ગત અંકમાં આપણે બુદ્ધના ‘હૃદયસૂત્ર’ની પૂર્વ ભૂમિકાની ઓશોની કાવ્યાત્મક શૈલીમાં અનુભૂતિ કરી. ‘બુદ્ધ બનો અને તમે બુદ્ધ છો, તમે હંમેશા બુદ્ધ રહ્યા છો.’ આ મૂળભૂત સમજ સાથે આગળ વધવું છે.
જીવનમાં ત્રણ ચીજો અગત્યની છે -જન્મ, પ્રેમ અને મૃત્યુ. જન્મ થઈ ચૂક્યો છે, તેનું કંઈ કરવાનું રહેતું નથી. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે જન્મ લેવા માંગો છો કે નહીં એવું પણ તમને પૂછવામાં આવ્યું ન હતું. પ્રેમ પણ સંભવે છે. જ્યારે તમે કોઈકના પ્રેમમાં પડો છો ત્યારે તમે તમારી જાતને દૂર હડસેલી શકતા નથી. જેમ જીવન આપમેળે સંભવે છે, એમ જ પ્રેમ પણ આપમેળે સંભવે છે. જો જીવનની પ્રત્યક્ષ ક્ષણ ખૂબ જ સુંદર, વ્યક્તિગત, અનુકરણ ના થઈ શકે તેવી બની શકે છે; તો પ્રત્યેક ક્ષણ આશીર્વાદિત અને અનન્ય બની શકે છે. જેઓ પોતાની જેવા જ બનવા માંગે છે તેઓ આ ધરતીના સૌથી મૂલ્યવાન લોકો છે. ઓશો કહે છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, માટે મૃત્યુનું ચિંતન કરો. તમારે તેના માટે તૈયાર રહેવું જ પડશે. સાચો માર્ગ એ છે કે ભૂતકાળની પ્રત્યેક ક્ષણમાં મૃત્યુ પામો અને વર્તમાનમાં જન્મ લો. તે તમને તાજા, યુવાન, સ્ફૂર્તિલા અને ક્રાંતિવાન રાખશે. તે એક બહુ મોટી આવડત અને કલા છે.
વાસ્તવિકતા સાથે સુસંગત વિચારોથી પરમાનંદ ઊભો થાય છે. તમારી અને સત્ય વચ્ચેનું વિભાજન એ અસંગતિ છે. જ્યારે તમે સત્ય સાથે ચાલતા નથી, ત્યારે તમને પીડા થાય છે, સંતોષ મળતો નથી. ઉદાહરણ તરીકે, લીલા ચશ્મા પહેરવાથી આખી દુનિયા લીલી દેખાશે. ચશ્મા હટાવી દેશો તો વાસ્તવિકતાના દર્શન થશે. બુદ્ધ કહે છે કે અંધકારમાં તમે દોરડાને સાપ સમજી બેસો અને ભાગવા માંડો છો અને કોઈ પથ્થર સાથે અફળાવ છો તો તમારા હાડકા ભાંગી જાય છે. સવારે તમને ખબર પડે છે કે તે કેવળ એક દોરડું હતું. ગેરસમજણ એ સમજણ જેવી જ વાસ્તવિક છે. તે સાચી નથી. પરંતુ વાસ્તવિક છે. વાસ્તવિકતા અને સત્ય વચ્ચેનો આ ફરક છે. માટે જ બુદ્ધ કહે છે કે કેવળ દીવો થઈને તમારી અંદર ઉતરો અને બરાબર નિહાળો કે સાપનું અસ્તિત્વ છે કે નહીં. વિચારો એ વિકૃતિકરણનું માધ્યમ છે. માટે જ બુદ્ધે શુન્યતા ઉપર, નિર્બુદ્ધી, નિર્વિકલ્પ અવસ્થા પર એટલો બધો ભાર મૂક્યો છે. જ્યારે તમે બિલકુલ ખાલી છો, ત્યારે આઈનો જ પ્રતિબિંબ પાડે છે. પરંતુ જો તમે કોઈ વિચાર ધરાવો છો તો તમે તેને વિકૃત કરશો.
ઓશો કહે છે કે આપણે વિશાળ સમુદ્રના બહુ નાના અંશો છીએ, ટીપાંઓ છીએ. અહીં સંદેશ છે- પ્રેમ, શરણાગતિ અને સ્વીકૃતિનો. અંશ પૂર્ણ સાથે ભળીને જ સમર્થ બની શકે. તમારું સામર્થ્ય સત્ય સાથે રહેવામાં રહેલું છે. નદીમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ કરો તો તમે કમજોર સિદ્ધ થશો. પણ નદીના પ્રવાહમાં વહો, તો નદી તમને તે જ્યાં જતી હશે ત્યાં લઈ જશે.
