jigisha -સંસ્પર્શ -youtubeસ્પર્શ -૩૯

સંસ્પર્શ -૩૯

મિત્રો,

આજે વાત કરવી છે એવી કે જે તમારા,મારા, દરેક કવિ,લેખક કે સામાન્ય માણસનાં માનસપટ પર પણ અનેક વાર આવી ગઈ હોય,તેવાં જ વિચારને રજૂ કરતાં ધ્રુવગીત ની. પહેલી બે પંક્તિમાં જ કવિ ધ્રુવ ભટ્ટ કહે છે,

 શું   હશે   પૂર્વમાં  ઊગતું  ને  પછી  પશ્ચિમે   આથમે   રોજ તે  શું  હશે

આ લીલા ચહુદિશે પાંગરી છે ઝીલી ગહન આકાશનો બોજ તે શું હશે

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી પાંગરી રહેલી કુદરતને જોઈને સૌની જેમ ,કવિને પણ વિચાર આવે છે કે આ રોજ તેના નિત્યક્રમ મુજબ પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતા રવિનું રહસ્ય શું હશે? આ લીલીછમ ઓઢણી ઓઢીને બેઠેલ ધરા અને આ અસીમ આકાશનો ગુંબજ – આ અજાયબીઓ શું હશે?કુદરતની બધી કરામતો,અનોખી અજાયબીઓ એ શું હશે? આ વિચાર દરેક માનવને આવે છે. 

બીજી પંક્તિમાં ,કવિ સર્વત્ર પથરાએલ કુદરતી મહેરની ,અજાયબીની વાત કરી ,પોતાની અંદર ઊઠતી મોજની બીજી અજાયબીની વાત કરે છે,

ક્યાંક બારી અચાનક ખૂલી જાય ને સહજમાં લહેરખી જેમ આવી ચડી

ઊછળતા ઉદધિ સમ ઊઠતી છલકતી રણકતી મન મહીં મોજ તે શું હશે

ધ્રુવદાદા આ બે પંક્તિમાં તેમને પોતાને થયેલા સ્વાનુભવની વાત કરે છે.મનની અનોખી મોજ માણનાર કવિ કોઈક અદ્ભૂત ક્ષણોમાં તેમણે અનુભવેલ પરમાનંદની વાત કરી રહ્યાં છે, તે અનુભવને વર્ણવતા દરિયાનાં મોજાની જેમ તેમની ભીતર ઊઠેલ છલકતી,રણકતી મોજની વાત કરે છે અને પંક્તિમાં વર્ણવે છે કે એ અનાહતનો નાદની ઊછળતી છોળો શું હશે?પરમ ચૈતન્યનો એ આભાસ શું હશે? તેમ કવિ આશ્ચર્ય સાથેનાં આનંદને પ્રશ્નાર્થે રજૂ કરી રહ્યાં છે.આગળની પંક્તિમાં કવિ કહે છે,

કોઈ સંદર્ભ ક્યાં હોય છે ને છતાં અકળ દોરે રહી ગૂંથતું સર્વે

એકએકે કહી જાય છે કે તમે આ રહ્યા છો અને છો જ તે શું હશે 

ગંધ   પૃથ્વી   કને  રૂપ  હુતાશને  રસ  જળે   સંચરે  સ્પર્શ  મારુતને 

નાદ આકાશને જઈ મળે છે છતાં ક્યાંક રહી જાય છે કો’ક તે શું હશે

આપણને એ અણજાણ સર્જનહારનો કોઈ સંદર્ભ મળતો નથી. કોઈ અકળ અલૌકિક શક્તિ આપણને સૌને દોરી રહી છે. તે આપણને એકબીજા સાથે અનોખા બંધનમાં બાંધી રાખે છે , આપણને આપણી હસ્તીનું, અસ્તિત્વનું જ્ઞાન અને ભાન કરાવે છે ,પરતું એ અજ્ઞાતશક્તિને આપણે કોઈ જોઈ શકતા નથી. હા, પૃથ્વી ગંધને,રૂપ અગ્નિને,રસ જળને, સ્પર્શ પવનને અને નાદ આકાશને મળે છે અને આપણે પૃથ્વી ,અગ્નિ,જળ,આકાશ, વાયુ -આ પંચ તત્વોને જોઈ શકીએ છીએ પરતું આ સૌનો સર્જનહાર ક્યાં છે? અને કેવો હશે તેની વાત કવિ કરે છે. 

