ધર્મયુગના વરિષ્ઠ પત્રકાર દેવી શંકર ‘પ્રભાકર’ કહે છે કે તેમણે ઓશોમાં ઈમાનદારી અને ઘોર સચ્ચાઈનું દર્શન કર્યું છે, જે એક સાધારણ વ્યક્તિને દિવ્ય પુરુષના પદ ઉપર બેસાડી દે છે. તેઓ ખુદીને એ બુલંદી સુધી લઈ ગયા છે અને ઇન્સાનિયતને ભગવત્તાનું ગૌરવ પ્રદાન કર્યું છે. આ કર્મયોગી સિદ્ધે માણસની પછાત વૃત્તિઓની પ્રવૃત્તિને લલકારી છે, એનામાં અદમ્ય, અનંત ઉર્જા શક્તિને ઉજાગર કરી છે અને ગૌરવપૂર્ણ સ્થાને પહોંચાડી છે. ઓશો ઇન્સાનને ભયમુક્ત કરવા ઈચ્છે છે, તેની ભીતરની અદમ્ય શક્તિને જાગૃત કરવા ઈચ્છે છે; જેથી તે સંપૂર્ણ માનવ બને અને કોઈ પણ સામાજિક કુંઠા વિના, કોઈ ધાર્મિક દબાવ વગર, પરંપરાઓના બંધનથી મુક્ત એવું ખુબસૂરત જીવન જીવી શકે. તેમના મતે ઓશો એ આત્મદર્શી દિવ્ય પુરુષ હતા, આ યુગના સ્વયંસિદ્ધ વિચારક, ઋષિ અને તત્વવેતા હતા. આવા ઓશો ધ્યાન સૂત્ર વિશે જે વાત કરે છે તે આ લેખમાં આપણે જાણીશું.
ઓશો કહે છે કે ‘ધ્યાન છે તો બધું છે ધ્યાન નથી તો કશું જ નથી’. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ધ્યાનમાં પ્રવેશ કરવા માટે શું પૂર્વ તૈયારી કરવી? ધ્યાનની પ્રક્રિયા શું છે? ધ્યાન કઈ રીતે સાધ્ય થઈ શકે? આ માટે સૌથી પહેલા એ જરૂરી છે કે સમગ્ર પ્રાણને સંકલ્પ કરવા દો કે ધ્યાનમાં પ્રવેશ થશે. સત્યની પ્રાપ્તિ એટલી મહત્વપૂર્ણ નથી, જેટલું સત્યને માટે સાચા અર્થમાં તૃષ્ણા કે ઝંખનાનું જાગવું છે. ક્ષુલ્લક વસ્તુની પણ તરસ જાગે, પણ ક્ષુલ્લક વસ્તુઓની પ્રાપ્તિ પછી આનંદની અનુભૂતિ થતી નથી. જ્યારે વિરાટની અભિલાષા એવી છે કે જેને પ્રાપ્ત ન કરી શકાય તો પણ જીવન આનંદથી ભરાઈ જાય.