ભવિષ્ય વિષમય છે. તમે જેટલું વધુ સંચય કરશો, તેટલી આંતરિક દરિદ્રતાનો અનુભવ કરશો. વર્તમાન ક્ષણ સુંદર અને મનોહર છે. જ્યારે તમે આ ક્ષણના શિખર પર સ્વાભાવિક, સ્વયંસ્ફૂર્ત, સરળ અને સામાન્ય જીવન જીવો છો, તે એક મહાન આશીર્વાદ છે. ઓશો સમજાવે છે કે જ્ઞાન અને અજ્ઞાન બંનેનો અભાવ ડહાપણ છે. જેને બુદ્ધ પ્રજ્ઞા પારમિતા કહે છે- પરમોત્કૃષ્ટ પ્રજ્ઞા પારલૌકિક પ્રજ્ઞા. એક વાર આ સત્ય તમારા અસ્તિત્વમાં પ્રવેશે છે, પછી મહાન પરિવર્તન આવશે. માટે સામર્થ્યની ઈચ્છાનો ત્યાગ કરી અવલોકન કરો.
ઓશો કહે છે કે જો તમે સફેદ દિવાલ પર સફેદ ચોકથી લખો તો વાંચી શકાશે નહીં. પણ જો બ્લેકબોર્ડ પર લખો તો સ્પષ્ટ દેખાઈ આવશે, માટે વિરોધાભાસ જરૂરી છે. દિવસ દરમિયાન પણ આકાશમાં તારાઓ હોય છે. પરંતુ રાત્રિના અંધકારમાં તેમને જોઈ શકાય છે. એ જ રીતે એક બાળક નિર્દોષતા ધરાવે છે, પરંતુ પાછળ કોઈ પાર્શ્વ ભૂમિકા નથી. એથી વિપરિત એક બુદ્ધ પોતાનું જીવન જીવી ચૂક્યા છે, સારું અને ખરાબ બંને ધ્રુવીયતાને સ્પર્શી ચૂક્યા છે. માટે જ બુદ્ધ કહે છે કે “મેં કશું પ્રાપ્ત કર્યું નથી. મેં કેવળ એ શોધી કાઢ્યું છે, જે હંમેશા હોય છે. ખરેખર કોઈ પ્રાપ્તિ નથી, મેં કેવળ તેને ઓળખી છે. તે શોધ નથી, પુનર્શોધ શોધ છે. જ્યારે તમે બુદ્ધ બનો છો ત્યારે તમે તમારો સ્વભાવ જુઓ છો. એ માટે તમારે પથભ્રષ્ટ થવું પડે છે, કાદવવાળી જગ્યાઓમાં પ્રવેશવું પડે છે. ત્યારે જ તમારી અણિશુદ્ધ, નિર્મળતા અને શુદ્ધતા જોઈ શકાશે.”
અહમ્ ના સાત દ્વાર છે જે બહુ સ્પષ્ટ અને એકબીજાથી જુદા નથી. જો વ્યક્તિ સાતે દ્વારમાંથી અહમ્ પ્રાપ્ત કરે છે, તો તે સંપૂર્ણ અહમ્ બને છે. જે રીતે ફળ કાચું હોય ત્યારે લટકતું રહે છે પણ જ્યારે પક્વ બને ત્યારે ખરી પડે છે, એવું જ અહમ્ નું પણ છે. વક્રતા એ છે કે ખરેખર વિકાસ પામેલો અહમ્ જ શરણે થઈ શકે છે, પૂર્ણ અભિમાની જ શરણાગતિ સ્વીકારી શકે છે કારણ કે એ અહમ્ નું દુઃખ જાણે છે. માટે બુદ્ધ બનતા પહેલા તમારે આ સાત દ્વારનો ઉપયોગ કરવો જ જોઈએ. અહમ્ નું પ્રથમ દ્વાર દેહમય જાત, દ્વિતીય આત્મઓળખ, ત્રીજું આત્મસન્માન, ચોથું આત્મવિસ્તરણ, પાંચમું આત્મ છબી, છઠ્ઠું સ્વ-નિજત્વ અને સાતમું દ્વાર યોગ્યતાની પ્રાપ્તિ છે. વ્યક્તિ અહમ્ ના સાત દ્વાર શરૂ થતા પહેલા બાળક છે અને અહમના સાત દ્વાર પૂર્ણ થયા બાદ બુદ્ધ છે. આ પૂર્ણ ચક્ર છે.