દર્શનોમાં ઘણું સંભવે પણ પછી આ નથી આ નથી ના નહીં એમ વદતા રહી 

હર દરશ પર દરશ સામટાં તે જૂએ ને કરે સામટું ફોક તે શું હશે

પળ વિશે નજરથી આ સરી જાય છે એક પળ દ્રષ્ટિમાં ભાસતું જે હતું 

સતત આ કોણનો પ્રશ્ન તે શું હશે આ સતત શું તણી ખોજ તે શું હશે

દર્શન કરતાં ઘણી સંભાવનાઓ લાગે ,પણ વેદાંત ‘ નેતિ નેતિ ‘ કરી પોકારે કે હું આ પણ નહીં, હું આ પણ નહીં કહે,તો એ સર્વત્ર છવાએલો છે પરતું દેખાતો નથી. અને આ સૃષ્ટિનો રચનાર અને સંહારક કયાં હશે? અને કેવો દેખાતો હશે? એમ કવિને વિચાર આવે છે.

છેલ્લે કવિ ખૂબ સરસ વાત કરે છે કે તેઓ પોતાની ભીતર તેને શોધવા પ્રયત્ન કરે છે ત્યારે એક પળ માટે ક્ષણિક સુખ આપીને જે દ્રષ્ટિમાંથી સરી ગયું તે શું હતું? તેમનું મન સતત આ કોણ તણી ખોજ કરી રહ્યું છે ?આમ પરમના એકએક સર્જનથી અભિભૂત થયેલ કવિ એ કોણ હશે? અને ક્યાં સંતાયો છે એ? તે આશ્ચર્ય ને આ કવિતામાં સહજતાથી રજૂ કરે છે.જે આપણને નરસિંહનાં ભજન –

“જાગીને જોઉં તો જગત દિસે નહીં ,ઊંઘમાં અટપટા ભોગ ભાસે;”

“જીવ ને શિવ તે આપ -ઈચ્છાએ થયો,ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;”

ની યાદ અચૂક અપાવે છે.

આજે દેવદિવાળી એટલે ગુરુ નાનકની જન્મજયંતિ છે ત્યારે નાનક સાહેબે રચેલ શીખ ધર્મની મહાઆરતીની યાદ અપાવે છે.જે પરમની અનોખી રચનાની તેમાં વાત કરી છે.કુદરતી તત્વો દ્વારા કરાએલી નાનકસાહેબની શીખ સંપ્રદાયમાં ગવાતી મહાઆરતી ધ્રુવદાદાની આ કવિતા વાંચતાં જ યાદ આવે છે. 

આપણી ફિલ્મોનાં જાણીતાં અભિનેતા સ્વર્ગીય બલરાજ સહાની ૧૯૩૦ના દસકામાં શાંતિનિકેતનમાં ભણાવતાં હતા. એક દિવસ એમણે કવિવર રવિન્દ્રનાથ ટાગોરનેકહ્યું,” ગુરુદેવ આપે ભારતનું રાષ્ટ્રગીત તો લખ્યું ,તો આપ આંતરરાષ્ટ્રીય ગીત કેમ નથી લખતાં ? ત્યારે ટાગોરે હસીને કહ્યું,” આંતરરાષ્ટ્રીય ગીત તો ૧૬મી શતાબ્દીમાં શ્રી ગુરુ નાનકે લખી નાંખ્યું છે. ગુરુદેવનો સંકેત શીખ આરતી પર હતો ,જેનો બીજો અર્થ ‘પ્રકાશ પર્વ ‘પણ થાય છે. ગુરુદેવ આ આરતીથી એટલા પ્રભાવિત હતા કે તેમણે તેનો બંગાળીમાં અનુવાદ પણ કર્યો છે.