ઝંખનારૂપી બીજ અંકુરિત થવા માટે બીજી ઘણી સુવિધાઓની આવશ્યકતા હોય છે. માત્ર કુતુહલથી સાધનામાં પ્રવેશ કરી શકાતો નથી. ભગવાન બુદ્ધનું એક સુંદર દ્રષ્ટાંત છે. દરેક માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, પણ દરેકને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ખરી? માટે પહેલું સૂત્ર એ યાદ રાખવું જરૂરી છે તમારી અંદર જાગેલી તૃષ્ણા જ તમને માર્ગ બતાવશે. આ સાથે સાધનાના સંબંધમાં આશાપૂર્ણ અભિગમ હોવો ખૂબ જ જરૂરી છે. દરેક બીજમાં અંકુરિત થવાની સંભાવના છે. છતાંય કેટલાયે બીજ અંકુરિત થઈ વૃક્ષમાં પરિણામતા નથી અને નષ્ટ થઈ જાય છે, સડી જાય છે. જ્યારે કેટલાક બીજ પૂર્ણરૂપે વિકસિત થાય છે. એ જ રીતે બીજ સ્વરૂપે તમારામાં એટલી જ શક્તિ રહેલી છે જેટલી શક્તિ બુદ્ધની છે, મહાવીરની છે, કૃષ્ણની છે, જીસસની છે. દરેકમાં સંભાવના એકસરખી જ છે, પણ બધાની વાસ્તવિકતા અલગ છે. કારણ કે મોટા ભાગના લોકો આ સંભાવનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન જ કરતા નથી. માટે વિશ્વાસ રાખો કે તમારામાં એ યોગ્યતા છે. હૃદયમાં એવી આશા ભરીને ચાલીએ કે ઘટના જરૂર ઘટે. જ્યારે તમે આશાથી ભરેલા હોય, ત્યારે તમારી અંદરનો પ્રત્યેક કોષ પણ આશાથી છલકાઈ જાય છે, તમારા વિચારોમાં આશાનો પ્રકાશ પથરાઈ જાય છે અને તમારા પ્રાણના સ્પંદનમાં આશા વ્યાપ્ત થઈ જાય છે. ત્યારે આત્મિક જીવનનું અભિયાન સફળ બને છે. અંધકાર ગમે તેટલો વ્યાપક હોય, કિરણ ભલે નાનકડું હોય, પણ જો એક કિરણની જ દિશા પકડીએ તો ત્યાં સુધી પહોંચી શકાશે, જ્યાંથી આ કિરણ પ્રગટ્યું છે – જ્યાં સૂરજ છે.
માટે સાધનામાં એક નાનકડી આશાની ઝલક પણ મળે તો એને આધાર બનાવજો. સ્મરણપૂર્વક જેટલું આવશ્યક હોય એટલું જ બોલો, બાકી મૌન રાખો. ભીડમાં ઘેરાયેલા રહેવાની બદલે થોડા એકાંતમાં જાઓ. ભીડમાં જીવનના શ્રેષ્ઠ સત્યની અનુભૂતિ થઈ શકે નહીં. તેનો અનુભવ અત્યંત એકાંતમાં અને એકાકી અવસ્થામાં જ થાય છે. નિરર્થક વાતો બંધ કરીએ આપણી અંદર જે વ્યર્થ બકવાસ નિરંતર ચાલે છે, તેને પણ શિથિલ કરીએ. આપણી અંતર ચેતનાનો અવાજ, જે પ્રત્યેકની અંદર ગુંજી રહ્યો છે, તેને સાંભળવો હશે તો બીજા બધા જ અવાજો બંધ કરવા પડશે. પ્રકૃતિના સાંનિધ્યમાં વ્યક્તિ પરમાત્માની નજીક પહોંચી જાય છે. સમૂહનું કોઈ ધ્યાન નથી હોતું, સઘળા ધ્યાન વૈયક્તિક જ હોય છે.
ઓશો કહે છે કે શરીર એક સાધન છે, યંત્ર છે. સંસારનું પણ અને સત્યનું પણ. શરીર મિત્ર પણ નથી કે શત્રુ પણ નથી. તમે ધારો તો સંસારમાં પ્રવેશ કરી શકો ને ધારો તો પરમાત્મામાં પણ પ્રવેશ મેળવી શકો. શરીર એ સાધનાનો પરિઘ છે અને આત્મા એ સાધનાનું કેન્દ્ર. સાધનાનો પ્રારંભ છે શરીર શુદ્ધિ. શરીરનો સમ્યક ઉપયોગ શીખી લઈશું તો તે આપણા જીવનમાં ક્રાંતિ લાવી દેશે. તેથી પુરાણી ગ્રંથિઓનું વિલીનીકરણ અને નવી ગ્રંથિઓનો સર્જનાત્મક ઉપયોગ એ શરીર શુદ્ધિ માટેના બે મહત્વના પ્રાથમિક સોપાન છે. આ માટે યોગ અને પ્રાણાયામનો પણ ઉપયોગ કરી શકાય. ઓશો કહે છે કે સૃજન સ્વર્ગ છે અને વિનાશ નર્ક છે. માટે જીવનની શક્તિઓ અને ઊર્જાઓનો સર્જનાત્મક ઉપયોગ કરો તો તમે સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનો પ્રારંભ કરી દીધો છે. ભગવાન બુદ્ધે શક્તિ પરિવર્તનથી અંગૂલિમાલને પણ સન્યાસી બનાવ્યો, જે શક્તિઓનો સર્જનાત્મક ઉપયોગ હતો. સર્જનાત્મક એટલે એવું કામ જે તમે માત્ર નિજાનંદ માટે જ કરતા હો. તમે મૂર્તિ બનાવો, ગીત લખો, ગીત ગાવ, જે કંઈ કરો તે વ્યવસાય માટે નહીં, પણ નિજાનંદ માટે કરો.