ઓશો કઝાન્સાકીના પુસ્તક ‘ઝોર્બા ધ ગ્રીક’ ને ટાંકીને કહે છે કે પુસ્તકને પ્રેમ કરવાથી કોઈ ફાયદો થશે નહીં, ક્યારેય કોઈનું અનુકરણ કરવાની કોશિશ ન કરો. ઝોર્બા પાસેથી રહસ્ય શીખો, સહભાગી બનો, પછી તમારી રીતે આગળ વધી અને ‘તમે બનો’. જીવનને આનંદપૂર્વક સ્વીકારો, સહજતા અને સ્વસ્થતાથી જીવો. બહુ ગંભીર બનવાની જરૂર નથી, રમતિયાળ બનો. દરેક પળને તીવ્રતાથી જીવો. તીવ્ર પૂર્ણતાની એક ક્ષણ તમને ઈશ્વરનો સ્વાદ ચખાડવા પૂરતી છે. એ ક્ષણ તમને શાશ્વત બનાવી દેશે.
બુદ્ધનો સંદેશ છે કે ‘તમે તારણ પામેલા જ છો. તારણહાર આવવાની જરૂર નથી. તમે ગુનેગાર નથી. કોઈ દુઃખ નથી. સારિપુત્ર! દુઃખનું કારણ કે ઉદ્ભવ નથી. તેનો કોઈ નિરોધ નથી અને તેનો કોઈ માર્ગ નથી. તે કોઈ પ્રાપ્તિ નથી કે તે કોઈ અપ્રાપ્તિ નથી, તે છે જ. તે તમારો ખુદનો સ્વભાવ છે.’
બુદ્ધ સારિપુત્રને કહે છે કે “પ્રજ્ઞા પારમિતા” એટલે “ધ્યાન, પરમોત્કૃષ્ટની પ્રજ્ઞા”. તમે તેને ખોલી શકો. તમે તેને લાવી શકો નહીં. ધ્યાન બનવા માટે ચિત્ત અને મગજ શાંત થવું જોઈએ. એકાગ્રતા એ મગજનો પ્રયાસ છે, ધ્યાન એ ચિત્તરહિતાની અવસ્થા છે, શુદ્ધ જાગૃતિ છે. ધ્યાનમાં કોઈ ઉદ્દેશ નથી. ધ્યાન એક વૃક્ષ છે, જે બીજ વિના ઉગે છે. ધ્યાન એ સમજદારી છે કે ઈચ્છાઓ ક્યાંય દોરી જતી નથી. ધ્યાનમાં કોઈ કેન્દ્ર નથી, તમે શૂન્યતાના આધારે કામ કરો છો. શૂન્યતાને આધારે ઉદ્દભવતો પ્રતિભાવ એ જ તો ધ્યાન છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા – કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સમયની જરૂર પડે, પરિશ્રમની જરૂર પડે, તેને તત્કાલ મેળવી શકાય નહીં. પરંતુ કેવળ ધ્યાન હમણાં પ્રાપ્ત કરી શકાય છે, આ જ ક્ષણે, તત્કાલ. કારણ કે એ તમારો સ્વભાવ છે. એ માટે એક ક્ષણ પણ ગુમાવવાની જરૂર નથી. નિર્વાણ બીજું કશું નથી, પરંતુ પૂર્ણ ચક્ર કરેલી ધ્યાનાવસ્થા છે. ઈશ્વર બીજું કશું નથી, પરંતુ ધ્યાનની કુંપળનું ફૂલ બનવું છે. આ પ્રાપ્તિઓ નથી, આ તમારી જ વાસ્તવિકતાઓ છે, તે તમારી અંદર જ બિરાજમાન છે. ધ્યાન અર્થાત તેમાં હોવું, ધ્યાનસ્થ હોવું. એનો અર્થ કોઈના ઉપર ધ્યાન કરવું એવું થતો નથી. તે એક અવસ્થા છે, પ્રવૃત્તિ નથી. બુદ્ધ કહે છે કે તમે શૂન્યતાની આ અવસ્થામાં જાવ. પછી નિર્વાણ સ્વાભાવિક પરિણામ છે. તે આપમેળે આવે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે આ શૂન્યતામાં કેવળ પ્રવેશો અને પછી શૂન્યતા વિશાળ અને વિશાળ થતી જશે. એક દિવસ તે તમારું સમગ્ર અસ્તિત્વ બની જશે. તેમનું એક માત્ર આશ્રયસ્થાન પ્રજ્ઞાની પરિપૂર્ણતા, ધ્યાનની પરિપૂર્ણતા છે. બુદ્ધ મહાગુરુ છે. એવા ગુરુ, જે તમને મુક્ત કરે છે, તમારા અંધકારનો નાશ કરે છે. તેમનો સંદેશ મનુષ્યને આપવામાં આવેલા સંદેશાઓમાંનો મહાનતમ સંદેશ છે.
રીટા જાની
25/11/2022