
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-44 ‘હાથની રેખાઓ’ એની 43મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ :
આમ તું નજદીક છે લેકિન ખરેખર દૂર છે,
હું સદંતર તારી પાસે તું સદંતર દૂર છે!
ભાગ્યરેખા ખુદ હથેળીમાં સલામત ક્યાં રહી,
હાથમાં છાલાં પડ્યાં છે ને મુકદર દૂર છે!
અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી,
એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે!
ફોડવા માથું કે માથું ટેકવામાં વાર શી?
મારા માથાથી વળી ક્યાં કોઈ પથ્થર દૂર છે!
હળવે હળવે સાચવીને ચાલજે નૂતન વરસ!
પંથ લાંબો છે, વિકટ છે ને ડિસેમ્બર દૂર છે!
એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે,
બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે!
એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ,
એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે.
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ –
આ વિશાળ ગગનના કેન્વાસને ભૂરા રંગે રંગીને એમાં ચંદ્ર, સૂરજ, તારા કોણે ટાંક્યાં હશે? આ વિચાર જો તમને આવી જાય તો પછી નાસ્તિક રહેવાનો ચાંસ જ ન મળે. આ બધું કરનાર તો ભગવાન જ હોય ને! તેના સિવાય બીજા કોઈનું આવું ગજું ક્યાંથી હોય? આવી કેટલીયે બાબતો આપણને ભગવાનનાં સાંનિધ્યમાં લઈ જાય છે. આપણને લાગે કે, તે અહીં જ છે, બિલકુલ આપણી પાસે. પરંતુ ક્યારેય, ક્યાંય દેખાય નહીં ત્યારે થાય, તું કેટલો દુર છે ભગવાન! ભલે એ દુર હોય કે, પાસે પણ છે જરૂર તે વાતની ખાતરી કરાવતું આ ગીત ભૂલાય તેવું નથી.
સ્કંધ વિના આખું આકાશ અટકાવ્યું,
મહીં ચંદ્ર સૂરજ તારાનું તોરણ લટકાવ્યું.
આવું આપણું આકાશ શું ધરતીથી દુર છે કે, પાસે? હા, આ ગીતમાં પણ કવિ એ જ પૂછે છે. કે,
‘ધરતી સે આકાશ હૈ કિતને દુર?’
આપણે પૃથ્વી પરથી ઊપર નજર કરીને, આકાશ તરફ જોઈએ તો અધધધ અંતર લાગે. પણ દુર છેક ક્ષિતિજમાં નજર કરીએ તો ધરતી-આકાશનું મિલન થતું હોય તેવો અણસાર આવી જાય. હા, જેઓ અંધશ્રદ્ધાળુ હોય તેઓ તો ઈશ્વરમાં માનવાને બદલે, તાવિજ, જાદુમંતર, વગેરે નુસખા અજમાવીને જીવતા હોય છે અને હાથની રેખાઓ બદલવા માંગતા હોય છે. જો હાથની રેખાઓ જ ભાવિનું લખાણ હોય તો છાલાં પડવાથી તે રેખાઓ નષ્ટ થશે? જેઓને અંધશ્રદ્ધા ન હોય તેઓ તો તેનાથી દુર જ રહે છે.
અંધશ્રદ્ધા પાસે મારા ઘરનું સરનામું નથી,
એટલે તાવીજ પલીતા જાદૂમંતર દૂર છે!
પોતાના નસીબને બદલવા માટે કોઈ ગમે તેટલા પ્રયત્નો કરે. ભાગ્યે જ તેમાં કોઈ ફેર પડે છે. માથામાં પથ્થર વાગવાનું લખાયું હોય, તો તે વાગશે જ. કોઈ કબુતરની પાછળ શિકારી બાજ પક્ષી પડી જાય તો પછી, કબુતર તેનાથી બચવા ગમે તેવા સલામત સ્થળે સંતાવા જાય તોય બચશે નહીં. એ બાજ તો કબુતરની બિલકુલ પાછળ જ હોવાનું જરાય દુર નહીં. ખલીલ સાહેબ તો જાન્યુઆરીમાં શરૂ થતાં નવા વર્ષને પણ કહી દે છે કે, ડિસેમ્બર દુર છે!
એ ભલે ને તોપનાં મોઢામાં જઈ બેસી રહે,
બાજ પક્ષીની નજરથી ક્યાં કબૂતર દૂર છે!
દરેકને પોતાનું એક સ્વપ્ન હોય છે. તેને સાકાર કરવા બનતું બધું કરવાનું કોઈ ચૂકતું નથી. પણ આ ક્યાં ફળ હતું કે, હાથથી તરત તોડી લેવાય? મહામુલું એ સપનું, આજ પુરું થશે, કાલ પુરું થશે એવી આશાને સહારે દિવસો વિતતા જાય. છતાં સપનું પુરૂં ન થાય પણ આશા તો અમર છે. કોઈ ધનવાન બનવાનું સપનું જોશે, કોઈ સંતાનપ્રાપ્તિનું સપનુ, તો કોઈ કુંવારા ભાઈ, પોતાના લગ્ન અંગે સપનું સજાવે પણ જ્યાં સુધી, તે પુરું ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે અને સપનું જોતાં રહેવું પડે.
એ ખલીલ ઊભા હો વરમાળા લઈને રૂબરૂ,
એ રૂપાળું દ્રશ્ય એ રંગીન અવસર દૂર છે.
ટુંકમાં જોઈએ તો ધિરજ રાખવાની ખાસ જરૂર હોય છે. આપણી ઉતાવળે બધું બને તે શક્ય નથી. આંબો રોપ્યા પછી કેરી આવતાં વર્ષો લાગે. અને કેરી આવ્યા પછી પાકતાં પણ સમય લાગે. ખરુંને મિત્રો? સહજપણે આ વાત કહી જતી આ ગઝલ આપ સૌને ગમી હશે બીજી આવી જ મઝાની ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર
રશ્મિ જાગીરદાર