
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-43 ‘આંખો હજી ઝમે છે’ એની 42મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
હું સાંજને શું ચાહું, અજવાળાં આથમે છે,
સૂરજને મરતો જોવો શાથી તને ગમે છે!
ક્યાંથી રુદનનું મોઢું સંતાડું સ્મિત પાછળ,
ડૂસકાં શમી ગયાં છે, આંખો હજી ઝમે છે!
વાગી’તી માસ્તરની સોટી તારા કહ્યાથી,
ભૂલ્યો નથી હજી પણ આ પીઠ ચમચમે છે!
ખાટીમીઠી આમલીના ઘેઘૂર ઝાડ નીચે,
આજેય ગિલ્લીદંડા એક છોકરો રમે છે!
ક્યાં એકલો પ્રિયતમા પાસે નમી પડું છું,
ધરતીને ચૂમી લેવા આકાશ પણ નમે છે!
જો ને નવોદિતોના ઉત્સાહી ઉમળકાથી,
શું કાફિયા ચગે છે, શું ગઝલો ધમધમે છે!
ટેવાઈ ગઈ છે આંખો સૌંદર્ય જોઈ જોઈ,
એથી તારા ચહેરાના આ તેજને ખમે છે!
મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે,
જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ –
દિવસ આખો, સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. ઘણીવાર તો આખો દિવસ એટલી ઝડપથી પતી જાય છે કે, સવારની સાંજ ક્યારે પડે તેની ખબર નથી પડતી. આ સમયે આપણે થાકેલા હોઈએ છીએ, એનો કંટાળો આવતો હોય છે અને એમાં દિવસ પુરો થવા આવ્યો હોય, સૂરજ આથમવાને આરે હોય. આવી આ સાંજ ગમગીની લઈને આવે છે. સૂરજને ડૂબતો જોવો, અજવાળાંને આથમતાં જોવાં અને અંધકારના ઘેરામાં આવવું કોને ગમે? આવા સમયે કોઈ સામે મળે તો પણ સ્મિત લાવી શકાતું નથી. આમ પણ જ્યારે રડવું આવતું હોય, ત્યારે તે છુપાવવાના આશયથી હસવા જઈએ તો તે હાસ્ય તો રુદનથી પણ વધુ કરુણ બની રહે! મન ગમગીન હોય, અંતર રડી રહ્યું હોય અને ખરેખર એકદમ ડૂસકાં આવી જાય, તેવી સ્થિતિ હોય ત્યારે આંખમાંથી રેલાતા આંસુઓ રોકવા શક્ય નથી હોતાં.
બાળપણની યાદો ખાટીમીઠી હોય છે. સાથે ભણતા મિત્રો સાથે કેટકેટલી મઝા માણી હોય છે. જે જિંદગીભર ન ભુલાય તેવી હોય છે. કોઈવાર તો એવું પણ બન્યું હોય છે કે, આપણા મિત્રનો દોષ આપણે ઓઢી લીધો હોય અથવા મિત્રે દોષનો ટોપલો આપણે માથે ઢોળ્યો હોય અને તે ન કરેલા ગુનાની સજા પણ આપણે ભોગવી હોય! અને એનો ચરચરાટ હજુ આજે પણ અનુભવી શકાય તેટલો તાજો હોય! આવી બધી યાદો જ્યારે મનમાં ઉભરાય ત્યારે એની અસરથી બાળપણમાં રમ્યા હોઈએ તે દ્રશ્યો આપણને સપનામાં દેખાય છે. જેમ કે, એ જ ઘેઘૂર આમલી અને એની નિચે ગિલ્લીદંડા રમતો છોકરો, એટલે ખૂદ આપણે!
ઘરતી અને આકાશ એ બેની વચ્ચેનો સ્નેહ સંબંધ પણ અલૌકિક છે. બંને વચ્ચે જોજનોનું અંતર અને છતાં આપણી નજરો ના પહોંચે ત્યાં, દૂર દૂર ક્ષિતિજમાં તેમનું મિલન સર્જાય છે, તેનો અહેસાસ પણ થાય છે. કોઈ પ્રેમી પણ, પોતાની પ્રેમિકા સંગે આવા મિલનની કલ્પના કરીને હરખાયા કરે તો ખોટું શું? આપણે અચાનક ઘરની બહાર નીકળીએ તો ધોમ ધખતા તડકાથી આપણી આંખ અંજાઈ જાય છે. પણ પછી બહાર જ રહેવાનું થાય તો આંખો ટેવાઈ જાય છે. જાજરમાન સુંદરતા નિરખતાં નિરખતાં પણ આંખો જાણે ટેવાઈ જાય છે. સુંદરતા ખુદ, આંખમાં સમાઈ ગઈ હોય ત્યાર પછી કોઈના ચહેરાની ચમકથી આંખ અંજાઈ જશે તેવો ભય ક્યાંથી રહે?
હાલમાં ગઝલ લખનાર ઘણા મિત્રો, ખૂબ ઉત્સાહિત હોય છે. તેમની ગઝલમાં સરસ કાફિયા લીધા હોય છે, જે અર્થ સભર પણ હોય અને રચનાને સુંદરતા બક્ષતા હોય છે. એટલે તેમની ગઝલો પણ મહેફિલો ગજવતી હોય છે. એમાંનાં ઘણા મિત્રો તો તકલીફોથી ઘેરાયેલા હોય તેવું પણ હોય છે. કોઈ ખાસ સગવડ વગર, પુરતાં સાધનોના અભાવ સાથે પણ, માત્ર અને માત્ર ગઝલની ઉત્તમ રચના અને પ્રસ્તુતિને કારણે ઠેર ઠેર તેઓનું નામ ગાજતું થઈ જાય છે.
મેં તો ખલીલ કાયમ અંધારાં ઉલેચ્યાં છે,
જ્યાં ત્યાં મારી ગઝલના દીવાઓ ટમટમે છે!
ધરતી અને આકાશના સુભગ મિલનની યાદ સાથે દીવાની જેમ ટમટમતી, આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. આવી જ મઝાની બીજી એક ગઝલ સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.
નમસ્કાર
રશ્મિ જાગીરદાર
સરસ આલેખન 👌
LikeLike