
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-38 ‘વિવેકબુદ્ધિ’ એની 37મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
નાહક પરાઈ આગમાં પડતાં નથી અમે,
મતલબ કે, અમને ખુદને પણ નડતાં નથી અમે!
ખુદની વિવેકબુદ્ધિને કામે લગાડીએ,
કોઈ ચડાવે એ રીતે ચડતા નથી અમે!
ફળ તોડીએ તો તોડીએ ઉંચી જ ડાળથી,
નીચી નમેલી ડાળને અડતાં નથી અમે!
મરજી અમારી હોય તો સામે જઈ મળીએ,
નહિતર તો શોધવાથી પણ જડતાં નથી અમે!
બીજા કોઈના જૂતામાં પગ નાખતાં નથી,
ખુદ પૂર્વજોનાં રસ્તે પણ પડતાં નથી અમે!
આજે ખલીલ એટલો વિશ્વાસ સોને છે,
કોઈને પણ છેતરતાં કે નડતાં નથી અમે!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
જેને પારકી પંચાત કરવાની ટેવ હોય એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૌથી પહેલાં તો પોતાનો અમૂલ્ય સમય નકામી વાતોમાં વેડફાય છે. તો વળી જે લોકોની પંચાત કરે, તેમની સાથે સંબંધ બગડે, એટલું જ નહીં એ લોકોને માનનારા, તેમને સાથ આપનારા સૌ પણ શત્રુ બની રહે. સામે જેને એવી ટેવ નથી તેને કોઈ દુશ્મન કે વિરોધી ન હોય અને એટલે એને ન તો કોઈ નડે કે ન પોતે નડે!
નાહક પરાઈ આગમાં પડતાં નથી અમે,
મતલબ કે, અમને ખુદને પણ નડતાં નથી અમે.
ઘણીવાર એવું બનતું હોય છે કે, બીજા જેને પારકી પંચાત કરવાનો રસ હોય તે વાત વાતમાં આપણને પણ તેમાં ખેંચવા પ્રયાસ કરે, બલ્કે આગ્રહ કરે. કહોને કે આપણને એમાં ઢસડી જાય! તો આવા સમયે સતેજ થઈ જવું પડે. કોઈનું કહ્યું માનીને ઝંપલાવી દેવાને બદલે, પરિસ્થિતિ પ્રમાણે વિચારવું પડે અને સાચો નિર્ણય લેવો પડે. અહીં દરેકને પોતાની વિવેકબુદ્ધિ ઉપયોગી નિવડે છે.
ખુદની વિવેકબુદ્ધિને કામે લગાડીએ,
કોઈ ચડાવે એ રીતે ચડતા નથી અમે!
સિંહ માટે કહેવાયું છે કે, તે ભુખ્યો રહે પણ ઘાસ ન ખાય. આની પાછળ તો કદાચ તેના શરીરનું બંધારણ હોઈ શકે, કે વિજ્ઞાન હોઈ શકે. પણ મનુષ્યની વાત કરીએ તો એ ક્યાં તો વેજીટેરીયન હોય કે નોન-વેજ ખાનાર હોય. મારે તો આ ચાલે જ નહીં ને મારે તો આ જોઈએ જ. આ થિયરી પર ચાલનારો એક ખાસો મોટો વર્ગ હોય છે. અમેરિકા જેવા દેશમાં જન્મેલા આપણાં બાળકો ઘરનું બનેલું ખાવાનું ટાળે છે. તો બહારનું ન જ ખાનારો વર્ગ પણ છે. એ સૌને લાગે છે કે, પોતે જ સાચા! તેમની મજાક ઉડાવતાં ખલીલ સાહેબ આ શેર આપણને કહે છે.
ફળ તોડીએ તો તોડીએ ઉંચી જ ડાળથી,
નીચી નમેલી ડાળને અડતાં નથી અમે!
ઘણાં મોટાઈ એટલી હદે જતાવતા હોય છે કે, એપોઇન્ટમેન્ટ વગર કોઈને ન મળે. અને એપોઇન્ટમેન્ટ આપ્યા પછી પણ ઈચ્છા થાય તેને મળે નહીં તો ધરાર ના પાડી દે. જેમને એનું કામ હોય તે મળવાની આશામાં આંટા માર્યા કરે. પણ એ હાથમાં આવે તો ને! પણ હા, જ્યારે એમને કોઈનું કામ હોય ત્યારે સામે ચાલીને તેને મળવા જશે.
મરજી અમારી હોય તો સામે જઈ મળીએ,
નહિતર તો શોધવાથી પણ જડતાં નથી અમે
કોઈની સાથે સરખામણી કરતાં રહેવું, અમુક અંશે તેના જેવું કરવું, કોઈ સમજી ન જાય તે રીતે તેની નકલ કરવી. ઘણાંને આવી ફાવટ હોય છે. પણ જ્યારે તેમની આવી હરકતો પકડાઈ જાય ત્યારે અતિશયોક્તિ યુક્ત વાણીનો આશરો લેશે. અને મોટેથી કહેશે કે, અમે અમારી કેડી ખુદ કંડારીએ છીએ. અમે તો અમારા પૂર્વજોનાં પગલે પણ નથી ચાલતા.
બીજા કોઈના જૂતામાં પગ નાખતાં નથી,
ખુદ પૂર્વજોનાં રસ્તે પણ પડતાં નથી અમે!
વ્યક્તિ કેવી જિંદગી જીવે છે તે ઘણું અગત્યનું છે. અને એની એ જીવનશૈલીના આધારે લોકોમાં તેની એક છબી કંડારાય છે. એ વ્યક્તિ શું કરી શકે અને શું ન જ કરી શકે, તેની ક્ષમતાની લોકોને જાણ હોય છે. એની ફિતરતથી પણ લોકો વાકેફ હોય છે. જીવનભર કોઈને પરેશાન કરવાની કે છેતરવાની ઈચ્છા ન હોય તે બીજાને મદદ કરે કે ન કરે પણ કોઈને નડે તો નહીં જ. લોકોને એની ખાત્રી હોય છે.
આજે ખલીલ એટલો વિશ્વાસ સોને છે,
કોઈને પણ છેતરતાં કે નડતાં નથી અમે!
સલાહ તો મફત મળે એટલે આપણે જરૂર હોય કે નહીં વણમાગી સલાહ ચારે બાજુથી મળતી રહે પણ આપણે શું કરવું જોઈએ અથવા શું યોગ્ય છે તે વિવેકબુદ્ધિ વાપરીને વિચારવું પડે. મિત્રો, આ સલાહ તમને કેવી લાગી? આવી મઝાની બીજી એક ગઝલ સાથે આપણે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર