વિસ્તૃત… ૩૭-જયશ્રી પટેલ


98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679    શ્રી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહામાંથી અને અનુવાદક શ્રી હસમુખ દવે દ્વારા મળેલ સર્વ માહિતી સંક્ષેપમાં આપ સમક્ષ રજુ કરતા આનંદ અનુભવું છું.
 
          શરદચંદ્ર બહુમુખી પ્રતિભા ધરાવતા હતા ,તેવી જ રીતે ગુરુવર્ય રવીન્દ્રનાથ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વનાં માલિક હતા. સંગીત ચિત્રકલા તેવી જ રીતે શરદને પણ વર્યા હતા. હા ,એટલું જરૂર કે ચિત્રકલાની સાધના ઘણાં વર્ષો કરી ,ચિત્રો પણ બનાવ્યાં પરંતુ તે ઉચ્ચ શરદસાહિત્ય જ અર્પી ગયાં. 
 
         રંગૂનનાં ઘરમાં આગ લાગતા ઘણાં ચિત્રો નષ્ટ થઈ ગયા હતાં. ત્યાં તેમણે હૃદય રોગના લક્ષણો પણ અનુભવ્યા હતા. ફરી તેઓ સાહિત્ય તરફ જરૂર વળ્યાં. આ દરમિયાન જ એક એવી ઘટના બની કે તેઓને સાહિત્ય ક્ષેત્રે મહત્વનું સ્થાન મળ્યું. 
 
       રંગૂન જતાં પહેલાંનું સાહિત્ય તેમણે ઘણું ખરું મિત્રોને હસ્તક કરી દીધું હતું . તેઓની એક લાંબીટૂંકી વાર્તા ‘બડીદીદી’ મિત્ર સુરેન્દ્રનાથ પાસે હતી . તે છપાવવાની ના પાડી હતી અને છપાવી હોય તો પ્રવાસીમાં જ છપાવે એ તાકીદ પણ કરી હતી. 
 
       સુરેન્દ્રનાથની સાહિત્ય સંચાર સભામાં શ્રી રામાનંદ ચટ્ટોપાધ્યાય સભ્ય બન્યા હતાં. તેઓ પ્રવાસીના સંપાદક હતા તેઓએ ‘બડીદીદી’ની વાર્તા સાંભળી તો તે પ્રવાસીમાં છાપવા લઈ ગયા. તે જ અરસામાં શ્રીમતી સરલાદેવી ચૌધરાની ‘ભારતી’ નામનું સામાયિક પ્રકાશિત કરતા.  મિત્રો અહીં જુઓ સ્ત્રી સંપાદિકા આજથી સો સવાસો વર્ષ પહેલાં હતી. તેઓ તો લાહોર આવનજાવન કરતાં તેથી તેમનું પ્રકાશન અનિયમિતકાલીન હતું . તેમને સંપાદકની જરૂર પડી અને સંજોગો વર્ષાત સૌરીન્દ્ર મોહન મુખોપાધ્યાયની ત્યાં જ વરણી થઈ .શરદના તેઓ ખાસ મિત્ર હતા .બડીદીદીની એક નકલ તેમની પાસે હતી. તેમણે તે કૃતિ સરલા દેવીને વાંચવા આપી તે એટલા બધા પ્રભાવિત થયાં કે તેમણે ભારતીમાં છાપવાનો હુકમ કર્યો. શરૂઆતમાં લેખકનું નામ ન છાપતા એમ પણ કહ્યું કે લોકો ભૂલી જશે કે આપણું છાપુ અનિયમિત છે લોકો રાહ જોતા થશે ને ગુરુવર્ય રવીન્દ્રનાથની જ કૃતિ છે એમ કહેશે . સૌરીન્દ્રમોહને શરદની અનુમતિ મંગાવવી જોઈએ એમ સમજાવ્યું .તો તેમણે કહ્યું કે પત્ર લખી મંગાવો ,પણ શરદનું ક્યાં ઠેકાણું હતું ? તે તો વૈરાગી એને ક્યાં પૂછવું ? સૌરીન્દ્રમોહને મંજૂરી વગર છાપવાની જવાબદારી લીધી . સરલાદેવી પણ માનતા હતાં કે આવા પ્રભાવશાળી લેખક આમ સાવ પ્રચ્છન્ન ન જ રહેવા જોઈએ ! ત્રણ અઠવાડિયામાં ત્રણ ભાગમાં આ વાર્તા છપાવવામાં આવી, પણ અંતિમ ભાગ ખોવાયો અને આખરે શરદની મંજૂરી લેવી જ પડી. જો ન છપાત તો ભારતીનું મૃત્યુ નક્કી જ હતું. ત્યારે શરદે ખુલ્લા મને મંજૂરી આપી અને અંતિમ અંક પ્રસિદ્ધ થયો ને બંગાળી સાહિત્યમાં ધરતીકંપ સર્જાયો.
 
