સંસ્પર્શ-૩૮

jigisha -સંસ્પર્શ -youtube

છો પછી પળથી વધુ રોકાઉં નહીં તારા ઘેર

હું મને લીધા વગર આવું નહીં તારા ઘેર

હો તમારી હાજરી ની પણ અપેક્ષા ના મને 

કોઈ દાવો કોઈ હક લાવું નહીં તારા ઘેર

બારણું પરસાળ બારી ઓટલો નળિયા છજાં

રાહ જોતાં હોય ને આવું અહીં તારા ધરે

ક્યાંકથી પળમાં હવાની જેમ પણ આવી ચડું

જોઈ છે ખુલ્લી અમે બારી બધી તારા ધરે 

પ્રાર્થના સહુની અલગ સહુની જુદી રીતો હશે

ને અસર એક જ અમે દીઠા થતી તારા ઘરે

સ્લેટ પરના ચિત્ર જેવી હો પછી મારી સ્થિતિ

તું મને ભૂંસે કે તું ચીતરે નદી તારા ઘરે

આ કવિતામાં કવિ ધ્રુવભટ્ટે પરમ સાથે એક થવા કરાતી પ્રાર્થના કે ધ્યાનની પોતાની મનોસ્થિતિનું સહજ વર્ણન કર્યું હોય તેમ લાગે છે. પ્રાર્થના એટલે પરમ સાથે મળવા,પામવા કે પરમશક્તિની અનુભૂતિ કરવા કરાતું ધ્યાન.કવિ એવું કહેતા હોય તેવું તેમની કવિતાની પ્રથમ પંક્તિમાં જ લાગે છે.સંતો,મહાત્માઓ કે ગુણીજનો ,જે પણ ધ્યાન કરે છે ત્યારે માત્ર એકાદ ક્ષણ કે પળ માટે જ એ અનમોલ શક્તિ કે દિવ્યજ્યોતિનો કે પરમાનંદનો અનુભવ કરે છે એવું સાંભળ્યું છે. હા, પછી એ અનુભવ મેળવી તેને વાગોળતાં જરૂર લાંબો સમય એ અનુભૂતિનો નશો રહેતો હશે. પરતું આ તો જેણે આ રસ ચાખ્યો હોય તે જ જાણે ને?

એટલે જ કવિ પરમ સાથે વાત કરતાં હોય ત્યારે પરમ જાણે તેમને કહી રહ્યો છે કે ભલે હું એક પળથી જરાય વધુ તારા ઘેર રહું ,એટલે કે તને અનુભૂતિ થાય,મારા હોવાનો અનુભવ થાય ત્યારે હું જેટલો સમય તારી પાસે હોઈશ ત્યારે હું સંપૂર્ણ રીતે તારી પાસે હોઈશ. 

કવિની કલ્પના બહુ સરસ છે. પરમ જાણે કહી રહ્યો છે કે હું તારી હાજરીની અપેક્ષા પણ રાખતો નથી. પરમ તો કહે છે 

તું નહીં હોય તો ચાલશે પણ તારા ઘરનાં બારી,બારણાં, ઓટલો,છજા,પરસાળ બધાં મારી રાહ જોતાં હોય તેવું રાખજે. આમ કહી કવિ કહેવા માંગે છે કે તારો દુન્યવી વહેવાર ,તારા ઘરનું વાતાવરણ એટલું સ્વચ્છ,પ્રેમમય,કશાય વિહીન હોવું જોઈએ. 

સ્વચ્છ એટલે કામ,ક્રોધ,લોભ,મોહ,માયા વગરનું હોવું જોઈએ.જ્યાં દરેકે દરેક વ્યક્તિનો સ્વિકાર અને આવકાર હોય તેવી ફકીરાઈ અને દિવાનગી હોય, અહંકારનો નામોનિશાન ન હોય, તારા શરીર રૂપી ઘરનાં બધાં બારી,બારણાં, છજાં,ઓટલા પરસાળ એટલે મન,વચન,કર્મ,પંચેન્દ્રિયો,કર્મે્ન્દ્રિયો ,બુધ્ધિ- સર્વેન્દ્રિયોથી તું મારી રાહ જોતો હોઈશ, ત્યારે પવનની જેમ સડસડાટ તારી ખુલ્લી બારીમાંથી હું તારામાં આવી ચડીશ. 

પ્રાર્થનાની રીતો દરેક ધર્મમાં અલગ અલગ હોય છે. બધાં ભલે તેને જુદાંજુદાં નામથી બોલાવે,બધાંનાં રસ્તા જુદાજુદા છે પરતું બધાંને છેલ્લે એકજ જગ્યાએ પહોંચવું છે. પરતું સંતાન બધાં એકજ પરમેશ્વરનાં ,પરમપિતાનાં જ છે. લોકો ધર્મનાં ,જ્ઞાતિનાં ભેદભાવ રાખી કશું સમજ્યાં વગર એકબીજા સાથે લડે છે. તે સંદર્ભમાં કવિ કહે છે પ્રાર્થનાની રીત ભલે સૌની અલગ હોય પણ તે પહોંચેં છે એક જ મહાશક્તિને.કવિને એટલે તેની એક જ અસર થતી દેખાય છે. 

કવિ પરમને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ! તું મને કોરી સ્લેટ જેવો બનાવી દે! સાવ ખાલી. તે કોરી સ્લેટ જે સાવ વિકારરહિત હોય. તેમાં પછી તારે જે ચિતરવું હોય તે ચીતર. આમ કહી પરમ સાથે એકરૂપ થઈ જવાની વાત કવિ કરે છે. પરમસત્ય સાથે એકાકાર થઈ જવાની વાત કરે છે.

અને રાજેશ “મસ્કીન”ના શબ્દો યાદ આવે ,

જોજનો જેવું કશુંય ક્યાં રહ્યું અંતર હવે

આપણી વચ્ચેનું છેટું ,જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યા સરભર હવે

બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

જિગીષા દિલીપ 

૨જી નવેમ્બર ૨૦૨૨

1 thought on “સંસ્પર્શ-૩૮

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.