સંસ્પર્શ -૩૪- જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

શક્ય છે હુંયે સૂરજનો સાથ લઈને નીકળું

હર સવારે સાવ નોખી જાત લઈને નીકળું

નીકળું આકાશગંગા લાંઘવાનું પણ ગ્રહી

રાતના આકાશમાં વણજાર લઈને નીકળું

સાત જાજરમાન દરિયાઓ ભરી લઈ પાંખમાં 

લો મલપતિ ચાલ હું વરસાદ લઈને નીકળું 

સૃષ્ટિની હર એક કૃતિ હર આદમીના હોશમાં 

કલ્પના કર યાર તે આકાર લઈને નીકળું

આ બધી જાહોજલાલી સામટી ઝાંખી પડે

એ રીતે ખાલી કમંડળ હાથ લઈને નીકળું 

કોઈપણ કવિ હ્રદય જ્યારે સૃષ્ટિનાં પરમે કરેલા અનુપમ સૌંદર્યને નિહાળે છે ત્યારે તેના રોમરોમને તે સૌંદર્ય સ્પંદિત કરી નાંખે છે. આ સ્પંદનો કવિહ્રદયમાંથી એક સર્જનનો ઉદ્ગાર કરે છે. કવિ ધ્રુવ ભટ્ટ પણ જ્યારે ઊગતા સૂરજને જૂએ છે,અનંતની લીલાને માણતાં જ તેમના શબ્દો સરી પડે છે.’શક્ય છે હું યે સૂરજને સાથ લઈને નીકળું,હર સવારે નોખી જાત લઈને નીકળું’રોજ સવારે સૂરજ ઊગે છે અને એક નવીજ ,જુદી,તરોતાજા સવાર લઈને આવે છે. એ જોઈને કવિને પણ એમ થાય છે કે હું પણ રોજ જાગીને એક નવા વિચાર,નવી દિશા ,નવો સુધાર લઈ મારી જાતમાંથી રોજ મારો એક દોષ કે કષાયને કાઢી, નોખી,નિર્મલ જાત લઈને નીકળું.

કવિ ધ્રુવ ભટ્ટ પ્રકૃતિપ્રેમીની સાથે પંચ તત્વોનાં પણ પ્રેમી છે. ખગોળશાસ્ત્ર તેમનો ખૂબ ગમતો વિષય છે. રાત્રિનાં નભમંડળના- ચંદ્રની ચાંદનીમાં ,ટમટમતા તારલાની ચાદરમાં અને આકાશગંગામાં ખોવાઈ જવાની તેમને ખૂબ મઝા આવે છે. અને એટલેજ તેમને આકાશગંગાને લાંઘવાનું પ્રણ લઈ ,રાતનાં આકાશનાં તારલાની વણઝાર સાથે સેર પર જવાનું મન થાય છે. કવિ ધ્રુવ ભટ્ટ સાથેની આ વણજારમાં કવિતા વાંચતાં જ જાણે સૌ વાચકોને પણ જોડાઈને તેમની સાથે અનંત આકાશમાં ધૂમવાનું મન થઈ જાય છે! આ સાથે જ યાદ આવી જાય છે કવિ નાન્હાલાલ લિખિત અને સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુર સ્વરાંકિત અને અમર ભટ્ટનાં સ્વરે સાંભળેલ,

“વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;

  કે આભને મોભે બાંધ્યા દોર;

  વિરાટનો હિંડોળો….

પુણ્યપાપ દોર,ને ત્રિલોકનો હિંડોળો

ફરતી ફૂમતડાની ફોર;

ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર

ટહુકે તારલિયાના મોર:”

આગળ કવિને વરસાદની જેમ સાતે દરિયાને પોતાની અંદર ભરી લઈને મલપતી ચાલે ચાલવાનું મન થાય છે. સાથેસાથે સૃ્ષ્ટિની રચનાથી અભિભૂત થયેલાં ધ્રુવભટ્ટને આ આખા બ્રહ્માંડને પોતાની ભીતર લઈ મૌન થઈ ,પોતાની અંદર જ નાભી સુધી પથરાઈ જવાનું મન થઈ જાય છે.

કદાચ આવો જ અનુભવ કરતા ,કવિ રાજેન્દ્ર શુક્લ એટલે જ ગાતા હશે,

“ જે ઝળકતું હોય છે તારકોના મૌનમાં 

એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે”

અને તેમના આ અલૌકિક આનંદને પોતાના શબ્દ વૈભવથી શણગારવા ધ્રુવદાદાને જીભ પર અસવાર થઈને નીકળવાનું પણ મન થઈ આવે છે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોષી એટલે જ “ કવિતાને આત્માની માતૃભાષા અને કવિને સ્વર્ગનો જાસૂસ “કહેતા હશેને?

કોઈપણ કવિ જ્યારે સૃષ્ટિનાં સર્જનને નિહાળે છે ત્યારે તેનો આત્મા કવિતાની ભાષા સહજતાથી બોલવા લાગે છે અને સ્વર્ગનાં સર્જન સમ સ્વર્ગમાં મહાલે છે. 

પોતાના વિચારોને પોતાના જુદાજ અનોખા અંદાજમાં રજૂ કરતા ધ્રુવદાદાને એક એક અને દરેક આદમીમાં સૃષ્ટિની એક એક આગવી કૃતિ રચાઈ હોય તેમ અનુભવાય છે.

આમ છતાં આ સમગ્ર સૃષ્ટિની બધી જાહોજલાલીને ઝાંખી પાડે એવા મલકની શોધમાં ધ્રુવ ભટ્ટ એક ખાલી કમંડળ લઈ નીકળી પડવાનું વિચારે છે.કવિઓની કલ્પના આપણને સૌને જુદા જ જગતમાં લઈ જાય છે.

સૌના ગમતાં રમેશ પારેખ પણ તેમની કવિતામાં આવા પેલે પારનું જગત કેવું હશે વિચરતા કહે છે,

“ તળનું મલક હશે કેવું?

સૂરજના સામટા શિરોટા ડૂબે રે તોય

ઉઘડે નહીં વાસ્યા કમાડ

માટીની આંગળીથી કેમ રે ખસેડું હુ્ં 

અંધારા પાણી- ના પ્હાડ”

આમ સમગ્ર બ્રહ્માંડના આશ્ચર્યને પોતાની ભીતર સમાવી ,બુધ્ધ જેવા મૌનને સેવી છેવટે પરમની શોધમાં માત્ર કમંડળને હાથ ધરી ધ્રુવદાદા નીકળે છે અનંતમાં વિહરવા… આ અનહદને પેલે પાર અનાહતનો આસ્વાદ કરાવતી કવિતા આસ્વાદવાની મને પણ મઝા પડી.

જિગીષા દિલીપ

૫મી ઓક્ટોબર ૨૦૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.