આજે પણ રહરાસ સાહિબનાં પાઠ પછી બધાં ગુરુદ્વારાઓમાં ગુરુદ્વારાનો રાગી રાગ ધનશ્રીમાં તેમના મધુર અવાજમાં આ આરતી ગાય છે. આ આરતી એવી અદ્ભૂત છે કે તે સંગીતનાં માધ્યમથી સીધા આપણને નિરાકાર સાથે જોડી દે છે. ગુરુનાનક કહે છે જો ભગવાન સર્વ શક્તિમાન છે અને સર્વવ્યાપ્ત છે ,તો હું થોડાક દીવાઓ અને થોડીક ધૂપસળીઓ જલાવીને એમની આરતી કેવીરીતે કરી શકું? અને આ મહાઆરતીનું સર્જન થયું. ગુરુનાનકની આરતીનો ભાવાર્થ આ પ્રમાણે છે,”આખું આકાશ એક મહાથાળ છે.સૂર્ય અને ચંદ્ર દીવા છે.તારા અને સૌરમંડલનાં ગ્રહો હીરામોતી છે.પૌરાણિક મેરુ પર્વત તેના ચંદનવૃક્ષ સાથેની ધૂપસળી છે.ચારે તરફ વહેતી ચંદનથી સુગંધીત હવા ભગવાનનો પંખો છે.નાનક સાહેબ આગળ ગાય છે,હે જીવોનાં જન્મ મરણ અને નાશ કરવાવાળા ,કુદરત કેવી સુંદર રીતે તારી આરતી ઉતારી રહી છે! બધાં જીવોમાં ચાલી રહેલી જીવન તરંગો જાણે તારા આરતી સમયે ઢોલ નગારાં વગાડી રહ્યાં છે. પ્રભુ ,આપ જ ભયનાશક છો.આપના પવિત્ર નામની અવ્યક્ત ધ્વનિ ચારેબાજુ હંમેશા ગુંજતી રહે છે. બધાં જીવોમાં વ્યાપક હોવાને કારણે તારી હજારો આંખો છે, પણ નિરાકાર હોવાને કારણે ,હે પરમ ,તારી કોઈ આંખ નથી. તારા હજારો ચહેરા છે પણ તારો કોઈ ચહેરો નથી.તારા હજારો સુંદર પગ છે પણ નિરાકાર હોવાને લીધે તારો એક પણ પગ નથી. તારા હજારો નાક છે પણ તું નાક વગરનો જ છું. તારા આવા ચમત્કારે મને હેરાન કરી નાંખ્યો છે! બધાં જીવોમાં એક જ એ પરમાત્માની જ્યોતિ પ્રગટી રહી છે. એ જ્યોતિનાં પ્રકાશથી જ બધાં જીવોમાં પ્રકાશ (સૂઝબૂઝ) છે.જે જીવ પ્રભુની રજામાં રહે છે એ પ્રભુની આરતી જ કરી રહ્યો છે.સદ્ગુરૂની કૃપાથી જ પરમજ્યોતિ ભીતરમાં પ્રગટ થઈ શકે છે.અને દરેકની અંદર પ્રગટેલી જ્યોતિ ભાવથી પરમની આરતી ઉતારે છે.

પંજાબી ભાષામાં આ આરતી,આવી રીતે ગુરુનાનકે ગાઈ છે.

ગગનમેં થાલ,રવિ ચંદ દિપક બને,તારકા મંડલ જનક મોતી।

ધૂપુ મલ આનલેા,પવણ ચવરો કરેં,સગલ વનરાઈ ફૂલન્ત જ્યોતિ,

કૈસી આરતી હોઈ ,ભવ ખંડના તેરી આરતી ॥

અનહત સબદ બાજંત ભેરી,સહસ તવ નૈન નન નૈન હહિ તોહિ

કઉ સહસ મૂરતિ નના એક તોહી। સહસ પદ બિમલ નન એક પદ ગંધ

બિનુ સહસ તવ ગંધ ઈવ ચલત મોહી॥સબ મહિ જોતિ જોતિ હૈ સોઈ।

તિસ દૈ ચાનણિ ,સભ મહિ ચાનણુ હોઈ॥ગુરુ સાખી જોતિ પરગટ હોઈ॥

જો તિસુ ભાવૈ સુ આરતી હોઈ॥

જિગીષા દિલીપ 

૮મી નવેમ્બર ૨૦૨૨

1 thought on “

  1. જેમણે આકાર કે નિરાકારથી પર છે એવા પરમ ચૈતન્યને સમજ્યું છે એવા
    ગુરુ નાનક, નરસિંહ મહેતા, કવિવર રવીન્દ્રનાથ ટાગોર કે કવિ શ્રી ધ્રુવ ભટ્ટની વાતોનો સાર કે ઊંડાણને સમજવાનો પ્રયાસ કરીએ તો એક સત્ય સમજાય છે કે કદાચ શબ્દ સૌના અલગ છે પણ સૂર તો એક જ છે.
    ચાર અલગ સમયના અતિ સન્માનીય મહાનુભવોની વાતના સૂરને સાંકળતું સુંદર સંકલન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.