શરીર અને મન અભિન્ન છે. શરીરનો અતિ સૂક્ષ્મ ભાગ મન છે અને મનનો અત્યંત સ્થૂળ ભાગ શરીર છે. માટે શરીરમાં જે બનશે તેના પરિણામ મનમાં પ્રતિધ્વનિત થવાના છે. એ જ રીતે જો મન બીમાર હોય તો શરીર સ્વસ્થ ન રહી શકે. ભોજન અને આહારની બાબતમાં વિવેકપૂર્ણ હોવું જરૂરી છે. જે ભોજન સ્ફૂર્તિ આપે, આળસ ન લાવે, ઉત્તેજના ન જગાડે, માદકતા ન જગાડે તેટલું જ પર્યાપ્ત, તેટલું જ શુદ્ધ ગણાય. શરીર માટે વ્યાયામ પણ જરૂરી છે અને વિશ્રામ પણ જરૂરી છે. સમ્યક આહાર અને વિહાર હશે તો આંતરિક પ્રવેશ થવાનો પ્રારંભ થશે.
પરિઘના ત્રણ ચરણ છે: શરીરશુદ્ધિ, વિચારશુદ્ધિ, અને ભાવશુદ્ધિ. કેન્દ્રના પણ ત્રણ ચરણ છે: શરીરશૂન્યતા, વિચારશૂન્યતા અને ભાવશૂન્યતા. જ્યારે આ છ ચરણ પૂર્ણ થાય છે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે.
પ્રભાતના ધ્યાનના પ્રયોગની પ્રક્રિયા ઓશો આ પ્રમાણે સમજાવે છે.
* સંકલ્પ: શ્વાસને પૂર્ણપણે ઊંડો અંદર લઈ જાઓ. મનમાં એ ભાવ રટો કે હું સંકલ્પ કરું છું કે મારો ધ્યાનમાં પ્રવેશ થઈને જ રહેશે. ફેફસાને શક્ય એટલા પૂર્ણપણે ભરી દો, ક્ષમતા અનુસાર શ્વાસ રોકો અને ત્યારબાદ શ્વાસ છોડો. આ પ્રક્રિયાને યોગમાં પૂરક, કુંભક અને રેચક કહે છે. આ રીતે અંતઃકરણ સુધી આ સંકલ્પ પ્રવેશી જશે. આ સંકલ્પ પાંચ વાર કરવો.
* ભાવના : આશા, આનંદ અને વિશ્વાસની ભાવના બે મિનિટ માટે કરવી જેનાથી એવી અનુભૂતિ થશે કે તમે બહુ જ સ્વાસ્થ્યથી ભરેલા છો, પૂરા શરીરના કણ કણ પ્રફુલ્લિત થઈ ગયા છે અને બહુ આશાભરી સ્થિતિ છે.
* ધ્યાન: પીઠને ટટ્ટાર રાખી, હલન ચલન કર્યા વગર આરામથી બેસવાનું છે. સમગ્ર શરીરના કંપનને છોડી દેવા છે. આંખો બંધ કરી ધીમો શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. નાકની પાસે જ્યાં શ્વાસ સ્પર્શે છે ત્યાં શ્વાસને જોતા રહેવાનું છે અથવા નાભિ પાસે પેટ ઉપર નીચે થાય તે જોતા રહેવાનું છે. આ પ્રયોગ દસ મિનિટ સુધી કરવાનો છે.
ધ્યાનની પ્રક્રિયાની જાણકારી માત્રથી એ અર્થ બોધ નહીં થાય. એનો પ્રયોગ કરવાથી જ તેનો અર્થ સમજાશે. ધ્યાનના સૂત્રો ખૂબ ગહન છે. ચિત્ત શક્તિઓનું રૂપાંતરણ કઈ રીતે થાય એ અને અન્ય બાબતો વિશે વાત કરીશું આવતા અંકે….
રીટા જાની
09/12/2022