       લેખક કોણ ? આવી સુંદર રચના અને લેખકનું નામ જ નહીં ! બંગાળી સમાજની ઘર ઘરની વાત હતી આમાં !કથા નહિ પણ કુશળ ચિત્રકારે ચિત્રિત કરેલો અંકન છે આ! સાહિત્ય મર્મજ્ઞોએ એ અટકળ કરી લીધી આ ગુરુવર્ય રવીન્દ્રનાથ જ લખી શકે .બંગદર્શનના સંપાદક શૈલેષચંદ્ર મજૂમદારે તો પહેલો ભાગ વાંચ્યો અને સીધા જ દોડ્યા ગુરુવર્ય રવીન્દ્રનાથ પાસે જેનો ઉલ્લેખ શરૂઆતના અંકોમાં મેં કર્યો છે  કે તમે કહેતા હતા કે હમણાં કોઈ નવી નવલકથા નહીં લખી શકો તો પછી આ શું છે ? ભારતીમાં કેમ લખ્યું ? રવીન્દ્રનાથે કહ્યું કે હા હું નવલકથા લખી શકું તેમ નથી કોઈએ મારી કવિતા ચોરી કરી ક્યાંકથી છાપી મારી છે .
 
      જુઓ મિત્રો ,અહીં ચોરીનો ઉલ્લેખ કર્યો છે જે સમસ્યા આજે પણ નવા જૂના લેખકોને પરેશાન કરી રહી છે .શૈલેન્દનાથે કહ્યું કવિતા નહિ ઉપન્યાસ છે! ગુરુવર્ય આશ્ચર્ય ચકિત થયા!શૈલેન્દ્રનાથે ભારતીમાં આવેલ અંશ વાંચી સંભળાવ્યા ને કહ્યું કે નામના આપો તો શું અમને ખબર ન પડે ?તમે પકડાઈ ના શકો ? ગુરુવર્ય્ આખો અંશ વાંચ્યો ને સાંભળ્યો અને તેઓ બોલી ઊઠ્યા કે આશ્ચર્ય ,મહા આશ્ચર્ય !જેણે પણ લખ્યું છે તે અસાધારણ પ્રભાવશાળી લેખક છે . મારી કૃતિ નથી .ગુરુવર્ય રવીન્દ્રનાથનાં આખા કુટુંબે આ વાંચ્યું.ખૂબ તપાસને અંતે ગુરુવર્ય જાણી શક્યા કે આના લેખક શરદબાબુ ચટ્ટોપાધ્યાય છે .સૌરીન્દ્રનાથ પાસે જાણ્યું કે  આવી શરદની અનેક કથા છે .ગુરુવર્ય રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છાપો એની કથાઓ છાપો! બેસી શું રહ્યાં છો?ભારત દેશ મંગલમય થઈ ઊઠશે. તે રંગૂન છે જાણી તેમણે કહ્યું એને શોધી લાવો અને અહીં ખેંચી લાવો .બંગાળીઓમાં એની બરોબરી નો લેખક કોઈ નથી .
 
      મિત્રો રંગૂનમાં બંગાળી સમાજે આ જાણ્યું તો બધાંને આશ્ચર્ય થયું .બધાને તેણે ઇનકાર કર્યો પણ અંગત મિત્રોને તેણે જાણ કરી. બડીદીદી તેની નાનપણમાં લખયેલ કથા છે.
 
        કલકત્તા હાઈડ્રોશીલનું ઓપરેશન કરવા આવ્યા ત્યારે મિત્રોને મળ્યા જ નહિ. શરદ પોતાની પ્રસિદ્ધથી ગભરાયા ,પણ લોકોએ જાણ્યું તો બધાં ટોળે મળ્યા. , અરે ! યુવતીઓનાં મા બાપ હવે તેની આગળ પાછળ ફરવા લાગ્યા તે સમયે તેણે લખ્યું કે દુઃખનાં દિવસોમાં આ બધાં ક્યાં ગયા હતા ? પછી જ્યારે જ્યારે કલકત્તા આવતા ત્યારે ત્યારે બદનામ ગલીઓમાં ફરતા ત્યાંની સ્ત્રીઓની અંદરની સારી ખરાબ નારીત્વની શોધ આદરી કઈ કેટલીય બદનસીબ નારીઓનો ઇતિહાસ જાણ્યો એમનું સંગીત માણ્યું, એમના રચેલા ગીતો કંઠસ્થ કર્યા અને આ બધી કથાઓમાં સ્ત્રીઓનાં ચારિત્રને જુદા જુદા સ્વરૂપે ચિત્રિત કર્યાં. ભારતીની બધી પ્રતો ભાઈ પ્રભાસ ચંદ્ર પાસે ખરીદી લેવડાવી , પણ સૌરિન્દ્ર મોહનને મળવા ન ગયા આમ બડીદીદીએ બંગાળી સાહિત્યને ખળભળાવી નાખ્યું. દરેક નવલકથામાં આપણે બડીદીદી જેવા અનેક સ્ત્રી પાત્રોને માણ્યાં છે.
 
    મિત્રો , આવતા અંકમાં ફરી કંઈક શરદબાબુ વિશે અવનવું જાણીશું .
 
અસ્તુ ,
જયશ્રી પટેલ
૬/૧૧/૨૨

2 thoughts on “વિસ્તૃત… ૩૭-જયશ્રી પટેલ

  1. આવારા મસીહા એક સુંદર વાર્તા શરદબાબુની,સરસ પ્રસ્તુતિ 👌🏻

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.