
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-46 ‘ઉભા રહો’ એની 45મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
જાવ છો ક્યાં એકલા ઊભા રહો,
હું ય આવું છું જરા ઊભા રહો!
ના હવે બહું વાર નહીં લાગે મને,
આવું લઈ માની દુવા ઊભા રહો.
એ તો કહેતા જાવ મારો વાંક શું?
શેની આપો છો સજા ઊભા રહો!
છું નદી ઓળંગી જાશો ના મને,
બે ઘડી પાણી પીવા ઊભા રહો!
લોક પાદર લગ વળાવા આવશે,
ખૂબ કરગરશે બધા ઊભા રહો!
સામે ચડતો ઢાળ આવે છે હવે,
ધીમી પડવા દો હવા, ઊભા રહો!
ઊભા રહેવાની ખલીલ આદત નથી,
લોક તો કહેતા રહ્યા ઊભા રહો!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
કોઈ રચના ઘણીવાર એટલી સુંદર બને કે, મત્લાના શેરથી જ એક સરસ મઝાનું દ્રશ્ય આપણને હુબહુ દેખાવા માંડે. અને જેમ આગળ વધીએ ને વાંચીએ તેમ વાત જાણે આગળ વધે. ખલીલ સાહેબની અમુક ગઝલો સુંદર મઝાની શીખ આપતી હોય છે. તો કેટલીક, આખા એક પ્રસંગને આવરી લે છે. આજની આ ગઝલમાં પણ વાંચવાનું શરૂ કરીએ એટલે તરત જ એક સુંદર નવયોવના, નવોઢા બનીને મનપટલ પર ઊપસી આવે. તે જાણે પોતાના નવા બનેલા જીવનસાથીની સાથે લગ્ન પછી જવાની તો હોય જ છે. પરંતુ પોતે તો બધું છોડીને જવાનું હોય અને પતિ કરે ઉતાવળ, તો એ જોઈને તે જાણે બોલી ઉઠે છે.
‘અરે, તમે એકલા કેમ ચાલવા લાગ્યા. મારે પણ સાથે આવવાનું છે, ઉભા તો રહો. અને હા, હું પણ તૈયાર જ છું મને જરાય વાર નહીં લાગે. તમારે તો તમારે પોતાને ઘેર જવાનું છે પણ મારે મારું બધું જ છોડીને આવવાનું છે. માતા, પિતા, ભાઈ ભાંડુ, ઘરબાર સઘળું! એટલે થોડીવાર તો લાગે ને? બસ થોડી જ વારમાં માતાને મળીને, તેના આશીર્વાદ લઈને તરત આવુ જ છું એટલામાં કંઈ મોડું નહીં થઈ જાય. ઉભા તો રહો.’
પરંતુ આગલો શેર વાંચતાં જ આપણું કલ્પના ચિત્ર પણ આગળ વધે છે. કન્યાની ઉપરોક્ત વાતો સાંભળવા છતાં, પતિ તો જાણે આગળ વધતો જ રહે છે. અટકતો નથી. ત્યારે થોડી નિરાશા અને થોડા ગુસ્સાથી, તે પૂછી બેસે છે. ‘કેમ ચાલ્યા? તમે મારો સાથ ટાળવા માંગો છો કે શું? મારો કંઈ વાંક થયો છે? કોઈ ગૂનો થયો છે? શાની સજા તમે આપવા માંગો છો? એ તો કહો. અરે! તમારા સાથ માટે તો લો, હું એક નદી બનીને પણ સાથે વહેવા લાગું. પણ તમે મને ઓળંગીને જતા રહેશો એવું તો નહીં બને ને? થોડીવાર પાણી પીવા ઉભા રહેશો ને?’ પતિ સાથે સાસરે સિધાવતી કન્યાને વિદાય આપવા માટે, વરઘોડિયાને વળવવા માટે, ગામ આખું, છેક પાદર સુધી આવે છે. તે વખતે પણ સૌને મળીને, ભેટીને વિદાય લેવા રોકાતી ગામની દીકરી, પાછળ પડી જાય છે. અને વરરાજા ઉતાવળ કરીને આગળ ચાલી જાય છે. આ સમયે આવેલા સૌ લોકો વરરાજાને રોકવા વિનંતી કરે છે કે, ઉભા રહો, જમાઈ રાજા, આમ ચાલ્યા ક્યાં? થોભો, અમારી દીકરી આવે જ છે. અમને બધાને મળી તો લેવા દો!
લોક પાદર લગ વળાવા આવશે,
ખૂબ કરગરશે બધા ઊભા રહો!
આમ છતાં વરરાજાને ઘેર પહોંચવાની એટલી ઉતાવળ છે કે, તે તો પોતાની ઝડપે ચાલ્યે જ જાય છે. એ ભાઈ તો અટક્યા જ નહીં. નાજુક એવી કન્યા, ઢાળવાળા એ રસ્તા પર ઝડપથી ચાલતાં હાંફી જાય છે. અટકી જાય છે. ત્યારે બધા ગામલોકો ફરી કરગરે છે કે, સામે ઢાળ છે ને અમારી દીકરી ઘણી નાજુક! તમે થોડીવાર થોભો, ઠંડી હવામાં શાંતિનો શ્વાસ લેવા દો. પણ ના, ભાઈ સાહેબને તો ઉભા રહેવાની, થોભવાની કે, પોરો ખાવાની જાણે આદત જ નથી! એ તો બસ ચાલ્યે જ જાય છે!
ઊભા રહેવાની ખલીલ આદત નથી,
લોક તો કહેતા રહ્યા ઊભા રહો!
એક મઝાનું દ્રશ્ય મનમાં ઉદ્ભવે અને નાનકડી વાર્તાનું દ્રશ્ય તાદ્દશ થાય તેવી આ ગઝલ આપ સૌને ખૂબ ગમી ખરુંને મિત્રો? આવી જ મસ્ત મઝાની ગઝલ લઈને ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, નમસ્કાર.
રશ્મિ જાગીરદાર