
કે સરલા બહુ જ બિમાર છે તે કદાચ નહિ બચે. સત્યેન્દ્ર ને પિતા હરદયાલમિત્ર ત્યાં પહોંચ્યાં. પિતા સમાન સસરાનો અવાજ સાંભળી સરલાની જાનમાં જાન આવી
તે સમજી ગઈ સત્યેન્દ્ર તેને લેવા આવી પહોંચ્યો છે, પણ ભગવાનને બીજુ જ મંજુર હતું સવાર પડતા જ સરલાનું મૃત્યું થયું. સત્યેન્દ્ર ભાંગી પડ્યો. તે પરીક્ષા ન આપી શક્યો . તે નાપાસ થયો, પરીક્ષામાં પણ ને જીવનમાં પણ.
થોડા સમય પછી માતાએ ને પિતાએ તેને બીજા લગ્ન કરવા સમજાવ્યો તે સરલાની જગ્યા બીજાને ન આપી શક્યો. તેની બીજી વારની પત્ની નલિની ખૂબ જ પ્રેમાળ હતી. પહેલી રાત્રે જ સત્યેન્દ્ર તેને સ્વીકારી શક્યો
નહિ. નલિની વિચારતી રહી તેનો શું વાંક? સરલાની યાદો ને તેના મોહમાંથી મુક્ત થઈ શક્યો નહિ. નલિની તેના મનને સમજાવતી રહી અને સત્યેન્દ્રને સાચવતી રહી. ધીરે ધીરે સત્યેન્દ્ર પણ નલિનીને સમજતો થયો. તે રડતી તો તેનાં આંસુ લુછતો રહ્યો. જૂની વાતો તેની સાથે કરતો. એકલો સત્યેન્દ્ર જ બોલતો તેવું નહોતું નલિની પણ તેની વાતો સાંભળવા ઉત્સુક રહેતી. નલિનીએ ધીરે ધીરે સત્યેન્દ્રને જાણે પોતાનો કરવા માંડ્યો .એક પતિવ્રતા સ્ત્રી જેટલું કરી શકતી તે બધું કરતી. હવે તેની ઉપેક્ષા નહોતી થતી.ગૃહિણી ને હરદયાલમિત્ર તેને ખૂબ પ્રેમ કરતાં. ભણી રહ્યાં પછી સત્યેન્દ્ર પાવનાનો ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ થયો. પાવનામાં નલિનીનાં દૂરના કલકત્તામાં સાથે રહેતા કાકા પણ રહેતા .બન્ને વારંવાર જતાં. બન્ને ઘરનો ઘરોબો હતો. નલિનીની ત્રૃટીઓ જોઈ સત્યેન્દ્ર ક્યારેક સરલા સાથે તુલના કરી બેસતો શું સરલા હોત તો આવું બનત? આ માનવનો સ્વભાવ છે. શાંતિ ને પ્રેમ હોય ત્યાં અશાંતિ શોધતો ફરે. નલિની હોશિયાર હતી તે સત્યેન્દ્રને એકલો ન મૂકતી.તેથી તેની યાદોથી તેને છીનવી રહી હતી ને સાચવી રહી હતી.
સત્યેન્દ્રને થતું પાણીમાં જાળમાં ન ફસાતી માછલી જ મોટી થાય કે શું? વારંવાર સરલાને યાદ કરતો. નલિનીને કોઈ દુઃખ નહોતું કારણ હવે સત્યેન્દ્ર તેની ઉપેક્ષા કે અવગણના નહોતો કરતો , હા, તે સરલા જેટલો પ્રેમ પણ ન કરતો. કાકાની દીકરી તેની સખી હતી.
તેનું નામ હેમ હતું. એકવાર નલિની ચિત્ર બનાવી રહી હતી. હેમ આવી પહોંચી. કચેરીથી આવતા જ સત્યેન્દ્ર તેણી ને ન જોતો તો ક્યાં ગઈ હશે? તે શોધતો તેથી નલિની ક્યાંય ન જતી. હેમ આવી હતી તેથી વારંવાર તેને ત્યાં જતા આવતા નલિનીને મોડું વહેલું થઈ જતું. પિયરથી સાથે આવેલી દાસી માંતગી નલિની પર ગુસ્સો કરતી, તેને સમય પર આવવા કહેતી. સોળ વર્ષે તો તે ક્યારેય રિસાય નહોતી પણ હવે અઢાર વર્ષે નલિની પ્રેમ ભાવની ખામીથી ક્યારેક સ્વાભિમાનથી રિસાતી. સત્યેન્દ્ર એક દિવસ રાતના દસ વાગે આવી તેથી ગુસ્સે થઈ બહાર સૂઈ ગયો ને પછી ક્યારેય ન માન્યો.
મિત્રો આ વાર્તાને વધુ આવતા અંકે જાણીશું. ફરી શરદબાબુ એક એવી વાસ્તવિકતા આપણી સમક્ષ લાવ્યા છે કે દામ્પત્ય જીવન ભરોસા પર જીવે છે ને એમા અભિમાન સ્વાભિમાન જોડે ટકરાય તો તેનું પરિણામ ક્યારેક અસહ્ય બની જતું હોય છે.ચાલો મિત્રો શરદબાબુની કરૂણામય વર્તાનો આ અદ્ભૂત ભાવ આવતા અંકે!
જયશ્રી પટેલ
૧૧/૧૨/૨૨