રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
કવિવરની રચનાઓ દ્વારા ફલિત થતા ભાવવિશ્વનો વ્યાપ ખૂબ વિશાળ છે પણ આ ભાવ-વિશ્વના કેન્દ્રમાં પરમાત્મા (અને પ્રકૃતિ) સાથેના સાયુજ્યપૂર્ણ સંપૂર્ણ સમર્પણનો ભાવ રહેલો છે. અને તેથીજ કદાચ કવિવરની રચનામાં અહંકાર કે અછકલાપણાની સદંતર ગેરહાજરી છે. આજે આપણે સમર્પણના સૂરને વાચા આપતી એક રચનાને જાણીશું અને માણીશું જેમાં કવિવરે હરિનામના મહિમાને શબ્દો દ્વારા વહેતો મુક્યો છે અને સાથે સાથે દાસ્યભાવે નમ્રતાથી પોતાની અસમર્થતા પણ વ્યક્ત કરી છે. પૂજા પારજોયમાં વર્ગીકૃત થયેલી અને 1886માંરચાયેલી આ રચનાનું શીર્ષક છે কী গাব আমি, কী শুনাব, (“Ki Gabo Ami Ki Shunabo”) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “હરિનામ…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ સહાનામાં કર્યું છે અને તેને એકતાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.

કવિવરે પોતાના અંતરના ભાવોને એક્દમ સહજ અને સરળ રીતે આ રચનામાં વ્યક્ત કરેલ છે. પરમાત્માની અનંત, અશેષ સમર્થતાને ઉજાગર કરતી આ રચનામાં કવિવરે હરિનામ દ્વારા પરમાત્માનું સતત સામીપ્ય અને સાંનિધ્ય પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરી છે અને સાથે સાથે હરિનામની શક્તિનો મહિમા ગાવા પોતે અસમર્થ અને નિઃસહાય છે તે દીનતા પણ વ્યક્ત કરી છે. અહીં હરિનામ એટલે સૌના પોતપોતાના ઇષ્ટનું નામ – કોઈ ચોક્કસ નામ કે મંત્રનો કોઈ ઉલ્લેખ કવિવરે કર્યો નથી.
વેદો અને શાસ્ત્રોમાં પણ હરિનામનું અપાર માહાત્મ્ય દર્શાવેલું છે. નવધા ભક્તિના પહેલા ત્રણ પગથિયાં (શ્રવણ, કીર્તન, સ્મરણ) હરિનામની આંગળી ઝાલીને જ સર કરી શકાય છે.
साङ्केत्यं पारिहास्यं वा स्तोभं हेलनमेव वा ।
वैकुण्ठनामग्रहणमशेषाघहरं विदु: ॥ १४ ॥
શ્રીમદ ભાગવત મહાપુરાણના ઉપરના શ્લોકમાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈક જાણતા, અજાણતા કે અવગણતા (હાંસી પાત્ર ગણીને) હરિનામનું શરણું લેશે તો પણ તે પરમાત્મા સાથે સાયુજ્યની અનુભૂતિ કરી શકશે.
કવિવરે પણ આ રચનામાં હરિનામના આભુષણે પોતાના આત્માને શણગારી, સજાવી દેવાની ખેવના વ્યક્ત કરી છે. તો ચાલો, હરિનામનું સ્મરણ કરતાં કરતાં આજે હું મારી કલમને વિરામ આપું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
-અલ્પા શાહ